Home Informative અર્જુનના રથની ધજામાં શ્રી હનુમાનજી કેમ બિરાજેલા છે?

અર્જુનના રથની ધજામાં શ્રી હનુમાનજી કેમ બિરાજેલા છે?

7
અર્જુનના રથની ધજામાં શ્રી હનુમાનજી કેમ બિરાજેલા છે?

કોવિડ – ૧૯ મહામારી સામેની લડતના ભાગરૂપે આજે આપણે બધા લોકડાઉન ૩.૦ શરૂ કરવા જઈ રહ્યા છીએ. લોકડાઉનના કપરા સમયમાં લોકોના મનોરંજન, હકારાત્મક વાતાવરણ અને ધાર્મિક વિચારો સાથે સુખશાંતિ પૂર્વક સમય પસાર થાય તે માટે સરકારશ્રી દ્વારા આપણા સહુની પ્રિય એવી રામાયણ અને મહાભારત બન્ને સિરિયલોનું પુન:પ્રસારણ કરવામાં આવી રહેલ છે. મહાભારતમાં ગઈકાલે આપણે ભગવાનના શ્રીમુખે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં જ અર્જુનને જ્ઞાન આપવાના રૂપમાં કહેવામાં આવેલ ગીતાજીનું રસપાન કર્યુ. આજથી આ સિરિયલનું ક્લાયમેક્સ એવું મહાયુદ્ધ શરુ થઈ જવા રહ્યું છે, ત્યારે અર્જુનના રથની ધજામાં શ્રી હનુમાનજી કેમ બિરાજે છે? તેની પૌરાણિક કથા જાણીએ.

એકવખત ધનુર્ધર અર્જુન એકલો શિકાર (મૃગ્યા) કરવા દક્ષિણ દિશામાં ગયો. રામેશ્વરની બાજુમાં જ્યાંથી રામસેતુનું નિર્માણ કરવામાં આવેલ હતુ, તેવા ધનુષકોટીમાં બપોરના સમયે સ્નાન વગેરે કરી કંઇક અભિમાન સાથે વિચરી રહ્યો હતો. અહીં તેમણે સામાન્ય વાનરના રૂપમાં પર્વત ઉપર બેઠેલા અને મધુર કંઠે પ્રભુ શ્રી રામનું સ્મરણ કરી રહેલા શ્રી હનુમાનજીને જોયા. અર્જુને તેમને પરિચય આપવા જણાવ્યું. શ્રી હનુમાનજીએ ગર્વના અંશ સાથે કહ્યું કે, ‘જેના પ્રતાપથી’ શ્રી રામજીએ સો યોજન એટલે કે ચારસો કોષના વિશાળ સમુદ્ર ઉપર પથ્થરોથી પુલનું નિર્માણ કર્યુ હતુ; તે વાયુપુત્ર હનુમાન છું. આ સાંભળીને અર્જુને પણ અભિમાનપૂર્વક કહ્યું કે પથ્થરથી સેતુ બાંધવાની તમે ખોટી જ મહેનત કરી. શ્રી રામજીએ બાણોથી જ સેતુ કેમ ન બાંધ્યો? એટલે કે બાણસેતુનું નિર્માણ કેમ ન કર્યુ? મારુતિનંદને કહ્યુ કે અમારા જેવા બળવાન વાનરોના ભારથી બાણોનો બનેલો પુલ ડુબી જાય, એવું માનીને શ્રી રઘુનંદને બાણસેતુ નહોતો બાંધ્યો. અર્જુને કહ્યુ વાનરના વજનથી જો બાણસેતુ ડુબી જાય તો ‘તે યોદ્ધાની ધનુર્વિદ્યા શું કામની?’ તમે મારી બાણ વિદ્યા જુઓ, હું બાણસેતુ બનાવું અને તમે તેના ઉપર નાચો-કુદો. પવનસુત હનુમાનજીએ હસતા-હસતા જ કહ્યુ કે મારા પગના અંગુઠાના ભારથી જ તારો બનાવેલો બાણસેતુ ડુબી જશે માટે તુ ખોટી મહેનત ન કર. આવું સાંભળીને અર્જુને પ્રતિજ્ઞા લીધી કે, જો બાણસેતુ ડુબી જશે, તો હું  અગ્નિસ્નાન કરી લઈશ. આ સાંભળીને શ્રી હનુમાનજીએ પણ પ્રતિજ્ઞા લીધી કે, જો મારા અંગુઠા માત્રના ભારથી જ તારો બનાવેલો બાણસેતુ ડુબી નહી જાય, તો હું તારા રથની ધજામાં બિરાજીને તારી સહાયતા કરીશ.

અર્જુને બાણોથી એક મજબુત બાણસેતુનું નિર્માણ કર્યુ અને શ્રી હનુમાનજીએ અંગુઠાના વજનથી જ પળવારમાં આ પુલને સમુદ્રમાં ડુબાડી દિધો. શ્રી હનુમાનજીના ના પાડવા છતાં અર્જુને ચિતા બનાવી અને અગ્નિસ્નાન કરવા દ્રઢ રહ્યો. એ જ સમયે શ્રી કૃષ્ણ બાળક સ્વરૂપ લઈને ત્યાં પ્રગટ થયાં. તેઓએ પુછ્યુ કે આ શું થઈ રહ્યુ છે? ત્યારે અર્જુને તેની પ્રતિજ્ઞા સહિતની આખી વાત સવિસ્તાર વર્ણવી. ત્યારે બાળસ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યુ કે, કોઈપણ સાક્ષી વગર તમારા બન્નેની વાતોનું કોઈ મુલ્ય નથી રહેતું. સાક્ષી વગર કોઈપણ કર્મની સત્યતા કે અસત્યતા પ્રસ્થાપિત થઈ શકતી નથી. હવે હું સાક્ષી છું, મારી સામે તમે અગાઉ જે કર્યુ હતું તે બધુ જ કરી બતાવો. હું ત્રીજી નિષ્પક્ષ વ્યક્તિ તરીકે તે જોઈને સત્ય કે અસત્યની સાક્ષી પુરીશ. બન્નેએ તે વાત માની લીધી. અર્જુને ફરીથી બાણોનો સેતુ બનાવ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર તે બાણસેતુની નીચે ગોઠવી દીધું. ત્યારબાદ શ્રી હનુમાનજીએ અંગુઠાથી તેને સમુદ્રમાં ડુબાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સેતુ ડુબ્યો નહીં. તેઓએ પગ મૂકીને, ઘુંટણથી અને છેલ્લે હાથથી પણ બળ કરી જોયું, તેમ છતાં સેતુ એક તસુ ભાર પણ હલ્યો નહીં. તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે આ કોઈ સાધારણ બાળક ન હોઈ શકે, જરૂર શ્રી હરી પોતે જ છે અને મારા ગર્વનો નાશ કરવા પ્રગટ થયા છે. રામાવતારમાં મેળવેલ વરદાનનું પણ તેને સ્મરણ થયું કે ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામે મને વરદાન આપ્યું હતું કે, દ્વાપરયુગમાં હું કૃષ્ણ સ્વરૂપે તને દર્શન આપીશ. આ બાબતને મનમાં દ્રઢતાપૂર્વક માની લઈને શ્રી હનુમાનજીએ અર્જુનને કહ્યું કે તું આ બાળકની સહાયતાથી જીતી ગયો છે. ત્યારબાદ અંજનીનંદન પિંગાક્ષએ કહ્યું કે આ બાળક માત્ર નથી, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. તારી સહાયતા માટે તેઓએ બાણસેતુની નીચે સુદર્શન ચક્ર રાખી દીધુ છે. તારા સેતુને કારણ બનાવીને પોતાના વચનને પુરું કર્યું છે. એટલામાં ભગવાન બાળકનું રૂપ ત્યજીને શ્રી કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થાય છે. શ્રી હનુમાનજી તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. ભગવાને તેને હૃદયે લગાવીને કૃતજ્ઞ કરી દિધા. સુદર્શન ચક્ર ભગવાનની પાસે આવી ગયું અને બાણસેતુ સમુદ્રના મોજાઓથી જ ડુબી ગયો. આ જોઈને અર્જુનનું અભિમાન જતુ રહ્યું. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, તે શ્રી રામની ધનુર્વિદ્યા સામે પ્રશ્નાર્થ કરી ભગવાનનું અપમાન કર્યું છે; માટે શ્રી હનુમાનજીએ બાણસેતુ ડુબાડીને તારી ધનુર્વિદ્યાને નિસ્તેજ કરી દીધી અને હે વાયુનંદન, તમે “જેના પ્રતાપથી” એવા અભિમાન પૂર્ણ શબ્દોનો ઉપયોગ કરી વાણીથી શ્રી રામની સ્પર્ધા કરી માટે અર્જુનના બાણસેતુને ડુબાડી ન શક્યા.

આમ, શ્રી હનુમાનજી પોતે પ્રતિજ્ઞા અનુસાર અર્જુનના રથની ધજામાં બિરાજીને યુદ્ધમાં તેની રક્ષા કરી અને તેથી જ અર્જુનનું નામ કપિધ્વજ પણ પડ્યું.        

7 COMMENTS

  1. Nice religious incidence which inspire us not to be proud for our strength and cleverness or else it would be the reason of our fall.

Leave a Reply to Harshad+patel Cancel reply

Please enter your comment!
Please enter your name here