Home Contemporary કોરોના – ટેસ્ટીંગ, ટેસ્ટીંગ અને ટેસ્ટીંગ

કોરોના – ટેસ્ટીંગ, ટેસ્ટીંગ અને ટેસ્ટીંગ

25
કોરોના – ટેસ્ટીંગ, ટેસ્ટીંગ અને ટેસ્ટીંગ

કોવિડ-૧૯ વિશે કેટલી બધી માહિતી રોજે-રોજ આવી રહી છે? એક રીતે જોઈએ તો માહિતીનો આ વિષય પરનો વિસ્ફોટ જ કહી શકાય. જેટલો કોરોના વાયરસ નથી ફેલાતો તેનાથી અનેક ગણી વધુ ઝડપે તેના વિશેની માહિતી ફેલાઈ રહી છે. શું તેનો મતલબ એવો કે આપણે કોરોના વાયરસ વિશે બધુ જાણી ગયા છીએ? તમને એવું લાગશે કે જ્યારે દુનિયામાં રસીઓ બનવા લાગી છે, દવાઓ અને સારવારો શોધાવા લાગી છે એટલે વાયરસ વિશે બધાને નહી તો પણ એક વર્ગ એવો હશે જેને બધી ખબર પડી જ ગઈ હશે. બરાબર ને? હા. સંશોધકો દ્વારા આ વાયરસના દરેક જીનોમને સમજવામાં આવ્યા છે, દરેક જીનોમના સરેરાશ ૩૦૦૦૦ અક્ષરો વાંચી શક્યા છે. તેના જે ૧૫ જનીનોમાં કઈ રીતે પ્રોટિન બનાવવું તે લખેલું છે, તે પણ જાણી શક્યા છે. આટલું ઉંડાણપૂર્વક જાણ્યા પછી તો આ વાયરસ ઉપર ચોક્કસ કાબુ મેળવી શકવા જોઈએ, બરાબર? તો હવે લોકડાઉનની શું જરૂર છે?

વાસ્તવિકતા એવી છે કે, આટલું જાણ્યા પછી પણ આપણે અજ્ઞાનના અંધારામાં ફાંફાં જ મારીએ છીએ. આટલા મહિનાઓ પછી આપણને એ ખબર નથી કે, આ વાયરસ આટલી ઝડપથી કેવી રીતે ફેલાઈ રહ્યો છે? લોકડાઉનની ક્યાં જરૂર છે અને ક્યાં નથી? અમદાવાદમાં છેલ્લે-છેલ્લે ફરી આટલું સખત લોકડાઉન કર્યું તેમ છતાં કેસો ઘટવાનું કેમ નામ જ નથી લેતા? શું કોવિડ-૧૯ મુખ્યત્વે શ્વાસ અને સ્પર્શથી જ ફેલાય છે? શું બાળકો માંદા પડ્યા વગર બિજાને આ રોગ તબદિલ કરે છે? જાપાન કરતા બ્રિટનમાં પરિસ્થિતિ કેમ આટલી વધુ ખરાબ છે? રશિયામાં રહી રહીને કેમ આટલા બધા કેસો આવી રહ્યાં છે? મેદસ્વી લોકો ઉપર વધુ જોખમ શા માટે છે? વિશ્વના અન્ય વિકસિત દેશોની સરખામણીએ અત્યાર સુધીની પરિસ્થિતિએ ભારત અને આફ્રિકાના દેશોમાં ફેલાવો મર્યાદિત કેમ છે? શું બીજો રાઉન્ડ આવશે, ક્યારે આવશે અને કેટલો તીવ્ર હશે? આવા તો અસંખ્ય પ્રશ્નો છે જેના વિજ્ઞાન પાસે હજુયે જવાબ નથી. તેનો મતલબ એવો જરાય નથી કે વિજ્ઞાન જેવું કંઈ છે જ નહી. વિજ્ઞાન માટે પણ આ આશ્ચર્ય કે શરમની જરાય બાબત નથી. આવી રીતે ફાટી નિકળતી દરેક બિમારી અલગ પ્રકારની જ હોય છે. જ્યારે કોઈ નવી બિમારી ફાટી નિકળે તો તેના વિશે બધી ચોક્કસ વિગતો બહાર આવતા સમય લાગે છે. આ વિગતો ડેટાના યોગ્ય વિશ્લેષણ બાદ જ સાચી રીતે બહાર આવી શકે અને ઘણી વિગતો તો રોગચાળો પૂરો થયા બાદ પાછળથી ડેટા એનાલિસીસ વખતે જાણવા મળી શકે.

કોવિડ-૧૯ મહામરીના વિશ્વના ડેટાઓ અને તેના વિશ્લેષણ માટે વિશ્વાસપાત્ર ગણી શકાય તેવી વેબસાઈટ Our World In Dataના શ્રી મેક્સ રોઝરએ જણાવ્યું છે કે, જે દેશોનો ટેસ્ટીંગનો દર ઓછો છે, તેઓ મૃત્યુદરમાં સૌથી આગળ છે. તેના ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ છે કે, જે દેશો એ શરૂઆતથી જ વધુ ટેસ્ટીંગ કર્યા છે તેઓની પરિસ્થિતિ જે દેશોએ યોગ્ય પ્રમાણમાં ટેસ્ટીંગ નથી કર્યા કે ઓછા કર્યા છે તેઓ કરતા ક્યાંય સારી છે. એશિયામાં દક્ષિણ કોરીયા તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. દક્ષિણ કોરિયામાં દર એક હજારની વસ્તીએ ૧૩.૮૮ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવી રહેલ છે, જ્યારે ભારતમાં તે દર ૧.૪૧ પ્રતિ હજાર છે. તેની સામે દક્ષિણ કોરિયામાં મૃત્યુના આકડા દર ૫૧ દિવસે બમણા થાય છે, જે ભારતમાં ૧૨ દિવસે બમણા થઈ જાય છે. આવી જ પરિસ્થિતિ દેશની અંદર રાજ્યો વચ્ચે પણ છે. રાજસ્થાન અને તામીલનાડુનો ટેસ્ટીંગ દર પ્રતિ મિલિયન અનુક્રમે ૨૭૪૮ અને ૪૦૦૪ છે, જે પશ્ચિમ બંગાળમાં ૭૧૮ પ્રતિ મિલિયન છે. તેની સામે રાજસ્થાનમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુ ૧૨૫ છે, તામીલનાડુમાં ૬૬ છે જે પશ્ચિમ બંગાળમાં ૨૧૫ છે.

અહીં એક પ્રશ્ન એ ઉદ્‌ભવે છે કે, ટેસ્ટીંગ અને મૃત્યુ દર વચ્ચે શું સંબંધ છે? ટેસ્ટીંગથી થોડા લોકોને મરતા બચાવી શકાય? તેના માટે તો સારવાર કરવી પડે. પરંતુ આ બાબત સમજવા નીચેના મુદ્દાઓ ધ્યાનથી વાંચો.

૧. એઇમ્સ (AIIMS)ના ડાયરેક્ટર શ્રી ગુલેરીયાએ તાજેતરમાં ગુજરાતની મુલાકાતે હતા. તેઓનું એક અગત્યનું અવલોકન એવું હતું કે, લોકો ટેસ્ટીંગ માટે હોસ્પિટલમાં આવવાથી ડરે છે. રોગની તીવ્રતા વધી જાય પછી હોસ્પીટલમાં મોડા-મોડા દાખલ થાય છે.

૨. વુહાન અને ઇટાલી બન્ને જગ્યાના ડેટા ઉપરથી એવું ફલિત થાય છે કે મોટી ઉંમરના અને અન્ય રોગોથી પીડાતા નાજુક તબિયત વાળા લોકોમાં આ રોગ પહેલા જોવા મળ્યો હતો. આ સરકારોએ જેવા આવા દર્દીઓ મળ્યા કે તેઓને અન્ય દર્દીઓથી અલગ રાખવાના શરૂ કરી દીધા. જે ટેસ્ટીંગથી જ શક્ય બને અને તેના પરિણામો આપણી સામે જ છે.

૩. બ્રિટનના ડેટા ઉપરથી એવું ફલિત થાય છે કે, કોવિડ-૧૯ની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવતા દર્દીઓ પૈકી મોટા ભાગના હોસ્પીટલના અંદરના દર્દીઓ એટલે કે દાખલ થયેલા દર્દીઓ હતા. આ કેસોમાં દાખલ થતી વખતે કન્ફર્મ હોય તેવા કેસો નહિવત હતા. એટલે કે મોટા ભાગના લોકો જે અન્ય રોગની સારવાર માટે આવ્યા હતા અને હોસ્પીટલમાં ચેપ લાગ્યો હતો.

૪. અમદાવાદ અને ગાંધીનગરના કેસો ઉપર નજર નાખીએ તો તે પૈકી એવો મોટો વર્ગ છે જે કોરોના યોદ્ધા કે સુપરસ્પ્રેડરની કેટેગરીમાં આવતા હોય. લોકોને એવું લાગે છે કે તેઓને સામન્ય તાવ-શરદી છે. આવા લોકોની ડોક્ટર કે પેરા મેડિકલ સ્ટાફ સારવાર કરે છે અથવા આવા લોકો વચ્ચે સર્વે કે બંદોબસ્તની કામગીરી કરવામાં આવે છે અથવા આવા લોકો વચ્ચે શાકભાજી કે દૂધવાળા વેચાણ કરતા રહે છે અને તેઓ સંક્રમિત થાય છે.

૫. બેલ્જીયમમાં, જ્યાં મૃત્યુ દર ખૂબ જ વધારે છે, જ્યારે કોરન્ટાઇન કરેલા લોકો અને ડોક્ટર તથા પેરા મેડિકલ સ્ટાફ વગેરે મળી કુલ ૨.૧૦ લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા, તે પૈકી ૧૦% લોકો પોઝીટીવ આવ્યા હતા.

આમ, કોવિડ-૧૯ ફેલાતો રોકવા લોકડાઉનની સાથે-સાથે ટેસ્ટીંગ અને ટ્રેસીંગ કરી પોઝીટીવ કેસોને અલગ તારવવા અનિવાર્ય છે. સ્ટ્રેટેજિક એટલે કે આયોજનપૂર્વકનું ટેસ્ટીંગ અને ટ્રેસીંગ કરવાની વિગતો મારા “કોરોના – શું રસી એક માત્ર ઉપાય?” (http://udaybhayani.in/corona-testing-tracing/) લેખમાં વિસ્તૃત રીતે આવરી લીધી છે. જો આયોજન પૂર્વકનું ટેસ્ટીંગ-ટ્રેસીંગ કરવામાં નહી આવે તે સંક્રમણ વધતું જ જશે. લોકડાઉન એ કોવિડ-૧૯નું ઓસડ નથી, તેનાથી રોગ મટતો નથી. લોકડાઉન એક વચગાળાની એવી વ્યવસ્થા છે, જેમાં સંક્રમણને એકદમ વધતું અટકાવી શકાય, વધુમાં વધુ ટેસ્ટીંગ થઈ શકે, સઘન ટ્રેસીંગ થઈ શકે, કેસોને અલગ તારવી તેની સારવાર થઈ શકે, સંક્રમણની ચેન તુટે, આરોગ્યની જરૂરી એવી વધારાની સવલત જેવી કે બેડ, વેન્ટીલેટર, ટેસ્ટીંગ કીટ, દવાઓ વગેરે ઉભી કરી શકાય. આપણે સમાચારોમાં વરંવાર વાંચીએ-જોઈએ છીએ કે, ઘણા પ્રશાસન કેસો મર્યાદિત દેખાય તે માટે ટેસ્ટીંગની સંખ્યા ઘટાડે છે અથવા કેસોની સંખ્યા જાહેર કરવામાં પારદર્શિતા જાળવતા નથી. જે જરાય યોગ્ય નથી.

ટેસ્ટીંગ ઘટાડવાનો મતલબ સંક્રમિતોને છુટ્ટા ફરવા દેવા, તેનાથી સંક્રમણ વધશે, વધુ ગંભીર લક્ષણો સાથે વ્યક્તિ હોસ્પીટલમાં દાખલ થશે, જેનાથી મૃત્યુ દર વધુ જ રહેશે. બીજુ, ટેસ્ટીંગ ઘટશે એટલે સ્વાભાવિક છે કે ટ્રેસીંગ આપોઆપ ઘટી જવાનું અને તેનાથી સંક્રમણ ચક્રવૃદ્ધિ દરે વધશે. આ સંજોગોમાં વિશ્વના દરેક દેશોએ ટેસ્ટીંગ વધારવું જોઈએ, સઘન ટેસ્ટીંગ કરવું જોઈએ. જેથી સંક્રમિતો ધ્યાને આવી જાય, તેની સારવાર થાય, ચેપ ફેલાતો અટકે અને મૃત્યુ દર ઘટે જે અત્યારની તાતી જરૂરિયાત છે. બાકી, કેસોની વધુ કે ઓછી સંખ્યા આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવાના અંદાજ માટે અને આ મહામારી વિશે સંશોધનો માટે અગત્યની હોવી જોઈએ, નહિ કે અન્ય નકારાત્મક હેતુ માટે. આંકડા ઓછા દેખાય તેવા પ્રયત્નો કે છુપાવવા અને તેનો નકારાત્મક હેતુ માટે ઉપયોગ કરવો આ બન્ને બાબતો ઇચ્છનિય નથી. અફવાઓ ના ફેલાવવા, કોરોના યોદ્ધાઓ પ્રત્યે પ્રેમ તથા તેઓને સહયોગ અને કોવિડ-૧૯ સાથે જોડાયેલા ભેદભાવ દુર કરવા MyGov સાઈટ (https://pledge.mygov.in/breakthestigma/) ઉપર #BreakTheStigms શપથ લેવા તથા તેનું નૈતિક રીતે ચૂસ્ત પાલન કરવા દરેકને વિનંતી છે. અંતે સૌથી અગત્યનું છે – ટેસ્ટીંગ, ટેસ્ટીંગ અને ટેસ્ટીંગ જ .

નોંધ – લેખમાં દર્શાવેલા આંકડાઓ ૧૪.૦૫.૨૦૨૦ના રોજના છે.

25 COMMENTS

  1. એક્દમ સાચુ છે સાહેબ. પૂરતા ટેસ્ટીંગ ન કરવા અને આંકડા છુપાવવા નો અક્ષમ્ય અપરાધ ગુજરાતમાં અત્યારે થ‌ઇ જ રહ્યો છે.

    • આ લેખનો આશય ક્યાં કોણ શું ગુનો કરી રહ્યું છે તે નક્કી કરવાનો નથી. ફક્ત માહિતીપ્રદ અને એનાલિટિકલ છે. જે વિદિત થાય.

      • સાહેબ, તમારા લેખ પરથી એવું લાગે છે કે સરકારે સૌથી મહત્વ ટેસ્ટિંગ માં આપવું જોઈએ…નહીંતર આવનારા સમય માં આફત આવી પડશે…

        એક દમ સરસ માહિતી આપી છે….વાંચવાની મજા પડી ગઈ..

        આભાર સાહેબ…!

  2. Yes, gujarat is the second most effected state in the country but in the most testing Gujarat number is the 10th. Form past 4-5 days I noticed that testing will decrease from 5500 to 2500.

    Jaynti Ravi & Shree Vijay Rupani is make the Gujarat in the dangerous situation in the next days.

    • શ્રી ગૌરવભાઈ, આ લેખ વૈશ્વિક વિશ્લેષણ આધારિત છે. ગુજરાત બાબતે આપના અંગત મંતવ્યો હોઈ શકે બાકી અહિં આવો આક્ષેપ સંબંધિ આશય નથી.

  3. You have said truth and only truth. Obviously, adequate testing is necessary.
    Government should take suitable action to test more and more people, as this only method by which we will be be able to eradicate Corona from India.

  4. અંધકારની પરિસ્થિતીમાં પ્રકાશપુંજ નહીં તો તેનુ કિરણ પથદર્શક બને. નાગરિક તરીકે હાલ અભ્યાસ કરવા સાંભળેલી, અરસપરસની ચર્ચા માત્રથી તર્ક વિનાના તારણો કાઢી બિનજરૂરી માહિતીનો સંગ્રહ કરી માનસિક હાઉ ઉભો થાય તેવા સ્વપ્રયત્નો બંધ કરી પોતના તેમજ કુટુંબના સભ્યોના સવાસ્થની દેખરેખ રાખી, તંદુરસ્ત સમાજ જાળવી શકાય તથા માનસિક અને સામાજિક મજબુતી મળે તે માટે ઉક્ત લેખો સ્વરૂપેના પ્રયત્નો સરાહનીય છે.

Leave a Reply to Uday Bhayani Cancel reply

Please enter your comment!
Please enter your name here