Home Banking કોરોનાની કેશલેસ ઇફેક્ટ

કોરોનાની કેશલેસ ઇફેક્ટ

15
કોરોનાની કેશલેસ ઇફેક્ટ

શીર્ષક વાંચીને તમને એમ થશે કે, કોવિડ-19ની મહામારીના કપરા કાળમાં એક એવો મોટો વર્ગ છે કે જે રોજે-રોજનું કમાઈને ખાતો હતો તે નાણા વગરનો થઈ ગયો છે, તે વિશે કંઈક હશે. પરંતુ, આ લેખમાં વાત છે, રોકડવિહિન અર્થતંત્રની એટલે કે Cashless Economy – કેશલેસ ઇકોનોમીની. કોરોના વાયરસથી ફેલાયેલી કોવિડ-19 મહામારી ફેલાવા સંદર્ભમાં વિવિધ અફવાઓનું બજાર ગરમ છે. કોરોના ફેલાવા પાછળ કેટલીય થિયરીઓની ચોરે-ને-ચૌટે ચર્ચા થઈ રહી છે. હું અહિં આવી એક પણ થિયરીનું સમર્થન નથી કરતો પરંતુ, લોકોમાં પ્રવર્તતી આવી થોડી માન્યતાઓ વિશે જોઈએ તો, (1) ચીનદ્વારા આ વાયરસ બનાવી, વિશ્વમાં સૌથી શક્તિશાળી સાબિત થવા,  તેનો જૈવિક હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહેલ છે. (2) ચીનના વુહાનની લેબમાં પરિક્ષણ દરમ્યાન એક નવા વૈજ્ઞાનિકથી ભૂલથી આ વાયરસ લિક થઈ ગયો છે. (3) અમેરિકા દ્વારા જ આ વાયરસ તૈયાર કરી ઓગસ્ટ-2019માં ચીનમાં આ છોડવામાં આવેલ છે. (4) 5જી ટેકનોલોજીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરનાર વિશ્વના ટોપ બિઝનેસમેનોને ટેકનોલોજીના સંશોધન બાદ ખબર પડી કે તેના રેડીયેશન માનવજાત માટે ખૂબ જ નુકશાન કારક છે. તેનાથી માનવ શરીરને સલામત (ઇમ્યુન) બનાવવા એક રસી લેવી જરૂરી છે. જો આવું જાહેર કરવામાં આવે તો લોકો 5જી ટેકનોલોજીનો બહિષ્કાર કરે. માટે આ વાયરસ બનાવી ફેલાવામાં આવ્યો, આખું વિશ્વ આ વાયરસથી ભયભીત થાય એટલે તેની રસી બહાર પાડવાની અને આ વાયરસની રસી સાથે પેલી 5જી ટેકનોલોજીથી સલામત રહેવાની સંરક્ષણાત્મક રસી સાથે જ આપી દેવાની, જેથી લોકોને 5જી ટેકનોલોજીથી થતા નુકસાનની જાણ જ ન થાય અને તેઓનું રોકાણ વ્યર્થ ન જાય. (5) વિશ્વને રોકડવિહિન અર્થતંત્ર (Cashless Economy – કેશલેસ ઇકોનોમી) બનાવવા એટલે કે દુનિયામાંથી રોકડને નાબૂદ કરવા આ વાયરસ ફેલાવામાં આવ્યો છે.

આવી બધી માન્યતાઓ કે તેના તથ્યો વિશે આપણે કોઈ વિશ્લેષણ કરવું નથી અને વિશ્વને રોકડવિહિન અર્થતંત્ર (Cashless Economy – કેશલેસ ઇકોનોમી) બનાવવાના આશય માત્રથી આટલી મોટી મહામારી ફેલાવામાં આવે તેવો કોઈ તર્ક હાલ તો મને મગજમાં બેસતો નથી. પરંતુ વિશ્વના મોટાભાગના દેશો કેશલેસ કે લેસકેશ અર્થતંત્ર માટે પહેલેથી જ પ્રયત્નો કરી રહેલ છે, માટે મારી ‘કોરોનાર્થશાસ્ત્ર’ લેખમાળાના એક મણકારૂપે કેશલેસ ઇકોનોમીના સંદર્ભમાં આજે થોડી રસપ્રદ વાતો જાણીએ.

2016માં આપણા દેશમાં કરવામાં આવેલ વિમુદ્રીકરણનો એક આશય પણ કેશલેસ ઇકોનોમીનો હતો. કેશલેસ વ્યવહાર કરવાથી તેની બધી વિગતોનો રેકર્ડ ઉપલબ્ધ રહી શકતો હોય, તે પ્રામાણિકતાને શિરપાવ આપે છે અને અપ્રામાણિક વલણ કે વર્તનને દંડે છે. રોકડ વ્યવહારની જગ્યાએ ડિજિટલ વ્યવહારો કરવાથી તમામ નાણાકીય વ્યવહારોનું પગેરું મેળવી શકાય છે. અર્થતંત્રમાં દરેકે-દરેક નાણાકીય વ્યવહારોની નોંધણીનું ખૂબ જ મહત્વ છે, જેમ કે 1. કાળા નાણાના ગેરકાયદેસર વ્યવહારો શોધવા અને તેના ઉપર અંકુશ રાખવા. 2. બધા જ વ્યવહારો નોંધાતા હોય, કરવેરાની યોગ્ય આવક એકત્ર કરી શકાય. 3. ભારતના વિશાળ બિન-સંગઠિત ક્ષેત્રનો વધુ સારો અંદાજ અને સમજણ મેળવી શકાય. 4. દરેક નાગરિક બેંકિંગ સિસ્ટમનો ભાગ હોય તો કોરોના જેવી મહામારી અને નિયમિત રૂપે પણ સરકારી યોજનાઓની, સીધા નાગરિકોના ખાતામાં નાણા જમા કરાવી, અસરકારક અમલવારીમાં મદદરૂપ થાય. જેવા અનેક લાભો છે.

કોરોના બાબતે રોકડ નાણાકીય વ્યવહારો બંધ કરી ડિજિટલ વ્યવહારો જ કરવાની થિયરીના મૂળ વિશ્વ આરોગ્ય સંસ્થા – ડબલ્યુએચઓ (World Health Organization – WHO)ની આ સંદર્ભની એક ટિપ્પણીમાં હોય તેવું લાગે છે. ડબલ્યુએચઓએ કહ્યું હતું કે, સંપર્કવિહિન ચૂકવણા પદ્ધતિનો ઉપયોગ કરવો હિતાવહ છે કારણ કે રોકડમાં કોરોના વાયરસ ફુલ્યો-ફાલ્યો રહે છે. જો કે રોકડ બાબતે ડબલ્યુએચઓએ ફક્ત ટિપ્પણી જ કરી છે, કોઈ ચેતવણી આપી નથી; પરંતુ, આ ટિપ્પણી બાદ એવી સલાહ આપી કે, રોકડનો સ્પર્શ કર્યા બાદ વારંવાર સાબુથી હાથ ધોવાનું રાખો. આ ટિપ્પણી અને સલાહ બાદ ઘણી બધી સંસ્થાઓએ કાર્ડ કે ઓનલાઈન ચૂકવણાઓ માટે આગ્રહ રાખવાનું શરુ કરી દીધુ.

કેશલેસ વ્યવસ્થાની હિમાયત કરનારાઓ રોકડને મલિન અને નુકસાનકારક માને છે. એક અભ્યાસ મુજબ અમેરિકી ડોલર સૌથી વધુ વપરાતુ અને બજારમાં ફરતું ચલણ છે. આ ચલણનું આયુષ્ય પાંચ વર્ષથી માંડીને ત્રેવીસ વર્ષ સુધીનું હોય છે. વિશ્વના મોટાભાગના દેશોનું ચલણ કોટન અને અન્ય રેસાઓનું બનેલું હોય છે, જે વાયરસ, બેક્ટેરિયા અન્ય સુક્ષ્મજીવોને રહેવા અને વિકસવા માટે સ્વર્ગ સમાન હોય છે. ચલણ જેમ નાના દરનું હોય તેમ તેના બજારમાં ફરવાની શક્યતા વધુ હોય છે. એક અભ્યાસ મુજબ ન્યુયોર્ક શહેરમાં $1 (એક ડોલર)ના ચલણ સૌથી વધુ વપરાશમાં છે અને ત્યાંના આવા ચલણ ઉપરથી અસંખ્ય સુક્ષ્મજીવો મળી આવ્યા હતા. આ સુક્ષ્મજીવો ઘણાં લાંબા સમયથી તેના ઉપર ચોટેલા ઘણી બિમારીઓ ફેલાવવા સક્ષમ હતા. અહીં એક એવો પ્રશ્ન પણ થાય કે, શું કાર્ડ ઉપર આવા બેક્ટેરિયા, વાયરસ કે સુક્ષ્મજીવો ન હોઈ શકે? ચોક્કસ હોઈ જ શકે પરંતુ તેને સાફ કરવા ઘણાં સરળ છે.

1930ની મહામંદી બાદ બેંકો નબળી પડતા લોકોએ સોના અને રોકડની સંગ્રહખોરી શરુ કરી દીધી હતી. પરંતુ આ મહામારી બાદ આવું બનવાની શક્યતા બહુ ઓછી છે, કારણ કે બેંકિંગ સિસ્ટમ ઘણી મજબુત થઈ ગઈ છે અને વિમુદ્રીકરણને તો લોકો હજુ ભૂલ્યા જ નહીં હોય. આવા સમયે લોકો બેંકમાં નાણા સલામત હોય, તેમાં રાખવાનું પસંદ કરશે. લોકો એક વખત બેંકિંગ સિસ્ટમનો ભાગ બને, તેમાં નાણા રાખવાની માનસિકતા કેળવાય પછી કેશલેસ વ્યવહારો કરવા બહુ અઘરા નથી. આ સમયે પ્રજાનો વિશ્વાસ હાંસલ કરવા બેંકમાં રહેલ થાપણના વીમાની રકમ વધારવી ખૂબ જ આવશ્યક થશે. આ વીમા કવચ તાજેતરમાં રૂ. 1 (એક) લાખથી વધારીને રૂ. 5 (પાંચ) લાખ કરવામાં આવ્યું છે, પરંતુ તે હજુ ઘણું જ અપૂરતું છે.            

આવી મહામારીના સમયમાં કાર્ડ અને ઓનલાઈન ચૂકવણાનો ઉપયોગ ચોક્કસ હિતાવહ રહે છે. ભારતમાં કેશલેસ વ્યવહારો કરવાના ઘણાં બધા વિકલ્પો ઉપલબ્ધ છે. જેમાં, કાર્ડસ્‌ (ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે), અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટરી સર્વિસ ડેટા (Unstructured Supplementary Service Data – જેને આપણે USSDના ટૂંકા નામથી ઓળખીએ છીએ અને સાદા મોબાઈલથી પણ *99# ડાયલ કરી ઉપયોગ કરી શકાય છે), આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (Aadhar Enabled Payment System – AEPS), યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ (Unified Payment System – UPI), બેંક પ્રિપેઈડ કાર્ડસ્‌ (ગીફ્ટ કાર્ડ વગેરે), પોઇન્ટ ઓફ સેલ મશીન (Point of Sale – PoS Machine), ઇન્ટરનેટ બેંકિંગ (Internet Banking/Net Banking), મોબાઈલ બેંકિંગ (Mobile Banking) તથા માઈક્રો એટીએમ (Micro ATM) વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ આ બધી સેવાઓનો ઉપયોગ શહેરી વિસ્તારોમાં મર્યાદિત છે. તેના વ્યાપક ઉપયોગ માટે તેને ગ્રામ્ય કક્ષા સુધી લઈ જવી પડે. જેમાં આ સુવિધાઓની માહિતી નાગરિકો સુધી પહોંચાડવાથી લઈ, તેનો ઉપયોગ શીખવવો અને સંસાધનો ઉપલબ્ધ કરાવવા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આવી સુવિધાઓના વ્યાપની સાથે તેના માટે સાયબર સિક્યુરિટીનો, ડેટા અને વ્યવહાર બન્ને માટે, પુરતો પ્રબંધ કરવો આવશ્યક છે.

ડિજિટલ ચૂકવણાના ઘણા બધા ફાયદાઓ છે. જેટલો વધુ ડેટા એટલું સારું વિશ્લેષણ થઈ શકે અને તેની મદદથી વધુ સારા અને સચોટ નિર્ણયો લઈ શકાય. આ ડેટાના ઉપયોગ અને તેના ઉપરથી આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી નિર્ણયો લેવાના ક્ષેત્રમાં એક રીતે ક્રાંતિ આવી છે, જેનો ઉલ્લેખ મે મારા “ડિજિટલ લેન્ડીંગ – અહો આશ્ચર્યમ્‌! લોન લેવી આટલી સરળ છે?” શીર્ષક સાથે પ્રસિદ્ધ કરેલ લેખમાં અગાઉ કરેલો છે, જે વાંચી શકો. આજકાલ ચીને તો આ ક્ષેત્રમાં હદ જ કરી દીધી છે. દરેક નાગરિકોના નાણાકીય વ્યવહારોની ડિજિટલ છાપ (Digital Footprint of Financial Transactions)ના ડેટા ઉપર આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી, વ્યક્તિની શાખ (Credit and/or Social Worthiness/Rating) નક્કી કરવામાં આવે છે. જો વ્યક્તિ તેનું લાઈટ બિલ, ટેલિફોન બિલ, ક્રેડિટ કાર્ડ બિલ વગેરે સમયસર ભરે છે, તો તેની શાખ સારી એટલે કે ક્રેડિટ રેટિંગ વધુ. જેનો સ્કોર/શાખ ઓછી હોય તેને સોશીયલ મીડિયા ઉપર મિત્ર બનાવો કે મિત્ર હોય તેનું ક્રેડિટ રેટિંગ ઘટે તો તેની અસર તમારી શાખ ઉપર પડે. તમારા કુટુંબના સભ્યોના કિસ્સામાં પણ આવું જ છે, જો કોઈની શાખ ઘટે તો તમારું ક્રેડિટ રેટિંગ પણ ઘટે. વળી, આવું ક્રેડિટ રેટિંગ ફક્ત લોન લેવામાં જ અસર કરે છે તેવું નથી. આ રેટિંગ વ્યક્તિને સરકારી યોજનાઓના લાભ મળવાની પાત્રતા નક્કી કરવાથી લઈ, વ્યક્તિના ટ્રાવેલ વિઝા નક્કી કરવામાં અને તેને સારી સરકારી નોકરી મેળવવામાં પણ મહત્વનો રોલ ભજવે છે. આપણે આરોગ્ય સેતુ એપનો વિરોધ કરવામાંથી નવરા નથી પડતા, તો આટલી ઉચ્ચ કક્ષાનું થિંકિંગ અને મિકેનિઝમ ખબર નહીં ક્યારે આવશે.

તમને એવું લાગે છે કે, નજીકના સમયમાં વિશ્વમાં કેશલેસ ઇકોનોમીનો વાયરો વાય શકે છે? કે આપણે લેસકેશ ઇકોનોમી બની શકીએ છીએ? તો જુઓ ગત વર્ષના એક અહેવાલ મુજબ અમેરિકામાં 26% વ્યવહારો રોકડમાં થયા હતા.  અમેરિકાના આ 74% ડિજિટલ વ્યવહારોની સામે ભારતીય રીઝર્વ બેન્કના 24મી ફેબ્રુઆરી, 2020ના એક અહેવાલ મુજબ 2018માં ભારતમાં 72% વ્યવહારો રોકડમાં થયા હતા. આ જ અહેવાલ અનુસાર વર્ષ 2014-15માં કૂલ જીડીપીના 17.89% રોકડ વિથડ્રોવલ થયું હતું, જેની સામે વર્ષ 2018-19માં 17.44% રોકડ વિથડ્રોવલ થયું હતું. મતલબ કે દિલ્હી અભિ કાફી દૂર હૈ. આ ઉપરાંત આપણે અગાઉ જોઈ ગયા તેમ કેશલેસ કે ડિજિટલ ચૂકવણાના માધ્યમોની સાથે-સાથે સાયબર સિક્યુરિટી માટે જરૂરી આકરા કાયદાઓ અને તેની અમલવારીની જરૂરી સુવિધા ઉભી કરવી આવશ્યક થઈ જશે, નહિ તો આ ક્ષેત્રમાં ફ્રોડ અને ગુનાખોરી ખૂબ જ વધી જશે.

1661માં યુરોપમાં બેંકનોટ બહાર પાડનાર પ્રથમ દેશ કે જ્યાં આજે 99% દુકાનોમાં કેશલેસ પેમેન્ટ સ્વીકારવાની સુવિધા છે, 2023 સુધીમાં 100% કેશલેસ થવાનું જેઓનું ધ્યેય છે અને સુવિધા, સંસાધનો અને કાયદા દ્વારા જે દેશ કેશલેસ અર્થતંત્રનું નિર્માણ કરવા સ્વર્ગ સમાન છે, તેવા સ્વીડનમાં પણ આ સંપૂર્ણ કેશલેસ થવામાં ઘણી મુશ્કેલી નડી રહી છે. ન્યુજર્સી, ફિલાડેલ્ફિયા વગેરે રાજ્યોમાં તો અર્થતંત્રને રોકડવિહિન કરવાની વિરુદ્ધમાં કાયદાઓ છે, એટલે કે આ રાજ્યોમાં રોકડ ઉપર પ્રતિબંધ મૂકી શકાતો નથી. જ્યારે ભારતમાં જન ધન યોજનાના અમલીકરણ પછી પણ એક એવો મોટો વર્ગ છે, જે લોકો પાસે બેંક ખાતું નથી. તાજેતરમાં જ તેનું નકારાત્મક પાસું જોયું? સરકારે આ મહામારીના સમયમાં કોઈપણ કુટુંબ મુશ્કેલીમાં ન રહે તે માટે અનાજ, ગેસની સાથે-સાથે રોકડા નાણા સીધા જ જરૂરિયાતમંદ લોકોના ખાતામાં જમા કરાવવાનું નક્કી કર્યું. એવા અનેક પરિવારો આ લાભથી વંચિત રહે ગયા. કેમ? સરકારની તો સહાય પહોંચાડવાની પુરેપુરી ઇચ્છા હતી, પરંતુ એક વર્ગ કે જેઓ હજુ બેંકિંગ સિસ્ટમની બહાર છે તેઓ સુધી સરકાર ન પહોંચી શકી. આવું જ રાશનકાર્ડમાં પણ થયું. એક એવો વર્ગ છે, જેઓ પાસે રાશનકાર્ડ છે જ નહિં. અનાજના કિસ્સામાં તો રાશનકાર્ડ વગરના લોકોને પણ અનાજ પહોંચાડવા સરકારે સરસ પ્રયત્નો કર્યા, પરંતુ રોકડ સહાયમાં આવું કરવાથી તેનો લાભ યોગ્ય વ્યક્તિને ન મળે, તેવું બનવાની પુરતી સંભાવના રહે.

આ મહામારીમાં જ્યારે રોકડ વ્યવહારથી સંક્રમણનો ભય રહેલ છે અને લોકડાઉન સમયમાં એટીએમ મશીનની જાળવણીના અભાવે રોકડની ઉપલબ્ધિ ઓછી હતી, ત્યારે કાર્ડ અને ઓનલાઈન ચૂકવણાની સુવિધા બહુ જ ઉપયોગી રહી. તેની સામે હું કુટુંબ સાથે ચિત્રકૂટ ગયો હતો; ત્યાં તે સમયે ઉપલબ્ધ એવા 14 જેટલા તમામ એટીએમ ફર્યા બાદ પણ રોકડ ન મળતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં થોડા દિવસો પહેલા ફરજિયાત કેશલેસ ચૂકવણાની જાહેરાત બાદ બીજા જ દિવસે વધુમાં વધુ કેશલેસ ચૂકવણા એવો ફેરફાર કરવો પડ્યો, તે માટે ઉપલબ્ધ મર્યાદિત સુવિધાઓ અને બિનજરૂરી વિરોધ બન્ને સરખા જ જવાબદાર હતા.

કેશલેસ ઇકોનોમી તરફ આગળ વધવાના ભાગરૂપે ભારતમાં સરકાર દ્વારા તાજેતરમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં ફાસ્ટેગ મારફતે ટોલ કલેક્શન, વોલેટ ઇન્ટર ઓપરેબિલિટિ, RFID આધારિત પેટ્રોલ-ડીઝલ ભરાવવાની સુવિધા, જુદી-જુદી એપ્લીકેશનો માટે એક જ કોમન ક્યુઆર કોડ (All-in-One QR Code), વગેરે જેવી ઘણી અત્યાધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નેશનલ કોમન મોબિલીટી કાર્ડ (NCMC) એટલે કે એક જ વ્યક્તિના જુદી-જુદી બેંકના વિવિધ ખાતાઓ માટે એક જ એટીએમ કાર્ડ અને ભારત પોતાની ઘરેલું ડિજિટલ કરન્સી લાવી રહ્યું છે, તે મોટી ઉપલબ્ધિ ગણાવી શકાય. આ બધી સુવિધાઓને દેશના અર્થતંત્રને કેશલેસ નહીં તો પણ લેસકેશ બનાવવાના આયોજનપૂર્વકના અને ધીમા પરંતુ મક્કમ પગલાઓ ગણાવી શકાય. કોરોના વાયરસ ફેલાવાની વિવિધ થિયરીઓમાં કેશલેસ વૈશ્વિક અર્થતંત્રની વિભાવના સાથે તો હું સંમત નથી થતો. પરંતુ, હા.. દરેક દેશ આ મહામારી પહેલા કેશલેસ કે લેસકેશ અર્થતંત્રના ફાયદાઓ ધ્યાને લઈ, તે તરફ પ્રયત્નશીલ હતો, જેમાં આપણો પણ સમાવેશ થાય છે. આ કેશલેસ કે લેસકેશ અર્થતંત્ર રૂપી અભિયાનના ધૂમાડામાં કોવિડ-19 રૂપી ચિનગારી એક મશાલ સમાન આગ પ્રજ્વલિત કરવાનું કામ ચોક્કસ કરશે. આખા વિશ્વની કેશલેસ કે લેસકેશ અર્થતંત્ર બનાવવાની ઝડપ ખૂબ જ વધી જશે. આ અભિયાન ઋતુગત ફુલ છોડ જેવું નહિ, આંબાના વૃક્ષ જેવું હશે; જેમાં તુરંત નહિ પરંતુ આવતા એકાદ-બે દાયકામાં ખૂબ જ સારા ફળ મળશે. ભારતમાં સરકારશ્રી દ્વારા કેશલેસ કે લેસકેશ અર્થતંત્ર સંદર્ભમાં લેવામાં આવી રહેલા પગલાઓ ચોક્કસ સરાહનીય અને જરૂરી છે, ત્યારે એ પણ ખાસ સમજી લેવું જોઈશે કે કોઈપણ ક્ષેત્ર યોગ્ય સુવિધાઓ અને કાયદાકિય પીઠબળ વગર ફરજિયાત કેશલેસ કરવું, અગ્નિ પરિક્ષાથી ઓછું નહિ હોય. ચાલો આશાવાદી થઈએ કે બહુ જલદી આ ક્ષેત્રમાં આપણો દેશ કંઈક અસાધારણ અને અદ્‌ભુત કરી બતાવે. અને હા તેમાં દરેક નાગરિકનો સહકાર આવશ્યક જ નહિ અનિવાર્ય હશે. તો છો ને તૈયાર…

15 COMMENTS

  1. Nice information !
    મારા મત મુજબ, એક કે બે દશકામાં આપણા દેશમાં કેશ લેશ ઈકોનોમી ને વેગ મળશે જ..

  2. Sir,
    Fine sir.
    I am, upgraded up to mobile banking.
    I becomes prompt in some recurring payment such as dish and mobile recharge, gas electricity bill etc.

  3. Very detailed informative article.. .. and importance of cashless economy is well described….. very good… 👍👍👍👍

Leave a Reply to Uday Bhayani Cancel reply

Please enter your comment!
Please enter your name here