Home Contemporary ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય… (ભાગ – 3) Propositum to make $5 Trillion Indian Economy… (Part – III)

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય… (ભાગ – 3) Propositum to make $5 Trillion Indian Economy… (Part – III)

2
ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય… (ભાગ – 3)                                        Propositum to make $5 Trillion Indian Economy… (Part – III)

વાચક મિત્રો,

અગાઉના ‘ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય’ વિષય પરના બે લેખોમાં આપણે પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર એટલે શું? કુલ ઘરેલું ઉત્પાદન – જીડીપી (Gross Domestic Product – GDP) એટલે શું? ભારતીય અર્થતંત્રની આ બાબતે વર્તમાન પરિસ્થિતિ, ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું શા માટે બનાવવું છે? ધ્યેય સુધી પહોંચવા શું કરવું પડે? અપેક્ષિત વાર્ષિક વિકાસ વૃદ્ધિ દર કઇ રીતે હાંસલ કરી શકાય? વગેરે બાબતે જોયું. આજના લેખમાં આપણે આ ધ્યેય સિદ્ધ કરવાના પરિપેક્ષ્યમાં વિવિધ ક્ષેત્રો બાબતે ચર્ચા કરીશું.

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા વિષયમાં ક્ષેત્ર વાર વિગતો…

અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોનું પોતાનું આગવું મહત્વ હોય છે અને બધા ક્ષેત્રો મળી અર્થતંત્રની દિશા અને દશા નક્કી થતી હોય છે. અહિં આપણે અર્થતંત્રના અગત્યના ક્ષેત્રો વિશે માહિતી જોઈશું, જેથી અર્થતંત્રની એકંદર પરિસ્થિતિનો ખ્યાલ આવે.

કૃષિ ક્ષેત્ર – ભારતની આશરે 60% વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. કૃષિ ક્ષેત્ર દેશની જીડીપીમાં આશરે 18% હિસ્સો તથા રોજગારી આપવામાં 50% જેટલો ફાળો આપે છે. વર્ષ – 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું સરકારનું લક્ષ્ય છે. આ લક્ષ્ય હાંસલ કરવા પ્રતિ એકર ઉત્પાદકતા વધારવા ઉપરાંત પેદાશના યોગ્ય ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવો જાહેર કરવામાં આવે છે અને તે ભાવોએ સરકાર દ્વારા ખરીદી પણ કરવામાં આવે છે. ખેડૂતો પોતાની ખેત પેદાશ કોઇ પણ મધ્યસ્થી વગર સીધા બજારમાં વેંચી શકે તે માટે ગ્રામીણ કૃષિ બજાર (GrAM) તથા eNAM – ઇલેક્ટ્રોનિક રાષ્ટ્રીય કૃષિ બજાર વગેરે ઊભા કરવામાં આવેલ છે. આ ઉપરાંત નેશનલ સેન્ટર ફોર કોલ્ડ-ચેઇન ડેવલપમેન્ટ (NCCD) ટકાઉક્ષમ અને કાર્યદક્ષ કોલ્ડ-ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે કામ કરે છે. આમ, કૃષિ ક્ષેત્રે લેવામાં આવી રહેલ આ પગલાઓ ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવામાં જરૂર મદદરૂપ થશે.

સેવા ક્ષેત્ર – દેશના જીડીપીમાં 56.5% યોગદાન આપતા આ ક્ષેત્ર દ્વારા 30% જેટલી રોજગારીનું નિર્માણ કરે છે. સેવા ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇ.ટી.) મુખ્ય છે. આઇ.ટી.ના આશરે $150 બિલિયનના વેપાર પૈકી 80%થી વધુની નિકાસ થાય છે જે મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ દેશમાં લાવે છે અને રાષ્ટ્રીય આવક વધારે છે. સેવા ક્ષેત્રમાં મુસાફરી અને પ્રવાસન ક્ષેત્ર પણ ખૂબ મહત્વનું સ્થાન દર્શાવે છે જે જીડીપીમાં આશરે 10% જેટલું નોંધપાત્ર યોગદાન આપે છે. આ ઉપરાંત હેલ્થ કેર અને વેલનેસ પણ ઉભરતું ક્ષેત્ર છે અને બાંધકામ ક્ષેત્રમાં પણ ઘણી મોટી સંભાવના દેખાય છે.

વસ્તી વિષયક લાભ – ભારત દુનિયામાં સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે. ભારતની લગભગ અડધી વસ્તી 25 વર્ષથી ઓછી ઉંમરની છે અને દેશ આ વસ્તી વિષયક લાભના તબક્કાનો લાભ લઇ રહેલ છે. આર્થિક સર્વેક્ષણ 2018-19 મુજબ આવતા બે દાયકામાં વસ્તીવૃદ્ધિમાં ઘટાડો થશે એટલે કે 2030 સુધીમાં મોટી વય ધરાવતા લોકોની સંખ્યામાં વધારો થશે. આ પરિવર્તનને લાભાંશમાં રૂપાંતરિત કરવા આર્થિક વિકાસમાં લાભદાયક યોગદાન આપતા લોકોની સંખ્યા, વિવિધ શૈક્ષણિક કોર્ષનું વિસ્તરણ, પ્રારંભિક સ્તરની નોકરીઓ માટે કૌશલ્ય વિકાસ તથા શિક્ષિત લોકોના હાલના કૌશલ્યમાં વધારો કરવો વગેરે આયોજન છે. આ આયોજનના ભાગરૂપે નવેમ્બર – 2014માં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય સ્થાપવામાં આવેલા છે તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા – 2015માં આ સંદર્ભમાં રાષ્ટ્રીય નીતિ ઘડી સ્કિલ ઇન્ડિયા મિશન શરૂ કરવામાં આવ્યું. આ મિશન અંતર્ગત વિવિધ યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY), દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDUGKY), પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રો (PMKK), નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ (NAPS) વગેરે અમલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત, કૌશલ્ય તાલીમ પ્રવૃત્તિઓના વિકાસ તથા ગુણવત્તા સુધારવા વર્ષ – 2017માં Skills Acquisition and Knowledge Awareness for Livelihood Promotion – SANKALPની શરૂઆત કરવામાં આવી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) અંગે જાગૃતિ લાવવા તથા તેની ગુણવત્તા સુધારવા વર્ષ – 2017માં Skill Strengthening for Industrial Value Enhancement (STRIVE) અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાઓ કૌશલ્ય ઉત્પ્રેરક તરીકે કામ કરી રોજગાર લક્ષી તાલીમ મેળવવામાં બહુ મોટા પ્રમાણમાં મદદરૂપ થાય છે. જે વધુમાં વધુ રોજગાર ઉત્પન્ન કરવામાં મદદરૂપ છે.

ઉર્જા – ભારત દુનિયામાં ત્રીજો સૌથી મોટો ઉર્જા વાપરતો દેશ છે. યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ – 7 સ્વચ્છ અને વાજબી ઊર્જા ઉપલબ્ધ કરાવવા બાબતનો છે. જેને સુસંગત, વર્ષ – 2017માં સરકારે દેશમાં તમામ કુટુંબોને વીજળીનો પુરવઠો પૂરો પાડવા ‘સૌભાગ્ય’ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ 99%થી વધારે ગ્રામીણ કુટુંબોને આવરી લેવામાં આવ્યા છે. આ યોજનાના સુદ્રઢ તથા સુચારૂ સંચાલન માટે રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓ માટે ‘ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના (ઉદય)’ અમલમાં મૂકવામાં આવેલ છે.

બાંધકામ (Construction) – 1) સરકાર દ્વારા “2022 સુધીમાં તમામ લોકો માટે આવાસ” નું ધ્યેય રાખી સમગ્રલક્ષી ઝુંબેશ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) શરૂ કરવામાં આવેલ છે. આ ઝુંબેશ અંતર્ગત 7 વર્ષમાં 4 કરોડ આવાસો બાંધવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવેલ છે. આ ઝુંબેશની ફળશ્રુતિરૂપે આવાસ ક્ષેત્ર ઉપર આધારિત ઉદ્યોગો જેવા કે સ્ટીલ, સિમેન્ટ, ઇલેક્ટ્રિક વગેરે જેવાં અન્ય ક્ષેત્રોનો વિકાસ થશે. 2)ભારત વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતો બીજા ક્રમનો દેશ છે. દેશના આંતરિક અને બાહ્ય ધંધા-વ્યવસાયના વિકાસ માટે રસ્તાઓ અને ધોરીમાર્ગોનો વ્યાપ અને ગુણવત્તા આવશ્યક પરિબળ છે. 2022-23 સુધીમાં 2000 કિ.મી.ના દરિયા કિનારા અને બંદરોને જોડતા રસ્તાઓ સહિત કુલ 24,800 કિ.મી.ના રસ્તા ભારતમાલા ચરણ – 1 અંતર્ગત તૈયાર કરવાનું આયોજન છે. આ ઉપરાંત, વર્તમાન 1.22 લાખ કિ.મી.થી વધારી રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઇ 2 લાખ કિ.મી. કરવાનું આયોજન છે. આમ, ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાના પ્રયાસરૂપે બાંધકામ ક્ષેત્રમાં આવાસો અને રસ્તાઓના નિર્માણમાં પણ દેશ અગ્રેસર રહેશે.

નાગરિક ઉડ્ડયન (Civil Aviation) – ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજાર ધરાવતો દેશ છે. દેશનું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર સતત ઉર્ધ્વ ગતિએ વિકસી રહ્યું છે. વર્ષ – 2007-08 થી 2016-17 સુધીમાં સ્થાનિક મુસાફરોના ટ્રાફિકમાં 10%ના દરે અને આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં 8.07%ના દરે વધારો થયો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વૈશ્વિક સ્પર્ધાત્મક અહેવાલ 2019 મુજબ ભારતને એર ટ્રાન્સપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે 141 દેશોમાંથી 59મો ક્રમ આપવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના વિકાસના ભાગરૂપે વર્ષ – 2022 સુધીમાં 1) સ્થાનિક ટીકીટોનું વેચાણ 2016-17ના 103.75 મિલિયન અને જાન્યુઆરી થી નવેમ્બર – 2019ના 131.54થી વધારી 300 મિલિયન કરવાનું, 2) 2017-18ના 3.3 મિલિયન ટન એરકાર્ગોના કામથી વધારી 6.5 મિલિયન ટન કરવું, 3) મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ (MRO) ઉદ્યોગ 2017માં 1.8 બિલિયનથી વધારી 2.3 બિલિયન કરવો, 4) એરપોર્ટની ક્ષમતા પાંચ ગણી કરવી, 5) પ્રાદેશિક એર કનેક્ટિવિટી વધારવા ‘પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના – ઉડે દેશ કા આમ નાગરિક (RCS-UDAN)’ અન્વયે 56 એરપોર્ટ તેમજ 31 હેલિપેડને ફરી કાર્યરત કરવા વગેરે લક્ષ્ય નિયત કરવામાં આવેલ છે. નાગરિક ઉડ્ડયન ઉદ્યોગના વિકાસની આ રૂપરેખા સમગ્ર રીતે ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવામાં જરૂરથી મદદરૂપ થશે.

બંદરો અને નૌપરિવહન (Ports and Shipping) – ભારત 7500 કિ.મી.નો વિશાળ દરિયા કિનારો ધરાવે છે. નૌપરિવહન સૌથી સસ્તું અને કાર્યદક્ષ પરિવહનનું માધ્યમ છે. બંદરો અને નૌપરિવહન ક્ષેત્રના વિકાસ માટે, 1) 2022-23 સુધીમાં બંદરોની સંચાલન ક્ષમતા 2500 મિલિયન મેટ્રિક ટન કરવી, 2) મુખ્ય બંદરો પર ટર્ન અરાઉન્ડ ટાઇમ (TAT) 2016-17ની પરિસ્થિતિએ 3.44 દિવસ હતો, જે 2022-23 સુધીમાં વૈશ્વિક સરેરાશ મુજબ 1-2 દિવસ કરવો, 3) સાગરમાલા કાર્યક્રમ અન્વયે વિદેશી અને સ્થાનિક વેપાર માટે હેરફેર ખર્ચ 2025 સુધીમાં 35-40 હજાર કરોડ ઘટાડવો, 4) હાલમાં લોજિસ્ટિક્સ ખર્ચ જીડીપીના 14% છે, તે ઘટાડી 10%ની નીચે લઇ જવો, 5) વર્તમાન $160 બિલિયનનું લોજિસ્ટિક બજાર 2020 સુધીમાં $215 બિલિયન લઇ જવું વગેરે. બંદરો અને નૌપરિવહન ક્ષેત્રે લેવામાં આવી રહેલા આ પગલાં ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાની દિશામાં જ છે.

આરોગ્ય (Health) – 1946માં સર જોસેફ ભોરે કમિટીનો અહેવાલ આવ્યો પછી રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (National Rural Health Mission – NRHM) દેશની આરોગ્ય પદ્ધતિમાં મહત્વનો સુધારો છે. તૃતીય રાષ્ટ્રીય આરોગ્ય નીતિ (National Health Policy – NHP) – 2017 બાદ વર્ષ – 2018માં આયુષ્માન ભારત પ્રોગ્રામ (Ayushman Bharat Programme – ABP) અસ્તિત્વમાં આવ્યો, જેની અમલવારી વર્ષ – 2019-20થી કરવામાં આવી. આયુષ્માન ભારત પ્રોગ્રામના વિઝનમાં ‘તંદુરસ્ત ભારત: આયુષ્માન ભારત, મહિલાઓ અને બાળકોને સારું પોષણ’નો સમાવેશ કરવામાં આવેલ છે. વર્ષ – 2018-19ના આર્થિક સર્વેક્ષણમાં, નોબેલ વિજેતા રિચાર્ડ થલેર પ્રણીત, વર્તણૂક લક્ષી અર્થશાસ્ત્રની ચર્ચા કરવામાં આવેલ છે, જેમાં સ્વચ્છ ભારત મિશન (Swachh Bharat Mission – SBM), બેટી બચાવો, બેટી પઢાઓ (B3P) વગેરેનો સમાવેશ થાય છે. આરોગ્ય ક્ષેત્રે થઇ રહેલ વિકાસ અંતર્ગત આર્થિક વિકાસ ઉપરાંત માનસિક અને શારીરિક સ્વસ્થ નાગરિકો ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનો ધ્યેય હાંસલ કરવામાં બેશક મહત્વનો ભાગ ભજવશે.

ટેલિકોમ – ભારત ટેલિકોમ સેવાઓનો વપરાશ કરનારો 120 કરોડ ટેલિફોન ઉપભોક્તા અને 60 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ સાથેનો દુનિયામાં બીજો સૌથી મોટો છે; જેના પરીણામે આ ક્ષેત્રમાં બહુ મોટા પ્રમાણમાં આર્થિક મૂલ્ય સર્જન થઇ શકે તેવી સંભાવના છે અને જે રાષ્ટ્રીય આવકની વૃદ્ધિમાં સિંહફાળો આપી શકશે. હાલ આ ક્ષેત્રનો દેશના જીડીપીમાં 6.50% ફાળો છે તથા આશરે 40 લાખ લોકોને રોજગાર પુરો પાડે છે. 1લી જુલાઇ, 2015ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા ડિજિટલ ઇન્ડિયા પહેલ શરૂ કરવામાં આવી. વર્ષ – 2024 સુધીમાં ભારતીય અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરનું બનવાની સાથે-સાથે વર્ષ – 2025 સુધીમાં ડિજિટલ અર્થતંત્રને $1 ટ્રિલિયન ડોલરનું બનશે. આ આર્થિક મૂલ્યમાં વધારો મુખ્યત્વે નાણાકીય સેવાઓ, કૃષિ, આરોગ્ય સેવાઓ, કૌશલ્યવર્ધન, ઇ-ગવર્નન્સ વગેરે ક્ષેત્રોમાંથી હશે તેવું અનુમાન છે.

આ લેખમાં આપણે અર્થતંત્રના પાયારૂપ વિવિધ ક્ષેત્રો વિશે વિગતો જોઇ. હવે પછીના અને આ લેખ શૃંખલાના છેલ્લા લેખમાં ખૂબ જ અગત્યની એવી વિગતો જેવી કે, ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાના લક્ષ્યને સિદ્ધ કરવા લેવામાં આવેલા પગલાઓ, લક્ષ્ય સામેના પડકારો અને આખી લેખ શૃંખલાના નિષ્કર્ષ રૂપી વિગતો જોઈશું.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here