Home Literature ન જાણ્યું જાનકીનાથે…..

ન જાણ્યું જાનકીનાથે…..

23
ન જાણ્યું જાનકીનાથે…..

નસીબથી વધુ અને સમયથી પહેલા, કોઈને કંઈ મળ્યું નથી અને મળવાનું પણ નથી. જીવનની આ વાસ્તવિકતા છે અને આપણે બધા એ જાણીએ પણ છીએ. ભાવિ અનિશ્ચિત છે, કોઈ નથી જાણતું કે હવે પછીની ઘડીએ શું થવાનું છે? આ જ બાબત કહેવા આપણે વારંવાર એક પંક્તિ કહેતા હોઈએ છીએ કે, “ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે?” સવારે ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક થવાનો હતો અને રાતોરાત બધું બદલાઈ ગયું. સવારે રાજ્યાભિષેક થવાને બદલે ચૌદ વર્ષનો વનવાસ મળી ગયો. ભગવાન પણ નથી જાણી શકતા કે જાણવા છતાં તેમાં કોઇ ફેરફાર કરી શકતા નથી, તેવા અનિશ્ચિત ભાવિને વર્ણવવા આ પંક્તિ આપણે વારંવાર વાપરીએ છીએ. તો ચાલો આજે આ આખી અદભુત રચનાને માણીએ.

ભલી આ કર્મભૂમિમાં, કરે તે પામવાનું છે; ભલું કર ભલું થાશે, એ સૂત્ર થાપવાનું છે.

કહે તું મારું ને તારું, બધું અહીં રહેવાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

એટલે કે જીવનપર્યંત આપણે કર્મ કરીએ છીએ. આ કર્મનો સિદ્ધાંત છે કે, જે કરો તે પામવાનું છે. સત્‌કર્મ કરીએ તો સદ્‌ગતિ અને કુકર્મ કરીએ તો દુર્ગતિ પામવાની છે. જો કોઈનું ભલું કરીશું, તો ચોક્કસ આપણું ભલું થશે અને જો કોઈનું ખરાબ કરીશું, તો આપણું ચોક્કસ ખરાબ થવાનું છે. આ સિદ્ધાંતને માનવાનો છે, જીવનમાં ઉતારવાનો છે. આપણે મારું-તારું કરીએ છીએ, પરંતુ કંઈ સાથે લઈને નથી જવાનું. બધું અહીં જ રહી જવાનું છે. તો આટલી હાયહોય અને હૈયાપીટ શું કામની? કારણ કે ખુદ પ્રભુ શ્રીરામચંદ્રજીને પણ ખબર ન હતી, કે સવારે રાજ્યાભિષેક થવાને બદલે વનવાસ મળવાનો છે.

ન જાણે રાજવી દશરથ, શું અનર્થ થવાનું છે; શ્રવણના માતાપિતાથી શાપ પામવાનું છે.

હજો પુત્રને થજો વિજોગી, દુઃખ ડામવાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

રામાયણ એક જાણીતો કિસ્સો છે, રાજા દશરથ મૃગયા કરવા નીકળ્યા હતા કે કોઇ તળાવની ચોકી કરી રહ્યા હતા. તે સમયે તળાવની પાળે પ્રાણીના પાણી પીવાનો અવાજ સંભળાયો. ખરેખર શ્રવણે તેના માતા-પિતા માટે પાણી ભરવા ડૂબાડેલા ઘડાનો બૂડ-બૂડ અવાજ હતો. દશરથજીએ કોઈ પ્રાણી સમજી શબ્દવેધી બાણ ચલાવ્યું અને શ્રવણનો જીવ જતો રહ્યો. આ અનર્થ બનવાથી તેઓ તદ્દન અજાણ હતા. ત્યારબાદ શ્રવણના માતા-પિતા તેને શાપ આપ્યો કે, જેમ અમે પુત્ર વિયોગથી મરીએ છીએ તેમ તમે પણ પુત્ર વિયોગથી મૃત્યુ પામશો. દશરથજીએ કહ્યું કે મારે પુત્ર નથી; તો તેઓએ કહ્યું કે હજો પુત્રને થજો વિજોગી. આવી બળવાન છે કર્મની ગતિ કે જેની પ્રભુ શ્રીરામને પણ ખબર ન પડી.

વાસુદેવના બાળકને, સંહારે છે કંસરાજા; જેલમાં કૃષ્ણ પ્રગટ્યા, વેણ સંદેશ છે તાજા.

બાળ કૃષ્ણના હાથે, કંસને જવાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

વાસુદેવ અને દેવકીના આઠમા પુત્રને હાથે પોતાનો વધ થશે, તેવું જાણવા મળતાં જ કંસ તેના તમામ પુત્રોને જન્મતાની સાથે જ મારી નાખતો હતો. આવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ જેલમાં પ્રગટ્યા. કંસને આ બાબતની જાણ જ ન થઈ શકી અને શ્રી કૃષ્ણ ગોકુળ પહોચી ગયા. તેના હાથે જ કંસનો વધ થયો. આમ કર્મની ગતિ અનોખી છે.

મહાભારત તણા ગ્રંથમાં, શ્રી શ્યામની માયા; છતાં દુઃખી થયા પાંડવ, વન વનમાં ભટક્યા.

અવતારી પુરુષે ન જાણ્યું, શું કિસ્મતનું પાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

મહાભારત ગ્રંથના અધિષ્ઠાતા દેવ શ્રીકૃષ્ણ ભગવાન છે. પ્રભુની અદભુત માયાનો પ્રભાવ આ ગ્રંથમાં સ્પષ્ટ જણાય છે. છતાં તેના ભક્તો પાંડવોને વન-વનમાં ભટકવું પડ્યું અને દુઃખી-દુઃખી થઈ ગયા. શ્રીકૃષ્ણ ભગવાન હોવા છતાં તેઓ પાંડવોનું ભવિષ્ય જાણી ન શક્યા અથવા જાણતા હોવા છતાં તેમાં ફેરફાર ન કરી શક્યા. કારણ કે કર્મની ગતિ આવી જ ન્યારી છે, જેનાથી બધા બંધાયેલા છે. ખૂદ પરબ્રહ્મ પરમાત્મા પણ.

રાવણ વેદનો જ્ઞાતા, છતાં બુદ્ધિ થઈ વિપરીત; સીતાનું હરણ કરતાં, લંકાપર મોતના છે ગીત.

વંશ સહિત રોકાયો, રાવણથી એ ન છાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

રાવણ વેદોનો પ્રખર જ્ઞાની હતો. વેદો ઉપર ટીકા લખનારાઓમાં તેને પ્રથમ ગણવામાં આવે છે. છતાં તેની બુદ્ધિ બગડી, સીતામાતાનું અપહરણ કર્યું અને આખી લંકા નગરીને મોતના મુખમાં ધકેલી દીધી. રાવણ જ્ઞાની હોય, આ બધું જાણતો હતો. સોનાની લંકા અને તેના આખા રાક્ષસકુળને ગુમાવ્યું, પરંતુ આવું બનતા રોકી ન શક્યો. વિધિના વિધાન આવા જ અકળ હોય છે.

આદ્યશક્તિ રૂપ સીતા, જમીનથી પ્રગટ્યા પોતે; જનકઘર એ થયા મોટા, પામ્યા રામ શ્રી જ્યોતે.

પરીક્ષા અગ્નિથી લંકા, રૂપ ભૂમિ માનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

આદ્ય શક્તિ સ્વરૂપા માતા સીતા જમીનમાંથી પ્રગટ થયા. વિદેહ જનકરાજાને ત્યાં મોટા થયા. પ્રભુ શ્રીરામને પતિ તરીકે પામ્યા. છતાં લંકામાં અગ્નિ પરીક્ષા આપવી પડી અને અંતે ભૂમિપુત્રીને ભૂમિમાં જ સમાવું પડ્યું. વિધિની વક્રતાને કોણ પામી શક્યું છે? ખૂદ ભગવાન પણ નહિં.

નળરાજવી પોતે, દમયંતી સતિ પામ્યા; વનેવન ભટકીને રોયા, કળિયુગ પૂરેપૂરા જામ્યા.

હંસથી મળે નળરાજા, જિંદગી ઠારવાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

નળ પોતે રાજા હતા, છતાં બાહુકરૂપે અશ્વપાલ બનવું પડ્યું. દમયંતી જેવી સતિ નારીને પરણ્યા, પરંતુ તેનો પણ વિયોગ થયો. વન-વન ભટકીને ખૂબ જ દુઃખી થયા અને કળિયુગનો પ્રભાવ સારી પેઠે અનુભવ્યો. ફરીવાર હંસ થકી નળ દમયંતીને મળ્યા, પણ જીવનપર્યંત દુઃખી જ રહ્યા. આ તે કેવી વિધિની કરુણતા કહેવાય?

ત્રણ ગતિ બદલાતી, સૂર્ય ભગવાનને જુઓ; સવારે બપોરે સાંજે, સ્થિતિ પ્રમાણને જુઓ.

મનુષ્ય શી દશાતારી, મન સમજાવવાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

સૂર્યનારાયણ જ પુરી સૃષ્ટિમાં પ્રાણ પુરે છે, તેની પણ રોજ ત્રણ ગતિ બદલાય છે. સવારે તેજસ્વિતા ફેલાવે છે, બપોરે તાપ આપે છે અને સંધ્યાકાળે તે પોતે જ ઢળી જાય છે. તો હે મનુષ્ય ! તારી શું વિસાત છે? મનને સમજાવ કે પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું એ જ જીવનની નરી વાસ્તવિકતા છે.

પુષ્પ ખીલે છે ખરવાને, જીવ જીવે છે મરવાને; છતાં યાદ ના આવે, જગતકર્તા થી ડરવાને.

નજરે દેખાય છે તે બધું, આખર જવાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

ફૂલો ખીલે છે અને અંતે ડાળીથી જુદા પડી ખરી પડે છે. માણસ પણ જન્મે છે, જીવે છે અને અંતે તેનું મૃત્યુ જ સનાતન સત્ય છે. નામ તેનો નાશ એ જાણીએ છીએ, છતાં આપણે એવી માયામાં જીવીએ છીએ, એવા મિથ્યાભિમાનમાં જીવીએ છીએ કે સૃષ્ટિના સર્જકથી ડરવાનું ભૂલી જઈએ છીએ. જે નજરે દેખાય છે, તે બધું આખરે જવાનું જ છે. એ જ વિધિનું વિધાન છે.

બંસીલાલ તો એક જ કહે, તું શ્યામ શરણે જા; ચાહે વિષ્ણુ શરણે જા, ચાહે રામશરણે જા.

કાયાની માયા છે ખોટી, એ વિચારવાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

ભક્તકવિ શ્રી બંસીલાલ કહે છે કે, હે માનવ ! તું શ્યામના શરણે જા, ક્યાં વિષ્ણુ ભગવાનના શરણે જા, ક્યાં શ્રીરામ પ્રભુના શરણે જા. કાયાની આ માયા ખોટી છે; રાખના રમકડાઓની આ ભ્રમજાળ ખોટી છે, તે સમજવું જ રહ્યું. કારણ કે સીતાપતિ કરુણાનિધાન શ્રીરામને પણ ખબર નહોતી કે સવારે શું થવાનું છે?

(ઉક્ત મૂળ રચના ભક્તકવિ શ્રી બંસીલાલ દ્વારા લખવામાં આવી છે. ભાવાર્થ – ઉદય ભાયાણી)

23 COMMENTS

  1. વાહ સાહેબ, દુન્યવી જગત ની વાસ્તવિકતા ઉજાગર કરી.

  2. સાવ સાચી વાત છે પણ માણસ ક્યારેય નહિં સમજી શકે.

Leave a Reply to S M Kansara Cancel reply

Please enter your comment!
Please enter your name here