Home Social Activity ઈ – પગાર અને હિસાબ કચેરી (જીએસટી), ગાંધીનગરની સામાજિક પ્રવૃતિઓ

ઈ – પગાર અને હિસાબ કચેરી (જીએસટી), ગાંધીનગરની સામાજિક પ્રવૃતિઓ

16
ઈ – પગાર અને હિસાબ કચેરી (જીએસટી), ગાંધીનગરની સામાજિક પ્રવૃતિઓ

કેન્દ્ર સરકારશ્રી દ્વારા વિવિધ 17 પ્રકારના પરોક્ષ વેરાઓને એક છત્ર હેઠળ આવરી લઇ, તા. 1લી જુલાઇ, 2017થી માલ અને સેવા કર – જીએસટી અમલી બનાવવામાં આવેલ છે. પરોક્ષ કર માળખામાં ‘ન ભૂતો ના ભવિષ્યતિ’ એવા ધરમૂળથી કરવામાં આવેલા સુધારાથી અમલમાં આવેલ માલ અને સેવા કર – જીએસટીના સુચારૂ અમલીકરણ માટે કેન્દ્ર સરકાર કક્ષાએ જીએસટી કાઉન્સિલ, ગૂડ્સ અને સર્વિસીઝ ટેક્ષ નેટવર્ક – જીએસટીએન, એન્ટી પ્રોફિટીયરીંગ કમિટી વગેરેની રચના કરવામાં આવેલ છે. આ જ રીતે કેન્દ્ર સરકારની સાથે સુધારાઓમાં કદમથી કદમ મિલાવવા, રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્ય માલ અને સેવા કર – એસજીએસટીની આવકોના કેન્‍દ્રીયકૃત હિસાબો નિભાવવા ઈ – પગાર અને હિસાબ કચેરી (જીએસટી), ગાંધીનગર” ની રચના કરવામાં આવેલ છે. આ કચેરી તા. 21.06.2017થી કાર્યરત છે. આ કચેરીના કર્મચારીઓ એક કુટુંબની જેમ સાથે રહી પરસ્પર સહકારની ભાવના સાથે સમગ્ર રાજ્યની જીએસટીની આવકોના હિસાબો રાખવાનું ભગીરથ કાર્ય કરે છે.

એપ્રિલ 2014માં કંપની એક્ટ, 2013માં સુધારો કર્યા પછી, ભારત કોર્પોરેટ સોશીયલ (સામાજિક) રિસ્પોન્સિબિલીટી (જવાબદારી) – સીએસઆર ફરજિયાત બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ છે. સામાજિક જવાબદારી (સોશીયલ રિસ્પોન્સિબિલીટી)ની વિભાવના દ્વારા કંપનીઓ તેમના વ્યાવસાયિક કામગીરી ઉપરાંત સામાજિક અને પર્યાવરણીય કાર્યોને સંકલિત કરે છે તથા આર્થિક, પર્યાવરણીય અને સામાજિક આવશ્યકતાઓ(ટ્રીપલ – બોટમ લાઇન – એપ્રોચ)નું સંતુલન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસો જેવા કે, ટાટા ગૃપ, અલ્ટ્રાટેક સિમેંટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઇટીસી ગૃપ વગેરે સામાજિક જવાબદારી નિભાવવા શિક્ષણ, બેકારી, વાતાવરણ વિવિધ ક્ષેત્રે ઘણી કામગીરી કરે છે અને આ વિભાવનાને સુપેરે નિભાવે છે.

સરકારશ્રીની મહેસૂલી આવકોમાં મોટો હિસ્સો ધરાવતી જીએસટીની આવકોના હિસાબો નિભાવવાની સાથે-સાથે આ કચેરી પણ કોર્પોરેટ સોશીયલ (સામાજિક) રિસ્પોન્સિબિલીટી (જવાબદારી) – સીએસઆર જેવી જવાબદારીની અદા કરવાનું ચૂકતી નથી. આ કચેરી દ્વારા વર્ષ – 2019માં અત્યાર સુધીમાં ચાર જેટલી સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવેલ છે; જેની વિગતો નીચે મુજબ છે.

  1. જાન્યુઆરી – 2019માં ઇ-પીએઓ(જીએસટી) પરિવારના સભ્યો દ્વારા સેક્ટર – 16ની શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોની મુલાકાત લીધી હતી. આ બાળકો સાથે સમય વિતાવવો એ પણ એક લહાવો છે. મુલાકાત દરમ્યાન મકરસંક્રાંતિને અનુરૂપ મમરાના લાડુ, રાજગરાના લાડુ, માવા ચીકી, સીંગ ચીકી વગેરે નાસ્તો બાળકોને વહેંચવામાં આવ્યો હતો.
  2. ફેબ્રુઆરી – 2019માં સેક્ટર – 19 ખાતે આવેલ સ્પેશિયલ ચાઇલ્ડ હોમ કે જ્યાં HIV-AIDS અસરગ્રસ્ત બાળકો રહે છે અને ભણે છે, તેઓની મુલાકાત લીધી હતી. આ બાળકો પૈકી એક બાળકની, ‘વિદ્યા દાનમ મહા દાનમ’ને ચરિતાર્થ કરવાના શુભાશય સાથે, અર્ધ-વાર્ષિક શિક્ષણ ફી ભરી તેનું આગળનું ભણતર સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું અને બાળકોને તાજા ફળો વહેંચી પૌષ્ટિક નાસ્તો કરાવવામાં આવેલ હતો.
  3. તા 4થી મે, 2019ના દિવસે 420 સે. જેટલા ધોમ-ધખતા તાપમાનમાં ઇ-પીએઓ(જીએસટી) પરિવારના સભ્યો દ્વારા ‘ચ’ રોડ ઉપર વટેમાર્ગુઓને આશરે 400 ગ્લાસ ઠંડી મસાલાવાળી છાશનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
  4. તાજેતરમાં તા. 3જી જુલાઇ, 2019ના રોજ સેક્ટર – 6 ખાતે આવેલા કર્મ ફાલ્ય ટ્રસ્ટ સંચાલિત ‘કિશ્ર્ના વૃધ્ધાશ્રમ’ની મુલાકાત લેવામાં આવેલ હતી. વૃધ્ધાશ્રમના વડીલો માટે બનતી રસોઇમાં જરૂરી મસાલા જેવા કે, મરચું, હળદર, ધાણાજીરૂ, રાય, આખું જીરૂ, હિંગ વગેરેનો જથ્થો આપવામાં આવેલ હતો. આ ઉપરાંત વડીલો સાથે હળવો નાસ્તો કરી, સમય પસાર કરવામાં આવ્યો હતો. વડીલો સાથે પસાર કરેલો સમય અને તેઓની અનુભવ ભરી વાતોથી કદાચ સમાજને તેનો સાચો અરીસો બતાવતા હોય તેવું પ્રતિત થતું હતું.

ઇ-પીએઓ(જીએસટી) પરિવારના સભ્યો દ્વારા આવી પ્રવૃતિઓ ખૂબ જ નાના પાયે થાય છે; પરંતુ તેની ખાસિયત એ છે કે દરેક સભ્યો તન, મન અને ધનથી તેમાં સહયોગ આપે છે. અગાઉની ત્રણ પ્રવૃતિઓ કર્યા બાદ અન્ય કચેરીના અધિકારીશ્રીઓએ આવી પ્રવૃતિમાં સહભાગી થવા લાગણી વ્યક્ત કરી હતી અને છેલ્લી પ્રવૃતિમાં માન. નિયામકશ્રી (ડીએટી), સંયુક્ત નિયામકશ્રી (પીવીયુ), હિસાબી અધિકારી (પીવીયુ) અને હિસાબી અધિકારી (આયુષ) વગેરે પણ ફાળો આપી સહભાગી થયા હતા અને ઇ-પીએઓ(જીએસટી) પરિવારના સભ્યો દ્વારા આયોજિત આવી પ્રવૃતિઓ માટે ઉત્સાહ વધાર્યો હતો.

આ કચેરી દ્વારા આયોજિત કરવામાં આવતી વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃતિઓનો આશય ઉદાહરણ રૂપ અને પ્રેરણાત્મક સંદેશો મળી રહે તેવો છે. ભવિષ્યમાં પણ આ કચેરી દ્વારા આવી પ્રવૃતિઓ નિરંતર થતી રહે તેવી અભિલાષા સેવું છું.

16 COMMENTS

  1. અતિ સરાહનીય કાર્ય કરવા બદલ તમામ સભ્યોને ખુબ ખુબ અભિનંદન…
    એક સરકારી તંત્ર દ્વારા થતી આ પ્રકારની પ્રવૃત્તિ સમગ્ર કર્મયોગી આલમ માટે ગર્વ લેવા જેવી બાબત છે…

  2. સાહેબ…ખૂબ જ સરસ…👌🏻👌🏻👌🏻😊👍🏻

    આપણે ચાલુ જ રાખવાની છે આવી સામાજિક પ્રવૃતિઓ..

Leave a Reply to Bhavin Sangani Cancel reply

Please enter your comment!
Please enter your name here