અમૃતાકાંક્ષી રસસિદ્ધ નાગાર્જુન

Posted by

વૈદ્ય જગતમાં રસોદ્ધારતંત્ર નામે જાણીતા દુર્લભ ગ્રંથની રચના કરનાર અને જેને મળવા માટે દેવરાજ ઈન્દ્ર અને તેના અમર વૈદ્યો અશ્વિનીકુમારો સ્વર્ગ લોક છોડીને પૃથ્વી ઉપર આવ્યા હતા, તેવા હતા વિશ્વને અમૃત સર્વસુલભ બનાવવાની ધૂનવાળા રસસિદ્ધ રાજા નાગાર્જુન. નાગાર્જુનને અમૃત શોધવાની ધૂન લાગી હતી. તેણે ધાતુમાંથી સોનુ બનાવવાની રસાયણ વિદ્યા સહજમાં હસ્તગત કરી લીધી હતી. નાગાર્જુને વિવિધ શાસ્ત્રો અને રસ સાહિત્યોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેણે પ્રથમ આયુર્વેદનો ગહન અભ્યાસ કર્યો હતો. નાગાર્જુન તત્કાલિન સમયના ભારતભરના રસસાહિત્યમાં રસ ધરાવતાં અને આગળ પડતા લોકોની મુલાકાત કરતા અને તેઓની સાથે જ્ઞાનાત્મક વિચાર-વિમર્શ કરતા. રસસિદ્ધો તેને સૌરાષ્ટ્રના આદિ કીમિયાગર (રસાયણવિદ્‌) માનતા હતા.

નાગાર્જુન, આદિ રાજા જેઠવાના પાટનગર એવા સૌરાષ્ટ્રના ઢાંકના રાજા હતા. ઢાંક રાજકોટ જિલ્લાના ઉપલેટાથી લગભગ ૨૦ કિ.મી. જેટલુ દૂર છે. ઘણા લોકો તેને ભ્રમથી શિલાહરવંશી રાજા માને છે. મળી આવેલા તામ્રલેખો મુજબ ક્ષિતિરાજ શિલાહર પછી નાગાર્જુન ઇ.સ. ૧૦૫૫માં ગાદી પર આવ્યો હતો અને તેણે ફક્ત ૧૦ વર્ષ જ રાજ કર્યુ હતું. પરંતુ, ઇતિહાસ જોતા ખરેખર તો નાગાર્જુન ગુપ્ત વંશના રાજાઓનો સમકાલીન અને સૌરાષ્ટ્રના જેઠવા રાજા હતા, તે વધુ પ્રમાણભૂત જણાઈ આવે છે. તે વરાહમિહિર, આર્યભટ્ટ અને કાલિદાસ વગેરેના સમકાલીન રાજા હતા.

નાગાર્જુનના સમયમાં રસાયણ વિદ્યાના સાહિત્યનો વિકાસ તેની ઉચ્ચતમ કક્ષાએ હતો. નાગાર્જુન માનતા હતા કે, જન્મૌષધિતપ:-મંત્રસમાધિજા: સિધ્ધય: એટલે કે જન્મ બાદ ઔષધિઓ, તપ કરવાથી અને મંત્રોના અનુષ્ઠાનથી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. નાગાર્જુનની અમૃત શોધવાની ઘેલછાને લીધે તેઓ રસસાહિત્યના જ્ઞાતાઓને જાતે મળી તેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા માંડ્યા અને વધુમાં વધુ યોગ્ય સાહિત્ય એકઠું કરવા માંડ્યા. દેશ-વિદેશોમાંથી અનેક ઔષધીઓ મંગાવી અને તેના ગુણદોષનું પૃથક્કરણ કરવા લાગ્યા તથા તેના આધારે પદ્ધતિસરના વિવિધ પ્રયોગો પણ કરવા લાગ્યા. આ બધા ગુઢ જ્ઞાન, પોતાની અથાક મહેનત અને અસંખ્ય પ્રયોગના અંતે તેને ધીમે-ધીમે સફળતા મળવા લાગી. તેણે અનેક રોગોની દવાઓ વિકસાવી, ધાતુઓમાંથી સોનુ બનાવવાની વિદ્યા હસ્તગત કરી અને પોતાના શરીરને અસ્ત્ર-શસ્ત્રોથી ભેદી શકાય નહીં તેવું અભેદ્ય બનાવી દીધું હતું. તેઓ તેના જૈન ગુરૂ પાદલિપ્ત સૂરિજી પાસેથી સ્વૈરવિહાર વિદ્યા એટલે કે હવામાં વિમાનની જેમ ઉડી શકવાની વિદ્યા પણ શિખ્યા હતાં.

એક તરફ અમૃત શોધની તીવ્ર તમન્ના સાથે અથાક મહેનત હતી અને બીજી બાજુ રાજ વહીવટ ઉપરથી ધ્યાન હટતું જતું હતું. પદાધિકારીઓ રાજ હુકમની અવહેલના કરવા માંડ્યા હતા અને મોટા ભાગની પ્રજાએ કર ભરવાનું બંધ કરી દીધું હતું. રાજાના નજીકના હિતેચ્છુ મંત્રીઓએ તેને રાજ વહીવટને પ્રાધાન્ય આપવા બાબતે, પ્રજા પ્રત્યેના કર્તવ્ય વિશે, પાડોશી રાજાઓના આક્રમણના ભય વિશે અને એકવાર અરાજકતા ફેલાઈ જશે તો થનારી મોટી ખુવારી બાબતે ઘણી વખત સમજાવ્યા હતા. તેઓ રાજાને સમજાવતા કહેતા કે, “પર્જન્ય ઇવ ભૂતાનામાધાર: પૃથ્વીપતિ: વિફલેઅપિ હિ પર્જન્યે જીવ્યતે ન તુ ભૂપતૌ એટલે કે રાજા પણ વરસાદની જેમ બધા પ્રાણીઓનો આધાર છે. કોઈ સમય વરસાદ ન આવવાથી કદાચ પ્રજા જીવી જાય, પરંતુ રાજાના અભાવે પ્રજા જીવી શકતી નથી. પરંતુ, નાગાર્જુનનું મન તો અમૃત પ્રાપ્ત કરવા દ્રઢ નિશ્ચયી હતું. નાગાર્જુન તેઓને જવાબમાં કહેતા કે પ્રજાના કર ન ભરવાથી રાજ્યની તિજોરીને કોઈ ઓટ નહીં આવે, કારણ કે હું ધાતુને સોનુ બનાવવાની વિદ્યા જાણું છું. બીજું કે અમૃતની શોધની સાથે મૃત્યુની શોધ થતી જાય છે, એટલે કે કોઈ મોટું આક્રમણ થશે તો થોડી ઔષધીઓના છંટકાવ માત્રથી હજારો લોકોને યમલોકમાં તુરંત પહોંચાડી દઈશ. અંગત મંત્રીઓએ જ્યારે રાજાને ફક્ત રસસિદ્ધિને જ પ્રાધાન્ય ન આપતા રાજ્યસિદ્ધિને પ્રાથમિકતા આપવા આગ્રહ કર્યો અને રાજાના આ રીતે રાજ્ય વહીવટ પ્રત્યેના દુર્લક્ષથી ઉભી થઈ રહેલી અંધાધૂંધી બાબતે ભારપૂર્વક જણાવ્યું, ત્યારે તેણે કહ્યું કે, ‘કાર્ય સાધયામિ વા દેહં પાતયામિ’ અને અમૃતની શોધ મારું અંતિમ લક્ષ્ય છે. જો તેને લીધે રાજ વહીવટને નુકસાન થઈ રહ્યું હોય તો, હું જ્યાંસુધી અમૃતની શોધ પૂર્ણ ન કરું ત્યાંસુધી રાજ્યનો કાર્યભાર યુવરાજને સોંપવાનો નિર્ણય લઉં છું. આમ, પુત્રના ખભે રાજ વહીવટનો ભાર સોંપી નાગાર્જુન પોતાના અમૃત શોધનના કાર્યમાં મગ્ન થઈ ગયા કે જેથી અમૃતને સર્વસુલભ બનાવી શકાય. પરંતુ પ્રભુની લીલા ન્યારી હોય છે, હોઇ હિ સોઇ જો રામ રચિ રાખા”.

કુમાર રાજા બન્યા બાદ તેની માતાના આશીર્વાદ લેવા ગયો, પરંતુ તેની માતાના મુખ ઉપર પ્રસન્નતા ન જોતા કુમારે કારણ પૂછ્યું. તેની માતાએ તેને સમજાવ્યું કે, પુત્ર ! તું રાજનીતિની આંટી-ઘૂંટી જાણતો નથી. પિતા રાજા હયાત હોય ત્યાંસુધી પુત્ર રાજા રમકડાંથી વિશેષ કંઇ હોતો નથી. જે દિવસે અમૃતની શોધ પૂર્ણ થઇ જશે, તે દિવસે તારા પિતા ફરી રાજગાદી સંભાળી લેશે. કુમારે કહ્યું કે તમે જ કહો, હું શું કરું? માતાએ કહ્યું કે રાજા જીવિત રહેવા જોઈએ નહીં. ત્યારે કુમાર કહે છે, માતા ! તમે મને પિતૃ હત્યા કરવાનું કહો છો? માતાએ કહ્યું કે તે શક્ય પણ નથી, કારણ કે તેની પત્ની તરીકે હું જાણું છું કે બીજા માટે અમૃતસિદ્ધિ કરવા મથતા-મથતા તેઓ જાતે લગભગ અમર જેવા જ થઈ ગયા છે. પરંતુ સૃષ્ટિનો સિદ્ધાંત છે કે, જેનું નામ તેનો નાશ’. તારા પિતા કુદરતના આ સિદ્ધાંતની વિરૂદ્ધ માનવ સમાજને અમૃત ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. આ સંજોગોમાં પ્રકૃતિના નિયમોની સાથે રહેવા માટે, વૈધવ્યની યાતના ભોગવવી પડશે છતાં અને એક આર્ય સન્નારીને છાજે નહિ તેવી શિખામણ આપી રહી છું. કુમારે કહ્યું કે આટલી રસસિદ્ધિઓ મેળવેલા મારા તીર્થસ્વરૂપ પિતા લગભગ અવધ્ય જેવા જ છે, તેનો વધ કેવી રીતે કરવો? માતાએ કહ્યું કે, તારે તારા પિતાના દર્શનાર્થે જવું અને તેઓ ખૂબ જ ઉદાર છે માટે કંઈક માગવા કહે, ત્યારે તેમના મસ્તકની યાચના કરવી. જેથી તેઓ જાતે જ પોતાના મૃત્યુનો માર્ગ જણાવશે.

કુમાર બીજા દિવસે સવારે પિતાની રસશાળામાં દર્શનાર્થે ગયો. રસેશ્વર મહારાજ નાગાર્જુન તેના પ્રયોગોમાં વ્યસ્ત હતા. પુત્રને આવેલો જોઈને કહ્યું કે, પુત્ર ! બહુ થોડા જ દિવસોમાં તારા પિતા મૃત્યુ પર વિજય મેળવવા સક્ષમ થઈ જશે. જે કામ અશ્વિનીકુમારો ન કરી શક્યા, લંકેશ્વરને તો સમજાયું પણ નહીં અને શ્રી ચરક જેવા સમર્થ આચાર્ય જેને ઉકેલી શક્યા નહીં, તે કાર્ય ભગવાન ધન્વંતરિની કૃપાથી તારા પિતાના હાથવેંતમાં જ છે. હવે સફળતા મળવામાં કોઈ શંકા નથી, ઔષધિઓનો પદ્ધતિસર આખરી ખરેખર પ્રયોગ જ કરવાનો છે. આ પરિસ્થિતિમાં તારું આવવું વધુ આનંદપ્રદ લાગી રહ્યું છે. હું ખૂબ જ ખુશ છું, માગ માગ, શું આપું? ત્યારે કુમાર પિતા પાસે તેમના મસ્તકની માગણી કરે છે. આવી વિચિત્ર માંગણીથી નાગાર્જુન સ્તબ્ધ થઈ જાય છે અને પછી બોલે છે, ખર શ્વાનં ગજં મતં ચ બહુભાષિણમ્‌ । રાજપુત્રં કુમિત્રં ચ દૂરત: પરિવર્જયેત્‌ ॥“ એટલે કે ગધેડું, કૂતરું, હાથી, ગાંડો માણસ, બહુ બોલનાર વ્યક્તિ, રાજપુત્ર અને દુષ્ટ મિત્ર આટલાનો દૂરથી જ ત્યાગ કરવો જોઈએ.

નાગાર્જુને કુમારને કહ્યું કે હું વચન આપીને ફરી જનારાઓ પૈકીનો નથી, અમૃત ઉપલબ્ધિની પ્રક્રિયા ભલે બાકી રહી જાય, લે આ તલવાર અને ઉતારી લે મારું માથું. કુમારે નાગાર્જુનની ગરદન ઉપર તલવારનો ઘા કર્યો, તલવારની ધાર નકામી થઈ ગઈ, પરંતુ ગરદન પર ઘસરકો પણ ન પડ્યો. નાગાર્જુને કુમારને કહ્યું કે બેટા આ મારી રસસિદ્ધિનોનો પ્રભાવ છે. પૃથ્વી પર કોઇ અસ્ત્ર-શસ્ત્ર મારા શરીરને ભેદી શકે તેવું નથી. ત્યારબાદ તેણે તલવારની ધાર ઉપર ઔષધિઓ લગાડીને ફરીથી પુત્રને આપી અને કહ્યું લે તારું કામ પૂર્ણ કરી લે. કુમાર ખુબ જ વ્યથિત થઇ જાય છે અને તેના હાથ કાંપી ઉઠે છે. આંખોમાંથી ચોધાર આંસુની ધાર ચાલી જાય છે અને તે પિતાને કરગરે છે કે, હે પિતા ! હું અધમ છું, મને ક્ષમા કરો. નાગાર્જુને કુમારને કહ્યું, તું અધમ નથી કે તારો કોઈ દોષ નથી અને પછી પૂછ્યું કે તને આ માર્ગે જવાની સલાહ કોણે આપી? કુમારે કહ્યું ‘મારી માતાએ’. ત્યારે નાગાર્જુન વિચારે છે કે, આમાં ચોક્કસ જ કોઈ ઈશ્વરીય સંકેત છે. ભગવાન ધન્વંતરિ વિશ્વના માનવસમાજને અમૃત ઐષધિ ઉપલબ્ધ કરાવવા માગતા નથી. ઔષધિયુક્ત તલવાર નાગાર્જુનની ગરદન ઉપર પડતા જ વિશ્વ અમૃત મેળવવાથી કાયમ માટે વંચિત રહી ગયું.

નાગાર્જુન વિશ્વને અમૃત આપી ધરતી ઉપર અમરતા લાવત કે કેમ? એ પ્રશ્ન તો વણઉકેલ્યો રહી ગયો, પરંતુ એક વાત ફરીથી સિદ્ધ થઈ ગઈ કે, “હોઇ હિ સોઇ જો રામ રચિ રાખા” અને આવી રીતે અમૃત પૃથ્વી ઉપર સર્વસુલભ કરવાનો ઇતિહાસ અધૂરો જ રહી ગયો. ત્યારબાદ ઘણા જ્ઞાની લોકોએ નાની-મોટી સિદ્ધિઓ મેળવ્યાનું ઇતિહાસ સાક્ષી છે, પરંતુ આજસુધી કોઈએ આ કક્ષાની સિદ્ધિ મેળવી હોય તેવું જાણમાં નથી.

14 comments

  1. આપને ખૂબ ખૂબ અભિનંદન કે એક ખોવાઈ ગયેલા ઈતિહાસ ને આપણી સમક્ષ લાવ્યા. આની જાણ કદાચ ને ઢાંક ના નગરજનોને પણ નહી હોય ખૂબ ખૂબ આભાર…..💐

  2. Khub saras Jankari . Atyar sudhi em manta k Nagarjuna Gupt vansh na samay ma ek Rasayanvid hata. Raja hata e nahoti khabar. Khub j mahitiprad post.

  3. Khub saras Jankari . Atyar sudhi em manta k Nagarjuna Gupt vansh na samay ma ek Rasayanvid hata. Raja hata e nahoti khabar. Khub j mahitiprad post. 👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *