Home Contemporary ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય… ભાગ – 1 (Propositum to make $5 Trillion Indian Economy… Part – I)

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય… ભાગ – 1 (Propositum to make $5 Trillion Indian Economy… Part – I)

26
ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય… ભાગ – 1 (Propositum to make $5 Trillion Indian Economy… Part – I)

વ્હાલા વાચક મિત્રો,

આજકાલ ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનો વિષય અત્ર-તત્ર-સર્વત્ર મુખ્ય ચર્ચાનો મુદ્દો છે. અર્થશાસ્ત્રીઓ કે આ પ્રક્રિયા સાથે જોડાયેલા સરકારી અધિકારીઓ અને મશીનરીથી લઇ, સામાન્ય નાગરિકો કે જે પોતાનો કામધંધો કરી નિરાંતના સમયે ચર્ચાના મુદ્દા તરીકે આ જ વિષયની વાતો કરતા જોવા મળે છે. ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનો પ્રથમ વખત ઉલ્લેખ જાન્યુઆરી – 2018માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ, સ્વિટઝર્લેન્ડ ખાતેના વાર્ષિક અધિવેશનમાં કરવામાં આવેલ હતો. ત્યારબાદ જુન – 2019ની નીતિ આયોગની બેઠક અને 2019-20ના બજેટમાં તેની વિગતે ચર્ચા જોવા મળી. પરંતુ, આ પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર એટલે શું? પાંચ ટ્રિલિયન ડોલર એટલે કેટલા ભારતીય રૂપિયા? પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર થતાં આ રૂપિયા ક્યાંય હશે? તેનાથી દેશને કે દેશના નાગરિકોને શું અસર થશે કે ફાયદો દેખાશે? આ મુકામ કઇ રીતે હાંસલ કરી શકાય? આ મુકામ હાંસલ કરવાના રસ્તે આપણે ક્યાં છીએ? હજુ શું કરવું પડે? તેની સામે કયા પડકારો છે? વગેરે બાબતે અહિં ચર્ચા કરીશું.

પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર એટલે શું?

પહેલા તો એ સમજીએ કે પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર એટલે શું? વૈશ્વિક દ્રષ્ટીકોણથી જોઇએ તો, કોઇપણ દેશના અર્થતંત્રનું કદ તે દેશની ‘કુલ ઘરેલું ઉત્પાદન – જીડીપી’ (Gross Domestic Product – GDP)ના આધારે નક્કી કરવામાં આવતું હોય છે. આ કદની વૈશ્વિક કક્ષાએ સામાન્ય તુલના તેને અમેરિકન ડોલરમાં તબદીલ કરી કરવામાં આવે છે. હાલ એક અમેરિકન ડોલર બરાબર આશરે 70-71 રૂપિયા જેટલો વિનિમય દર છે. એક અમેરિકન ડોલર બરાબર 70 રૂપિયા લેખે ગણીએ તો 35,00,00,00,00,00,000/- એટલે કે રૂ. 350 લાખ કરોડ. દેશની જીડીપી રૂ. 350 લાખ કરોડના સ્તરે પહોંચાડવાનું ધ્યેય.

કુલ ઘરેલું ઉત્પાદન – જીડીપી (Gross Domestic Product – GDP) એટલે શું?

‘કુલ ઘરેલું ઉત્પાદન – જીડીપી’ (Gross Domestic Product – GDP) શું છે, જેનાથી દેશના અર્થતંત્રનું કદ નક્કી કરવામાં આવે છે? અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રીય આવકના વિવિધ ખ્યાલો વર્ણવવામાં આવેલા છે. આ ખ્યાલો વિશે ટૂંકમાં જોઇએ તો, 1) કુલ ઘરેલું ઉત્પાદન – જીડીપી (Gross Domestic Product – GDP) એટલે વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે તેના બજાર-મૂલ્યને કુલ આંતરિક પેદાશ અથવા કુલ ઘરેલું ઉત્પાદન કહેવામાં આવે છે. 2) શુદ્ધ આંતરિક પેદાશ – એનડીપી (Net Domestic Product – NDP) એટલે કુલ આંતરિક પેદાશ અથવા કુલ ઘરેલું ઉત્પાદનમાંથી  ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન લાગતો ઘસારો બાદ કર્યા બાદનું મૂલ્ય. 3) કુલ રાષ્ટ્રીય પેદાશ – જીએનપી (Gross National Product – GNP) એટલે વર્ષ દરમિયાન દેશના નાગરિકો દ્વારા દેશની સરહદમાં કે સરહદ બહાર કરવામાં આવેલ વસ્તુઓ કે સેવાઓનું કુલ નાણાકીય મૂલ્ય. 4) શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ – એનએનપી (Net National Product – NNP) એટલે વર્ષ દરમિયાન દેશના નાગરિકો દ્વારા દેશની સરહદમાં કે સરહદ બહાર કરવામાં આવેલ વસ્તુઓ કે સેવાઓના કુલ નાણાકીય મૂલ્ય માંથી ઘસારો બાદ કર્યા બાદનું મૂલ્ય. આમ, દેશની સરહદમાં જ વર્ષ દરમિયાન દેશના અને વિદેશના નાગરિકો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ બજાર-મૂલ્યને કુલ ઘરેલું ઉત્પાદન કે જીડીપી કહેવામાં આવે છે.

જીડીપી બે રીતે ગણવામાં આવે છે. ચાલુ કે વર્તમાન ભાવોએ જીડીપી (Nominal GDP) એટલે કે, પ્રવર્તમાન બજાર ભાવોએ દેશની સરહદમાં જ વર્ષ દરમિયાન દેશના અને વિદેશના નાગરિકો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ બજાર-મૂલ્ય. વાસ્તવિક જીડીપી (Real GDP) એટલે કે, પાયાના વર્ષના ભાવે કે સ્થિર ભાવોએ ગણવામાં આવેલ દેશની સરહદમાં જ વર્ષ દરમિયાન દેશના અને વિદેશના નાગરિકો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ બજાર-મૂલ્ય.

ભારતીય અર્થતંત્રની હાલની પરિસ્થિતિ

હાલ આપણા અર્થતંત્રનું કદ વર્ષ – 2018ની પરિસ્થિતિએ $2.72 ટ્રિલિયન ડોલર એટલે કે 190 લાખ કરોડ છે અને એક અંદાજ મુજબ વર્ષ – 2019ની સ્થિતિએ $2.972 ટ્રિલિયન ડોલર એટલે કે 210 લાખ કરોડ છે. જે 2018ની સ્થિતિએ વિશ્વમાં 6ઠ્ઠું અને 2019ની સ્થિતિએ યુનાઇટેડ કિંગડમને પાછળ રાખી 5મું સ્થાન ધરાવે છે. ખરીદી શક્તિ સમાનતા (Purchasing Power Parity – PPP)ના ધોરણે જોઈએ તો વિશ્વમાં અમેરિકા અને ચીન પછી 3જું સ્થાન ધરાવે છે. જ્યારે માથાદીઠ આવક (Per Capita Income – PCI)ની દ્રષ્ટીએ 2019માં 124મું સ્થાન ધરાવે છે. ભારતના વાસ્તવિક જીડીપી મુજબ વિકાસ દરની વિગતો જોઇએ તો, વિશ્વ બેંકના ડેટા અનુસાર 1961 થી 2018 સુધીનો ભારતનો સરેરાશ વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 5.26% છે. ઓછામાં ઓછો દર 1979માં -5.24% હતો, જ્યારે વધુમાં વધુ દર 1988માં 9.63% હતો. છેલ્લા વર્ષોની વિગતો જોઇએ તો, 2015માં 8.2%, 2016માં 7.1%, 2017માં 6.7% અને 2018માં 6.8% રહ્યો છે. ત્યારબાદ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 5.8%, દ્વિતીય ત્રિમાસિક ગાળામાં 5.0% અને તૃતીય ત્રિમાસિક ગાળામાં 4.5% રહ્યો છે, જે વર્ષ – 2013ના પ્રથમ ત્રિમાસિક સમયગાળા બાદનું સૌથી નબળું પ્રદર્શન રહ્યું છે.

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું શા માટે બનાવવું છે?

કહેવાય છે ને કે, “Size of the Cake Matters”. જેમ રાષ્ટ્રીય આવક દેશની આર્થિક વૃદ્ધિનો એક માપદંડ છે તેમ માથાદીઠ આવક જે-તે દેશના નાગરિકોની આર્થિક વૃદ્ધિનો એક માપદંડ છે. દેશની રાષ્ટ્રીય આવકને એ વર્ષની કુલ વસ્તી વડે ભાગતા માથાદીઠ આવક (Per Capita Income) મળે. જો દેશની જીડીપી એટલે કે રાષ્ટ્રીય આવક વધશે, તો સાથે-સાથે નાગરિકોની માથાદીઠ આવક (Per Capita Income) વધશે. વિશ્વ બેંકના 2018ની માહિતી મુજબ ભારતની માથાદીઠ આવક $2015.6 છે, જે મુજબ ભારતના નાગરિકોની વાર્ષિક આવક આશરે રૂ. 1.42 લાખ અને માસિક આવક રૂ. 11,900/- જેટલી થાય છે. જો ભારતનું અર્થતંત્ર $5 ટ્રિલિયન ડોલરનું બને તો ભારતની વાર્ષિક માથાદીઠ આવક $3600 એટલે કે આશરે રૂ. 2.52 લાખ અને માસિક આવક રૂ. 21,000/- જેટલી થાય. આમ, દેશના ટકાઉ અને સર્વગ્રાહી વિકાસના ભાગરૂપે આ લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ હોઇ શકે.

મિત્રો, આજના લેખમાં આટલું સમજીએ તથા હવે પછીના લેખોમાં ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાના ધ્યેય સુધી પહોંચવા શું કરવું પડે? અપેક્ષિત વાર્ષિક વિકાસ વૃદ્ધિ દર કઇ રીતે હાંસલ કરી શકાય? આ વિષયમાં ક્ષેત્ર વાર પરિસ્થિતિની વિગતો, લક્ષ્યને અનુરૂપ લેવામાં આવેલા પગલાઓ, લક્ષ્ય સામેના પડકારો વગેરે બાબતે ચર્ચા કરીશું. આશા રાખું છું કે, ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય… વિષય પરના લેખોની શૃંખલા માહિતીપ્રદ અને ઉપયોગી નિવડશે. અને હા… પ્રતિભાવો આપવાનું ચૂકશો નહિ…

26 COMMENTS

  1. Extraordinary description sir..easily can be understood ..keep going..good work u r doing..must be appreciative..👍

  2. It’s good description about GDP.
    But how can possible to increase GDP
    Now a days there are no any ways.
    Govt should take more strong steps against it.

    • Vat sachi chhe, Bhaveshbhai. Pan haju aa badha question na answer male teva blog aavi rahya chhe… So wait…

  3. A very important topic that should be discussed Among all the contemporary issues..v nice selection of topic sir…

  4. Very nice description sir about GDP…easily can be understood…
    First time I understand economics easily…..👌👌

  5. Very well explained. Keep it up Sir. You choose very rare topics in most blogs and make it very easy to understand.
    Wow…

  6. Excellent article Uday,you can be columnist in any daily. Good fundamental and analytical idea written.

    • Thank you dost… But no such planning as of now, just trying my level best to contribute something in Gujarati…

  7. Udaybhai,
    After reading your article on 5 trillion economy: I appreciate you for giving simple understanding of GDP ,GNP etc. Any layman , who is not knowing economy can understand well. He can explain his views on 5 trillion economy.
    I congratulate u for such a hard thing to understand in simple way.
    I wait for your next article.

Leave a Reply to Uday Bhayani Cancel reply

Please enter your comment!
Please enter your name here