Home Contemporary કોરોના – ચામાચીડિયાનો કોહરામ

કોરોના – ચામાચીડિયાનો કોહરામ

11
કોરોના – ચામાચીડિયાનો કોહરામ

વ્હાલા વાચક મિત્રો,

હાલ આખું વિશ્વ કોરોનાની ચર્ચા કરી રહ્યું છે અને જાણ્યે – અજાણ્યે તેના અજ્ઞાત ભયના ઓથાર હેઠળ અનેક અનિશ્ચિતતા સાથે જીવી રહ્યું છે. હવે શું નવા સમાચાર આવશે? કાલે શું થશે? રોગ કાબુમાં ક્યારે આવશે? તેવા અનેક પ્રશ્નો દરેકના અર્ધજાગ્રત મનમાં ચાલતા જ રહે છે. હાલ આ બાબતે સાચી-ખોટી પણ  ખૂબ જ મોટા પ્રમાણમાં વિગતો ઇન્ટરનેટ અને મીડિયામાં ઉપલબ્ધ છે, તેવા સમયે આ લેખમાં કોરોના વાયરસ ફેલાવામાં ચામાચીડિયાનો કે જેને ઊડતા પંખીઓએ ‘દાંત’ હોવાથી ન સ્વીકાર્યું તો ભૂમિના પ્રાણીઓએ તેને ‘પાંખો’ હોવાથી ન સ્વીકાર્યું માટે તે દિવસથી ગરીબડું શ્રીમાન ચામાચીડિયું રાત્રિના ભટકતું અને દિવસના સૂકા વૃક્ષો ઉપર ઊંધું લટકતું રહે છે, તેનો શું રોલ છે? તેની રસપ્રદ વાતો કરીશું.

રાયનો વાયરસ (rhinovirus), એડેનો વાયરસ (adenovirus), કોરોના વાયરસ (coronavirus) જેવા 200 જેટલા વિવિધ પ્રકારના વાયરસના હુમલાઓ આપણા ઉપર થતાં રહે છે અને આપણે વાયરસજન્ય રોગોના ભોગ બનતા રહીએ છીએ. સામાન્ય રીતે આવા રોગો વધુ નુકસાનકારક હોતા નથી અને મૃત્યુનું પ્રમાણ તો નહિવત હોય છે. આ બધા વાયરસ હાથ મિલાવતાં, કીસ કરતા, ભીડવાળી જગ્યાએ જતાં વગેરેથી ફેલાય છે અને ધીમે-ધીમે તેની અસર ઘટતી જાય છે. હાલની પરિસ્થિતિએ આવો જ એક કોરોના ઘરાનાનો નવો જ અને વિચિત્ર વાયરસ વહન કરે છે, જેનાથી થતાં રોગનું નામ કોવિદ-19 (કોરોના વાયરસ ડિસિઝ – 19) રાખવામાં આવ્યું છે. આ રોગની શરૂઆત ચીનના વુહાન શહેરમાં ડિસેમ્બર – 2019થી થઇ છે. ચીનદ્વારા 31મી ડિસેમ્બર, 2019ના રોજ સત્તાવાર રીતે પ્રથમ વખત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization – WHO)ને જાણ કરવામાં આવી હતી. ત્યારથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ બાબતે તમામ રીતે સતર્ક અને પ્રયત્નશીલ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આંતરરાષ્ટ્રીય હિત સંબંધમાં કોવિદ – 19ને 30મી જાન્યુઆરી, 2020ના રોજ જાહેર આરોગ્યની કટોકટી જાહેર કરવામાં આવેલ છે.

કોરોના વાયરસથી ફેલાઈ રહેલ વિચિત્ર એવી કોવિદ-19 બિમારી હાલ વિશ્વના અનેક દેશોમાં બહુ ઝડપથી ફેલાઈ રહી છે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યારસુધીમાં એક અહેવાલ અનુસાર વિશ્વના કૂલ 195 પૈકી 100થી વધુ દેશોમાં આ રોગ ફેલાઈ ચૂકયો છે. કૂલ 1.10 લાખથી વધુ કેસો નોંધાયા છે, તે પૈકી 61000 લોકોનું સ્વાસ્થ્ય સારુ થઇ ગયું છે. 3800 જેટલા લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે અને 45000 જેટલા કેસો સારવાર હેઠળ છે, જે પૈકી 14% જેટલા કેસો ગંભીર કક્ષાના છે.

કોવિદ-19એ ચામાચીડિયા દ્વારા ફેલાયેલો પ્રથમ રોગ નથી. કુતરા કરડવાથી મોટા ભાગે (99%) થતાં હડકવાના રોગનું ઉદ્‌ભવ સ્થાન ચામાચીડિયું છે. આ રોગથી વિશ્વમાં દર વર્ષે લગભગ 59000 લોકો મૃત્યુ પામે છે, જે પૈકીના 95% કેસો ફક્ત એશિયા અને આફ્રિકા ખંડના હોય છે. ઇબોલા કે જેનો પ્રથમ કેસ 1976 આસપાસ મળેલ હતો અને 2014 થી 2016 વચ્ચે પશ્ચિમ આફ્રિકાના દેશોમાં ફાટી નિકળો હતો, તેણે 50% જેટલા ઊંચા મૃત્યુ દર સાથે કોહરામ મચાવી દીધો હતો. આ રોગના વાયરસ પણ ઝાડ, ઇમારતો અને ગુફાઓમાં ચામાચીડિયાના સંસર્ગમાં આવેલા લોકોમાંથી જ મળી આવ્યો હતો. ઇબોલા જેવો જ માર્બર્ગ વાયરસ કે જે 1967 આસપાસ જર્મનીમાં લોકોના મૃત્યુનું કારણ બનતો હતો, જે હવે બેટવાયરસ તરીકે જ ઓળખાય છે. હેન્ડ્રો વાયરસ કે જે 1994થી ઓસ્ટ્રેલિયામાં વારેવારે દેખાય છે, તે ફળભક્ષી (ફ્રૂટ બેટ) ચામાચીડિયાથી શરૂ થઇ, ઘોડાઓમાં અને અમૂક કિસ્સાઓમાં માણસોમાં ફેલાયેલો વાયરસ છે. નિપાહ નામનો વાયરસ કે જેનું ઉદ્‌ભવ સ્થાન પણ ફ્રૂટ બેટ (ફળભક્ષી ચામાચીડિયું) છે, તેણે ભારત અને બાંગ્લાદેશમાં અનેકના જીવ લીધા છે. 2003માં ચીનમાં ઉદ્‌ભવેલ સાર્સ નામનો વાયરસ પણ ચામાચીડિયામાંથી જ ઉત્પન્ન થયો હતો અને શક્યત: સિવેટ કેટ (Civet Cat) મારફતે ફેલાયો હતો. આવો જ ભયંકર એવો એક માર્સ નામનો કોરોના વાયરસ જે પણ ચામાચીડિયામાંથી જન્મેલો છે અને મધ્ય-પૂર્વના દેશોમાં 2012થી અત્યાર સુધીમાં અસંખ્ય લોકોને ભરખી ગયો છે.

મિત્રો, અગાઉ આપણે ચામાચીડિયાને ગરીબડા શ્રીમાન તરીકે સંબોધ્યું અને ત્યારબાદની વિગતે તો    ચામાચીડિયું વૈશ્વિક વિધ્વંસક લાગે. ચામાચીડિયાની ગરીબડા શ્રીમાનની વાત તો એક લોકવાયકા છે. પ્રાણી શાસ્ત્ર મુજબ ચામાચીડિયું પક્ષી નથી પરંતુ એક પ્રકારનું સસ્તન પ્રાણી છે. ચામાચીડિયું એક જ એવું સસ્તન પ્રાણી છે, જે પાંખો ધરાવતું હોઇ પક્ષીઓની માફક ઊડી પણ શકે છે. ચામાચીડિયા મુખ્યત્વે બે પ્રકારના છે. એક કે જે ફળો અને મધ પર જીવે છે જ્યારે બીજા પ્રકારના કીટકભક્ષી હોય છે. આખા વિશ્વમાં ચામાચીડિયાની વસ્તી સસ્તન પ્રાણીઓના આશરે 25% ટકા જેટલી છે. ફળભક્ષી (ફ્રૂટ બેટ) ચામાચીડિયા પરાગ રજ અને બીજનું પરિવહન કરી સંવર્ધનની પ્રક્રિયાને વેગ આપે છે, જ્યારે કીટકભક્ષી ચામાચીડિયા દરરોજ ટન બંધ ઉપદ્રવી જન્તુઓને આરોગી અને જીવાણુ નિયંત્રણ કરે છે અને વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદરૂપ થાય છે. આમ, ચામાચીડિયા વાતાવરણમાં સંતુલન જાળવવા મદદરૂપ ઇકો ફ્રેન્ડલી પ્રાણી પણ છે.

અહીં યક્ષ પ્રશ્ન એ છે કે, ચામાચીડિયા વાતાવરણમાં સંતુલન જાળવવા મદદરૂપ પ્રાણી હોવા છતાં છેલ્લા અમૂક વર્ષોમાં આવા પ્રાણઘાતક વાયરસ અને ઝૂનોઝ (પ્રાણીઓમાંથી માણસોમાં સંક્રમિત થઇ શકે તેવા રોગો) ચામાચીડિયા મારફતે જ કેમ ફેલાઈ રહ્યાં છે? તેમાં ચામાચીડિયાનો શું રોલ છે? તેના કારણો તપાસીએ તો, પ્રથમ, ચામાચીડિયું માણસની જેમ સસ્તન પ્રાણી છે. મતલબ કે, ચામાચીડિયાના શરીર રહી શકતા વાયરસને રહેવા અને વિકસવા અનુકૂળ વાતાવરણ આપણા શરીરમાં પણ મળી રહે છે. બીજુ, સામાન્ય રીતે ચામાચીડિયાને પાળવામાં આવતા નથી. પાલતું પ્રાણીઓ જેવા કે, ગાય, કુતરા વગેરેથી ફેલાતા રોગો જેવા કે, ઓરી શીતળા, ટીબી વગેરે આપણે ઓળખી લીધા છે અને તેની દવાઓ પણ શોધી લીધી છે. જ્યારે ચામાચીડિયાને પાળવામાં આવતા ન હોય, તેનાથી ફેલાતા રોગો વધુ ઘાતક સાબિત થાય છે. ત્રીજું, અન્ય સસ્તન પ્રાણીઓથી વિપરીત પણ માણસોની જેમ ચામાચીડિયાઓ મોટા ટોળાઓમાં રહે છે. જેથી જ્યારે તેને કોઇપણ વાયરસનો ચેપ લાગે છે તે સામાન્ય સંસર્ગ કે સંપર્કથી પણ અન્યમાં તરત જ ફેલાઈ જાય છે. અન્ય બિન-પાલતું કે જંગલી પ્રાણીઓમાં આવું બનતું નથી. દા.ત. વાઘ કે સિંહ વગેરે તેની જાતિના અન્ય પ્રાણીઓને આટલા મોટા પ્રમાણમાં મળતા હોતા નથી. ચોથું, ચામાચીડિયાઓ હવામાન પરિવર્તન, પ્રદૂષણ કે જંગલો ઘટવાને લીધે બહાર આવી ગયા છે તેવું નથી. ચામાચીડિયાઓ તો સદીઓથી ગુંબજ, મિનારાઓ, મૃત વૃક્ષો વગેરેમાં રહે છે. પહેલાના સમયમાં ગામડામાંથી શહેરમાં કામ અર્થે જવું હોય તો પણ મુશ્કેલી પડતી હતી, આજે એક દેશનો વ્યક્તિ સવારી નીકળી બીજા દેશમાં કામ પતાવી સાંજે ઘરે આવી જાય છે. આમ, પરિવહનની સુવિધાઓ વધાવથી આપણે લાંબા પ્રવાસો કરતાં થયા છીએ. જે આવા વાયરસને ફેલાવા સરળ માધ્યમ પુરું પાડે છે.

છેલ્લા અમૂક વર્ષોથી આવા વાયરસ ફેલાવાના મૂળ ચીનમાં હોવાની બાબત પણ ચર્ચાસ્પદ છે. કોવિદ-19ના સંદર્ભમાં જોઇએ તો, આ કોરોના વાયરસ મૃત શરીર ઉપર ટકી શકતો નથી. ચીનના લોકોની ખાણી-પીણીની રીત ભાત બહુ જ વિચિત્ર છે. તેઓ જીવતા પ્રાણીઓને બજારમાં લાવે છે અને તેનો ખાવામાં ઉપયોગ કરે છે. ચીનના લોકો ચામાચીડિયા, સાપ, વીંછી, દેડકા વગેરે ખાવાની આદત ધરાવતા હોય છે અને તેના સૂપના શોખીન હોય છે. તેઓ માછલીની આંખ અને મરઘીના પગ પણ કચરામાં જવા દેતા નથી. તેઓની આવી આદતોને લીધે જીવતા પ્રાણી બજારમાં આવતા હોવાથી, ચેપની શક્યતા ઘણી જ વધી જાય છે.

ભારતની વાત કરીએ તો, જેમ-જેમ ગરમી વધશે તેમ-તેમ કોરોનાના ફેલાવાની શક્યતા ઘટતી જશે. જો કે આ વાયરસ કેટલા તાપમાન સુધી જીવી શકે છે, તે બાબતે કોઇ ચોક્કસ વૈજ્ઞાનિક પ્રમાણભૂત વિગતો ઉપલબ્ધ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વિગતો અનુસાર આ પ્રકારના વાયરસ ઠંડા વાતાવરણમાં વધુ સમય જીવી શકે છે અને વધુ ફેલાઈ પણ શકે છે. ગરમી વધતાં ફેલાવો અટકે છે અથવા ધીમો પડે છે અને સામાન્ય રીતે રસોઈના તાપમાન એટલે કે, 700C જેટલા તાપમાને તેનો સંપૂર્ણ નાશ થતો હોય છે. આધુનિક વિજ્ઞાનના આશીર્વાદરૂપે આપણે આવા પ્રાણઘાતક રોગો સાથે વધુ સમય રહેવું પડતું નથી. એચ.આઇ.વી.ના વાયરસના રંગસુત્રોને સમજતા વર્ષો લાગ્યા, સાર્સના રંગસુત્રોને સમજતા અઠવાડિયા અને કોરોના વાયરસનાને દિવસો. છેલ્લા સારા સમાચાર તરીકે ચીન દ્વારા આ કોવિદ-19 કોરોના વાયરસના ફોટો પણ લઇ લેવામાં આવ્યા છે, જે આગળના સંશોધન માટે અનિવાર્ય હતા.

આ રોગનો ફેલાવો ન થાય તે માટે સરકાર દ્વારા તો પૂરતા પગલાઓ લેવામાં આવી રહ્યાં છે, પરંતુ આપણા બધાની પણ અંગત અને નૈતિક ફરજ છે કે, બધા જોડે મળી સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સંબંધી બાબતો પ્રત્યે સજાગ થઇ એ. સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પાડવામાં આવતા સાવચેતીના પગલાંઓનું ચુસ્ત પાલન કરીએ તથા અફવાઓથી ગેર માર્ગે ન દોરાઇએ અને અફવાઓ ન ફેલાય તેમાં પૂરતો સહયોગ આપીએ. અને છેલ્લે ખાસ અગત્યનું ‘નમસ્કાર’ કરવાની જ આદત કેળવીએ.

મિત્રો, આજે હોળીનો તહેવાર છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે, આ કોરોના વાયરસ નામની આસૂરી શક્તિ હોળીમાં હોમાય જાય અને નષ્ટ થઇ જાય તથા આપણને બધાને સારું સ્વાસ્થ્ય મળે. રંગોના મહોત્સવ હોળી-ધુળેટીની આપને બધાને ખૂબ-ખૂબ શુભકામનાઓ…

11 COMMENTS

  1. It’s very important thinks of globalise burning problem of coronavirus but we are pray to God those who are victim of human epidemic become healthy early as possible.

  2. It’s really very important information about “Bat” disease. And about Corona virus. Really informative blog.

  3. ઇતિહાસ જોતા વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

Leave a Reply to Pratik somaiya Cancel reply

Please enter your comment!
Please enter your name here