Home Blog Page 2

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૦ | એકલા ચોલો રે… । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

આજનો લેખ મારી લાડલી દિકરીને સમર્પિત…

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “ચાર મિલે ચોસઠ ખિલે”, ભાગ – ૪૯ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-049/)માં રામભક્ત રામકથા સાંભળે કે વાંચે અને બે રામભક્તો મળે એટલે તેઓ આનંદવિભોર થઈ જાય અને બન્નેના શરીર પુલકિત થઈ જાય; આ બાબત ચાર મિલે ચોસઠ ખિલે, બીસ રહે કર જોર । હરિજન સે હરિજન મિલે, તે’દિ નાચે સાત કરોડ ॥ મારફતે જોઈ હતી. ત્યારબાદ વિભીષણજી લંકામાં દાંતોની વચ્ચે જેમ બિચારી જીભ રહે તેમ રહે છે અનેઆ જ ઉદાહરણ આપવા પાછળના તર્કો સુધીની કથા જોઇ હતી. આ વિવિધ તર્કોના પરિપ્રેક્ષ્યમાં એક વાતથી આજની કથાની સુંદર શરૂઆત કરીએ.

આ વાત ૧૭.૦૨.૨૦૨૨ના રોજની સત્યઘટના છે અને મારી અંગત લાગણીઓ સાથે જોડાયેલી પણ છે. તે દિવસે સવારે હું મારી દિકરીને સ્કૂલે મુકવા ગયો હતો. તે દિવસની પરિસ્થિતિ અન્ય દિવસો કરતા અલગ હતી. આ વાતને થોડી વિગતે સમજીએ તો, કોરોનાકાળમાં સ્કૂલો બંધ થઈ તે પહેલા તેણી બાલમંદિરમાં હતી. તેણીને બાલમંદિરે મુકવા જઇએ એટલે પરિચર (એટેન્ડન્ટ) તેને લઇને (રીસીવ કરીને) છેક વર્ગખંડ સુધી લઈ જાય. કોરોનાકાળ દરમ્યાન જ પહેલા ધોરણમાં દાખલ કરી. ભણવાનું ઘરેથી ઓનલાઈન જ હતું. પહેલું ધોરણ તો ઓનલાઈન જ પુરુ થઈ ગયું. દોઢેક વર્ષના લાંબાગાળા બાદ, બીજું ધોરણ પણ અડધુ પુરુ થઈ ગયા પછી, એકાંતરા ઓફલાઈન શાળા શરૂ થઈ. નાના બાળકો માટે શાળાએ જવાનો પ્રથમ જ અનુભવ હોય, શાળા સંચાલકો થોડા ઉદાર હતા અને વાલીઓ પોતાના બાળકોને તેઓના વર્ગખંડ સુધી મુકવા જતા હતા. મારું પણ આવુ જ હતું.

ત્રીજી લહેર આવી ગઈ, ફરી શાળાઓ બંધ થઇ ગઇ, પરંતુ હરિકૃપાથી આ લહેર હળવી રહી અને એકાદ મહિનાના ટૂંકાગાળામાં શાળાઓ ફરી શરૂ પણ થઇ ગઇ. શાળાના સુચારુ વ્યવસ્થાપના ભાગરૂપે આ વખતે વાલીઓને વર્ગખંડ સુધી મુકવા જવાની મનાઇ હતી. શાળાના મુખ્ય દરવાજે જ બાળકને છોડવાનું ફરજીયાત કરવામાં આવ્યું. આજે મારી દિકરીને શાળાના મુખ્ય દરવાજા પાસે ઉતારી. તેણીનો અહીંથી પોતાના વર્ગખંડ સુધી એકલા જવાનો પ્રથમ દિવસ હતો. તેણીનો આત્મવિશ્વાસ તો બુલંદ હતો અને ઉત્સાહ પણ ખૂબ જ હતો, પરંતુ બાપનું હૃદય ને? હું મુખ્ય દરવાજે ઉભો રહી તેણીને જતી જોઇ રહ્યો હતો. તે પોતાની મસ્તીમાં મસ્ત જઇ હતી અને સામેથી એક ગાડી આવી રહી હતી. તેની મસ્તીમાંથી સજાગ થઇ, તે સહેજ બાજુમાં જતી રહી. ગાડી નિકળી ગઇ એટલે ફરી એજ મસ્તીમાં આગળ વધી ગઇ.

તેણી દેખાતી બંધ થઇ એટલે હું સ્કુટર લઇ ઘરે આવવા નિકળ્યો. રસ્તામાં મન વિચારોના ચકડોળે ચડ્યુ. ઘરે આવીને શ્રીસુંદરકાંડ વિશે લખવા બેઠો. જીંદગીની ખરી વાસ્તવિકતા અને વિભીષણજીના આ લંકામાં દાંતોની વચ્ચે જેમ બિચારી જીભ રહે તેમ તેઓ રહે છે, એ ઉદાહરણ; આ બન્નેને એકદમ સરળ અને સુંદર રીતે સમજાવતી ઘટના. આ જીવનના પથ ઉપર જીવે એકલું જ ચાલવાનું છે. પોતાની મસ્તીમાં અને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાના દ્રઢ નિર્ધાર સાથે ઉત્સાહથી ચાલવાનું છે. ભક્તિના પથ ઉપર જતા હોઇએ અને સામેથી કોઇ વિઘ્ન આવે, તો સહેજ બાજુમાં હટી જવું અને ફરી પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે આગળ વધી જવું. જીંદગીમાં ચાલવાનું તો એકલું જ છે, તે નિશ્ચિત છે. આ સમયે બે સુંદર રચનાઓ પણ યાદ આવી ગઈ. “એકલા જ આવ્યા મનવા, એકલા જવાના…..”  અને શ્રી રવિન્દ્રનાથ ટાગોરજીની સુપ્રસિદ્ધ રચના –

જોદી તોર ડાક સુને કેઉ ના આસે તોબે એકલા ચોલો રે,

એકલા ચોલો, એકલા ચોલો, એકલા ચોલો રે,

જોદી તોર ડાક સુને કેઉ ના આસે તોબે એકલા ચોલો રે…

જેવી રીતે જીવનના પથ ઉપર એકલું ચાલવાનું છે, તેમ સમાજમાં સજ્જનોએ પણ એકલું જ રહેવાનું છે. નકારાત્મક વિચારસરણી વાળા કે કોઇને તકલીફ આપી વિકૃત આનંદ લેનારાઓ ભેગા થઇ જ્યારે વિઘ્ન ઊભું કરે, તો બસ સંભલી જવાનું. ભક્તનો કે સંતનો સ્વભાવ માયાળું હોય છે. દુર્જનો ગમે તેટલી તકલીફ આપે, પરંતુ દાંતમાં કંઇ ફસાઇ જાય ને, તો પાછી જીભ જ તે કાઢી આપે. દાંત જેવા બત્રીસ હોય, જીભ બિચારી એકલી જ હોય. દુર્જનો, ટીકાકારો વગેરેના ટોળા હોય, ભક્ત એકલો જ હોય. જીવનનું બસ આ જ સનાતન સત્ય છે. આગળ બાબાજી લખે છે –

તાત કબહુઁ મોહિ જાનિ અનાથા કરિહહિં કૃપા ભાનુકુલ નાથા

હે તાત! મને અનાથ જાણીને સૂર્યકુળના નાથ શ્રીરામચંદ્રજી શું મારા ઉપર ક્યારેય કૃપા કરશે?

‘તાત’ અગાઉ પણ આપણે જોઇ ગયા છીએ કે પ્રેમ કે લાગણી સાથે આદરભાવ દર્શાવવા સામાન્ય રીતે ‘તાત’ સંબોધનનો ઉપયોગ થાય છે. અહીં વિભીષણજીને શ્રીહનુમાનજી પ્રત્યે રામભક્ત હોવાને નાતે પ્રેમ અને આદર બન્ને છે. “મોહિ જાનિ અનાથા” અર્થાત મને અનાથ જાણીને. ભગવાન કેવા દીનબંધુ છે, તે આગળના અંકમાં આપણે જોયું હતું. અહીં વિભીષણજી પોતાને અનાથ ગણાવી પોતાની દીનતા દર્શાવે છે. રઘુકૂળ હંમેશા દીન-દુ:ખીઓની મદદ કરતું આવ્યું છે, તેની ઉપર કૃપા કરતું આવ્યું છે. આ બાબત જગજાહેર છે અને તેના કિસ્સાઓ પ્રસિદ્ધ છે.

ભાનુકુલ નાથા” અર્થાત સૂર્યવંશ કે રઘુકૂળના નાથ. રઘુકૂળ હંમેશા દીન-દુ:ખીઓની મદદ કરતું આવ્યું છે, તો શ્રીરામચંદ્રજી તો આ કૂળના નાથ છે; તેઓ ચોક્કસ જ મારા ઉપર કૃપા કરશે. અહીં ‘રઘુકૂળ નાથા’ એવું પણ લખી શકાત, પરંતુ બાબાજીએ “ભાનુકુલ નાથા” શબ્દનો પ્રયોગ એટલા માટે પણ કર્યો હોઇ શકે કે જેમ સૂર્યના આવવાથી અંધકાર અને ઝાંકળ દૂર થઇ જાય છે, તેમ પ્રભુ શ્રીરામના આવવાથી રાક્ષસોનો વિનાશ થઈ જશે અને લંકા નગરીમાં ધર્મનું રાજ્ય સ્થપાશે તથા સોનાનો સુરજ ઉગશે. દીનતા એ પણ ભક્તનું એક લક્ષણ છે. અહીં વિભીષણજી દીન ભાવે પુછે છે કે હે મારુતીનંદન! પ્રભુ મુજ અનાથ ઉપર ક્યારેય કૃપા કરશે? વિભીષણજી આવું પુછે છે, તેના માટે તેની પાસે કારણો પણ છે. –

તામસ તનુ કછુ સાધન નાહીં પ્રીતિ ન પદ સરોજ મન માહીં ।।

મારું તામસી (રાક્ષસી) શરીર હોવાથી સાધન તો કંઇ થતુ નથી અને મનમાંય પ્રભુ શ્રીરામચંદ્રજીના ચરણકમળોમાં પ્રેમ નથી.

સામાન્ય રીતે કર્મ, જ્ઞાન અને ઉપાસનાથી પ્રભુકૃપાનો નિશ્ચય થતો હોય છે, તેવું આપણે માનીએ છીએ. અહીં વિભીષણજી પોતાને આ તમામથી રહિત છે, તેવું જણાવે છે. સૌથી પહેલા જોઇએ તો રાક્ષસોની નગરીમાં રહે છે એટલે સંગ સારો નથી મળ્યો. પ્રભુકૃપા પ્રાપ્ત કરવા માટે ‘તામસ તનુ’ બાધક છે, સારો સંગ જરૂરી છે. સત્‌સંગ જરૂરી છે, “ભવસાગર કહઁ નાવ સુદ્ધ સંતન્હકે ચરન, તુલસીદાસ પ્રયાસ બિનુ મિલહિં રામ દુખહરન”. વળી, વિભીષણજીએ ‘તામસ તનુ’થી પોતાના માટે નિશાચરી તામસ ઘુવડની ઉપમા આપી દીધી, “સહજ પાપ પ્રિય તામસ દેહા, જથા ઉલૂકહિં તમપર નેહા”. જેમ ઘુવડ સૂર્યના દર્શનથી વિમુખ હોય છે. તેમ તામસ જીવ જ્ઞાનરૂપી સૂર્યથી દૂર હોય છે. આમ, ‘તામસ તનુ’ કહી પોતાને જ્ઞાનરહિત જણાવેલ છે.

કછુ સાધન નાહીં” અર્થાત પોતાને કર્મરહિત જણાવ્યા છે. સાધન એટલે કે કર્મથી પણ પ્રભુપ્રાપ્તિ થઇ શકે, “સબ સાધન કર સુફલ સુહાવા, રામલખનસિય દરસનુ પાવા”. પોતાનો ભાઈ માતા જાનકીજીને હરિ લાવ્યો, તો પણ પોતે કંઇ કરતા નથી. પ્રભુપ્રીતિ પ્રાપ્ત કરવા કોઇ પ્રભુકાર્ય કરતા નથી. આમ, તેઓના કર્મો પણ એવા નથી કે ભગવાન તેના ઉપર પ્રસન્ન થાય.

ઉપાસના કે પ્રભુ પ્રત્યે પ્રીતિ પણ નથી, “પ્રીતિ ન પદ સરોજ મન માહીં”. ભગવાન તો ભાવના ભુખ્યા હોય છે. સુતીક્ષ્ણજીને પ્રભુ ઉપર અનન્ય ભાવ હતો તો, “અતિસય પ્રીતિ દેખિ રઘુબીરા, પ્રગટે હૃદય હરન ભવભીરા”. ‘પદ સરોજ’ પ્રભુના ચરણો કમળ સમાન છે અને આપણું મન ભમરાની જેમ તેમાં જ લલચાયેલું રહેવું જોઇએ. આમ, પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાના તેઓમાં એક પણ ગુણ કે લક્ષણ નથી, માટે તેઓ શ્રીહનુમાનજીને પુછે છે કે શું દીનબંધુ પ્રભુ શ્રીરામ મારા જેવા નગુણા ઉપર ક્યારેય કૃપા કરશે? આજની શ્રીસુંદરકાંડની કથાને અહીં વિરામ આપીએ છીએ.

મિત્રો, તા. ૦૨.૦૪.૨૦૨૨, શનિવારના રોજથી ચૈત્રી નવરાત્રી, જેને આપણે વાસન્તી નવરાત્રી કે શ્રીરામ નવરાત્રી તરીકે પણ ઓળખીએ છીએ, તે શરૂ થઈ રહી છે. આ ચૈત્રી નવરાત્રી દરમ્યાન અનુષ્ઠાનનું આગવુ મહત્વ છે. દરેક વ્યક્તિ પોતાની શક્તિ અને શ્રદ્ધા અનુસાર પ્રભુભજન કરી શકે. આ સમય દરમ્યાન બીજુ કંઇ ન થાય, તો શ્રીરામચરિતમાનસનું નવાહ પારાયણ એટલે કે નવ દિવસમાં આખા શ્રીરામચરિતમાનસનું વાંચન-મનન કરી શકાય. શ્રીરામચરિતમાનસ વ્યક્તિના જીવનને સુધારી દેનાર, ભક્તિની પાપ્તિ કરાવનાર, સંકટ અને કલેશોથી મુક્તિ અપાવનાર પ્રભુ શ્રીરામનું અદ્‌ભુત ચરિત છે. આખું ન વંચાય તો પણ જેટલું વંચાય તેટલું અને શ્રીરામચરિતમાનસ ઉપલબ્ધ ન હોય, તો મારી આ શ્રીસુંદરકાંડની લેખમાળાના અગાઉના મણકા નવ દિવસમાં જેટલા વંચાય તેટલા વાંચવા કે સાંભળવા અનુરોધ કરું છું. શ્રીરામચરિતમાનસ વાંચવા હું કેમ આગ્રહ કરું છુ, તે માટે એક સુંદર રચના “प्रिय तुम रामचरितमानस जरूर पढ़ना।।” સાથે આજની કથાને વિરામ આપશું.

जीवन के अनुबंधों की,

तिलांजलि संबंधों की,

टूटे मन के तारो की,

फिर से नई कड़ी गढ़ना, प्रिय तुम रामचरितमानस पढ़ना।।

बेटी का धर्म निभाने को,

पत्नी का मर्म सिखाने को,

भाई का प्रेम बताने को,

हर चौपाई दोहा सुनना, प्रिय तुम रामचरितमानस पढ़ना।।

लक्ष्मण से सेवा त्याग सीखना,

श्री भरत से राज विराग सीखना,

प्रभु का सबसे अनुराग सीखना,

फिर माता सीता को गुनना, प्रिय तुम रामचरितमानस पढ़ना।।

केवट की भक्ति भरी गगरी,

फल मीठे बेर लिए शबरी,

है धन्य अयोध्या की नगरी,

अवसादों में जब घिरना, प्रिय तुम रामचरितमानस पढ़ना।।

न्याय नीति पर राम अड़े,

संग सखा वीर हनुमान खड़े,

पशु-पक्षी तक हैं युद्ध लड़े,

धन्य हुआ उनका तरना, प्रिय तुम रामचरितमानस पढ़ना।।

जो राम नाम रघुराई है,

जीवन की मूल दवाई है,

हर महामंत्र चौपाई है,

सियाराम नाम जपते रहना, प्रिय तुम रामचरितमानस पढ़ना।।

जगती में मूल तत्व क्या है?

राम नाम का महत्व क्या है?

संघर्ष में राम रामत्व क्या है?

संकट में जब तुम फंसना, प्रिय तुम रामचरितमानस पढ़ना।।

हर समाधान मिल जाता है,

कोई प्रश्न ठहर नहीं पाता है,

बस राम ही राम सुहाता है,

श्री राम है वाणी का गहना, प्रिय तुम रामचरितमानस पढ़ना।

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૯ | ચાર મિલે ચોસઠ ખિલે… । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

રામભક્ત મામાને સુંદરકાંડના સુંદર રંગો, સ્વાદો સાથેનો આ લેખ સમર્પિત અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “કી તુમ્હ રામુ દીન અનુરાગી”, ભાગ – ૪૮ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-048/)માં આપણે વિભીષણજીએ શ્રીહનુમાનજીને કુશળ સમાચાર અને વિગતવાર પરિચય પુછ્યા પછી શું કહ્યું? દીન અનુરાગી પ્રભુ શ્રીરામ, શ્રીહનુમાનજી વિભીષણજીને મળ્યા ત્યારે તેને ભગવાન પોતે મળ્યા સમાન આનંદ કેમ થયો હશે? વગેરે પ્રશ્નોના જવાબમાં શ્રીહનુમાનજી સમસ્ત રામકથા અને પછી પોતાનું નામ કહે છે, જીવની વ્યથા હોય જ્યારે પ્રભુની કથા હોય, પોતાનો પરિચય કેવી રીતે આપવો જોઇએ અને આપણે કેટલા મહાન અને શક્તિશાળી છીએ તે જાણવા માટેના એક અનોખા પ્રયોગ સુધીની કથા જોઇ હતી. રામકથા સાંભળવાથી રામભકતને કેવી લાગણી થાય છે અને બે હરિભક્તો મળે ત્યારે શું પરિસ્થિતિ થાય છે? ત્યાંથી આજની કથાની સુંદર શરૂઆત કરવાની છે.

આજની કથાની શરૂઆત કરતા પહેલા ગયા અંકના સંદર્ભમાં જ એક નાનકડી વાત કહેવી છે. શ્રીહનુમાનજીએ રામકથા અને પોતાનો પરિચય આપ્યો, પરંતુ વિભીષણજીના આપ કુશળ તો છો ને? તે પ્રશ્નનો જવાબ નથી આપ્યો. કારણ કે આગળ શ્રીસુંદરકાંડમાં જ આવશે કે શ્રીહનુમાનજી કહે છે કે, “કહ હનુમંત બિપતિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન ન હોઈ ”. શ્રીહનુમાનજીના મનમાં તો પ્રભુ શ્રીરામનું અવિરત સ્મરણ હતુ માટે કુશળતાનું તો પુછવાનું જ ન હોય છે? પ્રભુ સ્મરણ હોય, ત્યાં બધુ કુશળ મંગલ જ હોય. હવે આજની કથામાં આગળ વધીએ.   

સુનત જુગલ તન પુલક મન મગન સુમિરિ ગુન ગ્રામ

રામભક્ત રામકથા સાંભળે કે વાંચે એટલે તેનું શરીર પુલકિત થઈ જ જાય. તેની આંખોમાંથી પ્રભુપ્રીતિના હર્ષાશ્રુ વહેવા માંડે તે સ્વાભાવિક છે. જો રામકથા સાંભળીને રોમાંચ નથી થતો ને! તો આ જન્મારો વ્યર્થ છે, “કછુ હૈવ ન આઈ ગયો જનમ જાય, સુને ન પુલકિ તનુ કહે ન મુદિત મન કિયે જે ચરિત રઘુબંસરાય”. એક તો રામભક્ત આંગણે પધાર્યા હોય અને વધુમાં રામકથા પણ થઈ હોય, બન્ને રામભક્તોના શરીર પુલકિત થઈ ગયા.

ચાર મિલે ચોસઠ ખિલે, બીસ રહે કર જોર

હરિજન સે હરિજન મિલે, તે’દિ નાચે સાત કરોડ

બે આંખોથી બે આંખો ‘ચાર મિલે’ મળે, તો બન્નેના મોઢા ઉપર સ્મિત આવી જાય. કોઇ બે ઓળખીતાઓ, સ્નેહીઓ કે પ્રેમીઓ મળે તો એકબીજાને જોઇને ખુશ થઈ જાય અને બન્નેની બત્રીસીઓ ‘ચોસઠ ખિલે’ ખીલી ઉઠે કે હસી પડે. જો બે મહાપુરુષો કે એકબીજા પ્રત્યે આદર કરનારા મળે, તો બન્ને એકબીજાને પ્રણામ કરે, વીસ આંગળીઓ જોડાય જાય, એકબીજાની સામે બે હાથ જોડાય જાય, સ્વાભાવિક જ પ્રણામ થઈ જાય, “બીસ રહે કર જોર”. પરંતુ જો “હરિજન સે હરિજન મિલે” બે રામભક્તો કે હરિભક્તો મળે તો “તે’દિ નાચે સાત કરોડ”. તે’દિ એટલે તે દિવસે જ નહી, તે ક્ષણે સાત કરોડ રૂંવાડાઓ નાચી ઉઠે અર્થાત બન્નેના શરીરમાં રોમાંચ ફેલાઇ જાય, બન્નેના તન પુલકિત થઈ જાય. બન્નેની આંખોમાંથી હર્ષાશ્રુની ધારા વહેવા લાગે, શરીરનું ભાન ન રહે, મન રામલીન થઈ જાય. અહીં બન્ને રામભક્તો મળ્યા અને રામકથા સાંભળીને બન્ને પ્રેમ અને આનંદમાં મગ્ન થઈ ગયા, ભાવવિભોર થઈ ગયા.

આપણે કોઇના ઘરે જઈએ, ઘરધણી આપણને આવકારો આપે, પછી આપણે પણ તેના ખબરઅંતર પુછીએ, કેમ છો? બધા મજામાં? નોકરી કે ધંધાપાણી કેવા ચાલે છે? વગેરે વગેરે… ઘરધણી વળી કાઠિયાવાડી હોય તો કહે, અરે.. મોજે મોજ… જલસા છે…. અહીં વિભીષણજીએ પરિચય અને કુશળતા પુછ્યા એટલે શ્રીહનુમાનજીએ રામકથા અને પોતાની ઓળખાણ વગેરે આપ્યા, પછી  વિભીષણજીને તેઓના ખબરઅંતર પુછ્યા હશે કે તમે કેમ છો? અહીં તો બધા રાક્ષસો જ છે અને તમે હરિભકત જણાવ છો. આ રાક્ષસોની નગરીમાં બધાની વચ્ચે કેવી રીતે રહો છો? ત્યારે વિભીષણજી કહે છે –

સુનહું પવનસુત રહનિ હમારી જિમિ દસનન્હિ મહુઁ જીભ બિચારી

હે પવનપુત્ર! મારી રહેણી સાંભળો. હું અહીં એવી રીતે રહું છું, જેવી રીતે દાંતોની વચ્ચે બિચારી જીભ.                   

સુનહું પવનસુત”, શ્રીહનુમાનજીએ રામકથાની સાથે “નિજ નામ” કહ્યુ હતુ, માટે વિભીષણજીએ સીધુ જ સંબોધન કર્યું છે કે જે પવનપુત્ર! અને પછી પોતે લંકામાં કેવી રીતે રહે છે? તેની વાત કરતા કહે છે કે જેમ દાંતોની વચ્ચે બિચારી જીભ રહે છે, તેમ હું અહીં રહુ છું. કેમ બિચારી જીભ? તો જીભ જેવી સહેજ પણ આઘીપાછી થાય કે દાંત તેને ચીપી દે, કાપી નાખે. સહેજ પણ આમતેમ હલવા-ચલવા ન દે, તેની મર્યાદામાં જ રહેવું પડે. વિભીષણજીના આ દાંત વચ્ચે જીભના ઉદાહરણના ઘણા ગુઢ અર્થો થાય છે. બાબાજીએ આ દાંત વચ્ચે જીભનું બહુ સુંદર ઉદાહરણ આપ્યુ છે. આ જ ઉદાહરણ આપવા પાછળના તર્કો જોઇએ તો –

પહેલો, જીભ એટલે કે વિભીષણજી એટલે કે ભક્ત અને દાંત એટલે કે અન્ય રાક્ષસો અર્થાત ટીકાકારો. ભક્તિના માર્ગ ઉપર ચાલનાર સહેજ પણ માર્ગથી હટે, ભુલ કરે કે આધાપાછા થાય એટલે તુરંત જ ટીકાકારો તેના ઉપર તૂટી પડે અને જીભને કચડી નાખે કે ટીકારૂપી મહેંણાથી સતત ચુભતા રહે. ભક્ત કંઇ પણ ભુલ કરે એટલે તુરંત જ ટીકાકારો મારફતે ધ્યાનમાં આવી જાય. આમ, ભક્ત ટીકાકારો વચ્ચે જ રહેતો હોય તે સારું. અઘરું કામ છે, પરંતુ ભક્તિના પથ ઉપર લાંબો સમય સુધી રહેવું હોય, કાયમી રહેવું હોય અને પ્રભુ પ્રાપ્તિરૂપી અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, તો દાંત (ટીકાકારો) વચ્ચે જીભ (વિભીષણ – ભક્ત) રહે તે જરૂરી જ છે, તે જ ભકતનું ઉત્તમ રહેઠાણ છે.              

બીજો, વ્યક્તિ જન્મે એટલે જીભ સાથે જન્મે અને દાંત પાછળથી આવે. જે આવે, તે જાય. દાંત પાછળથી આવે એટલે તે પડી જવાના કે ઉખડી જવાના અને જીભ છેક સુધી સાથે રહે છે. અહીં રાક્ષસો મરી જવાના અને લંકામાં વિભીષણજી જ રહેવાના છે, રાજ કરવાના છે. જે કાપે તે કપાય જે ભેળવવાનું કામ કરે તે ચિરંજીવી થાય. ખીલા જેવા અકડ હોય તે તુટે, જીભ જેવા નરમ હોય તે જ લાંબુ ટકે.

ત્રીજો, દાંત કઠોર અને જીભ બિચારી, પરંતુ જીભ વૈદ્યને ફરીયાદ કરે કે આ દાંત બહુ દુખે છે, તો વૈદ્ય તેને કાઢી નાખે, જડમૂળથી ઉખેડી નાખે. એવી જ રીતે ભક્ત ભગવાનને પ્રાર્થના કરે, જેવી રીતે ધરતી માતાએ બધા દેવો અને બ્રહ્માજી તથા શીવજી સાથે કરી હતી, તો વૈદ્ય અર્થાત કરુણાના સાગર, દીનબંધુ પ્રભુ શ્રીરામ માનવ અવતાર ધારણ કરીને રાક્ષસોનો નાશ ચોક્કસ કરે જ. આમ, વિભીષણજી દાંત વચ્ચે રહેતા હતા તે યથાર્થ જ છે.

ચોથો, દાંત ગમે તેવા અક્કડ, ધારદાર, જીભને કચડી શકે તેવા તાકાતવર, પરંતુ જો જીભ કોઇને એક અપશબ્દ બોલે તો બધાના સ્થાન હલી જાય. સામેવાળો પહેલવાન હોય અને ફેરવીને એક મુક્કો મારે તો બત્રીસે-બત્રીસ બહાર આવી જાય. બોલો, કોણ મહત્વનું? ભક્ત કે સજ્જન પોતાની મર્યાદામાં રહે છે એટલે જ દુર્જનો પોતાની જગ્યાએ શાંતિથી રહી શકે છે. જીભ પોતાની મર્યાદામાં રહીને પણ કંઇક આડાઅવળું બોલેને તો બત્રીસે-બત્રીસનું સ્થાન હલી જાય, જોખમમાં મુકાય જાય; આટલી તાકાત એક ભકતના શબ્દોમાં હોય છે.

પાંચમો, દાંત કાપવાનું કામ કરે, જ્યારે જીભ ખોરાકને ભેળવવાનું કામ કરે. દાંત કાપે પરંતુ સ્વાદ તો જીભ જ લઇ જાય. જે જીવનમાં અન્યને કાપવાનું કામ કરતા હશે, તે પોતે પણ તુટી જ જવાના અને જે જીવનમાં, ઘર, કુટૂંબ, સમાજ, કાર્યસ્થળ વગેરે જગ્યાએ, કોઇને ભેળવવાનું કામ કરતા હશે, તેને જ સાચો સ્વાદ મળશે. કોઇને તોડી નાખવો, કોઇને પુરો કરી દેવો બહુ જ સરળ છે. કોઇને ઉભો કરવો, કોઇને માફ કરી દેવું, એ જ અગત્યનું છે. તેનો સ્વાદ જ અલૌકિક હોય છે. જીવનમાં બધુ ટેસ્ટ કરવું જોઇએ. એક વાર ક્ષમારૂપી છમ્મવડા અને બધાને ભેળવવારૂપી બોમ્બે ભેળ ટેસ્ટ કરી જુઓ, ખરેખર ટેસ્ટી લાગશે અને જીંદગીભરના ચાહક થઈ જશો.  

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૮ | કી તુમ્હ રામુ દીન અનુરાગી । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, આવકારો મીઠો આપજે રે…, ભાગ – ૪૭ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-047/) માં આપણે ગોસ્વામીજીએ શ્રીહનુમાનજી-વિભીષણજીની મુલાકાતની વાત લખી છે, તેના સમર્થનના તર્કો, શ્રીહનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઇને વિભીષણજીને કેમ મળ્યા? બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને શ્રીહનુમાનજીએ વિભીષણજીને શું વચનો સંભળાવ્યા? શ્રીહનુમાનજીના વચનો સાંભળીને વિભીષણજીએ કુશળ સમાચાર અને વિગતવાર પરિચય કેમ પુછ્યા? ત્યાંસુધીની કથા જોઇ હતી. વિભીષણજી શ્રીહનુમાનજીને બીજુ આગળ શું કહે છે? ત્યાંથી આજની કથાની સુંદર શરૂઆત કરીએ.

બાબાજીએ આગળ લખ્યું છે કે વિભીષણજી કહે છે કે –

કી તુમ્હ હરિ દાસન્હ મહઁ કોઈ મોરેં હૃદય પ્રીતિ અતિ હોઈ

કી તુમ્હ રામુ દીન અનુરાગી આયહુ મોહિ કરન બડ઼ભાગી

શું આપ હરિભક્તો પૈકી કોઈ છો? કેમ કે આપને જોઇને મારા હૃદયમાં અત્યંત પ્રેમ ઉભરાઈ રહ્યો છે. અથવા શું આપ દીનોને પ્રેમ કરનારા સ્વયં શ્રીરામપ્રભુ જ છો, જે મને ધનભાગી બનાવવા અર્થાત ઘરેબેઠાં દર્શન આપીને કૃતાર્થ કરવા આવ્યા છો?

કી તુમ્હ હરિ દાસન્હ મહઁ કોઈ” અર્થાત શું આપ હરિભક્તોમાંથી કોઇ છો? વિભીષણજી આવું પુછે છે કારણ કે હરિભકત માટે પ્રભુ સ્મરણ કરતા-કરતા લંકામાં પ્રવેશ કરવો જ શક્ય નથી, તો નિશાચરોની નગરીમાં અને વળી રાત્રે આવી રીતે રામધૂન કરતા-કરતા ફરવું તો શક્ય જ નથી. લંકામાં પ્રવેશની દુર્ગમતા, હરિ સ્મરણ અને રાવણના મહેલના વિસ્તારમાં, જ્યાં સઘન સુરક્ષા વ્યવસ્થા હોય તે સ્વાભાવિક છે, ત્યાં પણ આ બ્રાહ્મણ દેવતા આટલી વહેલી સવારે સીતારામ-સીતારામ કરતા તેઓના મહેલના દ્વારે આવી પહોંચ્યા એટલે તેને શંકા ગઈ કે આ કોઇ ખાસ હોવા જોઇએ. હરિભક્ત કે હરિદાસમાં કોઇ સમર્થ એટલે કે નારદજી વગેરે જેવા બ્રહ્મર્ષિ જ આવી રીતે લંકામાં પ્રવેશી શકે અને અહીં સુધી આવીને મને મળી શકે. અહીં વિભીષણજીનો આશય એવો હશે કે આવા કોઈ ખાસ હરિભક્ત છો? તો આપ કોણ છો? શું ખાસ પ્રયોજનથી આવ્યા છો? વળી આવુ પુછવાનું કારણ પણ જણાવી રહ્યા છે કે, “મોરેં હૃદય પ્રીતિ અતિ હોઈ” અર્થાત આપને જોઇને મારા હૃદયમાં અત્યંત પ્રેમ ઉભરાઈ રહ્યો છે. એક હરિભક્ત બીજા હરિભક્તને મળે ત્યારે હૃદયમાં પ્રેમનો ઉમળકો આવવો સ્વાભાવિક છે. આપણે રોજીંદી જીંદગીમાં પણ આ લાગણી અનુભવીએ છીએ. કોઇ સારી વ્યક્તિ મળે તો આપણને આનંદ થાય અને તેની જોડે વાત કરવાનું મન પણ થાય. જ્યારે અમૂક લોકો મળે એટલે નેગેટીવ વાઇબ્સ જ આવે, વાત કરવાનું મન ન થાય અને કંટાળો જ આવે. એવું થાય કે ‘હવે તો આ જાય તો સારુ’.

કી તુમ્હ રામુ દીન અનુરાગી” પ્રભુ શ્રીરામ દીનો ઉપર અનુરાગ રાખવાવાળા છે. રામજીલાલા કેવા દીનબંધુ કે દીનદયાલ છે? તો “જન અવગુન પ્રભુ માન ન કાઊ, દીન બંધુ અતિ મૃદુલ સુભાઊ”, “અબ કુછ નાથ ન ચાહિઅ મોરેં, દીનદયાલ અનુગ્રહ તોરેં” અને “મોરે સબઈ એક તુમ્હ સ્વામી, દીનબંધુ ઉર અંતરજામી” વગેરે ચોપાઈઓમાં સુંદર રીતે વર્ણવેલું છે. વિભીષણજીના હૃદયમાં એવો ઉમળકો આવ્યો હતો કે તેને લાગ્યું કે સામે સાક્ષાત ભગવાન જ તેને દીન જાણીને તેને કૃતાર્થ કરવા ઘરે બેઠા દર્શન આપવા પધાર્યા છે, “આયહુ મોહિ કરન બડ઼ભાગી”. જીવનમાં પહેલા સંત મળે અને તેઓના મળવાથી મન નિર્મળ થઈ જાય પછી જ પ્રભુપ્રાપ્તિ થાય. આમ અહીં ગોસ્વામીજીએ પહેલા હરિભક્તનું મળવાનું અને પછી પ્રભુ પોતે જ પધાર્યા હોય તેવું લખેલુ છે.

શ્રીહનુમાનજી વિભીષણજીને મળ્યા ત્યારે તેને ભગવાન પોતે મળ્યા સમાન આનંદ કેમ થયો હશે? એક તો, “હેતુ રહિત પરહિત રતસીલા” અર્થાત હરિભકતનો સ્વભાવ પોતાના સ્વાર્થ વગર પણ બીજાનું હિત કરવાનો હોય છે એટલે કે “આયહુ મોહિ કરન બડ઼ભાગી”. બીજુ, પ્રભુને મન તો તેઓથી વધુ તેઓના ભક્તોનું મહત્વ કે માન હોય છે, “રામ તે અધિક રામ કર દાસા”. વિભીષણજી શ્રીહનુમાનજીને તેઓનો પરિચય પુછતા આવા બધા પ્રશ્નો પુછવા લાગ્યા, ત્યારે શ્રીહનુમાનજી કહે છે –

:: દોહા – ૬ ::

તબ હનુમંત કહી સબ રામકથા નિજ નામ

સુનત જુગલ તન પુલક મન મગન સુમિરિ ગુન ગ્રામ

ત્યારે શ્રીહનુમાનજીએ પ્રભુ શ્રીરામચંદ્રજીની સમસ્ત કથા કહી અને પછી પોતાનું નામ જણાવ્યુ. આટલું સાંભળતા જ બન્નેના શરીર પુલકિત થઈ ગયા અને શ્રીરામજીના ગુણસમૂહોનું સ્મરણ કરીને બન્નેના મન (પ્રેમ અને આનંદમાં) મગ્ન થઈ ગયા.

વિભીષણજીએ શ્રીહનુમાનજીને પ્રશ્નો પુછ્યા કે આપ કોણ છો? હરિભક્ત છો કે સ્વયં શ્રીહરિ? આપને જોઇને મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. ત્યારે શ્રીહનુમાનજી પ્રથમ રામકથા કહિ અને પછી પોતાનુ નામ કહ્યુ. શ્રીહનુમાનજીએ પહેલા રામકથા કહિ કારણ કે જીવની કથા ન હોય, તેની વ્યથા હોય, જ્યારે પ્રભુની કથા હોય. પોતાની જ વાતો કરવી, આત્મશ્લાઘા કરવી, લાંબી-લાંબી વાતો કરવી એ આપણી આદત હોય શકે, સાચા સંત તો રામકથા જ કહે. ભગવાનના ભકતનું પણ આ એક લક્ષણ છે, જે પહેલા પ્રભુકથા, પ્રભુનામ લે અને પછી જ પોતાનું નામ કહે. આપણે હોઇએ તો? મારુ નામ આ, હું આ છું, હું તે છું, હું ફલાણા હોદ્દા ઉપર છું, હું ફલાણી સંસ્થાનો આ હોદ્દેદાર છું વગેરે-વગેરે… હું-હું કરતા-કરતા ચાર-પાંચ વાક્યો તો કહિ જ દઇએ. પછી સામેવાળો પુછે કે ભાઈ, એ તો કહે કે ક્યાંથી આવો છે? કોના પ્રતિનિધિ છો? તો વળી કચેરી કે સંસ્થાનું નામ આપીએ. અહીં શ્રીહનુમાનજી, જે પોતાને રામદૂત કહેવડાવવાનું વધુ પસંદ કરે છે, તેઓએ પહેલા રામકથા કહી કે રામ કોણ છે? કેમ વનમાં આવ્યા? રાવણ કેવી રીતે માતા જાનકીજીને હરી લાવ્યો? અને પોતે રામદૂત તરીકે માતાજીને શોધતા-શોધતા અહીં આવ્યા છે. રામકથામાં પોતાનો રોલ આવ્યો ત્યારે છેક પોતાનું નામ “નિજ નામ” કહ્યુ કે, હું હનુમાન નામનો વાનર, પવનનો પુત્ર અને પ્રભુ શ્રીરામનો દૂત છું. આપણે જ્યારે હું-હું કરતા હોઇએ ત્યારે આપણે આપણું કદ, આપણી હેસિયત, આપણું વજુદ ખાસ સમજી લેવાની જરૂર છે. આપણે કેટલા મહાન અને શક્તિશાળી છીએ, તે જાણવા એક પ્રયોગ કરવા જેવો છે.

એક મોટો પૃથ્વિનો નકશો લેવો. આપને જેટલો મોટો મળી શકે તેટલો મોટો લેવો. પછી ઉદાહરણરૂપે હું મેખાટીંબી ગામનો છું, તો તે શોધવા પહેલા પૃથ્વિના નકશામાં એશિયા ખંડ શોધવો, તેમાં ભારત દેશ, તેમાં ગુજરાત રાજ્ય, તેમાં રાજકોટ જીલ્લો, તેમાં ઉપલેટા તાલુકો, તેમાં મેખાટીંબી ગામ, તેમાં જે ફળીયામાં ઘર હોય તે ફળીયું, ફળીયામાં ઘર, ઘરમાં બેઠકરૂમ અને આ બેઠકરૂમમાં વચ્ચોવચ એક ખુરશી નાખીને તેના ઉપર બેસવું અને પછી પોતાને નકશામાં દર્શાવવા પ્રયત્ન કરવો. સોયની અણી જેવડું એક ટપકું પણ મોટુ પડશે, ભાઈ. બહુ હું-હું કરવાની આવશ્યકતા નથી. આપણી હેસિયત આપણું કદ, આપણું વજુદ આટલું અને આવડું જ છે. કોઇ કાર્ય કરવા કે મીટીંગ વગેરેમાં જઇએ તો પહેલા કઈ કચેરી તરફથી અને કોના પ્રતિનિધિ સ્વરૂપે ગયા છીએ, તે પહેલા જણાવવું વધુ ઉચિત છે, ત્યારબાદ પોતાની અંગત ઓળખાણ આવશ્યકતા પુરતી આપવી. આજના મોર્ડન યુગમાં, કોર્પોરેટ વર્લ્ડમાં આપણે ઓળખાણ આપતી વખતે પહેલા પોતાનું નામ જ કહેવા ટેવાયેલા છીએ. ઠિક છે, પરંતુ ઓફિસિયલ કામથી ગયા હોઇએ ત્યાં ફક્ત અંગત ઓળખાણ જ આપવી, એ થોડુ વધુ પડતુ છે. ઘણી વખત તો કચેરી કે સંસ્થા એકબાજુ રહી જાય છે અને ભાઈ પોતાનું અંગત કામ જ પતાવી આવે છે કે, અંગત ગોઠવણ કરીને આવી જાય છે.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ, રામકથા સાંભળવાથી રામભકતને કેવી લાગણી થાય છે અને બે હરિભક્તો મળે ત્યારે શું પરિસ્થિતિ થાય છે? તે આવતા અંકમાં જોઇશુ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૭ | આવકારો મીઠો આપજે રે…. । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, રામનામની બમ્પર ઓફર, ભાગ – ૪૬ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-046/)માં આપણે સજ્જનના ચિહ્નો, રામનામની બમ્પર ઓફર અને શ્રીહનુમાનજી વિભીષણજી જોડે સામેથી ઓળખાણ કરવાનું કેમ વિચારે છે? ત્યાંસુધીની કથા જોઇ હતી. હવે આગળની કથામાં શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર શ્રીહનુમાનજી અને વિભીષણજીની મુલાકાત વર્ણવેલી છે, જ્યારે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં આ સમયે વિભીષણજી સાથેની મુલાકાતની વાત નથી. શ્રીરામચરિતમાનસમાં ગોસ્વામીજીએ શ્રીહનુમાનજી-વિભીષણજીના મેળાપની વાત લખી છે, તેના સમર્થનમાં મળતા તર્કથી આજની સુંદર કથાની શરૂઆત કરીએ.

પહેલો, જ્યારે શ્રીહનુમાનજીએ આખી લંકા સળગાવી, ત્યારે વિભીષણજીનું ઘર છોડી દીધુ હતું. જો શ્રીહનુમાનજી વિભીષણજીને મળ્યા ન હોત કે ઓળખતા ન હોત, તો તેનું જ ઘર કેમ બાકી રાખી દેત? બીજો, જ્યારે વિભીષણજી પ્રભુ શ્રીરામના શરણે જાય છે, ત્યારે સુગ્રીવ સહિત બધા જ વાનરવીરો એવો રાજનીતિજ્ઞ મત વ્યક્ત કરે છે કે આ રાવણની કોઇ ચાલ હોઇ શકે. તે શત્રુનો ભાઇ છે માટે તેનો વિશ્વાસ ન કરવો જોઇએ. આ સમયે શ્રીહનુમાનજી વિભીષણજીની તરફેણમાં મત વ્યક્ત કરે છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે શ્રીહનુમાનજી તેઓને અગાઉથી જાણતા હતા અર્થાત શ્રીહનુમાનજી-વિભીષણજીની અગાઉ મુલાકાત થયેલ હતી. ત્રીજો, આપણે હમણાં જ આગળ જોઇ ગયા કે વિભીષણજી પ્રખર રાજનીતિજ્ઞ હતા. માનસમાં તેના પ્રમાણ આપેલા છે, “નીતિ બિરોધ ન મારિય દૂતા” અને “અતિ નયનિપુન ન ભાવ અનીતી”. આવા રાજનીતિજ્ઞ વ્યક્તિ સ્વાભાવિક છે કે શ્રીહનુમાનજીને જાહેરમાં ન મળ્યા હોય, ગુપ્ત મંત્રણા થઈ હોઇ શકે. ગોસ્વામીજીએ માનસમાં લખ્યું છે તેમ શ્રીહનુમાનજી અને વિભીષણજીનો મેળાપ થયો હતો. વાલ્મીકિજીને રામાયણ સમકાલિન માનવામાં આવે છે, તો મંત્રણાની ગુપ્તતાને ધ્યાને લઈ, તેઓએ અહીં ઉલ્લેખ ન કર્યો હોય, તેવું બની શકે. આપણે શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર શ્રીસુંદરકાંડની કથા જોઇએ છીએ માટે શ્રીહનુમાનજીની અને વિભીષણજીની મુલાકાત થઇ જ હશે, તેમ માની, તે જ ક્રમાનુસાર કથામાં આગળ વધીએ.

બિપ્ર રૂપ ધરિ બચન સુનાએ સુનત બિભીષન ઉઠિ તહઁ આએ

કરિ પ્રનામ પૂઁછી કુસલાઈ બિપ્ર કહહુ નિજ કથા બુઝાઈ

બ્રાહ્મણનું રૂપ ધરીને શ્રીહનુમાનજીએ તેમને વચન સંભળાવ્યા, સાંભળતા જ વિભીષણજી ઊઠીને ત્યાં આવ્યા. પ્રણામ કરીને કુશળ પુછ્યા અને કહ્યુ કે હે બ્રાહ્મણ દેવ! આપની અથથી ઈતિ કથા સમજાવીને કહો.

બિપ્ર રૂપ ધરિ” અર્થાત બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને. શ્રીહનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઇને વિભીષણજીને કેમ મળ્યા? અન્ય કોઇ સ્વરૂપ ધારણ કેમ ન કર્યું? તો પ્રાથમિક રીતે એવું સમજી શકાય કે સજ્જનોને બ્રાહ્મણ પ્રત્યે સ્વાભાવિક જ લાગણી અને આદરભાવ હોય છે. વળી, જો તે રાક્ષસીવૃત્તિ ધરાવતો હશે, તો ચોક્કસ બ્રાહ્મણનો અનાદર કરશે. આમ, છેલ્લે ફરી એક પરીક્ષા લઇ લીધી કે ખરેખર સજ્જન જ છે ને?

બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરવા પાછળ બીજી એક સુંદર વાત જોઇએ તો, આ પહેલો પ્રસંગ નથી જ્યાં શ્રીહનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું હોય. ઘણા અન્ય અગત્યના પ્રસંગોએ પણ તેઓએ બ્રાહ્મણનું રૂપ ધારણ કરેલુ છે. જેમ કે પહેલા, રામ-લક્ષ્મણ કિષ્કિંધાની નજીક આવી રહ્યા હતા, ત્યારે તેનો પરીચય મેળવવા સુગ્રીવજીએ શ્રીહનુમાનજીને મોકલ્યા હતા. આ સમયે તેઓએ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને ભગવાનનો પરીચય મેળવ્યો હતો. ત્યારબાદ, અહીં વિભીષણજીને પ્રથમ વખત મળતી વખતે પણ શ્રીહનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું છે. અંતે, પ્રભુ શ્રીરામ રાવણનો વધ કરી લંકાથી અયોધ્યા પરત ફરતા હતા, ત્યારે શ્રીભરતજીને પ્રભુ આગમનના અગાઉથી સમાચાર આપવા શ્રીહનુમાનજીને મોકલ્યા હતા. આ સમયે પણ તેઓએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું હતુ.

બ્રાહ્મણનું રૂપ ધારણ કરવાનું કારણ તેના પ્રત્યેનો સમાજનો આદરભાવ, બ્રાહ્મણના જ્ઞાનની સર્વોપરિતા કે સામેવાળાને સમભાવ સાથે પ્રતિક્રિયા આપવા પ્રેરિત કરવાનું હોઇ શકે. બીજી એકવાત પણ ખાસ ધ્યાને લેવા જેવી છે કે, શ્રીહનુમાનજી માતા જાનકીજીને મળ્યા ત્યારે મૂળ સ્વરૂપે જ અર્થાત વાનર સ્વરૂપે જ મળ્યા હતા. આવું કેમ? તો માતાને મળીએ ત્યારે જેવા હોઇએ તેવા જ મળવું જોઇએ. જન્મદાતા માતાની વાત કરીએ તો તેના શરીરનો જ ભાગ છીએ, તેનાથી શું છુપું હોય? જેણે નવ મહિના ગર્ભમાં રાખીને જન્મ આપ્યો હોય, પાળી-પોશીને મોટા કર્યા હોય, તેને ખબર જ હોય કે આપણે ખરેખર કેવા છીએ. ત્યાં હૃદય કે દેખાવ કંઇ છુપાવવાનું ન હોય. લોકો તેની પાસે પણ છુપાવવા પ્રયત્ન કરે છે અને જ્યારે તેની છાયા માથેથી જતી રહે પછી અફસોસ કરતા હોય છે. તેનાથી થોડું આગળ વિચારીએ તો જાનકીજી મતલબ આપણે અગાઉ જોઇ ગયા તેમ ભક્તિ સ્વરૂપા. ભક્તિને મેળવવા માટે જેવા હોઇએ તેવા જ પ્રભુ સમક્ષ કે સદ્‌ગુરુના ચરણે સમર્પિત થવું જોઇએ. ભક્તિની ખોજ કરવી હોય તો સદ્‌ગુરુમાં નિરંતર પ્રેમ રાખવો જોઇએ. તેઓના ચરણોમાં પ્રીતિ રાખવી જોઇએ, “સંત ચરન પંકજ અતિ પ્રેમા”. તો જ ભક્તિની પ્રાપ્તિ થાય, તો જ ભગવદ્‌ પ્રાપ્તિ થાય. ત્યાં કોઇ મુખૌટા ચાલતા નથી, ૧૦૦% પારદર્શિતા જ જોઇએ.

બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને શ્રીહનુમાનજીએ શું કર્યું? તો “બચન સુનાએ” અર્થાત વચન સંભળાવ્યા. શું વચન સંભળાવ્યા હતા? તો આ બાબતે ઘણા અલગ-અલગ મંતવ્યો છે. કોઇ કહે છે કે શ્રીહનુમાનજી વેદોના જ્ઞાતા હતા, માટે વેદોનું ગાન કરવા લાગ્યા હતા. કોઇ એવું કહે છે કે વિભીષણજીએ ઉઠતાવેત જ રામનામનું સ્મરણ કર્યું હતું, તો શ્રીહનુમાનજીએ પણ સીતારામ-સીતારામનો ઉચ્ચાર કર્યો હતો. કોઇ એવું પણ કહે છે કે બ્રાહ્મણ સ્વરૂપે હતા માટે એવું કહ્યુ હતું કે, હું બ્રાહ્મણ છું અને આપને મળવા આવ્યો છું. આવા અલગ-અલગ મંતવ્યોનો છેદ ઉડાડતા બાબાજીએ લખી દીધુ કે, “બચન સુનાએ”. જેથી બધાનું માન રહી જાય. મારું અંગત માનવું એવું છે કે જે વ્યક્તિ જેને માનતો હોય, તે ઇષ્ટદેવનું નામ સ્મરણ કરે. જેમ નારદજી નારાયણ… નારાયણ… કરે તેમ. અહીં વિભીષણજીએ “રામ રામ તેહિ સુમિરન કીન્હા”, તો શ્રીહનુમાનજીએ પણ સીતારામ-સીતારામ જ શબ્દો ઉચ્ચાર્યા હશે. કોઇ બે વૈષ્ણવો મળે, ત્યારે ‘જય શ્રીકૃષ્ણ’ કહીને જ એકબીજાનું અભિવાદન કરે, તે સ્વાભાવિક છે.

આગળ બાબાજીએ લખ્યુ છે કે, “કરિ પ્રનામ પૂઁછી કુસલાઈ” અર્થાત શ્રીહનુમાનજીના વચનો સાંભળીને વિભીષણજી ત્યાં આવ્યા અને તેને પ્રણામ કરીને કુશળ સમાચાર પુછ્યા. શ્રીવિભીષણજીએ પહેલા તો બ્રાહ્મણને આંગણે જોઇને એક સજ્જનના સાહજીક ગુણ મુજબ પ્રણામ કર્યા, પછી કુશળ સમાચાર પુછ્યા. કવિ કાગની સુપ્રસિદ્ધ રચના, જે મારે ભણવામાં આવતી અને મારા માતુશ્રી અને હું જોડે ઘણી વખત ગાતા પણ હતા, આવકારો મીઠો આપજે રે….. આ કવિતાની પહેલી જ કળી છે, “એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે… આવકારો મીઠો આપજે રે…”. આપણા આંગણે કોઇપણ આવે, પછી તે જાણીતુ હોય કે અજાણ્યું, પહેલા તો તેને મીઠો આવકારો આપવો જોઇએ. મીઠો આવકારો એટલે શું? ભવ્યાતીભવ્ય મહેમાનગતિને જ મીઠો આવકારો કહેવાય તેવું નથી. કોઇ ઘરે આવે તેને પ્રણામ કરીને અથવા તેનું અભિવાદન કરીને તેની કુશળતા પુછવી તેને જ સાચા અર્થમાં મીઠો આવકારો ગણી શકાય. મારા માતુશ્રીનો મીઠો આવકારો જ્યારે કોઇ સગાસબંધીઓ કે સ્નેહીજનો યાદ કરે છે, ત્યારે મારા મનમાં આ જ લોકગીત ગુંજવા લાગે છે…

એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે… આવકારો મીઠો આપજે રે…

‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે, એજી એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે. આવકારો મીઠો આપજે રે…

અહીં વિભીષણજીએ બ્રાહ્મણરૂપે રહેલા શ્રીહનુમાનજીને કુશળતા પુછી તે માટે એવો પણ તર્ક કરી શકાય કે, લંકામાં કોઇ બ્રાહ્મણ આવી રીતે ખુલ્લેઆમ રામનામનું સ્મરણ કરી શકતો ન હતો. શ્રીહનુમાનજી રામનામનું સ્મરણ કરતા, વિભીષણજીના ઘરસુધી પહોંચી ગયા માટે કુશળતા પુછી હશે કે કોઇ તકલીફ તો નથી થઇ ને? લંકામાં હરિ સ્મરણ કરનારને મુશ્કેલી હતી માટે વિભીષણજીએ પુછ્યુ હશે કે અહીં પહોંચતા સુધીમાં કોઇ તકલીફ તો નથી પડીને? વિભીષણજીને આશ્ચર્ય પણ થયું હશે કે આ બ્રાહ્મણ દેવતા રાત્રે બહાર ફરતા-ફરતા અને સીતારામ-સીતારામ કરતા આટલી વહેલી સવારે અહીં કઇ રીતે આવી પહોંચ્યા? કુશળતાની સાથે-સાથે વિભીષણજીએ શ્રીહનુમાનજીએ તેઓનો પરિચય પણ પુછ્યો, “બિપ્ર કહહુ નિજ કથા બુઝાઈ”. કારણ કે વિભીષણજીને લાગ્યુ હશે કે આ કોઇ અલગ જ વ્યક્તિત્વ છે, જે સીતારામ-સીતારામ કરતા કરતા આટલી વહેલી સવારે અહીં આવી પહોંચ્યા. વિભીષણજીએ પરિચય “નિજ કથા” પુછ્યો, પરંતુ આટલી વહેલી પરોઢે બ્રાહ્મણ દેવતાને પોતાના ઘરના આંગણે જોઇ કંઇ સમજાણું નહી અને આશ્ચર્ય થયું માટે “બુઝાઈ” અર્થાત કહ્યુ કે મને કંઇ સમજાતુ નથી, માટે સમજાવીને કે વિગતવાર પરિચય આપો.

આ ઉપરાંત વિભીષણજી શ્રીહનુમાનજીને શું કહે છે? અને શ્રીહનુમાનજી પોતાનો પરિચય કેવી રીતે અને શું આપે છે? વગેરેની કથા આવતા અંકમાં જોઈશુ, આજની કથાને અહીં વિરામ આપીએ છીએ, સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૬ | રામનામની બમ્પર ઓફર । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

તમામ વાચકોને મહાશીવરાત્રી પર્વની “રામનામની બમ્પર ઓફર” સહ હાર્દિક શુભેચ્છાઓ…

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, નવ તુલસિકા બૃંદ – તુલસી મહાત્મય, ભાગ – ૪૫ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-045/)માં આપણે તુલસીજીની ઉત્પતિ અને તેના મહત્વ – ખાસ કરીને ઔષધિય મહત્વ – વિશે અલગ-અલગ કથાઓ, લંકા જેવા રાક્ષસોના રહેવાના સ્થાનમાં કોઇ સજ્જન કેવી રીતે નિવાસ કરતા હશે? તેવો શ્રીહનુમાનજીનો તર્ક અને જ્યારે ભક્તને તર્ક થાયને ત્યારે ભગવાન કંઇક તો રસ્તો બતાવે જ છે અર્થાત કોઇ હિંટ તો આપે જ છે વગેરે કથા જોઇ હતી. ચોથા પ્રહરમાં જાગતાને સાથે વિભીષણજીએ શું કર્યું? ત્યાંથી આજની સુંદર કથાની શરૂઆત કરીએ.

રામ રામ તેહિ સુમિરન કીન્હા ।

હૃદય હરષ કપિ સજ્જન ચીન્હા ॥

વિભીષણજીએ રામનામનું સ્મરણ કર્યું. શ્રીહનુમાનજીએ તેમને સજ્જન જાણ્યા અને હૃદયમાં હર્ષિત થયા.

બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને પ્રભુ સ્મરણ કરવું એ સજ્જનતાનું એક ચિહ્ન છે. અહીં તો મહેલમાં અલગ હરિમંદિર, રામાયુધ અંકિત ઘર, આંગણામાં તુલસીવન, બ્રહ્મમુહૂર્તમાં ઉઠવું અને ઉઠતાવેત જ પ્રભુ સ્મરણ કરવું, આ બધા તો ચોક્કસ એક સજ્જનના જ ચિહ્નો છે. જે વ્યક્તિના મુખમાં સવારે જાગતાની સાથે જ કોઇ ખાસ મહેનત કર્યા વગર સાહજીકતાથી જ રામનામ આવી જાય, તો સમજવું કે તેના હૃદયમાં અને વાણીમાં રામનામ સ્થાપિત થઇ ગયુ છે અને તે હરિભક્તિનું પ્રથમ લક્ષણ છે. આપણે રાત્રે સુતી વખતે જે વિચાર કે કાર્ય કરતા-કરતા સુતા હોઇએ, સામાન્ય રીતે તે જ વસ્તુનો વિચાર સવારમાં ઉઠતાવેત આવે. જો રાત્રે પ્રભુને પ્રાર્થના કરીને, આખા દિવસમાં કરેલા કાર્યો પ્રભુના શરણે અર્પણ કરીને સુવાની આદત હોય, તો સવારમાં ઉઠીને પણ ભગવાન યાદ આવે, ‘કરાગ્રે વસતે લક્ષ્મી…..’ શ્લોક યાદ આવે, ધરતી ઉપર પગ મુકતા પહેલા તેને વંદન કરવાનું અને ‘સમુદ્ર વસને દેવી……’ યાદ આવે. જો મોબાઈલ જોતા-જોતા સુઇ જઇએ, તો ઉઠતાની સાથે જ હાથ મોબાઇલ ઉપર જ જાય અને મોબાઇલમાં પણ જો સોશિયલ મીડિયા જોઇને સુતા હોઇએ તો ઉઠીને સીધુ તે જ જોવાનું મન થાય અને સીરીઝ જોતા-જોતા સુતા હોઇએ, તો સવારથી આપણી જીંદગીમાં પણ એવા જ વિચારોની સીરીઝ ચાલુ  થઇ જાય. ટૂંકમાં, આગલા દિવસનો અંત આજના દિવસની શુભ શરૂઆત હોય છે.

હું નાનો હતો ત્યારે મારા રાજુમામા એવું કહેતા કે, ઉદય! આ કળીયુગમાં ભગવાન દ્વારા રામનામની એક બમ્પર ઓફર શરૂ કરવામાં આવેલી છે. “જો રાત્રે સુતી વખતે સીતારામ-સીતારામ એવું સ્મરણ કરતા-કરતા સુઇ જઇએ અને ઉઠતાની સાથે જ સીતારામ-સીતારામ સ્મરણ કરીએ, તો આખી રાત સીતારામ-સીતારામનું સ્મરણ કર્યાનું ફળ મળે છે. જો આવું પુણ્યનું ભાથું ભેગુ કરવું હોય, તો આ ઓફરનો લાભ લેવાની ટેવ પાડ.” આજે રાજુમામા તો હયાત નથી, પરંતુ શક્ય હોય ત્યારે અને તેટલો ઓફરનો લાભ લેવાનું ચાલુ જ છે. આપને પણ યોગ્ય લાગે તો તમે પોતે પણ આ સ્કીમનો લાભ લઇ શકો છો, આપના બાળકો, અન્ય કુટુંબીજનો, મિત્રો વગેરેને પણ આ બમ્પર ઓફરનો લાભ લેવા પ્રોત્સાહિત કરી શકો છો અને માનસિક સ્વસ્થ સમાજના નિર્માણમાં આપનો ફાળો આપી શકો છો. બીજી એક ખાસ વાત, આપણે અગાઉ ઘણી વખત વાત કરી ગયા છીએ તેમ, રામ ભગવાનને લગતી કોઇ પણ વાત કે આવી સ્કીમ ફક્ત રામનામ પુરતી મર્યાદિત હોતી નથી. આ તો સનાતન ધર્મ છે ભાઇ, બધાને એકસરખી રીતે લાગુ પડે. આપ આપના ઇષ્ટ દેવના નામ સ્મરણ સાથે પણ આ સ્કીમનો ચોક્કસ લાભ લઇ શકો છો. પરમપુજ્ય સદ્‌ગુરુ દેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજ, બાલા હનુમાન આશ્રમ, કુતીયાણા હંમેશા એવું જ કહે છે કે આપના ઇષ્ટદેવનું સ્મરણ કરવું. આજકાલ આપણે સોશિયલ મીડિયા ઉપર વિવિધ ઓફરો કે સ્કીમોના ઘણા સંદેશાઓ એકબીજાને મોકલતા હોઇએ છીએ કે પોસ્ટ કરતા હોઇએ છીએ. આ તો સુપરથી પણ ઉપર સ્કીમ છે, તો આપ વધુમાં વધુ લોકોને આ કથાની લિંક મોકલજો અને વધુમાં વધુ લોકો આ ઓફરનો લાભ મેળવે તેમાં સહયોગ આપજો, તેવી નમ્ર અપીલ છે.

આગળ બાબજીએ લખ્યુ છે, “હૃદય હરષ કપિ” અર્થાત શ્રીહનુમાનજીના હૃદયમાં હરખ થયો. પહેલા સ્થળ કે ભૌતિક વસ્તુઓ જોઇને આનંદ થયો હતો એટલે કે “નવ તુલસિકા બૃંદ તહઁ દેખિ હરષ કપિરાઇ” એવું લખ્યુ હતુ. મહેલમાં ભગવાનનું અલગ મંદિર, રામાયુધ અંકિત ઘર, આંગણામાં તુલસીવન વગેરે ભૌતિક લક્ષણો, બાહ્ય દેખાવથી શ્રીહનુમાનજી ખુશ થયા હતા, પરંતુ બાહ્ય દેખાવથી છેતરનારા ઘણા હોય છે. ટીલા-ટપકા, ચોક્કસ રંગ અને પ્રકારના કપડા, કોઇ ચોક્કસ વસ્તુઓ સાથે રાખી, ચોક્કસ દેખાવથી છેતરનારાઓનો પાર નથી. રામાયણમાં પણ કાલનેમિનો કિસ્સો આપણે જાણીએ જ છીએ. આમ, બાહ્ય ચિહ્નો જોઇ શ્રીહનુમાનજીને હરખ થયો, પરંતુ મનમાં થોડો સંદેહ પણ હશે માટે બાબાજીએ લખ્યું હતુ, “મન મહુઁ તરક કરૈં કપિ લાગા”. જ્યારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને ઉઠતાની સાથે વિભીષણજીના મુખે પ્રભુ સ્મરણ સાંભળીને શ્રીહનુમાનજીએ જાણી લીધુ કે આ ચોક્કસ જ સજ્જન છે, “સજ્જન ચીન્હા”. શ્રીહનુમાનજી કપટી અને સજ્જનને પારખવામાં પારંગત હતા. અગાઉ સિંહિકાની બાબતમાં બાબાજીએ લખ્યું હતુ, “તાસુ કપટ કપિ તુરતહિ ચીન્હા” અને અહીં વિભીષણજીની સજ્જનતા પણ તુરંત જ પારખી લીધી. વિભીષણજીની સજ્જજનતા પારખી લીધા બાદ શ્રીહનુમાનજી વિચારે છે કે –

એહિ સન હઠિ કરિહઉઁ પહિચાની ।

સાધુ તે હોઇ ન કારજ હાની ॥

આમનો (વિભીષણજીનો) હું પોતાના તરફથી જ પરિચય કરીશ. કેમકે સાધુથી કાર્યની હાનિ થતી નથી અથવા તો સજ્જન સાથે ઓળખાણ કરવાથી ફાયદો જ થાય છે.

અહીં શ્રીહનુમાનજી પોતાના તરફથી ઓળખાણ કરવાનું વિચારે છે. સામાન્ય રીતે સંત લોકો કોઇની સાથે સામેથી બહુ ઓળખાણ કરતા હોતા નથી કે કરવા જતા હોતા નથી. શ્રીહનુમાનજી વિચારે છે કે વિભીષણજી સજ્જન છે અને રામભક્ત પણ છે, જ્યારે હું રામદૂત છું; આ નાતે પરિચય કરવો જોઇએ. આપણે ગુજરાતના વતની હોઇએ અને એકલા કોઇ અન્ય રાજ્યમાં કે વિદેશમાં જઇએ અને બધા સ્થાનિક ભાષા બોલતા હોય, દક્ષિણના કોઇ રાજ્યમાં ગયા હોઇએ અને એસટી બસના બોર્ડ ફ્રી હેન્ડ ડિઝાઇન જેવા લાગતા હોય, આપણે પારાવાર મુશ્કેલીઓ સાથે કોઇપણ રીતે કામ પાર પાડી રહ્યા હોઇએ, આવા સમયે કોઇ ગુજરાતી ભાષામાં વાત કરતું નજરે પડે કે કોઇ ગુજરાતી ભાષામાં આપણને બોલાવે, તો કેવો આનંદ થાય? તરસ્યાને રણમાં મીઠી વિરડી મળી હોય તેવો. આ રીતે એક રામભક્તને લંકામાં, જ્યાં બધા રાવણ-રાવણ જ કરતા હોય, ત્યાં “રામ રામ તેહિ સુમિરન કીન્હા” વિભીષણજીને રામનામનું સ્મરણ કરતા સાંભળી શ્રીહનુમાનજીને કેટલો આનંદ થયો હશે? તે આપણે ચોક્કસ સમજી કે અનુભવી શકીએ.

અહીં ગોસ્વામીજીએ “હઠિ” શબ્દ વાપર્યો છે. તેનો એક ભાવાર્થ વિભીષણજી નહી માને તો હું હઠ કરીને પણ તેની સાથે ઓળખાણ કરીશ, તેવો કરી શકાય કારણ કે, “સાધુ તે હોઇ ન કારજ હાની”. સારા લોકોનો સંગ કરવાથી કોઇ નુકશાન થતું નથી. વળી, હઠ કરીને કે સામેથી મિત્રતા કરીશ એવું એટલા માટે પણ લખ્યુ હોઇ શકે કારણ કે શ્રીહનુમાનજી વાનર સ્વરૂપે હતા અને પછી બ્રાહ્મણ(હરિભક્ત)નું રૂપ ધારણ કર્યું હતુ, સ્વાભાવિક જ છે કે વિભીષણજી લંકામાં આવા સ્વરૂપે આવનારને શંકાની નજરે જોવે. વિભીષણજી રાજનીતિમા નિપુણ હતા, “અતિ નયનિપુન ન ભાવ અનીતી”, પ્રખર રાજનીતિજ્ઞ આવી રીતે કોઇપણ સાથે મિત્રતા કે ઓળખાણ ન જ કરે, માટે શ્રીહનુમાનજી હઠ કરીને અથવા તો સામેથી ઓળખણ કરવાનું વિચારે છે.

હવે આગળની કથામાં શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર શ્રીહનુમાનજી અને વિભીષણજીનો મેળાપ વર્ણવેલો છે, જ્યારે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં આ સમયે વિભીષણજી સાથેના મેળાપની વાત નથી. ગોસ્વામીજીએ શ્રીહનુમાનજી-વિભીષણજીના મેળાપની વાત લખી છે, તેના સમર્થનમાં થોડા તર્કથી આગળની કથા આવતા અંકમાં જોઇશુ, આજની કથાને અહીં વિરામ આપીએ છીએ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૫ | નવ તુલસિકા બૃંદ – તુલસી મહાત્મય । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૪૪, રામાયુધ અંકિત ગૃહ… (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-044/)માં આપણે વિવિધ ધર્મો અને સંપ્રદાયોમાં વૈચારિક ભેદભાવો અને વૈમનસ્ય, સનાતન ધર્મની સર્વધર્મ સમભાવની ભાવના અને સ્વધર્મના રક્ષણની વાતો જોઇ હતી. આ ઉપરાંત ગોસ્વામીજીએ અન્ય રાક્ષસોના મહેલો માટે મંદિર અને વિભીષણજીના મહેલ માટે ભવન શબ્દનો ઉપયોગ કર્યો છે, તેનો તર્ક તથા વિવિધ ગ્રંથોમાં પોતાના ઇષ્ટદેવના ચિહ્નો અંકિત કરવા બાબતના વિધાનોની વિગતો જોઇ હતી. આજે “નવ તુલસિકા બૃંદ તહઁ દેખિ હરષ કપિરાઇ”થી કથાની સુંદર શરૂઆત કરીએ.

નવ તુલસિકા બૃંદ” અર્થાત આ ઘરના આંગણામાં તુલસીવન હતુ. તુલસીવનવાળું અને તુલસીવન ન હોય તો કંઇ નહી, તુલસીજીનો એક ક્યારો પણ જો આંગણામાં હોય તો તેને પવિત્ર માનવામાં આવે છે. તુલસીજીના ઔષધિય ગુણો અદ્વિતિય છે, માટે તેનું ખૂબ જ મહત્વ છે. આપણા શાસ્ત્રોમાં આવા એટલે કે તુલસીજી, પીપળો, વડલો વગેરે ઉપયોગી વૃક્ષોને આધ્યાત્મિકતા સાથે જોડી દેવામાં આવેલા છે. વિવિધ શાસ્ત્રોમાં તુલસીજી વિષે અલગ-અલગ કથા વર્ણવવામાં આવેલી છે, તે આપણે જોઇશુ. પરંતુ ઘણા લોકો સમજ્યા કે જાણ્યા વગર અવૈજ્ઞાનિક વાતો ફેલાવે છે કે તુલસીજીનો છોડ ૨૪ કલાક ઓક્સિજન આપે છે, તેવી અવૈજ્ઞાનિક કે ક્રિસમસ ટ્રી કરતા તુલસીનો છોડ વધુ સારો, જે બન્નેની સરખામણી (ક્રિસમસ ટ્રી – તુલસીજી) જ થઈ શકે તેમ નથી, તેવી બાબતો જોડે સહમત ન થઈ શકાય.

વિવિધ ગ્રંથોમાં તુલસીજીની ઉત્પતિ અને તેના મહત્વ વિશે અલગ-અલગ કથાઓ આપવામાં આવેલી છે. જે પૈકી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પ્રિય પુષ્પોના નામ કહ્યા છે. સૌથી પ્રિય પુષ્પોના નામ કહ્યા છે, તેમાં સૌથી પ્રિય પુષ્પ પુંડરીક કહ્યુ છે અને આવા એક હજાર પુંડરીકથી પણ વધુ મહત્વ ભગવાને તુલસીજીનું કહ્યુ છે. તુલસીજીથી ભગવાનની પુજાના સંદર્ભમાં શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાનને તુલસીજીના ફૂલ (માંજર) ધરવામાં આવે તો અતિ ઉત્તમ, માંજર ઉપલબ્ધ ન હોય તો તુલસીદલથી પુજા કરવી, તુલસીદલ પણ ન હોય તો તેની ડાળીઓથી પુજા કરવી, એ પણ ન હોય તો થળના લાકડાથી અને અંતે કંઇ જ ઉપલબ્ધ ન થઇ શકે તેમ હોય તો તુલસીજીનો છોડ ઉગેલો હોય તે માટીથી ભગવાન શ્રીકૃષ્ણની પુજા કરવામાં આવે, તો પ્રભુ પ્રસન્ન રહે છે. આ કારણે જ તુલસીજી વૈષ્ણવોના પ્રિય છે. પદ્મપુરાણમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે, ભગવાન શંકર પોતાના પુત્ર કાર્તિકેયજીને કહે છે કે, ભગવાન વિષ્ણુને લક્ષ્મીજી અને મારા જેટલા જ તુલસીજી પણ પરમપ્રિય છે. ભગવાન અન્ય કોઇ ફૂલ, પત્રો કે ચંદન વગેરેથી પ્રસન્ન નથી થતાં, તેટલા તુલસીજી ધરવાથી થાય છે.

તુલસીજીની ઉત્પતિના સંદર્ભમાં અમૂક જગ્યાએ તુલસીજીની ઉત્પતિ અમૃતમાંથી થયેલી વર્ણવેલી છે, તો ક્યાંક સમુદ્રમંથન વખતે ભગવાન શ્રીવિષ્ણુના હર્ષાશ્રુથી થયેલ વર્ણવેલી છે. એક કથાનુસાર સમુદ્રમંથન વખતે ક્ષીરસાગરમાંથી ચાર કન્યાઓ પ્રગટ થઈ હતી – લક્ષ્મી, વારુણી, કામોદા અને જ્યેષ્ઠા. આ ચાર પૈકી કામોદા અમૃતની લહેરથી ઉત્પન્ન થઈ હતી અને ભગવાન શ્રીવિષ્ણુએ તેને ભવિષ્યમાં વૃક્ષરૂપ ધારણ કરી પરમ પવિત્ર એવા તુલસી નામથી પ્રખ્યાત થવાના આશીર્વાદ આપેલા હતા, તેવો પણ ઉલ્લેખ જોવા મળે છે. ધાર્મિક ગ્રંથોમાં આ ઉપરાંત પણ અનેક કથાઓ જોવા વાંચવા મળે છે, પરંતુ આપણા વ્યાવહારિક જીવનમાં પણ તુલસીજી એક અમૂલ્ય ઔષધ છે. ઘણી બધી દવાઓ અને ઝેરી જાનવર કરડે ત્યારે તેના ઝેર ઉતારવા સુધીની સારવારમાં તુલસીજી અને તેના અર્કનો ઉપયોગ કરવામાં આવે છે.

જૈન સંપ્રદાયના એક મહારાજે તુલસીજી વિશે એક સુંદર કથા કહેલી કે આજના સમયમાં પણ તુલસીજી આયુર્વેદના ભગવાન ધનવંતરીના સ્વરૂપે જ પૃથ્વી ઉપર સાક્ષત ઉપસ્થિત છે. આપણા ઘર કે કુટુંબના કોઇ સભ્ય ગંભીર કે જીવલેણ બિમારીથી પીડાતા હોય અને કોઇ દવા લાગુ ન પડતી હોય, તો રોજ તુલસીજીના ક્યારા પાસે જઇ, તેની સાથે મનથી જોડાઇને વિનંતી કરવી. હે તુલસીજી! મારા આ સ્વજનને જે અસાધ્ય બિમારી છે, તેનો કોઇ ઇલાજ અમને મળતો નથી, આપ આ સૃષ્ટિની તમામ દવાઓ જાણો છો. આ રોગ માટેની યોગ્ય દવા મેળવી આપવા અને મારા સ્વજનને આ અસાધ્ય બિમારીમાંથી મુક્ત કરવા કૃપા કરો. તુલસીજી સાથે યોગિક ઐક્ય સાધી, જો સાચા દિલથી અને પુરા વિશ્વાસ સાથે, તુલસીજીની પરીક્ષા કરવાના આશય માત્રથી નહી, વિનંતી કરવામાં આવે તો કોઇપણ રોગ માટેની બ્રહ્માંડમાં કોઇપણ જગ્યાએ ઉપલબ્ધ યોગ્ય ઔષધી, તુલસીજી કોઇને કોઇ સ્વરૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દર્દી માટે ઉપલબ્ધ કરાવી આપે છે. બસ સાચી શ્રદ્ધા હોવી જોઇએ.

આમ, રામાયુધ અંકિત અને તુલસીવનથી સુશોભિત આંગણું જોઇને શ્રીહનુમાનજી હરખાઈ ગયા. શ્રીહનુમાનજી એટલા માટે પણ આનંદવિભોર થઈ ગયા હોય શકે કે રામાયુધ અંકિત અને તુલસીવનથી શોભતા ઘરમાં કદાચ માતા સીતાજીને રાખવામાં આવેલા હોઇ શકે. આગળ ગોસ્વામીજીએ લખ્યું છે કે –

લંકા નિસિચર નિકર નિવાસા ઈહાઁ કહાઁ સજ્જન કર બાસા

મન મહુઁ તરક કરૈં કપિ લાગા તેહીં સમય બિભીષનુ જાગા

શ્રીહનુમાનજી મનમાં તર્ક કરવા લાગ્યા કે, લંકા તો રાક્ષસોના સમૂહનું નિવાસ સ્થાન છે. અહીં સજ્જનનો નિવાસ ક્યાંથી? આ સમયે જ વિભીષણજી જાગ્યા.

શ્રીહનુમાનજી મનમાં તર્ક કરવા લાગ્યા. શું તર્ક કરતા હશે? તેઓ વિચારવા લાગ્યા કે અહીં લંકામાં આવું કોણ રહે છે? જેના મહેલમાં અલગ મંદિર હોય, રામાયુધ અંકિત થયેલા હોય અને તુલસીજીના એકાદ-બે છોડ નહી, આખું તુલસીવન હોય? આવું આ ઘર કોનું હશે? લંકા તો રાક્ષસોનું રહેવાનું સ્થળ છે, અહીં કોઇ સજ્જન કઈ રીતે હોઇ શકે? ‘નિવાસા’ અર્થાત કાયમી વસવાટ કે રહેઠાણ એવું સમજી શકાય. જ્યારે ‘બાસા’ એટલે કે ટૂંક સમય માટેનો વાસ. રાક્ષસોના સમૂહ વચ્ચે કોઇ સજ્જન ટૂંકા સમયગાળા માટે પણ રહી ન શકે, તો આવો મહેલ છે એટલે કે કોઇ સ્થાયી નિવાસ કરી રહ્યુ છે. જ્યારે ભક્તને તર્ક થાયને ત્યારે ભગવાન કંઇક તો રસ્તો કરે જ અર્થાત કોઇ હિંટ તો આપે જ. અહીં ‘તેહીં સમય બિભીષનુ જાગા’ એટલે કે તે જ સમયે વિભીષણજી જાગ્યા.

સજ્જન કે સાચા સંતો સામાન્ય રીતે રાત્રીના છેલ્લા પહોરે જાગી જતા હોય છે. શ્રીહનુમાનજી લંકામાં બધે ફર્યા અને લંકાનું નિરીક્ષણ કર્યું. રાવણનો વૈભવ, શસ્ત્રાગાર, કોઠાર, પુષ્પક વિમાન, રક્ષકો અને તેની ગોઠવણી, ભૌગોલિક પરિસ્થિતિ બધુ જ જોતા-જોતા ત્રણ પ્રહરનો સમય વિતી ગયો હતો. રાત્રીનો છેલ્લો પ્રહર બાકી હતો અને શ્રીહનુમાનજી વિભીષણજીના ઘર પાસે પહોંચ્યા હતા. આ પાછલા પહોરમાં “ભોર ભયેં” વિભીષણજી જાગ્યા. અહીં શ્રીહનુમાનજી તર્ક કરી રહ્યાં હતા એટલે ભક્તના મનના સમાધાન માટે ભગવાને વિભીષણજીને જગાડ્યા તેમ સમજીએ કે સાચા સંત આંગણે પધારે એટલે સજ્જનનો અંતરાત્મા જાગી જાય છે, તેમ સમજીએ; આ બન્ને તર્ક પ્રભુની જ અસીમ કૃપાનો પ્રભાવ હોય છે. આપણે જાગીએ તો દરરોજ છીએ, પરંતુ સાચા સંત મળવાથી જીવનમાં જાગૃતી આવે છે. દરેક સ્થળે, કુટુંબમાં, સમાજમાં, સંપ્રદાયમાં, ધર્મમાં વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતા લોકો હોય જ છે. અયોધ્યામાં જેવી સજ્જનોની નગરીમાં કૈકયી અને મંથરા જેવા ખરાબ પાત્રો હતા, લંકા જેવી રાક્ષસોની નગરીમાં વિભીષણજી અને ત્રિજટા જેવા સજ્જનો હતા. એક માત્ર મિથિલા નગરી એવી હતી જ્યાં કોઇ જ દુર્જન ન હતુ. આવા વિદેહી અને નિષ્કામ બનીએ, તો જ જીવનમાં વિરુદ્ધ પ્રકૃતિ ન વ્યાપે. તે માટે જેમ મિથિલામાં સીતાજીનો જન્મ થયેલો છે, તેમ જીવનમાં ભક્તિનો ઉદય થવો જોઇએ, તો આપણી જીવનયાત્રા મિથિલા જેવી નિર્મળ રહે. અથવા તો મિથિલા જેવું નિર્મળ મન હોય, તો જ સીતાજીરૂપી ભક્તિનો જીવનમાં આવિર્ભાવ થાય.

હે પરમ કૃપાળુ નિરંતર સ્મરણીય સદ્‌ગુરુ દેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજ! અમે (હું, મારું સંપૂર્ણ કુટુંબ અને બાલા હનુમાન પરીવાર) આપના બાળકો છીએ. અમને આપનો જ આધાર છે. અમે આપના શરણોમાં છીએ. અમે શું કર્મો કરીને આવ્યા છીએ, અમારી ગતિ શું હોઇ શકે, તે અમને ખબર નથી; પરંતુ આપની જ અસીમ કૃપાથી પ્રભુ શ્રીરામ પ્રત્યે અમારો ભાવ છે. આપના વિના અમારો કોઇ ઉદ્ધાર નથી. અમે આપના જ શરણાર્થી છીએ. આપની અસીમ કૃપા અમારી ઉપર હંમેશા રહે, અમે આપની નિશ્રામાં જ રહીએ. આપની જ કૃપાથી અમોને પ્રભુમાં નિરંતર પ્રીતિ રહે, તેવી અંત:કરણથી પાર્થના કરીએ છીએ. આપની અસીમ કૃપા સદૈવ રાખજો. અમારું જીવન મિથિલા સમાન નિર્મળ બને, આપનો અનુગ્રહ સદાય રહે અને પ્રભુની અવિચળ ભક્તિ મળે, તેવી અમારા બધા ઉપર કૃપા કરજો. ત્વમેવાશ્રય.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ, ચોથા પ્રહરમાં જાગતાને સાથે વિભીષણજીએ શું કર્યું? ત્યાંથી આગળની કથા આવતા અંકે જોઇશુ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૪ | રામાયુધ અંકિત ગૃહ… । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ “હરિ મંદિર તહઁ ભિન્ન બનાવા” (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-043/) ભાગ – ૪૩માં આપણે લંકામાં રાવણ અને અન્ય રાક્ષસોના અંત:પુરના વર્ણન આધારે ઉદ્‌ભવેલા પ્રશ્નોના સુંદર સમાધાન, હરિમંદિર શબ્દ આધારે મંદિર ઘરથી કે ઘરમાં શયનખંડથી અલગ હોવું જોઇએ તેની વિગતો જોઇ હતી. આ ઉપરાંત વિભીષણ વિષ્ણુભકત હતા છતાં રાવણ તેને રોકતો ન હતો, તેના તર્કની, રાવણના વાત્સલ્ય ભાવના અને કૌટુંબિક ભાવના સાથે જીવવાના સારા ગુણોની ચર્ચા પણ કરી હતી. હાલ સમાજમાં ધર્મો અને સંપ્રદાયોમાં ચાલતા ભેદભાવો વિશે થોડી વાતો સાથે આજની કથાની સુંદર શરૂઆત કરીએ.

રાવણ આટલો પરાક્રમી અને શક્તિશાળી હોવા છતાં વિભીષણને ભગવાન વિષ્ણુની પુજા કરવાની ના નહોતો પાડતો અને આજકાલ? એક માર્ગ કે સંપ્રદાય વાળા કપડા ‘સીવ’ડાવવા હોય તો પણ ભગવાન ‘શીવ’જીનું નામ લેવું ન પડે માટે દરજી પાસે જઇને કપડા ‘સીવ’ડાવવા છે, તેવું બોલતા નથી. આ તો વાત થઇ બે અલગ સંપ્રદાયોની, પરિસ્થિતી તો તેનાથી પણ બહુ વિકટ છે. એક જ સંપ્રદાયના કેટલાય ફાટા પાડી દેવામાં આવે છે અને આ એક જ સંપ્રદાયની અંદર પણ એક પ્રકારની વિચારસરણીમાં માનનારા અનુયાયીઓ અન્ય વિચારસરણીવાળા અનુયાયીઓનો વિરોધ કરે છે, એકબીજા સાથે વૈમનસ્ય રાખે છે, એકબીજાની ટીકા કરે છે. અરે! આ શું છે? સાચો ધર્મ તો સનાતન ધર્મ છે, તેમાં કોઇનો વિરોધ નથી, સર્વધર્મ સમભાવની ભાવના છે. રાવણ ખૂબ જ શક્તિશાળી શીવભક્ત હોવા છતાં, વિભીષણને વિષ્ણુપુજાની કે તેના મહેલ ઉપર રામાયુધ અંકિત કરાવવાની ના નહોતો પાડતો.

ઘણીવખત એવું પણ ધ્યાન ઉપર આવે છે કે ધર્મગુરુઓ જ આવા વૈમનસ્ય ઊભુ કરતા હોય છે અને ઘણીવખત તેઓ આવા ભેદભાવમાં જરાય માનતા હોતા નથી, પરંતુ તેના અનુયાયીઓમાં આવી બદી પ્રવર્તતી હોય છે. ઉદાહરણ રૂપે જોઇએ તો, પુષ્ટીમાર્ગમાં બાવાશ્રીના ઘરે પ્રસંગમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવેલુ જોયુ છે અને તેના ચુસ્ત અનુયાયી વૈષ્ણવો પોતાના ઘરે શુભ પ્રસંગોમાં ગણપતિજીની સ્થાપના નથી કરતા કારણ કે તે શીવજીના પુત્ર છે. આ ઉપરાંત, પુષ્ટીમાર્ગના ઘણા ચુસ્ત વૈષ્ણવો રાંદલ માતાને માનતા નથી, જ્યારે શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે તેમ, યમુના મહારાણી સુર્ય ભગવાન અને રાંદલ માતાના પુત્રી છે. તમને એવું લાગે છે કે આપણે દિકરી(યમુના મહારાણી)ની ભક્તિ કરીએ અને માતા(રાંદલ માતા)ને માનીએ નહિ, તો આપણા આરાધ્ય દેવ (યમુના મહારાણી) ખુશ થાય? એક વધુ વાત, જેના વિશે મેં વાંચ્યુ નથી પરંતુ મારા દાદી, જેઓ ચુસ્ત વૈષ્ણવ હતા અને પુષ્ટાવેલા ઠાકોરજીની સેવા કરતા, કહેતા કે જે આ ભવમાં શીવપુજા કરે તેને આવતા ભવમાં લાલાની સેવા મળે, તેવું તેઓની બુકમાં લખેલું છે. અમે ભગવાન શંકરની પુજા કરતા, તો તેઓ કહેતા કે આવતા ભવમાં તમે ઠાકોરજીની સેવાને અધિકારી થશો. જેની આ ભવમાં પુજા કરવાથી જ, તેના ફળ સ્વરૂપે જ, આવતા ભવમાં ઠાકોરજીની સેવાનો અધિકાર મળે, તો ઠાકોરજીની સેવાનો અધિકાર મળ્યા બાદ તેનું નામ લેવું પણ વર્જ્ય? કેટલું આશ્ચર્યજનક છે? ક્યો ધર્મ પાળવો, ક્યા સંપ્રદાયના અનુયાયી બનવું, ક્યા ભગવાનની પુજા કરવી એ દરેક વ્યક્તિની અંગત બાબત છે. કોઇની અંગત માન્યતા સામે અન્ય કોઇને ક્યારેય તકલીફ પણ ન હોવી જોઇએ. અહીં મારો આશય પણ કોઇની ટીકા કરવાનો કે કોઇ વિશે ઘસાતુ કહેવાનો જરાય નથી. મારો આશય માત્ર એટલો જ છે કે અમુક નામ (શીવ) ન લેવા કે કોઇ સાથે ધર્મના નામે દુશ્મનાવટ ન હોવી જોઇએ, અન્યનો તિરસ્કાર ન હોવો જોઇએ. સર્વધર્મ સમભાવની ભાવના સાથે અન્યની માન્યતાને માન આપવું જોઇએ અને સાથે-સાથે સ્વધર્મને ચોક્કસ બચાવવો જ જોઇએ. ઘણીવાર આ જ લેખમાળામાં લખ્યું છે કે આપણા એકેય ભગવાન હથિયાર વગરના ન હતા. શ્રીરામ-લક્ષ્મણે વનવાસી બની બધુ ત્યજી દીધુ હતુ, પરંતુ તેઓના આયુધો સાથે જ હતા.  

“ભવન એક” શબ્દ ઉપરથી વળી એવો પ્રશ્ન પણ ઉદ્‌ભવ્યો કે ગોસ્વામીજીએ અન્ય રાક્ષસોના મહેલોને મંદિર કહ્યા અને વિષ્ણુભક્ત વિભીષણજીના ઘરને ભવન માત્ર કહ્યું? આવુ કેમ? તો આ બાબતે બે-ત્રણ કારણો હોઇ શકે. પહેલું, સામાન્ય રીતે રાક્ષસો પોતાની જાતને પુજ્ય માનતા હોય છે અને પોતાની જ પુજા થાય તેવું ઇચ્છતા હોય છે, જ્યારે વિભીષણજી હરિભકત છે, તેને પોતાને નથી પુજાવુ. આમ, બાબાજીએ અન્ય રાક્ષસોના ઘરોને મંદિર કહ્યા હોઇ શકે અને વિભીષણજીના ઘરને ભવન કહ્યુ હોઇ શકે. બીજું, રાક્ષસો પોતાના ઘરમાં જ ભગવાનની સ્થાપના કરતા હતા. સામાન્ય રીતે પોતાના રૂમમાં અર્થાત શયનખંડમાં ભગવાનની સ્થાપના કરવી જોઇએ નહી. જે લોકો એક જ રૂમના ઘરમાં રહેતા હોય, તેઓએ રાત્રે મંદિરને પડદો કરી દેવો જોઇએ, તેવી માન્યતા છે. અહીં રાક્ષસો ઘરની અંદર જ ભગવાનના સ્થાનક છે, માટે તેઓને મંદિર કહ્યા હોઇ શકે. વિભીષણજીના ઘરથી મંદિર અલગ બનાવેલુ છે, “હરિ મંદિર તહઁ ભિન્ન બનાવા”, માટે ભવન શબ્દનો પ્રયોગ કર્યો હોઇ શકે છે. ત્રીજું, દરેક વ્યક્તિ માટે પોતાના આરાધ્ય દેવ જ્યાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપસ્થિત હોય, તે મંદિર હોય છે. અગાઉ બધા રાક્ષસોના ઘરની અંદરનું વર્ણન છે એટલે કે શ્રીહનુમાનજી દરેક ઘરમાં અંદર ગયા હતા, માટે તુલસીદાસજીની દ્રષ્ટિએ તે મંદિર બની ગયું. શ્રીહનુમાનજી વિભીષણજીના ઘરમાં અંદર ગયા નથી. તેઓના ઘરનું બહારનું વર્ણન કરવામાં આવેલું છે અર્થાત તે હજુ મંદિર બન્યુ નથી, ભવન જ છે અને જ્યારે જાય છે ત્યારે પણ બ્રાહ્મણ રૂપ ધરીને જાય છે. આવા કારણોસર ગોસ્વામીજીએ અન્ય રાક્ષસોના ઘર માટે મંદિર અને વિભીષણજીના ઘર માટે ભવન શબ્દનો ઉપયોગ કર્યો હોઇ શકે છે. વિભીષણજીના ઘર માટે ભલે ભવન શબ્દ પ્રયોજવામાં આવેલ હોય, પરંતુ આ ભવન કેવું હતું?

:: દોહા – ૫ ::

રામાયુધ અંકિત ગૃહ સોભા બરનિ ન જાઇ

નવ તુલસિકા બૃંદ તહઁ દેખિ હરષ કપિરાઇ

આ મહેલ શ્રીરાઘવેન્દ્રના આયુધ(ધનુષ-બાણ)ના ચિહ્નોથી અંકિત હતો, તેની શોભા વર્ણવી શકાતી નથી. ત્યાં તુલસીના નવીન-નવીન એટલે કે તાજા-તાજા છોડવાઓ અર્થાત તુલસીવનને જોઇને કપિરાજ શ્રીહન્નુમાનજી ખૂબ જ હર્ષ પામ્યા.

રામાયુધ અંકિત ગૃહ” અર્થાત શ્રીરાઘવેન્દ્રના આયુધ એવા ધનુષબાણથી અંકિત ગૃહ હતુ. વિભીષણજીના ઘર ઉપર ભગવાનના આયુધો કેમ અંકિત કરાવેલા હશે? તો રામપટલ ગ્રંથમાં યજુર્વેદોક્ત પાંચ સંસ્કારોના વર્ણનમાં એવો ઉલ્લેખ છે કે, ઘર, ઘરવખરી, પશુ, પુત્ર, વાહન વગેરેને શ્રીહરિના આયુધો શંખ-ચક્ર વગેરેથી અંકિત કરવા એ વૈષ્ણવોનો ધર્મ છે. મહાશિવસંહિતામાં પણ એવું જણાવવામાં આવ્યુ છે કે. જે વ્યક્તિ જે ભગવાનનો ઉપાસક હોય, તેઓનું ચિહ્ન ધારણ કરવું જોઇએ. વિભીષણજી પ્રભુ શ્રીરામના ઉપાસક હતા, તો રામાયુધ અંકિત કરાવેલા હતા. આપણે ઘણા લોકોને જેવા કે પુષ્ટિમાર્ગ, સ્વામિનારાયણ સંપ્રદાય, શ્રીહનુમાનજીના ભક્તો વગેરેને અલગ-અલગ પ્રકારના તિલક કરેલા જોઇએ છીએ, તેનો તર્ક આ જ છે. વળી ઘણા લોકો પોતાના વાહન ઉપર પોતાના આરાધ્ય દેવના નામ વગેરે લખાવે છે કે ચિહ્નો દોરાવે છે, તેનો પણ એક રીતે આ જ અર્થ થાય છે. બસ આવા તિલક કે ચિહ્નો દેખાડા કે ઢોંગ કરવા માટે ન હોવા જોઇએ. ઋગવેદ, યજુર્વેદ અને સામવેદમાં પણ થોડો ઉલ્લેખ જોવા મળે છે અને શાસ્ત્રો (શ્રુતિઓ)માં પણ જણાવાયું છે કે ધનુષબાણથી અંકિત થયેલો પુરુષ જ ઉત્તમ સંસ્કારોવાળો બની વેદોનો અધિકારી બને છે. આવો પુરુષ ધર્મના માર્ગ ઉપર ચાલવાની શક્તિ પ્રાપ્ત કરે છે અને સંસાર સાગર પાર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. આવો પુરુષ કામ, ક્રોધ, લોભ વગેરે શત્રુઓ ઉપર ભગવદ્‌ બાણની કૃપાથી જ વિજય પ્રાપ્ત કરે છે. આમ, વિભીષણજી સાચા વૈષ્ણવ અને રામભક્ત હોવાને નાતે તેઓના ઘર ઉપર આમાયુધ અંકિત થયેલા હતા. રામાયુધ અંકિત થયેલા હોય પછી શ્રીહનુમાનજીનું તો પુછવું જ શું? આનંદવિભોર થઈ ગયા માટે લખ્યુ છે કે, “સોભા બરનિ ન જાઇ”. આ ઘર અન્ય ઘરોની જેમ વિચિત્ર ન હતુ, પરંતુ એટલુ સુંદર હતુ કે તેનું વર્ણન કરવું શક્ય ન હતુ. આજની કથાને અહીં વિરામ આપીએ છીએ, આગળની કથા આવતા અંકમાં જોઇશુ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||