Home Blog Page 3

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૩ | હરિ મંદિર તહઁ ભિન્ન બનાવા । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૪૨(શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૨ | મનો હિ હેતુ: સર્વેષામિન્દ્રિયાણાં પ્રવર્તને । Sundarkand | सुंदरकांड – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-042/)માં આપણે રાવણના વિચિત્ર મહેલ અને તેની અંદરનું વર્ણન, મનની પવિત્રતાનો મહિમા અને સઘળી ઇન્દ્રિયોને શુભ-અશુભ કાર્યમાં જોડાવાની પ્રેરણા આપવા માટે આપણું મન જ જવાબદાર છે વગેરે કથા જોઇ હતી. આ ઉપરાંત શ્રીતુલસીદાસજીની સાખી “કનક તજ્યો કામીની તજ્યો, તજ્યો ધાતુકો સંગ; તુલસી લઘુ ભોજન કરી, જીવે માન કે રંગ”ના સંદર્ભમાં આપણા મનમાં રહેલી અનેકાનેક ઇચ્છા, તૃષ્ણા, કામનાઓ વિશે અને આપણા મનને નિર્મળ કરવાના સુંદર વિચાર સાથે કથાને વિરામ આપ્યો હતો. ભાગ – ૪૧ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-041/)માં રાવણ સિવાયના અન્ય રાક્ષસોના મહેલોની અંદરનું વર્ણન અને ભાગ – ૪૨ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-042/)માં રાવણના મહેલની અંદરનું વર્ણન વાંચ્યા પછી ઘણા લોકોને ઘણા પ્રશ્નો થયા. આ બાબતે મેસેજ પણ મળ્યા અને સારી ચર્ચાઓ પણ થઈ. આ બધાનો સાર નીચે મુજબના બે પ્રશ્નો હતા.

  1. શ્રીવાલ્મીકિજીએ રામાયણમાં આવું, કહેવાતું અભદ્ર, વર્ણન આલેખવાની શું જરૂર હતી? અને
  2. શ્રીહનુમાનજી માતાજીને શોધવા લંકામાં ગયા, રાક્ષસોના મહેલમાં અંદર પણ ગયા, પરંતુ અંદરની દરેક વસ્તુને આટલી બારીકાઇથી અને ખાસ કરીને સ્ત્રીઓનું આટલું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવાની શું આવશ્યકતા હતી?

આજના ભાગમાં પહેલા ઉપરના બન્ને પ્રશ્નોના સમાધાન જોઇએ પછી સુંદરકાંડની આજની કથામાં આગળ વધીશું.

પ્રથમ પ્રશ્નનું સમાધાન જોઇએ તો, મને એવું લાગે છે કે આવા વર્ણન પાછળ એવો આશય હોઇ શકે કે, ભક્તએ હંમેશા સાત્વિક જગ્યાએ જ જવું. જો લંકામાં પ્રવેશ કરશો અર્થાત ખરાબ જગ્યાએ જશો, તો આવુ જોવું પડશે. વળી, જો ભક્તિની શોધ કરતા-કરતા ભક્તએ ક્યારેક આવી જગ્યાએ જવાનું થાય કે આવુ કંઇ જોવુ પડે, તો તે સમયે મનને પ્રભુકાર્યમાં કે પ્રભુસ્મરણમાં સ્થિર રાખવાથી ધર્મનો હ્રાસ થતો નથી. આપણા શાસ્ત્રો ખૂબ જ વિશાળ માનસિકતા સાથે લખાયેલા છે. આ વર્ણનને અયોગ્ય ગણવું એ જ આપણી અંદરની સંકુચિતતા દર્શાવે છે. આમ, શક્ય હોય ત્યાંસુધી સાત્વિકતા જાળવી રાખવી, ખરાબ જગ્યાઓએ ભૌતિક રીતે જ નહી પરંતુ વૈચારિક રીતે પણ જવાનું ટાળવું અને જો પહોંચી ગયા હોઇએ કે જવું ફરજીયાત હોય, તો મનને પ્રભુભક્તિમાં સ્થિર રાખવું જોઇએ.

બીજા પ્રશ્નનું સમાધાન જોઇએ તો, શ્રીહનુમાનજી માતા જાનકીજીને શોધવા ગયા હતા. શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં લખ્યુ છે કે જો સ્ત્રીને શોધવી હોય, તો સ્ત્રીઓમાં જ શોધવી પડે. “યસ્ય સત્ત્વસ્ય યા યોનિસ્તસ્યાં તત્‌ પરોમાર્ગતે” અર્થાત જે જીવની જે જાતિ હોય, તેવી જાતિની વચ્ચે જ તેને શોધાય. આમ, જાનકીજી માટે “સ્ત્રિયો હિ સ્ત્રીષુ દૃશ્યન્તે સદા સમ્પરિમાર્ગણે” અર્થાત સ્ત્રીને શોધવા માટે સ્ત્રીઓની વચ્ચે જ જવું પડે. વળી, શ્રીહનુમાનજી અગાઉ માતા જાનકીજીને ક્યારેય મળ્યા ન હતા. આ સંજોગોમાં દરેક સ્ત્રીને બારીકાઇથી નિરખી અને તેના લક્ષણો ઉપરથી જ પોતાની કુશાગ્ર બુદ્ધિ દ્વારા નક્કી કરવાનુ હતુ કે આ જાનકીજી છે કે નહી? ભક્તિને શોધવી હોય તો દરેક વસ્તુને, ખાસ કરીને જેના આધારે વ્યક્તિ ભક્તિપથ ઉપર આગળ વધવા માંગતો હોય તેવા સંત કે ગુરુને, બારીકાઇથી નિરખવા અને સમજવા જોઇએ. તેઓમાં કંઇ અયોગ્ય જણાય, તો તે તેનો સ્વભાવ છે, તેમ જાણી, ભક્તિની શોધમાં આગળ વધી જવું જોઇએ. જે લોકો આવા કોઇ કહેવાતા સંતો, મહંતો અને ગુરુઓને મળે, તેની નબળાઇ જાણે પછી તેના દુર્ગુણો ગાવામાં જ જન્મારો પસાર કરી દેતા હોય છે. તેઓના નકારાત્મક પાસાઓમાં ઊંડા ઉતરવા કરતા પોતાના પથ ઉપર આગળ વધી જવું વધુ હિતાવહ છે. વાલ્મીકિજીને ત્યારે પણ ખબર હશે કે કળીયુગમાં “મંદિર-મંદિર”, ઘરે-ઘરે બની બેઠેલા સાધુઓ અને ગુરુઓ હશે. ભક્તિપથ ઉપર આગળ વધવા ભક્ત સાચા સંતની શોધ કરવા જશે, ત્યારે તેઓએ ઘણું ખરાબ પણ જોવું પડી શકે છે. આમ, શ્રીહનુમાનજી રાક્ષસોના મહેલોમાં અંદર પણ ગયા અને અંદરની દરેક વસ્તુને ખાસ કરીને સ્ત્રીઓને આટલી બારીકાઇથી જોઇ અને તેઓનું આટલું ઝીણવટ ભર્યું નિરીક્ષણ પણ કર્યું.

ભવન એક પુનિ દીખ સુહાવા હરિ મંદિર તહઁ ભિન્ન બનાવા

પછી શ્રીહનુમાનજીને એક સુંદર મહેલ દેખાયો; જ્યાં ભગવાનનું એક અલગ મંદિર પણ બનેલુ હતુ.

“ભવન એક” અર્થાત એક મહેલ. આપણે અગાઉ જોઇ ગયા છીએ કે જ્યાં-જ્યાં “એક” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યાં-ત્યાં તે વ્યક્તિ કે વસ્તુની અદ્વિતિયતા, અનોખાપણા અને સર્વોપરિતા દર્શાવવામાં આવી છે. આ ભવન પણ લંકામાં સૌથી અલગ અને અદ્વિતિય હતું. રાવણનો મહેલ બધાથી કંઇક અલગ હતો, પરંતુ બાબાજીએ તેને વિચિત્ર કહ્યો છે, જ્યારે વિભીષણજીનો મહેલ? દીખ સુહાવા” એટલે કે વિચિત્ર કે અજુગતો ન હતો, પરંતુ સુંદર દેખાતો હતો. શ્રીસુંદરકાંડમાં એક સુંદર મહેલનું અહીં સુંદર વર્ણન કરવામાં આવેલુ છે. આ ભવન કેમ “એક” અને “સુંદર” છે, તો આ મહેલમાં ભગવાનનું અલગ મંદિર બનેલું છે. રાવણના રાજ્યમાં ભગવાનનું મંદિર? તો પછી અદ્વિતિય તો ગણાય જ ને! અને પ્રભુનું ધામ હોય તે સ્વાભાવિક જ સુંદર હોય.

અહીં રામાયણમાં “હરિમંદિર” એવો શબ્દ જોઇને એકવાત સ્પષ્ટ થાય છે કે ભારતવર્ષમાં અયોધ્યા, મિથિલા વગેરેની જેમ લંકામાં પણ મૂર્તિપુજા થતી હશે. બીજું, આપણે અગાઉ જોઇ ગયા તેમ, એવું માનવામાં આવે છે કે મંદિર હંમેશા ઘરથી અલગ હોવું જોઇએ અર્થાત પહેલાના સમયમાં જ્યારે લોકો પાસે બહું જગ્યા હતી ત્યારે ઘર અને મંદિર અલગ રાખવામાં આવતા હતા. એક બંગલો કે ફ્લેટ પુરતી જગ્યા ઉપલબ્ધ રહી ત્યારે ઘરમાં પુજારૂમ અલગ રાખવાની પ્રથા હતી. જેમ-જેમ ઘર નાના થતા ગયા તેમ પુજારૂમ અલગ રાખવાને બદલે કોઇ એક રૂમમાં એક નિશ્ચિત જગ્યાએ મંદિર રાખવાની પ્રથા અસ્તિત્વમાં આવી, પરંતુ આ પરિસ્થિતિમાં પુજારૂમ શયનખંડમાં ન રાખવાની માન્યતા છે. જે લોકો એક રૂમના ઘરમાં રહેતા હોય તેઓએ રાત્રે સુતી વખતે મંદિરને પડદો કરવાનો રીવાજ છે. આ બધી માન્યતાઓ છે અને વૈચારિક સાત્વિકતા માટેની માનસિક કસરત છે, કસરત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ચોક્કસ હોય છે. બાકી ભાગ – ૧૦ (http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-011/), શાંતરસ અને એકરસનો સુભગ સમન્વય – સુંદરકાંડમાં આપણે જોઇ ગયા તેમ, જાહિદ શરાબ પીને દે મસ્જીદ મેં બેઠકર, વર્ના ઐસી જગા બતા દે જહાં ખુદા ન હો, પ્રભુ તો છાસમાં માખણની જેમ સાર્વત્રિક છે. અહીં આ માન્યતાને અનુરૂપ ઘરથી અલગ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. આ માન્યતા રામાયણકાળથી ચાલી આવતી હોય, તેને આધારભૂત પણ ગણી શકાય. લંકાના અન્ય મહેલો વિચિત્ર હતા, જ્યારે આ મહેલ સુંદર હતો.

અહીં “હરિમંદિર” શબ્દ પ્રયોગ સંદર્ભમાં અન્ય થોડી ગુઢ વાતો પણ જોઇએ તો, ૧) રાવણ શીવભક્ત હતો અને આપણે વાંચ્યુ છે કે સાંભળ્યુ છે તે મુજબ લંકામાં વિષ્ણુપુજા વર્જિત હતી. વિષ્ણુ ભગવાનનું નામ માત્ર લેનારને પણ મૃત્યુદંડ સુધીની સજા કરવામાં આવતી હતી. જો રાવણ આટલો ચુસ્ત શીવભક્ત હતો છતાં તેના સામ્રાજ્યમાં જ અને તેના મહેલની એક જ દિવાલે બજુમાં જ રહેતા તેના ભાઇ વિભીષણના મહેલમાં હરિમંદિર હતું. તેમ છતાં રાવણ તેને રહેવા પણ દેતો હતો અને કોઇ વાંધો પણ નહોતો લેતો કે દંડ પણ નહોતો કરતો. આ સંદર્ભમાં બે-ત્રણ કથા કે સંતમત છે.

એક તો જ્યારે રાવણ, કુંભકર્ણ અને વિભીષણ ત્રણેય ભાઇઓએ તપ કર્યું અને બ્રહ્માજીએ પ્રસન્ન થઇને વરદાન માંગવાનું કહ્યું હતુ, ત્યારે વિભીષણે હરિભક્તિ માંગી હતી. રાવણને એ ખબર હતી કે બ્રહ્મવર મિથ્યા નહિ થાય, માટે તે વિભીષણને આ બાબતે રોકતો ન હતો.

બીજી કથા એવી પણ છે કે વરાહ પુરાણ અનુસાર લંકામાં એક વખત કોઇ ખોદકામ વખતે એક મૂર્તિ મળી આવી હતી. જ્યારે રાવણ આ મૂર્તિ વિભીષણને આપવા લાગ્યો ત્યારે વિભીષણે એક શર્ત રાખી હતી કે મને યોગ્ય લાગશે તેવી રીતે હું આ મૂર્તિની પુજા કરીશ અને આપ મને રોકશો નહિ. રાવણે તેને આ સમયે વચન આપેલુ, માટે તે હરિમંદિર અને રામાયુધ અંકિત કરાવવા બાબતે વિભીષણને કંઇ કહેતો ન હતો કે કહી શકતો ન હતો.

ત્રીજો મત એવો છે કે, રાવણને વિભીષણ પ્રત્યે અતિશય વાત્સલ્ય ભાવ હતો. વિભીષણ રાવણના સૌથી પ્રિય સ્વજન હતા, માટે તેને આ બાબતે કંઇ કહેતો ન હતો. રાવણ શબ્દ સાંભળતા જ આપણા મનમાં ક્રુરતાનો જ વિચાર આવે, પરંતુ થોડા ઉદાહરણો જોઇએ તો સમજાશે કે રાવણ વાત્સલ્ય ભાવવાળો અને કૌટુંબિક ભાવનાવાળો પણ હતો જ. વિભીષણનો તેના મહેલમાં રહેલા આ હરિમંદિરનો કિસ્સો જ લઇએ, ત્યારબાદ મંદોદરી વારંવાર તેને જાનકીજી પ્રભુ શ્રીરામને પરત સોંપવા સમજાવતી હતી છતાં ક્યારેય તેને કોઇ સજા કર્યાનો ઉલ્લેખ નથી. કુંભકર્ણ પણ યુદ્ધમાં જતા પહેલા રાવણને ખૂબ જ આકરી ભાષામાં ખીજાતા કહ્યુ હતુ કે તમે માતા જાનકીજીને હરી લાવીને બહુ મોટી ભૂલ કરી છે; ત્યારે પણ તેણે ગુસ્સો નહોતો કર્યો. મેઘનાદ છેલ્લા યુદ્ધમાં જાય છે, ત્યારે રાવણને કહ્યુ હતુ કે પિતાશ્રી તમે સીતાજીને હરી લાવ્યા છો એ આપની સૌથી મોટી ભુલ છે અને તે રાક્ષસકૂળના વિનાશનું કારણ બનશે. રાવણ ખૂબ જ અહંકારી અને સ્વચ્છંદી હતો, પરંતુ આ બધા કિસ્સાઓ તેની કુટુંબના સભ્યો પ્રત્યેની વાત્સલ્ય ભાવના દર્શાવે છે. સુર્પણખાના નાક-કાન કપાવા અને ખર-દુષણની હત્યાનો બદલો લેવા તેણે પ્રભુ શ્રીરામ સાથે વેર કરતા એક મીનીટ પણ ન વિચાર્યું. આ તેની કૌટુંબિક ભાવના પણ દર્શાવે છે. રાવણ આમ સીતાજીને પોતાના થવા કહેતો, પરંતુ અંદરથી માતૃભાવ રાખતો હતો. પ્રભુ શ્રીરામ પ્રત્યે બહારથી વેર બતાવતો, પરંતુ અંદરથી તેને ખબર જ હતી કે મારો ઉદ્ધાર પ્રભુ જ કરશે. આમ, આ બધા પ્રસંગો દર્શાવે છે કે રાવણ બધાની લાગણીઓને માન આપીને વાત્સલ્યભાવ સાથે તથા કૌટુંબિક ભાવનાઓ સાથે ચાલવાવાળો હતો માટે વિભીષણને હરિમંદિર બાબતે કંઇ કહેતો ન હતો. આજની કથાને અહીં વિરામ આપીએ છીએ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૨ | મનો હિ હેતુ: સર્વેષામિન્દ્રિયાણાં પ્રવર્તને । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૪૧, શ્રીહનુમાનજીનો લંકા પ્રવેશ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-041/)માં આપણે શ્રીહનુમાનજી ફરી નાનું સ્વરૂપ ધારણ કરે છે અને પ્રભુ સ્મરણ સાથે લંકામાં પ્રવેશ કરે છે, સંપાતિએ માતા જાનકીજી અશોકવાટીકામાં વૃક્ષ નીચે બેઠા છે તેવું જણાવ્યું હતુ છતાં શ્રીહનુમાનજીએ પહેલા મહેલોમાં શોધ કેમ કરી હશે? શ્રીહનુમાનજી માતા સીતાજીને મંદિરોમાં શોધવા કેમ ગયા હશે? અને રાક્ષસોના અંત:પુરના વર્ણનની કથા જોઇ હતી. અન્ય રાક્ષસોના મહેલોમાં જનકનંદીનીની ભાળ ન મળતા, શ્રીહનુમાનજી રાવણના મહેલમાં જાય છે, ત્યાંથી આજની કથાની શરૂઆત કરીએ.

ગયઉ દસાનન મંદિર માહીં અતિ બિચિત્ર કહિ જાત સો નાહીં

સયન કિએં દેખા કપિ તેહી મંદિર મહુઁ ન દીખી બૈદેહી

શ્રીહનુમાનજી ત્યારબાદ રાવણના મહેલમાં ગયા. તે અત્યંત વિચિત્ર હતો, તેનું વર્ણન થઈ શકતું નથી. શ્રીહનુમાનજીએ રાવણને સુતો જોયો; પરંતુ તે મહેલમાં પણ જાનકીજી જોવામાં ન આવ્યા.

પહેલા શ્રીહનુમાનજીએ અન્ય યોદ્ધાઓના મહેલમાં માતાજીની શોધ કરી. આ યોદ્ધાઓ માટે બાબાજીએ ટૂંકમાં કહી દીધુ કે દેખે જહઁ તહઁ અગનિત જોધા’. ત્યારબાદ બાબાજીએ લખ્યું છે કે, શ્રીહનુમાનજી રાવણના મહેલમાં ગયા. શ્રીહનુમાનજીને કેમ ખબર પડી કે આ રાવણનો જ મહેલ છે? તો ગોસ્વામીજીએ લખ્યું છે કે, ‘અતિ બિચિત્ર કહિ જાત સો નાહીં’ અર્થાત આ મહેલ એટલો વિચિત્ર હતો કે તેનું વર્ણન થઇ શકતું નથી. આ મહેલનું બાહ્ય વર્ણન કરતા વાલ્મીકિજીએ લખ્યું છે કે, આ હવેલી ઘણી સુંદર અને સુખદ હતી. એમાં મણિઓના પગથિયાં બનાવેલા હતા અને સોનાની બારીઓથી શોભા અનુપમ જણાતી હતી. મોટા ભાગના લોકોનો એક કિંમતી મણી લેવો હોય તો જન્મારો નીકળી જાય, આમણે પગથિયાં મણિઓના બનાવેલા હતા. આ મહેલ એટલે કે હવેલીનું તળીયું સ્ફટિક-મણિઓથી બનેલું હતુ, જેમાં વચ્ચે-વચ્ચે હાથીદાંતથી બનેલી વિવિધ પ્રકારની કૃતિઓ મુકેલી હતી. મણિઓના મોટા-મોટા, એકસરખા, સીધા અને ઊંચા થાંભલાઓ ચારે તરફથી શણગરેલા હતા અને તેનાથી હવેલી દીપી રહી હતી. પોતાના આ ઊંચા સ્તંભોરૂપી પાંખોથી જાણે હવેલી આકાશમાં ઊડતી હોય, તેવી ભાસતી હતી. આ હવેલીમાં બહુમૂલ્ય પાથરણાં પાથરેલા હતા. આ હવેલી શ્વેત અને નિર્મળ હતી. આ મહેલમાં સોનાના દિપકો અખંડ જલતા રહેતા હતા અને આ હવેલી જ જાણે ઇન્દ્રપુરી હોય તેવું લાગતું હતું.

શ્રીહનુમાનજી રાવણના મહેલમાં પહોંચ્યા ત્યારે અડધી રાત વીતી ગઇ હતી, માટે બાબાજીએ લખ્યું છે કે ‘સયન કિએં દેખા કપિ તેહી’ અર્થાત રાવણને સુતેલો જોયો. હવે રક્ષકોનો ક્યાંય ઉલ્લેખ નથી કારણ કે જ્યાં રાજા સૂતો હોય, ત્યાં સંપૂર્ણ શાંત વાતાવરણ જાળવવામાં આવતું હોય છે. હવે મહેલની અંદરનું વર્ણન જોઇએ તો, ત્યાં હજારો સુંદર સ્ત્રીઓ હતી. એ બધી ક્રીડાથી પરવારી મધુપાનના મદ અને નિંદ્રાને આધિન થઇને ગાઢ નિંદ્રામાં સૂઇ ગઈ હતી. આ સૂતેલી હજારો સ્ત્રીઓ કમળની કળીઓ જેવી હતી, જેનાથી આ મહેલ વિશાળ કમળવન સમાન શોભતો હતો. આ સ્ત્રીઓના ચહેરા ક્રીડા કર્યા પછી સંતોષરૂપી હર્ષથી ખીલેલા દેખાતા હતા. આવી સ્ત્રીઓથી ઘેરાયેલો રાવણ તારાઓથી ઘેરાયેલા કાન્તિમાન ચંદ્રની જેમ શોભી રહ્યો હતો.

મધુપાન પછી નૃત્ય, ગાન, ક્રીડા વગેરેને લીધે આ સ્ત્રીઓના કેશ વિખેરાઇ ગયેલા હતા, પુષ્પમાળાઓ મસળાઇ ગઇ હતી, આભૂષણો સરકી ગયેલા હતા. અમુકના માથાનું સિંદૂર ભૂંસાઇ ગયુ હતું, તો અમુકના પગમાંથી નૂપુર નીકળી ગયા હતા. અમુક સ્ત્રીઓના હાર તૂટી ગયા હતા અને તેના મોતીઓ વિખેરાઇ ગયેલા હતા, તો અમુકના વસ્ત્રો સરકી ગયા હતા અને કંદોરાની સેર તૂટી ગઈ હતી. અમુકના કાનના કુંડળ પડી ગયા હતા, તો અમુકની પુષ્પમાળાઓ મસળાઇને વિખેરાઇ ગઇ હતી, જે ગાઢ જંગલમાં ગજરાજ દ્વારા મસળી નાખવામાં આવેલી પ્રફુલ્લ લતાઓ જેવી દેખાતી હતી અને તેઓના શરીરમાંથી કસ્તુરી જેવી સુગંધથી હવેલી મધમધતી હતી. અમુક સુંદરીઓના સ્તન ઉપર પડેલા નીલમના હાર કાદંબ એટલે કે જળકાગ અને અમુક સુંદરીઓના સ્તન ઉપર રહેલા સોનાના હાર ચક્રવાક પક્ષીઓ જેવા લાગતા હતા. આ સુંદરીઓના સાથળના ભાગ નદીઓના તટ જેવા લાગતા હતા. કેટલીક સુંદરીઓના કોમળ અંગો તથા સ્તનોના અગ્રભાગ ઉપર ઉપસેલી આભૂષણોની સુંદર રેખાઓ જ નવા દાગીનાની જેમ શોભતી હતી.

રાવણના સુખપૂર્વક સૂઇ ગયા બાદ, ત્યાં ઝળહળી રહેલા સૂવર્ણમય પ્રદિપો આ અનેક કામિનીઓને જાણે એકીટશે જોઇ રહ્યા હતા. રાજર્ષિઓ, બ્રહમર્ષિઓ, દૈત્યો, ગંધર્વો તથા રાક્ષસોની કન્યાઓ કામને વશ થઇને રાવણની પત્નીઓ બની ગઇ હતી. ત્યાં એવી કોઇ સ્ત્રી ન હતી, જેમને બળ-પરાક્રમથી સંપન્ન હોવા છતાં રાવણ એમની ઇચ્છા વિરૂદ્ધ બળજબરીથી હરી લાવ્યો હોય. આ બધી સ્ત્રીઓ તેને પોતાના અલૌકિક ગુણોથી જ પ્રાપ્ત થયેલ હતી, માટે જ તેનું સામ્રાજ્ય ભવ્ય હતું.

રાવણના મહેલમાં શોધ્યા તો પણ જનકનંદીની ન મળ્યા, ‘મંદિર મહુઁ ન દીખી બૈદેહી‘. અહીં બાબાજીએ માતા જાનકીજી માટે ‘બૈદેહી’ શબ્દનો પ્રયોગ ખૂબ ચતુરાઇપૂર્વક કર્યો છે. જ્યારે સીતાજી ક્યાંય ન દેખાયા એટલે કદાચ તેઓએ રાવણનો સ્વીકાર ન કર્યો હોય અને રાવણે તેનો વધ કરી દીધો હોય અથવા પ્રભુ શ્રીરામના વિયોગે પણ દેહરહિત-વિદેહી થઈ ગયા હોય, તેવા ભાવ સાથે ‘બૈદેહી’ શબ્દનો પ્રયોજવામાં આવેલો હોઇ શકે.

અગાઉ આપણે લોકોની ભૌતિકતા અને બાહ્ય સુંદરતાને પામવાની આંધળી દોટ તથા તેની સામે આંતરિક સૌંદર્યનું મહત્વ અને પૈસાને સ્પર્શ ન કરવો, સ્ત્રીઓનું મુખ ન જોવું વગેરે દંભની વાતો વિશે અગાઉ જોયું હતું (શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૦ | મનની પવિત્રતાનો મહિમા | Sundarkand | सुंदरकांड – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-020/). લંકા વર્ણન – ૨ (ભાગ – ૩૦) – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-030/માં ગોસ્વામીજીએ લંકાનું ટૂંકમાં વર્ણન કેમ કર્યું હતું, તેનુ કારણ પણ જોયુ હતું. તો પછી આગળના ભાગમાં રાવણ સિવાયના અન્ય રાક્ષસોના અંત:પુર અને આ લેખમાં રાવણના અંત:પુરનું આટલું લાંબુ અને કહેવાતા દંભી સમાજમાં જેની ખુલીને ચર્ચા થતી નથી, તેવું વર્ણન અહીં કેમ કરવામાં આવ્યું? તેવો પ્રશ્ન ઉદ્‌ભવવો સ્વાભાવિક છે.

આપણે ઘણી એવી જગ્યા, ખાસ કરીને ધર્મસ્થળોએ જઇએ છીએ, જ્યાં પૈસાને હાથ અડાડવામાં આવતો નથી. એક કવર આપે તેમાં ભેટ(પૈસા કે તેને સમકક્ષ) મુકીએ એટલે આખુ કવર ઉપાડે એટલે કે પૈસાને સ્પર્શ ન કરે, પરંતુ સ્વીકાર કરી લે. સંતશ્રી બેઠા હોય તે રૂમમાં સ્ત્રીઓને પ્રવેશની મનાઇ હોય કારણ કે તેઓ સ્ત્રીનું મુખ જોતા નથી હોતા. આ કાલ્પનિક નથી, મારા સ્વાનુભવ સાથે લખી રહ્યો છું. અહીં લંકાના અંત:પુરના આટલા લાંબા અને કહેવાતા સભ્ય સમાજમાં જેની ખુલીને વાત નથી થતી કે આવા શબ્દો સામાન્ય રીતે બોલાતા નથી, તેવા સ્પષ્ટ શબ્દોમાં વર્ણન કરવાનો આશય ફક્ત એટલો જ છે કે એક સાચો, ફક્ત સારો જ નહી, મેસેજ આપવો હતો. એકવાર મન શાંત કરી જરા વિચારો, આ વર્ણન કોણે કરેલું છે અને કોની દ્રષ્ટિએ કરવામાં આવેલ છે? આ વર્ણન મહર્ષિ વાલ્મીકીજીએ કરેલું છે. આ વર્ણનમાં હું તો શું લખી શકું? શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં વાંચજો, અહીં કરેલા વર્ણન કરતા અતિસુંદર રીતે નિરુપણ કરવામાં આવેલું છે. અહીં તો ઝલક માત્ર છે. આ વર્ણન કરનારા એક સંત હતા અને આપણે માનીએ છીએ તેમ રામાયણ સમકાલિન હતા. બીજુ, આ વર્ણન કોની દ્રષ્ટિએ કરવામાં આવેલ છે? બાલબ્રહ્મચારી શ્રીહનુમાનજીની નજરે જોયેલી લંકાનું વર્ણન છે. આવું જોવા છતાં તેઓનું બ્રહ્મચર્ય ખંડિત નથી થતું, તેઓને કોઇ પાપ નથી લાગતું કારણ કે તેઓનું મન શુદ્ધ છે.

મનો હિ હેતુ: સર્વેષામિન્દ્રિયાણાં પ્રવર્તને શુભાશુભાસ્વવસ્થાસુ તચ્ચ મે સુવ્યવસ્થિતમ્‌

અર્થાત સઘળી ઇન્દ્રિયોને શુભ-અશુભ કાર્યમાં જોડાવાની પ્રેરણા આપવા માટે આપણું મન જ જવાબદાર છે. અહીં શ્રીહનુમાનજી કહે છે કે મારું મન તો પૂર્ણપણે પ્રભુકાર્યના હેતુમાં સુસ્થિર જ હતું, તેઓનું મન માતા જાનકીજીની શોધમાં જ હતું. તેઓના મનમાં ક્યાંય રાગ કે દ્વેષ ન હતા, માટે પરસ્ત્રીદર્શન તેઓ માટે ધરમનો લોપ કરનારું બનતું નથી. બસ મનમાં કચરો ભરેલો ન હોવો જોઇએ. મન નિર્મળ હોવું જોઇએ. અગાઉ પણ આપણે જોઇ ગયા છીએ કે પાશ્ચાત દેશોમાં શરીર ઉપર કપડા ભલે ઓછા જોવા મળે, પરંતુ તેઓનું મન સંશોધનો કરી શકે તેટલું સ્વચ્છ હોય છે. તેઓ જ નવી-નવી શોધો કરી શકે છે અને દુનિયા ઉપર, દરેક લોકોના દિલોદિમાગ ઉપર, રાજ પણ કરે છે. આપણને તેઓની બ્રાંડનું નામ મોઢે જ હોય અને તે ખરીદવી આપણું સ્વપ્ન પણ હોય છે. કહેવાતા સભ્ય સમાજ અને પાખંડી ધાર્મિકતાના નેજા હેઠળ કપડા ભલે આખું શરીર ઢાંકતા પહેરાવામાં આવતા હોય, પરંતુ મનની શુદ્ધતા ઘટે છે.

પૈસાને ન અડવા, સ્ત્રીનું મુખ ન જોવું વગેરે-વગેરે પણ જો અંગત માન્યતા હોય તો દરેકને પોતાની માન્યતા મુજબ જીવવાની છુટ છે, પરંતુ દંભ ખોટો છે. મનમાં ભરેલી આ વિકૃતી જ ત્રણ વર્ષની અબુધ દિકરીનો રેપ કરી શકે, તેની હત્યા કરી શકે. આ વિકૃતી આપણા માટે ઘાતક છે. જ્યાંસુધી સંસારમાં રહીને વૈરાગ્ય નહી આવે, ત્યાંસુધી ભક્તિની પ્રાપ્તિ ન થાય.

આપણા મોટા ભાગના ભગવાન સાંસારિક જ છે, દરેક પાસે હથિયાર પણ હતું જ. આપણા ધર્મગ્રંથો ખૂબ જ  વિશાળ અને ગુઢ દ્રષ્ટિકોણ સાથે લખાયેલા છે, આ સંકુચિતતા તો આપણી ઊભી કરેલી છે. આપણા ધર્મગ્રંથો, સાહિત્ય કે શિલ્પોમાં ક્યાંય છોછ નથી, વિકૃતતા તો આપણો સ્વભાવ બનતો જાય છે. મન વિશુદ્ધ રાખો, બધુ શુદ્ધ અને સુંદર જ છે. મનને સમજાવે કોણ? મનમાં ઇચ્છા-તૃષ્ણાઓ સતત રહે જ છે. કોઇ ઘરબાર, ધન-દોલત, સંપતિ-સંતતિ-સંસાર બધુ ત્યાગીને સાધુ થઇ જાય છે, પરંતુ આ બધુ ત્યાગ્યા પછી પણ શ્રીતુલસીદાસજીએ કહ્યું છે તેમ –

કનક તજ્યો કામીની તજ્યો, તજ્યો ધાતુકો સંગ; તુલસી લઘુ ભોજન કરી, જીવે માન કે રંગ.

આવા સાધુ ધન ત્યજી દે છે, કામીની (સંસાર) ત્યજી દે છે, ધાતુ અર્થાત માંગવાનું વાસણ સુધ્ધા ત્યજી દે છે. તે અલ્પાહારી થઈ જાય છે પણ માનના રંગે જીવે છે; કોઇક મને પુજે, કોઇક મને પગે લાગે, કોઇક મને માન આપે. શ્રીહનુમાનજી આ બધાથી પર હતા. જેમનું મન આટલું નિર્મળ હોય, તેના માટે પરસ્ત્રીદર્શન ધર્મમાં બાધક ન બને. આપણે તો અનેકાનેક ઇચ્છા, તૃષ્ણા, કામનાઓ સાથેના પામર જીવો છીએ, માટે કોઇ ઢોંગ કે દંભ કરવાને બદલે મન નિર્મળ કરવા, પરમપદને પામવા સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ. લંકાના અંત:પુરનું વર્ણન હું તો શું કરી શકું? મૂળ શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણ વાંચશો તો આનાથી અનેકગણું સુંદર વર્ણન આપવામાં આવેલું છે. આજની કથાને મનને નિર્મળ કરવાના સુંદર વિચાર અને નિશ્ચય સાથે વિરામ આપીએ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૧ | શ્રીહનુમાનજીનો લંકા પ્રવેશ । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૪૦, પ્રભુકૃપાનો અપાર મહિમામાં (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-040/) આપણે પ્રભુ કૃપાથી જીવનમાં દરેક વસ્તુ સરળ થઇ જાય છે અને વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ થઈ જતો હોય છે, તે જોયુ હતું. આ બાબતના શ્રીસુંદરકાંડમાં આગળની ચોપાઈમાં વર્ણવેલા દરેક મુદ્દાઓને ઉદાહરણો સાથે જોયા હતા. અહીં લંકિની સાથેના શ્રીહનુમાનજીના મેળાપની કથા પૂર્ણ થાય છે. લંકિનીની આ સત્‌સંગના મહત્વ, પ્રભુકૃપાનો પ્રતાપ અને બ્રહ્માજીએ તેણીને આપેલી નિશાનીને, પોતાના માટે પણ બ્રહ્માજીનું વરદાન અને પ્રભુ ઇચ્છા સમજી આગળ વધે છે, ત્યારે બાબાજીએ માનસમાં લખ્યુ છે.

અતિ લઘુ રૂપ ધરેઉ હનુમાના । પૈઠા નગર સુમિરિ ભગવાના

પછી શ્રીહનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કર્યું અને ભગવાનનું સ્મરણ કરીને નગરમાં પ્રવેશ કર્યો.

પહેલા શ્રીહનુમાનજીએ મસક સમાન એટલે કે મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું હતું અને લંકામાં પ્રવેશ જ કરવા જઇ રહ્યા હતા કે, લંકિનીના પ્રસંગમાં આપણે શ્રીહનુમાનજીએ મહાકપિ એટલે કે ફરીથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, સત્‌સંગનો મહિમા અને પ્રભુ શ્રીરામની કૃપાનું મહાત્મય જોયું હતું. હવે શ્રીહનુમાનજીએ અગાઉ નક્કી કર્યું હતું તેમ ફરીથી નાનું રૂપ ધારણ કરી રહ્યા છે, ‘અતિ લઘુ રૂપ ધરેઉ હનુમાના’ અને પછી ‘પૈઠા નગર સુમિરિ ભગવાના’ અર્થાત ભગવાનનું સ્મરણ કરીને નગરમાં પ્રવેશ કર્યો. અગાઉ બાબાજીએ ‘લંકહિ ચલેઉ સુમિરિ નરહરિ’ એવું લખ્યુ હતું, તેની વિગતો જોઇ હતી. ભક્તની રક્ષા કાજે નૃસિંહ અવતારનું સ્મરણ કર્યું હતું. લંકામાં પ્રવેશ પછી તો ખબર નહી કેવી-કેવી વિદ્યા, શક્તિ કે કૃપાની જરૂર પડશે. જ્યારે કંઇ ન સમજાય ત્યારે આપણે કહિએ છીએ ને કે, ભગવાન જાણે. ભગવાનની વ્યાખ્યા બહુ વિસ્તૃત છે. ક્યારેક અનુકૂળતાએ શક્ય હશે તો આવરી લઇશું, પરંતુ અત્યારે એટલું સમજીએ કે “તમામ ઐશ્વર્ય , ધર્મ, યશ, કિર્તી, લક્ષ્મી, જ્ઞાન અને  વૈરાગ્યથી યુક્ત તથા ઉત્પતિ, પ્રલય, પાલન, ગતિ અને તમામ વિદ્યા તથા અવિદ્યાને જાણનારા ભગવાન”ને યાદ કરી, શ્રીહનુમાનજીએ લંકામાં પ્રવેશ કર્યો. લંકામાં પ્રવેશીને પહેલું કામ શું કર્યું?

મંદિર મંદિર પ્રતિ કરી સોધા દેખે જહઁ તહઁ અગનિત જોધા

શ્રીહનુમાનજીએ પ્રત્યેક મહેલમાં તપાસ કરી. આ મહેલોમાં તેઓએ જ્યાં-ત્યાં અસંખ્ય યોદ્ધાઓ જોયા.

મંદિર મંદિર પ્રતિ કરી સોધા’ અર્થાત પ્રત્યેક મહેલમાં તપાસ કરી. આટલું વાંચતા જ બે પ્રશ્નો ઉદ્‌ભવે, ૧) સંપાતિએ કહ્યુ હતું કે માતા જાનકીજી અશોકવાટીકામાં વૃક્ષ નીચે બેઠા છે, તો શ્રીહનુમાનજીએ પહેલા મહેલોમાં શોધ કેમ કરી હશે? ૨) મંદિર શબ્દનો અર્થ મહેલ ન કરીએ અને મંદિર જ રાખીએ, તો શ્રીહનુમાનજી માતા સીતાજીને મંદિરોમાં કેમ શોધવા ગયા હશે? પ્રશ્નો ઉદ્‌ભવ્યા છે, તો સમાધાન પણ જોઇએ.

પહેલા પ્રશ્નનું સમાધાન જોઇએ તો, સંપાતિએ સમુદ્રના પેલે પારથી જોઇને કહ્યુ હતું કે સીતાજી અશિકવાટીકામાં વૃક્ષની નીચે બેઠા છે, તેવું તે જોઇ શકે છે. સંપાતિ જોડે આ ચર્ચા થઈ, ત્યારે દિવસનો સમય હતો. શ્રીહનુમાનજીએ વિચાર્યું હશે કે દિવસના માતાજીને અશોકવાટીકા વગેરે જગ્યાએ બહાર રાખતા હશે. અત્યારે રાત્રીનો સમય છે, તો કદાચ હવે કોઇ મહેલમાં રાખવામાં આવ્યા હશે. આટલો ઐશ્વર્યવાન, પરાક્રમી અને ધનવાન રાજા એક સ્ત્રીને રાત્રે પણ અશોકવાટીકામાં વૃક્ષ નીચે જ રહેવા દે, તેવું તો વિચારી પણ કેમ શકાય? કદાચ આ કારણસર શ્રીહનુમાનજીએ પહેલા મહેલોથી માતા જાનકીજીની શોધ શરૂ કરી હોઇ શકે.

બીજા પ્રશ્નનું સમાધાન જોઇએ તો, શ્રીહનુમાનજી માતા સીતાજીને શોધવા મંદિરોમાં કેમ ગયા હશે? તો ચોર ચોરીનો માલ પોતાના ઘરમાં થોડો રાખે? જો રાખે તો પકડાઇ જવાનો ભય રહે. આવા તર્ક સાથે કદાચ માતાજીને કોઇ મંદિરમાં છુપાવ્યા હોઇ શકે, તેવી શંકાથી લંકાના મંદિરોથી શોધ શરૂ કરી હોય શકે. આમ પણ આજકાલ મંદિર જેવા પવિત્ર સ્થળોનો દુરુપયોગ થતા આપણે ઘણી વખત જોઇએ છીએ. મંદિર જેવા પવિત્ર સ્થાનની આડમાં નશીલા પદાર્થોનો વેપાર, ભ્રષ્ટાચારના નાણાની સુરક્ષિત આપ-લે, કાળાનાણાને ધોળા કરવાના હવાલા અને અન્ય ઘણા ગોરખધંધાના સમાચારો આપણે વાંચતા હોઇએ છીએ. આમ, શ્રીહનુમાનજીએ વિચાર્યું હોય કે રાવણે માતા સીતાજીને કોઇ મંદિરમાં છુપાવ્યા હોઇ શકે, જેથી કોઇને શક ન જાય અને તેઓએ મંદિરોથી શોધ શરૂ કરી હોઇ શકે.

શ્રીહનુમાનજી સાચા સંત હતા અને ભક્તિ સ્વરૂપા માતા જાનકીજીની શોધમાં નિકળ્યા હતા. ભક્ત ભક્તિની શોધ મંદિરમાં જ કરે ને! ભક્તિતો મંદિરમાં જ મળે ને! સાચા સંતની નજરે દરેક ઘર મંદિર જ હોય છે. આમ, શ્રીહનુમાનજીની નજરે દરેક ઘર મંદિર જ છે, તેથી આપણે અહીં મંદિરનો અર્થ મહેલ જ કર્યો છે. વળી, આગળ ગોસ્વામીજીએ લખ્યું છે, ‘દેખે જહઁ તહઁ અગનિત જોધા’ અર્થાત જ્યાં-ત્યાં અસંખ્ય યોદ્ધાઓ જોયા. મંદિરોમાં યોદ્ધાઓની બહું જરૂર ન હોય. અહીં તેઓના ઘરોની જ વાત કરવામાં આવેલ છે. રાક્ષસોના ઘરનું અને રાત્રીના સમયનું વર્ણન હોય, કહેવાતા આપણા સભ્ય સમાજમાં તેની બહું વિગતવાર ચર્ચા થતી હોતી નથી. ગોસ્વામીજીએ બહું સભ્ય ભાષામાં અને ખૂબ જ ટૂંકમાં કહી દીધુ કે મહેલોમાં શ્રીહનુમાનજીએ ઘણા યોદ્ધાઓને જોયા. આ બાબતે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં રાત્રીના સમયે મહેલોની અંદરનું વિગતવાર વર્ણન કરવામાં આવેલું છે. અગાઉ છંદના માધ્યમથી શ્રીગોસ્વામીજીએ લંકાનું વર્ણન કર્યું હતું ત્યારે પણ શ્રીગોસ્વામીજીએ લખ્યું હતુ, ‘એહિ લાગિ તુલસીદાસ ઇન્હ કી કથા કછુ એક હૈ કહી । રઘુબીર સર તીરથ સરીરન્હિ ત્યાગિ ગતિ પૈહહિં સહી ॥’ અર્થાત શ્રીતુલસીદાસજીએ લંકાનગરીના વર્ણનની કથા એટલા માટે કંઇક ટૂંકમાં જ કહી છે કારણ કે ચોક્કસ તેઓ બહુ જલ્દી શ્રીરામચંદ્રજીના બાણરૂપી તીર્થમાં શરીરોને ત્યાગીને પરમગતિને પામવાના છે. શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણના આધારે થોડું વર્ણન જોઇએ તો –

શ્રીહનુમાનજીએ કમળ, સ્વસ્તિક વગેરે વિવિધ આકારના મહેલો જોયા. જેમાં કોઇ રાક્ષસો લલકાર અને ગર્જના કરી રહ્યા હતા, તો ઘણા મંત્રજાપ કરી રહ્યા હતા. અમૂક સ્વાધ્યાયમાં તત્પર હતા, તો અમૂક રાવણની સ્તુતિ કરી રહ્યા હતા. કેટલાક જાડા, કેટલાક પાતળા, કેટલાક લાંબા તો કેટલાક ઠીંગણા હતા. કેટલાક કદરૂપા તો કેટલાક બહુરૂપી હતા. કેટલાકે અસ્ત્રો ધારણ કરેલા હતા, કેટલાકે શસ્ત્રો ધારણ કરેલા હતા, તો કેટલાકે શક્તિ અને વૃક્ષોરૂપી આયુધ ધારણ કરેલ હતા.

રાત્રીનો સમય હતો અને મહેલોની અંદરનું વર્ણન છે, તો શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં લખ્યું છે કે મહેલોમાં શ્રીહનુમાનજીએ રાક્ષસો અને સાથે તેની સ્ત્રીઓને પણ જોઇ. આ રાક્ષસ સ્ત્રીઓ સુંદર હતી અને તેઓના ભાવ વિશુદ્ધ હતા. ઘણી સ્ત્રીઓના મન પ્રિયતમમાં અને મધુપાનમાં આસક્ત હતા. ઘણી લજ્જાળુ સ્ત્રીઓ અડધી રાત્રીના સમયે પોતાના પતિના આલિંગન પાશમાં જકડાયેલી હતી. ઘણી ધર્મપરાયણ વિવાહિતા સ્ત્રીઓ કામભાવનાથી ભાવિત હતી અને પોતાના પ્રિયતમના ખોળામાં સુખપૂર્વક બેઠેલી હતી. અમૂક સ્ત્રીઓ પ્રિયતમનો સંયોગ પામીને અત્યંત પ્રસન્ન જણાતી હતી, તો અમૂક પતિ-વિયોગિનીઓ ચન્દ્રમા જેવા શ્વેત વર્ણની દેખાતી હતી. નાયિકાઓ પોતાના અંગોમાં ચંદન વગેરેનો લેપ કરી રહી હતી, તો બીજી અમૂક સ્ત્રીઓ પ્રણય-કલેશથી રોષે ભરાઇને ઊંડા શ્વાસ ખેંચી રહી હતી.

ત્યારબાદ શ્રીહનુમાનજી લંકાના સાતમાળિયા ભવનોમાં પહોંચી ગયા. આ ભવનો ધન-વૈભવથી સંપન્ન અને રાવણના કુટુંબીજનોના જણાતા હતા. શ્રીહનુમાનજી પહેલા તો પ્રહસ્તના ઘરમાં, ત્યારબાદ મહાપર્શ્વના, કુંભકર્ણના અને ત્યારબાદ ક્રમશ: મહોદર, વિરૂપાક્ષ, શુક, સારણ, ઇન્દ્રજિત, જાંબુમાલિ અને સુમાલિ વગેરેના ઘરોમાં પહોંચી ગયા. આમ, બહું બધા યોદ્ધાઓ અને તેના અંત:પુરમાં તપાસ કરી, પરંતુ હંમેશા પ્રભુ શ્રીરામના ચરણોમાં રત, પ્રભુ શ્રીરામના પ્રેમથી પરિપૂર્ણ, હંમેશા સનાતન માર્ગ પર સ્થિત રહેનારા જનકનંદીનીને ક્યાંય ન ભાળ્યા. આ બધા મહેલોમાં માતાજીને ન જોતા –

ગયઉ દસાનન મંદિર માહીં અતિ બિચિત્ર કહિ જાત સો નાહીં

સયન કિએં દેખા કપિ તેહી મંદિર મહુઁ ન દીખી બૈદેહી

શ્રીહનુમાનજી ત્યારબાદ રાવણના મહેલમાં ગયા. તે અત્યંત વિચિત્ર હતો, તેનું વર્ણન થઈ શકતું નથી. શ્રીહનુમાનજીએ રાવણને સુતો જોયો; પરંતુ તે મહેલમાં પણ જાનકીજી જોવામાં ન આવ્યા.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ, રાવણના મહેલના અંદરના વર્ણનની કથાથી આવતા અંકની આગળની કથા જોઇશુ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૦ | પ્રભુકૃપાનો અપાર મહિમા । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૩૯ (શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૯ | સીયા રામમય સબ જગ જાની । Sundarkand | सुंदरकांड – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-039/)માં ભગવાન આપણને જીવનમાં જે કંઇ કરવાનું હોય, તેનો સંદેશો કોઇને કોઇ સ્વરૂપે આપી જ દેતા હોય છે. બસ, આપણે સમજી શકવા જોઇએ, તે બાબત સીયા રામમય સબ જગ જાની । કરહું પ્રનામ જોરી જુગ પાની ॥ ચોપાઈના માધ્યમથી સમજ્યા હતા. ત્યારબાદ લંકામાં પ્રવેશી શ્રીહનુમાનજીએ ક્યા બધા કાર્યો કરવાના હતા? અને આ બધા કાર્યો કરતી વખતે હૃદયમાં અયોધ્યાપતિ શ્રીરામચંદ્રજીનું સ્મરણ રાખવાનું તથા પ્રભુ કૃપાથી અઘરામાં અઘરું કામ પણ સરળ થઈ જાય છે અને વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે છે, ત્યાંસુધીની કથા જોઇ હતી. પ્રભુ કૃપાથી શું સરળ થઈ જાય અને કેવી વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે, તેના સુંદર ઉદાહરણો બાબાજીની શ્રીસુંદરકાંડની ચોપાઇઓમાં જ આપેલ છે, ત્યાંથી આજની સુંદર કથાની શરૂઆત કરીએ.

ગરલ સુધા રિપુ કરહિં મિતાઈ ગોપદ સિંધુ અનલ સિતલાઈ

ગરુડ સુમેરુ રેનુ સમ તાહી । રામ કૃપા કરિ ચિતવા જાહી

જેમાં પહેલુ આવે છે, ‘ગરલ સુધા’ અર્થાત વિષ અમૃત સમાન થઈ જાય છે. ૧) સુરસા એટલે કે નાગોની માતા, જેને વિષ સમાન ગણી શકાય. જે શ્રીહનુમાનજીનું ભક્ષણ કરવા આવી હતી અને પ્રભુકૃપાથી અમૃત સમાન થઈ ગઈ એટલે કે – રામ કાજુ સબુ કરિહહુ તુમ્હ બલ બુદ્ધિ નિધાન આસિષ દેઇ ગઈ સો હરષિ ચલેઉ હનુમાન – શુભ આશીર્વાદ આપીને ગઈ. ૨) અન્ય વિષ કે ઝેર તો ઔષધિ વગેરેથી પણ શાંત કરી શકાય, પરંતુ મેઘનાદનું બ્રહ્માસ્ત્રરૂપી વિષ પણ પ્રભુકૃપાથી જ અમૃત સમાન થઈ ગયું અને શ્રીહનુમાનજીને રાવણની સામે અમૃત સમાન વાણી વહાવવાનો અવસર પ્રાપ્ત થયો તથા લંકાદહન રૂપી પરાક્રમથી તેઓ અમર થઈ ગયા. ) રાણાએ એક વાર મીરાંબાઇને એક ટોપલામાં ભયંકર ઝેરી સાપ મોકલ્યો અને કહેવડાવ્યું કે, “આમાં તમારા ઠાકોરજી માટે ફૂલોની માળા છે.” મીરાંબાઇએ કરંડિયો ખોલ્યો અને નાગ નહિ પણ સાચેસાચ ફૂલોની માળા જ નીકળી. આ માળા મીરાએ શ્રીકૃષ્ણના ગળામાં પહેરાવી અને ભજન ગાયું હતું કે, પાયોજી મૈને રામ રતન ધન પાયો.. ૪) એક વાર રાણાએ દાસી મારફતે મીરાંબાઇને પ્રભુના પ્રસાદના નામે ઝેરનો કટોરો પણ મોકલાવ્યો હતો. મીરાંબાઇ અમૃત જાણીને એ ઝેર પી જાય છે અને ખરેખર તેને કંઇ થતું નથી. આ સમયે પણ મીરાંબાઇએ લખ્યું છે, ઝેરના કટોરા જ્યારે, રાણાજી મોકલે, તેના બનાવ્યા દૂધ-પાણી… પ્રભુકૃપાથી ‘ગરલ સુધા’ વિષ પણ અમૃત સમાન થઈ જાય છે, તેના આ બધા પ્રમાણ છે.

બીજું, “રિપુ કરહિં મિતાઇ” અર્થાત શત્રુઓ પણ મિત્રતા કરવા લાગે છે. ૧) લંકિની પહેલા શત્રુની જેમ વાત કરે છે કે મને જાણતો નથી? મને પુછ્યા વગર કેમ લંકામાં પ્રવેશ કરી રહ્યો છે? અને અંતે? પ્રબિસિ નગર કીજૈ સબ કાજા હૃદય રાખિ કોસલપુર રાજા લંકામાં પ્રવેશ કરવાનું અને પ્રભુ શ્રીરામના સર્વે કાર્યો કરવાનું કહે છે. ૨) સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો, વિભીષણ રાવણનો ભાઈ એટલે સીધી રીતે તો દુશ્મન જ થયો. તેઓ પણ પ્રભુકૃપાથી શ્રીહનુમાનજીના મિત્ર બની ગયા અને માતા સીતાજીની શોધમાં સહાયક પણ બન્યા. આમ, પ્રભુકૃપા હોય તો શત્રુ પણ મિત્રતા કરી લેતો હોય છે.

ત્રીજું, “ગોપદ સિંધુ” અર્થાત સમુદ્ર ગાયની ખરીથી પડેલા ખાડા સમાન થઈ જાય છે. ૧) આટલા મોટા ચારસો યોજનના અફાટ સમુદ્રને પાર કરવા ભલભલા વાનરવીરો પણ અસમર્થ હતા, ત્યારે પ્રભુકૃપાથી તે શ્રીહનુમાનજી માટે ગાયની ખરીથી પડેલા ખાડા જેવડો થઈ ગયો. અહીં સમુદ્રનો વિસ્તાર નાનો નહોતો થયો, પરંતુ તેને પાર કરવો સરળ થઈ ગયો હતો, પ્રભુકૃપાથી શ્રીહનુમાનજીનું સામર્થ્ય વધી ગયુ હતું. જેમ આપણે બજારમાં જઇએ અને ગાય કે અન્ય પ્રાણીઓની ખરીથી પડેલા ખાડામાં પાણી ભરાયું હોય, તો કેમ સહજતાથી પાર કરી આગળ વધી જઇએ છીએ, તેમ સમુદ્ર પાર કરવો શ્રીહનુમાનજી માટે આટલો જ સરળ થઈ ગયો. અગાઉ આપણે જોયું હતું, બારિધિ પાર ગયઉ મતિધીરા” (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-027/) – શ્રીહનુમાનજીને કોઇ થાક નહોતો લાગ્યો કે તેઓને લાંબો શ્વાસ પણ નહોતો લેવો પડતો. સમુદ્ર ઓળંગવા છલાંગ મારતી વખતે તેઓ જેટલા સામાન્ય હતા, તેટલા જ સમુદ્ર ઓળંગીને સામે પાર ઉતર્યા બાદ પણ સામાન્ય દેખાતા હતા. તેઓના મુખ પર લગીરે થાક વરતાતો ન હતો. ૨) રાવણનું પરાક્રમ પણ સમુદ્ર સમાન જ હતું, “મમ ભુજ બલ સાગર જલ પુરા”. રાવણનું આ અપાર બળ, અક્ષકુમાર અને મેઘનાદ જેવા મહાબળવાન યોદ્ધાઓ તથા લંકાના કરોડો સૈનિકોરૂપી મહાસાગર પણ શ્રીહનુમાનજી માટે તુચ્છ થઈ ગયો હતો.

ચોથું, “અનલ સિતલાઈ” અર્થાત અગ્નિ પણ શીતળ થઈ જાય છે. ૧) પહેલા તો સુંડરકાંડનું જ બહુ સુંદર ઉદાહરણ આપણી સામે છે. લંકામાં રક્ષકોએ શ્રીહનુમાનજીનું પુછડુ સળગાવ્યું, તેનાથી તેઓ ન બળ્યા અને શ્રીહનુમાનજીએ આખી લંકા બાળી ત્યારે તેઓ પોતે અને વિભીષણનું ઘર નહોતુ બળ્યુ. બસ પ્રભુ કૃપા હોવી જોઇએ. શ્રીહનુમાનજી કેમ નહોતા બળ્યા? તે માટે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં લખ્યુ છે કે, “યદ્યસ્તિ પતિશુશ્રુષા યદ્યસ્તિ ચરિતં તપ: યદિ વાસ્ત્યેકપત્નીત્વં શીતો ભવ હનૂમત: અર્થાત માતા સીતાજી પ્રાર્થના કરે છે કે, જો મેં પતિની સેવા કરી હોય, જો મેં તપસ્યા કરી હોય, જો હું એકમાત્ર પ્રભુ શ્રીરામની જ પત્ની છું, તો હે અગ્નિ! શ્રીહનુમાનજી માટે આપ શીતળ થઈ જાઓ. ૨) પ્રહલાદની વાર્તા પણ આપણે જાણીએ જ છીએ. હિરણ્યકશિપુને ચાર પુત્રો હતા. સૌથી નાના પુત્રનું નામ હતું, પ્રહલાદ. પ્રહલાદ અસુર કુળનો હતો, છતાં પણ ભગવાન વિષ્ણુનો મોટો ભક્ત હતો. પ્રહલાદ ભગવાન વિષ્ણુની પૂજા કરે, એ વાત તેના પિતાને જરાય પસંદ ન હતી. તેમણે પ્રહલાદને ઘણો સમજાવ્યો કે એ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું છોડી દે, પણ પ્રહલાદ માન્યો જ નહીં. હિરણ્યકશિપુ પોતાના બાળકને પાઠ ભણાવવા માંગતો હતો. તેમણે પ્રહલાદને મારી નાખવાનો વિચાર કર્યો. પ્રહલાદને મારવા માટે તેણે પોતાની બહેન ‘હોલીકા’ની મદદ લીધી. હોલીકાને ભગવાન શંકર પાસેથી વરદાનમાં એક ચુંદડી મળેલ હતી. જેને ઓઢવાથી અગ્નિ પણ તેણીને બાળી નહોતી શકતી. હિરણ્યકશિપુએ એક હોળી તૈયાર કરાવી અને હોલીકા વરદાનમાં મળેલ ચુંદડી ઓઢીને, પ્રહલાદને ખોળામાં લઈને હોળી ઉપર બેસી ગઈ. સૈનિકોએ હોળી પેટાવી. હરિકૃપાથી ચુંદડી ઉડીને પ્રહલાદને વિંટળાઈ ગઈ અને હોલીકા પોતે જ બળી ગઈ, જ્યારે આ હોળી પ્રહલાદ માટે ફૂલોના ઢગલા સમાન બની ગઈ. રામ રાખે તેને કોણ ચાખે?

પાંચમું, “સુમેરુ રેનુ સમ તાહી” અર્થાત વિશાળ સુમેરુ પર્વત પણ રજકણ સમાન થઈ જાય છે. માનસમાં ઘણા ઉદાહરણ છે, જ્યાં મોટા-મોટા પર્વતો રજકણ સમાન થઈ જાય છે. ૧) “જેહિ ગિરિ ચરન દેઇ હનુમંતા ચલેઉ સો ગા પાતાલ તુરંતા . જેવો શ્રીહનુમાનજીએ સમુદ્ર પાર કરવા પર્વત ઉપર પગ દબાવી કુદકો માર્યો કે મહેન્દ્રાચલ તુરંત જ પાતાળમાં જતો રહ્યો. ૨) જ્યારે લંકામાં યુદ્ધ દરમ્યાન શ્રીલક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા અને શ્રીહનુમાનજી સંજીવની જડીબુટ્ટી લેવા જાય છે, ત્યારે તે પર્વત ઉપર વિવિધ પ્રકારની ઔષધિઓ હોય, આખો પર્વત જ ઉઠાવીને લઈ આવે છે. ત્યારે માનસમાં લખ્યું છે કે “દેખા સૈલ ન ઔષધ ચીન્હા સહસા કપિ ઉપારિ ગિરિ લીન્હા ॥ ) રાવણનું અભિમાન પણ બહુ વધુ હતું, સુમેરુ પર્વત જેટલું હતું, “સહિત પ્રાન કજ્જલ ગિરિ જૈસા”. જેનો માન-ભંગ અને લંકાદહન શ્રીહનુમાનજી માટે ધૂળ ઉડાડવા સમાન સહજ થઈ ગયા.

આમ, પ્રભુકૃપાથી કે પ્રભુની દયાદ્રષ્ટિથી દરેક વસ્તુ સહજ થઇ જાય છે. (https://youtu.be/df829wbPXvI) પ્રભુની કૃપા દ્રષ્ટિ માટે ભક્તિ કરવી પડે, સત્‌સંગ કરવો પડે. https://youtu.be/6ogfV7IHtlU લંકિની લંકામાં પ્રવેશી સર્વે કાર્યો કરવાનું કહે છે, તેને બ્રહ્માજીનું વરદાન જ જાણી, શ્રીહનુમાનજી ત્યાંથી આગળ વધે છે. આજની કથાને અહીં વિરામ આપીએ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૯ | સીયા રામમય સબ જગ જાની । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૩૮ (શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૮ | સત્‌સંગનું મહત્વ – ૩ । Sundarkand | सुंदरकांडhttp://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-038/ )માં આપણે સત્‌સંગના પ્રકારો, સત્‌સંગથી  લંકિનીને શું પ્રાપ્ત થયું? તપ કરતા પણ સત્‌સંગ શ્રેષ્ઠ છે, એક લવ એટલે કેટલો સમય? અને ભગવાન આપણને જીવનમાં જે કંઇ કરવાનું હોય, તેનો સંદેશો કોઇને કોઇ સ્વરૂપે આપી જ દેતા હોય છે. બસ, આપણે સમજી શકવા જોઇએ, ત્યાંસુધીની કથા જોઈ હતી. હવે આ જ બાબત વધુ સારી રીતે સમજવા આજની આ સુંદર કથાની શુભ શરૂઆત ગોસ્વામીજીની એક સુંદર ચોપાઈથી કરીએ. ગોસ્વામીજી એક દિવસ તેઓના આશ્રમે ચોપાઇ લખી રહ્યા હતા. તેઓએ એક સુંદર ચોપાઇ લખી –

સીયા રામમય સબ જગ જાની કરહું પ્રનામ જોરી જુગ પાની

આખી સૃષ્ટિને, આખા સંસારને, તમામ જડ-ચેતનને રામમય જાણી, આ બધામાં ભગવાનનો વાસ છે, તેમ માની તમામને બે હાથ જોડીને વંદન કરું છું.

આ ચોપાઇ લખ્યા બાદ બાબાજી આશ્રમેથી ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં એક બાળક મળ્યું. બાળકે બાબાજીને કહ્યુ, મહાત્માજી! આપ આ રસ્તેથી ઘરે ન જાઓ. આ રસ્તે આગળ એક આખલો ગાંડો થયો છે અને બધાને મારી રહ્યો છે. વળી આપે તો લાલ જેવા રંગના કપડા પહેર્યા છે, માટે આપ તો આ રસ્તે બિલકુલ જતા જ નહી. શ્રીતુલસીદાસજીએ વિચાર્યું કે, આ બાળકને શું ખબર પડે? મેં હમણા જ ચોપાઈ લખી છે કે દરેક જીવમાં ભગવાન રહેલા છે. તે આખલામાં પણ એ જ ભગવાન બેઠા છે ને? તેને બે હાથ જોડીને વંદન કરીશ, આગળ જવા દેવા વિનંતી કરીશ અને શાંતિથી નિકળી જઇશ. તેમાં ડરવાનું શું હોય? જેવા ગોસ્વામીજી આગળ વધ્યા કે પેલા ગાંડા આખલાનો સામનો થયો. બાબાજીએ તેને બે હાથ જોડીને વંદન કર્યા, તેની સામે ઉભા રહી આગળ જવા દેવા વિનંતી કરી અને જેવા આગળ નિકળવા ગયા કે આખલાએ જોરથી લાત મારી. ગોસ્વામીજી પડી ગયા અને ખરાબ રીતે ઘાયલ પણ થઈ ગયા.

ગોસ્વામીજી ત્યાંથી ઉભા થઈને ઘરે જવાને બદલે સીધા આશ્રમ પહોંચ્યા અને પેલી ચોપાઈને ફાડવા ગયા કે શ્રીહનુમાનજી પ્રસન્ન થઈ ગયા. શ્રીહનુમાનજીએ કહ્યુ કે અરે! અરે! મહાત્મન્‌! આ શું કરી રહ્યા છો? ગોસ્વામીજીએ કહ્યું કે મારાથી એક ખોટી ચોપાઈ લખાઇ ગઇ છે, તે ફાડી રહ્યો છું. શ્રીહનુમાનજીએ તેના હાથ પકડી લીધા અને કહ્યું, કંઇ ખોટી ચોપાઈ નથી લખાઇ, જે લખ્યુ છે તે સાચુ જ છે. ગોસ્વામીજીએ કહ્યુ કે આખલામાં મે ભગવાનનો વાસ જાણી તેને પ્રણામ કર્યા, તો પણ તેણે મને લાત કેમ મારી? શ્રીહનુમાનજી હસવા લાગ્યા અને શ્રીતુલસીદાસજીને સમજાવ્યું કે આપને આખલામાં ભગવાન દેખાયા પરંતુ તેની પહેલા મળેલા બાળકમાં પ્રભુ ન દેખાયા? પ્રભુ આપની પાસે બાળક સ્વરૂપે આવ્યા અને આપને પહેલા જ ચેતવ્યા હતા. તે સમયે આપે તેને ગણકાર્યું નહી, એટલે આ તકલીફ ભોગવવી પડી. આટલું સાંભળતા જ ગોસ્વામાજીના નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને તેઓ શ્રીહનુમાનજીના ચરણોમાં પડી ગયા. મિત્રો આપણને બધાને પણ ભગવાન દરેક વસ્તુનો સંદેશો આપે જ છે અને ચેતવે છે કે સમજાવે છે. બસ આપણે સમજી શકતા નથી એટલે દુ:ખી થઇએ છીએ.

આગળની કથાનો સંદર્ભ લઈએ તો, પ્રબિસિ નગર કીજૈ સબ કાજા ચોપાઈમાં સબ કાજા અર્થાત શ્રીહનુમાનજીએ ક્યા બધા કાર્યો કરવાના હતા, તેની વાત કરતા હતા. શ્રીહનુમાનજીએ ઘણાં કાર્યો કરવાના હતા જેવા કે, વિભીષણ સાથે મિલાપ, જનકનંદિનીની શોધ, અશોકવાટીકાને નષ્ટ કરવી, અક્ષકુમારનો વધ, લંકાને બાળવી તથા તેની રચના અને શસ્ત્રો વગેરેનો તાગ મેળવવો, રાવણનો માનભંગ કરવો તથા માતાજીને સાંત્વના આપી, તેઓની પાસેથી નિશાની મેળવી પ્રભુ શ્રીરામને આપવાની હતી. ભગવાને સુરસા અને લંકિની બન્ને મારફતે આ સંદેશો આપ્યો કે, હે હનુમાન! આપે આ બધા કાર્યો કરવાના છે.

એક સંતે એવો પણ મત વ્યક્ત કર્યો કે છે કે સર્વે કાર્યો મતલબ લંકિની એવું કહેવા માંગતી હતી કે આપના એક મુક્કાના પ્રહારથી હું લંકાનગરી અધમૂવી થઈ ગઈ છું. હવે પ્રભુના આવવાથી રાક્ષસોનો વિનાશ થશે અને અહીં ધર્મનું રાજ્ય સ્થપાશે. હવે મારી, લંકાનગરીની, લંકિની સ્વરૂપે નગરીની રક્ષા કરવાની આવશ્યકતા નહિ રહે. તો હું પૂર્ણ રીતે મૃત્યું પામવા માંગુ છું, આપ મારો અગ્નિસંસ્કાર વગેરે બધા કાર્યો પૂર્ણ કરજો. શ્રીહનુમાનજી આખી લંકાનગરીને બાળી દે છે, જે આપણે જાણીએ જ છીએ.

આ બધા કાર્યો કરતી વખતે લંકિની બીજું શું કરવાનું કહે છે? તો, હૃદય રાખી કોસલપુર રાજા અર્થાત હૃદયમાં અયોધ્યાપતિ શ્રીરામચંદ્રજીનું સ્મરણ રાખવાનું કહે છે. લંકિનીએ ભગવાનનું સ્મરણ કરતાં-કરતાં બધા કાર્યો કરવાનું કહ્યુ, તેના માટે ઘણા સુંદર તર્ક કરી શકાય. પહેલો, પ્રભુને હૃદયમાં રાખીને કોઇપણ કાર્ય કરીએ તો તે કાર્ય કરવાનું કર્મનું બંધન થતું નથી. તે કાર્ય નિષ્કામ કર્મ બની જાય છે અને આવા કર્મ માટે કોઇ દોષ લાગતો નથી. બીજો, અયોધ્યા પતિનું અર્થાત અયોધ્યાના ઐશ્વર્યનું સ્મરણ રહે, તો લંકાના ઐશ્વર્યથી મન વિચલિત ન થાય. ત્રીજો, ‘દેવ જચ્છ ગંધર્વ નર કિન્નર નાગકુમારિ જીતિ બરીં નિજ બાહુ બલ બહું સુંદર બર નારિ ’ અર્થાત રાવણ ત્રણેય લોકની સુંદરીઓને હરિ લાવતો હતો. લંકામાં ‘નર નાગ સુર ગંધર્બ કન્યા’ એટલે કે મનુષ્ય, નાગ, દેવો, ગંધર્વો, યક્ષો વગેરેની કન્યાઓ હતી. અને આ બધી કન્યાઓ કેવી હતી? તો ‘રૂપ મુનિ મન મોહહીં’ અર્થાત તેઓના રૂપ મુનિઓના મનને પણ મોહી લે તેવા હતા. ભલ-ભલા મુનિઓનો વૈરાગ્ય છૂટી જાય તેવી સુંદર આ સ્ત્રીઓ હતી. (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-029/) અહીં લંકિનીએ શ્રીહનુમાનજીને મુખ્યમંત્ર સમજાવ્યો કે પ્રભુને હૃદયમાં ધારણ કરી રાખો, તો આવા કોઇ વિઘ્નો આપને નડી નહીં શકે. લંકિની અયોધ્યાનાથ રાઘવેન્દ્રજીને હૃદયમાં ધારણ કરી, તેનું સતત સ્મરણ રાખી, નગરમાં પ્રવેશ કરવાનું અને આગળના તમામ કાર્યો કરવાનું કહે છે. અમારા ગુરુદેવ શ્રીવિશ્વંભરદાસજી હંમેશા “કામ કરતે રહો, પ્રભુ નામ જપતે રહો”નો મંત્ર આપે છે. સતત પ્રભુ સ્મરણ કરવામાં આવે, અવિરત પ્રભુ કૃપા કે પ્રભુની કૃપા દ્રષ્ટિ સતત રહે તો શું થાય?

ગરલ સુધા રિપુ કરહિં મિતાઈ ગોપદ સિંધુ અનલ સિતલાઈ

ગરુડ સુમેરુ રેનુ સમ તાહી । રામ કૃપા કરિ ચિતવા જાહી

હે ગરુડજી! શ્રીરામચંદ્રજી જેને એકવાર કૃપા કરીને જોઇ લે છે અથવા તો જેના ઉપર પ્રભુ શ્રીરામની કૃપાદ્રષ્ટિ હોય છે, તેની સાથે શત્રુ પણ મિત્રતા કરવા માંડે છે, વિષ અમૃત સમાન થઈ જાય છે, સમુદ્ર ગાયની ખરી જેટલો થઈ જાય છે, અગ્નિ શીતળ થઈ જાય છે અને સુમેરુ પર્વત રજકણ સમાન થઈ જાય છે.

પ્રભુ કૃપાથી બધુ જ સરળ થઈ જાય છે. ભગવાનની કૃપાદ્રષ્ટિથી અઘરામાં અઘરું કામ પણ સરળ થઈ જાય છે. વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે છે, જેમ કે – “મૂકં કરોતિ વાચાલં, પંગું લંઘયતે ગિરિમ્ । યત્કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ્ ॥” અર્થાત જેમની કૃપાથી મુંગા બોલતા થઈ જાય છે અને લંગડા ડુંગર ચઢી જાય છે, તેવા પરમ આનંદ સ્વરૂપ શ્રીમાધવને હું વંદન કરુ છું. આ પ્રસંગે મને સ્કુલની એક પ્રાર્થના – सूरज की गर्मी से जलते हुए – યાદ આવી ગઈ, જેમાં આ બાબત રોજ ગાતા હતા. થોડા શબ્દો યાદ કરીએ તો,

सूरज की गर्मी से जलते हुए तन को मिल जाये तरुवर की छाया,

ऐसा ही सुख मेरे मन को मिला है, मैं जब से शरण तेरी आया | मेरे राम ||

शीतल बने आग चन्दन के जैसी राघव कृपा हो जो तेरी,

उजयाली पूनम की हो जाये राते जो थी अमावस अँधेरी,

युग युग से प्यासी मुरुभूमि ने जैसे सावन का संदेस पाया,

ऐसा ही सुख मेरे मन को मिला है, मैं जब से शरण तेरी आया | मेरे राम ||

આવી જ રીતે અહીં પણ પ્રભુની કૃપાદ્રષ્ટિનું મહત્વ વર્ણવવામાં આવેલું છે. આપણા જીવનમાં પણ આવું જ બને છે, પરંતુ શ્રીસુંદરકાંડમાં તો શ્રીહનુમાનજીના કિસ્સામાં આ બાબત સિદ્ધ કરતા ઘણા પ્રસંગો અને પ્રમાણ ઉપલબ્ધ છે. આવા શ્રીહનુમાનજીના સુંદરકાંડમાં અને અન્ય થોડા પ્રમાણોની કથા આવતા અંકથી જોઇશુ, આજની કથાને અહીં વિરામ આપીએ છીએ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૮ | સત્‌સંગનું મહત્વ – ૩ । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૩૭ (શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૮ | સત્‌સંગનું મહત્વ – ૩ । Sundarkand | सुंदरकांड –  http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-037/)માં આપણે સત્‌સંગનું અવર્ણનીય મહત્વ સમજાવતો નારદજીનો એક સુંદર પ્રસંગ, પ્રભુ સત્‌સંગ કરનારને કેટલા વશ હોય છે તેનો શ્રીપ્રિયાદાસજીનો પ્રસંગ, સત્‌સંગનું મહત્વ અને પ્રભુકૃપા વગર સંત સમાગમ શક્ય નથી વગેરે કથા જોઇ હતી. હવે આજની કથાની શરૂઆત કરીએ.

છેલ્લા બે અંકમાં આપણે સત્‌સંગ વિશે ઘણી સુંદર વાતો જોઇ હતી. આપણે અગાઉ ઘણી વખત જોઇ ગયા તેમ, માનસ ઉપર રીસર્ચ કરનારાઓ વળી પ્રશ્નો બહુ ઉઠાવે. અહીં લંકિનીએ શ્રીહનુમાનજીને ચોર અને મૂર્ખ કહ્યા, શ્રીહનુમાનજીએ તેણીને એક મુક્કો માર્યો, તેણી લોહિની ઉલટી કરતી ચક્કર ખાઇને પડી ગઇ, તેમાં સત્‌સંગ ક્યાં આવ્યો? કોણે અને કેવો સત્‌સંગ કર્યો? શું સત્‌સંગ કર્યો? કે બાબાજીએ દોહામાં એવું લખ્યું કે, સ્વર્ગ અને મોક્ષના સઘળા સુખોને ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે, તો પણ તે સર્વે મળીને બીજા પલ્લામાં રાખવામાં આવેલા ક્ષણમાત્રના સત્‌સંગથી મળતા સુખોની બરાબર થઇ શકતા નથી. એવું તો લંકિનીને શું સુખ પ્રાપ્ત થઈ ગયું?

સત્‌સંગની વ્યાખ્યા બહું વિશાળ છે, તેમ સત્‌સંગના ઘણા પ્રકાર પણ છે. દર્શન સત્‌સંગ, સ્પર્શ સત્‌સંગ અને સમાગમ સત્‌સંગ. અગાઉ નારદજીવાળો પ્રસંગ જોયો હતો, (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-037/) તેમાં તેઓના દર્શનથી જીવને મુક્તિ મળી જતી હતી, તેને દર્શન સત્‌સંગ કહેવાય. અહીં શ્રીહનુમાનજીએ લંકિનીને મુક્કો માર્યો એટલે કે તેણીને શ્રીહનુમાનજીનો સ્પર્શ થયો, જેને સ્પર્શ સત્‌સંગ કહેવાય. આપણે સારા માણસોના સંગમાં જીવીએ કે સાચા સંતની નિશ્રામાં રહીએ, તેને સમાગમ સત્‌સંગ કહેવાય. સમાગમ સત્‌સંગના ઉદાહરણો જોઇએ તો, યાજ્ઞવલ્ક-ભરદ્વાજ સમાગમ, કાકભુશુંડિ-ગરુડ સમાગમ વગેરે વિશે આપણે જાણીએ છીએ.

લંકિનીનો શ્રીહનુમાનજી સાથે સત્‌સંગ થયો તેનું એક પ્રમાણ એ છે કે તેણીએ તરત જ પોતાની તામસ પ્રકૃતિ ત્યજી દીધી અને સાત્વિક પ્રકૃતિ ધારણ કરી લીધી. ભગવાનનું નામ લેવા લાગી, પ્રભુભક્તનો આદર કરવા લાગી. આનાથી મોટી સાબિતી બીજી શું જોઇએ? માનસમાં, શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં કે અધ્યાત્મ રામાયણમાં તો નથી લખ્યું, પરંતુ કોઇ સંશોધનકાર શોધી લાવ્યા છે કે, શ્રીહનુમાનજીએ લંકિનીના મસ્તક ઉપર મુક્કો માર્યો હતો. તે સાચુ છે કે ખોટું? તેની સાબિતીમાં ન પડીએ તો પણ કદાચ મસ્તક ઉપર જ મુક્કો માર્યો હોઇ શકે, કારણ કે આપણા વિચારો, આપણી લાગણી, આપણી સંવેદના, આપણી અનુભૂતિ વગેરે મગજમાં સમાયેલા હોય છે. આ મગજનું સ્થાન મસ્તિષ્કમાં હોય છે, માટે જેવો માથા ઉપર મુક્કો પડ્યો, મસ્તક ઉપર સંતનો સ્પર્શ થયો કે વિચારો બદલાઈ ગયા, વૃતિ બદલાઈ ગઈ. નમન પણ મસ્તક નમાવીને એટલે જ કરવામાં આવે છે અને માથા ઉપર હાથ મુકીને આશીર્વાદ કે સાંત્વના પણ એટલે જ આપવામાં આવે છે.

મસ્તિષ્કની અંદર મગજ અને ઉપર વાળ રહેલા હોય છે. આ મગજ અને વાળ બન્ને સુઘડ અને સ્વચ્છ હોવા જોઇએ. આજકાલ સીધા વાળ હોય તે વાંકડિયા કરાવવા અને વાંકડિયા વાળ હોય તે સીધા કરાવવાની લાઈનમાં લાગેલા છે. આપણે કોઇને મળીએ એટલે પહેલું ધ્યાન સામે વાળી વ્યક્તિના ચહેરા ઉપર જાય અને જો તેના વાળ સરખી રીતે ઓળેલા ન હોય તો તેના ઉપરથી જ તે થાકેલ છે કે અવ્યવસ્થિત છે તે ખ્યાલ આવી જાય. જો સામે વાળી વ્યક્તિના વાળ સુંદર રીતે ઓળેલા હોય તો તેના વ્યક્તિત્વ ઉપર ચોક્કસ સારી અસર પડે છે. વાળની વ્યક્તિત્વ ઉપર કેટલી અસર પડે છે, તેના ઉદાહરણ જોઇએ તો ડૉ એ પી જે અબ્દુલ કલામ અને એમ એસ ધોની આપણી સમક્ષ જ છે. તેરે નામ ફિલ્મની રાધે સ્ટાઈલ પણ બહુ પ્રચલિત થઈ હતી. ટૂંકમાં, વાળ સીધા હોય કે વાંકડિયા, સ્વચ્છ અને સુઘડ હોવા જોઇએ. શ્રીહનુમાનજીના વાળ વિશે શ્રીહનુમાન ચાલીસામાં કુંચિત કેશા અર્થાત વાંકડિયા વાળ હતા, એવું વર્ણન કરવામાં આવેલુ છે અને કાનુડાના વાળ પણ વાંકડિયા જ હતા.

ગોસ્વામી શ્રીતુલસીદાસજીએ સ્વર્ગ અને મોક્ષના તમામ સુખો કરતા સત્‌સંગના સુખને ચડિયાતુ જણાવેલ છે, પરંતુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, એક વખત વસિષ્ઠજી અને વિશ્વામિત્રજી વચ્ચે તપ અને સત્‌સંગ પૈકિ કોણ શ્રેષ્ઠ? તે બાબતે વિવાદ થયો. વસિષ્ઠજીએ સત્‌સંગને શ્રેષ્ઠ ગણાવ્યો, જ્યારે વિશ્વામિત્રજીએ તપને શ્રેષ્ઠ ગણાવ્યું. ઘણી ચર્ચા, વાદ-વિવાદ અને શાસ્ત્રાર્થના અંતે તેઓ કોઇ નિષ્કર્શ ઉપર ન આવી શકતા, બન્ને ઋષિઓ શેષજી પાસે સમાધાન માટે ગયા. શેષજીએ કહ્યું તમારા બન્નેમાંથી કોઇ એક પૃથ્વીને થોડી વાર સંભાળો, તો હું જવાબ આપું. પહેલા વિશ્વામિત્રજીએ પોતાના તપની બધી શક્તિ લગાવી દીધી, તો પણ પૃથ્વીને ધારણ કરી શક્યા નહીં. જ્યારે વસિષ્ઠજીએ ક્ષણમાત્રના સત્‌સંગના ફળને અર્પણ કરીને પૃથ્વીને બે ઘડી સુધી ધારણ કરી રાખ્યું. આમ, સિદ્ધ થઈ ગયું કે, સત્‌સંગ જ સર્વશ્રેષ્ઠ છે.

સ્વર્ગ અને મોક્ષના સર્વે સુખોની તુલના ક્ષણમાત્રના સત્‌સંગથી મળતા સુખ સાથે કરવામાં આવેલ છે. અહીં ક્ષણએ ગુજરાતી ભાષાંતરમાં ઉપયોગમાં લેવામાં આવેલ એક સમયસૂચક શબ્દ છે. ગોસ્વામીજીએ ચોપાઈમાં “લવ” શબ્દ વાપર્યો છે. તો એક લવ એટલે કેટલો સમય? આ બાબતે અલગ-અલગ વિદ્વાનોએ અલગ-અલગ મંતવ્યો આપેલા છે. અહીં આપણે શ્રીમદ્‌ભાગવતને આધારભૂત ગણીશુ. શ્રીમદ્‌ભાગવત મુજબ ત્રણ લવનો એક નિમેષ થાય છે. નિમેષ એટલે આપણા બે પાંપણ ભેગા થઈને છુટા પડે તેને એટલે કે આંખનો પલકારો કે આંખના મટકું મારીએ તેને નિમેષ કહેવાય. આ એક નિમેષ ત્રણ લવ બરાબર ગણવામાં આવેલ છે. થોડું વધુ માપ જોઇએ તો, ત્રણ નિમેષની એક ક્ષણ થાય અને પાંચ ક્ષણની એક કાષ્ઠા થાય છે. આ ગણતરીમાં વધુ આગળ વધતા નથી, પરંતુ આંખના એક પલકારાના ત્રીજા ભાગના સમયના સત્‌સંગના સુખો સ્વર્ગ અને મોક્ષના તમામ સુખોથી ચડિયાતા છે, તેવું અહીં વર્ણવવામાં આવેલું છે. સત્‌સંગ વિશે જેટલું લખીએ તેટલું ઓછુ જ લાગે. શ્રીસુંદરકાંડની કથામાં આગળ વધીએ તો, બાબાજીએ લખ્યુ છે કે ત્યારબાદ લંકિની શ્રીહનુમાનજીને કહે છે કે –

પ્રબિસિ નગર કીજૈ સબ કાજા હૃદય રાખિ કોસલપુર રાજા

અયોધ્યાપુરીના રાજા શ્રીરઘુનાથજીને હૃદયમાં રાખીને નગરમાં પ્રવેશ કરો અને ત્યારબાદ પ્રભુના સર્વે કાર્યો કરો.

પ્રબિસિ નગર’ અર્થાત નગરમાં પ્રવેશ કરો. લંકામાં પ્રવેશવાની છુટ આપી દીધી, માટે એવું કહી શકાય કે લંકિની લંકાની ઇમીગ્રેશન ઓફીસર હતી. લંકા નગરી પોતે જ લંકિની સ્વરૂપે હતી એટલે તેણીએ જ પાસપોર્ટમાં સિક્કો મારી આપ્યો, વિઝા આપી દીધા કે હવે તમે નગરમાં પ્રવેશ કરી શકો છો. ‘કીજૈ સબ કાજા’ અર્થાત સર્વે કાર્યો કરો. ક્યા સર્વે કાર્યો? તો પહેલા જામવંતજીએ એક જ કામ કરવાનું કહ્યુ હતું કે, “એતના કરહુ તાત તુમ્હ જાઈ, સીતહિ દેખી કહહુ સુધિ આઈ” હે તાત! આપ બસ એટલુ કરો કે લંકા જાવ, ત્યાં જઈ માતા સીતાજીને જોઈને પાછા આવો અને પછી તેના સમાચાર પ્રભુ શ્રીરામને પહોંચાડો (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-008/). ત્યારબાદ સુરસાએ કહ્યુ હતુ કે, ‘રામ કાજુ સબુ કરિહહુ તુમ્હ બલ બુદ્ધિ નિધાન આસિષ દેઇ ગઈ સો હરષિ ચલેઉ હનુમાન . સુરસાના આ શબ્દો થકી પ્રભુએ શ્રીહનુમાનજીને સંદેશો પાઠવ્યો કે, હે હનુમાન! તમારે જામવંતજીએ કહ્યુ છે એ ઉપરાંત વિશેષ કાર્યો પણ કરવાના છે. સીતાજીને મુદ્રિકા પહોંચાડવાની છે, અંગદના ભયને કાયમ માટે દૂર કરવા અક્ષકુમારનો વધ કરવાનો છે, રાવણના સામ્રાજ્યનો ચિતાર મેળવવાનો છે અને અંતે સૌથી અગત્યનું તેવું પ્રભુ શ્રીરામે શ્રીહનુમાનજીને માતા સીતાજીને શોધવા જતી વખતે કહ્યુ હતુ તે મુજબ “બહુ પ્રકાર સીતહિ સમુઝાએહુ, કહિ બલ બિરહ બેગિ તુમ્હ આએહુ” એટલે કે સીતાને અનેક પ્રકારે સમજાવજો અને મારું બળ તથા વિરહ કહીને તમે શીઘ્ર પાછા આવજો. (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-024/). અહીં લંકિની ફરી સર્વે કાર્યો કરવાનું કહે છે. ભગવાન આપણને જીવનમાં જે કંઇ કરવાનું હોય, તેનો સંદેશો કોઇને કોઇ સ્વરૂપે આપી જ દેતા હોય છે. બસ, આપણે સમજી શકવા જોઇએ. આ બાબતને આવતા અંકમાં ગોસ્વામીજીની એક સુંદર ચોપાઈના ઉદાહરણ સાથે સમજીશું. આજની કથાને અહીં વિરામ આપીએ છીએ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૭ | સત્‌સંગનું મહત્વ – ૨ । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૩૬, સત્‌સંગનું મહત્વ – ૧ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-036/)માં શું સ્વર્ગ એટલે જ હેવન (Heaven)? સ્વર્ગ અને હેવન (Heaven) વચ્ચેનો તફાવત અને સંસ્કૃતના અન્ય ભાષામાં ભાષાંતર વખતે તેના મૂળ શબ્દોને જેમના તેમ જ ઉપયોગમાં લેવાની આવશ્યકતા તથા સત્‌સંગનો અર્થ અને તેનું ટૂંકમાં મહત્વ વગેરેની કથા જોઇ હતી. સત્‌સંગનું અવર્ણનીય મહત્વ સમજાવતા એક સુંદર પ્રસંગથી આજની કથાની શરૂઆત કરીએ.

એકવાર નારદજી ભગવાન શ્રીહરિ પાસે ગયા અને તેઓએ ભગવાનને પુછ્યું, હે પ્રભુ! સત્‌સંગનો મહિમા જણાવો. ભગવાને કહ્યુ, સત્‌સંગનો મહિમા તો નર્કમાં રહેલો એક કીડો પણ કહી શકશે. આપ ત્યાં જઇને જ પુછો. નારદજી નર્કમાં ગયા. ત્યાં જઈને એક કીડાને પુછ્યું કે, તમે મને સત્‌સંગનો મહિમા જણાવશો? આટલું સાંભળતા વેંત જ કીડો મૃત્યુ પામ્યો. નારદજી વિલા મોઢે ભગવાન પાસે પરત આવ્યા. તેઓએ ભગવાનને કહ્યુ, પ્રભુ! સત્‌સંગનો મહિમા પૂછતા જ કીડાએ દેહ છોડી દીધો. ભગવાને કહ્યુ, નારદજી! એક કામ કરો, જુઓ પહેલું પોપટનું બચ્ચુ તાજું જ જન્મેલું છે, તેને જઈને પુછો, તે સત્‌સંગનો મહિમા કહી શકશે. નારદજી પોપટના બચ્ચા પાસે ગયા અને તેને પુછ્યુ કે સત્‌સંગનો મહિમા કહેશો? આટલું સાંભળતા જ પોપટના બચ્ચાએ આંખો મીંચી દીધી. નારદજીને આ જોઇને દુ:ખ થયુ અને ખિન્ન વદને ફરિ ભગવાન પાસે આવ્યા. પ્રભુને કહ્યુ કે તે પણ મૃત્યુ પામ્યુ છે. ભગવાને કહ્યું, સારું અને પછી એક તાજું જન્મેલું વાછરડું બતાવ્યું અને કહ્યુ કે તેને પુછી જુઓ. ભગવાનની આજ્ઞા હતી એટલે ના તો પડાય નહી. નારદજી હવે વાછરડા પાસે ગયા અને તેને સત્‌સંગનો મહિમા પુછ્યો. જેવો નારદજીએ સત્‌સંગનો મહિમા પુછ્યો કે વાછરડું પણ મૃત્યુ પામ્યું. આ વખતે નારદજીને ગૌહત્યાની લાગણી થઈ અને તેઓને ખૂબ જ દુ:ખ થયુ. તેઓ પ્રભુ પાસે આવ્યા અને દુ:ખી હૃદયે વાછરડાના મૃત્યુની વાત કરી.

હવે ભગવાને નારદજીને કહ્યુ કે આ એક રાજાને ત્યાં બાળકનો હમણા જ જન્મ થયો છે, તેને જઈને પુછી આવો, તે આપને સત્‌સંગનો મહિમા કહેશે. નારદજીએ કહ્યુ, હે પ્રભુ! અગાઉ કીડો, પોપટનું બચ્ચુ અને વાછરડુ, આ બધાના મૃત્યુથી હું આમેય દુ:ખી છું. વળી, હું જેને પણ સત્‌સંગનો મહિમા પુછવા પ્રશ્ન પુછુ છું, તે તુરંત જ મૃત્યુને પામે છે. આ તો રાજકુંવર છે. જો તેને જઈને સત્‌સંગનો મહિમા પુછુ અને તેનું પણ મૃત્યુ થાય, તો રાજા મને જીવતો ન છોડે. હું ત્યાં નહીં જાઉં, આપ જ મહેરબાની કરીને સત્‌સંગનો મહિમા જણાવી દો. ભગવાને કહ્યુ, નારદજી! આ વખતે બાળકનું મૃત્યુ નહીં થાય અને આપને જવાબ પણ મળી જશે, આપ જાઓ અને તેને સત્‌સંગનો મહિમા પુછો. ફરી ભગવાનની આજ્ઞા થઈ એટલે નાછૂટકે તાજા જન્મેલા રાજકુંવરને સત્‌સંગનો મહિમા પુછવા તેની પાસે પહોંચી ગયા. ત્યાં જઈને તેઓએ સત્‌સંગનો મહિમા પુછ્યો. તે બાળક ખડખડાટ હસી પડ્યુ અને નારદજીને કહેવા લાગ્યુ, હે નારદજી! આપ હજુ સુધી સત્‌સંગનો મહિમા સમજી ન શક્યા? આપના પ્રથમ વખત દર્શનથી મારી નર્કની યાતનાઓમાંથી મુક્તિ થઈ ગઈ. ત્યારબાદ કીડાથી સારી યોનિઓમાં જન્મ પામી, આપના દર્શનના પ્રભાવે તેમાંથી પણ મારો તુરંત જ છુટકારો થઈ ગયો. આપના એટલે કે એક સાચા સંતના દર્શન સત્‌સંગથી જ મને રાજકુંવર તરીકે જન્મ મળ્યો. આ બધો આપના દર્શનનો જ એટલે કે સત્‌સંગનો જ મહિમા છે. સત્‌સંગથી તો ભવબંધનથી પણ મુક્તિ મળી જાય છે. જેને સત્‌સંગ પ્રિય નથી, તેના માટે ખૂબ સરસ લખ્યુ છે –

તુલસી પૂરબ પાપ તે, હરિચર્ચા ન સુહાત જૈસે જ્વર કે જોર સે, ભૂખ બિદા હો જાત

કોઇને તાવ આવે તો તેને જમવાનું ભાવતુ નથી અને તેની સુગંધ પણ ગમતી નથી, તેનો એ મતલબ નથી કે તેને જમ્યા વગર ચાલશે, પરંતુ તે શરીરની અંદરની ખરાબી છે. આવી જ રીતે અંત:કરણમાં ખરાબી હોય, તેને હરિચર્ચા, પ્રભુના ગુણગાન કે સત્‌સંગ પ્રિય લાગતા નથી. બાકી પ્રભુ તો સત્‌સંગીને જ વશ હોય છે. તેનું પણ એક સુંદર ઉદાહરણ જોઈએ તો –

પ્રસિદ્ધ ભક્ત શ્રીનાભાજી મહારાજે “ભક્તમાલ”ની રચના કરી છે. તે પદોની શ્રીપ્રિયાદાસજીએ કવિતામાં ટીકા લખી છે. શ્રીપ્રિયાદાસજી પોતે ઠાકોરજીને એક સિંહાસન ઉપર પધરાવીને, તેમને કથા સંભળાવતા. આ કથા એટલે કે સત્‌સંગમાં ઘણા લોકો આવતા. તેમાં ઘણા અમીર લોકો પણ આવતા. જ્યાં અમીર લોકો આવતા હોય કે આવવાના હોય ત્યાં થોડી વધુ કાળજી રાખવી પડે, કારણ કે ત્યાં ચોરીનો ભય પણ વધી જાય. આ સત્‌સંગ નિયમિત ચાલતો, તેવામાં ચોરોને ખબર પડી ગઈ કે અહીં અમીર લોકો પણ સત્‌સંગમાં આવે છે. એક દિવસ ચોર ચોરી કરવા આવ્યા. બીજો કોઈ મેળ ન પડ્યો, તો ઠાકોરજીની મૂર્તિ જ ચોરીને લઈ ગયા. શ્રીપ્રિયાદાસજીને ખબર પડી કે ઠાકોરજીની પ્રતિમા ચોરાઈ ગઈ એટલે તેઓએ કહ્યુ, આ સત્‌સંગના મુખ્ય શ્રોતા તો જતા રહ્યા માટે સત્‌સંગ બંધ. ઠાકોરજી નથી તો ભોગ કોને ધરાવવો? માટે રસોઈ બંધ. પોતે ભુખ્યા રહ્યા અને આ બાજુ ચોર લોકોમાં ખળભળાટ મચી ગયો. તેઓ ઠાકોરજીની મૂર્તિ પાછી આપી ગયા. ઠાકોરજીને સ્નાન કરાવી, શણગાર કરી સિંહાસન ઉપર પધરાવ્યા. રસોઈ બનાવી ભોગ ધરાવ્યો. આ બધી ભાગદોડમાં કથાના ક્યા પ્રસંગ સુધી પહોંચ્યા હતા, તે કોઈનેય યાદ ન રહ્યુ. આ સમયે ઠાકોરજી પોતે મૂર્તિમાંથી બોલી ઉઠ્યા કે કથા ક્યાં પહોંચી હતી. આ પ્રમાણ છે કે સત્‌સંગ થતો હોય, કથા-વાર્તા થતી હોય, ભજન-કીર્તન થતા હોય, પ્રભુસ્મરણ થતું હોય, સાચા સંતનો સમાગમ થતો હોય, ત્યાં ભગવાન પોતે હાજરાહજુર હોય છે. જ્યાં રામાયણ વંચાતી હોય કે સંભળાવાતી હોય, ત્યાં શ્રીહનુમાનજી સ્વયં ઉપસ્થિત હોય છે, તે સર્વવિદિત છે. સત્‌સંગ દરેકને નથી મળતો,

સંત સમાગમ હરિ-કથા, તુલસી દુર્લભ હોય સુત દારા અરુ લક્ષ્મી, પાપી કે ભી હોય

ભગવાનની કથા અને સત્‌સંગ એટલે કે સંતનો સંગ આ બન્ને દુર્લભ વસ્તુઓ છે, બાકી પુત્ર, સ્ત્રી અને ધન તો પાપી માણસના ઘરે પણ કર્મોનુસાર હોય જ છે. રાવણનું આટલુ મોટું સામ્રાજ્ય હતું જ ને! જેમ સુર્યોદય થવાથી ધરતી ઉપરનો અંધકાર દૂર થઈ જાય છે, તેમ સાચા સંતનો સંગ થવાથી અંત:કરણનું અંધારું દૂર થઈ જાય છે. માટે ભગવાન પાસે માંગવામાં આવ્યુ છે કે –

રામજી સાધુ સંગત મોહિ દીજીયે વાઁરી સંગત દો રામજી પલભર ભૂલ ન હોય

સત્‌સંગ વિશે જેટલું લખીએ તેટલું ઓછુ છે. મનને સંતોષ જ ન થાય, આ વિષય ઉપર વધુને વધુ લખતા જ રહેવાનું મન થાય છે. સત્‌સંગ વિશે લખવું એ પણ એક સત્‌સંગ જ છે. સત્‌સંગ વિશેની વાત પુરી કરતા પહેલા એક ખાસ વાત કહેવી છે કે પ્રભુકૃપા વગર સત્‌સંગ કે સંત સમાગમ પણ શક્ય જ નથી. આગળ મારી પસંદગીની ખાસ ચોપાઈઓ પૈકીની એક એવી ચોપાઈ આવશે, જેમાં વિભીષણજી શ્રીહનુમાનજીને કહે છે કે –

અબ મોહિ ભા ભરોસ હનુમંતા । બિનુ હરિ કૃપા મિલહિં નહિં સંતા

મને જીવનમાં આવા જ એક સાચા સંત સદ્‌ગુરુ શ્રી વિશ્વંભરદાસજીનો આશ્રય મળ્યો છે, તેઓની અનુકંપા પ્રાપ્ત થઈ છે, તે ચોક્કસ મારા રામની જ અસીમ કૃપા છે. હે રામજી લાલા! હું આપનો આભારી છું, આપની કૃપા મને પ્રત્યક્ષ જણાય જ છે. આપની કૃપા વગર મારા આખા કુટુંબને શ્રી વિશ્વંભરદાસજી મહારાજનું સાનિંધ્ય પ્રાપ્ત ન થઈ શકે. હે કૃપાળુ! હે દિનબંધુ રામજી લાલા! અમે સતત આપના શરણોમાં જ સમર્પિત રહીએ અને ગુરુદેવનો સત્‌સંગ રહે તેવી કૃપા કરજો. અંતે સત્‌સંગ વિશે ખૂબ જ સુંદર અને પ્રસિદ્ધ કડી –

એક ઘડી આધી ઘડી, આધી કી પુનિ આધ તુલસી સંગત સંત કી, કટે કોટી અપરાધ

એક ઘડીની અડધી અને તેની પણ અડધી એટલે કે પા. એક ઘડીના ચોથા ભાગના સમયના સત્‌સંગથી કરોડો અપરાધ, અસંખ્ય પાપો દૂર થઈ જાય છે. અમારા આવા કેટલા જન્મોના અમાપ પાપો હશે? કંઇ ખબર નથી. હે રામ! આ સદ્‌ગુરુનો સંગ આપી, આપ અમને તારી રહ્યા છો, તે દિવા જેવું સ્પષ્ટ જ છે. સત્‌સંગનો મહિમા અમાપ છે. સત્‌સંગની વ્યાખ્યા ગત અંકમાં આપી હતી, આપને જે પ્રકારનો સત્‌સંગ યોગ્ય અને અનુકૂળ લાગે, તે એકવાર ટેસ્ટ જરૂર કરજો, તેવી પ્રાર્થના અને પ્રભુ શ્રીરામને કોટી-કોટી પ્રણામ સહ આજની કથાને અહીં વિરામ આપીએ છીએ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||