Home Contemporary કોવિડ-19 મહામારીનું ખલનાયક અશ્વનાળ ચામાચીડિયું

કોવિડ-19 મહામારીનું ખલનાયક અશ્વનાળ ચામાચીડિયું

16
કોવિડ-19 મહામારીનું ખલનાયક અશ્વનાળ ચામાચીડિયું

આપને એમ લાગશે કે આ વળી ક્યું નવું ચામાચીડિયું લાવ્યા? પરંતુ કોરોના વાયરસ પ્રેરિત કોવિડ-19 નામની મહામારીના ખલનાયક એવા આ સસ્તન પ્રાણી વિશે અને તે બાબતે થયેલા વધુ સંશોધનો વિશે જાણવું જરૂરી છે. રાયનોલોફિડે નામનો ચામાચીડિયાનો એક પરિવાર છે, જેને સામાન્ય રીતે અશ્વનાળ ચામાચીડિયા (Horseshoe Bat) તરીકે ઓળખવામાં આવે છે. ચામાચીડિયાઓનું આ પ્રકારનું અશ્વનાળ નામ પડવા પાછળ તેના નસકોરાનો આકાર કારણભૂત છે. તેના નસકોરાનો નીચેનો ભાગ ઘોડાની નાળ અથવા યુ-આકાર જેવો હોય છે. તમે આ લેખના મુખ્ય ચિત્રમાં તે સ્પષ્ટ જોઈ શકશો.

ચીનના યુનાન વિસ્તારની એક ગુફામાંથી 2013માં રાયનોલોફસ એફિનીસ પ્રજાતિના એક અશ્વનાળ પ્રકારના ચામાચીડિયાના મળમાંથી એક વાયરસનું સેમ્પલ લેવામાં આવેલું હતું. આ સેમ્પલ વુહાનના વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક શ્રી હઝમત ક્લેડ દ્વારા લેવામાં આવેલું હતું. વૈજ્ઞાનિક ભાષામાં આ સેમ્પલની ઓળખ તેના નામ (Name), ક્રમ (Rank) અને ક્રમિક સંખ્યા (Index) મુજબ RaTG13 છે. 2013માં લેવામાં આવેલું આ સેમ્પલ જાન્યુઆરી – 2020 સુધી લેબોરેટરીમાં સંગ્રહાયેલું રહ્યું અને ભુલાઈ ગયું હતું. આ સેમ્પલમાં અશ્વનાળ ચામાચીડિયામાંથી લેવામાં આવેલા વાયરસ હતા, જે હાલની કોવિડ-19 મહામારીનું કારણ છે.

અશ્વનાળ ચામાચીડિયા સામાન્ય કદના હોય છે, જે બીજા ચામાચીડિયાઓથી અણીયારા કાન અને ઘોડાની નાળ આકારના સોનેરી નસકોરાઓને લીધે અલગ તરી આવે છે. તેની લગભગ 100 જેટલી પ્રજાતિઓ છે. જેમાં મોટાભાગની તો એકબીજાથી બહુ જ સામ્યતા ધરાવતી છે. અમેરિકા સિવાય વિશ્વના ઉષ્ણ અને સમશીતોષ્ણ વિસ્તારના લગભગ બધા દેશોમાં તેઓ જોવા મળે છે. તેઓ ગુફામાં રહેવાના અને મેળાવડો કરવાના (મોટા સમૂહમાં એકઠા થવાના) શોખીન હોય તેવું લાગે છે.

વૈજ્ઞાનિકો મોટાભાગે 2002-03માં ફાટી નીકળેલા સાર્સ નામના રોગચાળા માટે જવાબદાર ટૂંકી પાંખોવાળા રાયનોલોફસ સિનિક્સ પ્રજાતિના ચામાચીડિયાઓના સેમ્પલ લેતા હતા અને તેના પરીક્ષણ કરતા હતા. તેઓને એવી ખબર જ ન હતી કે તેઓની આ શોધ દરમ્યાન જ ભવિષ્યમાં આવનાર મહામારીના અવશેષો આવી ચૂક્યા છે અને તેઓ તેની અવગણના કરી રહ્યાં છે.

વૈજ્ઞાનિકોને યુનાનની રાજધાની કુનમિંગની દક્ષિણમાં આવેલી ગુફાઓમાંથી ચામાચીડિયાના મળ-મૂત્રમાંથી એવા વાયરસ મળી આવ્યા, જેવા પામ સિવેટ (બિલાડી જેવું પ્રાણી) માંથી મળી આવતા હતા. તેઓની રચના માનવ સાર્સ જેવી જ હતી તેથી એવું માનવામાં આવતું હતું કે, નાના સસ્તન પ્રાણીઓ જ આ વાયરસના વાહક અને માનવોમાં ચેપ ફેલાવવાના સ્ત્રોત છે. આ જ કારણોસર જ્યારે કોવિડ-19 ફાટી નિકળો ત્યારે શરૂઆતમાં બધાનું ધ્યાન ભીંગળાવાળા કીડી ભક્ષી સસ્તન પ્રાણી પેંગોલિન ઉપર કેંદ્રિત થયું હતું. તેનું મુખ્ય કારણ એ હતું કે, ચીનની પરંપરાગત દવામાં વપરાતા પેંગોલિનના ગેરકાયદેસર વેપારે બિમાર પ્રાણીઓને માનવોના સંપર્કમાં લાવ્યા હતા. એકાદ વર્ષ પહેલા જ દાણચોરી વિરોધી અધિકારીઓ (Anti-Smuggling Officers) દ્વારા ચીનમાં વેચવા માટે લાવવામાં આવેલા 21 જીવતા પેંગોલિનને ગુઆંગડોંગમાં પકડ્યા હતા. પૂરતા પ્રયત્નો બાદ પણ તે પૈકી કોરોના વાયરસ ગ્રસ્ત 16 જેટલા પ્રાણીઓ સોજો અને ફેફસામાં પાણી ભરાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા.

જો કે પાછળથી પ્રયોગશાળામાં એવું શોધી કાઢવામાં આવ્યું કે, ચામાચીડિયાના મળ-મૂત્રમાંથી મળી આવેલો ડબલ્યુઆઈવી-1 (WIV-1) નામનો વાયરસ વાનર અને માનવોમાં એસીઇ-2 (ACE-2) પ્રકારના સંગ્રાહક મારફતે સીધો જ દાખલ થઈ શકે છે અને વિકસી પણ શકે છે. ગત અઠવાડિયે ડો એમ એફ બોની, પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી અને ડો ડેવિડ રોબર્ટસન, ગ્લાસગૌ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બહાર પાડવામાં આવેલા સંશોધન મુજબ કોવિડ-19 માટે જવાબદાર અને માનવમાંથી મળેલ સાર્સ-કોવ-2 વાયરસના જનીન પેંગોલિન કરતા અશ્વનાળ ચામાચીડિયામાંથી લેવામાં આવેલા RaTG13 સેમ્પલ સાથે વધુ મળતા આવે છે. આમ, સાર્સ-કોવ-2 ફેલાવામાં પેંગોલિનની ભૂમિકા ધૂંધળી થતી જાય છે.

આ વિશ્લેષણ દરમ્યાન એક ખૂબ જ મહત્વની એવી એ બાબત પણ ધ્યાને આવી કે, માનવમાંથી મળેલા આ વાયરસ અને RaTG13 બન્નેના પૂર્વજો ઓછામાં ઓછા 40 વર્ષ પહેલાથી અસ્તિત્વ ધરાવે છે. આવું ભયંકર અશ્વનાળ ચામાચીડિયું યુનાનની ગુફામાંથી આશરે 2000 કિલોમીટર દૂર વુહાનમાં, જ્યાં પ્રથમ કેસ મળ્યો હતો, ખાવા માટે કે પ્રયોગ કરવા માટે લઈ જવામાં આવ્યું હોય, તેવી શક્યતા બહુ નહિવત લાગે છે. એવું શક્ય બને કે વુહાનની નજીક ચામાચીડિયાની એક મોટી વસાહત છે, જેમાં આવો જ વાયરસ ધરાવતા ચામાચીડિયા હોય. એક એવો પણ ભયાનક સંયોગ હોઈ શકે કે ચીનના ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ હેઠળ 1956માં સ્થપાયેલ ઉચ્ચ સલામતી વાળા વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી કે જ્યાં માનવ કોષમાં ચામાચીડિયાના વાયરસના ચેપના પ્રયોગો કરવામાં આવે છે તે આ મહામારીનું મૂળ હોઈ શકે. ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ચામાચીડિયા વેચાય છે અને રેસ્ટોરન્ટમાં સીધા પીરસવામાં પણ આવે છે, પરંતુ વુહાનના જીવતા પ્રાણીઓના બજારમાં તેમના સીધા વેચાણના કોઈ પુરાવા હજુ સુધી ઉપલબ્ધ નથી.

અશ્વનાળ ચામાચીડિયા એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપ વગેરે ખંડના લગભગ બધા દેશોમાં જોવા મળે છે. જો એકપણ આવું ચામાચીડિયું વાયરસ વહન કરતું હોય અને તેને બજારમાં લાવી ઉપયોગમાં લેવામાં આવે તો ચોક્કસ રોગચાળો ફાટી નીકળે. મારા અગાઉના બ્લોગ “કોરોના – ચામાચીડિયાનો કોહરામ” (http://udaybhayani.in/corona/)માં આવરી લીધું છે તેમ હડકવા, ઇબોલા, હેન્ડ્રા, નિપાહ વગેરે રોગો માનવજાતને ચામાચીડિયાની જ દેન છે. છેલ્લે 2012-13માં ફાટી નીકળેલ સાર્સ પણ ચામાચીડિયા મારફતે જ ફેલાયો હતો.

ચામાચીડિયાઓ વાયરસ ફેલાવામાં પારંગત હોય તેવું લાગે છે, તેના ઘણાં કારણો છે. ચામાચીડિયા માનવજાત જેટલું નહીં પણ તેની જેમ લાંબુ આયુષ્ય ધરાવતા સસ્તન પ્રાણી છે. તેઓ આપણી જેમ જ ટોળાઓમાં રહે છે. અમેરિકાના ટેકસાસની ચામાચીડિયાની એક વસાહતમાં અમૂક સમયે 2 કરોડ જેટલા ચામાચીડિયાઓ એકસાથે હોય છે. ચામાચીડિયાની ઘણી બધી જાતિઓ છે. પૃથ્વી પરના કૂલ સસ્તન પ્રાણીઓ પૈકી 25% વસ્તી ફક્ત ચામાચીડિયાઓની જ છે. તેઓ ઊડીને દૂર જઈને એક જાતિમાંથી બીજી જાતિમાં વાયરસ સ્થળાંતર કરવાનો ગુણ પણ ધરાવે છે.

અશ્વનાળ ચામાચીડિયા સ્વાદિષ્ટ ફળભક્ષી ચામાચીડિયાઓ કરતા નાના હોય છે અને સામાન્ય રીતે ખાવામાં વપરાતી પ્રજાતિના નથી હોતા. યુનાનની ગુફામાંથી લેવામાં આવેલા સેમ્પલના વિશ્લેષણ ઉપરથી એક એવી અગત્યની બાબત ધ્યાને આવેલ છે કે, આ વાયરસને માનવોમાં ચેપ લગાડવા અન્ય વાયરસ સાથે જોડાવું પડતું નથી. હા, પ્રાણી બજારના જીવતા પ્રાણીઓમાં રહી તેઓ વધુ ઝડપથી વિકસી શકે છે.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં હોંગકોંગ યુનિવર્સિટીના શ્રી પેટ્રિક વુ અને તેના સહયોગીઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ રિસર્ચ પેપર મુજબ તેઓએ કોરોના વાયરસનો અભ્યાસ કર્યો હતો અને એવા દીર્ઘદ્રષ્ટી વાળા તારણ ઉપર આવ્યા હતા કે, ચામાચીડિયાથી પ્રાણી અને ચામાચીડિયાથી માનવ વચ્ચે પરસ્પર સંપર્ક, એટલે કે દક્ષિણ ચીનના જીવંત પ્રાણી બજાર અને રેસ્ટોરન્ટમાં ચામાચીડિયાની હાજરી, કોરોના વાયરસના એક પ્રજાતિમાંથી બીજી પ્રજાતિમાં ફેલાવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે અને વૈશ્વિક વિનાશક રોગચાળો ફાટી નીકળી શકે છે.

ઇબોલા, હેન્ડ્રા, નિપાહ, માર્સ તથા સાર્સ વગેરે રોગો ફાટી નિકળા ત્યારે આપણને વાજબી ચેતવણી મળી ગઈ હતી. 2013માં યુનાનની ગુફામાંથી લેવામાં આવેલ સેમ્પલ તો સૌથી મોટી ખતરાની ઘંટી હતી, જેને આપણે નજરઅંદાજ કરી હતી અને તેનું ફળ આજે આપણે ભોગવી રહ્યાં છીએ. ચામાચીડિયાનું સરેરાશ આયુષ્ય 30 વર્ષ જેટલું હોય છે, જો કે અશ્વનાળ ચામાચીડિયાનું આયુષ્ય 2 થી 6 વર્ષનું જ હોય છે. ચામાચીડિયા કોરોના વાયરસથી માણસોની જેમ પીડાતા અને મરતા નથી હોતા માટે RaTG13 હજી પણ જીવંત હોઈ શકે છે. એટલે કે બીજી કોઈ પણ મહામારીનું ભવિષ્યમાં પણ કારણ બની શકે છે.

આજની તારીખે વિજ્ઞાન પાસે નીચેના પ્રશ્નોના જવાબ હજુ પણ નથી –

  1. અશ્વનાળ ચામાચીડિયા કોરોના વાયરસ ગ્રસ્ત કેમ થયા છે?
  2. આ વાયરસ ચામાચીડિયાથી પેંગોલિન મારફતે ફેલાયો છે? સીધો ચામાચીડિયાથી માનવોમાં ફેલાયો છે? કે પેંગોલિન અને માનવોમાં એકસાથે ફેલાઈ રહ્યો છે.

મિત્રો, આજનો લેખ વૈજ્ઞાનિક સંશોધન આધારિત છે. તો ઘણા શબ્દો જેવા કે એસીઇ-2 (ACE-2), RaTG13 વગેરે સંપૂર્ણપણે અજાણ્યા હશે, પરંતુ દરેકની સમજૂતી આપવી અહીં શક્ય નથી. બીજુ, હું સાયન્સનો વિદ્યાર્થી નથી રહ્યો માટે બને કે પૂરતી કાળજી લીધા પછી પણ કોઈ બાબત રહી ગઈ હોય કે રજુ કરવામાં કોઈ સામાન્ય ક્ષતિ રહી ગઈ હોય, તો ધ્યાને લાવવા વિનંતી છે. મને પાકો વિશ્વાસ છે કે વિશ્વના શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિકોના તાજેતરના સંશોધનો આધારિત આ માહિતીપ્રદ લેખ તમને ચોક્કસ ગમ્યો હશે.

16 COMMENTS

  1. Horseshoe bat
    Nice blog and again lots of reading and referancies required to prepare this blog
    Thanks for information

  2. 💥APL -1 કાર્ડધારકો મફત અનાજ લેતા પહેલાં આ વિડીયો જુઓ નહિ તો પસ્તાશો

    ➖જુઓ ક્યારે અને કોને મળશે અનાજ
    👉સરકારી નોકરિયાતઓએ શુ ધ્યાનમાં રાખવું*
    *વિડીયોની લિંક⤵️
    https://youtu.be/Pwji6egWhd8

Leave a Reply to Kamlesh j Pandya Cancel reply

Please enter your comment!
Please enter your name here