ગુડ ન્યુઝ

આજે તા. 19મી જાન્યુઆરી, 2020 અને રવિવારનો દિવસ; ગાંધીનગરમાં સેક્ટર – 23 ખાતેના શ્રી અરવિંદ કેન્દ્રના પ્રાંગણનું આહલાદક વાતાવરણ… વાહ… ખરેખર અત્યારે તો ગુડ ન્યુઝ જેવા સારા વિચારો જ આવે તે સ્વાભાવિક છે. યોગા હોલની નીરવ શાંતિ, બહાર નીકળીએ એટલે ભરતનાટ્યમ્ શિખતા બાળકોનો સુંદર ધ્વનિ અને જગ્યાની પોતાની પવિત્રતા અદ્‌ભુત છે. બાજુમાં, શ્રી સ્વામીનારાયણ ભગવાનનું મંદિર છે, જ્યાં શ્રી હનુમાનજી મહારાજનું પણ આગવું મહત્વ છે. શ્રી રામચરિતમાનસમાં શ્રી તુલસીદાસજીએ ઉલ્લેખ કર્યો છે તેવો મંદ, શીતળ અને સુગંધી પવન સાથેનો હૃદયભાવ્ય માહોલ છે, તો ચાલો થોડી સારા સમાચાર (ગુડ ન્યુઝ)ની હકારાત્મક વાતો કરીએ.

આમ તો ગુડ ન્યુઝ શીર્ષક વાંચતા જ તાજેતરમાં રિલિઝ થયેલ અક્ષય કુમાર અને કરીના કપૂરના લીડ રોલવાળી કોમેડી ફિલ્મ નજર સમક્ષ આવી જાય અને મારા લેખો સામાન્ય રીતે અર્થતંત્ર અને આર્થિક બાબતો આધારિત હોય છે. તો આજે બન્નેની થોડી-થોડી સારી વાતો કરી લઇએ. બદ્રીનાથ કી દુલ્હનિયા અને કપૂર એન્ડ સન્સ જેવી સફળ ફિલ્મોના સહ નિર્દેશક એવા રાજ મહેતાની પ્રથમ ફિલ્મ કોમેડી, ડાયલોગ તથા પીક્ચરાઇઝેશનમાં સુપર-ડુપર છે, સાથે-સાથે થોડા સારા સંદેશાઓ (ગુડ મેસેજીઝ) પણ આપે છે.

પ્રથમ તો સમાજમાં અત્યારે લગ્ન બાદ કારકિર્દી બનાવવા પાછળની દોટ કે અન્ય કારણોસર કપલ્સ બાળકો વિશે લાંબા સમય સુધી વિચારતાં નથી અને જ્યા સુધી બાળકો ન થાય ત્યાં સુધી કુટુંબ અને સમાજ જે રીતે તેઓની પાછળ પડી જાય છે, તે સારી રીતે દર્શાવ્યું છે. જો કે બન્ને પોત-પોતાની જગ્યાએ સાચા છે અને બન્નેએ વિચારવાની જરૂર પણ છે જ.

બીજો, આઇવીએફ મારફતે ટેકનોલોજીકલ આવિષ્કાર કેટલો આશીર્વાદરૂપ સાબિત થાય છે, તે દર્શાવ્યું છે. જો કે આટલા ભણેલા-ગણેલા બતાવેલા વરુણ અને દિપ્તી આઇવીએફથી અજાણ હોય છે તેવું બતાવ્યું છે. આ થોડું અજુગતું જરૂર લાગ્યું.

ત્રીજો અને સૌથી અગત્યનો સંદેશો ગર્ભપાત બાબતનો છે. જ્યારે સ્પર્મની અદલા-બદલીના સમાચાર પછી દિપ્તી એક વખત ગર્ભપાત કરાવવા તૈયાર થઇ જાય છે, પરંતુ ડોક્ટરના સમજાવ્યાં બાદ તે નિર્ણય બદલી નાખે છે, તે ખરેખર ખૂબ સારો મેસેજ છે. વાચક મિત્રો, આ સંદર્ભમાં થોડી વધુ વાત પણ કરવી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ફલિતક્રિયા થયા બાદ તરત જ એક જીવ અસ્તિત્વમાં આવી જાય છે, એટલે કે વ્યક્તિગત મનુષ્યનું સર્જન ગર્ભધારણ કરતાની સાથે જ થઇ જાય છે. ગર્ભધારણના અઢાર દિવસો બાદ હૃદય બનવા લાગે છે અને એકવીસ દિવસે હૃદય શરીરમાં લોહીનું વહન ચાલુ કરે છે. અઠ્યાવીસ દિવસે હાથ અને પગ ફૂટવા લાગે છે અને ત્રીસ દિવસે મગજ મળી જાય છે. પાંત્રીસ દિવસ બાદ શરીરના અન્ય બાહ્ય અંગો આકાર લેવા માંડે છે અને બે મહિના પૂર્ણ થતાં સુધીમાં સ્ટેથોસ્કોપની મદદથી ધબકારા સાંભળી શકાય છે. આ ગર્ભને જન્મેલાં બાળકથી અલગ ગણી તેને મૃત્યુદંડ કઇ રીતે આપી શકાય? શું આવો અધિકાર કોઈને છે? ના… તેની માતાને પણ નહિ જ. કોઇ અનિવાર્ય સંજોગોમાં ગર્ભ કે તેની માતાના જીવને જોખમ છે તેવો ડોક્ટરનો અભિપ્રાય હોય, તો જ આ બાબતે વિચારવું યોગ્ય ગણાય. ગર્ભમાં રહેલ બાળકને જન્મેલાં બાળકથી કોઇ રીતે અલગ ગણી શકાય નહિ.

મિત્રો, હવે થોડી અન્ય રીતે સારા સમાચારોની વાત કરીએ. આ સદીના ત્રીજા દાયકાની શરૂઆતમાં જ પૂર્ણ થયેલા બીજા દાયકાના વિવિધ ક્ષેત્રોના પરિમાણો આધારે ચારે તરફ ખૂબ જ ખરાબ સમય ચાલી રહ્યાની જ વાતો થઇ રહી છે. શું ખરેખર બીજો દાયકો આટલો બધો ખરાબ રહ્યો? આ વાત સાચી છે? ‘ધ રેશનલ ઓપ્ટીમિસ્ટ’ના લેખક મેટ્ટ રિડ્લેએ થોડી ચોંકાવનારી વિગતો રજુ કરી છે. તેઓએ જણાવ્યા મુજબ આપણે વધુ આગળનો ભૂતકાળ જોવાની દ્રષ્ટિનો અભાવ ધરાવીએ છીએ. તાજેતરમાં પૂર્ણ થયેલો આ સદીનો બીજો દાયકો સૌથી સારા દાયકાઓ પૈકીનો એક છે. આ દાયકા દરમ્યાન માણસોના જીવનધોરણ ઐતિહાસિક ઉચ્ચત્તમ કક્ષાએ છે. વિશ્વ બેંકના માપદંડ મુજબ રોજની 1.25 ડોલર એટલે કે રૂ. 90થી ઓછી દૈનિક આવક ધરાવતા લોકો અતિ ગરીબની કક્ષામાં આવે. 1960 આસપાસ આવા લોકોની સંખ્યા 60% જેટલી હતી, જે આ દાયકા દરમ્યાન પ્રથમ વખત 10%થી નીચે નોંધાયેલ છે અને ભારતમાં એક અહેવાલ મુજબ આવી સંખ્યા 5.5% છે. છે ને સારા સમાચાર? વૈશ્વિક અસમાનતા ઘટવા માંડી છે, કારણ કે એશિયા અને આફ્રિકાના દેશો યુરોપ અને ઉત્તર અમેરિકાના દેશો કરતાં વધુ ઝડપે વિકસી રહ્યા છે.

આવુ એટલા માટે બની રહ્યું છે કારણ કે આપણે ગમે તેટલી નકારાત્મક વાતો કરીએ પણ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થયું જ છે. વસ્તીની સરખામણીમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ ખરા અર્થમાં ઘટ્યો છે. કેવી રીતે? 1970ના દાયકામાં રૂમ જેવડા એક કમ્પ્યુટરને બનાવવા કેટલી ધાતુ અને અન્ય સંસાધનોનો ઉપયોગ થતો હતો? તેની સામે આજે એક મોબાઇલ કે લેપટોપ બનાવવા કેટલા સંસાધનોનો ઉપયોગ થાય છે? અગાઉના ફાનસની સરખામણીએ એલઇડી (LED) બલ્બ ચોથા ભાગની ઉર્જા વાપરે છે. વસ્તી વધારાની સરખામણીએ જમીનની ઉત્પાદકતા વધુ દરે વધી રહી છે અને એક અનુમાન મુજબ 2050 સુધીમાં ખેતીમાંથી જમીન ફાજલ થશે અને તેને જંગલો વિકસાવવા ઉપયોગમાં લઇ શકાશે. કચેરીઓનો વહીવટ  પેપરલેસ નહિ તો પણ લેસ-પેપર તો થઇ જ રહ્યો છે. આવા અસંખ્ય ઉદાહરણો ટાંકી શકાય તેમ છે.

સમાજમાં બે પ્રકારની વિચારસરણી જોવા મળે છે, આશાવાદી અને નિરાશાવાદી. 1972માં પ્રસિધ્ધ થયેલા ‘ધ લીમીટ ટુ ગ્રોથ’ અહેવાલમાં એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે, કુદરતી સંસાધનોનો જે રીતે ઉપયોગ થઇ રહ્યો છે, તે જોતા 2000ની સાલ સુધીમાં અમૂક ધાતુઓ જેવી કે, સોનું, પારો, ઝિંક, તાંબુ વગેરેનો જથ્થો પૂર્ણ થઇ જશે. આજે પણ આ ધાતુઓ ઉપલબ્ધ છે અને હજુ તેનો જથ્થો પણ ઉપલબ્ધ છે. આવું બનવાનું કારણ સમજવા કદાચ જેવોન્સ પેરાડોક્ષ થિયરી તરફ નજર નાખવી પડે.

મિત્રો, 12-13મી સદીની માફક ભારતમાં મુસ્લિમ શાસનની એન્ટ્રી હોય કે 18મી સદીની જેમ અંગ્રેજ શાસન હોય. આઝાદી પછી 70 વર્ષનું કોંગ્રેસ શાસન હોય કે ત્યારબાદનું ભાજપા શાસન હોય. ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ કહ્યું હતું કે, શાસક આવે ને જાય પ્રજા ને શું? તેની જેમ આ બધા શાસન બદલતાં રહેવાના છે, પરંતુ સમયની સાથે નવી-નવી શોધો થતી રહેવાની અને ટેકનોલોજીકલ અપગ્રેડેશન થતું જ રહેવાનું છે. કોઇપણ દેશ કે વિસ્તારના વિકાસની ગતિમાં શાસકની ભૂમિકા અનિવાર્ય હોય છે, તેમાં કોઇ શંકાને સ્થાન નથી, પરંતુ વિકાસએ નિરંતર પ્રક્રિયા છે અને થતી જ રહેવાની છે. સુશાસક તેની ગતિ વધારી શકે છે. તાજેતરમાં આપણે વિવિધ નબળાં પરિમાણો જોઇએ છીએ, તેમ જ્યારે-જ્યારે ખરાબ સમય આવ્યો છે, ત્યારે-ત્યારે વિશ્વ અને દેશ તેમાંથી ઉગરીને બમણા જોરે વિકાસ પામ્યો છે. અહિં ફક્ત મારું મંતવ્ય જ સાચું છે તેવું કહેવાનો આશય નથી, કારણ કે તેનાથી વિપરીત મંતવ્ય ધરાવનાર પાસે પણ તેની વાત સાબિત કરવા પૂરતા તાર્કિક કારણો હશે. પરંતુ હું આશાવાદી અને હકારાત્મક બની આગળ વધવાની ભાવના ચોક્કસ સેવું છું.

હવે પછીના ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય… (ભાગ – 4) સાથે ફરી મળીશું, આજે બસ આટલું જ.

Related Articles

16 COMMENTS

 1. ઞૅભપાત ન જ થવો જોઇએ અેક આત્મા ને અવતરતા પહેલા જ તેને નષ્ટ કરવુ જયારે એક આત્મા જ આત્મા ની હત્યા કરે છે આને હું હ્ર્ત્યા થી વધારે ગણુ છે અેટલે ભૃણ હત્યા બાળ હત્યા નુ પાપ કરી રહી છે આજ ની ભણેલ પણ અભણ યુવા પ્રજા ને આજ કારણ
  લઘુમતી સમાજના લોકો નુ ભારણ દેશ ઉપર વધી રહયુ હિંદુત્વ નુ અસ્તિત્વ જોખમમાં મુકાઇ
  શકે છે

 2. અતિ સુંદર…
  અભિનંદન…
  આશા અમર છે…
  હકારાત્મક અભિગમ જ વિકાસની કેડી છે, પછી તે વ્યક્તિ હોય, સમાજ હોય કે દેશ હોય…
  Keep it up…

  • ખૂબ ખૂબ આભાર સાહેબ… આપના આશીર્વાદ કાયમ રાખજો…

 3. Well written sir.આપે ગર્ભપાત અને તેને સબંધિત સચોટતા ખૂબ જ સારી રીતે અને સરળ શબ્દો મા વર્ણવતા ખૂબ જ સુંદર કીધું કે જો બે મહિનામા ગર્ભ મા રહેલા બાળકના ધબકારા શરૂ થતા હોય તો આ જીવને મૃત્યુદંડ આપવો એ એક ગુનાહિત કૃત્ય કરતા પણ મોટુ પાપ છે.

 4. I was wondering if you ever thoughtful dynamic the plaything of your situation? Its really substantially cursive; I love what youve got to say. But maybe you could a small more in the way of noesis so people could introduce with it improved. Youve got an awful lot of book for only having one or 2 pictures. Maybe you could area it out turn?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,101FansLike
293FollowersFollow
1,083SubscribersSubscribe
- Advertisement -

Latest Articles