Home Mythology રામાયણ – પ્રથમ વિનમ્ર પ્રયાસ

રામાયણ – પ્રથમ વિનમ્ર પ્રયાસ

37
રામાયણ – પ્રથમ વિનમ્ર પ્રયાસ

સ્વર્ગસ્થ માતુશ્રીને ગર્ભથી જ રામાયણના સંસ્કાર આપવા બદલ સમર્પિત…

રામાયણ. આ… હા… કેટલો ભવ્ય, દિવ્ય, પવિત્ર અને આદર્શ ગ્રંથ. શ્રી રામ ભગવાનનું ચરિત્ર પણ ઉત્તુંગ, મર્યાદા પુરુષોત્તમ અને આદર્શ. બહુ મનોમંથન કર્યું કે શું હું પામર માનવી ભગવાન શ્રી રામ વિશે કે મહાન ગ્રંથ રામાયણ વિશે કંઇ પણ લખવા યોગ્યતા ધરાવું છું? અંતે માતુશ્રી તથા માતૃપક્ષ તરફથી બાળપણથી મળેલા સંસ્કારો અને પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વિશ્વંભરદાસજી મહારાજની અસીમ કૃપાથી જીવનમાં રહેલ રામાયણ પ્રત્યેના પ્રેમ અને આદરના નાતે પણ કંઇક લખવાનું નક્કી કર્યું.

પ્રભુ શ્રી રામનો મહિમા અપરંપાર છે. તેના વિશે ગમે તેટલું લખો ઓછુ જ પડે. પ્રભુનો મહિમા વર્ણવવા સંદર્ભમાં કહીએ તો –

असित गिरि समं स्यात् कज्जलम् सिन्धु पात्रे सुरतरुवर शाखा लेखनी पत्रम् उर्वी लिखति यदि गृहित्वा शारदा सर्वकालं तदपि तव गुणानां ईश पारं  याति 

કવિ શ્રી કાલિદાસજી કે જેના ઉપર સરસ્વતીજીની સાક્ષાત અસીમ કૃપા રહેલ છે, તેઓએ પણ વાલ્મીકિ રામાયણ લખાયા બાદ વંશવર્ણન કરતા “રઘુવંશ”ની રચનાની શરૂઆત ‘મંદ: કવિ: યશ: પ્રાર્થી’ એટલે કે ‘હું મંદ છું’ એવું કહીને કરી છે. ભક્ત શિરોમણી શ્રી એકનાથજી કે જેમના ઘરે ખુદ ભગવાને સેવા-ચાકરી કરી હતી તેઓએ પણ કહ્યું છે કે, ‘રામાયણનો ભાવાર્થ નહીં પણ ફક્ત શબ્દાર્થ જ હું કરું છું’. શ્રી રામચરિતમાનસના રચયિતા સંત શ્રી ગોસ્વામી તુલસીદાસજી મહારાજે પણ ‘રામાયણના સંપૂર્ણ આકલન માટે ચરાચર સૃષ્ટિને બોલાવવી પડે’ તેવું કબુલ્યું છે. જો રામાયણ વિશે કંઇ લખતી વખતે આવા મહાન સંતો અને કવિઓની આ મનોદશા હોય, તો આધ્યાત્મિક માર્ગમાં હું તો એક પામર અને તુચ્છ મનુષ્ય છું. રામાયણ વિશે કંઇ પણ લખવા કે કહેવાને લાયક નથી. પરંતુ અંતઃસ્ફુરણા અને સદગુરુ સંત શિરોમણી શ્રી વિશ્વંભરદાસજી મહારાજના મનથી આશીર્વાદ મેળવી રામાયણ વિશે કંઇક લખવાનો પ્રયત્ન કરું છું અને તેમાં સમયાંતરે ઉમેરો પણ કરતો રહીશ. રામાયણ અને શ્રી રામચરિત્રના પ્રસંગો વિશે લખવામાં કંઇ ભૂલ થાય, તો સંતો, ભક્તો અને વાચકો બધા તેને ક્ષમ્ય ગણશો તેવી પ્રાર્થના અને આવી ભૂલો પ્રત્યે ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.

કોસ્મિક રેઝ, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ, એટમ બોમ્બ વગેરે જેવી શોધો કરનાર અને આધિભૌતિક વિચારોને જ સર્વસ્વ માનવાવાળા જગતને આપણે ગરદન ઊંચી કરીને કહી શકીએ એવું કંઇક આપણી પાસે છે, તો એ છે અલૌકિક ગ્રંથ “રામાયણ”. વિવિધ ભાષાઓમાં અનેક સારા કાવ્યો અને મહાકાવ્યો છે; પરંતુ રામાયણની તોલે આવે તેવું મહાકાવ્ય એક પણ હજુ જોવામાં કે સાંભળવામાં નથી. દરેક ભાષાના કાવ્યોમાં કંઇક સુંદર હોય છે; પરંતુ રામાયણમાં ‘એવું કંઇક છે’ જે અન્ય કાવ્યોમાં ખૂટે છે. આવું જ ગ્રીસ દેશનું એક પ્રાચિનતમ કાવ્ય છે “ઇલિયડ”. પાશ્ચાત્યો પોતાના સ્વાભિમાન ખાતર એવું કહે છે કે રામાયણની કલ્પના ઇલિયડમાંથી લેવામાં આવી છે. આવું સાંભળીને એવી વિચિત્ર પરિસ્થિતિ થઇ જાય છે કે આવા લોકો ઉપર હસવું કે રડવું? ખરેખર તો દયા આવી જાય છે. અહીં ઇલિયડ કોઇપણ રીતે ખરાબ છે તેવું કહેવાનો મારો જરાય આશય નથી. મેં ઇલિયડ આખું વાંચ્યું પણ નથી, પરંતુ તેના અધિકૃત ભાષાંતર ના આધારે ટૂંકમાં કહું તો, રાણી હેલનને લઇ આવવા માટે જેમ ઇલિયડમાં ટ્રોજન યુદ્ધ થયું તેમ સીતાજીને લઇ આવવા માટે રામ-રાવણનું યુદ્ધ થયું તેવું રામાયણમાં દર્શાવવામાં આવ્યું છે; તેવી સરખામણી કરવામાં આવે છે. આવું બધુ વાંચીને રામાયણ અને ઇલિયડ વચ્ચે સરખામણી કરતા લેખો લખાવા માંડ્યા અને હદ તો એ છે કે આ સરખામણી કરતો શોધ-નિબંધ પણ લખાયો છે; જેમાં ઘણા બધા પાસાઓની સરખામણી કરવામાં આવી છે. આડકતરી રીતે રામાયણ એ ઇલિયડ ઉપરથી પ્રેરિત છે, તેવું દર્શાવવા પ્રયત્ન પણ કરવામાં આવે છે. હું અહિ બન્ને વચ્ચેનો તફાવત એક જ વાક્યમાં કહેવાનો પ્રયત્ન કરીશ જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. ઇલિયડમાં રાણી હેલન પોતાના પતિને છોડીને તેના પ્રિયકર જોડે ભાગી ગયેલી; જ્યારે પતિવ્રતા સીતાજીને જબરદસ્તીથી રાવણ લઇ ગયો હતો. વાલ્મીકિજીએ રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ચરિત્ર થકી એક વિશિષ્ટ આદર્શ મૂર્તિમંત કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. આમ, રામાયણ એ ઇલિયડ આધારિત કલ્પના નથી, પરંતુ સ્વતંત્ર વિભાવના અને પ્રભુકૃપાથી રચાયેલું આખા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ મહાકાવ્ય છે. જેની દિવ્યતા, ચારિત્ર્યની પવિત્રતા, હેતુની શુધ્ધિ, શબ્દોની રમણીયતા અને માધુર્ય અદ્‌ભુત અને અલૌકિક છે.

કવિ વર્ડ઼ઝવર્થે કાવ્યની પરિભાષા કરતી વખતે કહ્યું છે કે, “Poetry is the spontaneous overflow of powerful feelings” અને આ મહાકાવ્ય ખરેખર આ પરિભાષાને સાર્થક કરતું છે. એફ. આર. બ્લુકે એ કહ્યું છે કે, “the popularity of the Valmiki Ramayana and the voluminous Rama – Literature of many centuries is a monument to the idealism of India, its high esteem of moral values and its belief in the ultimate triumph of good over evil. In the same way, the enthusiastic response of the millions of Indians to the message of Ramacharitamanasa testifies to the deep-seated religious belief and spontaneous piety of the soul of India.” બ્રિટીશ લાઈબ્રેરી એ પણ લખ્યું છે કે, “The epic’s (Ramayana’s) origins are in India and Hinduism, but over the centuries the story has crossed seas and mountains, languages and religions, performance styles and art forms.” (“મહાકાવ્ય – રામાયણની ઉત્પત્તિ ભારત અને હિન્દુ ધર્મમાં છે, પરંતુ સદીઓથી આ વાર્તા સમુદ્ર અને પર્વતો, ભાષાઓ અને ધર્મો, પ્રદર્શન શૈલીઓ અને કલા સ્વરૂપો પાર કરી છે.). આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આ “રામાયણ” આપણું છે.

હવે વાત કરીએ રામાયણના રચયિતા કવિશ્રેષ્ઠશ્રીઓ શ્રી વાલ્મીકિજી અને શ્રી ગોસ્વામી તુલસીદાસજી વિશે. કવિ કેવા હોવા જોઇએ? ઈશાવાસ્ય ઉપનિષદમાં લખ્યું છે, “કવિર્મનીષી પરિભૂઃ સ્વયમ્ભૂર્યાથાતથ્યતોઽર્થાન્વ્યદધાચ્છાશ્વતીભ્યઃ સ:” એટલે કે ઋષિમુનિઓનું દર્શન છે કે, આ સંસારમાંના  બધા જ પદાર્થો (અર્થાન્) યોગ્ય રીતે (યથાતથ્યતો) પોતાની મેળે (સ્વયંભૂ:) અને સર્વાંગપૂર્ણ રીતે (પરિભૂ:) શાશ્વતકાળથી(શાશ્વતીભ્ય: સમાભ્ય:) ગોઠવેલાં છે (વ્યદધાત્). કવિ જીતેન્દ્રિય હોવો જોઇએ, ઇન્દ્રિયોના ગુલામ માટે પ્રભુસૃષ્ટિનું રહસ્ય પામવું શક્ય નથી. કવિ વ્યાપક બુદ્ધિવાળો અને આખા બ્રહ્માંડને પોતાના પેટમાં સમાવવાવાળો હોવો જોઇએ. જે પથ્થરમાં પણ પ્રેમ જુએ, સૃષ્ટિ જોવાની જેની બુદ્ધિ ઉદાર હોય અને આત્મનિષ્ઠ હોય, તે જ સાચો કવિ. સામાન્ય માનવી જ્યારે દુન્યવી સુખોનો વિચાર કરતો હોય ત્યારે કવિ આત્માનંદનું ચિંતન કરતો હોય. શ્રી વાલ્મીકિજી અને શ્રી ગોસ્વામી તુલસીદાસજી વિશે અભ્યાસ કરશો તો સમજાશે કે આ બન્ને મહાકવિઓ આવા અસંખ્ય ગુણોને યથાર્થ રીતે પામેલા હતા.

રામાયણમાં કેટલી વિશાળ શાશ્વત કાળ માટેની દૂરંદેશી ભાવનાના દર્શન થાય છે? કોઇપણ માણસને વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક, આર્થિક કે રાજકીય કોઇપણ બાબતે દ્વિધા હોય, તો તેનો વ્યવહારુ જવાબ આજે પણ રામાયણમાંથી મળી રહે છે. રામાયણની બીજી એક અજોડ વિશિષ્ટતા એ પણ છે કે તેમાં નર, વાનર, રાક્ષસો, દેવો, પશુપક્ષીઓ વગેરેનું સુંદર સ્નેહસંમેલન જોવા મળે છે. આવા અલૌકિક, દિવ્ય અને પરમ પવિત્ર ગ્રંથ વિશે અને તેના સંદર્ભમાં કંઇક લખવાનો પ્રયત્ન કરું છું; તેમાં કોઇ ક્ષતિ રહેવા પામે તો બધા સંતો, ભક્તો અને વાચકોની પૂર્વ ક્ષમા યાચના સહ આ લેખ પૂર્ણ કરું છું. શ્રી રામાયણ અને શ્રી રામ ચરિત્રના પ્રસંગો વિશે સમયાંતરે લખતો રહીશ…

37 COMMENTS

  1. અતિ સુંદર શરૂઆત કરી છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની કથા આપણા સૌના જીવન સાથે સંકળાયેલા છે તેથી તેનું રસપાન હરહંમેશ આનંદ આપે છે.

  2. ઇલિયડમાં રાણી હેલન પોતાના પતિને છોડીને તેના પ્રિયકર જોડે ભાગી ગયેલી; જ્યારે પતિવ્રતા સીતાજીને જબરદસ્તીથી રાવણ લઇ ગયો હતો. વાલ્મીકિજીએ રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ચરિત્ર થકી એક વિશિષ્ટ આદર્શ મૂર્તિમંત કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. આમ, રામાયણ એ ઇલિયડ આધારિત કલ્પના નથી🙏🙏👌👌nice and right

      • રામાયણ ઉમદા ચારીત્ર્યનુ નિર્માણ કરેછે જેનુ પ્રતિબિંબ મન છે,આમ મનને તેના પરીવર્તનથી રામના માર્ગની યોગ્ય દિશા મળી રહે છે.

  3. મર્યાદાપુરુષોત્તમ શ્રી રામ અને માતા સીતાજી ની અદભુત પ્રેમ કહાની, હનુમાનજી જેવા સેવક, લક્ષમણ જેવા ભાઈ, શ્રીરામ જેવા પુત્ર, અને એક સંપૂર્ણ પુરુષ એવા શ્રીરામ ભગવાન ની જીવણગાથા, વર્ણવતું પુસ્તક એટલે રામાયણ…સર, ખૂબ જ સરસ લેખ…ખૂબ જ સરસ શરૂઆત…

  4. અદભુત વિચારમંથન છેઃ તેમાં સફળતા ચોક્કસ મલેશે જ અને અમોને રામાયણનો રસાસ્વાદ માણવા મલશે.જયશ્રી રામ.

  5. Wonderful to see you attempting such an arduous task. We have many modern writers trying to capture story of Sita and Rama in English language. So, it would be wonderful to see this exceptional story told in our language with modern twists.
    Keep it up….we are eagerly waiting

  6. આપનો પ્રયાસ ખૂબ જ સરાહનીય છે. જે બંને પક્ષને (લખનાર અને વાંચનાર) ને આનંદ ની અનુભૂતિ કરાવશે તેની ખાતરી છે.
    આપના પ્રયાસ ને સફળતા વાંચ્છુ છું.

  7. ખૂબ જ સુંદર લખાણ. ભારતિય સંસ્કૃતિ ના આ બધા મહાન પુસ્તકો એ કોઇ યુનિવર્સિટી થી ઓછા નથી.

Leave a Reply to Uday Bhayani Cancel reply

Please enter your comment!
Please enter your name here