કોરોના – દવાથી સારવાર શક્ય છે?

Posted by

આગળના લેખમાં આપણે કોવિડ-૧૯ રોગ સામે લડવાના પાંચ પગલાઓ વિશે જોયુ અને તે પૈકી ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને રસીની વિગતો પણ જોઈ. એક વસ્તુ તો સ્પષ્ટ છે કે રસી બનતા, બજારમાં આવતા અને ભારતમાં છેવાડાના લોકો સુધી પહોંચતા તો બહુ જ સમય લાગશે. આપણે ટેસ્ટીંગ અને ટ્રેસીંગની રણનીતિ વિશે ચર્ચા કરી લીધી. આ લેખમાં આપણે કોવિડ-૧૯ સામે લડવાની દવાઓ અને સારવાર પદ્ધતિઓ માટે વિશ્વની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને વૈજ્ઞાનિકોના તાજેતરના સંશોધનો શું છે? તેની મર્યાદાઓ અને મુશ્કેલીઓ તથા જમાપાસાઓ સાથે વિગતે જાણીશું.

દવા કેવી રીતે અગત્યની ભૂમિકા ભજવી શકે?

આજનું તબીબી વિજ્ઞાન ખૂબ જ વિકસેલું છે, પરંતુ બેક્ટેરીયાજન્ય રોગોની સારવાર માટે એન્ટિબાયોટિક્સ છે તેની સરખામણીએ વાયરસજન્ય રોગો માટે એન્ટિવાયરલ સારવાર જોઈએ તેટલી વિકસીત નથી. એવું કહેવામાં જરાય ખોટું નહી હોય કે, જે પરિસ્થિતિ એક સૌકા પહેલા એટલે કે ૧૯૨૦માં બેક્ટેરિયિલોજીની હતી તેવી પરિસ્થિતિ આજે ૨૦૨૦માં વાયરોલોજીની છે. તે સમયે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ અને તેના પણ ગુરુ સર ઓલમ્રોથ રાઈટ (જેને તેના વિરોધીઓ ઓલવેઈઝ રોન્ગ કહેતા) વગેરે તજજ્ઞો દર્દીને નુકશાન ન થાય તેવા કેમીકલ પદ્ધતિથી ઉપચારના ખ્યાલને હવામાં કિલ્લો બાંધવા જેવા કહેતા તથા રોગ પ્રતિકાર શક્તિ વધારીને જ બેક્ટેરિયા સામે લડી શકાય તેવા ખ્યાલની હિમાયત કરતા. આ જ સમયગાળામાં જ્યોર્જ બર્નાર્ડ શો (સમગ્ર વિશ્વના સર્વશ્રેષ્ઠ નાટ્યકાર અને એક માત્ર સાહિત્યકાર કે જેઓને ઓસ્કાર અને નોબેલ પ્રાઈઝ – ૧૯૨૫ એમ બંને પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે)ના નાટક ‘The Doctor’s Dilemma’માં શ્વેતકણોના સંદર્ભમાં ‘ફેગોસાઇટ્‌સને ઉત્તેજીત કરો!!!’ તેવો મેસેજ આપવા પ્રયત્ન કરવામાં આવેલો હતો (ફેગોસાઇટ એટલે કે પ્રાણી શરીરની અંદરના જ કોષો કે જે બેક્ટેરિયા સાથે લડી શકે કે તેને ગપચાવી જાય). રાઇટ અને ફ્લેમિંગે આ સમયે વિચાર્યું કે ચેપથી બચવા રસીનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ ૧૯૨૮માં ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી એક રીતે પોતાના જ ખ્યાલનું ખંડન કર્યુ. આ પેનિસિલિન એક એન્ટીબાયોટીક છે અને બિજા વિશ્વયુદ્ધ દરમિયાન તેનો પ્રથમ વખત મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટૂંકમાં, રસી ન મળે ત્યાં સુધી સારવાર માટે દવા ખૂબ અગત્યની ભૂમિકા ભજવી શકે છે.

વાયરસજન્ય રોગોની દવા કે સારવારની શોધમાં મુખ્ય અવરોધો શું છે?

જેટલી સફળતા બેક્ટેરિયાજન્ય રોગોની સારવારમાં એન્ટીબાયોટિક દવાઓથી મળી છે તેટલી સફળતા વાયરસજન્ય રોગોની સારવારમાં એન્ટીવાયરલ દવાઓથી નથી મળી રહી. આવુ બનવાના જૈવિક અને આર્થિક બન્ને પ્રકારના કારણો છે. જૈવિક કારણો – (૧) એન્ટીબાયોટિક દવાઓ બેક્ટેરિયાના મૂળભૂત માળખા ઉપર હુમલો કરે છે, જ્યારે વાયરસને પોતાનું કોઈ માળખું હોતુ નથી. વાયરસ જનીનોનું એક ઝૂમખું છે અને પોતે વધવા માટે યજમાન(host)ના કોષોનો જ ઉપયોગ કરે છે. (૨) દરેક વાયરસનું બંધારણ એકબીજાથી તદ્‌ન અલગ હોય છે. એક વાયરસની દવા બીજા વાયરસની સારવારમાટે ઉપયોગમાં આવતી નથી. દા.ત. એચઆઈવી-૧ની દવા એચઆઈવી-૨ની સારવારમાં કામ કરતી નથી, ઇન્ફ્લુએન્ઝા-એની દવા ઇન્ફ્લુએન્ઝા-બીમાં ઉપયોગી નથી વગેરે. (૩) રીબાવિરિન નામની એક એન્ટીવાયરલ દવા છે, જે ટ્રીબાવિરિન તરીકે પણ ઓળખાય છે. આ દવા એક કરતા વધુ વાયરસજન્ય રોગોની સારવાર માટે ઉપયોગી છે. આ દવા ઝેરી હોય છે અને જેને આપવામાં આવે તેના શરીરના તંદુરસ્ત કોષો ઉપર ખૂબ જ વિપરિત અસર કરે છે. આર્થિક કારણ – કોઈપણ દવા બનાવવા સંશોધન, ટેસ્ટીંગ, સર્ટીફિકેશન વગેરે પાછળ મોટું મૂડી રોકાણ કરવું પડતું હોય છે. જ્યારે ખૂબ જ ચોક્કસ પ્રકારની દવા વધુ નફાકારક હોતી નથી. મોટાભાગના વાયરસ દર્દીના શરીરમાં લાંબા સમય માટે રહેતા નથી, જેવું કોવિડ-૧૯માં પણ છે; અસરગ્રસ્ત સામાન્ય રીતે ૧૦-૧૫ દિવસમાં સાજા થઇ જાય છે. એઇડ઼્સ અને હર્પિઝ તેમાં અપવાદ છે માટે જ ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. બાકી ૨૦૧૪-૧૫માં ઇબોલાની દવા તૈયાર થઇ ત્યાંસુધીમાં પશ્ચિમ આફ્રિકામાં રોગચાળો પૂરો થઇ ગયો હતો.

દવા અને સારવાર માટે ઉપલબ્ધ અદ્યતન વિકલ્પો

પ્રોટીઝ ઇન્હિબિટર્સ (Protease Inhibitors) – એઇડ઼્સની સારવાર કરવાની દવા શોધતા આ દવા મળી છે. આ દવા પ્રોટીનના કણોને ચોક્કસ રીતે તુટતા અટકાવીને રોગ સામે લડવામાં મદદ કરે છે. જો પ્રોટીનના કણો તુટે તો વાયરસ યજમાનના કોષમાં દાખલ થઇ શકે. આ પ્રોટીન તૂટવાની ખાસ પ્રક્રિયાને ‘ક્લેવિજ’ કહેવામાં આવે છે. આ પ્રોટીઝ ઇન્હિબિટર્સ – અવરોધકો ખૂબ જ ચોક્કસ હોય છે, માટે એઇડ઼્સમાં ઉપયોગી છે તેટલા કોવિડ-૧૯માં ન પણ થાય. જાપાનમાં આવા જ એક પ્રોટીઝ ઇન્હિબિટર્સ કે જેનું નામ કેમોસ્ટેટ મેસિલેટ છે; તેના મારફતે પેન્ક્રિયાટાઇઝ(સ્વાદુપિંડના સોજાનો એક રોગ)ની સારવારને કાયદેસર મંજુરી છે. આ સારવાર કંઈક મદદ કરી શકે તેવું ચોક્કસ લાગે છે. સામાન્ય રીતે આ દવા એટલી નફાકારક નથી, પરંતુ કોવિડ-૧૯માં સફળ જાય, તો જાપાન આ દવાનું ચોક્કસ ઉત્પાદન કરે અને વિશ્વ તથા જાપાન બન્ને આનો બહોળો ફાયદો મેળવી શકે. આ દવા કોવિડ-૧૯માં સફળ જાય તો એવું પણ કહી શકાય કે, એઇડ઼્સ, ઇબોલા, સાર્સ વગેરે રોગોની સામે લડતા-લડતા ભગવાને આપણને આ મહામારીમાં મરનારાઓની સંખ્યા ઘટાડી શકાય તેટલા યોગ્ય બનાવી દીધા છે.

રેમડીસિવિર (Remdesivir) – અમેરિકાના કેલિર્ફોનિયાની એક બાયોફાર્માસ્યુટિકલ કંપની ગિલિયડ સાયન્સિસ દ્વારા વાયરસ સામે લડવાની આ પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે. આ સારવારની પદ્ધતિમાં વાયરસના આરએનએ જેવા જ ડુપ્લિકેટ જનીન વૈકલ્પિક કૃત્રિમ રસાયણથી બનાવવામાં આવે છે. જ્યારે વાયરસ પોતાનો ફેલાવો વધારવા યજમાનના શરીરના કોષોનો ઉપયોગ કરવા જાય છે ત્યારે તેને આવા ડુપ્લિકેટ જનીન આપીને મૂર્ખ બનાવવામાં આવે છે. આ સારવાર કોઈપણ વાયરસની સારવારમાં ઉપયોગી છે જે પોતાના વિકાસ કે ઉત્તપાદન માટે આરએનએનો ઉપયોગ કરે છે. અહીં ભયસ્થાન એ પણ છે કે દર્દીને નુકશાન થવું ન જોઈએ, કારણ કે આ ડુપ્લિકેટ જનીન ડીએનએથી બનેલા હોય છે. આ રેમડીસિવિર ૨૦૧૫માં ઇબોલા વાયરસ સામે લડવામાં વાંદરા ઉપર સફળ થયેલ હતી; જ્યારે ૨૦૧૮માં કોંગોની સારવારમાં એટલી સફળ રહેલ ન હતી.

લેબોરેટરીમાં તો રેમડીસિવિર કેટલાય પ્રકારના વાયરસનો ખાતમો બોલાવી શકે છે અને તાજેતરના અહેવાલ મુજબ બિલાડીને આ સારવારથી કોરોનાના ચેપથી સંપૂર્ણરીતે મુક્ત કરવામાં આવી છે. અમેરિકામાં જે રીતે ટપોટપ કરૂણ મૃત્યુ થઈ રહ્યા છે, તે ધ્યાને લઈ રેમડીસિવિરને સારવાર માટે ઉપયોગમાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. પ્રારંભિક પરિણામો તો આશાસ્પદ જણાય છે, પરંતુ ઘણિષ્ઠ પરિક્ષણ અને તેના પરિણામોની રાહ જોવાઈ રહી છે. હાલ આ સારવાર વિશ્વમાં કોઈપણ દેશમાં કાયદાકીય રીતે અધિકૃત નથી અને વળી આ સારવારમાં દવા નસમાં આપવામાં આવતી હોય, તેના ભયંકર પરિણામો પણ આવી શકે. વધુમાં, આ સારવાર ચેપ લાગવાના શરૂઆતના તબક્કામાં લેવામાં આવે તો જ ફાયદાકારક રહે છે, તે પણ ધ્યાને લેવું ઘટે.

ફેવિપિરાવિર (Favipiravir) – અનેક વાયરસો સામે લડી શકતી અને ‘એવિજેન’ નામે વેચાતી આ ફેવિપિરાવિર એન્ટીવાયરલ દવા ઘણી તકાતવર અને અપેક્ષા મુજબ પરિણામો આપી શકે તેવી છે. આ દવા કોડાક(હા, ફોટોગ્રાફી સાથે સંકળાયેલ કંપની જ)ની આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળવા જાપાનની ફ્યુઝીફિલ્મ કંપનીની એક પેટા કંપની કે જે કેમીકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં કામ કરે છે, તેના દ્વારા વિકસાવવામાં આવેલ છે. આ દવા હર્પિઝ રોગની દવાના સંશોધનમાં વિકસાવવામાં આવી હતી અને ત્યારથી તાવમાં અક્સીર સાબિત થઇ છે. જો કે આ દવા લેબોરેટરીમાં ખૂબ જ સારા પરિણામો દર્શાવતી હોવા છતાં જીનીવામાં ૨૦૧૪માં ઇબોલા સામે લડવામાં પુરેપુરી સફળ રહી ન હતી. કોરોનાના સંદર્ભમાં ચીનમાં ૮૦ દર્દીઓ ઉપર થયેલા પ્રયોગમાં તેના ઘણાં સારા પરિણામો સામે આવ્યા છે. ચીન, દક્ષિણ કોરીયા વગેરે તેનો ઉપયોગ કરી રહ્યાં છે અને ૮મી એપ્રિલ, ૨૦૨૦ના એક અહેવાલ મુજબ જાપાને ૨૦ જેટલા દેશોને આ દવા મફતમાં આપવાની જાહેરાત કરી છે. જાપાન સરકાર દ્વારા ફ્યુઝીફિલ્મને આ દવાના ઉત્પાદન માટે મંજુરી પણ આપી દેવામાં આવી છે. આ દવાની એક વધુ સારી બાબત એ પણ છે કે તે ગોળીના સ્વરૂપમાં છે, ઇન્જેક્શનના સ્વરૂપમાં નથી અને સગર્ભા સ્ત્રી સિવાય તેની આડઅસરો પણ બહું ઓછી છે.

હાઇડ્રોક્સિક્લોરોક્વિન (Hydroxychloroquine) ક્યાંય જાહેરમાં બોલવું હોય તો જેના ઉચ્ચારણ માટે નેટ પ્રેક્ટિસ કરવી પડે અને જગત જમાદાર શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેની તરફેણ અને ભલામણ કરવામાં આવી હતી તેવી આ હાઇડ્રોક્સિક્લોરોક્વિન એન્ટી મેલેરિયા દવા છે. હવે એ પણ જાણી લો કે મેલેરિયા નથી તો વાયરસ કે નથી બેક્ટેરિયા; એ તો છે ત્રીજી જાતિ એટલે કે પેરાસાઈટ. જેના શરીરમાં દાખલ થાય તે યજમાનમાંથી જ પોષણ મેળવી જીવે અને ફૂલે-ફાલે. હાઇડ્રોક્સિક્લોરોક્વિન એક પ્રકારના સંધિવામાં વપરાતી દવા છે. લેબોરેટરીમાં પરીક્ષણ મુજબ કોરોના વાયરસના ચેપને ધીમો પાડી શકે તેવું તારણ છે. ફ્રાંસના એક અભ્યાસ મુજબ આ દવા એઝીથ્રોમાઈસિન નામની એન્ટીબાયોટિક સાથે ઉપયોગમાં લેવામાં આવે તો આંશિક સારવારનું સાધન બની શકે છે.

હાઇડ્રોક્સિક્લોરોક્વિનની એક ખૂબ જ રસપ્રદ અને અગત્યની બાબત એવી પણ છે કે, આ દવા ઝિંક ધાતુ સાથે સંયોજાવા કે જોડાવાનો ગુણધર્મ ધરાવે છે. ઝિંક ધાતુ વાયરસના ચેપને વધુ ફેલાતો અટકાવે છે અને વાયરસ સામે લડવામાં મદદ કરી શરદીનો સમયગાળો ટૂંકો કરે છે. જેમ શરીરમાં વિટામિન – ડી ખૂબ ઓછુ હોવું નુકસાનકારક છે, તેમ ઝિંકની ખામી પણ નુકસાનકારક છે. એટલું જ નહીં શરીરમાં ઝિંકનું વધુ પ્રમાણ પણ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે તે વ્યક્તિની સ્વાદ પારખવાની શક્તિ ક્ષીણ કરી નાખે છે. વિકાસશીલ દેશોના લોકોમાં ઝિંકની ઊણપ સામાન્ય લક્ષણ છે, જ્યારે વિકસિત દેશોમાં પણ મોતી ઉંમરના લોકોમાં આ ઊણપ ઘણી જોવા મળે છે અને કદાચ તેથી જ કોવિડ-૧૯ની વૃદ્ધો ઉપર વધુ ઘાતક અસરો જોવા મળી રહી છે. ઝિંકની સપ્લીમેન્ટ (પૂરક) તરીકેની દવાઓ ખૂબ જ સસ્તી હોવાથી ફાર્મા કંપનીઓ માટે બહુ ફાયદાકારક નથી હોતી અને માટે તેના તરફ દુર્લક્ષ્ય સેવવામાં આવે છે. પરંતુ આ બાબત ગેમ ચેન્જર સાબિત થઈ શકે તેવી પણ ખરી હો…            

મોનોક્લોનલ એન્ટીબોડીઝ (Monoclonal Antibodies) – જો દવાઓ મારફતેની રાસાયણિક સારવાર કામ ન લાગે તો કદાચ મોનોક્લોનલ એન્ટીબોડીઝ નામની સારવાર તો કામ લાગી શકે. આ મોનોક્લોનલ એન્ટીબોડીઝ શું છે? તો અગાઉ ના “કોરોના – શું રસી એક માત્ર ઉપાય?” (http://udaybhayani.in/corona-testing-tracing/) શીર્ષક વાળા લેખમાં આપણે જોઈ ગયા કે એકવાર શરીરમાં ચેપ લાગે પછી ટૂંકા સમયમાં આઇજીએમ અને ત્યારબાદ આઇજીજી એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. આ એન્ટીબોડી વાયરસ સામે લડવા સક્ષમ હોય છે. જીનેટિક (આનુવંશિક) એન્જીનીયરીંગનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં આવા એન્ટીબોડીઝ લેબોરેટરીમાં તૈયાર કરવા શક્ય છે. ૨૦૧૮માં અમેરિકાની બાયોટેક કંપની રેજેનરોન દ્વારા તૈયાર કરવામાં આવેલા આવા મોનોક્લોનલ એન્ટીબોડીઝ કોંગોમાં ઇબોલાના દર્દીઓની સારવારમાં ખૂબ જ સફળ સાબિત થયા હતા. રેજેનરોન દ્વારા કોવિડ-૧૯ માટે પણ આવા મોનોક્લોનલ એન્ટીબોડીઝ તૈયાર કરવામાં આવ્યા છે. તેનું ટૂંક જ સમયમાં પરિક્ષણ કરવામાં આવનાર છે. જો પરિક્ષણમાં સારા પરિણામો આવે તો પણ તેનું ઉત્પાદન દવા જેટલું સસ્તું અને સરળ નથી.

હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity) – રાસાયણિક સારવાર અને મોનોક્લોનલ એન્ટીબોડીઝ બાદ છેલ્લે આવે છે, હર્ડ ઇમ્યુનિટી. જેને સામાજિક રોગ પ્રતિકારક શક્તિ કે જુથ રોગ પ્રતિકારક શક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં, હર્ડ એટલે જુથ કે ટોળું અને ઇમ્યુનિટી આપણે બધા જાણીએ જ છીએ કે કોઈ ચોક્કસ ચેપ અથવા ઝેરની સામે એન્ટિબોડીઝ અથવા સફેદ રક્ત કોષો દ્વારા ક્રિયાપ્રતિક્રિયા કરવા માટેની કે લડવાની જીવતંત્રની ક્ષમતા, ટૂંકમાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ. આ પદ્ધતિનો સિદ્ધાંત કંઈક ‘આ બેલ મુજે માર’ જેવો છે. આ પદ્ધતિમાં વાયરસને ફેલાવા દેવામાં આવે છે. જેમ-જેમ વાયરસ લોકોમાં ફેલાતો જાય અને લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિના બળે જ સાજા થતા જાય, તેમ વાયરસની અસરકારકતા ઘટતી જાય. આ થિયરી ખૂબ જ જોખમી અને ઘાતક છે. કારક કે અહીં કોઈ સારવાર કરવાની નથી, જેને ચેપ લાગે અને જેની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત “શક્તિશાળી જ ટકી રહે” તે મુજબ જીવે અને આગળ વધે. ભૂતકાળમાં આ થિયરીનો બ્રાઝીલમાં ઝિકા વાયરસના રોગમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કોવિડ-૧૯માં સ્વીડન કરી રહેલ છે. ભારત જેવી લોકશાહીમાં આ પદ્ધતિની અમલવારી સરકાર પક્ષેથી શક્ય લાગતી નથી અને સલાહભરી પણ નથી. સાથે-સાથે વસ્તીની સામે સંસાધનોનું પ્રમાણ જોતા આપોઆપ અમલવારી થઈ જશે તે પણ એક નરી વાસ્તવિકતા જ છે. કદાચ આ સમયે ભારતના બીસીજી રસી આપવાના અભિયાનનો ફાયદો ચોક્કસ જોવા મળશે.   

હાલ આખા વિશ્વમાં કોવિડ-૧૯ની સારવાર માટે અનેક પરીક્ષણો થઈ રહ્યાં છે. એઇડ્સ અને ઇબોલાની સારવારમાં કરવામાં આવેલા અખતરાઓ ઉપરથી આ સંશોધનકારોને એ તો ખબર જ છે કે, રસાયણો વાયરસને ફેલાતો અટકાવી શકે છે અથવા તેના પુનરાવર્તનને અટકાવી શકે છે; ત્યારે હું ખૂબ જ આશાવાદી છું કે, કોઈ એકાદ સારવારની પદ્ધતિ તો ચોક્કસ સફળ થઈ જશે. ભારત સરકાર અને ગુજરાત સરકારને મારી ખાસ નમ્ર અપીલ છે કે, જેમ દરેક બાબતે આપણે વિશ્વને આપણી અસાધારણ ઉપલબ્ધિઓથી દંગ કરી દઈએ છીએ, તેમ કોવિડ-૧૯ની બાબતમાં પણ આવી કોઈ સારવાર બાબતે ઘનિષ્ઠ સંશોધન કરવામાં આવે, સુદ્રઢ પરીક્ષણ કરવામાં આવે અને ઠોર સારવારની પદ્ધતિ પ્રસ્થાપિત કરવા પ્રયત્નો કરવામાં આવે. મારો દૃઢ વિશ્વાસ છે કે, જ્યારે ગોળી આપીને લઈને મૃત્યુનો દર અને તેની તીવ્રતા ઘટાડી શકાશે, પ્રશાસને વ્યક્તિને દાખલ કરવાની કે વ્યક્તિએ દાખલ થવા આવવાની જરૂરિયાત ઘટી જશે અને આવી સારવારથી લોકો સાજા થવા માંડશે તો પ્રજામાં એક વિશ્વાસનું વાતાવરણ ઊભું થઈ જશે. લોકડાઉન પૂર્ણ જાહેર કરવા રસીની રાહ જોવી નહીં પડે. દેશના અર્થતંત્રની ગાડી ફક્ત પાટે નહીં ચડે, બુલેટ ટ્રેનની જેમ દોડવા લાગશે, એવા હકારાત્મક ભાવ સાથે…

સુજ્ઞ વાચકો, ખાસ વિનંતી છે કે જ્યાં સુધી સરકાર આવી કોઈ ચોક્કસ સારવારની સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી તો ખાસ માસ્કનો ઉપયોગ, હાથ વારેવારે ધોવા કે સેનેટાઈઝ કરવા, બિનજરૂરી બહાર ના જ નીકળવું, સોશીયલ ડિસ્ટન્સ જાળવવું, પોતાનું અને ખાસ ઘરના કે કુટુંબના વડીલો અને બાળકોની કાળજી રાખવી, આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે પુરતા પ્રયત્નો કરવા અને ત્યારબાદ પણ આ બધા સુસંસ્કારો કાયમી ધોરણે જીવનમાં ઉતારવા જેવા તો ખરા જ, નહીં….

4 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *