Home Contemporary કોરોના – શું રસી એક માત્ર ઉપાય?

કોરોના – શું રસી એક માત્ર ઉપાય?

4
કોરોના – શું રસી એક માત્ર ઉપાય?

અક્ષયતૃતિયાના શુભ દિવસે સરકારે વણ જોયા મુહૂર્તે ઘણા ધંધા-વેપાર ફરી શરૂ કરવા મંજૂરી આપી દીધી. એક રીતે સમયસરનું અને યોગ્ય પગલું છે; પરંતુ આવા સમયે પ્રજા અને પ્રશાસન બન્નેની જવાબદારી ચોક્કસ વધી જાય છે. ઘણાં બધા પ્રશ્નો મગજમાં ઘણની જેમ અથડાવા લાગ્યા. હવે શું થશે? શું સંક્રમણ એકદમ વધી જશે? ઘરે બેસી ટીવી તથા વોટ્સએપ યુનિવર્સિટીમાંથી જ્ઞાન ઘણું મેળવ્યું, પરંતુ સમય આવ્યો અમલવારીનો તો ભય લાગે છે, કે શું-શું કાળજી રાખશુ? અને સૌથી અગત્યનો સો મણનો સવાલ કે હજુ રસી શોધાઈ નથી અને સરકાર છુટછાટો આપવા માંડી, શું થશે? વગેરે વગેરે…

પહેલા તો દવા અને રસી વચ્ચેનો એક મૂળભૂત તફાવત સમજી લઈએ. રસી રોગ લાગુ ન પડે તેના અગમચેતીના પગલારૂપે ઉપયોગી છે. એકવાર રોગ લાગુ પડી ગયા પછી રસી કામ ન લાગે; રોગની સારવાર જ કરવી પડે અને તેના માટે જોઈએ યોગ્ય દવા કે યોગ્ય સારવાર પદ્ધતિ. PRECAUTION IS BETTER THAN CURE. આ સિદ્ધાંત અનુસાર વિશ્વની મહાસત્તાઓ તથા અનેક દેશો રસી શોધવા દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે. જે આવશ્યક પણ છે અને આજના સમયની તાતી જરૂરિયાત પણ. તો પહેલા થોડી રસી બાબતે ટૂંકમાં વાત કરી લઈએ.

રસી

રસી એટલે કોઇપણ રોગ સામે લડવાની કે તેનો પ્રતિકાર કરવા ઉભી કરવામાં આવતી શક્તિ. આમ, રસી કે જેને એન્ટિજેનિક સામગ્રી કહીએ છીએ, તે જે-તે રોગ સામે પ્રતિરક્ષાનું કામ કરે છે. કોઈપણ રોગ માટેની રસી બનાવવી સરળ નથી. હ્યુમન વેક્સિન પ્રોજેક્ટના પ્રેસિડન્ટ શ્રી વાયને કોફ દ્વારા ગત વર્ષે જણાવ્યા મુજબ હાલની રસી બનાવવાની પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ, ધીમી અને અતિશય મહેનત માંગી લેતી છે અને આ પદ્ધતિમાં સુધારો લાવવો એ આજના સમયની તાતી જરૂરિયાત છે. તેઓએ આ વાત કહી ત્યારે કોઈને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે, કોરોના આવો કહેર મચાવશે અને આપણે નિઃસહાય હોઈશું.

રસી બનાવવાની વિગતો ટૂંકમાં જોઈએ તો, કોઈપણ રોગની રસી બનાવવા માટે પહેલા તો પર્યાવરણનો કોઈપણ પદાર્થ, કે જે રોગ માટે જવાબદાર છે, તે વાયરસ, બેક્ટેરિયા, રસાયણ જે પણ સ્વરૂપમાં હોય તેને પ્રાણીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ તે કઈ રીતે પ્રતિક્રિયા આપે છે તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. અને તેની પ્રતિક્રિયા કે વિકાસ મુજબ તેનું પ્રતિકારક રસાયણ આપતું જવું પડે છે અને આમ તેને અંકુશમાં લાવવામાં આવે છે. આ આખી પ્રક્રિયામાં અપેક્ષિત પરિણામ ન આવે ત્યાં સુધી પ્રયત્નો કરતા રહેવા પડે છે. એક વખત ઉંદર કે વાંદરા જેવા પ્રાણી ઉપર પ્રયોગ સફળ થાય એટલે કામ પતી જતુ નથી. સાર્સની રસી બનાવતી વખતે બન્યું હતું તેમ, આવી પ્રાણીઓ ઉપર સફળ રસી માણસને આપતા ધાર્યા પરિણામો ન પણ મળે. વિશ્વમાં મોટા ભાગની રસીઓનું પરીક્ષણ ભારતમાં થાય છે કારણ કે, અહીં સ્વયંસેવકો સરળતાથી મળી રહે છે. રસીનું પરીક્ષણ પૂર્ણ થયા બાદ ઉપયોગ માટે જરૂરી મંજૂરીઓ મેળવવી પડે છે. આ આખી પ્રક્રિયામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને સમય પણ બહુ જાય છે.

રસીઓ બનાવવા અને ભવિષ્યના ખતરાઓ સામે લડવા માટે ભારતના સહયોગથી Coalition for Epidemic Preparedness Innovation – CEPI નામનું રોગચાળા સામે લડવા માટેનું નવીનતા સભર ગઠબંધન કાર્યરત છે. આ સંસ્થા ભવિષ્યમાં આવતા રોગચાળાને રોકવા રસી વિકસાવવા 2017થી દાવોસમાં શરૂ કરવામાં આવી છે. અ સંસ્થાના સ્થાપકોમાં ભારત સરકાર, નોર્વે સરકાર, બિલ અને મેલિંદા ગેટ્‌સ ફાઉન્ડેશન , ધી વેલકમ ટ્રસ્ટ અને ધી વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો સમાવેશ થાય છે. અહીં અગત્યનું એ છે કે, વિશ્વની આવી સંસ્થાઓ હાલની રસી બનાવવાની ઉપલબ્ધ ખર્ચાળ અને ધીમી પદ્ધતિના સમયમાં પણ કેટલી ઝડપથી કોવિડ-19 માટેની રસી બનાવીને બજારમાં લાવી શકે છે.

હવે આજના લેખ માટેની મૂળ વાત ઉપર આવીએ. આ લેખમાં મારે કંઈક અલગ જ વાત કરવી છે. શું કોવિડ-19 સામે લડવાનો કે તેનાથી જીતવાનો એક માત્ર વિકલ્પ રસી જ છે? શું રસી શોધાયા પહેલા લોકડાઉન સાવચેતીના પગલાઓ સાથે ખોલી ન શકાય? જો લોકડાઉન ખોલવું હોય તો શું વ્યૂહરચના અપનાવી શકાય? ઉપલબ્ધ વિકલ્પો ક્યા-ક્યા છે? વગેરે…

આ રોગની સારવાર સામે લડવાના પાંચ સ્ટેજ છે. પ્રથમ, વધુમાં વધુ અને સારું ટેસ્ટિંગ કરવું, બીજુ, ટ્રેસીંગ – સંક્રમિતો અને તેના સંપર્કમાં આવેલાઓને જુદા તારવવા, ત્રીજું, બિમાર હોય તેની યોગ્ય સારવાર કરવી ચોથું, સારવાર પ્રક્રિયામાં યોગ્ય દવાનો ઉપયોગ કરવો અને પાંચમું, રસીકરણ. આ પાંચ પૈકી રસીકરણ, જેની આપણે ઉપર વાત કરી તેમ તે હાલ આપણી પહોંચ બહાર છે. રસી સિવાયના અન્ય ચાર મુદ્દાઓ પૈકી અહીં ટેસ્ટીંગ અને ટ્રેસીંગ બાબતે વિગતો જોઈશું.   

ટેસ્ટીંગ

ભારતની વસ્તી અને ભૌગોલિક પરિસ્થિતિ જોતા બધાનું પરીક્ષણ કરવું શક્ય નથી. તો કોનું અને ક્યાં ટેસ્ટીંગ કરવું અને તે માટે શું વ્યૂહરચના અમલમાં મૂકી શકાય? કોવિડ-19ના કિસ્સામાં ટેસ્ટીંગની વ્યુહરચના ઘડવા સૌથી અગત્યની ત્રણ બાબતો છે. પ્રથમ, એવા ઘણા લોકો છે જેઓને કોવિડ-19 છે એટલે કે તે ચેપ ધરાવે છે, પરંતુ તેના લક્ષણો દેખાતા નથી (Asymptomatic). આ સૌથી જોખમી બાબત છે. જો કે લક્ષણો દેખાય કે ના દેખાય, પરંતુ તેનો ટેસ્ટ કરવામાં આવે તો તેમાં ઝેર (Toxin) કે ત્રાહિત પદાર્થ (Foreign Substance) મળી આવે છે, જે રોગ પ્રતિકારક શક્તિને એન્ટીબોડી ઉત્પન્ન કરવા પ્રેરિત કરે છે. જેને એન્ટીજેન કહેવામાં આવે છે. બીજી, જ્યારે શરીર વાયરસ સાથે લડતુ હોય છે ત્યારે ઇમ્યુનોગ્લોબુલિન એમ – આઇજીએમ (Immunoglobulin M – IgM) એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. ઇમ્યુનોગ્લોબુલિન એમ એ જ્યારે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વાયરસ સાથે લડે છે ત્યારે સૌપ્રથમ ઉત્પન્ન થતા એન્ટીબોડી છે. આ એન્ટીબોડીને ઉત્પન્ન થતાં એક થી બે અઠવાડિયા જેટલો સમય જતો હોય છે. ત્રીજી, થોડા વધુ સમય બાદ શરીર બીજા એન્ટીબોડી ઇમ્યુનોગ્લોબુલિન જી – આઇજીજી (Immunoglobulin G – IgG) ઉત્પન્ન કરે છે. આ એન્ટીબોડી વ્યક્તિના શરીરમાં લાંબા સમય સુધી એટલે કે લગભગ એક થી બે વર્ષ સુધી રહે છે. વિવિધ પ્રકારના ટેસ્ટના પરિણામો ઉપરથી રોગચાળો ક્યાં, કેટલો અને કેવો એટલે કે ચેપ છે? આઇજીએમ કક્ષાએ છે? કે આઇજીજી કક્ષાએ છે? તે જાણી શકાય છે.

હવે ભારતમાં ક્યા પ્રકારના ટેસ્ટને માન્યતા છે? તે જોઈએ. જેમાં પહેલો ટેસ્ટ છે, રિવર્સ ટ્રાંસ્ક્રિપ્શન પોલીમર્સ ચેઇન રિએક્શન ટેસ્ટ (Reverse Transcription Polymerase Chain Reaction Test) જેને હવે પછી આરટી-પીસીઆર ટેસ્ટ તરીકે ઓળખીશું. આ ટેસ્ટ ગળા અને નાકની પાછળની બાજુથી સ્વેબ (Swab) મારફતે લેવામાં આવેલ સેમ્પલ ઉપરથી કરવામાં આવે છે. આ ટેસ્ટથી વાયરસ એન્ટીજેનની હાજરી છે કે નહીં તે નક્કી કરવા કરવામાં આવે છે. આ ટેસ્ટ 5 થી 10 લોકોનો એકી સાથે (Pool Testing) પણ કરી શકાય છે અને તેને ભારતીય તબીબી સંશોધન સમિતિ (The Indian Council of Medical Research – ICMR) દ્વારા માન્યતા પણ આપવામાં આવેલ છે. આવી રીતે ટેસ્ટીંગ કરવાથી એકસાથે ઘણા લોકોના ટેસ્ટ થઇ શકે છે અને સંસાધનોની બચત શક્ય બને છે તથા ઓછા સંસાધનોથી વધુ પરિણામો હાંસલ કરી શકાય છે. બીજો ટેસ્ટ છે, સીરોલોજી ટેસ્ટ. જે લોહીનું સેમ્પલ લઇ, લોહીમાં આઇજીએમ અને/અથવા આઇજીજી એન્ટીબોડી કોઈ વાયરસના સંપર્કમાં આવ્યા છે કે કેમ? તે ચકાસવા કરવામાં આવે છે. આ ટેસ્ટ વ્યક્તિના લોહીમાં દરેક પ્રકારના એન્ટીબોડીની ચોક્કસ માત્રા દર્શાવી શકે છે. આ ટેસ્ટ કરવામાં થોડો સમય જરૂર લાગે છે. ત્રીજો ટેસ્ટ છે, રેપિડ એન્ટીબોડી ટેસ્ટ – આરએટી (Rapid Antibody Test – RAT). આ ટેસ્ટ પણ સીરોલોજી ટેસ્ટ જ છે, પરંતુ ડાયાબિટીસ માટેના સુગર ટેસ્ટ કે પ્રેગ્નન્સી ટેસ્ટની જેમ ઝડપી છે. આ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ આઇજીએમ કે આઇજીજી પોઝિટિવ-નેગેટિવનું પરિણામ 15 મિનિટ જેટલા ઓછા સમયમાં આપી શકે છે.

શું દેશના દરેક વ્યક્તિનો રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરી તેની વિગતો આપણને બજારો ખોલવા, લોકડાઉન ઉઠાવવા અને અર્થતંત્રને ધબકતું કરવા પુરતી છે? હા. જો આપણે એવું માની  લઈએ કે એક વખત ચેપ લાગ્યા બાદ સાજા થઇ જતા દર્દીને ફરીથી ચેપ નહીં લાગે તો. પરંતુ આ નવો કોરોના વાયરસ હોય, આ બાબત પ્રસ્થાપિત થતા હજુ સમય લાગશે. આવા સમયે સરકારે ત્રણેય પ્રકારના ટેસ્ટનું યોગ્ય સંયોજન (કોમ્બિનેશન) પરિસ્થિતિ અનુસાર વ્યૂહાત્મકરૂપે ગોઠવવું પડે. દા.ત. હોટસ્પોટ વિસ્તારમાં પ્રથમ આરટી-પીસીઆર ટેસ્ટ જુથમાં કરી શકાય (Pool RT-PCR Testing) અને જે સેમ્પલમાં પોઝિટિવ પરિણામ આવે તેટલા પુરતા વ્યક્તિગત આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે. જેથી સમય, સંસાધનો અને નાણાના બચાવ સાથે અસરકારક કામગીરી કરી શકાય. સુપર સ્પ્રેડરની કેટેગરીમાં આવતા લોકો જેવા કે, કોરોના યોદ્ધાઓ, ડોક્ટર, નર્સ, પોલીસ, પત્રકારો, શાકભાજીવાળા, દૂધવાળા તથા આવા અન્ય લોકોના રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવે, જેથી ચેપની ત્વરિત માહિતી મળી રહે. આ ઉપરાંત જે લોકો કોવિડ-19 સિવાયની સારવાર માટે આવે છે, જેમ કે પૂર્વનિર્ધારિત વાઢકાપ (Planned Surgery) વગેરેમાં કોવિડ-19નો સામાન્ય સીરોલોજી ટેસ્ટ ફરજિયાત કરવામાં આવે, જેથી સંલગ્ન સ્ટાફને ચેપ લાગવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. વિવિધ ટેસ્ટના ફાયદા-નુકશાન અને તેની પ્રમાણભૂતતાની વિગતો સરકાર પાસે સારી રીતે ઉપલબ્ધ હોય છે અને તેના તજજ્ઞો પણ ઉપલબ્ધ હોય છે, તેઓની મદદ લઈ, તાબાની કચેરીઓના ડેટાનું પૃથક્કરણ કરી ઉચ્ચત્તમ વ્યુહરચના ગોઠવી શકાય.

ટ્રેસીંગ

ટેસ્ટીંગની સાથે બીજી અગત્યની બાબત છે, ટ્રેસીંગ. જેટલા લોકોના ટેસ્ટ પોઝિટિવ આવે તેની તો સારવાર તુરંત જ શરૂ કરી દેવી જોઈએ. આ ઉપરાંત આ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં કોણ-કોણ આવ્યું છે તે શોધી તેને કોરન્ટાઇન કરવા અને તેના ટેસ્ટ કરવા ખૂબ જ આવશ્યક છે. અત્યાર સુધી તો લોકડાઉનને લીધે લોકોની અવર-જવર મર્યાદિત હતી, પરંતુ હવે જ્યારે સરકાર દ્વારા જરૂરી દુકાનો ખોલવાની મંજૂરી આપી છે ત્યારે અત્યારની પરંપરાગત પદ્ધતિથી ટ્રેસીંગ મુશ્કેલ જ નહીં પણ અશક્ય જેવું લાગે છે. આવા સમયે ખરી મદદ કરી શકે, ટેકનોલોજી. ટેકનોલોજીની વાત કરીએ એટલે પહેલું જ નામ યાદ આવે આરોગ્ય સેતુ એપ્લિકેશન. આ એપને સરકાર જરૂર જણાય તો કાયદાકિય સ્વરૂપ આપી અંગત માહિતીની યોગ્ય સલામતી સાથે દરેક સ્માર્ટફોનમાં ઓટો ઇન્સ્ટોલેશન અને ફરજિયાત એક્ટિવેશન કરાવી શકે. આ ઉપરાંત જીપીએસ ડેટા અને મોબાઈલ ટાવરના ડેટાનું આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પૃથક્કરણ કરી ડિજિટલ ફુટ પ્રિન્ટ (પગેરું) મેળવી કોમ્યુનિટી ટ્રાન્સમિશન અટકાવવા પુરતા પ્રયત્નો કરી શકાય. સિંગાપુર, દક્ષિણ કોરિયા, તાઇવાન વગેરે દેશોએ ટેકનોલોજીનો ઇષ્ટતમ ઉપયોગ કરી સારા પરિણામો મેળવ્યા છે, તે ઉદાહરણો આપણી સામે જ છે.

આમ, યોગ્ય ટેસ્ટીંગ વ્યુહરચના અને ટ્રેસીંગમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ તંત્રને કઇ જગ્યાએ ક્યા પ્રકારના પ્રયત્નો કરવા અને રોગને નિયંત્રણમાં રાખવો તેના નિર્ણયો લેવામાં ખૂબ જ મદદરૂપ થશે. જેમ-જેમ સરકાર ધંધા-રોજગારને સામાન્ય કરવા પ્રયત્નો કરશે ત્યારે આ પ્રકારની પૂર્વાયોજિત વ્યુહરચના ગોઠવવી અનિવાર્ય રહેશે. આ ટેસ્ટીંગ અને ટ્રેસીંગથી તો રોગની રૂખ જાણી શકાશે. તેનાથી પણ મહત્વનું છે, સંક્રમિતોની સારવાર. બહુ જ ટૂંકા સમયમાં ટેસ્ટીંગ અને ટ્રેસીંગથી પણ અનેક ગણી અગત્યની બાબત એવી દવાઓ અને સારવારની સૂચિત કે સંભવિત પદ્ધતિની વિશ્વના શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિકોના તાજેતરના સંશોધનો આધારિત વિગતો સાથે એક લેખ પ્રસિદ્ધ કરીશ.    

ફરીથી યાદ અપાવી દઉં, આ લેખ પણ વૈજ્ઞાનિક સંશોધનો ઉપર આધારિત છે. આરોગ્યશાસ્ત્રના બધા જ શબ્દો અહીં સમજાવવા શક્ય નથી. બધાનું શુદ્ધ ગુજરાતી કરવું પણ શક્ય નથી. હું સાયન્સનો વિદ્યાર્થી નથી રહ્યો માટે બને કે પૂરતી કાળજી લીધા પછી પણ કોઈ બાબત રહી ગઈ હોય કે રજુ કરવામાં કોઈ સામાન્ય ક્ષતિ રહી ગઈ હોય, તો ધ્યાને લાવવા વિનંતી છે. અને વિશ્વના શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિકોના તાજેતરના સંશોધનો આધારિત કોવિડ-19ની દવા અને સારવારની પદ્ધતિઓ સાથેનો લેખ બહુ જલદી આપની સમક્ષ રજુ કરીશ.

4 COMMENTS

  1. Very informative and easy to understand.
    Good effort we really appreciate it .

Leave a Reply to Bindu Lakhani Cancel reply

Please enter your comment!
Please enter your name here