Home Blog Page 8

શ્રી સુંદરકાંડ | ભાગ – ૯ | ‘જ્ઞાન પ્રાપ્તિ’ કાંડ અર્થાત સુંદરકાંડ | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગમાં આપણે જોયું હતુ કે, શ્રીહનુમાનજી જામવંતજીને ઉચિત શિખામણ પુછે છે. જામવંતજી તેને લંકા જવા, ત્યાં જઇ માતા સીતાજીની ભાળ મેળવવા અને પાછા ફરી પ્રભુશ્રીરામને માતા સીતાજીનો સંદેશો આપવા માર્ગદર્શન આપે છે. જામવંતજી એવું પણ કહે છે કે, ત્યારબાદ રાજિવનયન શ્રીરામજી પોતાના બાહુબળથી રાવણનો રાક્ષસકુળ સહિત સંહાર કરશે અને માતા સીતાજીને આદર સાથે લઈ આવશે. કિષ્કિંધાકાંડની પૂર્ણાહુતિમાં માનસકારે આજ વાત માટે છંદ પણ મૂકેલ છે.    

છંદ

કપિ સેન સંગ સઁઘારિ નિસિચર રામુ સીતહિ આનિહૈં

ત્રૈલોક પાવન સુજસુ સુર મુનિ નારદાદિ બખાનિહૈં

જો સુનત ગાવત કહત સમુઝત પરમ પદ નર પાવઈ

રઘુબીર પદ પાથોજ મધુકર દાસ તુલસી ગાવઈ

અર્થાત પ્રભુ શ્રીરામજી વાનર વીરોની સેના લઈને રાક્ષસોનો સંહાર કરશે અને માતા સીતાજીને લઈ આવશે. આ સમયે દેવતાઓ અને નારદ વગેરે મુનિઓ ભગવાનના ત્રણેય લોકોને પવિત્ર કરનારા સુંદર યશના વખાણ કરશે. જેના શ્રવણ, ગાન, કથા અને સમજવાથી મનુષ્ય પ્રભુના પરમપદને પામે છે અને આ સુંદર પવિત્ર યશ શ્રીરઘુવીરનાં ચરણકમળનો ભમરો શ્રી તુલસીદાસજી ગાય છે.

શ્રીરામચરિતમાનસના વખાણ કરવામાં નારદજી સૌથી આગળ છે અને મુખ્ય પણ છે; જેથી અહીં નારદાદિ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. આગળ છંદમાં લખ્યું છે, ‘જો સુનત ગાવત કહત સમુઝત પરમ પદ નર પાવઈ અહીં નર શબ્દ વાંચી ફક્ત પુરુષો એવો અર્થ કરવો સંકુચિતતા જ ગણાશે. શ્રીતુલસીદાસજીએ માનસમાં ઘણી જગ્યાએ છંદ, ચોપાઈ, સોરઠા વગેરેના પ્રાસને ધ્યાનમાં લઈ, માનવમાત્ર માટે નર શબ્દનો ઉપયોગ કરેલો જોવા મળે છે. વધુમાં, આ માનસની કથા જે સાંભળશે, ગાશે, કહેશે કે સમજશે તે પ્રભુનું પરમપદ સાકેતધામ પ્રાપ્ત કરશે, તેવું કહેવામાં આવ્યું છે. અહીં સુનત એટલે કે સાંભળવું. સાંભળીને ભક્તિ કરવી એટલે કે શ્રવણ ભક્તિ. નવધાભક્તિમાં પણ શ્રવણ ભક્તિને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ગાવત એટલે કે ભગવાનના ભજન-કિર્તન કે ગુણ-ગાન ગાઈને કરવામાં આવતી ભક્તિ. પ્રભુના ભજન-કિર્તન અને ગુણ-ગાન ગાઈ પણ શકાય અને અને કથા સ્વરૂપે કહી પણ શકાય. આ બન્ને પ્રભુભક્તિના જ સ્વરૂપ છે. અહીં બન્નેને અલગ-અલગ દર્શાવવા ગાવત પછી કહત શબ્દ પણ વાપરવામાં આવ્યો છે, પરંતુ બન્નેનો ભાવ એક જ છે. છેલ્લે સમુઝત એટલે કે સમજીને અથવા તો સ્મરણ થકી ભક્તિ કરવાનું લખ્યું છે. આ ચારેય પૈકી ઉત્તમ કઈ? તો આ ચારેય પ્રકારની ભક્તિનું ફળ એકસમાન જ છે, પરમપદની પ્રાપ્તિ. જેને જે રીતે અનુકૂળ હોય તે રીતે ભગવાનને ભજી શકે છે, બસ ભાવ શુદ્ધ હોવો જોઈએ. શ્રીતુલસીદાસજીએ પોતાના માટે રઘુબીર પદ પાથોજ મધુકર દાસ તુલસી ગાવઈ લખી સ્પષ્ટ કરી દીધું કે તેઓ ભગવાનના ચરણોનો ભમરો બની ગુંજીને – ગાઈને ભક્તિ કરવાની ઇચ્છા ધરાવે છે. શ્રીતુલસીદાસજી શ્રીરામચંદ્રજીના ચરણારવિંદમાં અનુરાગ સાથે મગ્ન થઈ ગુંજન કરે છે, ગુણ-ગાન ગાય છે, તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે.     

દોહા

ભવ ભેષજ રઘુનાથ જસુ સુનહિં જે નર અરુ નારિ

તિન્હ કર સકલ મનોરથ સિદ્ધ કરહિં ત્રિસિરારિ*

શ્રી રઘુવીરનો પવિત્ર યશ ભવરૂપી રોગનો રામબાણ ઇલાજ છે. જે સ્ત્રી-પુરુષ તેને સાંભળશે તેઓના સર્વે મનોરથો ત્રિશિરાના શત્રુ શ્રીરામજી સિદ્ધ કરશે. ત્રિપુરારિ – સર્વે મનોરથો ત્રિપુરારિ એટલે કે ભગવાન શંકર પુરા કરશે.

શ્રીરામચરિતમાનસ આપણા ભવરોગનું અમોઘ ઓસડ છે. મારા પ્રથમ લેખમાં જ મેં લખ્યુ છે કે શ્રીરામચરિતમાનસની દરેક ચોપાઇ એક મંત્ર છે. માનસ એક મહાકાવ્ય જ કે ધાર્મિક પુસ્તક માત્ર નથી, આપણું પોતાનું જીવનદર્શન પણ છે. જીવનમાં ડગલેને પગલે આવતા પ્રશ્નોનો જવાબ આપણને માનસમાંથી મળી રહે છે અને માનસના સહારે માણસ ભવસાગરને પાર કરી જાય છે. આ દોહામાં મારી પાસે ઉપલબ્ધ ગીતાપ્રેસ, ગોરખપુરની બુકમાં ત્રિસિરારિ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. અમૂક સંતોનો એવો મત છે કે શ્રીતુલસીદાસજીએ અહીં ત્રિપુરારિ શબ્દ વાપરેલો છે. રામભક્તિના આચાર્ય શ્રીમહાદેવજી છે, અર્થાત રામભક્તિ કરનારા વિદ્યાર્થીઓ અને તેનું જ્ઞાન આપનારા કે પ્રભુભક્તિ તરફ વાળનારા શિક્ષકો ઘણા હોય છે, પરંતુ શ્રીમહાદેવજી આ સ્કુલના આચાર્ય છે. આ કાંડના અધિષ્ઠાતા દેવ પણ ભગવાન શંકર છે. આ માટેનો તર્ક એવો છે કે, સાતકાંડવાળા આ માનસને સપ્તપુરી કહેવામાં આવે છે. જે પૈકી કિષ્કિંધાકાંડ ચોથો કાંડ છે અને સપ્તપુરીમાં ચોથી પુરી કાશી છે. તો આ કાંડના અધિષ્ઠાતા દેવ પણ કાશીપુરીની જેમ મહાદેવ શ્રીશંકરજી જ થયા. આ કાંડનું ફળ ભગવાન શંકર આપે છે. એક વધુ સાબિતી જોઈએ તો, આ કાંડની શરૂઆતમાં શ્રીતુલસીદાસજી મહારાજે શંકર ભગવાનની વંદના પણ કરેલ છે. આમ, અહીં ત્રિપુરારિ શબ્દ પણ યથાર્થ જ છે એટલે કે આ કાંડના ફળરૂપે ભગવાન શંકર આપણા સર્વે મનોરથો પૂર્ણ કરે છે.                   

સોરઠા

નિલોત્પલ તન સ્યામ કામ કોટિ સોભા અધિક

સુનિઅ તાસુ ગુન ગ્રામ જાસુ નામ અઘ ખગ બધિક

જેમનું શરીર નીલકમળના સમાન શ્યામ છે, જેમની શોભા કરોડો કામદેવોથી પણ અધિક છે અને જેમનું નામ પાપરૂપી પક્ષીઓને મારવા માટે બધિક (શિકારી) સમાન છે, તે શ્રીરામના ગુણોના સમૂહને અવશ્ય સાંભળવા જોઇએ.

અંતિમ સોરઠામેં શ્રીતુલસીદસજીને એક બહુત હી સુંદર એવમ્‌ ગુઢ બાત કહ દી હૈ. નિલોત્પલ તન સ્યામ કામ કોટિ સોભા અધિક ચોપાઈના આ ભાગમાં ભગવાન શ્રીરામના નીલકમળ સમાન શ્યામ રૂપનું ધ્યાન ધરવાનું કહ્યું છે. તાસુ ગુન ગ્રામમાં પ્રભુના ગુણ ગાવાનું અને તેને હૃદયમાં ધરવાનું કહ્યું છે. જાસુ નામમાં પ્રભુનું નામ સ્મરણ કરવાનું કહ્યું છે. આમ, શ્રીતુલસીદાસજી શ્રીરામજીના રૂપ, ગુણ અને નામનું મહત્વ સમજાવી આ અલૌકિક કાંડને સમાપ્ત કરે છે.

ઇતિ શ્રીમદ્‌રામચરિતમાનસે સકલકલિકલુષવિધ્વંસને ચતુર્થ: સોપાન: સમાપ્ત: ।

કળિયુગનાં સમસ્ત પાપોના નાશ કરનાર શ્રીરામચરિતમાનસનું આ ચોથું સોપાન (કિષ્કિંધાકાંડ) સમાપ્ત થયું.  

હવે આપણે કિષ્કિંધાકાંડની એક ગૂઢ વાત જાણીએ. કિષ્કિંધાકાંડ આટલો નાનો અને આટલો મહત્વનો કેમ છે? તો આ કાંડ સંપૂટ સ્વરૂપે છે, જેની આગળ ત્રણ કાંડ છે અને પાછળ ત્રણ કાંડ છે. વચ્ચેનો આ કાંડ સંપૂટના આત્મા સ્વરૂપે છે. જેના પઠનથી, અધ્યયનથી સર્વે મનોરથો પૂર્ણ થાય છે. કરુણાનિધાન ભગવાન શ્રીરામચંદ્રજી આપણા સહુની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના સહ કિષ્કિંધાકાંડની કથા પૂર્ણ કરીએ છીએ.

શ્રીરામચરિતમાનસના સાતેય કાંડની અલગ-અલગ ફળશ્રુતિ છે. બાલકાંડમાં ભગવાનના જન્મ, વિદ્યા, લગ્ન વગેરેનું સુખદ વર્ણન છે, જેથી તેનું ફળ સુખ અને ઉત્સાહમાં વધારો એવું જણાવવામાં આવેલ છે. અયોધ્યાકાંડમાં ભરતજીના પ્રેમ અને વૈરાગ્યનું વર્ણન છે, જેથી તેનું ફળ પ્રેમ અને વૈરાગ્યની પ્રાપ્તિ છે. અરણ્યકાંડમાં સ્ત્રીવિરહનું વર્ણન છે, જેનું ફળ આસક્તિવિહિન નિર્મલ વૈરાગ્યની પ્રાપ્તિ છે. કિષ્કિંધાકાંડમાં શ્રીહનુમાનજીનો ભગવાન સાથે મિલાપ થયો અને ભગવાન શ્રીરામના માતા સીતાજીને શોધવાના મનોરથો સફળ થયા, માટે કિષ્કિંધાકાંડનું ફળ “સર્વે મનોરથોની પૂર્તિ” છે. સુંદરકાંડમાં જહાજ વગર જ સાગર પાર કરવાનું જ્ઞાન મળ્યું, માટે તેનું ફળ જ્ઞાન પ્રાપ્તિ થકી ભવસાગર પાર છે. લંકાકાંડમાં ભગવાનના વિજયનું વર્ણન છે, તેથી તેનું ફળ વિજય, વિવેક અને વિભૂતિની પ્રાપ્તિ છે. ઉત્તરકાંડમાં રાજ્યાભિષેકનું વર્ણન છે, જેથી રાજા પાસેથી માંગવાનો ભાવ છે. જે અન્વયે શ્રીતુલસીદાસજી હરહુ બિષમ ભવ ભીર અર્થાત જન્મ-મરણના ભયાનક દુ:ખો હરવાનું માગે છે, માટે ભવોભવના ફેરામાં મુક્તિ એ ઉત્તરકાંડનું ફળ છે.

થોડું અલગ રીતે સમજીએ, તો બાલકાંડમાં ધર્મ, અયોધ્યાકાંડમાં પ્રેમ અને વૈરાગ્ય, અરણ્યકાંડમાં વિમલ વૈરાગ્ય, કિષ્કિંધાકાંડમાં સંતોષ, સુંદરકાંડમાં જ્ઞાન, લંકાકાંડમાં વિજ્ઞાન અને ઉત્તરકાંડમાં અવિરલ હરિભક્તિનો મહિમા કહેવામાં આવેલ છે. હરિભક્તિ મેળવવાની સીડીના પગથિયા આ જ ક્રમમાં છે. ધરમનું ફળ વૈરાગ્ય છે, વૈરાગ્યનું ફળ સંતોષ છે, સંતોષનું જ્ઞાન, જ્ઞાનનું વિજ્ઞાન અને વિજ્ઞાનનું ફળ હરિભક્તિ છે. એક કાંડની પૂર્ણાહુતિ સારી રીતે થાય એટલે તેના ફળ રૂપે આગળના કાંડની શુભ શરૂઆત થઇ શકે એટલે કે હરિભક્તિ પ્રપ્ત કરવા એક પગથીયું ચડીએ એટલે ત્યારપછીનું પગથીયું ચડવાની પાત્રતા પ્રાપ્ત થાય. આજના લેખમાં કિષ્કિંધાકાંડની જ્ઞાનસભર વાતો સાથે સુંદર પૂર્ણાહુતિ કરીએ છીએ. જેના ફળરૂપે પ્રભુ આ લેખમાળાના મુખ્ય વિષય એવા સુંદરકાંડ, જેની ફળશ્રુતિ “જ્ઞાન પ્રાપ્તિ” છે, તેની શુભ શરૂઆત કરાવે. હવે પછીના લેખથી શ્રીરામચરિતમાનસના ક્રમ મુજબની ચોપાઇઓથી સુંદરકાંડની કથા શરુ કરીશું.

સર્વે વાચકોને મારા જય સિયારામ…

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

શ્રી સુંદરકાંડ | ભાગ – ૮ | રાજિવનયન ધરેં ધનુસાયક | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રીરામચરિતમાનસના કિષ્કિંધાકાંડની છેલ્લી ચોપાઈઓની રચના અને ક્રમમાં એક સુંદર સંયોગ ઉભો થયેલો છે. અગાઉ જામવંતજી શ્રીહનુમાનજીને પ્રોત્સાહિત કરવા જે-જે વાત કહે છે, તે બધાના જવાબ, બસ પ્રભુ શ્રીરામનું નામ પડતા જ, પછીની ચોપાઈઓમાં સુવ્યવસ્થિત રીતે આવી જાય છે. આ સંયોગ પણ હોઈ શકે અથવા તો શ્રીતુલસીદાસજીનું કુશાગ્ર બુદ્ધિ ચાતુર્ય પણ હોઈ શકે છે. આપણે આ દરેક ચોપાઈ અને તેના સુંદર જવાબોના સુભગ સંગમને જોઇશુ. તો ચાલો જોઈએ આ સુંદર સંગમ – (૧) અગાઉ શ્રીજામવંતજીએ કહ્યુ હતુ કે, કા ચુપ સાધિ રહેઉ બલવાના અર્થાત તમે ચૂપ કેમ બેઠા છો? તો શ્રીહનુમાનજી ‘સિંહનાદ કરિ બારહિં બારા એટલે કે તેઓ વારંવાર સિંહની જેમ ગર્જના કરે છે એટલે કે તેઓ ચૂપ નથી. (૨) શ્રીજામવંતજીએ એવું કહ્યું કે ‘પવન તનય બલ પવન સમાના’ તમે પવનદેવના પુત્ર છો અને બળમાં પણ પવનના સમાન છો, શ્રીહનુમાનજી કહે છે કે તેથી જ તો હું ‘લીલહિં નાઘઉઁ જલનિધિ ખારા’ આ ખારા સમુદ્રને પળભરમાં ઓળંગી શકુ છું. (૩) અગાઉ જામવંતજી કહે છે, બુધિ બિબેક બિજ્ઞાન નિધાના’; શ્રીહનુમાનજી તેના જવાબમાં કહે છે, આ બળ અને બુદ્ધિથી જ હું ‘સહિત સહાય રાવનહિ મારી’ રાવણને તેના સહાયકો સહિત મારી નાખી શકુ છું. (૪) શ્રીજામવંતજીએ કહ્યું છે, ‘કવન સો કાજ કઠિન જગ માહીં’ દુનિયામાં એવું ક્યું દુર્ગમ કામ છે, જે આપનાથી ન થઈ શકે? ત્યારે શ્રીહનુમાનજી કહે છે ‘આનઉઁ ઇહાઁ ત્રિકૂટ ઉપારી’, મારા માટે કોઈ કામ અઘરું નથી; હું આખા ત્રિકૂટ પર્વતને માતા સીતાજી સહિત ઉખાડીને અહીં લાવી શકું તેમ છું. (૫) જ્યારે શ્રીજામવંતજી કહે છે ‘રામ કાજ લગિ તવ અવતારા’, હે પવનપુત્ર! આપનો તો અવતાર જ પ્રભુ શ્રીરામના કાર્ય માટે થયેલો છે, ત્યારે આટલું સાંભળતા જ ‘સુનતહિં ભયઉ પર્બતાકારા’ શ્રીહનુમાનજી પર્વતાકાર થઈ ગયા. ખરેખર, શ્રીતુલસીદાસજી મહારાજની આ ચોપાઈઓનો ક્રમ અને તેનું અનુસંધાન અજોડ અને અદ્‌ભૂત છે. ઉપર જણાવ્યા મુજબના ચોપાઈઓના સુંદર સંગમને સારી રીતે સમજવા, આપે મારા અગાઉના બધા લેખ જીણવટથી વાંચવા પડશે, તો ખરેખર બહુ જ આનંદ આવશે, તેવું મારું માનવું છે.

હવે કિષ્કિંધાકાંડની આ છેલ્લી ચોપાઈઓની કથામાં થોડા આગળ વધીએ. આગળ માનસકાર શ્રીહનુમાનજીના અતુલ્ય વિવેકનું આલેખન કરતા લખે છે –

જામવંત મૈં પૂઁછઉઁ તોહી । ઉચિત સિખાવનુ દીજહુ મોહી ॥

જ્યારે માણસ આવેગમાં કે આવેશમાં હોય, જ્યારે શરીરમાં વીરરસ ઉત્પન્ન થયેલો હોય, ત્યારે તે સારા-નરસાનો ભેદ જાળવી શકતો નથી કે હિત-અહિત યોગ્ય રીતે નક્કી કરી શકતો નથી. અહીં શ્રીહનુમાનજી પોતે શું-શું કરી શકે તેમ છે? પોતાનામાં કેટલી અપાર શક્તિ છે? તેના વિશે બોલે છે ત્યારે તેઓ પણ આવેશમાં આવી ગયા હોય અને તેથી પોતાના અપાર સામર્થ્યના ગુણગાન ગાવા માંડ્યા હોય તેવું લાગે છે; પરંતુ આપણે અગાઉ જોઈ ગયા તેમ શ્રીહનુમાનજી તો બુધિ બિબેક બિગ્યાન નિધાના છે. પોતે બધી જ રીતે સામર્થ્યવાન હોવા છતાં, સેનાના વરિષ્ઠ સભ્ય એવા શ્રીજામવંતજીને વિવેક કરવાનું ચૂકતા નથી. શ્રીહનુમાનજી શ્રીજામવંતજીને કહે છે, હે જામવંતજી! હું આપને પુછું છું, આપ જ મને યોગ્ય સલાહ આપો કે મારે હવે આગળ શું કરવું જોઈએ?

જ્યારે શ્રીહનુમાનજી જામવંતજીને ઉચિત શિખામણ પુછે છે કે તેણે હવે શું કરવું જોઈએ? ત્યારે શ્રીજામવંતજી કહે છે – “એતના કરહુ તાત તુમ્હ જાઈ, સીતહિ દેખી કહહુ સુધિ આઈ” હે તાત! આપ બસ એટલુ કરો કે લંકા જાવ, ત્યાં જઈ માતા સીતાજીને જોઈને પાછા આવો અને પછી તેના સમાચાર પ્રભુ શ્રીરામને પહોંચાડો. તમે પોતાની જે શક્તિનું વર્ણન કર્યું, તે બધુ જ કરી શકવા આપ સમર્થ છો. પરંતુ, હે હનુમાનજી! હાલ આપ આટલું જ કરો.

જ્યારે આપણને નોકરી કે ધંધામાં કોઈ ખાસ કામ માટે નિયુક્ત કરવામાં આવે, ત્યારે કામ યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં કરવાનું ખૂબ જ મહત્વ છે. જો અધુરું કામ મૂકીને આવીએ, તેના દરેક પાસાની વિગતે તપાસ કરીને ન આવીએ, તો પણ યોગ્ય પરિણામ ન મળે અને નિશ્ચિત કરેલ ધ્યેય કરતા વધારાનું એવું કંઈક કરીને આવીએ કે પછી આગળના બીજા કામમાં નડે, તો પણ સફળતામાં સાતત્ય ન રહે. તેવી જ રીતે આપ જે હેસિયતથી કોઇ કાર્ય કરવા ગયા હોઇએ, તે દરજ્જો ન દર્શાવીએ, તો સામેવાળા યોગ્ય માન નહિં જાળવે અને ધાર્યું કામ નહીં થાય અને હેસિયતથી વધુ અધિકૃતિ દર્શાવીએ, તો પોતે મુશ્કેલીમાં મૂકાવાનો ચોક્કસ વારો આવે અને/અથવા આ કામ કરવાને બદલે બગાડીને આવીએ. કોઈપણ કામમાં ઈષ્ટતમ ભાગ ભજવવો ઉચિત જાણી, વાનર સેનાના વરિષ્ઠ અને અનુભવી સભ્ય શ્રીજામવંતજી અહીં એવી સલાહ આપે છે કે, આપ ફક્ત માતા સીતાજીની ભાળ મેળવીને પાછા આવી જાવ. પછી શું થશે? તો –  

તબ નિજ ભુજ બલ રાજિવનૈના કૌતુક લાગિ સંગ કપિ સેના ॥

ત્યારબાદ કમળનયન શ્રીરામજી પોતાના બાહુબળથી રાવણનો રાક્ષસકુળ સહિત સંહાર કરશે અને માતા સીતાજીને આદર સાથે લઈ આવશે. આ સમયે તેઓ કૌતુક એટલે કે કેવળ રમત માટે જ વાનરોની સેનાને સાથે લેશે. અહીં શ્રીતુલસીદાસજીએ બહુ જ ઉત્તમ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરેલો છે. નિજ ભુજ બલ અર્થાત પ્રભુ શ્રીરામ પોતે જ રાવણને તેના કુળ સહિત મારવા અને સીતાજીને પાછા લાવવા સમર્થ છે, તેને કોઈની પણ મદદની જરૂર નથી. તેવો સર્વ શક્તિમાન અને સામર્થ્યવાન છે, એવો ભાવ અહીં વર્ણવેલો છે. પછી ગોસ્વામીજી કહે છે, રાજિવનૈના. પ્રભુ શ્રીરામ માટેનું, મારું પ્રિય એવું, એક સુંદર અને અદ્‌ભુત નામ. આ ‘રાજિવનયન’ શબ્દનો અક્ષરસહ અર્થ થાય છે, કમળ જેવા નયનવાળા. સામુદ્રિક શાસ્ત્ર (વ્યક્તિના અંગો, હાવ-ભાવ, હલન-ચલન ઉપરથી તેનું ચરિત્ર, ભવિષ્ય વગેરે જાણવાનું શાસ્ત્ર) મુજબ જેની આંખો કમળ જેવી હોય છે, તેઓ બહુ દયાવાન, બીજાને મદદ કરનારા અને અન્યોના દુ:ખ દુર કરવાવાળા હોય છે. આખા શ્રીરામચરિતમાનસમાં ભગવાનની આંખોનો લગભગ એકસઠ વખત ઉલ્લેખ થયેલ છે. જે પૈકી તેના માટે બાવીસ વખત રાજીવ વિશેષણ વાપરવામાં આવ્યું છે, સોળ વખત કમળ, સરોજ વગેરે સમાનાર્થી શબ્દો વાપરવામાં આવેલા છે, જ્યારે ત્રેવીસ વખત કમળના અર્થ સિવાયના વિશેષણો ઉપયોગમાં લેવામાં આવેલા છે. જ્યાં-જ્યાં રાજીવ વિશેષણ વાપરવામાં આવેલ છે, ત્યાં-ત્યાં પ્રભુની કૃપાદ્રષ્ટિ હોવાનું સૂચિત થાય છે. જેમ કે, “રાજિવનયન ધરેં ધનુસાયક ભગત બિપતિ ભંજન સુખદાયક અને આવી જ બીજી ચોપાઈ જોઇએ તો “દેખી રામ સકલ કપિ સેના ચિતઈ કૃપા કરિ રાજિવનયના .

અત્યારે આપણે જે ચોપાઈ વિશે વાત કરી રહ્યા છીએ એટલે કે, તબ નિજ ભુજ બલ રાજિવનૈના,  આ ચોપાઈમાં પ્રભુ શ્રીરામની પોતાની શક્તિથી જ રાક્ષસોને મારી નાખવાની વાત છે; પરંતુ આશય તો અહીં પણ કૃપાદ્રષ્ટિનો જ છે. આ બધા રાક્ષસોનો સંહાર કરીને તેઓને પરમધામ પ્રદાન કરવાનો ભાવ છે. ચોપાઈના ઉતરાર્ધમાં ‘કૌતુક લાગિ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. અહીં તેનો એક અર્થ એવો પણ કરી શકાય કે જે રાક્ષસોએ દેવતાઓને હેરાન-પરેશાન કરી મુક્યા હતા, દેવતાઓ, નાગ, ગંધર્વો વગેરેને બંદી બનાવીને રાખ્યા હતા, તેવા બળવાન રાક્ષસોને મારવા પ્રભુ વાનરોની સેના લઈને જશે અને તેઓના ગર્વને ચૂર કરી નાખશે. આવું કૌતુક પ્રભુ શ્રીરામ કરવાના હોય, ‘કૌતુક લાગિ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો હોય શકે.

આજની કથાને અહીં વિરામ આપીએ. આવતા અંકે કિષ્કિંધાકાંડનો અંતિમ ભાગ છંદ, ચોપાઈ તથા સોરઠાની સંગાથે જોઇશું તથા તેની સાથે કિષ્કિંધાકાંડની અમૂક ગૂઢ વાતો જાણીશું અને તેની પૂર્ણાહુતિ કરીશું.            

સર્વે વાચકોને મારા જય સીયારામ….

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

શ્રી સુંદરકાંડ | ભાગ – ૭ | ખાવું વાસી અને રહેવું ઉપવાસી | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

આગળના લેખ( શ્રી સુંદરકાંડ | ભાગ – ૬ | કવન સો કાજ કઠિન જગ માહીં – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-006/ )માં આપણે શ્રીહનુમાનજી માટે કેમ કોઈ કામ અશક્ય નથી અને શ્રીજામવંતજીએ ‘આપનો તો જન્મ જ શ્રીરામ પ્રભુ કાર્યાર્થે થયેલો છે’ તેવું કેમ યાદ કરાવવું પડ્યું હતુ? તેના વિશે વાત કરી હતી. આ વાત તો થઈ બળ, બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ એવા શ્રીહનુમાનજીની, પરંતુ આ ચોપાઈ મારફતે શ્રીતુલસીદાસજી મહારાજ આપણને બધાને એટલે કે સામાન્ય માનવીને શું કહેવા માંગે છે? શું સંદેશો આપવા માગે છે? તે સાથે આજે સુંદરકાંડની આ સુંદર કથામાં આગળ વધીએ.

અહીં તુલસીદાસજી મહારાજ આપણને બધાને સંદેશો આપે છે, ટકોર કરે છે અને યાદ અપાવે છે કે, હે માનવી! તારો અવતાર ફક્ત સાંસારિક અને ભૌતિક સુખો મેળવવા અને તેને ભોગવવા ખાતર જ નથી થયો. સમગ્ર સૃષ્ટિ પ્રભુએ જ બનાવેલી છે અને તેણે જ આપણને સહુને કોઈને કોઈ પાત્ર ભજવવા નિયુક્ત કરેલા છે, તેને સુપેરે નિભાવો. સાંસારિક જીંદગી, ભૌતિક સુખો વગેરે પ્રભુની માયાનો જ એક ભાગ છે, પરંતુ તે જ સર્વસ્વ નથી. ભગવાને માનવ દેહ આપ્યો છે, તો પ્રભુકાર્ય પણ કરવું જોઈએ. આપણે આખી જીંદગી ધન-દોલત-ઐશ્વર્ય, સંપતિ-સંતતિ, કુટુંબ-કબિલા પાછળ વ્યતિત કરી દઈએ છીએ અને એવું વિચારીએ છીએ કે, વૃધ્ધાવસ્થા પ્રભુ સાથે ગાળીશું એટલે કે પાછલી જીંદગીમાં એય ને નિવૃત્ત થયા પછી શાંતિથી પ્રભુને ભજીશુ; જે નિશ્ચિતરૂપે અનિશ્ચિત હોય છે.

મારા માતુશ્રી એક વાત હંમેશા કહેતા, બેટા “લોકો ખાય છે વાસી અને રહે છે ઉપવાસી” ખાવું વાસી અને રહેવું ઉપવાસી કહેવતનો અર્થ હવે કંઈક થોડો-ઘણો સમજાય છે. આ કહેવત સમજાવતી વાર્તા ટૂંકમા એવી છે કે, એક સુખી-સંપન્ન પણ લોભી કુટુંબ હતુ. એક વખત તે ઘરમાં દિકરાના લગ્ન થયા. દિકરાની વહુ સામાન્ય કુટુંબની દિકરી હતી, પરંતુ ભક્તિભાવ વાળી અને ઉદાર હૃદયવાળી હતી. જ્યારે કોઇ માગવાવાળું ઘર આંગણે આવે એટલે સાસુજી કોઇને કોઇ બહાનું બતાવી, તેને કંઈ જ આપ્યા વગર પાછા મોકલી દેતા. વહુ જ્યારે-જ્યારે આવું જોવે ત્યારે ધીમેથી બોલે કે, “ખાવું વાસી અને રહેવું ઉપવાસી”. એક વખત તેના સાસુએ તેણીને પુછ્યુ કે આ તું શું બબળ્યે રાખે છે? તેનો અર્થ શું થાય? તું કહેવા શું માગે છે? તેણીએ સાસુમાને સારી રીતે સમજાવ્યા કે આપણે આ જન્મમાં જે કંઇ સુખ-સુવિધા ભોગવીએ છીએ, આપણી પાસે જે કંઇ ધન-દોલત છે, તે આપણા પૂર્વજન્મના પુણ્યનું ફળ કે પ્રતાપ છે; એટલે કે આપણે ખાઈએ છીએ વાસી. આ જન્મમાં કોઇ સત્‌કાર્ય કે દાન-પૂણ્ય તો કરતા નથી, એટલે કે રહીએ છીએ ઉપવાસી. આપણે આ જન્મમાં સારા કર્મો, દાન-દક્ષિણા, પુજા-પાઠ અને ભગવાનનું ધ્યાન ધરવું જોઇએ, જેથી તેના પુણ્ય પ્રતાપે આપણને ભગવાન આવતા ભવમાં કે આ જીવનના હવે પછીના સમયમાં સારું સુખ-સુવિધાપૂર્ણ જીવન આપે. સાસુમાને આ વાત હૈયામાં ઉતરી ગઈ અને ત્યારપછી તેના આંગણેથી કોઇ ખાલી હાથે પાછુ ફરતું ન હતું.    

આપણા પૂર્વજન્મના સત્‌કર્મોના ફળસ્વરૂપે આ જન્મમાં સુખ-સાહબી, ધન-દોલત, સમૃદ્ધિ-સંપતિ-સંતતિ વગેરે મળેલી હોય છે. આપણે તેને ભોગવવામાં વ્યસ્ત થઈ જઈએ છીએ; એટલે કે આપણે ખાઈએ છીએ વાસી. પછી આ જ વાસી ખાવામાં, અગાઉના સત્‌કર્મો થકી પ્રાપ્ત દુન્યવી સુખો ભોગવવામાં આવતા જન્મ કે સમય માટે નવા સત્‌કર્મોનું ભાથું બાંધવાનું ચૂકી જઈએ છીએ; એટલે કે રહીએ છીએ ઉપવાસી. મારા માતુશ્રીની આ વાત મને ડગલેને પગલે મારું જીવન જીવવા, તેનો પથ નક્કી કરવા ઉપયોગી સાબિત થાય છે. આશા રાખું છું કે, આ ગાગરમાં સાગર જેવી શીખ આપ સહુને પણ ઉપયોગી નીવડશે. આટલું ગૂઢ અને શાશ્વત જ્ઞાન આટલી સરળતાથી આપવા બદલ મારા માતુશ્રીને સાભાર વંદન. હવે કથામાં આગળ વધીએ – 

રામ કાજ લગિ તવ અવતારા । સુનતહિં ભયઉ પર્બતાકારા ॥

જેવું જામવંતજી કહે છે કે, રામ કાજ લગિ તવ અવતારા, શ્રીહનુમાનજીના શક્તિ વિસ્મૃતિના શ્રાપનો અંત આવી જાય છે અને પોતાની અમાપ શક્તિઓનું સ્મરણ થઈ જાય છે. શ્રીહનુમાનજી પર્વતાકાર એટલે કે વિશાળકાય થઈ જાય છે. સામાન્ય રીતે આપણને કોઈ મિત્ર, સગા-સંબંધી કોઈ કામ કરવા પ્રોત્સાહિત કરે, આપણને આપણી આવડત યાદ કરાવે, ત્યારે આપણી મનોસ્થિતિ શું હોય છે? યાદ કરો. મન પ્રફુલ્લિત મહેસૂસ કરે છે, કંઈક કરવાની ભાવના ઉત્પન્ન થઈ જાય છે, અતિશય આનંદનો અનુભવ કરીએ છીએ, અલગ જ પ્રકારની હકારાત્મક ઉર્જાનો અહેસાસ થાય છે. અહીં તો શ્રીહનુમાનજી રામભક્ત છે અને કાર્ય શ્રીરામપ્રભુનું છે. વિચારો કેટલો અજબ ઉમળકો હશે? શ્રીતુલસીદાસજી લખે છે કે, તેઓ પર્વતાકાર થઈ ગયા. તેણે પોતાના શરીરમાં અપાર શક્તિનો અનુભવ કર્યો. તેમના વિરાટ, તેજસ્વી, શક્તિશાળી, નિર્ભય, ઉત્તમ સ્વરૂપનું શબ્દોથી તો વર્ણન કરવું પણ શક્ય નથી.

અહીં એક વાત એ પણ નોંધવા જેવી છે કે, જ્યાં સુધી જામવંતજી શ્રીહનુમાનજીના વખાણ કરતા હતા, ત્યાં સુધી શ્રીહનુમાનજી એકદમ શાંતચિતે સાંભળતા હતા. જેવું પ્રભુ શ્રીરામનું નામ સાંભળ્યું કે તેઓ અતિ ઉત્સાહમાં આવી ગયા અને ગર્જી ઉઠ્યા, જય શ્રીરામ…. સદ્‌ગૃહસ્થનો એક ગુણ હોય છે કે તેઓ પોતાના વખાણ થતા હોય, ત્યાંસુધી ચુપ રહે છે; તો પછી શ્રીહનુમાનજી તો એક સંત છે. આગળ શ્રીતુલસીદાસજી લખે છે,

કનક બરન તન તેજ બિરાજા । માનહુઁ અપર ગિરિન્હ કર રાજા ॥

શ્રીહનુમાનજી પર્વતાકાર થઈ ગયા પછી કેવા લાગતા હતા? તેનું વર્ણન કરતા શ્રીતુલસીદાસજી કહે છે કે, તેના શરીરનો રંગ સૂવર્ણ જેવો એટલે કે સોનેરી હતો, શરીર ઉપર અપાર તેજ સુશોભિત હતું. શ્રીહનુમાનજી વાનર સેના સાથે જ્યાં હતા ત્યાં ‘સિંધુ તીર એક ભૂધર સુંદર’ એટલે કે સમુદ્ર કિનારે એક પર્વત હતો, તેની પાસે આ બીજા પર્વત જેવા લાગતા હતા અને આ બીજા પર્વત જેવા તેઓ જાણે બધા જ પર્વતોના રાજા સુમેરુ હોય તેવા ભાસતા હતા. અહીં શ્રીતુલસીદાસજીએ શ્રીહનુમાનજીને સુમેરુ પર્વતની ઉપમા આપી છે; કારણ કે તેઓનું શરીર કનકવર્ણ – સુવર્ણ રંગનું છે, તેઓનું કદ પર્વત જેવડું તથા પર્વતની જેમ ભારે પણ છે. આ ઉપરાંત, સુમેરુને પર્વતોનો રાજા કહેવામાં આવે છે અને શ્રીહનુમાનજીને “વાનરાણામધીશમ્‌” અર્થાત કપિરાજ કહેવામાં આવે છે. આમ, શ્રીહનુમાનજીને સુમેરુ પર્વતની ઉપમા આપવામાં આવેલી હોઈ શકે.

સિંહનાદ કરિ બારહિં બારા । લીલહિં નાઘઉઁ જલનિધિ ખારા ॥

સહિત સહાય રાવનહિ મારી । આનઉઁ ઇહાઁ ત્રિકૂટ ઉપારી ॥

તેઓ વારંવાર સિંહની જેમ ગર્જના કરતા કહેતા હતા કે, પ્રભુ શ્રીરામની કૃપાથી હું આકાશના તમામ ગ્રહો અને નક્ષત્રોને ઓળંગી શકુ તેમ છું, હું ઇચ્છું તો મહાસાગરને શોષી શકું છું, હું પૃથ્વીને ચીરી નાખી શકું છું અને પર્વતો ઉપર કૂદી-કૂદીને તેનું ચુર્ણ બનાવી શકું છું. તો આ ખારા સમુદ્રની શું વિસાત છે? તેને તો હું પળભરમાં ઓળંગી જઈશ. વામન અવતારમાં ત્રણ ડગલાં ભરતી વખતે પ્રભુએ જેવું રૂપ ધારણ કર્યું હતુ તેવું રૂપ ધરી, મેઘમાંથી ઉત્પન્ન થયેલી વિજળીની જેમ હું ક્ષણમાત્રમાં ઉડીને સમુદ્રને પાર કરી જઈશ. એટલું જ નહીં, વજ્રધારી ઇંદ્ર અને શ્રીબ્રહ્માજીના હાથમાંથી અમૃત છીનવી લાવી શકું તેટલું સામર્થ્ય ધરાવું છું, તો રાવણને તો તેના કુટુંબ-કબિલા અને સેના-સહાયકો સહિત મારીને, આખા ત્રિકૂટ પર્વતને માતા સીતાજી સહિત ઉખાડીને અહીં લાવી શકું તેમ છું.

‘લીલહિં નાઘઉઁ જલનિધિ ખારા’ ચોપાઈમાં ‘ખારા’ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. સમુદ્રનું જલતો ખારું જ હોય છે, તે સર્વવિદિત છે, તેનો અલગથી ઉલ્લેખ કરવાની સામાન્ય રીતે કોઈ આવશ્યકતા નથી. અહીંયા એક એવો પણ તર્ક છે કે શ્રીહનુમાનજી તેને પળવારમાં ઓળંગી જવાની વાત કરી છે, તેના સમર્થનમાં એટલે કે સમુદ્રનું જલ ખારું છે, મીઠું નથી કે તેના જલપાન, સ્નાન વગેરેમાં મારો સમય વ્યતિત થાય, આ શબ્દ વાપરવામાં આવ્યો હોઇ શકે છે.

આજની કથાને અહીં વિરામ આપીએ. હવે પછીના લેખમાં શ્રી હનુમાનજીના વિવેકનું એક સુંદર ઉદાહરણ જોઈશું. ત્યારબાદ આ શ્રીરામચરિતમાનસની ચોપાઈઓનો કિષ્કિંધાકાંડના અંતમાં કેવો સુંદર સંયોગ ઉભો થાય છે, તે જોઈ કથામાં આગળ વધીશું.

સર્વે વાચકોને મારા જય સીયારામ….

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

શ્રી સુંદરકાંડ | ભાગ – ૬ | કવન સો કાજ કઠિન જગ માહીં | Sundarkand

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

વાચક મિત્રો, મારી આ સુંદરકાંડ વિષય ઉપરની લેખમાળાના અગાઉ પાંચ લેખો પ્રસિદ્ધ થયા, જે આપ સહુએ વાંચ્યા હશે. આજના છઠ્ઠા લેખમાં વિષયવસ્તુ વિશે લખતા પહેલા બે વાતો કહેવી છે. પહેલી, આપ સુંદરકાંડની આ જે કથા વાંચો છો, તે લખવા માટે મારી અંગત રીતે કોઈ ક્ષમતા નથી તેવું હું માનું છું. આ બધો મારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજના આશિર્વાદનો જ પ્રભાવ છે. હું માધ્યમ માત્ર છું. બીજી, ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત રામચરિતમાનસના ક્રમ મુજબ હજુ સુંદરકાંડની કથા ખરેખર શરુ થઈ નથી. કિષ્કિંધાકાંડની છેલ્લી ચોપાઈઓ સંદર્ભમાં કથા ચાલે છે. મને લાગે છે કે સુંદરકાંડની ચોપાઈઓ શરુ કરતા પહેલા આ કથા જરૂરી છે, માટે વર્ણવી રહ્યો છું. આશા રાખુ છું કે આપને પસંદ પડતી હશે.

આગળના લેખ(http://udaybhayani.in/sundarkandwithuday_005/)માં આપણે શ્રીહનુમાનજી બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાની ખાણ એટલે કે ભંડાર છે, તેની થોડી કથા જોઈ હતી, બાકી શ્રીહનુમાનજીના ચરિત્ર અને ચરિતની વાતો માટે તો અનેક જન્મો પણ ઓછા પડે. અહીં હું જે કંઈ કથા લખી રહ્યો છું, તે કથા કરું મતિ અનુસાર છે. હવે આપણે આ સુંદર કથામાં આગળ વધીએ… શ્રીજામવંતજી શ્રીહનુમાનજીને કહે છે –

કવન સો કાજ કઠિન જગ માહીં જો નહિં હોઇ તાત તુમ્હ પાહીં

હે મહાવીર! જગતમાં એવું ક્યું અઘરું કામ છે જે હે તાત! આપનાથી ન થઈ શકે? શ્રીહનુમાનજી કોઈપણ કાર્ય કરવા સક્ષમ છે કારણ કે તેને બાળપણમાં જ અનેક આશીર્વાદ અને વરદાનો મળ્યા હતા. આ વરદાનોની કથા જોઈએ તો, બાળ હનુમાનજી સૂર્યને મુખમાં મૂકી દે છે અને પછી શ્રીબ્રહ્માજીની વિનંતીથી સૂર્યને મુકત કરતાં જ સમગ્ર સૃષ્ટિ પૂર્વવત સામાન્ય થઈ જાય છે. ત્યારબાદ શ્રીબ્રહ્માજી પ્રસન્ન થઈને તેઓને વરદાન આપે છે કે, આ બાળકને બ્રહ્મશાપ નહીં લાગે અને તેનો મારા કોઈ અસ્ત્ર-શસ્ત્ર(બ્રહ્માસ્ત્ર સહિત)થી વધ નહીં થાય. દેવરાજ ઇંદ્ર, વજ્રના પ્રહારથી અંજનીનંદનની હનુ (હનુ = દાઢી) તૂટી ગઈ હોય, “હનુમાન” એવું નામ આપે છે અને તેનું શરીર વજ્રથી પણ વધુ કઠોર થાય તથા વજ્રની તેના ઉપર કોઈ અસર નહીં થાય તેવા આશીર્વાદ આપે છે. સૂર્યદેવ તેને પોતાના તેજનો એક સોમો ભાગ (શતાંશ) પ્રદાન કરે છે અને સમય આવ્યે તેના ગુરુ બની વિદ્યા આપવાનું વચન આપે છે. વરુણદેવ તેને પોતાના પાશ અને જલથી સુરક્ષાનું વરદાન આપે છે. યમરાજા તેને યમદંડથી અવધ્ય રહેશે તેવું વરદાન આપે છે. યક્ષરાજ કુબેર તેને યુદ્ધમાં અપરાજિત રહેવાના આશિષ આપે છે. ભગવાન શંકર અને વિશ્વકર્માજી પણ તેને પોતાના શસ્ત્રોથી હંમેશા અવધ્ય રહેવાના અને ચિરંજીવી રહેવાના આશીર્વાદ આપે છે. છેલ્લે ફરી પ્રસન્ન થઈને શ્રીબ્રહ્માજી કહે છે કે, શ્રી હનુમાનજી શત્રુઓને ભય પમાડનાર, ભક્તોને અભય પ્રદાન કરનાર, યુદ્ધમાં અજેય, તીવ્ર ગતિવાન, કોઈ રોકટોક વગર કોઈપણ જગ્યાએ જઈ શકનાર અને ઇચ્છાનુસાર રૂપ ધારણ કરી શકનાર બનશે. આમ, શ્રીહનુમાનજીને બાળપણમાં જ આ બધા વરદાન અને આશીર્વાદ મળી ગયેલ હોય, તેઓ માટે કોઈ જ કામ કઠિન નથી.

જામવંતજી આગળ કહે છે , ‘રામ કાજ લગિ તવ અવતારા’, હે પવનપુત્ર! આપનો તો અવતાર જ શ્રીરામપ્રભુના કાર્ય માટે થયેલો છે. આમ તો શ્રીહનુમાનજીને પોતાના અવતાર વિશે જ્ઞાન હતું જ કારણ કે ભગવાન શંકરે પોતે જ અગિયારમાં રુદ્ર સ્વરૂપે આ અવતાર લીધો હતો. પરંતુ, શ્રીહનુમાનજીને બાળપણમાં અગાઉ જોયેલા વરદાનો સાથે એક શ્રાપ પણ મળેલો હતો. આ શ્રાપની કથા કંઈક એવી છે કે, બાળ હનુમાનજી ખુબ જ શક્તિશાળી હતા અને શ્રીબ્રહ્માજી તથા દેવતાઓના વરદાનો મળ્યા પછી તો તેઓ ખૂબ જ ચંચળ અને નટખટ થઈ ગયા હતા. તેની આવી ચપળતા અને ચંચળતા જોઈને તેમના માતા-પિતા ખુબ જ ખુશ થતા હતા. તેઓ આખો દિવસ જંગલોમાં અને પર્વતો ઉપર ચારે બાજુ ફરતા રહેતા અને ખૂબ જ તોફાન કરતા હતા. ક્યારેક મોટા-મોટા હાથીઓને પૂંછડીથી પકડી, ઘુમાવી અને દૂર ફેંકી દેતા, તો ક્યારેક મોટા-મોટા વૃક્ષોને મૂળ સહિત હચમચાવી દેતા. પર્વતનું એક પણ શિખર એવું ન હતું, જ્યાં તેઓ છલાંગ મારીને પહોંચી ન ગયા હોય. તેઓ ક્યારેક-ક્યારેક ઋષિઓના આશ્રમમાં જતા અને ત્યાં એવા તોફાન કરી દેતા, જેનાથી ઋષિ-મુનિઓનો તપોભંગ થતો. ક્યારેક ઋષિઓના કમંડળ ફેંકી દેતા, તો ક્યારેક તેઓના કપડા ફાડી નાખતા. શ્રીબ્રહ્માજીના વરદાનથી પરિચિત હોય કોઈ ઋષિ તેને કંઈ કરી શકતા ન હતા.

શ્રીહનુમાનજીની આયુ હવે ભણવાની થઈ, તેમ છતાં તેઓ સતત બાળસહજ મસ્તી અને તોફાનમાં જ પ્રવૃત રહેતા હતા. માતા અંજનાજી અને પિતા કેસરીજીને હવે ચિંતા થવા લાગી. તેઓ ઋષિ-મુનિઓ પાસે ગયા અને પરિસ્થિતિ વર્ણવી, માર્ગદર્શન કરવા વિનંતી કરવા લાગ્યા. ઋષિ-મુનિઓએ વિચાર્યું કે, શ્રીહનુમાનજીનું બળ અને પરાકમ સ્વાભવિક છે, પરંતુ વિદ્યાભ્યાસ પણ આવશ્યક જ છે. ત્યારબાદ શ્રીહનુમાનજીના તોફાનથી પરેશાન ઋષિઓએ તેને શ્રાપ આપ્યો કે, તેઓ પોતાનું બધું બળ ભૂલી જશે. જ્યારે તેના બળ અને પરાક્રમની પ્રભુ કાર્યાર્થે આવશ્યકતા હશે, તેમજ તેને કોઈ યાદ અપાવશે, ત્યારે તેને બધી શક્તિઓનું પુન:સ્મરણ થશે. આમ, શ્રીહનુમાનજીને પોતાની અપાર શક્તિઓની વિસ્મૃતિનો શ્રાપ હોય, જામવંતજીએ યાદ અપાવવું પડે છે કે, હે મારુતિનંદન! ‘રામ કાજ લગિ તવ અવતારા’ અર્થાત આપનો અવતાર શ્રીરામચંદ્રજીના કાર્યાર્થે જ થયેલો છે.

શ્રીહનુમાનજી તો બળ, બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનના ભંડાર છે. તેઓ વૈરાગ્ય વગેરે સદ્‌ગુણોથી સંપન્ન ઉત્તમ સાધકનું પ્રતિક છે. જ્યારે આપણે બધા તો પંચતત્વના બનેલા પૂતળા એટલે કે રાખના રમકડાં છીએ. જો શ્રીહનુમાનજીને પણ જામવંતજીએ તેના જીવનનો આશય ‘રામ કાજ લગિ તવ અવતારા’ યાદ અપાવવો પડે, તો આપણી શું હેસિયત છે? દરેકના જીવનમાં એક સદ્‌ગુરુ હોવા જોઈએ, એવું મારું અંગત મંતવ્ય છે. આવા સદ્‌ગુરુના આશિષ અને અસીમ કૃપા વગર આપણને પોતાના જન્મનું તાત્પર્ય કઈ રીતે સમજાય? માટે દરેકના જીવનમાં સદ્‌ગુરુના આશીર્વાદ હોવા અનિવાર્ય છે. આ જન્મમાં પરમ પૂજ્ય સદ્‌ગુરુ શ્રી વિશ્વંભરદાસજી મહારાજની અનુકંપા પામી, હું મારા જાતને ધન્ય માનું છું.

આજની કથામાં આપણે શ્રીહનુમાનજીને મળેલા વરદાનો અને શ્રાપ વિશે વાત કરી. આગળની કથામાં આ ચોપાઈ ‘રામ કાજ લગિ તવ અવતારા’ દ્વારા શ્રી તુલસીદાસજી મહારાજ આપણને બધાને શું કહેવા માંગે છે? તેની વાત સાથે આગળ વધીશું.

સર્વે વાચકોને મારા જય સીયારામ….

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.  

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫ | બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ – શ્રીહનુમાનજી | Sundarkand

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

આગળના લેખ(http://udaybhayani.in/sundarkandwithuday_004/)માં પવન તનય બલ પવન સમાના ચોપાઈમાં આપણે શ્રી હનુમાનજીને પવનપુત્ર સંબોધન અને તેઓના અતુલિત બળ વિશે વાત કરી હતી. આજની કથા આગળ વધારતા પહેલા પવન તનય સંદર્ભમાં એક વધુ વાત કહેવી છે. પવનનો એક અર્થ પાવન કરનાર એવો પણ થાય છે અને તનયનો અર્થ પુરુષ વંશજ એવો થાય છે; એટલે કે પાવન કરનાર પુરુષ’. રામાયણમાં અહીંથી આગળની કથામાં શ્રી હનુમાનજી મૈનાક, સુરસા, સિહિંકા, લંકિની અને ત્યારબાદ લંકાના દરેક ઘરને સ્પર્શી (આગ લગાડવા) પાવન જ કરવાના હોય, શ્રીતુલસીદાસજીએ અહીં પવન તનય સંબોધન કર્યુ હોઇ શકે.

શ્રીતુલસીદાસજી લખે છે કે, આગળ જામવંતજી શ્રીહનુમાનજીને બુધિ બિબેક બિગ્યાન નિધાના બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ કહ્યા છે. કોઈપણ કાર્ય ફક્ત બળથી જ કરી શકાય નહીં, તેના માટે બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાન એટલે કે ફક્ત જ્ઞાન જ નહીં વિશેષ કે શાસ્ત્રિય જ્ઞાનની પણ આવશ્યકતા રહે છે. બળ સાથે આ ત્રણેયના સંગમથી જ કોઈપણ કાર્ય સિદ્ધ થઈ શકે છે અને સફળતા હાંસલ થાય છે. શ્રીહનુમાનજી બળની સાથે આ ત્રણેયનો પણ ભંડાર છે.

શ્રીહનુમાનજીનું “બુદ્ધિ” ચાતુર્ય અવર્ણનિય છે. તેનો પરિચય જ્યારે સુગ્રીવજી શ્રીહનુમાનજીને બે વનવાસી માનવો(શ્રીરામ અને શ્રીલક્ષ્મણજી)નો ભેદ લેવા મોકલે છે, ત્યારે શ્રીરામ ભગવાનના સ્વમુખે જ કહેલી વાતમાં જોવા મળે છે. શ્રી હનુમાનજી બહુ જ ચાતુર્ય પૂર્વક તેઓના વખાણ કરે છે, તેઓનું વર્ણન કરે છે અને પોતે જે જાણવા માંગે છે, તે વાત ચતુરાઈથી જણાવે છે. જે સાંભળી પ્રભુ શ્રીરામ કહે છે કે જેણે વેદોનો અભ્યાસ કર્યો હોય અને જેને ચારેય વેદોનું જ્ઞાન હોય, તેઓ જ આવી સુંદર ભાષામાં વાર્તાલાપ કરી શકે. જેણે વ્યાકરણનો ઘણીવખત સ્વાધ્યાય કર્યો હોય, તેઓ જ આવી અશુદ્ધિ વગરની લાંબી વાત કરી શકે છે. તેઓ બોલે છે ત્યારે પણ મુખ, નેત્ર કે અન્ય અંગો ઉપર કોઇ દોષ જણાતો નથી. વાણી, વિચાર અને કર્મમાં એકરૂપતા હોવી એ સત્યનું પ્રમાણ છે. આપણે તો લોકો કહે કંઇક, કરે કંઇક અલગ અને તેના મનમાં વિચારો તો તેનાથી પણ કંઇક અલગ ચાલતા હોય છે. અહીં શ્રીહનુમાનજીના વાણી, વિચાર અને કર્મમાં એકરૂપતા છે, તેઓના બોલવા અને શરીરના હાવભાવમાં સામ્યતા છે. તેઓ અચકાઇ-અચકાઇને કે શબ્દોને મારી-તોડીને બોલતા નથી, તેઓ સ્પષ્ટ અને ટૂંકમાં ઘણું બધુ તથા મધુર બોલનારા છે. તેઓનો સ્વર ન વધારે છે ન ધીમો છે, તેઓ મધ્યમ સ્વરમાં વાત કરે છે. આવા ગુણવાન શ્રીહનુમાનજી માટે પ્રભુ શ્રીરામ જણાવે છે કે – સંસ્કારક્રમસમ્પન્નામદ્ભુતામવિલમ્બિતામ્‌ ઉચ્ચારયતિ કલ્યાણીં વાચં હૃદયહર્ષિણીમ્‌ અર્થાત શ્રીહનુમાનજી સંસ્કારસંપન્ન, ક્રમયુક્ત, અદ્‌ભુત, અવિલંબિત તથા હૃદયને આનંદ આપનારી કલ્યાણમય વાણીનું ઉચ્ચારણ કરી રહ્યા છે. વ્યાકરણના નિયમોને સુસંગત શુદ્ધ વાણીને સંસ્કારસંપન્ન વાણી કહેવામાં આવે છે. શબ્દોના ઉચ્ચારણની શાસ્ત્રીય પદ્ધતિને ક્રમ કહેવામાં આવે છે. જરા પણ રોકાયા વગર અવિરત ધારારૂપે બોલવું તેને અવિલંબિત કહેવામાં આવે છે. આવી સંસ્કારસંપન્ન, ક્રમયુક્ત અને અવિલંબિત વાણી શાસ્ત્રોનો જ્ઞાતા અને બુદ્ધિશાળી વ્યક્તિ જ બોલી શકે. શ્રીહનુમાનજી જે વાક્‌ચાતુર્યથી શ્રીરામ અને શ્રીલક્ષ્મણજી વિશે જાણવા પ્રયત્ન કરે છે, તે તેના કુશાગ્ર બુદ્ધિ ચાતુર્યનો પરિચય આપે છે. આ બાબતે શ્રીરામ પ્રભુ એવુ પણ કહે છે કે, એવંગુણગણૈર્યુક્તા યસ્ય સ્યુ: કાર્યસાધકા: તસ્ય સિદ્ધયન્તિ સર્વેઽર્થા દૂતવાક્યપ્રચોદિતા: જેના કાર્ય-સાધક દૂત આવા ઉત્તમ ગુણોથી સંપન્ન હોય છે, એ રાજાના સર્વે મનોરથો દૂતોની વાતચીતથી જ સિદ્ધ થઈ જાય છે. રામાયણમાં શ્રી હનુમાનજીનું બુદ્ધિ ચાતુર્ય દર્શાવતા આવા ઘણા પ્રસંગો છે, માટે જ તેને બુદ્ધિમતાં વરિષ્ઠમ્ પણ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે માણસ પાસે બળ અને બુદ્ધિ હોય એટલે તે “વિવેક” ભુલી જતો હોય છે. શ્રીહનુમાનજી ખૂબ જ વિવેકી પણ હતા. વિવેક આવે ભક્તિથી, વિવેક આવે દાસત્વના ભાવથી. શ્રીહનુમાનજી પોતાને પ્રભુ શ્રીરામના દાસ માનતા હતા અને સતત તેની ભક્તિમાં જ મગ્ન રહેતા હતા; માટે ખૂબ જ વિવેકી પણ હતા. તેઓનો આ ગુણ ‘નાઈ સબન્હિ કહું માથા’ ચોપાઈ(જે હવે પછી સુંદરકાંડમાં આવશે)માં ખુબ સુંદર રીતે પ્રગટ થાય છે. જ્યારે આપણે કોઈ કામ કરવા સમર્થ હોઈએ, ત્યારે આપણે અન્યને માથું ઝુકાવવાનું કે વિવેક કરવાનું ભુલી જતા હોઈએ છીએ. તેમાં પણ જો આપણને ખબર પડે કે મારા સિવાય આ કામ બીજું કોઈ કરી શકે તેમ નથી, તો પછી વાત જ શું પુછવી? કોઈનેય જવાબ ન આપીએ. શ્રીહનુમાનજી તો ખરા અર્થમાં વિવેકની ખાણ હતા. તેઓ એક દુર્ગમ કાર્ય કરવા જઈ રહ્યા હતા, જે અન્ય કોઈ કરી શકે તેમ પણ ન હતું, તો પણ બધાને મસ્તક ઝુકાવી, નમન કરી કાર્યની શરૂઆત કરે છે. આપણે સમાજમાં જોઈએ છીએ કે જે થોડા વિવેકી હોય, તે વડીલોના આશીર્વાદ મેળવીને કાર્યની શરૂઆત કરતા હોય છે; પરંતુ, શ્રીહનુમાનજી તેનાથી પણ એક ડગલું આગળ છે. શ્રીહનુમાનજીએ ફક્ત વડિલોને જ નહી, સબન્હિ એટલે કે ત્યાં ઉપસ્થિત વાનર સેનાના તમામ સભ્યોને, જેમાં નાના-મોટા સહુનો સમાવેશ થાય છે, નમન કરી કાર્યની શરૂઆત કરે છે.

“વિજ્ઞાન” એટલે સામાન્ય રીતે આપણે જે નવી-નવી શોધો થાય છે, તેને જ ફક્ત વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. પરંતુ, વિજ્ઞાન એટલે કોઈ વિષયનું ઊંડું, ઉચ્ચ પ્રકારનું, શાસ્ત્રીય અને અનુભવ સાથેનું જ્ઞાન. જેને આપણે અંગ્રેજીમાં સાયન્સ કહીએ છીએ. શ્રીહનુમાનજી શાસ્ત્રોના જ્ઞાતા અને અનેક વિદ્યાઓમાં પારંગત હતા. તેઓને સીતાજીની શોધના કાર્યમાં તેના આ શાશ્વત જ્ઞાનનો ઉપયોગ કરવાની જરૂર પડવાની હતી. જેમાં સિહિંકાના છળને ઓળખવાનું હોય કે મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરવાનું હોય, આવી તમામ વિદ્યાઓનો સમાવેશ થાય છે. આવી તમામ વિદ્યાઓ રૂપી વિજ્ઞાનના ભંડાર છે, શ્રીહનુમાનજી મહારાજ. જામવંતજી શ્રીહનુમાનજીના આ બધા ગુણોથી સુપેરે પરિચિત હતા માટે તેને ‘બુધિ બિબેક બિગ્યાન નિધાના એવા વિશેષણોથી સંબોધે છે કે તેનો પરિચય આપે છે. આગળ શ્રીજામવંતજી કહે છે કે –     

કવન સો કાજ કઠિન જગ માહીં જો નહિં હોઇ તાત તુમ્હ પાહીં

રામ કાજ લગિ તવ અવતારા સુનતહિં ભયઉ પર્બતાકારા

હે મહાવીર! જગતમાં એવું ક્યું કઠિન એટલે કે અઘરું કાર્ય છે, જે હે તાત! આપનાથી ન થઈ શકે? હે રામભક્ત મારુતિનંદન! આપનો તો જન્મ જ શ્રી રામજીના કાર્ય માટે થયો છે. આટલું સાંભળતા જ શ્રીહનુમાનજી પર્વત આકારના એટલે કે વિશાળકાય થઈ ગયા.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. આવતા લેખમાં આપણે શ્રીહનુમાનજી માટે કેમ કોઈ કાર્ય અઘરું નથી, તેને શું વરદાનો મળેલા છે? શું શ્રાપ મળેલ છે? જામવંતજીએ તેને આપનો તો જન્મ જ શ્રી રામજીના કાર્ય માટે થયો છે એવું કેમ યાદ અપાવવું પડે છે? અને શ્રીરામકાર્ય કરવા માટે જ આપનો જન્મ થયો છે એટલું સાંભળતા જ તેઓ કેમ પર્વતાકાર થઇ ગયા વગેરે જોઇશું.

સર્વે વાચકોને મારા જય સીયારામ….

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪ | પવન તનય બલ પવન સમાના | Sundarkand

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

આપણે આગળના લેખ(http://udaybhayani.in/sundarkandwithuday_003/)માં છેલ્લે જોયું હતું કે, બધા વાનર વીરો સમુદ્ર કિનારે પહોંચી ગયા છે. ચારેય તરફ નિરાશા અને ભય છે. આવા સમયે સંકટમોચન શ્રી હનુમાનજી શાંતચિત્તે પ્રભુ શ્રીરામનું સ્મરણ કરતા સ્થિતપ્રજ્ઞ મુદ્રામાં સમુદ્ર કિનારે બેઠા છે, તે સમયે –

કહઇ રીછપતિ સુનુ હનુમાના કા ચુપ સાધિ રહેઉ બલવાના

પવન તનય બલ પવન સમાના બુધિ બિબેક બિગ્યાન નિધાના

ઋક્ષરાજ શ્રી જામવંતજીએ શ્રી હનુમાનજીને કહ્યું, હે મહાબળવાન વીર ! હે મહાવીર ! સાંભળો, તમે કેમ ચૂપ બેઠા છો ? તમે પવનદેવના પુત્ર છો અને બળમાં પણ પવનના સમાન છો. તમે બુદ્ધિ-વિવેક અને વિજ્ઞાનની ખાણ છો.

સામાન્ય રીતે આપણે ઘર, કુટુંબ, સમાજ કે દેશમાં જોઈએ છીએ કે, જ્યારે કોઈ મુશ્કેલી આવે કે સંકટની ઘડી આવે, ત્યારે ઘર કે કુટુંબના (બુદ્ધિથી) વડીલ અથવા સમાજના મોભી હોય તે પોતાના અનુભવ મુજબ અન્ય સભ્યોને સંકટ સામે લડવા પ્રોત્સાહિત કરે છે, યોગ્ય માર્ગદર્શન પુરું પાડે છે અને સમસ્યાનો હલ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. મોડર્ન મેનેજમેન્ટના પાઠમાં પણ આપણે એવું જ ભણીએ છીએ કે, ટીમના સીનીયર મેમ્બર પોતાના અનુભવ મુજબ ટીમને ગાઈડ કરે, તો નિશ્ચિત ધ્યેય અવશ્ય હાંસલ થાય છે. કોઈપણ કાર્યની સફળતા માટે ટીમના વરિષ્ઠ સભ્યના અનુભવનો નિચોડ જડીબુટ્ટી સમાન હોય છે. ટીમનો વરિષ્ઠ સભ્ય તેની ટીમના ક્યા સભ્યની શું તાકાત છે અને શું નબળાઈ છે? ક્યું કામ કોણ સારી રીતે કરી શકે તેમ છે? વગેરે બાબતોથી અવગત હોવો જોઈએ, He should have SWOT Analysis of each member, તો જ એક સબળ ટીમ બને અને આવી સબળ ટીમ જ નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરી શકે કે અઘરામાં અઘરું કામ પણ પુરું કરી શકે.

તેવી જ રીતે યુવાન આગેવાન યુવરાજ શ્રીઅંગદજીની અધ્યક્ષતામાં માતા સીતાજીની શોધમાં નીકળેલી આ વાનર વીરોની સેનાના સૌથી વરિષ્ઠ સભ્ય એવા શ્રીજામવંતજીને ખબર છે કે, આ કાર્ય શ્રી હનુમાનજી સિવાય અન્ય કોઈ સભ્ય સારી રીતે કરી શકે તેમ નથી. તેઓ શ્રી હનુમાનજીને કહે છે કે, હે હનુમાનજી! તમે કેમ આમ ચૂપચાપ બેસી ગયા છો? તમે ‘પવન તનય બલ પવન સમાના પવનદેવના પુત્ર છો અને બળમાં પણ પવન સમાન જ છો. તમારું બળ અપાર છે.

અહીં જામવંતજી શ્રી હનુમાનજીને એવું કહે છે કે આપ પવન તનય એટલે કે આપ પવનદેવના પુત્ર છો. હનુમાનજીના જન્મની અલગ-અલગ શાસ્ત્રોમાં અલગ-અલગ કથાઓ વર્ણવવામાં આવેલી છે. આ કથાઓ પૈકી શ્રીમદ્‌ વાલ્મીકીય રામાયણ અનુસારની કથા નીચે મુજબ છે:

પુંજિકસ્થલા નામની એક અતિસુંદર અને પ્રસિદ્ધ અપ્સરા હતી. તે બધી અપ્સરાઓમાં મુખ્ય હતી. એકવાર શ્રાપવશ તેનો કપિયોનિમાં (વાનરકુળમાં) જન્મ થયો અને વાનરરાજ કુંજરની, ઇચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી, પુત્રી બની. તેનું નામ અંજના હતું, જેના રૂપની બરાબરી કરી શકે તેવું કોઈ ન હતું. તેના વિવાહ વાનરરાજ કેસરી સાથે કરવામાં આવ્યા. રૂપ અને યૌવનથી સુશોભિત તેવી અંજના એક દિવસ મનુષ્યનું-સ્ત્રીનું શરીર ધારણ કરી, પીળા રંગનું લાલ કિનારીવાળું રેશમી વસ્ત્ર પહેરી, ફૂલોના અદ્‌ભુત આભૂષણો ધારણ કરીને વર્ષાઋતુના મેઘની જેમ શ્યામ કાન્તિ ધરાવતા એક પર્વતના શિખર ઉપર વિચરતી હતી. તે સમયે વાયુદેવે તેના શરીર ઉપરથી વસ્ત્ર ધીરેથી હરી લીધું એટલે કે પવનથી તેનું વસ્ત્ર શરીર ઉપરથી થોડું સરકી ગયું. વાયુદેવ તેનું શરીર-સૌષ્ઠવ જોઇને તેના ઉપર મોહિત થઈ ગયા. વાયુદેવના બધા અંગોમાં કામભાવનાનો આવેશ થઈ ગયો અને મન અંજનામાં મગ્ન થઈ ગયું. વાયુદેવે એ નિર્દોષ અને નિષ્કલંક સુંદરીને પોતાની વિશાળ ભુજાઓમાં જકડીને હૃદય સરસી ચાંપી દીધી. અંજના એકપતિવ્રતા હતી. તે ગભરાઈ ગઈ અને બોલી, તમે કોણ છો? જે મારા પાતિવ્રત્યનો નાશ કરવા માંગો છો? ત્યારે વાયુદેવે જવાબ આપ્યો કે, સુશ્રોણી ! હું તમારા પાતિવ્રત્યનો ભંગ નથી કરી રહ્યો. મેં અવ્યકતરૂપે તમારું આલિંગન કરીને માનસિક રીતે તમારી સાથે સમાગમ કર્યો છે. જેનાથી તમને વીર્યવાન્‌ બુદ્ધિસમ્પન્નસ્તવ પુત્રો ભવિષ્યતિ” બળ-પરાક્રમથી સંપન્ન અને બુદ્ધિમાન પુત્ર પ્રાપ્ત થશે. આમ, અતુલિત બળવાળા અને જ્ઞાનીઓમાં પ્રથમ હરોળના એવા સકળ ગુણોના ધામ મારુતિનંદનનું પ્રાગટ્ય થયું, જેને આપણે પવનપુત્ર એટલે કે પવન તનયતરીકે પણ સંબોધિએ છીએ.

શ્રી હનુમાનજીની વિવિધ શાસ્ત્રોમાં વર્ણવેલી જુદી-જુદી કથાઓ મારા “રામાયણ – શ્રી હનુમાનજીના જન્મની કથાઓ” વિષય પરના લેખમાં http://udaybhayani.in/ramayan-hanumanjayanti2020/ લિંક ઉપર ક્લિક કરી વાંચી શકો છો.

આગળ આ ચોપાઈમાં તુલસીદાસજીએ કહ્યું છે કે, ‘બલ પવન સમાના’, એટલે કે તમે બળમાં પણ પવનદેવ સમાન છો. શ્રીહનુમાનજી જન્મથી પરમ શક્તિશાળી હતા, તેનું એકમાત્ર ઉદાહરણ જોઇએ તો –

એક દિવસની વાત છે, માતા અંજનાજીના પ્રાણપ્રિય અને ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર અવતાર એવા શ્રીહનુમાનજી પારણામાં પોઢી રહ્યાં હતા. તેઓના પિતા કેસરીજી ઘરે ન હતા અને માતા અંજનાજી પણ કંઈ કામથી બહાર ગયા હતા. બાળક શ્રીહનુમાનજી જાગી ગયા અને તેને ભૂખ લાગી. તેણે આકાશમાં ઉગતા સૂર્યને જોઈ, તેને ફળ સમજીને, એક છલાંગ લગાવી. આ સમયના બાળ હનુમાનજીના તેજ અને પરાક્રમની તેની અવસ્થા સાથે સરખામણી થઈ શકે તેમ ન હતી. શ્રીહનુમાનજી છલાંગ લગાવીને એકદમ ઝડપથી સૂર્યની તરફ ઉડવા માંડ્યા. તેને આટલા ઝડપ ‘મારુતતુલ્ય વેગમ્‌’થી ઉડતા જોઈને દેવતાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે, આટલી ઝડપ તો પવનદેવની પોતાની પણ નથી. જો તેઓ બાલ્યાવસ્થામાં જ આટલા પરાક્રમી છે, તો યુવાનીમાં તેઓની શક્તિ કેટલી હશે?

શ્રીહનુમાનજી સૂર્ય પાસે પહોંચી ગયા અને તેને સુંદર ફળ સમજી મુખમાં મૂકી દીધા. ત્રણેય લોકમાં અંધકાર છવાઈ ગયો, દેવો, માનવો અને દાનવો બધા ત્રાહિમામ પોકારી ગયા. આ જોઈને દેવરાજ ઇંદ્રએ બાળ હનુમાનજી ઉપર વજ્રથી પ્રહાર કર્યો. વજ્રના પ્રહારથી હનુમાનજીની દાઢી તૂટી ગઈ અને તેઓ પર્વતના શિખર ઉપર મૂર્છિત થઈને પડી ગયા, પરંતુ સૂર્યને મુખમાંથી બહાર ન કાઢ્યા. ત્રણેય લોકોના પ્રાણોને સંકટમાં જોઈ દેવરાજ ઇન્દ્ર દેવતાઓ, ગંધર્વો, અસુરો, નાગ બધાને લઈ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી બધાને લઈ શ્રીહનુમાનજી પાસે જાય છે અને સ્તુતિ કરી કે, હે મહાવીર! આપ સૂર્યને મુક્ત કરો જેથી સૃષ્ટિનો વિનાશ અટકે. શ્રીહનુમાનજીએ સૂર્યને મુકત કરતાં જ સૃષ્ટિ પૂર્વવત્ત થઈ ગઈ. સૂર્યથી પૃથ્વી સુધીની છલાંગ લગાવી તેનું અંતર સૌથી પહેલા શ્રીહનુમાનજીએ માપેલુ. 

આમ, શ્રીહનુમાનજી પવનપુત્ર હતા તથા બાલ્યકાળથી જ તેઓ અતિશય બળશાળી અને મહાપરાક્રમી હતા, જેનું વર્ણન ‘પવન તનય બલ પવન સમાના’ ચોપાઈમાં કરવામાં આવ્યું છે.

આજની કથાને અહિં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સીયારામ….

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

શ્રી સુંદરકાંડ । ભાગ-3 । સ્થિતપ્રજ્ઞતા – સાચા રામભક્તનું લક્ષણ | Sundarkand

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

સુંદરકાંડની કથાના આગળના લેખ ( સુંદરકાંડ નામ કેમ પડ્યું? –  http://udaybhayani.in/sundarkandwithuday_002/ ) માં આ કાંડનું નામ સુંદરકાંડ શા માટે પડ્યુ? તેના સુંદર-સુંદર, બુદ્ધિગમ્ય તર્ક કે કારણોની કથા જોઈ હતી. સુંદરકાંડની શરૂઆત કરતા પહેલા ઘણા ભક્તો કિષ્કિંધાકાંડના છેલ્લા દોહાથી લઈ તેના અંતસુધીની ચોપાઈઓનો પાઠ કરતા હોય છે. આપણે પણ અહીંયા સુંદરકાંડની શરૂઆત કરતા પહેલા કિષ્કિંધાકાંડની છેલ્લી થોડી ચોપાઈઓ વિશે જોઈશું અને ત્યારબાદ ખરેખર સુંદરકાંડની કથાની શરૂઆત કરીશું.

કિષ્કિંધાકાંડની છેલ્લી ચોપાઈઓની શરૂઆત કરતા પહેલા આંતરિક પવિત્રતા અને આંતરિક સૌંદર્ય વિશે થોડી વાત કરવી છે. આજના સમયમાં મોટાભાગના લોકો ભૌતિક સુખોની પાછળ દોડી રહ્યાં છે. બાહ્ય સુંદરતાને પ્રાધાન્ય આપી રહ્યાં છે અને બાહ્ય સુંદરતાને જ પસંદ કરી રહ્યા છે. આ બાહ્ય સુંદરતા પણ પ્રભુએ જ આપેલી છે અને તેમાં કઇ ખોટું પણ નથી; પરંતુ ફક્ત બાહ્ય સુંદરતાની અને તેને જ મેળવવાની આંધળી દોટ ખોટી છે. ખરી સુંદરતા તો આંતરિક સુંદરતા છે. જો આપણું વ્યક્તિત્વ સારું હશે, આપણું મન પવિત્ર હશે, તો આપણને બધું સુંદર જ લાગશે અને આપણે પણ બધાને સુંદર જ દેખાશું. કોઈએ કહ્યું છે ને કે, બંદર કભી સુંદર હોતા હૈ? હા. સુંદરકાંડનો આ બંદર તો રામનો બંદર છે, તેના હૃદયમાં રામ વસે છે, તેથી તે ચોક્કસ સુંદર જ છે. પ્રભુ ભક્તિથી બધુ જ સુંદર થઈ શકે. બાહ્ય સુંદરતાની શું વિસાત છે?

મહાત્મા ગાંધીજીના મોઢામાં એકેય દાંત નહોતો, તો પણ તેઓ સુંદર લાગતા હતા અને જે લોકો ગુજરાતી ગાયિકા દિવાળીબેન ભીલને જાણે છે, તેઓને ખબર છે કે દિવાળીબેન ભીલ બાહ્ય રીતે, લોકો જેને સુંદરતાની વ્યાખ્યા આપે છે તેવા, સુંદર નહોતા દેખાતા; પરંતુ, તેઓના કંઠનું સૌંદર્ય, તેનો સ્વર એટલો સુંદર હતો કે જે આજે પણ આપણા હ્રદયમાં વસે છે અને સદાય રહેશે જ. જ્યારે આ સુંદરકાંડની કથા વાંચો કે સાંભળો ત્યારે પણ ખાસ આપના મનને સુંદર અને પવિત્ર રાખવાનો પ્રયત્ન કરજો. પ્રભુ ભક્તિ થકી આંતરિક સુંદરતા વધારવા કે મેળવવા પ્રયત્ન કરવો જોઈએ અને આપણે તેના ભાગરૂપે જ આ અંદરથી સુંદર થવાની કથા, એવી સુંદરકાંડની કથા વિશે ચિંતન કરીએ છીએ. સુંદરકાંડની શરૂઆત કરતા પહેલા કિષ્કિંધાકાંડની આગળની થોડી કથા ટૂંકમાં જોઇએ અને ત્યારબાદ કિષ્કિંધાકાંડની છેલ્લી થોડી ચોપાઈઓ વિશે જોઈશું. ત્યારબાદ શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર સુંદરકાંડની શરૂઆત કરીશું.

પ્રભુ શ્રીરામની કૃપા અને આજ્ઞાથી વાનરરાજ સુગ્રીવજી સીતા માતાની શોધ કરવા માટે વાનર વીરોની અલગ-અલગ ટુકડીઓ બનાવી, તેને અલગ અલગ દિશામાં મોકલે છે. જેમાં દક્ષિણ દિશામાં યુવરાજ અંગદની અધ્યક્ષતામાં  જામવંતજી, હનુમાનજી, નલ-નીલ વગેરેની સાથે અન્ય વાનર વીરોની એક ટુકડીને મોકલે છે. માતા સીતાજીની શોધ કરતા-કરતા, જંગલો, તળાવો, ખીણો વગેરે ખુંદતા-ખુંદતા ટુકડી દક્ષિણ દિશામાં આગળ વધે છે. બધા ખૂબ જ ભૂખ્યા અને તરસ્યા થાય છે, ત્યારે એક ગુફા જોવામાં આવે છે. આ ગુફામાંથી સ્વર્ણપ્રભાજી બધાને સીધા જ દરિયા કિનારે પહોંચાડી દે છે. દરિયાકિનારે પહોંચતાં સુધીમાં રાજા સુગ્રીવે આપેલી એક મહિનાની અવધિ પૂરી થઈ જાય છે. અંગદ સેનાનાયક તરીકે નિરાશ થઈ જાય છે અને ત્યાં જ ઉપવાસ ઉપર બેસી જીવનને પૂરું કરવાનું વિચારે છે. આ સમયે ગીધરાજ સંપાતિ કે જે જટાયુના મોટાભાઈ હતા, તેની સાથે સંપર્ક થાય છે અને તેઓ માતા સીતાજી હાલ લંકામાં છે, તેવા સમાચાર આપે છે. ત્યારબાદ દરેક વાનર તેઓની સામે રહેલા સો યોજન(ચારસો કોસ)ના અફાટ સમુદ્રને જોઈ તેને પાર કરવા પોત-પોતાની શક્તિનું વર્ણન કરે છે. કોઈ કહે છે કે હું દસ યોજન લાંબો કૂદકો મારી શકું છું, તો કોઈ કહે છે કે હું વીસ યોજન લાંબો કૂદકો મારી શકું છું. કોઈ કહે છે કે હું પચાસ યોજન લાંબો કૂદકો મારી શકું છું, તો કોઈ કહે છે કે હું સાઇઠ યોજન લાંબો કૂદકો મારી શકું છું. ત્યારે શ્રીજામવંતજી પણ પોતાની યુવાનીની શક્તિઓનું વર્ણન કરે છે અને હાલ ઉંમરને લીધે આ કાર્ય માટે પોતાની અસમર્થતા દર્શાવતા કહે છે કે –

બલિ બાઁધત પ્રભુ બાઢે઼ઉ સો તનુ બરનિ ન જાઇ

ઉભય ધરિ મહઁ દીન્હીં સાત પ્રદચ્છિન ધાઇ

બલિને બાંધતી વખતે પ્રભુ એટલા મોટા થઇ ગયા હતા કે તેઓના શરીરનું વર્ણન થઇ શકતું નથી. તેમછતાં બે જ ઘડીમાં મેં દોડીને તેઓના વિરાટ સ્વરૂપની સાત પ્રદક્ષિણાઓ કરી લીધી હતી.

અંગદ અને જામવંતજી સિવાયના દરેક વાનર વીરે પોતાની સમુદ્ર લાંધવાની શક્તિનું વર્ણન કર્યું, પરંતુ એક પણ વીર સો યોજનનો સમુદ્ર પાર કરવા સમર્થ ન હતો. આવા સમયે વાનર સેનાના વરિષ્ઠ સભ્ય એવા શ્રીજામવંતજીએ કહ્યું કે, યુવાવસ્થામાં મારી શક્તિ ઘણી જ વધારે હતી. પોતાની યુવાવસ્થાની તાકાતનો પરિચય આપતા, તેઓ ભગવાન વિષ્ણુના વામન અવતાર વખતનો પ્રસંગ જણાવે છે. જ્યારે બલિરાજાથી તમામ દેવતાઓ પરાસ્ત થઇ ગયા હતા, તેવા સમયે તેના યજ્ઞ દરમ્યાન ભગવાન વિષ્ણુ બટુકનું રૂપ ધારણ કરીને ભિક્ષા માંગવા આવે છે. ભિક્ષામાં તેઓ બલિરાજા પાસેથી ત્રણ ડગલાં જેટલી જમીનની માંગણી કરે છે. જ્યારે બલિરાજા આ માંગણી પુરી કરવાનો સંકલ્પ કરે છે, ત્યારે વામન સ્વરૂપ ભગવાન વિષ્ણુ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે અને બે ડગલામાં જ ત્રણેય લોકને માપી લ્યે છે. ભગવાન વિષ્ણુ ત્રીજું ડગલુ ક્યાં મુકવું તેવું પુછતા બલિરાજા પોતાની છાતી ઉપર પગ મુકવા કહે છે. આ પ્રસંગ દરમ્યાન જ્યારે ભગવાન વિષ્ણુ ત્રણેય લોકને બે ડગલામાં માપતું વિરાટ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે જામવંતજીએ બે જ ઘડીમાં તેઓના આ વિરાટ સ્વરૂપની દોડીને સાત પ્રદક્ષિણાઓ કરી લીધી હતી. શ્રીજામવંતજી કહે છે કે હવે હું તે અવસ્થા વટાવી ચુક્યો છું, તેમછતાં આજે પણ હું નેવું યોજન સુધી તો કુદીને જઇ શકુ તેમ છું. આ સમયે શ્રીઅંગદજી કહે છે –  

અંગદ કહઇ જાઉં મૈં પારા જિયં સંસય કછુ ફિરતી બારા

જામવંત કહ તુમ્હ સબ લાયક પઠઇઅ કિમિ સબહી કર નાયક

અંગદજી કહે છે કે હું સો યોજનનો સમુદ્ર તો લાંઘી શકું છું, પરંતુ જીવતો પાછો ફરું કે કેમ તે બાબતે શંકા છે. (શંકાનું કારણ – અંગદજીને રાવણના પુત્ર અક્ષકુમારને મળવાનું થાય, તો તેનું મૃત્યુ થશે તેવો શાપ હતો.) ત્યારે વાનર સેનાના વરિષ્ઠ સભ્ય તરીકે જામવંતજી કહે છે કે, હે અંગદજી! તમે તમામ રીતે સમર્થ જ છુઓ; પરંતુ યુદ્ધનીતિ અનુસાર સેનાનાયકને જ સીધા યુદ્ધ કરવા મોકલી દેવા જોઈએ નહીં, તેમ તમને પણ અત્યારે સીધા લંકામાં મોકલવા ઉચિત નથી. આ સમયે બધા વાનર વીરોમાં નિરાશા ઘેરાઈ વળે છે અને ચારેય તરફથી ભય જ ભય દેખાય છે. એક તરફ સંપાતિ ખાઇ જવાની વાત કરે છે, બીજી બાજુ એક મહિનાની અવધિ પૂર્ણ થઈ ગઈ હોય સુગ્રીવ તરફથી મૃત્યુ દંડનો ભય છે, ત્રીજી બાજુ અફાટ સમુદ્ર છે અને ચોથી બાજુ વાનર સેનાના મુખ્યા અંગદજી ઉપવાસ કરી જીવન ત્યાગવાની વાત કરે છે. તે સમયે શ્રીહનુમાનજી સમુદ્ર કિનારે એકદમ શાંત ચિતે બેઠા છે. તેને નથી કોઈ ચિંતા કે તેના મુખ પર નથી કોઈ વિષાદ. કોઈપણ પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ જ રહેવું, એ એક સાચા રામભક્તનું લક્ષણ છે.

આજની કથાને અહિં વિરામ આપીએ છીએ. આવતા લેખમાં જામવંતજીનું શ્રી હનુમાનજીને પ્રભુ કાર્ય માટે પ્રોત્સાહિત કરવું તથા શ્રી હનુમાનજીના જન્મ અને તેઓના અપાર બળની કથાઓ જોઈશું.

સર્વે વાચકોને મારા જય સીયારામ….

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.