Home Contemporary RCEP – રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસેપ)… (ભાગ-2)

RCEP – રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસેપ)… (ભાગ-2)

2
RCEP – રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસેપ)… (ભાગ-2)

વાચક મિત્રો,

હેપ્પી વેલેન્ટાઈનસ્ ડે…

આજે હું રામેશ્વર, તામિલનાડુમાં છું. બાર જ્યોતિર્લિંગ પૈકીના એક અને ચારધામ પૈકીના પણ એક એવા પવિત્ર ધામમાં શ્રી રામેશ્વર ભગવાનના દર્શન કરવાથી તથા રામેશ્વર અને આજુબાજુના સ્થળોની મુલાકાતથી મારો વેલેન્ટાઇન ડે તો સુપર ડુપર રહ્યો અને આશા રાખું છું કે, આપનો પણ મસ્ત જ રહેશે…

અગાઉના આ વિષય પરના લેખમાં આપણે આરસેપની પૂર્વભૂમિકા, આરસેપનો ખ્યાલ, તેનું મહત્વ, અત્યાર સુધીની પ્રગતિ તથા ભારતના પરિપેક્ષ્યમાં આરસેપનું વિશ્લેષણ વગેરે જોયું. આ લેખમાં આરસેપ અંતર્ગત મુખ્ય મત્તભેદના મુદ્દાઓ તથા શું ખરેખર ભારતે આરસેપમાંથી કાયમી ધોરણે ખસી જવું જોઇએ? તે બાબતે જરૂરી ચર્ચા કરીશું.

આરસેપના હેઠળના મુખ્ય મત્તભેદના મુદ્દાઓ

આમ તો આરસેપના વિવિધ મુદ્દાઓ અને કરારો બાબતે સભ્ય દેશો વચ્ચે બંધ બારણે વાટાઘાટ થાય છે. તો ખરેખર મુદ્દાઓ અને તેના નિરાકરણની વિગતો કરારો સહી થઇ આખરી થશે ત્યારે જ ખબર પડશે પરંતુ વિવિધ જટિલ સમસ્યાઓ વિશે વિગતો નીચે મુજબ છે:

ઓટો ટ્રિગર મિકેનિઝમ (Auto Trigger Mechanism) – ઓટો ટ્રિગર મિકેનિઝમ એટલે કે જ્યારે સંધિ હેઠળના એક દેશની આયાત કોઇ ચોક્કસ દેશ પાસેથી અમૂક પ્રમાણથી વધી જાય, તો આયાત કરનાર દેશ પોતાની રીતે આવા બીજા દેશ કે જ્યાંથી આયાત કરે છે, તે દેશનો માલ ખરીદવા ઉપર નિયંત્રણ લાવી શકે છે. જેથી જે દેશ તરફથી આયાત અમૂક પ્રમાણથી વધી ગયેલ હોય, તે દેશ સાથે વેપાર ખાધ વધી ના જાય અને ઘરેલું ઉદ્યોગોનું હિત પણ જાળવી શકાય. ભારત દ્વારા આ ઓટો ટ્રિગર મિકેનિઝમ લાગુ કરવા જણાવેલ છે.

રૂલ ઓફ ઓરિજીન (Rule of Origin) – રૂલ ઓફ ઓરિજીન એટલે કે ખરીદનાર દેશનો તેઓએ ખરીદેલ વસ્તુનું ઉત્પાદન ક્યાં થયેલ છે તે જાણવાનો હક. ભારતના સિંગાપોર સાથે મુક્ત વેપાર સમજૂતી તથા ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ છે. આ બન્ને સંધિનો ઉપયોગ કરી ચીન સિંગાપોર મારફતે ભારતમાં ડમ્પિંગ કરે છે. આવા પ્રપંચથી બચવા અને ભારતના સીમાંત ખેડૂતો, મધ્યમ અને નાના ઉદ્યોગો, કુટીર અને ગૃહ ઉદ્યોગો વગેરેનું હિત જળવાય તેવા સલામતીના પગલાંરૂપે રૂલ ઓફ ઓરિજીન લાગુ કરવા રજૂઆત કરવામાં આવેલ છે.

એસ્કેપ ક્લોઝ (Escape Clause) – સામાન્ય રીતે આરસેપ જેવી મુક્ત વેપાર સમજૂતીઓમાં ભાગીદાર દેશ કોઇપણ સમયે આવી સંધિથી છુટા થઇ શકે તેવી જોગવાઈ હોય છે. આરસેપમાં પણ આવી જોગવાઈની અમલવારી માટે રજૂઆત કરવામાં આવેલ છે, જેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવી રહેલ નથી.

ટૅરિફ રિલેક્ષેશન (Tariff Relaxation) – ભારત દ્વારા આરસેપ હેઠળના 15 દેશો માટે 86% સુધી ટેરિફમાં ઘટાડો કરવા સુધી તૈયારી દર્શાવેલ છે, જ્યારે અન્ય દેશો તેને 92% સુધી લઇ જવા માંગે છે. આમ આ બાબતે સહમતી સધાય રહી નથી અને ભારત દ્વારા તેનો વિરોધ કરવામાં આવેલ છે.

બેઝ યર (Base Year) – ભારત સિવાયના દેશો 2013ને, આરસેપ માટેની વાટાઘાટ શરૂ થઇ ત્યારથી, બેઝ યર ગણવા માંગે છે, એટલે કે 2013ના ભાવોએ ટેરિફમાં ઘટાડો કે મુક્તિ આપવાની તરફેણમાં છે. જ્યારે ભારત 2014 થી 2019 સુધીમાં આયાત શુલ્કમાં થયેલ વધારા વગેરેને ધ્યાને લઇ 2019 કે ત્યારબાદનું રાખવાની તરફેણ કરે છે.

કોપીરાઇટ (Copy Right) – આરસેપમાં કોપીરાઇટ સંબંધે બહુ જ ખરાબ જોગવાઈ છે, જે ગરીબ દેશોમાં ભારતની જેનરિક દવાઓની સપ્લાયને વિપરીત અસર કરે તેમ છે. આ જોગવાઇમાં જરૂરી ફેરફાર કરવામાં ન આવે, તો આપણા ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને મોટો ફટકો પડે તેમ છે.

વિવાદ નિવારણ (Dispute Resolution) – ભારત તેના કાયદાઓ દેશની બહાર પડકારી શકાય તેવી જોગવાઈની વિરુદ્ધમાં છે, જ્યારે અન્ય દેશો સંધિ હેઠળના દેશો વેપારની બાબતમાં તકરાર કે વિવાદ નિવારણ અર્થેના કાયદા અને તે અન્વયેના ચૂકાદાઓને જે-તે દેશની બહાર પડકારી શકાય તેવું ઇચ્છે છે.

શું ખરેખર ભારતે આરસેપમાંથી કાયમી ધોરણે ખસી જવું જોઇએ?

ઉક્ત તમામ વિગતો પરથી એક બાબત સ્પષ્ટ છે કે, આરસેપના કૂલ સભ્ય દેશોમાં ભારત વ્યૂહાત્મક રીતે અને એક તૃતીયાંશ જેટલું વજન ધરાવતું ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતના 130 કરોડની વસ્તીવાળા વિશાળ બજાર ઉપર બધા સભ્યો દેશોની નજર છે. ફક્ત ભારતના ખસી જવાથી આ સમજૂતી બિન-આકર્ષક બની ગઇ છે. એક તરફ જો દેશનું, દેશના વેપાર ધંધા કે ઉદ્યોગોનું, દેશના ખેડૂતો વગેરેનું હિત ન જળવાતું હોય, તેવા કરાર કે સમજૂતીથી કાયમી ધોરણે ખસી જવામાં કોઇ નુકશાન નથી, પરંતુ ડહાપણ જ છે. આરસેપના કિસ્સામાં અગાઉ જોઇ ગયા તેટલું જ ન વિચારતાં અન્ય હકારાત્મક પાસાઓ તરફ પણ નજર કરી લેવી જોઇએ. જેવા કે,

1) 1991ની નવી આર્થિક નીતિના ભાગરૂપે આપણે ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણની નીતિ અપનાવી, દેશના બજારને અમૂક હદે ખુલ્લું મૂક્યું તો છેલ્લાં 28 વર્ષો પૈકી 17 વર્ષોમાં 6%થી વધુ અને 12 વર્ષોમાં તો 8%થી પણ વધુ વિકાસ દર હાંસલ કર્યો. એટલું જ નહિ, ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ (વિશ્વ બેંકના ધારાધોરણ મુજબ) 50%થી ઘટાડી 20% સુધી લાવી શક્યા છીએ.

2) ભારતના અર્થતંત્રમાં માળખાગત ફેરફારો થઇ રહ્યાં છે. દેશની આયાત મુખ્યત્વે હેવી મશીનરી, આયર્ન તથા સ્ટીલ પ્રોડકટની રહી છે, તેની સામે નિકાસ રો-મટીરિયલ્સની રહી છે. જે દર્શાવે છે કે દેશની ઉત્પાદન ક્ષમતા આવતા ત્રણ થી પાંચ વર્ષમાં વધશે. આ ઉત્પાદન ક્ષમતા જ કાચા માલનો ઉપયોગ કરશે. આવા વખતે જો આરસેપ જેવી સમજૂતીઓ સાથે વિદેશી બજાર ખુલ્લું હશે તો પાકા માલની નિકાસ કરી અસાધારણ વૃદ્ધિ દર હાંસલ કરી શકાશે.

3) હાલ પણ ભારતના આરસેપ સાથી 15 દેશો પૈકી 12 દેશો જોડે એક યા બીજી રીતે વ્યાપારી સમજૂતીઓ છે જ. આરસેપથી ફક્ત ચીન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો જ વધારો થશે. જેમાં પણ ભારતને મુખ્યત્વે ચીનમાંથી આયાત મોટા પ્રમાણમાં વધી જવાનો ભય છે. આ કિસ્સામાં દેશના ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપી, સેફ્ટી વાલ્વ જેવા એસ્કેપ ક્લોઝ તથા દેશના હિતો જોખમાય ત્યારે ઓટો ટ્રિગર મિકેનિઝમનો વિવેકપૂર્વક ઉપયોગ કરી આ પરિસ્થિતિ પર તુરંત કાબુ મેળવી શકાય તેમ છે.

4) જો ભારત આરસેપનો ભાગ બને અને તેના માટે વિશ્વના દેશોનું બજાર ખુલ્લું હશે, તો વધુ ને વધુ વિદેશી રોકાણ પણ આકર્ષિ શકશે અને જેમ અન્ય દેશો ભારતના બજારમાં તક જૂએ છે, તેમ આ નાણા-સાધનોનો ઉપયોગ કરી ભારત પણ વિવિધ દેશોમાં વૈશ્વિક કક્ષા ઉત્પાદનો સાથે સ્પર્ધાત્મક ભાવોએ વેપાર કરી શકશે.

5) જો ભારત વૈશ્વિક બજારોમાં હરીફાઈમાં નહિ ઉતરે તો તેના ઉત્પાદનની ગુણવત્તા ક્યારેય વિશ્વ કક્ષાની નહિ બને અને ધાર્યો વિકાસ દર હાંસલ કરવાનું લગભગ અસંભવ થઇ જશે. ભારતના ઉભરતા ઉદ્યોગોને પુરતું બજાર નહિ મળે અને તેનો વિકાસ રુંધાઇ જશે. હરીફાઇથી ડરીને કે ભાગીને વિકાસ સુનિશ્ચિત ના કરી શકાય.

6) અન્ય દેશો દ્વારા ડેરી ઉત્પાદનો સસ્તાં ભાવોએ અહિં ઉપલબ્ધ કરાવવામાં આવશે તો પ્રજાને ફાયદો નહિં થાય? દેશના ડેરી ઉદ્યોગને વિશ્વ કક્ષાનું બનવા પ્રેરણા નહિ મળે? વિદેશ વેપાર સમજૂતીથી દૂર થવાથી દેશના ખેડૂતોને તેના ઉત્પાદન વહેંચવા માટેનું બજાર સીમિત નહિં થઇ જાય? શું આવી રીતે ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય હાંસલ કરી શકીશું?

આમ, હરીફાઇથી ભાગવું એ કોઇ રસ્તો નથી, પરંતુ દેશ હિતના મુદ્દાઓ પરત્વે પુરતી વાટાઘાટ કરી આવી સમજૂતીનો ભાગ બનવું જોઇએ અને વૈશ્વિક બજાર સર કરવું જોઇએ. આરસેપમાં ભારતનું કદ જોતા, ભારત વગર આ સમજૂતીમાં કોઇ ને પણ ઝાઝો રસ નહિ રહે. આ સંજોગોમાં દેશના ઉદ્યોગોને રક્ષિત રાખી અને સબસિડીઓ આપી તેની ક્ષમતાને દબાવવાને બદલે તેને ખુલ્લા આકાશમાં મૂકી ખીલવા દેવા જોઇએ. આરસેપમાં આપણું કદ અને મહત્વ ધ્યાને લઇ દેશ હિતના મુદ્દાઓ બાબતમાં પુરે-પુરું નેગોશીયેશન કરી તેનો મહત્તમ લાભ આપણે ઉઠાવવો જોઇએ. શું આટલા લાંબા સમયથી અપનાવેલ લૂક ઇસ્ટ પોલિસી અને તેને અપગ્રેડ કરી અપનાવેલ એક્ટ ઇસ્ટ પોલિસી કે જે આપણી વિદેશ નીતિનો મુખ્ય આધારસ્તંભ ગણાય છે, તેનાથી પીછેહઠ કરવી યોગ્ય ગણાશે?

જાન્યુઆરી – 2020માં આરસેપ તરફથી બાલી, ઈન્ડોનેશિયા ખાતે યોજાનાર આરસેપ ટ્રેડ નેગોશીયેશન કમિટીની ત્રીજી ખાસ બેઠકમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મળેલ હતું, આ બેઠકમાં ભારત કોઇ પણ કારણ આપ્યા વગર ગેરહાજર રહ્યું હતું. પરંતુ, આશા રાખીએ કે, વિરોધકર્તાઓની સામે જોયા વગર (છેલ્લા ઘણાં સમયથી લેવામાં આવી રહેલ પગલાઓ ઉપરથી તો એવું નથી લગતું) બેક-ડૂર ડિપ્લોમસીથી દેશ હિતના દરેક મુદ્દાઓ પ્રત્યે આપણા સુચનો અને રજૂઆતોનો સમાવેશ સુનિશ્ચિત કરી સરકાર આગળ વધશે, જેથી દેશના ઉદ્યોગોમાં નવા પ્રાણ પુરાશે અને 1991ની નવી આર્થિક નીતિ બાદ કોઇ મોટા નિર્ણયોની શરૂઆત હશે, જે હવે પછીના 2-3 દાયકા માટે સુવર્ણ કાળ સંભવિત કરશે તેવી શુભ આશા સહ…

https://www.facebook.com/krinuday/

2 COMMENTS

Leave a Reply to Bindu Lakhani Cancel reply

Please enter your comment!
Please enter your name here