Home Blog Page 6

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૩ | સકલગુણ નિધાનમ્‌ – શ્રીઅંજનીનંદન | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

અગાઉના લેખ શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૨ | હેતુ રહિત પરહિત રતસીલા (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-022/)માં આપણે જોયું હતુ કે, દેવતાઓએ નાગમાતા સુરસાને શ્રીહનુમાનજીની પરીક્ષા લેવા માટે મોકલ્યા. શ્રીઅંજનીનંદન તેને પ્રભુ શ્રીરામનું કાર્ય પૂર્ણ કરવા જવા દેવા અનેક પ્રકારે સમજાવે છે અને વિનંતી કરે છે, પરંતુ તેણી કોઈ રીતે શ્રીહનુમાનજીને આગળ જવા દેતી નથી. શ્રીહનુમાનજી સુરસાને કેવી-કેવી રીતે સમજાવે છે? ત્યાંથી આજની કથામાં આગળ વધીએ.

શ્રીમારુતીનંદન સુરસાને વિવિધ પ્રકારે સમજાવે છે. પહેલા તો પોતે પ્રભુ શ્રીરામનું કાર્ય કરવા જઇ રહ્યા છે, માટે ન રોકવા વિનંતી કરે છે. પછી સત્યના સોગંધ ખાધા કે સત્ય કહઉઁ સાચુ કહું છું કે આપની પાસે પાછો ફરીશ. ત્યારબાદ એવું વિચારી કે સુરસા પણ એક સ્ત્રી હોઇ અન્ય સ્ત્રીનું દુખ સમજી શકશે, માતા જાનકીજીના દુખની વાત કરી. અંતે ‘જાન દે માઈ કહીને તેણીને માતા તરીકેનું સન્માન પણ આપ્યું કે જેથી પોતાને પુત્ર માનીને પ્રેમ અને વિશ્વાસથી જવા દે. પરંતુ સુરસા કોઇ રીતે જવા દેતી નથી.

ભક્તિની શોધમાં નિકળીએ પછી તેમાં આવતી બાધાઓ એમ જલ્દીથી પીછો ન છોડે અને એક સાચા ભક્તની ભક્તિની શોધ પણ સામે એટલી જ દ્રઢ હોય છે. શ્રીહનુમાનજીને તો રામકાર્ય  કોઇપણ રીતે પૂર્ણ કરવું જ હતું. કોઇપણ કાર્ય પાર પાડવા માટે વિદૂરનીતિ અને ચાણક્યની રાજનીતિમાં મુખ્ય ચાર ઉપાયો વર્ણવવામાં આવેલા છે. સામ (પ્રિય વાણીથી સમજાવવું), દામ (જેને આપણે સામાન્ય રીતે કોઇ રકમ ચૂકવી ખરીદી લેવાના અર્થમાં સમજતા હોઇએ છીએ, પરંતુ તેમાં દાનનો પણ સમાવેશ પણ થાય છે), દંડ (નાણાકીય દંડ, શારીરિક સજા કે વધની સજા) અને ભેદ(પરસ્પર ભેદબુદ્ધિ ઉત્પન્ન કરાવી છુટા પાડવા કે સંપ તોડવો). શ્રીહનુમાનજી સકલગુણ નિધાનમ્‌ અર્થાત તમામ ગુણોના સ્વામી છે. તેઓ તમામ નીતિઓ જાણે છે, પરંતુ પહેલા તેઓ એક સંત છે, એક ભક્ત છે માટે તેઓએ પ્રથમ રસ્તો દાનનો અપનાવ્યો, તબ તવ બદન પૈઠહઉઁ આઈ’, કે હું સામેથી આવીને તમારા મુખમાં પ્રવેશી જઇશ. સુરસા ન માની એટલે ‘મોહિ જાન દે માઈ માતા કહીને સામ નીતિનો ઉપયોગ કર્યો, તેમ છતાં તેણી ન જ માની. શ્રીહનુમાનજી એક સંત તરીકે સામેવાળી વ્યક્તિને માતાથી સંબોધે છે, ત્યારે તેની સામે દંડ અને ભેદ નીતિના પ્રયોગનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. શ્રીહનુમાનજીના બધા પ્રયત્નો અહીં પુરા થઇ જાય છે અને તેણી કોઇ રીતે આગળ જવા દેતી નથી એટલે માનસકારે લખ્યું છે કે, કવનેહુઁ જતન દેઇ નહિં જાના.

બાબાજી આગે લિખતે હૈ, ત્યારે શ્રીહનુમાનજી કહે છે કે ગ્રસસિ ન મોહિં કહેઉ હનુમાના હે સુરસા! તો પછી મારું ભક્ષણ જ કરી જાઓ! બીજું શું? અહીં ગ્રસસિ ન આ શબ્દ સમુહના બે પ્રકારે અર્થ થઇ શકે. પહેલો‌, કે તમે મને કોઇ રીતે આગળ જવા દેતા નથી, તો પછી મને તમારો આહાર કેમ બનાવી લેતા નથી? મને આરોગી જાઓ. બીજો, તમે મને ગ્રસી જવા ઇચ્છો છો, પરંતુ તે શક્ય નથી. તમારી તાકાત નથી કે મને ગ્રસી શકો. અહીં ધ્યાનથી સમજજો, મારા મતે આ બન્ને અર્થ અહીં એકીસાથે જ વણી લેવામાં આવ્યા છે. કોઇપણ કાર્ય કરવા પહેલા યુક્તિનો પ્રયોગ કરવો જોઇએ અને યુક્તિથી કાર્ય ન પતે તો જ બળનો ઉપયોગ કરવો જોઇએ, એ જ યોગ્ય નીતિ છે. શ્રીહનુમાનજીએ પહેલા સુરસાને યુક્તિપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો અને પછી તેણી ન જ સમજતા, અધ્યાત્મ રામાયણ અને વાલ્મીકીય રામાયણ બન્નેમાં ઉલ્લેખ છે તે મુજબ શ્રીહનુમાનજી ક્રોધિત થઇને કહે છે કે તો પછી મને ગ્રસી શકો તો ગ્રસી જાઓ. આમ, બળપૂર્વક પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરીને સુરસાની સામે ઉભા રહી જાય છે.

જોજન ભરિ તેહિં બદનુ પસારા કપિ તનુ કીન્હ દુગુન બિસ્તારા

સોરહ જોજન મુખ તેહિં ઠયઊ તુરત પવનસુત બત્તિસ ભયઊ

જસ જસ સુરસા બદનુ બઢા઼વા તાસુ દૂન કપિ રૂપ દેખાવા

સુરસાએ એક યોજન (ચાર ગાઉ) જેટલું મુખ ફેલાવ્યું, ત્યારે શ્રીહનુમાનજીએ પોતાનું શરીર તેનાથી બમણું મોટું કરી દીધું. તેણીએ સોળ યોજનનું મુખ કર્યું, તો શ્રીહનુમાનજી તરત જ બત્રીસ યોજનના થઇ ગયા. જેમ-જેમ સુરસા પોતાનું મુખ મોટું કરતા ગયા, તેમ-તેમ શ્રીહનુમાનજી તેનાથી બમણું રૂપ બતાવતા હતા.

સુરસાએ શરૂઆતમાં પોતાનું મુખ એક યોજનનું એટલે કે ચાર ગાઉનું કર્યું કે જેથી શ્રીહનુમાનજી તેમાં પ્રવેશી જાય. તેણી શ્રીહનુમાનજીની પરીક્ષા લેવા આવી હતી, તો પછી બુદ્ધિમતાં વરિષ્ઠમ પણ થોડા ઓછા ઉતરે? શ્રીહનુમાનજીએ પોતાનું શરીર તેનાથી બમણું મોટું કરી દીધું એટલે કે શ્રીહનુમાનજી અહીં એવું સુચવે છે કે હું તમને તમારી ભાવના કરતા બમણું ભોજન આપુ છું. અહીં ચોપાઈમાં સુરસાના ‘બદનુ’ મુખનું અને શ્રીહનુમાનજીના ‘તનુ’ શરીરનું વર્ણન છે. જેની જેવી ભાવના હોય, તેવું નિરૂપણ કરવામાં આવ્યું છે. સુરસાની ભાવના આહારની દર્શાવી છે એટલે તેના મુખનું વર્ણન કરવામાં આવ્યું છે, જ્યારે શ્રીહનુમાનજી તેના આખા શરીર સ્વરૂપે તેનું ભોજન બનવાની ભાવના જતાવે છે, માટે તેના શરીરનું વર્ણન કરવામાં આવેલું છે.

માનસકારે ત્યારબાદ લખ્યું છે, ‘સોરહ જોજન મુખ તેહિં ઠયઊ, તુરત પવનસુત બત્તિસ ભયઊ’ સુરસાએ સોળ યોજનનું મુખ કર્યું અને શ્રીહનુમાનજીએ એ જ ક્ષણે તેનાથી બમણું બત્રીસ યોજનનું શરીર ધારણ કર્યું, તેવું વર્ણવેલું છે. પહેલા તો અહીં શ્રીહનુમાનજી વિના વિલંબે અતિ શીઘ્રતાથી બમણું શરીર કરી લેતા હોય, તેની ઝડપ દર્શાવવા ‘પવનસુત’ ઉદ્‌બોધન કરવામાં આવેલું છે. બીજું, મુખ પહોળું કરવાની બાબતમાં વિવિધ રામાયણમાં સુરસાના મુખની વિશાળતા માટે અલગ-અલગ વર્ણન કરવામાં આવેલું છે. અધ્યાત્મ રામાયણમાં શરૂઆત પાંચ યોજનથી થાય છે. ત્યારબાદ સુરસા વીસ યોજન અને પચાસ યોજનનું મુખ કરે છે અને તેણીનું મુખ પચાસ યોજનનું થતાં જ શ્રીહનુમાનજી અંગૂઠા જેવડું રૂપ ધરીને તેના મુખમાં પ્રવેશી ઝડપથી બહાર આવી જાય છે, તેવું વર્ણવેલું છે. વાલ્મીકિય રામાયણમાં પહેલા સુરસા દસ યોજનનું મુખ કરે છે પછી વીસ યોજન, ચાલીસ યોજન, સાઇઠ યોજન, એંસી યોજન અને અંતે સો યોજનનો મુખનો વિસ્તાર કરે છે અને ત્યારે શ્રીહનુમાનજી અંગૂઠા જેવડા થઇને તેના મુખમાં પ્રવેશ કરીને તરત જ પાછા બહાર નીકળી જાય છે, તેવું વર્ણન કરવામાં આવેલું છે.

શ્રીતુલસીદાસજીએ આવા મતમતાંતરને ધ્યાને લઇ સુરસાના મુખથી શ્રીહનુમાનજીનું શરીર મોટું કરવાનું એક પ્રતિકાત્મક ઉદાહરણ ‘સોરહ જોજન મુખ તેહિં ઠયઊ, તુરત પવનસુત બત્તિસ ભયઊ’ દર્શાવી આગળ જણાવી દીધું કે, ‘જસ જસ સુરસા બદનુ બઢા઼વા, તાસુ દૂન કપિ રૂપ દેખાવા’, જેમ-જેમ સુરસા પોતાનું મુખ મોટું કરતી ગઇ, તેમ-તેમ શ્રીહનુમાનજી પોતાનું શરીર તેનાથી બમણું બતાવતા ગયા, તેવું લખી દીધું. એક ઔર બાત, સુરસા વાસ્તવમાં મુખ પહોળું કરતી જાય છે, જ્યારે શ્રીહનુમાનજી પોતાનું શરીર તેનાથી મોટું છે તેવું બતાવે છે, જે એક માયા સ્વરૂપ છે.

અહીં સુરસા વિશિષ્ઠ બળ અને બુદ્ધિ બન્નેની પરીક્ષા લેવા આવી હતી, તો શ્રીહનુમાનજી યુક્તિપૂર્વક અને બમણું સામર્થ્ય દર્શાવી બન્નેના પ્રમાણ આપે છે. જ્યારે ભક્તિના કે સત્યના માર્ગે ચાલતા હોઇએ અને કોઇ સાથે તકરાર થાય, કોઇ માર્ગમાં અડચણ બનીને આવી જાય; તો તેને સામર્થ્ય અને બુદ્ધિશક્તિનો પરીચય જરૂર આપવો, પરંતુ તેની સાથે વ્યર્થ તકરારમાં સમય વ્યતિત કરવાને બદલે આપણું કદ મોટું કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. હું ક્યારેય ખોટી બાબતો સહન કર્યે રાખવાની હિમાયત નથી કરતો, કારણ કે તે કાયરતાની નિશાની છે. આપણા શાસ્ત્રોમાં એક પણ ભગવાન શસ્ત્ર વગરના નથી અને સાથે તેના ઉપયોગની મર્યાદાથી પણ આપણે સહુ અવગત જ છીએ. સાચો ભક્ત કોઇની સાથે ઝગડવા કે કોઇને નીચા દેખાડવા કરતા પોતાની લીટી મોટી કરવા માટે, પ્રભુની વધુ સમીપ જવા માટે પ્રયત્નશીલ રહે છે. કોઇને મારો નહિ, કોઇને તોડો નહિ, તેના મુખમાં જઈ પાછા ફરી જાઓ. બોર્ડમાં દોરેલી લીટીને અડ્યા કે ભૂંસ્યા વગર પોતે મોટી લીટી દોરી, પોતાનું જ્ઞાન અને સામર્થ્ય વધારી, સામેવાળાની લીટી નાની બનાવો. કિસી સે તકરાર કરને કી આવશ્યકતા નહીં હૈ. શ્રીહનુમાનજી પોતાનું શરીર વિશાળ કેમ કરતા ગયા? તેને સુરસાને નીચા નહોતા બતાવવા, પરંતુ શ્રીરામભક્તના નાતે પોતાનું કદ મોટું દર્શાવવું હતુ, પોતાનું સામર્થ્ય દર્શાવવું હતું. જેનાથી દેવતાઓને ખાત્રી થઈ જાય કે રામકાર્ય અને બીજી રીતે જોઇએ તો દેવતાઓનું પોતાનું જ કાર્ય સફળ થવાનું છે.

આજની કથામાં આપણે શ્રીહનુમાનજી સુરસાને પ્રભુકાર્ય કરવા જવા દેવા કઇ-કઇ રીતે સમજાવે છે અને પોતાના બળ તથા બુદ્ધિનું સામર્થ્ય કઇ રીતે બતાવે છે તે જોયું. આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સિયારામ…..

ગયા અંકનો પ્રશ્ન – લંકા જવા સેતુ બાંધતી વખતે ભગવાન શ્રીરામે સ્થાપેલ શિવલિંગનું નામ શું છે? – રામેશ્વર.

આ અંકનો પ્રશ્ન – રાજા જનક વતી પ્રભુ શ્રીરામના વિવાહનું આમંત્રણ લઈને રાજા દશરથ પાસે કોણ ગયું હતું?

મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૨ | હેતુ રહિત પરહિત રતસીલા । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

અગાઉના લેખ ( શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૧ | અતિથિ દેવો ભવ: –  http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-021/ )માં આપણે દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર કેમ આવ્યો હશે? અને પરીક્ષા લેવા નાગમાતા સુરસાને જ કેમ પસંદ કરવામાં આવ્યા, તેની વિગતો જોઇ હતી. સુરસા શ્રીહનુમાનજી સમક્ષ પરીક્ષા લેવાના આશયથી જાય છે, પરંતુ વાતની શરૂઆત દેવોએ શ્રીહનુમાનજીને તેના આહાર તરીકે આપી દીધા છે, ત્યાંથી કરે છે. અહીં સુરસા શ્રીહનુમાનજી સામે ખોટું બોલે છે, ત્યાંથી આજના લેખમાં આગળ વધીએ.

ઘણા લોકો શાસ્ત્રોના ખોટા અર્થઘટન કરનારા હોય છે ને? સુરસા શરૂઆતમાં શ્રીહનુમાનજી પાસે ખોટું બોલે છે, તેના સમર્થનમાં કોઇએ તો માનસની ચોપાઇઓ, “નારિ સુભાઉ સત્ય સબ કહહીં અવગુન આઠ સદા ઉર રહહીં સાહસ અનૃત ચપલતા માયા ભય અબિબેક અસૌચ અદાયા અર્થાત બધા સાચુ જ કહે છે કે, સ્ત્રીઓના હૃદયમાં આઠ અવગુણો સદાય વાસ કરે છે. સાહસ, ખોટુ બોલવું, ચંચળતા, માયાજાળ ફેલાવવી, ડરપોકતા, અવિવેકીપણું, અપવિત્રતા અને નિર્દયતા, ટાંકીને જ કહી દીધું કે સુરસા સ્ત્રી છે અને ખોટુ બોલવું તે સ્ત્રીઓનો સહજ સ્વભાવ હોય છે. પરંતુ, આ તર્ક સાથે અંગત રીતે હું જરાય સહમત નથી. મારા આ બાબતે મંતવ્યો નીચે મુજબ છે.

પહેલું, આ ચોપાઇ માનસકારે લંકાકાંડમાં રાવણના મુખેથી બોલાઇ છે તે મુજબ લખેલી છે. રાવણ ગમે તેટલો જ્ઞાનિ અને શાસ્ત્રોનો જ્ઞાતા હોય, પરંતુ એક વખત મનમાં આસુરીવૃત્તિનો વાસ થયા પછી તેવી વ્યક્તિના મુખે બોલાયેલા શબ્દો વ્યાવહારિક રીતે પ્રમાણભૂત ગણી શકાય નહી. બીજું, ગોસ્વામીજી આ ચોપાઇ થકી એવું દર્શાવવા માગે છે કે જેના મનમાં આસુરીવૃત્તિ હોય છે, તેઓ સ્ત્રીઓનું ક્યારેય સન્માન જાળવી શકતા નથી અને તેઓ સ્ત્રીઓ માટે ઉપરની ચોપાઇ મુજબ માનતા હોય, તે સ્વાભાવિક જ છે. ત્રીજું, જો કોઇ સ્ત્રીના મનમાં આસુરીવૃત્તિ હોય તો તેના હૃદયમાં આ આઠ અવગુણો વાસ કરતા હોય છે અથવા તો આ આઠ અવગુણો વસતા હોય તેવી સ્ત્રીને આસુરીવૃત્તિવાળી કહેવાય. અહીં રાવણ મંદોદરી માટે કહે છે એટલે સ્ત્રીનો ઉલ્લેખ છે, પરંતુ જે પુરુષોમાં આ આઠ અવગુણો વસતા હોય, તેઓના કિસ્સામાં પણ આસુરીવૃત્તિ માટે આ બાબત સમાન રીતે જ લાગુ પડે. તેવું વર્ણવવાનો માનસકારનો આશય હોઇ શકે.

સામે પક્ષે કોઇ પણ હોય, પરંતુ શ્રીઅંજનીનંદન તો હરિભક્ત છે. હરિભક્તનો સ્વભાવ કેવો હોય? હેતુ રહિત પરહિત રતસીલા એટલે કે પોતાના અંગત સ્વાર્થ વગર પણ બીજાનું હિત કરવું. દેવતાઓએ પોતાને કોઇના આહાર તરીકે આપી દીધા છે, ખાનાર સામે ઉભા છે. ધર્માત્મા કેસરીનંદન ના કેમ પાડે? માનસમાં જ લખ્યું છે કે, પર હિત લાગિ તજઇ જો દેહી, સંતત સંત પ્રસંસહિં તેહી અર્થાત જે બીજાઓના હિત માટે પોતાના શરીરનો ત્યાગ કરે છે, સંતો સદાય તેની પ્રશંસા કરે છે. કામદેવે દેવતાઓના કાર્ય માટે અને મહર્ષિ દધીચિએ ઇન્દ્રના વજ્ર માટે પોતાના શરીરનો ત્યાગ કર્યાના અને તેઓના નામો અમર થઇ ગયાના દાખલાઓ આપણી સામે જ છે. અહીં શ્રીહનુમાનજીને ધર્મસંકટ એ છે કે એક બાજુ દેવતાઓનું વચન પુરું ન કરે, તો ધર્મ ભંગ થાય છે અને બીજી બાજુ શરીર ખોઇ દે તો રામકાર્ય થઇ શકતું નથી. ધર્મસંકટ જેવી કઠિન પરિસ્થિતિમાં જ સાચી પરીક્ષા થતી હોય છે. શ્રીહનુમાનજી તો બળ-બુદ્ધિના ધામ છે. તેને કંઇ વિચારવા સમય ન જોઇએ, તેઓએ તુરંત જ, સુનત બચન અર્થાત સુરસાના વચન સાંભળીને તરત જ બુદ્ધિપૂર્વકનો જવાબ આપ્યો કે –

રામકાજુ કરિ ફિરિ મૈં આવૌં સીતા કઇ સુધિ પ્રભુહિ સુનવૌં

તબ તવ બદન પૈઠહઉઁ આઈ સત્ય કહઉઁ મોહિ જાન દે માઈ

પ્રભુ શ્રીરામનું કાર્ય કરીને હું પાછો આવું અને જનકનંદિનીના ખબર પ્રભુ શ્રીરામને સંભળાવી દઉં, પછી હું આવીને તમારા મુખમાં પ્રવેશ કરીશ. હે માતા! હું સત્ય કહુ છું, અત્યારે મને જવા દો.

રામકાજુ કરિ ફિરિ મૈં આવૌં શ્રીહનુમાનજીના જવાબમાં પૂરતા વિશ્વાસનો રણકાર છે કે પ્રભુ શ્રીરામનું કાર્ય પૂર્ણ કરીને પાછો આવીશ જ. અગાઉ પણ આપણે ‘હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી’ ચોપાઇનો અર્થ શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૬ । હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-016/ સમજતી વખતે આ જ દ્રઢ વિશ્વાસ અને તેનું કારણ જોયું હતુ. ચોપાઇના બીજા ભાગમાં પ્રભુનું ક્યુ કાર્ય? તેની વાત કહેતા કહે છે કે, સીતા કઇ સુધિ પ્રભુહિ સુનવૌં’ માતા સીતાજીના ખબર પ્રભુ શ્રીરામને સંભળાવી દઉં. અગાઉ જામવંતજીએ આ કાર્ય બાબતે કહ્યુ હતુ કે, “એતના કરહુ તાત તુમ્હ જાઈ, સીતહિ દેખી કહહુ સુધિ આઈ” એટલે કે લંકા જવુ, ત્યાં જઈ માતા સીતાજીને જોઈને પાછા ફરવું અને પછી તેના સમાચાર પ્રભુ શ્રીરામને આપવા. અત્યારે એ જ રામકાર્ય (શ્રી સુંદરકાંડ | ભાગ – ૮ | રાજિવનયન ધરેં ધનુસાયક http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-008/ ) છે. ગત લેખ શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૧ | અતિથિ દેવો ભવ: –  http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-021/ માં આપણે જોયું હતુ કે સુરસાએ કહ્યુ, આજુ સુરન્હ મોહિ દીન્હ અહારા, તો અહીં શ્રીહનુમાનજી તેને કહે છે કે દેવતાઓએ મને આપના આહાર તરીકે આપી, આપની ઉપર ઉપકાર કર્યો છે. પ્રભુ શ્રીરામનું આ કાર્ય દેવતાઓ માટે જ છે, તો તેમાં સહકાર આપી આપ દેવતાઓ ઉપર પ્રત્યુપકાર કરો. પ્રભુ દેવતાઓને રાક્ષસોના ત્રાસથી મુક્ત કરાવવા જ આ લીલા કરી રહ્યા છે. તમે આ કાર્ય પૂર્ણ થવામાં મદદરૂપ થાઓ, પછી હું આવીને આપના મુખમાં પ્રવેશ કરીશ, જેથી તમારુ પણ ભલું થશે.

તબ તવ બદન પૈઠહઉઁ આઈ ત્યારે તમારા મુખમાં પ્રવેશી જઇશ. અહીં પહેલી વાત તો એ છે કે શ્રીહનુમાનજી મુખમાં પેસવાની વાત કેમ કરે છે? એવું પણ કહી શકતને કે હું પાછો તમારી પાસે આવીશ. તમે મારું ભક્ષણ કરી જજો. અધ્યાત્મરામાયણમાં જણાવ્યા મુજબ જ્યારે સુરસા શ્રીહનુમાનજીની સામે આવીને કહે છે કે દેવોએ મને આહાર તરીકે તમને આપ્યા છે, ત્યારે એવું પણ કહે છે કે, “એહિ મે બદનં શીઘ્રં પ્રવિશસ્વ મહામતે, અર્થાત હે મહામતે! આવો, ઝડપથી તમે મારા મુખમાં પ્રવેશ કરો”. આમ, અગાઉ સુરસાએ મુખમાં પ્રવેશવાનું કહ્યુ હોય, શ્રીહનુમાનજી તબ તવ બદન પૈઠહઉઁ આઈએવું કહે છે. બીજું, અગાઉ ઘણીવખત આપણે વાત કરી કે શ્રીહનુમાનજી સંત છે અને તેઓ ક્યારેય જુઠું નથી બોલતા અને તેઓ જે કંઇ બોલે તે સત્ય થઈ જાય. જો ‘તમે મારું ભક્ષણ કરી જજો’ એવું કહે, તો તેના શબ્દો ખોટા પડે. આમ, માત્ર મુખમાં પ્રવેશવાનું કહે છે.

સત્ય કહઉઁ અર્થાત સાચુ કહું છું. આપણે કહીએ છીએને કે સમ ખાઉં છું, કસમ ખાઉં છું. તેમ અગાઉ ફક્ત હું સત્ય કહું છું આટલું કહેવાનું ખૂબ જ મહત્વ હતું અને જેમ સેલ્ફ એટેસ્ટેડ નકલ માન્ય રાખવામાં આવે છે તેમ તેને પ્રમાણભૂત માનવામાં આવતું. આ બાબત શ્રીસુંદરકાંડની શરૂઆતમાં બીજા શ્લોક્માં સત્યં વદામિના અર્થમાં ( શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૨ | અમૂલ્ય ખજાનાની માંગ – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-012/ ) પણ જોઇ હતી. ત્યારબાદ લખ્યું છે, ‘મોહિ જાન દે માઈ હે માતા! મને રામકાર્ય પૂર્ણ કરવા જવા દો. ‘માઈ’, સંત પર (આંકડામાં બાવન નથી હો, પર એટલે કે અન્ય) સ્ત્રીને માતા સમાન ગણે છે, માનસ મૈં લિખા હૈ, જનની સમ જાનહિં પર નારી. એક જ ભજનમાં આપણું આખુ નાગરિકશાસ્ત્ર આવી જાય છે, તેવી ‘વૈષ્ણવજન તો તેને રે કહીયે…’ રચનામાં નરસિંહ મહેતાએ પણ લખ્યું જ છે, પરસ્ત્રી જેને માત રે”. આમ, શ્રીહનુમાનજી સુરસાને માતા તરીકે સંબોધીને પ્રભુ શ્રીરામનું કાર્ય પૂર્ણ કરવા જવા અનુમતિ માંગે છે, પરંતુ તેણી કોઇ રીતે જવા દેતી નથી.

કવનેહુઁ જતન દેઇ નહિં જાના ગ્રસસિ ન મોહિં કહેઉ હનુમાના

જ્યારે કોઇપણ ઉપાયે, કોઇપણ રીતે સમજાવવા છતાં સુરસાએ જવા ન દીધા, ત્યારે શ્રીહનુમાનજીએ કહ્યુ કે, સારું ત્યારે મારું ભક્ષણ કરી જ જાઓ ને!

કવનેહુઁ જતન સુરસા શ્રીહનુમાનજીને કોઇ રીતે જવા દેતી નથી. શ્રીહનુમાનજીને સુરસા પાસેથી જવું કોઇ મોટી વાત ન હતી, પરંતુ તેઓ એક સંત છે. દેવોએ પોતાને સુરસાના ખોરાક તરીકે આપ્યા માટે દૈવીવચનો જુઠા ન પડે અને વાલ્મીકીય રામાયણમાં લખ્યું છે કે, નાતિવર્તેન્માં કશ્ચિદેષ વરો મમ, અર્થાત સુરસાને બ્રહ્માજી તરફથી એવું વરદાન મળેલ હતું કે તેની અવજ્ઞા કરીને કોઇ આગળ જઇ શકતું નથી. જો શ્રીહનુમાનજી સુરસાને હરાવીને કે મારીને આગળ નિકળી જાય તો દેવતાઓનું આહાર તરીકે આપ્યાનું વચન તો જુઠું પડે અને બ્રહ્મવર પણ મિથ્યા થાય. આમ, શ્રીહનુમાનજી તેને પ્રભુ શ્રીરામનું કાર્ય કરવા આગળ જવા દેવા અનેક પ્રકારે સમજાવે છે. શ્રીહનુમાનજી કેવી-કેવી રીતે સમજાવે છે? ત્યાંથી કથાને હવે પછીના ભાગમાં આગળ ધપાવીશું.      

ગયા અંકનો પ્રશ્ન – મહર્ષિ વાલ્મીકિનું બાળપણનું નામ શું હતું? – રત્નાકર.

આ અંકનો પ્રશ્ન – લંકા જવા સેતુ બાંધતી વખતે ભગવાન શ્રીરામે સ્થાપેલ શિવલિંગનું નામ શું છે?

સર્વે વાચકોને મારા જય સિયારામ…

મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૧ | અતિથિ દેવો ભવ: | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

અગાઉના લેખ ( શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૦ | મનની પવિત્રતાનો મહિમા – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-020/ )માં આપણે દેવતાઓએ પવનપુત્ર શ્રીહનુમાનજીને મૈનાક સાથે વાર્તાલાપ કર્યા બાદ આગળ જતાં જોયા અને બધાએ સાથે મળી તેઓની વિશિષ્ટ બળ-બુદ્ધિની કસોટી લેવાનું નક્કી કર્યુ. આજની કથામાં આપણે દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર કેમ આવ્યો? અને શ્રીહનુમાનજીની કસોટી કરવા નાગમાતા સુરસાને જ કેમ પસંદ કરવામાં આવ્યા? તેની વિગતો જોઇશુ.

દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર કેમ આવ્યો હશે? તેના વિવિધ કારણો જોઇએ તો, પહેલું તો ‘પવન તનય બલ પવન સમાના, બુધિ બિબેક બિગ્યાન નિધાના ચોપાઈમાં ભાગ – ૪માં ( http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-004/ ) જામવંતજીના મુખે આપણે સાંભળી ચુક્યા છીએ કે તેઓ બળ, બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનનો ભંડાર છે. બીજું, દેવતાઓ જ્યારે શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનું વિચારે છે, ત્યારે જ મૈનાકને સ્પર્શ કરી તેનું માન જાળવવાનું અને પ્રભુકાર્યમાં વિલંબ ન થાય, આ બન્નેના સુંદર સંયોજનમાં શ્રીઅંજનીનંદનની કુશાગ્ર બુદ્ધિનું તાદર્શ ઉદાહરણ સામે જ હતું. ત્રીજું, શ્રીહનુમાનજીના બાળપણના પરાક્રમ જેવા કે સૂર્યને ગ્રસી જવો, ઇન્દ્રના વજ્રનો ઘાવ સહી જવો વગેરે સર્વવિદિત જ છે, પરંતુ જ્ઞાન અને શક્તિઓની વિસ્મૃતિના શ્રાપવશ યુવાવસ્થામાં આવું કોઇ પરાક્રમ જોવા મળ્યુ ન હતું. ચોથું, જામવંતજીએ તાજેતરમાં જ મહાબલી શ્રીહનુમાનજીને તેઓના અપાર બળને યાદ કરાવેલું હતું. આ બધી બાબતો ધ્યાને લઇ, દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો હશે. આ ઉપરાંત, રણકર્કશ શ્રીહનુમાનજી લંકામાં એટલે કે એવી જગ્યાએ જઇ રહ્યા હતા, જ્યાં રાવણ-મેઘનાદ એવા મહાન યોદ્ધાઓ સામે જવાનું હતું, જેઓએ દેવો, ગંધર્વો, ગ્રહો, નાગો વગેરેને પણ જીતીને બંદી બનાવી રાખેલા. આવા મહાન યોદ્ધાઓનો સામનો કરવાનો હોય વિશિષ્ઠ બળ-બુદ્ધિની આવશ્યકતા રહે. આવા વિવિધ કારણોસર દેવતાઓને બુદ્ધિમાનોમાં અગ્રગણ્ય એવા શ્રીહનુમાનજીના વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો હશે.

સુરસા નામ અહિન્હ કૈ માતા દેવોએ શ્રીહનુમાનજીની પરીક્ષા કરવા કોને પસંદ કર્યા? સૂર્યસંકાશાં સુરસાં નાગમાતરમ્‌ સૂર્ય જેવા તેજસ્વીની નાગમાતા સુરસાને પસંદ કર્યા. દેવતાઓએ શ્રીહનુમાનજીના પરીક્ષા કરવા નાગમાતા સુરસાને જ કેમ પસંદ કર્યા હશે? તેના પણ વિવિધ તર્કો જોઇએ તો –

(૧) દેવતાઓને મનમાં ભય હશે કે કદાચ અમારામાંથી કોઇ પરીક્ષા લેવા જાય અને કંઇ ભૂલ થઈ જાય, તો શ્રીહનુમાનજી મૃત્યુદંડ આપે. આમ, શ્રીહનુમાનજીના કોપથી બચવા સુરસાને મોકલી હોઇ શકે.

(૨) જેઓએ દેવો, ગંધર્વો, નાગો વગેરેને જીતીને બંદી બનાવી રાખેલા હોય, તેવા મહાન રાક્ષસ યોદ્ધાઓની વચ્ચે જવું હોય, તો તેઓના બળ અને માયાવીપણાને અનુરૂપ પરીક્ષા થવી જોઇએ. નાગમાતા સુરસા રાક્ષસોની જેમ બળવાન અને માયાવી બન્ને હતા. તેથી મોકટેસ્ટ કે પ્રેક્ટીસ મેચ માટે નાગમાતા સુરસાની પસંદગી કરવામાં આવેલ હોઇ શકે.

(૩) જાત પવનસુત દેવન્હ દેખા અને સુરસા નામ અહિન્હ કૈ માતા ચોપાઇઓમાં પવનસુત એટલે કે પવનપુત્ર અને અહિન્હ કૈ માતા એટલે કે નાગોની માતા, આવું સંયોજન પ્રયોજવામાં આવેલ છે. અખાના છપ્પાઓમાં એવું કહેવાયુ છે કે, સાપને ઘેર પરોણો સાપ, મુખા ચાટી ચાલ્યો ઘર’. આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે સાપનો ખોરાક હવા છે, તેવું માનવામાં આવે છે. અહીં નાગ હવા ખાઇને જીવતા હોય તેવી માન્યતાના આધારે કે નાગમાતા સુરસા  પવન(હવા)પુત્રને ગ્રસી શકે તેટલી યોગ્યતા ધરાવતી હોય, તો જ યોગ્ય પરીક્ષા પણ લઇ શકે.

(૪) શ્રીહનુમાનજી બાલ-બ્રહ્મચારી છે, માટે પણ તેની પરીક્ષા લેવા એક સ્ત્રીને મોકલવામાં આવી હોઇ શકે.

(૫) ફક્ત મનુષ્યજાત(બધાને એકસમાન લાગુ ન પડે)માં જ અઘરા કામમાં અન્યને આગળ ધરી દેવાની, ઊંટીયું બનાવવાની, કપટી ભાવના હોય છે, તેવું નથી. મેં તો એવું સાંભળ્યું છે કે દેવતાઓ તો વધુ સ્વાર્થી હોય છે. આમ, પોતાના સ્વાર્થ ખાતર પણ દેવતાઓએ જાતે સામે આવવાને બદલે સુરસાને મોકલી હોઇ શકે.

(૬) સ્ત્રી અવધ્ય ગણાય છે. તેનું ઉદાહરણ લઈએ તો વાલિ વધ બાદ સુગ્રીવનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. રાજ્યસુખ મળતા સુગ્રીવ શ્રીરામને આપેલ વચન વિસરી જાય છે, ત્યારે શ્રીલક્ષ્મણજી ગુસ્સે થઇને કિષ્કિંધા નગરીમાં આવે છે. શ્રીલક્ષ્મણજીના કોપથી નગરીમાં ખળભળાટ મચી જાય છે. આ સમયે સુગ્રીવ કહે છે કે, સુનુ હનુમંત સંગ લૈ તારા હે હનુમાન! આપ તારાને સાથે લઇને જાવ. તારાના મૃદુ વચનોથી શ્રીલક્ષ્મણજી શાંત થઇ જાય છે. અહીં પણ દેવતાઓ પોતાના કાર્ય માટે એક સ્ત્રીની પસંદગી કરી છે, જેથી કાર્ય શાંતિપૂર્વક પૂર્ણ થાય. સ્ત્રીઓને અબળા સમજનારાઓ પણ અહીં તેની શક્તિને સમજી લેવાની ખાસ જરૂર છે.

(૭) હું નાનો હતો ત્યારે મેં બે વાતો સાંભળેલી છે. એક, વિંછણ તેના બચ્ચાઓને જન્મ આપે, પછી તેના એ જ બચ્ચાઓ પોતાની ભૂખ મિટાવવા પોતાની માતાનું લોહી ચુસી જાય છે અને બીજી, નાગણ ઇંડા મૂકે પછી તેને ભૂખ લાગે અને બીજું કંઇ ખાવાનું ન મળે, તો પોતાના ઇંડાઓ ખાઇ જાય છે. આમ, નાગમાતાને ક્રુર અને તમોગુણી માનવામાં આવે છે. કમાન્ડોને બ્લેકબેલ્ટ આપવાની પરીક્ષા લેવી હોય, તો પરીક્ષક પણ સામે તેવા જ હોવા આવશ્યક છે. આમ, યોગ્ય પરીક્ષા થઇ શકે તેવા ભાવ સાથે સુરસાને મોકલવામાં આવ્યા હોઇ શકે છે.

આગળ જોઇએ તો – પઠઇન્હિ આઈ કહી તેહિં બાતા, અહીં પઠઇન્હિ એટલે કે મોકલવામાં આવ્યા છે. દેવતાઓએ નાગમાતાને શ્રીહનુમાનજીએ મહેન્દ્રાચલ ઉપરથી છલાંગ મારી અને મૈનાક જોડે વાર્તાલાપ થયો તે દરમ્યાન જ તેઓના વિશિષ્ઠ બળ-બુદ્ધિની પરીક્ષા કરવા મોકલી દીધા હતા. જેવા મૈનાક પાસેથી શ્રીહનુમાનજી મુક્ત થઇ આગળ વધ્યા કે તરત જ સુરસા આઈ સામે આવી ગયા. પવનપુત્ર શ્રીહનુમાનજીની ગતિ એટલી તેજ હતી કે જો સહેજ પણ રાહ જોવામાં આવે, તો તેઓ સમુદ્ર પાર થઇ જાય. વળી, ભક્તિની શોધમાં માયા, વિઘ્ન કે એક પરીક્ષામાંથી છૂટો એટલે બીજી તૈયાર જ હોય, માટે ભકતએ સતત સતર્ક રહેવું પડે. સુરસા આવીને શું કરે છે? કહી તેહિં બાતા તેણી પરીક્ષા લેવાના આશયથી આવી છે, માટે આવીને સીધી ખાવા નથી દોડતી, વાર્તાલાપ શરૂ કરે છે. ખાવા આવી હોય તો પણ શું ખાઇ શકે ખરી? બજરંગ બલી તુરંત જ રામ રમાડી દે. કોઇની પરીક્ષા કરવી હોય કે ભેદ પામવો હોય, તો તેની જોડે વાતચીત કરવી પડે, તેને સમજવું પડે. અહીં સુરસાનો આશય શ્રીઅંજનેયની પરીક્ષા કરવાનો હતો, તેની સાથે યુદ્ધ કરવાનો નહી. આમ, તેણીએ આવીને વાતચીત કરવાનું શરૂ કર્યું. ક્યા કહા?

આજુ સુરન્હ મોહિ દીન્હ અહારા સુનત બચન કહ પવનકુમારા

સુરસાએ કહ્યું કે આજે દેવોએ મને આપના સ્વરૂપે ભોજન આપ્યું છે. આ વચનો સાંભળીને પવનકુમાર શ્રીહનુમાનજીએ કહ્યું –

દેવતાઓએ સુરસાને શ્રીહનુમાનજીની પરીક્ષા કરવા મોકલ્યા હતા. તેણીએ વાતની શરૂઆત જ દેવોએ તમને મારા આહાર તરીકે આપી દીધા છે, તેનાથી કરી. તેણીએ કહ્યું, અહં ત્વાં ભક્ષયિષ્યામિ પ્રવિશદં મમાનનમ્‌ અર્થાત હું તમને ખાઇ જઇશ, તમે મારા મોઢામાં ચાલ્યા આવો. અહીંયા પહેલા તો આવું યુક્તિપૂર્વકનું જુઠ બોલી, સુરસાએ યુદ્ધની કે અથડામણની સંભાવના ટાળી દીધી. બીજું, એવું કહેવાય છે ને કે, Everything is fair in love and war. તેવી રીત શાસ્ત્રોક્ત રીતે પણ પરીક્ષા લેવા માટે પ્રશ્નને મરોડીને પૂછવો કે વાત કરવી અને કોઇ અભિનય કરતા હોઇએ ત્યારે જે કર્મ કરીએ, આ બન્ને પરિસ્થિતિમાં જુઠુ બોલવાથી પાપ લાગતું નથી. નાટકનું પાત્ર ભજવતા હોઇએ અને તેની સ્ક્રીપ્ટની માંગ મુજબ જુઠુ બોલવાનું થાય તેમાં બાધ હોતો નથી.

આજુ મતલબ આજે તથા સુરન્હ એટલે કે દેવતાઓ. પછી લખ્યુ છે અહારા. કોઇને કંઇપણ વસ્તુ આપવી હોય, તો પાત્રતા ચકાસવી પડે, વસ્તુ માટે વ્યક્તિની અને વ્યક્તિ માટે વસ્તુની. પરંતુ આહાર એટલે કે ભોજન આપવામાં કોઇ વિચાર કરવાનો હોતો નથી. આંગણે કોઇપણ અતિથિ આવે તેને ભોજન આપી શકાય, આપવું જ જોઇએ. અતિથિ હંમેશને માટે પૂજનીય હોય છે, આપણા શાસ્ત્રોમાં પણ લખ્યુ જ છે કે ‘અતિથિ દેવો ભવ:’.

હમણાં આપણે જોયુ કે પરીક્ષા લેવા માટે પ્રશ્નને મરોડીને પૂછવો કે વાત કરવી તેમાં પાપ નથી લાગતું. પરંતુ સુરસા શ્રીહનુમાનજી સામે પહેલા જુઠુ કેમ બોલ્યા અને હરિભક્તનો સ્વભાવ કેવો હોય? તે બાબતે આગળની કથામાં જોઇશું. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.

ગયા અંકનો પ્રશ્ન – અશોક વાટિકાનું બીજું નામ શું હતું? – પ્રમદાવન.

આ અંકનો પ્રશ્ન – મહર્ષિ વાલ્મીકિનું બાળપણનું નામ શું હતું?

સર્વે વાચકોને મારા જય સિયારામ.

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી||

શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૦ | મનની પવિત્રતાનો મહિમા | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: । શ્રી હનુમતે નમો નમ: । શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: ।

અગાઉના બે લેખ એટલે કે ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત:  (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-018/ )માં આપણે સમુદ્રનો પ્રભુ શ્રીરામ જોડે સંબંધ અને ભાગ – ૧૯ | ઉપકારનો બદલો પ્રત્યુપકારથી વાળવો જોઇએ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-019/ )માં મૈનાક પર્વતનો શ્રીહનુમાનજી સાથેનો સંબંધ તથા તેને સંલગ્ન અન્ય રસપ્રદ બાબતો જોઈ હતી. સમુદ્રના આદરભાવ અને મૈનાકના સ્નેહનું અપમાન ન થાય અને પોતાનું કાર્ય પણ વિલંબમાં ન પડે, તે માટે શ્રીહનુમાનજી પોતાનું બુદ્ધિ કૌશલ્ય દર્શાવતા ચતુરાઈ પૂર્વકનો શાસ્ત્રોક્ત રસ્તો કરે છે, જેની કથાથી આગળ વધીશું.

:: દોહા – ૧ ::

હનૂમાન તેહિ પરસા કર પુનિ કીન્હ પ્રનામ રામકાજુ કીન્હેં બિનુ મોહિ કહાઁ બિશ્રામ

શ્રીહનુમાનજીએ મૈનાક પર્વતને હાથથી સ્પર્શ કર્યો અને પછી પ્રણામ કરીને કહ્યું, હે મૈનાક! શ્રીરામચંદ્રજીનું કાર્ય કર્યા વિના વિશ્રામ ક્યાંથી હોય?

મૈનાક પર્વતનો શિષ્ટાચાર અને આદર જોઇને શ્રીહનુમાનજી ખૂબ જ પ્રસન્ન થયા. શ્રીહનુમાનજીએ સમુદ્રમાંથી બહાર નીકળેલા અને સેંકડો સૂર્ય સમાન ઝળહળતા મૈનાક પર્વતને કહ્યું, હે મૈનાક! તમે સનાતન ધર્મનું યથાયોગ્ય પાલન કરનારા છો. આપના આતિથ્ય ભાવથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું, પરંતુ અત્યારે હું પ્રભુ શ્રીરામનું કાર્ય કરવા જઇ રહ્યો છું. જ્યાંસુધી આ કાર્ય પૂર્ણ ન થાય, ત્યાંસુધી મારે વિશ્રામ કઇ રીતે હોઇ શકે? મૈનાકના આતિથ્યનો તિરસ્કાર ન થાય, તે માટે અંજનીનંદનએ પોતાના હાથથી મૈનાકનો સ્પર્શ કર્યો. મૈનાકને સ્પર્શ કરીને પ્રતિક સ્વરૂપે તેઓએ આતિથ્ય સ્વીકાર અને વિશ્રામ બન્ને ભાવોની પૂર્તિ કરી. અહીં શ્રીહનુમાનજીની કુશાગ્ર બુદ્ધિ અને તેઓ વિવેકની ખાણ છે, તેના દર્શન થાય છે.

આપણે વ્યવહારમાં ઘણી વખત આવી પ્રતિકરૂપી ક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. કોઇ કાર્ય આખું વિધિપૂર્વક કરવું શક્ય ન હોય, તો તેના પ્રતિકરૂપે ટૂંકમાં કરવામાં આવે છે. ઉદાહરણ રૂપે ઘરમાં કોઇ પૂજા કે યજ્ઞ હોય અને તેમાં ગૌદાન આપવાનો સંકલ્પ કરવામાં આવે, તે સમયે ખરેખર ગાયને બદલે કિંમતી ધાતુની ગાય કે તેના બદલે દક્ષિણા આપીએ છીએ. આધુનિક વાત કરીએ તો, સોશિયલ મીડિયા કે ટૂંકા મેસેજમાં Thank Youને બદલે ty, Welcomeને બદલે wc વગેરેનો ઉપયોગ કરીએ છીએ.

શ્રીહનુમાનજી મૈનાકને સ્પર્શ કરે છે, તે સંદર્ભમાં તેઓના વ્યક્તિત્વ આધારિત એક સરસ વાત કરવી છે. આપણે ત્યાં એક એવો વર્ગ છે જે કહે છે કે ધનને સ્પર્શ ન કરાય. એક વર્ગ છે જે સ્ત્રીઓનું મુખ ન જોવાય તેવી માન્યતા ધરાવે છે. તો આજ-કાલ એક વર્ગ એવો પણ છે કે જે દિકરીઓએ કેવા કપડા પહેરવા, કેમ રહેવું અને શું કરવું જોઇએ તેની સલાહો આપતા ફરે છે. આપણે લોકશાહી દેશમાં જીવીએ છીએ અને દરેકને પોત-પોતાની માન્યતા પ્રમાણે અને અન્યને નુકશાન ન થાય તેમ જીવવાનો હક છે. કોઇ કંઇપણ માન્યતા ધરાવી શકે છે. પરંતુ કોઇ વસ્તુનો તિરસ્કાર શા માટે? એકને (સ્ત્રીઓને) બંધન શા માટે? જે લોકો ધનને ન અડવાની કે સ્ત્રીઓનું મુખ ન જોવાની વાત કરે છે તેઓ વળી પોતાને ધાર્મિક પણ કહેવડાવે છે, ખરેખર તો આપણે નક્કી કરવાનું. દિકરીઓએ કે સ્ત્રીઓએ કેવા કપડા પહેરવા જોઇએ અને કેમ રહેવું જોઇએ તે નક્કી કરનારા દંભી લોકો અને સમાજના આવા ઠેકેદારો એવું કેમ નથી સમજતા કે કચરો પોતાના મગજમાં ભરેલો છે, ધનનો કે માયાનો સંયમ પોતાના મગજ ઉપર નથી અને સમાજને સમજાવવા નીકળી પડે છે.

પાશ્ચાત દેશોમાં કેવા પહેરવેશ છે અને કેવી રહેણી-કરણી છે? તે આપણે જાણીએ જ છીએ. પરંતુ, ત્યાંના લોકોના મગજ વિચલિત નથી થતા, સૌથી વધુ સંશોધનો ત્યાં જ થાય છે, નવી-નવી પ્રોડક્ટસ્‌ એ લોકો જ શોધે છે. ત્યાં શરીર ઉપરના ઓછા કપડા મગજ વિચલિત નથી કરતા, મનની સ્વચ્છતા કામ કરે છે. ધનનો સ્પર્શ ન કરવાની વાતો કરનારા એ જુએ કે શ્રીહનુમાનજીએ આખા સુવર્ણના પર્વતને સ્પર્શ કર્યો છે. જેના મનમાં આસક્તિ હોય તેને જ આ બધુ નડે છે, મન નિર્મળ હોવું જોઇએ.

શ્રીહનુમાનજીએ મૈનાકને સ્પર્શ કર્યો, પરંતુ મનમાં ભાવના ખરાબ ન હતી, તેથી તેઓને માયા વ્યાપતિ નથી. જે લોકો તેનાથી ભાગે છે, તેઓ જાતે જ સિદ્ધ કરે છે કે સુવર્ણ, ધન કે માયા તેઓ કરતા વધુ તાકાતવર છે. અહીં કુદરતી રીતે સામે આવતી સંપત્તિની વાત છે, જે ધર્મના ઓથા હેઠળ ધન શોધવા જાય છે, તેઓને તો આવું કહેવાનો પણ કોઇ અધિકાર નથી. શ્રીહનુમાનજીનું વ્યક્તિત્વ નિર્મળ, નિર્મોહી અને નિર્લેપ છે. તેઓ પ્રભુ શ્રીરામના અનન્ય ભક્ત છે. તેને કોઇ માયા વ્યાપતી નથી. જો આપણું મન પણ વિશુદ્ધ અને પવિત્ર હોય, તો આવી કોઇ બાબત આપણને વિચલિત કરી શકતી નથી, તેવું મારું સ્પષ્ટ અંગત માનવું છે.

શ્રીતુલસીદાસજી અહીં એવું પણ કહેવા માગે છે કે, જ્યારે ભક્તિના પથ ઉપર પ્રયાણ કરીએ એટલે સૌથી પહેલા પોતાનાઓની લાગણી જ તેમાં વિઘ્નરૂપે સામે આવતી હોય છે. મૈનાક શ્રીહનુમાનજીની યાત્રામાં બાધારૂપ થવાના આશયથી નહોતો આવ્યો, પરંતુ હિતેચ્છુ તરીકે વિશ્રામ આપવા આવ્યો હતો. પ્રભુકાર્ય કરતી વખતે કે ભક્તિની શોધમાં શરૂઆતનું વિઘ્ન પ્રમાદ તરીકે પણ આવી શકે. જો આપણે પ્રમાદમાં આસક્ત થઇ જઇએ તો મૂળકાર્ય અધુરું જ રહી જાય. વળી, આવી સહાય આપણા નજીકના કે હિતેચ્છુ જ આપતા હોય છે અને પ્રભુકાર્યમાં વિલંબનું કારણ બને છે. જ્યારે સહાય કરનારાનો આશય શુદ્ધ હોય, ત્યારે તેનું અપમાન કે અનાદર કરવાને બદલે સ્પર્શ માત્ર કરીને કે પ્રતિક સ્વરૂપે સ્વીકારીને આગળ વધવું જોઇએ. બાબાજી ઔર ભી સુંદર બાત બતાતે હૈ, કીન્હ પ્રનામ પ્રતિક સ્વરૂપે સ્વીકાર કરી, પછી પ્રણામ કરીને, આદર સાથે પ્રભુકાર્ય માટે કે ભક્તિના પથ ઉપર આગળ વધી જવું જોઇએ.

રામકાજુ કીન્હેં બિનુ મોહિ કહાઁ બિશ્રામ જે કાર્ય હાથ ઉપર લઇએ તેમાં મન, વચન અને કર્મથી પ્રવૃત થવું જોઇએ અને કાર્ય પૂર્ણ ન થાય ત્યાંસુધી અવિરત પ્રયત્ન અને અથાક મહેનત કરતી રહેવી જોઇએ. ઘરનું, ઓફીસનું કે સમાજનું કોઇપણ કાર્ય હોય, આટલી જ તત્પરતાથી કરવું જોઇએ, એ જ ધર્મ છે. નિષ્ઠાપૂર્વકની સ્વામીભક્તિની બાબતમાં પણ શ્રીહનુમાનજી આદર્શ જ છે.

માનસકારના શબ્દો ખરેખર ચુનિંદા છે. મોહિ કહાઁ બિશ્રામનો એવો મતલબ પણ કરી શકાય કે મને આરામની જરૂર જ ક્યા છે? રામકાર્ય કરતા હોઇએ તો શ્રમ ન પડે, અલૌકિક આનંદ જ મળે. તેમાં વિશ્રામની આવશ્યકતા રહેતી નથી. આમ, શ્રીહનુમાનજી મૈનાક પર્વતના આતિથ્યને પુરેપુરુ માન આપી, નિષ્કામ ચિત્તે પ્રતિક સ્વરૂપે સેવાનો સ્વીકાર કરી, તેઓને આદરપૂર્વક પ્રણામ કરી અને મનમાં પ્રભુ સ્મરણ સાથે પોતાના નિશ્ચિત ધ્યેય પ્રભુકાર્ય માટે ત્યાંથી આગળ વધે છે.

જાત પવનસુત દેવન્હ દેખા જાનૈં કહુઁ બલ બુદ્ધિ બિસેષા

સુરસા નામ અહિન્હ કૈ માતા પઠઇન્હિ આઈ કહી તેહિં બાતા

દેવતાઓએ પવનપુત્ર શ્રીહનુમાનજીને જતાં જોયા. તેમના વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા માટે તેઓએ સુરસા નામની સર્પોની માતાને મોકલી. તેણીએ આવીને શ્રીહનુમાનજીને કહ્યું

માનસકારે ચોપાઇની શરૂઆત જાત શબ્દથી કરી છે અને પછી લખ્યુ છે પવનસુત. પવનસુત એટલે લખ્યુ છે કે બહુ જ વેગથી જઇ રહ્યા છે અને તેના વેગ વિશે પણ આપણે પુરાણોક્ત વાત અગાઉ જોઇ ગયા છીએ. આટલી ઝડપથી જતા હોય ત્યારે એવું માનવું ઉચિત નથી કે મૈનાક જોડે વાતચિત કર્યા પછી દેવતાઓએ શ્રીહનુમાનજીને આગળ જતા જોયા હશે અને કંઇક વિચાર્યુ હશે. મારું માનવું છે કે દેવતાઓએ અગાઉથી જ તેને જતા જોયા છે. મૈનાક સાથેના વાર્તાલાપથી તો દેવતાઓને વિચારવાનો સમય મળી ગયો. આગળ અહીં દેવન્હ શબ્દ પ્રયોજવામાં આવેલ છે. જેનો અર્થ દેવતાઓ એવો બહુવચનમાં થાય છે, એટલે કે કોઇ એક દેવની વાત નથી થઇ રહી. બધા દેવતાઓ મળી પ્રભુની આ લીલા જોઇ રહ્યા છે. આગળ શ્રીતુલસીદાસજી લખે છે, જાનૈં કહુઁ બલ બુદ્ધિ બિસેષા એટલે કે વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો ભાવ છે. દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કેમ કરવી હશે? તેની વિગતો આપણે હવે પછીના લેખમાં જોઇશુ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.

ગયા અંકનો પ્રશ્ન – રાજા જનકના નાના ભાઈનું નામ શું છે? – કુશધ્વજ.

આ અંકનો પ્રશ્ન – અશોક વાટિકાનું બીજું નામ શું હતું?

સર્વે વાચકોને મારા જય સિયારામ.

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૯ | ઉપકારનો બદલો પ્રત્યુપકારથી વાળવો જોઇએ | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ| શ્રી સદ્‌ગુરુ દેવાય નમ:|

અગાઉના લેખ ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-018/ )માં આપણે સમુદ્રને સાગર કેમ કહેવામાં આવે છે અને શ્રીરામ એટલે કે ઇક્ષ્વાકુકુળને અને સમુદ્રને શું સંબંધ છે? તેની વિગતો જોઇ હતી. ઉપકારનો બદલો પત્યુપકારથી વાળવો એ સનાતન ધર્મ છે. સમુદ્ર ઉપર સગર રાજાના ઉપકારને લીધે સમુદ્ર વિચારે છે કે ઇક્ષ્વાકુકુળનું મારા ઉપર ઋણ છે, મારી આ વિશાળતાનું કારણ પ્રભુ શ્રીરામનો ઇક્ષ્વાકુવંશ છે. જ્યારે શ્રીહનુમાનજી પ્રભુ શ્રીરામના દૂત તરીકે તેઓનું કાર્ય કરવા જઇ રહ્યા છે, તો મારે તેની મદદ કરવી જોઇએ. મારે એવું કંઇક કરવું જોઇએ, જેથી શ્રીહનુમાનજીને સહાયતા થાય. તેઓને વિશ્રામ મળે અને આગળની યાત્રા સુખરૂપ પૂર્ણ કરી શકે. આવા સુંદર વિચારની આખી વાત શ્રીતુલસીદાસજીએ જલનિધિ રઘુપતિ દૂત બિચારીચોપાઇમાં સમાવી લીધી.

સુંદરકાંડની આખી કથામાં એક ખાસિયત છે કે જે-જે વિચાર કરવામાં આવે છે, તેની તરત જ અમલવારી પણ કરવામાં આવે છે. સમુદ્રએ તેના પેટાળમાં પાતાળવાસી અસુરોને નીકળવાના માર્ગને રોકવા સ્થિત સૂવર્ણમય ગિરિશ્રેષ્ઠ મૈનાકને કહ્યુ, હે મૈનાક! મહાપરાક્રમી કેસરીકિશોર શ્રીહનુમાનજી અત્યારે પ્રભુ શ્રીરામનું કાર્ય સિદ્ધ કરવા જઇ રહ્યા છે. તેઓએ આખા સમુદ્રને ઓળંગવા મોટી છલાંગ મારી છે. તેઓને વિશ્રામ મળે તેવી વ્યવસ્થા કરી, તેના સહાયક બનો.

સમુદ્રની આજ્ઞા મળતા જ સુવર્ણના શિખરોવાળો મહાકાય પર્વત સમુદ્રમાંથી બહાર નીકળ્યો. આ પરમ ક્રાંતિમાન અને તેજસ્વી પર્વત સેંકડો સૂર્યો જેવો દીપી રહ્યો હતો. તેણે શ્રીહનુમાનજીને વિનંતી કરી કે હે વાનરશિરોમણી! આપ પ્રભુ શ્રીરામનું દુર્ગમ કાર્ય કરવા જઇ રહ્યા છો. સમુદ્રએ મને આપનો સત્કાર કરી, આપને વિશ્રામ આપવા આજ્ઞા કરી છે. આપ મારા ઉપર રોકાવ, ફળ-ફૂલ વગેરે આરોગો, થોડીવાર વિશ્રામ કરો અને ત્યારબાદ આગળની યાત્રા કરજો. અહીં મૈનાકે પોતાનું આતિથ્ય અને સેવા સ્વીકારવા વિનંતી કરી છે. મૈનાકના શબ્દોમાં શ્રીહનુમાનજી પ્રત્યે કૃતજ્ઞ ભાવ છે અને પ્રત્યુપકારની ભાવના છલોછલ ભરેલી જણાય છે. મૈનાકનો શ્રીહનુમાનજી પ્રત્યે આવો ભાવ કેમ છે? તે સંદર્ભની કથા નીચે મુજબ છે.

સત્યયુગમાં પર્વતોને પાંખો હતી. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડતા રહેતા હતા. ઘણી વખત તેઓ ઉડીને કોઇ સુંદર વસેલા ગામ ઉપર બેસી જતા અને ગામનો નાશ થઈ જતો. તપસ્વીઓ પર્વત ઉપર તપ કરવા બેસતા એક જગ્યાએ અને તપસ્યા પૂર્ણ થતા સુધીમાં કોઇ અન્ય વિસ્તારમાં પહોંચી જતા હતા. પર્વતોને ઉડતા જોઇને બધા પ્રાણીઓમાં ભય વ્યાપી જતો હતો. બધાએ ભેગા મળી દેવરાજ ઇન્દ્રને ફરિયાદ કરી કે પર્વતોના આવા વર્તનથી ભયનો માહોલ ફેલાઇ ગયો છે, પ્રાણીઓના જીવ જઇ રહ્યા અને પારાવાર નુકશાન પણ થઇ રહ્યુ છે. શચિપતિ ઇન્દ્રને આ સાંભળી ખૂબ જ ક્રોધ ચડ્યો. તેઓ પોતાના વજ્રથી તમામ પર્વતોની પાંખો કાપવા લાગ્યા. તેણે સૃષ્ટિ પરના તમામ પર્વતોની પાંખો કાપી નાખી. ફક્ત હિમાચલ પુત્ર મૈનાકની એકની જ પાંખો કાપવાની બાકી હતી. ઇન્દ્ર પોતાનુ વજ્ર લઇને મૈનાક તરફ જઇ રહ્યા હતા કે તે જ સમયે વાયુદેવે પોતાના પ્રચંડ વેગથી મૈનાકને સમુદ્રમાં ધકેલી દીધો. આમ, મૈનાક હવે સમુદ્રનો શરણાગત હોઇ, તેની પાંખો બચી ગઇ, તે અક્ષત જ રહ્યો. આમ, શ્રીહનુમાનજીના પિતાશ્રીની કૃપાથી તેની પાંખો બચી ગઇ હોય, તે તેનો આભારી હતો.

આજે આ ઉપકારનો બદલો પ્રત્યુપકારથી વાળવાનો યોગ્ય સમય હતો. તેથી મૈનાકે શ્રીહનુમાનજીને કહ્યુ કે આપ મારા માટે પરમ આદરણીય છો અને ચિરકાળ પછી મને આપના પિતાશ્રીના ઉપકારનો બદલો વાળવાનો અવસર પ્રાપ્ત થયો છે. આપ મારું આતિથ્ય સ્વીકારીને મારી ઉપર કૃપા કરો. આમ, મૈનાક પોતાના ઉપર વાયુદેવના ઉપકારને લીધે શ્રીહનુમાનજીને પોતાની સેવા સ્વીકારવા વિનંતી કરે છે.

આમ, જલનિધિ રઘુપતિ દૂત બિચારી તઈ મૈનાક હોહિ શ્રમ હારી ચોપાઇ સંદર્ભમાં શ્રીહનુમાનજીને શ્રીરામદૂત તરીકે જોઇ સમુદ્રના મનમાં શું વિચાર આવે છે? કેમ આવે છે? સાગરનો ઇક્ષ્વાકુ રાજા તથા શ્રીરામના પૂર્વજ સગર જોડે શું સંબંધ છે? સાગર મૈનાક પર્વતને જ આ કામ કેમ સોંપે છે? અને મૈનાકે સહર્ષ આ કામ સ્વીકારી શ્રીહનુમાનજીને કૃતજ્ઞ ભાવે સેવા સ્વીકારવા વિનંતી શા માટે કરી છે? આ બધા પ્રશ્નોના જવાબમાં આપણે સમુદ્રના વિસ્તારની તથા મૈનાકની પાંખો બચી ગઇ અને તે અક્ષત રહ્યો, આ બન્નેની કથાઓ જોઇ. આ ચોપાઇમાં આપણા સનાતન ધર્મનો સિદ્ધાંત “ઉપકારનો બદલો પ્રત્યુપકારથી વાળવો જોઇએ” તે પણ ખૂબ સારી રીતે વણી લેવામાં આવેલ છે. આપણે પોતાના ઉપરના ઉપકારનો બદલો તો ચોક્કસ વાળવો જ જોઈએ, પરંતુ અન્ય ઉપર થયેલા ઉપકાર બાબતે જાણ હોય અને તેને બદલો વાળવાનો સંયોગ ઉભો થતો હોય, તો તેને પણ યાદ કરાવવું જોઇએ કે યોગ્ય સમય આવ્યો છે. સમુદ્ર મૈનાક પર્વત અને વાયુદેવના પ્રસંગથી અવગત હતા. સમુદ્રનું પેટાળ તો એટલું વિશાળ છે કે તેની પાસે શ્રીહનુમાનજીની સેવા માટે ઘણાં વિકલ્પો હશે, પરંતુ તેઓ મૈનાક સબંધિ આ ઇતિહાસ જાણતા હોઇ, તેને જ આ કામ સોપ્યું.

શ્રીતુલસીદાસજીએ ઘણી વાતો બહુ જ સંક્ષિપ્તમાં વર્ણવી દીધી છે અને અગાઉ પણ આપણે જોઇ ગયા છીએ કે સંસાર છે ભાઇ, કંઇપણ કહો કે લખો તેના વિશે પ્રશ્નો તો ઉઠવાના જ છે. અહીં એક પ્રશ્ન એવો ઉદ્‌ભવે છે કે, શ્રીરામ પોતે સમુદ્ર કિનારે પહોંચે છે અને સમુદ્ર પાસે સહાયતા માંગે છે, તો સમુદ્ર આસાનીથી માર્ગ નથી આપતો; પરંતુ શ્રીરામના દૂતને ઉપરથી પસાર થતા જોઇને સામેથી વિશ્રામની વ્યવસ્થા કરે છે. આવું કેમ?

આ પ્રશ્નનું ઘણું સુંદર સમાધાન છે. અગાઉની ચોપાઇ અને લેખ અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-018/ )માં આપણે જોયું હતુ કે પ્રભુ શ્રીરામના બાણ અમોઘ છે. આટલું જ નહિ, તેઓ જ્યારે પણ ધનુષ ઉપર બાણનું સંધાન કરતા તો પછી તેને છોડ્યા વગર ભાથામાં પરત મુકતા ન હતા. આ વાતની પણ સમુદ્રને ખબર હતી. સમુદ્રના દક્ષિણ કિનારે રાવણ તથા ઉત્તર કિનારે સાઇઠ હજાર આભીર રહેતા હતા અને સમુદ્રને ત્રાસ આપતા હતા. મનુસ્મૃતિ પ્રમાણે આભીર એ બ્રાહ્મણપુરુષ અને અંબષ્ટ સ્ત્રીમાંથી ઉત્પન્ન થયેલ જાતી છે. પુરાણોમાં પણ આ વંશનો ઉલ્લેખ છે. જેમાં સંસ્કારવિહિન સાત શુદ્ર રાજાઓ થયા હતા. તેઓનો પ્રદેશ સિંધુ નદીના મુખથી લઇ, કુરુક્ષેત્ર સુધીનો વર્ણવવામાં આવેલો છે. દક્ષિણ કિનારાના રાક્ષસ રાવણને મારીને તેના ત્રાસમાંથી સમુદ્રને મુક્તિ અપાવવા પ્રભુ પોતે ત્યાં પધાર્યા હતા. એવી જ રીતે ઉત્તર કિનારાના અસુરોથી પણ મુક્તિ મળે તે માટે સમુદ્રએ ચતુરાઈ પૂર્વક તરત રસ્તો ન આપ્યો. જ્યારે ભગવાને ધનુષ ઉપર બાણનું સંધાન કર્યુ કે તરત જ સમુદ્રએ આવીને વિનંતી કરી કે તેને ઉત્તર કિનારે વસતા અસુરોથી પણ મુક્તિ અપાવે. ભગવાને તેની વિનંતી અનુસાર ઉત્તર દિશામાં બાણ છોડ્યું અને સમુદ્રને ભયમુક્ત તથા ત્રાસમુક્ત કર્યો. સમુદ્રએ પણ રસ્તો આપી દીધો અને પોતે યથાશક્તિ મદદ પણ કરી. આમ, આ કારણોસર શ્રીરામ પોતે સમુદ્ર કિનારે પધાર્યા ત્યારે સમુદ્રએ સરળતાથી રસ્તો આપ્યો ન હતો.

માનસકારની દરેક ચોપાઇઓમાં માનવ જીવનની દરેક સુક્ષ્મ ઘટનાઓનું અદ્‌ભુત નિરૂપણ થયેલું જોવા મળે છે. આ ચોપાઇમાં આવો જ એક વધુ ગુઢ અર્થ પણ સમાયેલો છે. મૈનાક પર્વત સોનાનો બનેલો હતો. જેવો જીવ ભક્તિના માર્ગે પ્રયાણ કરે એટલે પહેલું વિઘ્ન આવે સોનાનું, સંપતિનું, ધનનું, માયાનું. ભક્તિના માર્ગે યાત્રા શરૂ કરશો એટલે પ્રથમ ધનપ્રાપ્તિ ચોક્કસ થશે. જો અહીં ધનમાં રોકાઇ ગયા, સુવર્ણમાં અટકી ગયા તો ખતમ, સમજો લટકી જ ગયા. થોડું વિશેષ ચિંતન કરીએ તો, મૈનાક વળી પર્વત. પર્વતનો સારો ગુણ કહો કે નબળો પણ તે જડ પ્રકૃતિ ધરાવે છે. આવી જડ માયાથી પ્રલોભિત થયા, તો યાત્રા અધુરી જ રહી જશે. પ્રભુ પ્રત્યેનું સમર્પણ અને તેનું અવિરત સ્મરણ ચાલુ રાખી, માયામાં લપેટાયા વગર યાત્રા ચાલુ રાખીએ તો જ ભક્તિ મળે. શ્રીહનુમાનજી તો “રામ કો દુલારો દાસ” પ્રભુ શ્રીરામના લાડલા દાસ છે, તેને કંઇ માયા વ્યાપે? પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, પરંતુ તેઓએ મૈનાકનો અનાદર ન થાય માટે તેના આગ્રહનો ખૂબ જ સુંદર રસ્તો કર્યો. જે આપણે હવે પછીના લેખમાં જોઇશુ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.

ગયા અંકનો પ્રશ્ન હતો – ભગવાન શ્રીરામએ જે વૃક્ષની આડમાં ઉભા રહી વાલીનો વધ કર્યો હતો, તે વૃક્ષનું નામ જણાવો? જવાબ છે – સાલવૃક્ષ.

આજનો પ્રશ્ન છે – રાજા જનકના નાના ભાઈનું નામ શું છે?

સર્વે વાચકોને મારા જય સિયારામ.

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

સુંદરકાંડની આ સુંદર કથાના આગલા ભાગમાં અતિશય બળશાળી પવનપુત્ર શ્રીહનુમાનજી વારંવાર રઘુવીર શ્રીરામચંદ્રજીનું સ્મરણ કરીને પર્વત ઉપરથી મોટા વેગ સાથે કૂદ્યા, ત્યાંસુધીની કથા જોઇ હતી. શ્રીહનુમાનજીએ છલાંગ લગાવ્યા બાદ સમુદ્ર કિનારાની પરિસ્થિતિના વર્ણનથી આજની કથાની શરૂઆત કરીએ. આ વર્ણન સંદર્ભમાં ગોસ્વામી શ્રીતુલસીદાસજી મહારાજ લખે છે કે –

જેહિં ગિરિ ચરન દેઇ હનુમંતા ચલેઉ સો ગા પાતાલ તુરંતા

જે પર્વત પરથી શ્રીહનુમાનજી પગ મૂકીને ચાલ્યા, તે પર્વત તરત જ પાતાળમાં ચાલ્યો ગયો.

જેવી શ્રીહનુમાનજીએ પર્વતને પગથી દબાવીને જોરથી છલાંગ મારી કે તે ‘તુરંતા’ તરત જ પાતાળમાં ચાલ્યો ગયો. ઘણીવાર એવું બને છે ને કે, ઘરના કોઇ સભ્ય કે મહેમાનને એરપોર્ટ મુકવા જઇએ અને ફ્લાઇટ ટેક ઓફ થાય ત્યારપછી ત્યાંથી નીકળીએ. શહેરમાં ઘર દૂર હોય અને ટ્રાફિકમાં આપણે ઘરે પહોંચીએ કે નજીકના ગામથી ગયા હોઇએ તો ગામ પરત ફરીએ, તે પહેલા તો ફ્લાઇટ નિર્ધારિત સ્થળે પહોંચી જાય અને આપણને ફોન આવી જાય કે અમે પહોંચી ગયા છીએ. તેમ શ્રીહનુમાનજી હજુ લંકા પહોંચે તે પહેલા તો પર્વત છેક પાતાળમાં પહોંચી ગયો.

શ્રીહનુમાનજી માટે ‘બિજ્ઞાન નિધાના’ એવું પણ કહેવાયુ છે. સુંદરકાંડની આ લેખમાળાના પાંચમા મણકા “બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ – શ્રીહનુમાનજી” (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-005/) માં આપણે આગળ તેના જોયુ હતુ. તેનું એક પ્રમાણ પણ અહીં પણ જોઇએ. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, “આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરૂધ્ધ દિશામાં હોય છે”, તેની શ્રીહનુમાનજીને સુપેરે ખબર જ હતી. પર્વત ઉપર કેટલું બળ આપીને છલાંગ લગાવું? તો સીધું સમુદ્રને સામે પાર લંકા સુધી પહોંચી જવાય, તે વિજ્ઞાન તેઓને સારી રીતે જ્ઞાત જ હતુ. તેથી જ તેઓ માટે ‘બિજ્ઞાન નિધાના’ પણ કહેવાય છે.

આમ પણ સંતનો ચરણ સ્પર્શ થાય એટલે સદ્‌ગતિ થઇ જાય. પછી જીવે પૃથ્વી ઉપર રહેવાની જરૂર રહેતી નથી. શ્રીહનુમાનજીના ચરણનો સ્પર્શ થતા જ મહેન્દ્ર પર્વતની પણ ગતિ થઇ ગઇ અને તે ધામમાં પહોંચી ગયો. આ બાજુ પર્વત પાતાળમાં પહોંચી ગયો અને બીજી બાજુ શ્રીહનુમાનજીની લંકા તરફની યાત્રા શરૂ થઇ. ભક્તિની શોધની યાત્રા કંઇ સુગમ ન હોય, પરંતુ પ્રભુ સ્મરણ થકી દુર્ગમમાં દુર્ગમ યાત્રા પણ સુગમ થઇ જતી હોય છે. આગે બાબાજી લિખતે હૈ, શ્રીહનુમાનજી એવી રીતે જઇ રહ્યા છે, જેમ –

જિમિ અમોઘ રઘુપતિ કર બાના એહી ભાઁતિ ચલેઉ હનુમાના

જેમ શ્રીરઘુનાથજીના ધનુષમાંથી નિકળેલુ અમોઘ બાણ જઇ રહ્યુ હોય, તેવી જ રીતે શ્રીહનુમાનજી જઇ રહ્યા હતા.

અમોઘ એટલે કે અવિફલ, અચૂક, મોઘ નહિ એવું. શ્રીરામ ભગવાનના બાણ અમોઘ હતા એટલે કે નિશ્ચિત ધ્યેય સુધી સચોટ રીતે પહોંચી, કાર્ય પૂર્ણ કરી અને પાછા ભાથામાં આવી જતા હતા. અહીં શ્રીતુલસીદાસજીએ અન્ય કોઇ અસ્ત્ર-શસ્ત્ર કે બાણની ઉપમાં નથી આપી, તેના મારા મતે મુખ્ય બે કારણો છે –

પહેલું, અન્ય કોઇ પણ યોદ્ધાના અસ્ત્ર-શસ્ત્ર વિફળ જઇ શકે, પરંતુ ભગવાન શ્રીરામનું અમોઘ બાણ ક્યારેય વ્યર્થ જતુ નથી. આજના યુગની જ વાત કરીએ તો, વિશ્વની ઉચ્ચતમ ટેકનોલોજી ઉપર પકડ ધરાવતા અને ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે જાણીતી કંપની ટેસ્લા મોટર્સના સંસ્થાપક એલન મસ્ક તેઓના ‘મિશન મંગળ’ અન્વયે મંગળ પર શહેર વસાવવાનું સપનું જોઇ રહ્યાં છે. માર્ચ-૨૦૨૧માં આ મીશન હેઠળનું સ્પેસએક્ષ સ્ટારશિપ એસએન-૧૦ રોકેટ ટેક્સાસના બોકા ચિકા પેડ ઉપરથી લોન્ચ તો થઇ ગયું, પરંતુ થોડી જ મિનિટોમાં અગનગોળામાં ફેરવાઇ ગયું અને નિષ્ફળ રહ્યું. ટેકનોલોજીના જમાનામાં તેના તજજ્ઞો વિફળ જાય, પરંતુ ભગવાન શ્રીરામનું એકપણ અમોઘ બાણ ક્યારેય નિષ્ફળ જતુ નથી.

બીજુ, બાણની ગતિ. વાલ્મીકીય રામાયણમાં લખ્યુ છે, યથા રાઘવનિર્મુક્ત: શર: શ્વસનવિક્રમ: ગચ્છેત્‌ અર્થાત જેમ શ્રીરામચન્દ્રજીનું છોડેલું બાણ વાયુવેગે જાય છે. પરંતુ પુરાણોમાં તેનાથી પણ કંઇક વિશેષ ગતિ કહી છે. તો ભગવાન શ્રીરામના બાણની ગતિ કેટલી છે? સુપરસોનિકથી પણ ઉપર? આપણા પુરાણો મુજબ હવાની ગતિ અતિ તિવ્ર હોય છે. હવાથી વધુ ગતિ પ્રકાશની હોય છે. પ્રકાશથી વધુ ગતિ ખગરાજ ગરૂડજીની હોય છે. ગરૂડજીથી વધુ ગતિ શ્રીકૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્રની હોય છે અને સુદર્શન ચક્રથી પણ વધુ ગતિ શ્રીરાઘવેન્દ્રના ધનુષ્યમાંથી છૂટતા અમોઘ બાણની હોય છે.

રસ્તામાં સુરસા, સિંહિકા, લંકિની વગેરે રૂપી અનેક વિઘ્નો આવવાના હોવા છતાં, શ્રીહનુમાનજી પોતાનું નિશ્ચિત કાર્ય પૂર્ણ કરીને પરત પ્રભુ શ્રીરામ પાસે આવી જવાના હોઇ, બાબાજીએ જિમિ અમોઘ રઘુપતિ કર બાના, એહી ભાઁતિ ચલેઉ હનુમાનાએવું લખ્યુ છે. બાબાજી આગે લિખતે હૈ, –

જલનિધિ રઘુપતિ દૂત બિચારી તઈ મૈનાક હોહિ શ્રમ હારી

સમુદ્રએ શ્રીહનુમાનજીને શ્રીરઘુપતિના દૂત સમજીને ગિરિશ્રેષ્ઠ મૈનાક પર્વતને કહ્યુ કે હે મૈનાક! તમે તેઓનો થાક ઉતારનારા, તેઓને વિશ્રામ આપનારા બનો.

માનસમાં શ્રીતુલસીદાસજીની એકેક ચોપાઇ અને તેના એકેક શબ્દમાં ગુઢ અર્થો સમાયેલા હોય છે, તેની પાછળ ભવ્ય ઇતિહાસ છુપાયેલો હોય છે. અહીં સમુદ્ર ઉપરથી તો ઘણાં પક્ષીઓ વગેરે પસાર થતા હોય છે, પરંતુ શ્રીહનુમાનજીને જોઇને જ સમુદ્રને કેમ વિચાર આવ્યો? સમુદ્રને પહેલા શું વિચાર આવ્યો? તો ઇક્ષ્વાકુ કુલમાનાર્થી ચિન્તયામાસ સાગર: એટલે કે સમુદ્રને ઇક્ષ્વાકુકુળનું સન્માન કરવાની ઇચ્છા થઈ. સમુદ્રને આવો વિચાર કેમ આવ્યો? કારણ કે અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: અર્થાત સમુદ્ર વિચારે છે કે મને ઇક્ષ્વાકુકુળના મહારાજ સગરે જ પુષ્ટ કર્યો હતો. તેના ઉપરથી ફલિત થાય છે કે સમુદ્ર અને ઇક્ષ્વાકુકુળ વચ્ચે કંઇક સંબંધ છે. ઇક્ષ્વાકુકુળના શ્રીરામ અને સમુદ્ર વચ્ચે શું સંબંધ છે? તે અંગેની કથા જોઇએ તો –

પૂર્વકાળની વાત છે, અયોધ્યામાં શ્રીરામના પૂર્વજ સગર નામના રાજા રાજ્ય કરતા હતા. તેઓને પુત્ર ન હતો. વિદર્ભ રાજકુમારી કેશિની રાજા સગરની મુખ્ય પટરાણી હતી અને અરિષ્ટનેમિ કશ્યપની પુત્રી તથા ગરુડની બહેન સુમતિ તેઓની બીજી પત્નિ હતી. પુત્ર પ્રાપ્તિની ઇચ્છાથી રાજા સગર બન્ને પત્નિઓ સાથે હિમાલય પર્વતના ભૃગુપ્રસ્ત્રવણ શિખર ઉપર ગયા અને ત્યાં તપસ્યા કરવા લાગ્યા. સો વર્ષની તપસ્યા પૂર્ણ થતા મહર્ષિ ભૃગુએ રાજા સગરને વરદાન આપ્યું કે, એક પત્નિને એક પુત્ર થશે અને બીજી પત્નિને સાઇઠ હજાર પુત્રો થશે. રાજા સગરને વરદાન અનુસાર પુત્રો પ્રાપ્ત થયા અને સમયાનુસાર યુવાન થઇ ગયા. પુત્રો યુવાન થયા બાદ એક વખત રાજા સગરને યજ્ઞ કરવાનો શુભ વિચાર આવ્યો અને તેણે તે માટે નિશ્ચય પણ કર્યો.

હિમાલય અને વિધ્યાંચલ બન્નેની વચ્ચેની પુણ્યભૂમિમાં યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. રાજા સગરના યજ્ઞના અશ્વની જવાબદારી તેના પૌત્ર ધનુર્ધર મહારથી અંશુમાને ઉઠાવી હતી. એક દિવસ શચિપતિ ઇન્દ્રએ રાક્ષસનું રૂપ ધારણ કરીને યજ્ઞના અશ્વને ચોરી લીધો. રાજા સગરે તેના સાઇઠ હજાર પુત્રોને યજ્ઞનો ઘોડો શોધવાની આજ્ઞા આપી અને કહ્યુ કે, જ્યાંસુધી અશ્વ ન મળે ત્યાંસુધી પૃથ્વીને ખોદતા રહો. રાજા સગરના સાઇઠ હજાર પુત્રો આખી પૃથ્વી ઉપર ફરી વળ્યા, પરંતુ અશ્વ ન મળતા અશ્વચોરને શોધવાના આશયથી પૃથ્વીને ખોદવા લાગ્યા. પૃથ્વી પરના વૃક્ષોનું નિકંદન નિકળવા લાગ્યું, પ્રાણીઓ મરવા લાગ્યા અને પૃથ્વી આર્તનાદ કરવા લાગી.

સગરના પુત્રો ધરતીને ખોદતા-ખોદતા ચારેય દિશાએથી પૃથ્વીને ધારણ કરનારા ગજરાજોને મળ્યા. પૂર્વ દિશામાં વિરૂપાક્ષ, દક્ષિણ દિશામાં મહાપદ્મ, પશ્ચિમ દિશામાં સૌમનસ અને ઉત્તર દિશામાં શ્વેતભદ્રના દર્શન થયા. તેઓ ચારેય ગજરાજોને પ્રણામ કરી તેઓની પરિક્રમા કરીને પૃથ્વીને ખોદતા આગળ વધવા લાગ્યા. ચારેય દિશાઓને ખોદી નાખ્યા બાદ, પૂર્વોતર દિશામાં બધા સાથે મળી ખોદતા સનાતન વાસુદેવ સ્વરૂપ ભગવાન કપિલ પાસે પહોંચી ગયા. ઇન્દ્રએ કપટ પૂર્વક યજ્ઞના અશ્વને કપિલ ભગવાન પાસે છોડી દીધો હતો. કપિલમુનિ પાસે અશ્વને જોઇ સગર રાજાના પુત્રો ક્રોધે ભરાયા અને તેઓને અશ્વચોર સમજી બધા રાજકુમારો તેની તરફ શસ્ત્રો લઇ દોડ્યા. તે જોઇ કપિલમુનીને ક્રોધ આવ્યો અને તેની ક્રોધાગ્નિથી બધા જ સગરપુત્રો બળીને ભષ્મ થઈ ગયા.

લાંબો સમય વીતી જવા છતાં પુત્રો પરત ન ફરતા રાજા સગરે પૌત્ર અંશુમાનને મોકલ્યા. અંશુમાન તેના કાકાઓને શોધવા તેઓના માર્ગે જ આગળ વધ્યા. રસ્તામાં વારાફરતી ચારેય ગજરાજો મળ્યા. તેઓને કાકાઓના સગડ પૂછતા-પૂછતા, ક્રોધાગ્નિમાં બળીને ભષ્મ થઈ ગયેલા કાકાઓના રાખના ઢગલા સુધી પહોંચી ગયા. પોતાના કાકાઓની આ દશા જોઇને તેઓ ખૂબ જ વ્યથિત થઈ ગયા. તે સમયે અંશુમાને દૂર દ્રષ્ટિ કરતા ગરુડજીને જોયા, જેઓ આ સાઇઠ હજાર સગર પુત્રોના મામા થતા હતા. ગરુડજીએ અંશુમાનને સમજાવ્યા અને યજ્ઞ અશ્વ લઇને રાજ્યમાં પરત ફરવા કહ્યું. ત્યારબાદ યજ્ઞની વિધિવત્‌ પૂર્ણાહુતી થઇ શકી. ત્યારબાદની કથા ઘણી લાંબી છે, પરંતુ સગરના સાઇઠ હજાર પુત્રોએ અશ્વને શોધવા પૃથ્વીને ખોદી તેનાથી જ સમુદ્રનો વિસ્તાર થયો, તેની પુષ્ટિ થઇ. આ કારણે સમુદ્રને ઇક્ષ્વાકુ કુલમાનાર્થી ચિન્તયામાસ સાગર: ઇક્ષ્વાકુકુળનું સન્માન કરવાની ઇચ્છા થઈ. આ કારણોસર જ રાજા સગરના નામ ઉપરથી સમુદ્રનું એક નામ સાગર પણ પડ્યુ છે.

આજની કથાને અહિં વિરામ આપીએ છીએ. ગયા અંકથી આપણે રામાયણ વિશે એક-એક પ્રશ્ન પુછવાની શરૂઆત કરેલી. ગયા અંકનો પ્રશ્ન હતો – શ્રીહનુમાનજીના માતા અંજનાજી તેઓના પૂર્વજન્મમાં એક અપ્સરા હતા. તે સમયે તેઓનું નામ શું હતું? જેનો જવાબ છે – પુંજિકસ્થલા.

આજનો પ્રશ્ન છે – ભગવાન શ્રીરામએ જે વૃક્ષની આડમાં ઉભા રહી વાલીનો વધ કર્યો હતો, તે વૃક્ષનું નામ જણાવો?

સર્વે વાચકોને મારા જય સિયારામ.

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૭ । બાર બાર રઘુબીર સઁભારી | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

આગળના લેખ(શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૬ । હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-016/ )માં પ્રભુકાર્ય ચોક્કસ થશે જ તેના બે કારણો, શ્રીહનુમાનજી ખરા અર્થમાં વિવેકની ખાણ છે, માતા-પિતાને પગે લાગીને ઘરની બહાર નિકળવાની આદત કેળવવાનું મહત્વ, પ્રભુ સ્મરણ કરી કાર્યની શરૂઆત વગેરેની કથા જોઇ હતી. શ્રીહનુમાનજી સમુદ્ર કિનારે આવેલ પર્વત પાસે જવા હરખાઇને, આનંદિત થઇને અને પ્રભુને હૃદયમાં ધારણ કરીને આગળ વધ્યા હતા, ત્યાંથી આજની કથામાં આગળ વધીએ. ગોસ્વામી શ્રીતુલસીદાસજી લખે છે –

સિંધુ તીર એક ભૂધર સુંદર । કૌતુક કૂદિ ચઢે઼ઉ તા ઉપર

સમુદ્ર કિનારે એક સુંદર પર્વત હતો. શ્રીહનુમાનજી રમતમાત્રમાં જ કૂદિને તેના ઉપર ચડી ગયા.

સમુદ્રના કિનારે ‘એક ભૂધર’ એક પર્વત હતો. શ્રીતુલસીદાસજીએ આ પર્વતનું નામ નથી લખ્યું, ફક્ત એટલું જ લખ્યુ છે કે એક પર્વત હતો. સામાન્ય રીતે પર્વત એકલો હોતો નથી, પર્વતમાળા હોય છે. અહીં એક પર્વત એટલા માટે કહ્યુ છે કે જે કાર્યની વાત થઈ રહી છે, તે કરવા માટે આ એક જ પર્વત યોગ્ય છે. શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં આ પર્વતનું નામ મહેન્દ્રાચલ આપેલુ છે. શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણ લખાયા બાદ આ વિષય ઉપર ઘણા મતમતાંતર થયા. આ કારણોસર શ્રીતુલસીદાસજીએ પર્વતનું નામ ન લખ્યું અને એક પર્વત આટલુ જ લખીને અટકી ગયા.

શ્રીતુલસીદાસજીએ એવું લખ્યું છે કે આ પર્વત સુંદર છે. માનસમાં તેના વિશે વધુ વર્ણન કરવામાં નથી આવ્યુ, પરંતુ વાલ્મીકીય રામાયણમાં આ મહેન્દ્ર પર્વત કેટલો સુંદર છે? તેનું ખૂબ સરસ વર્ણન કરવામાં આવેલુ છે. તેના શિખરો ઉંચા અને સ્થિર છે. તે વિવિધ ધાતુઓનો ભંડાર છે. તે ફળ-ફૂલોથી ભરેલા અનેક વૃક્ષોથી આચ્છાદિત છે. આ પર્વતના વનોમાં સિંહ, વાઘ અને હાથી વગેરે પ્રાણીઓ વિચરે છે તથા વિવિધ પ્રકારના પક્ષીઓ મધુર ગુંજારવ કરે છે. વિવિધ સ્થળોએથી ઝરણાઓ ફુટી, ખળખળ વહી રહ્યા છે. ઋષિ-મુનિઓ તપ કરે છે અને ગંધર્વો પોતાની પત્નિઓ સાથે અહીં વિહાર કરે છે. આમ, આ પર્વત સુંદર છે અને વળી પ્રભુકાર્ય માટે ઉપયોગી હોય ખૂબ જ ‘સુંદર’ છે.

‘કૌતુક કૂદિ ચઢે઼ઉ તા ઉપર’, જ્યા આખી વાનર સેનાનો પડાવ હતો, ત્યાંથી આ પર્વત થોડો દૂર હશે, માટે શ્રીતુલસીદાસજીએ અગાઉ હૃદયમાં હરખ અને મનમાં પ્રભુ સ્મરણ સાથે ચાલ્યા તેવું લખ્યુ હતુ. હવે પર્વત પાસે પહોંચી વિના કોઇ પરીશ્રમ, કુદકો મારીને બજરંગબલી રમતમાત્રમાં અનાયાસે જ પર્વત ઉપર ચડી ગયા. દૂર સુધીનું અંતર કાપવા છલાંગ લગાવવી હોય તો, ઉંચાઇ ઉપરથી લગાવવી પડે. આ વાત ગાણિતિક અને ફિલસૂફી બન્ને મુજબ યથાર્થ જ છે. કંઇક મોટી સફળતા મેળવવી હોય તો જ્ઞાન અને પરિશ્રમના પર્વત ઉપરથી કૂદકો મારવો પડે. જો સતત પ્રભુ સ્મરણ અને હરિકૃપા હોય, તો જ જ્ઞાન અને પરિશ્રમરૂપી પર્વત ઉપર આસાનીથી ચડી શકાય. આગે બાબાજી લિખતે હૈં –

બાર બાર રઘુબીર સઁભારી તરકેઉ પવન તનય બલ ભારી

વારંવાર રઘુવીર શ્રીરામચંદ્રજીનું સ્મરણ કરીને અતિશય બળશાલી પવનપુત્ર શ્રીહનુમાનજી પર્વત ઉપરથી મોટા વેગ સાથે કૂદ્યા.

અગાઉ આપણે જોયું હતુ કે હૃદયમાં ભગવાનને ધારણ કરી લીધા હતા. હવે કાર્યની શરૂઆત કરવા જઇ રહ્યા છે, ત્યારે પ્રભુનુ વારંવાર સ્મરણ કરે છે. જેમ એકવાર જમી લેવાથી કાયમી તૃપ્તિ થઇ જતી નથી, તેમ ભગવાનને એક વાર હૃદયમાં ધારણ કરી લેવાથી કામ પુરુ થઇ જતુ નથી. કાયમી પ્રભુનુ સ્મરણ કરવુ પડે, નિરંતર પ્રભુ ભજન કરવુ પડે. જો સતત સ્મરણ ન રહે તો ભક્ત માયામાં પડી જાય અને તેના હૃદયમાં ધારણ કરેલા ભગવાનની વિસ્મૃતિ થઈ જાય. એક વ્યક્તિએ સંતને એવું પુછ્યું કે, ભગવાન આપણા હૃદયમાં જ રહે છે, તો પછી મંદિરે જવાની શું આવશ્યકતા? સંતે બહુ જ સરસ જવાબ આપ્યો કે, તડકામાં પણ ઓક્સિજન હોય છે, તેમ છતાં આપણે છાંયો કેમ શોધીએ છીએ? જે ભગવાન હૃદયમાં છે, એ જ ભગવાન મંદિરમાં છે. પરંતુ મંદિરે જવાથી એક સુંદર અનૂભુતિ થાય છે. તેજીને ટકોરો પૂરતો છે, મિત્રો, સતત પ્રભુ સ્મરણ રાખજો.

અહીં શ્રીહનુમાનજી ભગવાનનું વારંવાર સ્મરણ કરે છે. જય શ્રીરામ, જય શ્રીરામ……., જય જય સિયારામ, જય રઘુવીર… જેવુ પ્રભુ સ્મરણ કર્યુ કે શ્રીહનુમાનજીના શરીરના એકેક રૂવાડા ઉભા થઇ ગયા. કોઇએ લખ્યુ છે કે શ્રીહનુમાનજીના શરીરના સાડા ત્રણ કરોડ રૂવાડા ઉભા થઇ ગયા. મહાવીર શ્રીહનુમાનજીના શરીરમાં તેજ, બળ અને પરાક્રમનો આવેશ થયો અને તેઓના શરીરમાં વીરરસ ઉત્પન્ન થયો. શ્રીતુલસીદાસજીએ અહીયા પ્રભુ શ્રીરામનું સ્મરણ કર્યું કે શ્રીરઘુનાથજીનું સ્મરણ કર્યું તેવું નથી લખ્યુ, અહીં ‘રઘુબીર’નું સ્મરણ લખ્યુ છે. પ્રભુના વીર સ્વરૂપનું સ્મરણ કરવાથી શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. રઘુવીર એ પ્રભુનું વીરતા સૂચક નામ છે અને રઘુવીર નામનું સ્મરણ કરવાથી વીરતા સુનિશ્ચિત થાય છે. શ્રીહનુમાનજી હવે પછી સમુદ્રને ઓળંગવાનું, લંકામાં પ્રવેશ, લંકાદહન વગેરે વીરતાવાળા જ કાર્યો કરવાના હોય, માનસકારે બાર બાર રઘુબીર સઁભારી તેવુ લખ્યુ છે.

જ્યારે શ્રીહનુમાનજીના શરીરમાં વીરરસ અને તેજ, બળ તથા પરાક્રમ વ્યાપી જાય છે, શરીરનું એકે-એક રૂંવાડું ઉત્તેજીત થઈ જાય છે, ત્યારનું તેઓનું સ્વરૂપ અને પર્વતની પરિસ્થિતિ કંઇક આવી હતી. શ્રીહનુમાનજીએ કનક ભૂધરાકાર શરીરા – વિશાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. મહેન્દ્ર પર્વતની ઉપર સહજતાથી રમતમાત્રમાં કૂદીને ચડી ગયા છે. જેમ ભૂકંપ આવે અને ધરા ખળભળી જાય તેમ શ્રીહનુમાનજી મહેન્દ્ર પર્વત ઉપર ચડતા જ પર્વત ધ્રુજી ઉઠ્યો અને બે ઘડી સુધી ડગમગતો જ રહ્યો. પર્વત ઉપરના વૃક્ષોના બધા ફળ-ફૂલો પર્વત ઉપર ખરી પડ્યા, જેથી જાણે આખો પર્વત ફૂલોનો જ બનેલો હોય તેવો ભાસતો હતો. શ્રીહનુમાનજીના પગથી દબાઇ રહેલો પર્વત વિવિધ સ્થળોએથી ખનિજોથી યુક્ત જલના ઝરણાઓ વહાવવા લાગ્યો. પર્વત ઉપર વસતા જીવ-જંતુઓ, પ્રાણીઓ ગભરાટના માર્યા આમ-તેમ દોડવા લાગ્યા અને તેનો ભયંકર કોલાહલ મચી ગયો. પર્વત ઉપર વસતા તપસ્વીઓ અને વિદ્યાધરો ભયભીત થઇને અંતરિક્ષમાં જતા રહ્યા અને ત્યાં જઇને મહાબળવાન શ્રીહનુમાનજીનું પરાક્રમ જોવા લાગ્યા.

એ વખતે “દુધુવે ચ સ રોમાણિ ચકમ્પે ચાનલોપમ:, નનાદ ચ મહાનદં સુમહાનિવ તોયદ:” અર્થાત શ્રીહનુમાનજી અગ્નિ જેવા સુવર્ણ રંગના દેખાતા હતા. એમણે પોતાના શરીરને હલાવ્યું અને શરીરના તમામ રૂંવાડાંઓને ઝાટક્યાં તથા તેઓ ભારે મેઘની જેમ સિંહનાદ જેવી ગર્જના કરી રહ્યા હતા કે, “પ્રાણપ્રયાણસમયે યસ્ય નામ સકૃત્સ્મરન્‌, નરસ્તીર્ત્વા ભવામ્ભોધિમપારં યાતિ તત્પદમ્, કિં પુનસ્તસ્ય દૂતોઽહં તદઙ્ગાઙ્ગુલિમુદ્રિકઃ” એટલે કે મૃત્યુ સમયે શ્રીરામ નામનું એકવાર સ્મરણ કરવા માત્રથી જીવ સંસાર-સાગર પાર કરીને પ્રભુના પરમધામને પ્રાપ્ત કરે છે, તો હું રામદૂત પ્રભુની મુદ્રિકા સાથે લઇને અને હૃદયમાં તેઓનું જ સ્મરણ કરતા-કરતા આ સમુદ્ર બહુ સરળતાથી અને તુરંત જ ઓળંગી જઇશ, તેમાં કોઇ મોટી વાત નથી.

વાનર સેના શ્રીહનુમાનજીનો જય-જયકાર કરે છે અને શ્રીહનુમાનજી પ્રભુ શ્રીરામનો જય-જયકાર કરતા, મહેન્દ્રાચલ ઉપરથી કૂદવા તૈયાર થઈ રહ્યા છે. અહીં તેનું  એવું વર્ણન કરવામાં આવેલું છે કે, તેઓએ પુંછને હવામાં ફંગોળી અને શરીરના ઉપરના અંગોને સંકોચી કમરની પાસે લઈ ગયા તથા પગથી પર્વતને દબાવીને વેગપૂર્વક જોરથી છલાંગ લગાવી. જય શ્રી રામ… ત્યારે શ્રીતુલસીદાસજી લખે છે, “તરકેઉ પવન તનય બલ ભારી” મહા બળવાન, મહા પરાક્રમી, પવનદેવના પુત્ર અને રામદૂત શ્રીહનુમાનજી પર્વત ઉપરથી મોટા વેગથી કૂદ્યા. શ્રીહનુમાનજી પવનપુત્ર છે માટે તેઓનો વેગ પવનના વેગ જેવો ખૂબ વધારે છે. અહીં શ્રીહનુમાનજી બહુ ભારે બળ તથા અતિશય વેગથી છલાંગ મારે છે.

શ્રીહનુમાન છલાંગ મારતાની સાથે જ તેઓના અતિશય તીવ્ર વેગને લીધે પર્વત ઉપર ઉગેલા વૃક્ષો ઉખડીને એક મુહૂર્ત એટલે કે આશરે ૪૮ મિનિટ સુધી તેઓની સાથે ઉડ્યા. ત્યારબાદ તે સમુદ્રમાં પડી ગયા અને તેનાથી સમુદ્ર જાણે ગાલીચો પાથર્યો હોય તેવો સુશોભિત લાગતો હતો. વાયુપુત્રનો વેગ એટલો બધો હતો કે સમુદ્રમાં વમળો સર્જાવા લાગ્યા, સુનામી મોજાઓ ઉછળવા લાગ્યા અને સમુદ્રમાં ઉંડે રહેલા જળચરો પણ સ્પષ્ટ દેખાવા લાગ્યા. શ્રીહનુમાનજીએ છલાંગ લગાવ્યા બાદ સમુદ્ર કિનારાની પરિસ્થિતિ વર્ણવતા માનસકાર લખે છે,

જેહિં ગિરિ ચરન દેઇ હનુમંતા ચલેઉ સો ગા પાતાલ તુરંતા

જે પર્વત પરથી શ્રીહનુમાનજી પગ મૂકીને ચાલ્યા, તે પર્વત તરત જ પાતાળમાં ચાલ્યો ગયો.

આગળની કથા આવતા અંકે જોઇશુ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. સર્વે વાચકોને મારા જય સિયારામ.

“મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી”

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||