ફાયર સેફ્ટી અને ડિઝાસ્ટર મેનેજમેન્‍ટ

Posted by

વાચક, મિત્રો,

આપ જાણો જ છો કે, હાલ હું જે કચેરીમાં ફરજો બજાવું છું, તે ઇ – પગાર અને હિસાબ કચેરી (જીએસટી) થોડા સમય પહેલા જ નવી જગ્યાએ કાર્યરત કરવામાં આવેલ છે. કચેરી નવી હોવાથી જ્યારથી તેના માટે અગ્નિ શામક યંત્રો ખરીદવામાં ત્યારથી તેના ઉપયોગ અને કચેરીની તથા કર્મચારી ગણની સલામતી માટે ફાયર સેફ્ટી અને ડિઝાસ્ટર મેનેજમેન્‍ટને લગતી ટ્રેનિંગ કમ અવેરનેશ પ્રોગ્રામનું આયોજન કરવાની બાબત વિચારણાધિન હતી. મારા સાથી અધિકારીઓ અને શાખાના અધિક્ષકો સમક્ષ આ પ્રસ્તાવ મૂકતાં જ તેઓએ તેને સાકાર કરવા પ્રયત્નો શરૂ કરી દીધા અને તેઓની શુભ મહેનતના ફળ સ્વરૂપે ઈ- પગાર અને હિસાબ કચેરી (GST), ગાંધીનગરના સ્ટાફ માટે તા. ૦૯/૧૦/૨૦૧૯ના રોજ એક તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમમાં ઈ- પગાર અને હિસાબ કચેરી (GST)ના સ્ટાફને તાલીમ આપવા તજજ્ઞ તરીકે કુ. મેઘા રબારી, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી(DPO), District Emergency Operation Centre, કલેક્ટર કચેરી, ગાંધીનગર તથા શ્રી એસ. એમ. શેખ, સબ ફાયર ઓફિસર, ફાયર સ્ટેશન, સેક્ટર – 22, ગાંધીનગર ઉપસ્થિત રહેલ હતા. આ તાલીમમાં ઈ- પગાર અને હિસાબ કચેરી (GST)ના સ્ટાફ ઉપરાંત IFMS – II અંતર્ગત મે. વિપ્રોના પ્રતિનિધિઓ મળી કૂલ 30 જેટલા અધિકારી/કર્મચારીઓ હાજર રહેલ હતા.

કુ. મેઘા રબારી, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર (DPO) દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં નીચે મુજબના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવેલ હતી:

 • આપત્તિ એટલે કે કુદરતી અથવા અન્ય પ્રકારની ખરેખર અથવા સંભવિત ઘટના જેનાથી –
  • સ્થાવર અને જંગમ બન્ને મિલકતને વ્યાપક હાનિ અથવા નુકશાન થાય,
  • માનવ જિંદગીની વ્યાપક ખુવારી અથવા માનવ સમુદાયને ઈજા કે બિમારી લાગુ પડે,
  • પર્યાવરણને નુકશાન કે તેની અવનતિ થાય,
  • જન સમુદાય પોતાની અંગત સાધન સંપત્તીનો ઉપયોગ કરીને જે પરિસ્થિતિમાં પહોંચી વળી ન શકે,
  • જેનાથી જન સમુદાયનું સામાન્ય કામકાજ ખોરંભે પડે તેવી ઘટના.
 • આ આપત્તિ વ્યવસ્થાપનને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા ૨૬/૦૧/૨૦૦૧ના ભુકંપ બાદ તા. ૦૮/૦૨/૨૦૦૧ના રોજથી ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (Gujarat State Disaster Management Authority)ની રચના કરવામાં આવેલ છે. જે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, ૨૦૦૩ પસાર થયા બાદ, આ અધિનિયમની કલમ ૬ (૧) અન્વયે ૧લી સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ થી વૈધાનિક તંત્ર તરીકે કાર્યરત છે.
 • આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત અન્ય વિવિધ મુદ્દાઓ જેવા કે આપત્તિના પ્રકાર, આપત્તિ વખતે અપનાવવાનો અભિગમ, તેને લગતી નીતિ અને જવાબદારીઓ, આપત્તિ સમયે કઈ-કઈ Response Teamનો સંપર્ક કરી શકાય તેની વિગતો, આપત્તિ ટાળવાના અગમચેતી પગલાઓ, દરેક સંસ્થા માટે અગાઉથી નક્કી કરાયેલા થયેલ Disaster Management Action Planની અગત્યતા વગેરે બાબતે ઝીણવટભરી માહિતી આપવામાં આવેલ હતી.

શ્રી શેખ, સબ ફાયર ઓફિસર દ્વારા ફાયર સેફટીને લગતી તલસ્પર્શી બાબતોની ચર્ચા કરવામાં આવેલ હતી, જેની ટૂંકમાં વિગતો નીચે મુજબ છે:

 • કોઇપણ આપત્તિની પરિસ્થિતિમાં ગાંધીનગર ખાતે ફાયર સ્ટેશનનો સંપર્ક કરવા માટે સંપર્ક વિગતો જણાવવામાં આવી, જે મુજબ કોમન નંબર ૧૦૧થી સંપર્ક કરી શકાય. આ ઉપરાંત ૦૭૯ ૨૩૨ ૨૨૧૦૦ તથા ૦૭૯ ૨૩૨ ૨૨૭૪૨ નંબર પર પણ સંપર્ક કરી માહિતી આપી શકાય છે કે મદદ માંગી શકાય છે. કોઇ સંજોગોમાં આ એક પણ નંબર પર સંપર્ક ન થઈ શકે, તો પોલીસની મદદ માટેના કોમન નંબર ૧૦૦ અથવા નજીકના પોલિસ સ્ટેશનનો સંપર્ક કરી મદદ માંગી શકાય છે.
 • આગ લાગવા માટે મુખ્ય રીતે ત્રણ વસ્તુનું સંયોજન થવું જરૂરી છે. (1) જ્વલનશીલ પદાર્થ (Combustible Material), (2) પ્રજ્વલન (Ignition) અને (3) પ્રાણવાયુ (Oxygen).
 • ત્યારબાદ, આગના વિવિધ પ્રકાર બાબતે માહિતી આપવામાં આવેલ હતી, જેમ કે,
  • Type “A” fire એટલે કે રૂ, લાકડું, કાગળ, કાપડ વગેરેમાં લાગતી આગ કે જેના અંતે સળગેલ વસ્તુ રાખ થઈ જાય છે.
  • Type “B” fire એટલે કે ઓઇલ, પેટ્રોલ, ડિઝલ, થીનર વગેરે જેવા જ્વલનશીલ પદાર્થથી લાગતી આગ.
  • Type “C” fire એટલે કે LPG, PNG, CNG વગેરે જેવા ગેસથી લાગતી આગ.
 • આગ બુઝાવવાની પણ જુદી-જુદી રીતો છે જે બાબતે નીચે મુજબ સમજૂત કરવામાં આવ્યા:
  • Smothering એટલે કે, સળગતી વસ્તુને ઓક્સિજન મળતો બંધ થઈ જાય તેવી રીતે ભીનું કપડુ, બ્લેન્‍કેટ વગેરે વસ્તુથી ઢાંકીને આગને કાબુમાં લેવાની પદ્ધતિ.
  • Cooling એટલે કે, સળગતી વસ્તુ ઉપર પાણી, અગ્નિ શામક યંત્રનો પાઉડર અથવા CO2ના છંટકાવથી આગને કાબુમાં લેવાની પદ્ધતિ.
  • Starvation એટલે કે, જ્યારે સળગતી વસ્તુની આગ બુઝાવવી શકાય ના હોય, ત્યારે તે આગને ફેલાતી રોકવા અન્ય વસ્તુઓ તેનાથી દુર કરી દેવી કે જેથી સળગતી વસ્તુ પૂર્ણપણે સળગી જતા આગ શમી જાય, આગ સીમિત થઇ જાય અને વધુ ફેલાતી અટકે.
 • કયા પ્રકારના અગ્નિશામક યંત્રનો ઉપયોગ કયા પ્રકારની આગ બુઝાવવા કરવો જોઇએ તેની પણ વ્યવહારુ સમજણ આપવામાં આવી. દા.ત. કોમ્પ્યુટર, પ્રિન્ટર વગેરે સાધનોમાં આગ લાગે ત્યારે પાઉડર બેઇઝડ અગ્નિ શામકનો ઉપયોગ ન કરતા COપ્રકારના અગ્નિશામકનો ઉપયોગ કરવો જોઇએ, જેથી આવા યંત્રો બિનઉપયોગી ન બની જાય. આ ઉપરાંત CO2 પ્રકારના અગ્નિશામક ઉપયોગ કરતી વખતે તેને સતત ચાલુ ન રાખતા એક-બે મિનિટ ચાલુ રાખ્યા બાદ પાંચથી દસ સેકન્‍ડ બંધ રાખવું આવશ્યક છે વગેરે.

બંને અધિકારીઓએ મળી વિવિધ પ્રકારની આપત્તિઓમાં ધ્યાનમાં રાખવાની નાની-નાની બાબતો માટે નીચે મુજબ સમજૂતી આપેલ હતી:

ભુકંપ – ભુકંપ વખતે કોઇપણ બિલ્ડિંગમાં વચ્ચે ઉભા ન રહેતા, બિમ સાઇડે ઉભા રહેવું જોઇએ. ભુકંપ વખતે સીડીનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો અને જો ઉપયોગ કરવો પડે તેમ હોય તો સીડી ઉપર ન રોકાતા તુરંત નીચે ઉતરી જવું. ભુકંપ વખતે બહુમાળી મકાનમાં કોઇપણ સંજોગોમાં ઉપર ના ચડવું. ભુકંપ વખતે બિલ્ડિંગની બહાર નીકળતી વખતે માથા ઉપર બેગ વગેરે જેવી વસ્તુ રાખવી, જેથી માથાની ઇજાથી બચી શકાય.

પૂર– પૂરના કિસ્સામાં જો લાઈફ જેકેટ ઉપલબ્ધ ન હોય, તો આઠ-દસ શ્રીફળ/નાળિયેર કે સોફટ ડ્રીંકની બોટલો વગેરેનો હાર બનાવી છાતી સાથે બાંધી દેવામાં આવે તો ડૂબવાની સંભાવના ઘટી જાય છે. આ ઉપરાંત ઘરમાં પ્લાસ્ટીક બેરલ કે થર્મોકોલ હોય તો સુરક્ષિત સ્થાને જવામાં મદદરૂપ થઇ શકે છે.

આગ– આગના કિસ્સામાં ધુમાડો જમીનથી બે-ત્રણ ફૂટ ઉપર રહેતો હોય, નીચે નમી કે જમીન પર સુતા-સુતા બહાર જવું. નાક પર ભીનો રૂમાલ વીટી ધુમાડામાંથી બહાર નીકળવું. જ્યાં આગ લાગી હોય તે દરવાજો ઊભા રહી સીધો જ ના ખોલતા બેસીને નીરાંતે ખોલવો. જો કોઇ વ્યક્તિ કે પશુ સળગતું હોય તો તેને જમીન પર પાડી ગબડાવવા જેથી આગ બુઝાય જશે. જો આવા સળગતા વ્યક્તિ કે પશુને બ્લેન્‍કેટ વગેરે ઢાંકવામાં આવેલ હોય, તો વધુ સમય તેમાં ન રાખતા આગ બુઝાય કે તરત બ્લેન્‍કેટ દુર કરવું.

આપત્તિને ટાળવા અગમચેતીના પગલાંરૂપે અન્ય સૂચનો પણ કરવામાં આવ્યા, જેવા કે, 1. સમયાંતરે બિલ્ડિંગ સિક્યુરિટી સર્વે કરાવવો. 2. ઇલેક્ટ્રિક ઓડિટ કરાવવું. 3. આપત્તિ માટે મદદરૂપ Response Teamની જાણકારી રાખવી. 4. કચેરી માટે Disaster Management Action Plan રાખવો. 5. કચેરીમાં દોરડું રાખવું. 6. કચેરીના સ્ટાફે ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ રહેવું. 7. ઘરમાં કે કચેરીમાં ટુ પીન અને થ્રી પીનનો ઉપયોગ ટાળવો. 8. ELCB (Earth- Leakage Circuit Breaker) નો ઉપયોગ અનિવાર્ય પણે કરવો. 9. ઘરે કે કચેરીમાં કોઇ સ્વિચ તુટેલી ન હોય અને ઇલેકટ્રીકના બોર્ડ ઢીલા ન હોય તેની તકેદારી રાખવી. 10. LPG સિલિન્‍ડરને સ્વિચ બોર્ડ કે જ્વલનશીલ પદાર્થની બાજુમાં ન રાખવું. 11. બે LPG સિલિન્ડર જોડે ન રાખવા. 12. શકય હોય તો ફ્રીઝ રસોડાની બહાર રાખવું. 13. ગેસની પાઇપ સમયાંતરે બદલાવવી તથા રેગ્યુલેટર અને બર્નરની નિયમિત જાળવણી કરવી. 14. કારનું વાયરિંગ, સેલ્ફ અને બેટરી સારી પરિસ્થિતિમાં હોય તેની કાળજી રાખવી.

સબ ફાયર ઓફિસર શ્રી શેખ દ્વારા ફાયર ફાઇટર વ્હીકલનો પરીચય કરાવવામાં આવ્યો તથા વિવિધ પ્રકારે આગ બુઝાવવાનુ લાઇવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યુ. જેમાં ઝાડની  ડાળીઓ (બીટલ લીવ્સ) દ્વારા, ABC પ્રકારના અગ્નિશામક યંત્ર દ્વારા તથા પાણીનો છંટકાવ કરી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દોરડાના વિવિધ ઉપયોગ જેવા કે, એકી સાથે ઘણી બધી ગાંઠો કેવી રીતે બાંધવી? અને ખુરશી ગાંઠ(Chair Knot) કઇ રીતે બાંધવી? લોક અથવા જાળી વગેરે કટરથી કઇ રીતે ઝડપથી કાપવામા આવે છે? તેનું નિદર્શન કરવામાં આવ્યું. જેના અંશો http://youtu.be/M_fmb7vijv0 લિંક પર વિડિયોમાં જોઇ શકાશે.

સામાજિક જવાબદારીની ભાવના સુદ્રઢ કરવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (Gujarat State Disaster Management Authority) દ્વારા રસ ધરાવતા નાગરિકોને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આવી તાલીમ આપ્યા બાદ તેઓની નોંધણી કરી, ઓળખપત્ર આપવામાં આવે છે. આવા તાલીમબદ્ધ નાગરિકો પાસે આપત્તિ સમયે તેઓની હાજરી અને મદદની અપેક્ષા રાખવામાં આવે છે. આ કાર્યક્રમનું નામ છે, “આપદા મિત્ર”.

તાલીમના અંતે ચર્ચા દરમિયાન બધા એકમત થયા કે, ખરેખર આ પ્રકારની તાલીમનું આયોજન થવું જોઇએ, હાલ થઇ રહેલ તાલીમનો વ્યાપ વધારવો જોઇએ, ફાયર સેફટી અને આપત્તિ વ્યવસ્થાપન એક વિષય તરીકે પ્રાથમિક શિક્ષણમાં જ સમાવેશ થવું જોઇએ. આ વિષયના ડિપ્લોમા તથા ડીગ્રી કોર્ષ શરૂ કરવામાં આવે તે પણ ઘણું આવશ્યક છે.

તાલીમ આપવા ઉપસ્થિત બંને તજજ્ઞોએ ખરેખર ઉપયોગી માહિતી પુરી પાડેલ હતી અને કચેરીના અધિકારી/કર્મચારીઓને જીવનપર્યંત અંગત રીતે તથા તેઓ આ કચેરી ઉપરાંત અન્ય જે કચેરીમાં ફરજો બજાવશે તે તમામ જગ્યાએ આ માહિતી ઉપયોગી રહેશે. આવી માહિતીપ્રદ તાલીમ આપવા બદલ બન્ને અધિકારીઓનો આભારી છું અને આખા કાર્યક્રમનું શરૂઆતથી આયોજન અને સુચારૂ સંચાલન કરવા બદલ કુ. હેતલબા સોલંકી, અધિક્ષક (રેકર્ડ)નો પણ તેટલો જ આભારી છું.

મિત્રો, આશા રાખું છું કે, બધાને ઉક્ત માહિતી રોજીંદા જીવનમાં ચોક્કસ ઉપયોગી નિવડશે અને તમે લોકો પણ જ્યાં ફરજો બજાવો છો, ત્યાં આવા કાર્યક્રમનું આયોજન કરશો અને સાથી મિત્રોને ફાયર સેફ્ટી અને ડિઝાસ્ટર મેનેજમેન્‍ટને લગતી અગત્યની માહિતી મળી રહે તે દિશામાં વધુ ને વધુ પ્રયત્નો કરશો.

4 comments

 1. Very useful. Such programs would definitely help on real time basis rescue on unexpected & unanticipated events or disaster.

  Should frequently arrange such programs for awareness of general public.

  1. really
   Very useful. information would definitely help on real time basis rescue on unexpected & unanticipated events or disaster….👏👏👍👍
   n best msg for a plantation 🌴🌴☘️☘️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *