કોરોનાર્થશાસ્ત્ર

Posted by

“કોરોનાર્થશાસ્ત્ર” (કોરોના + અર્થશાસ્ત્ર) શબ્દ રચવાનો મારો આશય કોરોના વાયરસની અર્થતંત્ર પર પડતી અસરો સમજવાના પરિપેક્ષ્યમાં છે.

જ્યારે કોઇપણ રોગચાળો ફેલાય છે, ત્યારે તેના ફેલાવાની તીવ્રતા અને ભૌગોલિક વિસ્તારને આધારે તેને આઉટબ્રેક (Outbreak), એપિડેમિક (Epidemic) કે પેન્ડેમિક (Pandemic) તરીકે ઓળખવામાં આવે છે. રોગચાળો કોઇ ચોક્કસ વિસ્તારમાં ફાટી નીકળે તો તેને આઉટબ્રેક કહેવામાં આવે છે. જ્યારે રોગચાળો ચોક્કસ વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ફેલાય ત્યારે તેને એપિડેમિક તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જ્યારે રોગચાળો દેશવ્યાપી બને અને પછી સરહદો કુદાવી વિશ્વવ્યાપી બને, ત્યારે તેને પેન્ડેમિક એટલે કે વિશ્વવ્યાપી રોગચાળો કહેવામાં આવે છે. જ્યારે આવો કોઇ રોગચાળો ફેલાય ત્યારે તેના ફેલાવા અને તીવ્રતાના આધારે જે-તે દેશ તથા વૈશ્વિક અર્થતંત્ર ઉપર તેની ચોક્કસ અસર પણ જોવા મળે છે. આજના યુગમાં કોઇપણ એક દેશની પ્રતિકૂળતાની વૈશ્વિક અર્થતંત્ર પર અસરો વધુ જોવા મળે છે, તેનું મુખ્ય કારણ ગ્લોબલ વેલ્યુ ચેઇન (Global Value Chain – GVC) છે. તો પહેલા આ ગ્લોબલ વેલ્યુ ચેઇન શું છે તે જોઇએ.

ગ્લોબલ વેલ્યુ ચેઇનની વિભાવનાનો વિકાસ એકવીસમી સદીના પ્રથમ બે દાયકામાં જ વધુ થયો છે. ગ્લોબલ વેલ્યુ ચેઇનમાં એક જ વસ્તુનું ઉત્પાદન વિવિધ દેશોમાં વહેંચાયેલું હોય છે તથા તેનું વેચાણ અને વપરાશ અન્ય જ કોઇ દેશમાં થતો હોય છે. ઉદાહરણ તરીકે, કોઇ એક ઉત્પાદનનો કાચો માલ યુરોપના દેશોમાં બનતો હોય, તેના ભાગો ચીનમાં બનતા હોય, આખરી એસેમ્બલિંગ ભારતમાં થતું હોય અને તેનો વપરાશ અમેરિકામાં થાય તેવું બને. એટલે કે, જે દેશ જે બાબતમાં સમૃદ્ધ કે પ્રાવીણ્ય ધરાવતો હોય, તેના ઉપર વધુ ધ્યાન આપી ઉપલબ્ધ સ્ત્રોતોનો ઇષ્ટતમ ઉપયોગ કરવા પ્રયત્ન કરશે. બીજી રીતે કહીએ તો, ગ્લોબલ વેલ્યુ ચેઇનને એડમ સ્મિથના કોઇ એક એકમ કે સંસ્થામાં શ્રમ વિભાજનના સિદ્ધાંતનું એક થી વધુ દેશો કે ભૌગોલિક વિસ્તારો વચ્ચેનું વિસ્તૃત સ્વરૂપ ગણી શકાય. ગ્લોબલ વેલ્યુ ચેઇનના ઘણા ફાયદાઓ છે અને સાથે-સાથે તેના ગેરફાયદાઓ પણ છે જ. અહીં આપણે તેની વધુ ચર્ચા નહીં કરીએ, પરંતુ દરેક દેશ પોતાના ઘરેલું બજારને વૈશ્વિકરણ(Globalization)નું પ્રેરક બળ આપવાની હોડમાં ગ્લોબલ વેલ્યુ ચેઇનનો ભાગ બની ગયા છે. ગ્લોબલ વેલ્યુ ચેઇનને લીધે દરેક દેશનું અર્થતંત્ર અન્ય દેશોના અર્થતંત્ર ઉપર વધુ આધારિત બન્યું છે. આ સંજોગોમાં આપણે કોરોના વાયરસથી ફેલાયેલી કોવિદ-19 નામની મહામારીની અર્થતંત્ર ઉપર શું અસરો આવશે તેની ચર્ચા કરીશું.

હાલ તો કોરોના વિશ્વના મોટાભાગના દેશોમાં ફેલાઇને કાળો કેર વર્તાવી રહ્યો છે, પરંતુ તેની શરૂઆત ચીનના વુહાનથી થઇ. વૈશ્વિક અર્થતંત્રમાં ચીનનું સ્થાન કે ફાળો જોઇએ તો, વિશ્વના જીડીપીમાં ચીનનો ફાળો 1980 આસપાસ 1.75% જેટલો હતો, જે 2017 સુધીમાં વધીને 15%ને પાર કરી ગયો છે. તેવી જ રીતે વિશ્વ વેપાર(Global Trade)ના સંદર્ભમાં વાત કરીએ તો, ચીન આખી દુનિયામાં સૌથી વધુ વિદેશ વેપાર કરતો દેશ છે. 1995માં વિશ્વ વેપારમાં ચીનનો ફાળો 3% હતો, જે 2018 સુધીમાં 12.4% જેટલો થઇ ગયો છે. 2019ની સ્થિતિએ કૂલ વિશ્વ વેપારમાં ચીનની આયાત 11% અને નિકાસ 13% જેટલી છે. આંકડાઓ જોતા જ આપણે સમજી શકીએ કે, ફક્ત ચીનના ઉદ્યોગો બંધ કરવાથી વિશ્વના કેટલા બધા દેશોના અર્થતંત્રએ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે?

ભારતના પરિપેક્ષ્યમાં વાત કરીએ તો, ભારતની કૂલ આયાતના 14.63% અને કૂલ નિકાસના 5.08% સાથે સૌથી મોટો વેપાર કરતો દેશ છે. આયાત – ભારતની ઇલેક્ટ્રોનિક ઉપકરણોની કૂલ આયાતના 45% ચીનમાંથી કરવામાં આવે છે. ઓટો પાર્ટસ્‌ અને ખાતરની આયાતમાં એક ચતુર્થાંશ અને મશીનરીની આયાતમાં એક તૃતીયાંશ આયાત ચીનમાંથી થાય છે. ઓર્ગેનિક કેમિકલની કૂલ આયાતની બે તૃતીયાંશ તો દવાના ઘટકોની 70% જેટલી આયાત પણ ચીનમાંથી કરવામાં આવે છે. અમૂક પ્રકારના મોબાઈલની તો 90% આયાત ચીનમાંથી જ કરવામાં આવે છે. નિકાસ – ભારત અમેરિકા અને યુએઇ પછી ત્રીજી સૌથી વધુ નિકાસ ચીનમાં કરે છે. જેમાં પ્લાસ્ટિક, મત્સ્ય ઉત્પાદનો, કપાસ વગેરેનો સમાવેશ થાય છે. ઉદ્યોગો –  આ ઉપરાંત ભારતીયોની ઘણી કંપનીઓ ચીનમાં છે, જેમાં મોબાઇલ એસેસરીઝ, આઇ.ટી., ઔદ્યોગિક ઉત્પાદનો, લોજિસ્ટિક વગેરેનો સમાવેશ થાય છે. આમ, ચીનમાંથી ઉદ્‌ભવેલ મહામારીને લીધે ભારતના વિવિધ ઉદ્યોગો જેવા કે, કેમિકલ ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ વગેરે ઉપર ખૂબ જ વિપરીત અસર થશે.

આ તો આપણે ફક્ત ચીનની વાત કરી, પરંતુ અત્યાર સુધીમાં વિશ્વના 196 દેશો પૈકી 189 દેશોમાં કૂલ 3.20 લાખ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે અને તેર હજાર છસ્સોથી વધુનું મૃત્યું થઇ ચૂક્યું છે. આશ્ચર્યજનક રીતે વધી રહેલ મૃત્યુ દર (અગાઉના 9મી માર્ચના લેખ વખતે બંધ થયેલા કેસોમાં 94% સાજા થતા હતા અને 6% મૃત્યુ પામતા હતા એટલે કે 94:6નો ગુણોત્તર હતો જે આજની પરિસ્થિતિએ 88:12નો છે) અને વિશ્વની સૌથી શ્રેષ્ઠ મેડિકલ સુવિધા ધરાવતા અમેરિકા અને ઇટાલીમાં જે રીતે નવા કેસો અને મૃત્યુના આંકડા વધી રહ્યાં છે, જે ખૂબ જ ભયાનક સ્થિતિની આગાહી કરે છે. આપણે તીવ્ર અને લાંબાગાળાની વૈશ્વિક મંદીમાં સપડાવા જઈ રહ્યાં છીએ. જેમાં પ્રથમ તો ટૂંકાગાળાની અસરો જેવી કે, ઉત્પાદનમાં ઘટાડો, માંગમાં ઘટાડો, બેરોજગારી વગેરે જોવા મળશે. એક વખત કોરોનાની દવા કે રસી ઉપલબ્ધ થઇ જશે ત્યારબાદ ગ્લોબલ વેલ્યુ ચેઇન આધારે ગોઠવાયેલા વૈશ્વિક અર્થતંત્ર ઉપર વિવિધ દેશોમાં થયેલ ખુવારીના પરિણામ સ્વરૂપ લાંબાગાળાની મંદીની સાચી અસર જોવા મળશે.

મંદીને પહોંચી વળવા ટૂંકાગાળાની વ્યૂહરચના તરીકે પ્રોત્સાહક પેકેજ, કરમાં રાહત, બજારમાં નાણાકીય તરલતા જાળવી રાખવી વગેરે જેવા નાગરિકોની ખરીદ શક્તિ વધે અને ઘરેલું માંગમાં વધારો થાય તેવા પગલાઓ લેવા આવશ્યક થશે, જેથી ઉદ્યોગોને પોતાની યોગ્ય ક્ષમતા મુજબ કામ કરવા તરફ વળવામાં સહાયતા મળી રહે. ત્યારબાદ લાંબાગાળાના અને રચનાત્મક પગલાઓ લેવાના થશે. હાલ તો ભારતીય રીઝર્વ બેંકના ગવર્નરશ્રીએ જણાવ્યા મુજબ મધ્યસ્થ બેંક દેશના અર્થતંત્રની બારીકાઇથી દેખરેખ રાખી રહ્યું છે અને જે ઔદ્યોગિક એકમોને મુશ્કેલી થવાની આશંકા છે, તેઓ માટે અન્ય વિકલ્પો વિચારાઇ અને શોધાઈ રહ્યાં છે. પરંતુ, ફેડરલ રીઝર્વ બેંક ઓફ રીચમોન્ડના પ્રેસિડન્ટ શ્રી બાર્કિને સાચું જ કહ્યું કે, ‘મધ્યસ્થ બેંકો રસી લઈને આવી શકશે નહીં’.

ખેર, હાલની ટૂંકાગાળાની અને અપેક્ષિત તેવી તીવ્ર અને લાંબાગાળાની મંદી વિશ્વમાં પ્રથમ વખત નથી આવી રહી. ભૂતકાળમાં જ્યારે-જ્યારે મહા મંદીઓ આવી છે, ત્યારે-ત્યારે તેનો મજબુતાઇથી સામનો કરી વિશ્વ બમણા જોરે વિકાસ પામ્યું છે તેનો ઇતિહાસ સાક્ષી છે. હાલની પ્રાથમિકતા છે, કોરોના સામે લડવાની અને તેને માત આપવાની. જે આપણે સ્વયં શિસ્ત પાળી (આજે જનતા કર્ફ્યુની અભૂતપૂર્વ સફળતાથી સિદ્ધ કરી દીધુ કે આપણે કરી જ શકીએ છીએ), અદ્યતન વિજ્ઞાનના સહારે દવા કે રસી બનતી ત્વરાએ બનાવી અને પરિસ્થિતિના યોગ્ય સંચાલનથી ચોક્કસ કરી શકીશું, તેની મને ખાતરી જ નહીં દૃઢ વિશ્વાસ પણ છે.

ગંભીર બાબત – આ આર્થિક મંદી તો આવશે ને જશે. કોરોનાની દવા પણ શોધાઈ જશે. મને જે અતિ ગંભીર બાબત જણાઈ રહી છે, તે છે મનોવૈજ્ઞાનિક બિમારી. અત્યારે કોરોનાનો ડર (જેમાં સોશીયલ મીડિયા પરની ખોટી અફવાઓ મોટો ભાગ ભજવી રહેલ છે), કોરોના સંદર્ભમાં સરકારશ્રી દ્વારા લેવામાં આવતા કડક પગલાં (આપણે સ્વયં શિસ્ત ન પાળીએ ને કદાચ ભરવા પડે તો જ), શેર બજાર તૂટતા નાણાકીય ધોવાણની અસર, રોગ શાંત થયા પછી વૈશ્વિક મંદી, બેરોજગારી, નાણાકીય ભીડ વગેરેને લીધે અન્ય તમામ મહામારીઓથી ચડિયાતી આ મહામારી સૌથી વધુ ઘાતક, લાંબાગાળાની અને ઊંડી હશે.

9 comments

 1. Good analysis of corona pandemic consequential effects on economy as well as on individual more particularly phycological.

 2. Superb article
  In this situation we must follow govt advisory
  Again superb thouts are getting words by you

 3. Appreciated sir
  Well we have to give strong fight against this pandemic and also ready to prepare for the consequences those are going to happen ahead.

  1. The effect of Corona on world economy is explained very well by you. Definitely, there will be adverse effect of this pandemic on world economy sooner or later. However, the final outcome of this could be predicted only after this disease is eradicated from this earth. Right now we can only pray God to save us from Corona and its adverse effects on our economy.

 4. Actually you are right, Post effect of this Situation is also difficult, and v have to think on IT.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *