Home Banking ડિજિટલ લેન્ડીંગ – અહો આશ્ચર્યમ્‌! લોન લેવી આટલી સરળ છે?

ડિજિટલ લેન્ડીંગ – અહો આશ્ચર્યમ્‌! લોન લેવી આટલી સરળ છે?

7
ડિજિટલ લેન્ડીંગ – અહો આશ્ચર્યમ્‌! લોન લેવી આટલી સરળ છે?

આપણે ત્યાં એક કહેવત છે ને કે, ઉધારી કરીને પણ ઘી તો પીવું જ જોઇએ. સિન્થેટીક જંક ફૂડ ખાઈને નમાલો થતો જતો અને કહેવાતો હેલ્થ કોન્સીયસ યુવા વર્ગ ઉધારી કરીને ઘી પીવાનું તો નહીં વિચારે કે નહીં પચાવી શકે એવું માની લઇએ પણ લોન લઇને ટુ વ્હીલર, મોબાઇલ કે એવી અન્ય પોતાના મોજશોખની વસ્તુ ખરીદવાનું તો ચોક્કસ પસંદ કરે છે, બરાબરને? વળી આપણા પ્રવાસ પ્રિય ગુજરાતીઓ વેકેશન કે અન્ય તહેવારોની રજામાં લોન લઇ ડોમેસ્ટીક કે ફોરેન ટૂર પર જવાનું પણ પસંદ કરે છે. પરંતુ આપણે એ ક્યારેય વિચાર્યું છે? કે આ મોબાઇલ ઓનલાઇન ખરીદીએ અને તેના સરળ હપ્તા કેવી રીતે થઇ જાય છે? ફ્રિજ, ટીવી વગેરે ઓનલાઇન ખરીદીએ અને વ્યાજ વગરના હપ્તે નાણા કેમ ચૂકવીએ છીએ? ઝેસ્ટ મની, મની ટેપ વગેરે એપ 4 થી 5 મિનિટમાં લોન મંજુર કરી તેના નાણા આપણા ખાતામાં જમા કેવી રીતે કરી દે છે? આ રીતે મળતી ઓનલાઇન લોનને ડિજિટલ લેન્ડીંગ કહેવામાં આવે છે. આવુ ધિરાણ આપતી નાણાકીય કંપનીઓ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતી હોય “ફિનટેક” તરીકે પણ ઓળખાય છે.

પ્રણાલિગત લોન લેવાની પ્રક્રિયામાં સંબંધિત નાણાકીય સંસ્થાને અરજી કરવી પડે છે, ત્યારબાદ કર્મચારી દ્વારા તેઓની ધિરાણ નીતિ પ્રમાણે અરજદારની આવક, પરત ચૂકવણીની કેપેસિટી, અન્ય લોન અને તેની ચૂકવણીમાં નિયમિતતા વગેરેની ચકાસણી કરવામાં આવે છે. આવી તમામ ચકાસણી પૂર્ણ થયે લોન મંજુર કરવામાં આવે છે અને ત્યારબાદ નાણા વાપરવા મળે છે. તેમાં પણ નાના પગારદાર હોય, ઓછી આવક વાળા હોય, ઇન્કમ ટેક્ષ રીટર્ન ન ભરતા હોય વગેરેને તો લોન લેવામાં પારાવાર મુશ્કેલી પડે છે અને વ્યાજનો દર પણ બહુ ઊંચો ચૂકવવો પડે છે.

છેલ્લા થોડા વર્ષોમાં સઢવાળા વહાણ તોફાની દરિયામાં આમતેમ ફંગોળાય તેમ વિશ્વના આ ઉભરતા અર્થતંત્રના ધિરાણરૂપી મહાસાગરમાં આ રૂઢિગત લોન આપવાની રીત ફંગોળાય  ગઇ છે. આવું બનવાના કારણો જોઇએ તો પ્રથમ, બદલાતા સમયમાં ગ્રાહકોની વર્તણૂંકમાં ફેરફાર જોવા મળે છે. પહેલાના ગ્રાહકો બજારમાં વસ્તુ જોવા જતાં, વસ્તુ પસંદ આવે, ખરીદવાના નાણા હોય અને ખરીદવાની ઇચ્છાશક્તિ હોય ત્યારે ખરીદી કરતા તેવી જુનવાણી પ્રણાલીને બદલે આજની જનરેશનના લોકો જે વસ્તુ ઓનલાઇન જુએ તે મેળવવા તત્પર થઇ જાય છે અને તે ખરીદવા લોન પણ લેવા તૈયાર થઇ જાય છે અને તે વસ્તુ મેળવીને જ જંપે છે. બીજું, ટેકનોલોજીમાં ખૂબ જ ઝડપથી સુધારા થઇ રહ્યા છે. વ્યક્તિદિઠ સ્માર્ટફોનની સંખ્યા, ઇન્ટરનેટનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. ત્રીજું, કાયદાકિય ફેરફારો જેવા કે આધાર આધારિત ઇ-કેવાયસીની અધિકૃતિ વગેરે સાનુકૂળ વાતાવરણ પુરું પાડે છે. ચોથું, બેંકોની સરખામણીએ એનબીએફસીની ધિરાણ કરવાની રીત અને જોખમ ખેડવાની વૃતિ બદલી રહી છે. આ બધા સાનુકૂળ પરિબળોને લીધે ડિજિટલ લેન્ડીંગનો વ્યાપ વધી રહ્યો છે.

અલગ રીતે કહીએ તો, બેંક માંથી લોન લેવાની પ્રણાલિગત રીત 3-6-3 ફૉર્મ્યુલા ઉપર આધારિત હતી જે ડિજિટલ લેન્ડીંગના કિસ્સામાં 3-1-0 ફૉર્મ્યુલા ઉપર કામ કરે છે. 3-6-3 ફૉર્મ્યુલા એટલે 3% વ્યાજે ડિપોઝીટ મેળવવી, 6% વ્યાજે લોન આપવી અને બપોરે 3 વાગ્યા પછી બેંક બાબુઓ કેરમ, ચેસ કે વૉલીબૉલ રમતાં નજરે પડતા હતા. ડિજિટલ લેન્ડીંગમાં 3-1-0 ફૉર્મ્યુલા આધારિત કામ થાય છે, એટલે કે 3 મિનિટમાં લોન લેવાનું નક્કી કરવું, 1 મિનિટમાં લોનના નાણા ખાતામાં જમા થવા અને 0 હ્યુમન ટચ એટલે કે કોઇ વ્યક્તિના સંપર્કની આવશ્યકતા રહેતી નથી.

ડિજિટલ લેન્ડીંગમાં જ્યારે વ્યક્તિ તેની વિગતો ઓનલાઇન ઉમેરતો હોય ત્યારે બેક એન્ડમાં JAM અને India Stack જેવી ટેકનોલોજી કે જેમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયેલો હોય છે તેની મદદથી વ્યક્તિનો સીબીલ રિપોર્ટ, ઇ-કેવાયસી, અન્ય લોનની વિગતો, આવક, રોકાણો, ખર્ચ કરવાની રીત, નિયમિત લોન ભરપાઈ કરવાની માનસિકતા વગેરે ચેક થઇ જાય છે. આ તમામ પરિમાણો ઉપરાંત અરજદારના સોશીયલ મીડિયા એકાઉન્ટની વિગતોના પૃથક્કરણના આધારે સ્કોરની ગણતરી થઇ લોનની પાત્રતા અને વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ લોનની પ્રોસેસીંગ ફી ગણી બતાવવામાં આવે છે. જો વ્યાજનો દર અને પ્રોસેસીંગ ફી ગ્રાહક દ્વારા માન્ય રાખવામાં આવે તો એક જ મિનિટમાં તેના ખાતામાં લોનના નાણા જમા કરી દેવામાં આવે છે. ગ્રાહક આવા નાણા તરત જ તેઓના નિશ્ચિત હેતુ માટે ઉપયોગમાં પણ લઇ શકે છે.

થોડા વર્ષો પહેલા ભારતમાં આ ક્ષેત્ર સંપૂર્ણ વણ-ખેડાયેલું હતું. બોસ્ટન કન્સલ્ટન્સી ગૃપના એક અહેવાલમાં આ બજારની પ્રચ્છન્ન વિશાળ હકારાત્મક સંભાવનાઓ વિશે ઉલ્લેખ થયા બાદ ઘણી કંપનીઓ આ ક્ષેત્રે કાર્યરત થઇ છે. હાલની પરિસ્થિતિએ જોઇએ તો આ બજાર 35 હજાર કરોડનું છે અને એક અંદાજ મુજબ વર્ષ – 2023 સુધીમાં 60 થી 70 હજાર કરોડનું થશે. આવી અપાયેલી લોનો પૈકી 60% લોન કક્ષા – અ શહેરોમાં આપવામાં આવેલ છે. આવી ઓનલાઇન લોન લેનાર ગ્રાહકો મોટા ભાગે 20 – 35 વર્ષની વય જુથના છે અને દર ત્રણ માંથી બે ગ્રાહકો પુરુષો છે. આવી લોન પરત ચૂકવણીનો દર 98-99% જેટલો છે. આવી કંપની ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતી હોય, તેનો સંચાલન ખર્ચ ઘણો ઓછો હોય છે, જેમ કે Early Salary નામના એકમની વાત કરીએ તો તેઓ દર મહિને 70000 જેટલી લોન ફક્ત 205 લોકોના સ્ટાફથી કરે છે.

સર્ચ એન્જીન માંધાતા ગુગલ ભારતની ચાર અગ્રણી બેંકો HDFC Bank, ICICI Bank, Kotak Mahindra Bank તથા Federal Bank સાથે મળી આ દિશામાં તેઓની એપ ‘ગુગલ પે’ મારફતે આગળ વધી રહેલ છે. જ્યારે સોશીયલ મીડિયા માંધાતા ફેસબુક તેની ‘વોટ્સએપ’ એપ્લીકેશન મારફતે આ બજાર સર કરવા ગંભીરતાથી આગળ વધી રહ્યા છે. ટૂંક સમયમાં આવા મોટા કોર્પોરેટ હાઉસો આ ક્ષેત્રમાં હજુ પણ નવી ક્રાંતિ લાવશે અને ડિજિટલ લેન્ડીંગ અર્થતંત્રનો ખૂબ જ અગત્યનો ભાગ બની જશે.

જ્યારે નાણાકીય ક્ષેત્રમાં માળખાગત ફેરફાર થતાં હોય તેવી અર્થતંત્ર માટે અગત્યતા ધરાવતી બાબતો માટે જરૂરી અને થોડા આકરા કાયદા, નિયમો અને નીતિ નક્કી કરવી પણ તેટલી જ આવશ્યક છે. હાલની પરિસ્થિતિએ જુઓ તો અર્થતંત્ર માટે આ 35000 કરોડનો પ્રશ્ન છે. આ બાબતે ભારતીય રીઝર્વ બેંક એ ડિજિટલ લેન્ડીંગ જેના ઉપર આધારિત છે તેવી નાગરિકોની અંગત નાણાકીય માહિતી બાબતે સુદ્રઢ માળખું સૂચવેલ છે. આ માળખામાં ‘ડેટા સબ્જેક્ટસ્‌’ એટલે કે આવી નાણાકીય માહિતી ભેગી કરનાર એકમો, ‘ડેટા કન્ટ્રોલર’ કે જે માહિતીનો ઉપયોગ કરે છે અને ગ્રાહકને આ માહિતીના વપરાશથી કોઇ નુકશાન જાય તો તેના માટે જવાબદાર છે તથા ‘ડેટા કમિશ્નર’ કે જેઓ ગ્રાહક અને એકમો વચ્ચેની ફરિયાદોના નિવારણ માટેની સંસ્થા રહેશે વગેરેનો સમાવેશ થાય છે. આ સૂચિત માળખું સ્કેંડિનેવિયન દેશો એટલે કે ઉતરીય યુરોપના ડેનમાર્ક, નોર્વે અને સ્વીડન દેશોનો સમાવેશ થાય છે ત્યાં અમલમાં છે તેવું સરકાર ઉપર વિશ્વાસ આધારિત મોડેલથી પ્રેરિત છે.

છે ને લોન લેવી ખૂબ જ સરળ??? પરંતુ આશા રાખીએ કે આ ડિજિટલ લેન્ડીંગ મોડેલનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય સાથે-સાથે જરૂરિયાતમંદોને તેનો યોગ્ય લાભ પણ મળી રહે અને અર્થતંત્ર માટે લાંબાગાળે હકારાત્મક જ સાબિત થાય…..

7 COMMENTS

Leave a Reply to Bhatt Nirmal Cancel reply

Please enter your comment!
Please enter your name here