Home Contemporary સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના (Sovereign Gold Bond Scheme – SGB)

સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના (Sovereign Gold Bond Scheme – SGB)

13
સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના (Sovereign Gold Bond Scheme – SGB)

સુજ્ઞ વાચક મિત્રો,

પહેલા તો, રક્ષાબંધનના આ પવિત્ર પર્વની આપને બધાને હાર્દિક શુભકામનાઓ. વાચક મિત્રો, ભારતીયોના હેમ પ્રત્યે પ્રેમ અને લગાવથી આપણે બધા પરિચિત જ છીએ. ભારતમાં સોનુંં ફક્ત બચતનું કે શોખનું જ સાધન નથી, પરંતુ એ આપણી સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ અને પૌરાણિક ચિકિત્સા પદ્ધતિનો ભાગ પણ છે. કોઈપણ તહેવાર હોય કે પ્રસંગ હોય, સોનું ખરીદવાનો અને ભેટમાં આપવાનો રિવાજ વર્ષોથી આપણી સંસ્કૃતિમાં વણાયેલો છે. વડીલો કહે છે ને કે, સોનુંં તો ખરીદવું જ જોઈએ, તે અડધી રાત્રે પણ કામ લાગે. આમ, સોનું ખરીદવું એ ભદ્રતાની નિશાની સાથે એક સારો બચતનો વિકલ્પ અને સંકટ સમયની સાંકળ પણ છે જ. તેની સાથે-સાથે ફિઝીકલ સોનું રાખવાના નુકશાન પણ છે. ઘરેણાંં ખરીદીએ તો તેના ઉપર ઘડાઈ લાગે, કર લાગે, સાચવવામાં જોખમ રહે અથવા લોકર ભાડું વગેરે ખર્ચ થાય, અશુદ્ધ કે ઓછું શુદ્ધ સોનુંં આવી જવાનો ભય રહે, વર્ષો પહેલા ખરીદેલા સોનાના આભુષણોની ડીઝાઈન જુની થઈ જાય વગેરે.

વિશ્વમાં એશિયાની બે મહાસત્તાઓ ભારત અને ચીન વિશ્વના કુલ સોનાના વપરાશમાં લગભગ ૪૪ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. સોનાના વપરાશમાં ચીન સૌથી મોખરે છે અને ત્યારબાદ ૨૦૧૯ની સ્થિતિએ ૮૫૦ ટન સાથે ભારતનો ક્રમાંક બીજો આવે છે. આપણે ત્યાં લોકો સોનું ખરીદીને લોકરમાં કે ઘરમાં સાચવીને મૂકી રાખે છે, જે નિષ્ક્રિય રોકાણ બની જાય છે. તેનો દેશના અર્થતંત્રમાં કોઈ ફળદાયક ઉપયોગ થતો નથી. નાગરિકોના સોનામાં રોકાણના નાણા સરકારની બાંહેધરીવાળા બોન્ડ સ્વરૂપમાં મેળવી, દેશની બેન્કિંગ સિસ્ટમ અર્થતંત્રને વધુ સુદ્રઢ અને સમૃદ્ધ બનાવવામાં ઉપયોગમાં લે, તો તેને ખરા અર્થમાં “સોને પે સુહાગા” કહી શકાય. તો ચાલો આજે આવી જ એક યોજના સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના (Sovereign Gold Bond Scheme – SGB) વિશે જાણીએ.

સોવરિન ગોલ્ડ બોન્ડ શું છે?

સોવરિન ગોલ્ડ બોન્ડ બહાર પાડવાની આ યોજના ભારત સરકાર દ્વારા ૩૦મી ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ શરુ કરવામાં આવેલ છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ભારત સરકાર વતી ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવતી સરકારી જામીનગીરી (સિક્યુરિટી) છે. આ બોન્ડ એક ગ્રામ સોનુંં કે તેના ગુણાંકમાં ખરીદી શકાય છે, એટલે કે બોન્ડની રકમ સોનાના ગ્રામમાં હોય છે. રોકાણકારને સોનાની લગડીને બદલે સોવરિન ગોલ્ડ બોન્ડનું નિયત નમુનાનું સર્ટીફિકેટ આપવામાં આવે છે અથવા રોકાણકારના ડિમેટ ખાતામાં તેણે જેટલા ગ્રામ સોનું ખરીદ્યું હોય તેટલા યુનિટ જમા આપવામાં આવે છે. આ સોવરિન ગોલ્ડ બોન્ડને અસલ સોનાને બદલે પેપર કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સોનું જ કહી શકાય. આ ઉપરાંત, આ રોકાણ ઉપર વાર્ષિક ૨.૫% (અઢી ટકા) લેખે વ્યાજ પણ મળવાપાત્ર છે. આ વ્યાજ દર વર્ષે બે અર્ધવાર્ષિક હપ્તામાં રોકાણકારના ખાતામાં સીધું જમા કરવામાં આવે છે અને છેલ્લું વ્યાજ બોન્ડની પાકતી મુદતે કુલ મુદ્દલ રકમ સાથે છેલ્લે ચુકવવામાં આવશે. રોકાણકારની અરજીના નાણા અધિકૃત સંસ્થાને મળે અને યુનીટ ફાળવવામાં આવે તે બન્ને વચ્ચેના સમયગાળાનું બચતખાતાના દરનું વ્યાજ અરજકર્તાને મળવાપાત્ર છે. જો અરજીનો અસ્વીકાર થાય તો આ વ્યાજ મળવાપાત્ર નથી.     

રોકાણની પાત્રતા

આ યોજના હેઠળ ભારતના નિવાસી (Resident in India) એવા કોઈપણ વ્યક્તિ પોતે અંગત રીતે, આવા એક કરતાં વધુ વ્યક્તિઓ સંયુક્ત રીતે તથા માઇનોર બાળક વતી રોકાણ કરી શકે છે. આ ઉપરાંત, હિન્દુ અવિભક્ત કુટુંબ (Hindu Undivided Family – HUF), ટ્રસ્ટ, ચેરિટેબલ સંસ્થાઓ, યુનિવર્સિટીઓ તથા સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તેવી અન્ય સંસ્થાઓ વગેરે રોકાણ કરી શકે છે. દરેક રોકાણની અરજીમાં અરજકર્તાનો પાન (Permanent Account Number – PAN) દર્શાવવો ફરજીયાત છે. દરેક રોકાણકારને ભારતીય રીઝર્વ બેંકની ઇ-કુબેર સીસ્ટમ દ્વારા રોકાણકાર ઓળખ નંબર (Investor ID) આપવામાં આવે છે. એક વખત જે વ્યક્તિનો આવો યુનિક નંબર જનરેટ થઇ ગયો હોય, તેણે ભવિષ્યની તમામ અરજીમાં આ નંબર (Investor ID) દર્શાવવો ફરજીયાત છે. જો રોકાણકાર આ Investor ID ન દર્શાવે તો તેની અરજી રદ થવા પાત્ર રહે છે.   

આ યોજના હેઠળ કેટલું રોકાણ કરી શકાય?

આ યોજના હેઠળ વ્યક્તિ કે હિંદુ અવિભક્ત કુટુંબ નાણાકીય વર્ષ  દરમિયાન ઓછામાં ઓછું એક ગ્રામ અને વધુમાં વધુ ચાર કિલોની મર્યાદામાં રોકાણ કરી શકે છે. કુટુંબના દરેક વ્યક્તિ દીઠ આ ઓછામાં ઓછા એક ગ્રામ અને વધુમાં વધુ ચાર કિલોની મર્યાદા લાગુ પડે છે. ટ્રસ્ટ તથા અન્ય સરકાર દ્વારા નિર્દિષ્ટ કરેલી સંસ્થાઓ નાણાકીય વર્ષ દરમિયાન ૨૦ કિલો સુધીનું રોકાણ કરી શકે છે. એકથી વધુ વ્યક્તિઓએ સંયુક્ત રીતે કરેલા રોકાણના કિસ્સામાં આ મર્યાદા પ્રથમ અરજદારને લાગુ પડશે. આ યોજના હેઠળ વાર્ષિક ટોચ મર્યાદા આ યોજનામાં કોઈપણ રીતે કરેલા રોકાણ એટલે કે અલગ અલગ તબક્કામાં કરેલા સીધા રોકાણ અને સેકન્ડરી માર્કેટમાંથી ખરીદી કરેલા રોકાણ બધાને સંયુક્ત રીતે ધ્યાનમાં લઇ લાગુ પડે છે. વધુમાં,  જે રોકાણ બેંક કે અન્ય નાણાકીય સંસ્થા દ્વારા કોલેટરલ તરીકે રાખેલ હશે, તેટલા રોકાણને ટોચ મર્યાદા લાગુ પડશે નહી.

સોનાના ભાવની ગણતરી

અહીં સોનાના ૧ (એક) ગ્રામનો ભાવ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવતા ૯૯૯ શુદ્ધતા ધરાવતા સોનાના બંધ ભાવની બોન્ડ બહાર પાડવાના પહેલાના અઠવાડિયાના છેલ્લા ત્રણ દિવસની સાદી સરેરાશ મુજબ નક્કી કરવામાં આવે છે. તેવી જ રીતે પાકતી મુદતે જ્યારે આ બોન્ડ રિડીમ થશે, ત્યારે પણ આ જ રીતે બોન્ડ રિડીમ થવાના અગાઉના અઠવાડિયાના છેલ્લા ત્રણ દિવસના બંધ ભાવની સાદી સરેરાશ મુજબ ૧ (એક) ગ્રામનો ભાવ નક્કી કરી, તે મુજબના નાણા રોકાણકારના ખાતામાં જમા કરવામાં આવશે.

રોકાણનો સમયગાળો અને કરપાત્રતા

આ સોવરિન ગોલ્ડ બોન્ડ આઠ વર્ષના સમયગાળા માટે હોય છે, એટલે કે આઠ વર્ષ પૂરા થયે બોન્ડ પાકે છે. આઠ વર્ષ પૂર્ણ થયે પાકતી મુદતે મળતા નફા ઉપર લોન્ગ ટર્મ કેપીટલ ગેઈનમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. આ સોવરિન ગોલ્ડ બોન્ડ પાંચમા, છઠ્ઠા અને સાતમા વર્ષે પણ પ્રિમેચ્યોર રિડીમ કરાવી શકાય તેવી જોગવાઈ છે. આવી રીતે પ્રિમેચ્યોર રિડમ્પ્શનના કિસ્સામાં લોન્ગ ટર્મ કેપીટલ ગેઈન લાગશે; પરંતુ, મોંઘવારીના દર મુજબ ઇન્ડેક્ષેશનનો લાભ મળવાપાત્ર છે. ત્રણ વર્ષથી ઓછા સમયમાં સેકન્ડરી માર્કેટમાં પણ આ સોવરિન ગોલ્ડ બોન્ડ વેચી શકાય છે; આ કિસ્સામાં શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ચૂકવવો પડે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ઉપર આપવામાં આવતા વ્યાજમાંથી સીધો આવકવેરો (ટીડીએસ) કાપવાની જોગવાઈ નથી, પરંતુ આ વ્યાજ કરપાત્ર છે. સોવરિન ગોલ્ડ બોન્ડ પાકવાની તારીખના ૧ (એક) મહિના પહેલા ભારતીય રિઝર્વ બેંક કે સંબંધિત ડિપોઝિટરી રોકાણકારને તેની માહિતી મોકલી આપશે.

રોકાણ કઈ રીતે થઈ શકે?

આ યોજના હેઠળ સીધું રોકાણ કરવા માટે સરકાર દ્વારા દર વર્ષે તેના તબક્કાઓ નિશ્ચિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦-૨૧ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૬ (છ) તબક્કાઓ નક્કી કરવામાં આવેલ છે, જે પૈકી આજે તારીખ ૩જી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ શરૂ થતો તબક્કો પાંચમો છે અને હવે પછી આ વર્ષનો છેલ્લો અને છઠ્ઠો તબક્કો તારીખ ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ શરૂ થશે. આ  બોન્ડ સેકન્ડરી માર્કેટમાંથી પણ બજારભાવે ખરીદી શકાય છે. આ યોજના હેઠળ નિર્દિષ્ટ કરેલી બેંકની શાખાઓ, નિર્દિષ્ટ પોસ્ટ ખાતાની શાખાઓ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની વેબસાઈટ અને સ્ટોક બ્રોકર મારફતે પણ રોકાણ થઇ શકે છે. આ યોજના હેઠળ રોકાણ કરવા માટેના નાણા રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ચુકવી શકાય છે, જેમાં રોકડ ચૂકવણાની મર્યાદા રૂપિયા ૨૦,૦૦૦ છે. અધિકૃત સંસ્થાઓ સીધી કે તેના એજન્ટ મારફતે રોકાણકારોની અરજીઓ મેળવી શકે છે. રોકાણકારોએ આવી અધિકૃત સંસ્થાના નામે નાણા ચૂકવવાના રહે છે. દા.ત. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અધિકૃત સંસ્થા છે, તો રોકાણના નાણાનો ચેક કે ડીમાન્ડ ડ્રાફ્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નામનો આપવાનો રહે છે અથવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને રોકડ કે ઓનલાઈન ચૂકવવાના રહે છે. આ યોજના હેઠળ રોકાણ કરવા માટે ઓનલાઈન અરજી કરનાર અને ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનારને પ્રતિ ગ્રામ રૂ. ૫૦નું ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. રોકાણકારે અધિકૃત સંસ્થા મારફતે અરજી કર્યા બાદ ઇશ્યુ બંધ (તબક્કો પૂર્ણ) ન થાય ત્યાં સુધી અરજી પરત ખેંચી શકે છે. એક વાર ઇશ્યુ બંધ થઈ બાદ અરજી પરત ખેંચી શકાતી નથી. જો અરજી તમામ રીતે યોગ્ય હોય તો અરજદારને તેઓએ કરેલ અરજી મુજબના યુનીટ ફાળવવામાં આવે છે અને તેનું સર્ટીફિકેટ ઇશ્યુ કરવામાં આવે છે. ના મંજુર થયેલી અરજીના નાણા અધિકૃત સંસ્થા પરત કરવામાં વિલંબ કરે તો, અરજદારને રેપો રેટ + ૨%ના દરે દંડ સ્વરૂપે વધારાના નાણા ચૂકવવાના રહે છે.    

નોમિનેશનની જોગવાઈ

સોવરિન ગોલ્ડ બોન્ડના કિસ્સામાં પણ સરકારી જામીનગીરી અધિનિયમ, ૨૦૦૬ અને અન્ય સંલગ્ન નિયમનો મુજબ નોમિનેશનની સુવિધા ઉપલબ્ધ છે. રોકાણકારના મૃત્યુના કિસ્સામાં જો નોમિની બિનનિવાસી ભારતીય (Non-Resident Indian) હોય તો પણ તેના નામે બોન્ડ તબદીલ થઈ શકશે, પરંતુ તેણે બોન્ડ પાકે ત્યાં સુધી તેમાં રોકાણ કરી રાખવું પડશે તથા તેને મળતી વ્યાજની રકમ અને પાકતી મુદતે મળતી રકમ તે પોતાના દેશમાં તબદીલ કરી શકશે નહી.

સોવરિન ગોલ્ડ બોન્ડના ફાયદા

૧. આ યોજના હેઠળ રોકાણ કરવાથી સોનાના ભાવમાં થતા વધારા, ઉપરાંત વાર્ષિક અઢી ટકા વ્યાજની આવક આમ ડબલ ફાયદો મળે છે.

૨. આ યોજના હેઠળ રોકાણ કરતી વખતે ડિઝાઈનીંગ કે મેકીંગ ચાર્જ એટલે કે ટૂંકમાં ઘડાઈ ચૂકવવાની હોતી નથી. જે સામાન્ય રીતે આભૂષણો ખરીદતી વખતે સોનાની કિંમતના ૧૦ થી ૨૦ ટકા જેટલી રકમ થતી હોય  છે.

૩. બોન્ડમાં રોકાણથી ભૌતિક સોનુંં સાચવવાનું જોખમ કે ખર્ચનો પ્રશ્ન રહેતો નથી.

૪. સોનું ખરીદતી વખતે ઓછી શુદ્ધતાવાળું સોનુંં કે ગોલમાલનો ભય રહે છે. જ્યારે અહીં ૨૪ કેરેટ શુદ્ધ સોનામાં રોકાણ થતું હોય, સો ટચનું શુદ્ધ સોનું ખરીદેલું ગણાય છે.

૫. સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરતી વખતે સરકારી કર જેવા કે, માલ અને સેવા કર (જીએસટી) કે સિકયુરિટી ટ્રાન્ઝેકશન ટેકસ (એસટીટી) ચૂકવવાના થતા નથી.

૬. શેર, મ્યુચ્યુઅલ ફંડ, ઈટીએફ વગેરે જેવા અન્ય વિકલ્પોમાં રોકાણના કિસ્સામાં મૂડીનફા ઉપર કર એટલે કે કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. જ્યારે આ સોવરિન ગોલ્ડ બોન્ડની પાકતી મુદ્દતે પરત મળતાં નફાને કેપિટલ ગેઈન ટેક્સમાંથી માફી આપવામાં આવેલ છે.

૭. આ યોજના હેઠળ મળતા વ્યાજની રકમમાંથી ટીડીએસ કાપવાની જોગવાઈમાંથી પણ મુક્તિ આપવામાં આવેલ છે.

૮. બેંકો કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવા માટે સોવરિન ગોલ્ડ બોન્ડને કોલેટરલ તરીકે આપી શકાય છે.

૯. સોવરિન ગોલ્ડ બોન્ડ ડિમેટ સ્વરૂપમાં રાખવાની સુવિધા પણ છે.

૧૦. સોવરિન ગોલ્ડ બોન્ડનું સેકન્ડરી માર્કેટમાં વેચાણ પણ થઈ શકે છે.

૧૧. ઉપર દર્શાવેલી પાત્રતા ધરાવતા વ્યક્તિને ભેટ સ્વરૂપે પણ આપી શકાય છે.

૧૨. મ્યુચ્યુઅલ ફંડની માફક મેનેજમેન્ટ કે ઓપરેશનલ ખર્ચ પેટે કંઈ કપાત થતી નથી.

સોવરિન ગોલ્ડ બોન્ડના ગેરફાયદા

૧. આ યોજના હેઠળના રોકાણમાં ઓછામાં ઓછો પાંચ વરસનો લોક-ઇન સમય ગણી શકાય. જો પાંચ વર્ષ પહેલા સેકન્ડરી માર્કેટમાં વેચવામાં આવે, તો કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડે છે. જો કે આ જોગવાઈ અન્ય તમામ રોકાણોમાં પણ છે જ.

૨. મ્યુચ્યુઅલ ફંડની જેમ Systematic Investment Plan – SIPની સુવિધા ઉપલબ્ધ નથી.

૩. પાકતી મુદ્દતે ખરીદી કરતા સોનાના ભાવમાં ઘટાડો થયેલ હોય તો એટલા ઓછા નાણાં પરત મળે છે. જોકે સોનાના ગ્રામમાં કોઈ ફેરફાર થતો નથી. આ પરિસ્થિતિ ખરેખર ખરીદેલા સોનામાં પણ થઈ શકે છે.

૪. શેર, મ્યુચ્યુઅલ ફંડ, થાપણ વગેરેની જેમ નાની રકમને બદલે ઓછામાં ઓછું ૧ (એક) ગ્રામ સોનાના ભાવ જેટલું તો રોકાણ કરવું જ પડે છે.

આમ, હેમ પ્રેમી ભારતીયો માટે સોનામાં રોકાણ કરવા માટે સૌથી સલામત, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સોવરિન ગોલ્ડ બોન્ડ એક ખૂબ જ સારો વિકલ્પ છે. જેમાં મ્યુચ્યુઅલ ફંડની જેમ ખર્ચાઓ અને શેરબજારની અનિશ્ચિતતાઓથી દૂર રહી સો ટકા શુદ્ધ રોકાણ થાય છે અને સાથે-સાથે વ્યાજની આવક પણ થાય છે. કેપિટલ ગેઈનમાંથી છૂટકારો અને ટીડીએસ ન કપાવા વગેરે જેવા ફાયદા અને સરળતા તો ખરી જ. જે ધ્યાને લઈ સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું ફાયદાકારક છે અને તેમાં પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચુકવણું કરવાનું ભૂલશો નહીં; કારણ કે તેનું વધારાનું પ્રતિગ્રામ પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર છે. શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે તહેવારો શરૂઆત થઈ ગઈ છે અને મોટાભાગે સોનાની ખરીદી પણ ચાલુ થઈ ગઈ હશે, આવા સમયે આજથી શરૂ થતી પાંચમી અને આ મહિનાના અંતમાં આ વર્ષની છઠ્ઠી અને છેલ્લી સીરીઝમાં રોકાણ કરવા આ લેખ આપને ઉપયોગી અને માહિતીપ્રદ નીવડશે તેવી આશા રાખું છું.

13 COMMENTS

  1. Udaybhai,
    Abhinandan for important information about SGB . It will be
    Very useful for such investment.

Leave a Reply to Uday Bhayani Cancel reply

Please enter your comment!
Please enter your name here