શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૩ | લંગડેજી મહારાજને શું અતિપ્રિય લાગ્યુ? | Sundarkand | सुंदरकांड

Posted by

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

આગળના લેખ (શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૨ | અમૂલ્ય ખજાનાની માંગ – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-012/)માં શ્રીહનુમાનજીની વંદનામાં આખા સુંદરકાંડનો સંક્ષેપમાં સમાવેશ થઈ જાય છે, તે જોયું હતું. ત્યાંથી સુંદરકાંડની આ સુંદર કથાને આગળ વધારીએ. શ્રીતુલસીદાસજી લંગડેજી મહારાજ શ્રીહનુમાનજીની વંદના કરતા કહે છે, અતુલિતબલધામમ્‌ એટલે કે શ્રીહનુમાનજીને અતુલિત બળના ધામ કહ્યા છે. જેનું બળ સર્વોત્તમ છે, અજોડ છે, અમાપ છે અને જેના બળની તુલના અન્ય કોઈ સાથે થઈ શકે તેમ નથી, તેવા મહા પરાક્રમી છે. શ્રીહનુમાનજીનું સામર્થ્ય, તેઓનો પ્રભાવ, તેઓની શક્તિ એટલી અતુલનીય છે કે તેઓની તુલના અન્ય કોઈ જોડે થઈ શકે તેમ જ નથી. આવા અતુલિત બળના પણ વળી ધામ કહ્યા, કેમ ભંડાર કે ખાણ એવા શબ્દો પ્રયોજવામાં આવેલા નથી? તો તેનું સુંદર સમાધાન જોઈએ. ભગવાન શ્રીરામ પોતે અતુલિત બળવાન છે અને તેઓ પોતે શ્રીહનુમાનજીના હૃદયમાં બિરાજે છે, ‘જાસુ હૃદય આગાર બસહિં રામ સરચાપધર’. આમ, શ્રીહનુમાનજીનું દેખાતું અતુલિત બળ એ પ્રભુ શ્રીરામનું જ સામર્થ્ય છે અને આવા સામર્થ્યવાન ભગવાન તેઓના હૃદયમાં બિરાજે છે, માટે અતુલિતબલધામમ્‌ તરીકે સંબોધવામાં આવેલા છે.

હેમશૈલાભદેહમ્‌ એટલે કે હેમ(સોના)ના પર્વત જેવા ક્રાંતિવાન શરીર વાળા. કોઈ-કોઈ ગ્રંથમાં સ્વર્ણશૈલાભદેહમ્‌ લખવામાં આવેલ છે. બન્નેનો અર્થ સમાન જ થાય છે. સુમેરુ પર્વત સુવર્ણનો હતો એટલે અહીં સુમેરુ પર્વત જેવી ક્રાંતિવાળુ શરીર ધરાવતા એવો અર્થ પણ કરી શકાય. આ બાબતને આગળ સુંદરકાંડમાં જ કનકભૂધરાકાર સરીરા કહી સમર્થન પણ આપવામાં આવેલુ છે. એક સંત મત એવો પણ છે કે, જેમ અગ્નિમાં તપાવવાથી સોનું બળતુ નથી, ફક્ત તેની અશુદ્ધિઓ જ બળીને દૂર થઈ જાય છે; તેમ શ્રીહનુમાનજી પણ વિકારોથી રહિત શુદ્ધ સોના જેવું શરીર ધરાવે છે.

દનુજવનકૃશાનુમ્‌ એટલે કે દૈત્યોરૂપી વનને બાળવા માટે દાવાનળ સમાન. મારા માતુશ્રી દર રવિવારે “શ્રી રામની વાર્તા” કરતા અને આ વાર્તાની શરૂઆત પ્રનવઉઁ પવનકુમાર ખલ બન પાવક જ્ઞાનધનથી કરતા. શ્રીહનુમાનજી અસુરોરૂપી વનને, ખલ બનને, બાળવા માટે દાવાનળ સમાન છે, તેના ઉત્‌કૃષ્ટ ઉદાહરણ અક્ષકુમાર સહિત અનેક રાક્ષસોનો વધ અને લંકાદહન છે. ત્યારબાદ આવે છે, જ્ઞાનિનામગ્રગણ્યમ્‌ એટલે કે જ્ઞાનિઓમાં શિરોમણી. હમણાં જ આપણે જોયું કે પવનકુમાર જ્ઞાનધન છે અને અગાઉ જોયું હતુ કે બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનના ભંડાર પણ છે. શ્રીરામ-લક્ષ્મણનો ભેદ લેવા જાય છે ત્યારે કરેલા ચતુરાઈ પૂર્વકના વાર્તાલાપ, રાવણને ઉપદેશ આપવો વગેરે તેઓનું ઉત્તમ જ્ઞાન દર્શાવે છે.

સકલગુણનિધાનમ્‌ એટલે કે સમસ્ત ગુણોનો ખજાનો કે ભંડાર. શ્રીહનુમાનજી ફક્ત જ્ઞાનિ જ નથી, પરંતુ સર્વગુણ સંપન્ન પણ છે. વિનય-વિવેકથી લઈ મહાપરાક્રમ, મસક સમાન સુક્ષ્મરૂપથી લઈ કનક ભુધરાકાર સરીરા, ગુઢ જ્ઞાનની વાતોથી લઈ વિરહનો સંદેશો પહોંચાડવો અને સારા ટીમ મેમ્બરથી લઈ વન મેન આર્મીની જેમ જાતે તમામ કાર્યો કરવા વગેરે તમામ ગુણોનો ભંડાર છે, શ્રીહનુમાનજી. તેથી જ તેઓને વાનરાણામધિશમ્‌ પણ કહ્યા છે. વાનરાણામધિશમ્‌ એટલે કે વાનરોના રાજા. અહી એક પ્રશ્ન એવો ઉદ્‌ભવે કે વાનરોના રાજા તો શ્રીસુગ્રીવજી હતા? તો શ્રીહનુમાનજીને વાનરોના રાજ કેમ કહ્યા? તેનુ સમાધાન એવું છે કે, રાજનો મુખ્ય ધર્મ પ્રજાની રક્ષા કરવાનો છે. શ્રીહનુમાનજીએ માતા જાનકીજીની શોધ કરી રાખે સકલ કપિન્હ કે પ્રાના બધા વાનરોના જીવ બચાવ્યા હતા. આ ભાવથી વાનરાણામધિશમ્‌ કહ્યા છે.

રઘુપતિપ્રિયભકતં એટલે કે શ્રીરઘુનાથજીના વ્હાલા ભક્ત. શ્રીહનુમાનજીએ ભગવાનના પ્રાણપ્રિય જનકસુતા જાનકીજીની ભાળ મેળવી, તેઓએ આપેલો સંદેશો ભગવાનને સંભળાવ્યો. આમ તેઓ પ્રભુના વ્હાલા ભક્ત બની ગયા અને પ્રભુ શ્રીરામજીએ ત્યાંસુધી કહ્યું કે, તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. અહીં ઘણી જગ્યાએ રઘુપતિપ્રિયભકતંને બદલે રઘુપતિવરદૂતં શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. રઘુપતિવરદૂતંનો અર્થ થાય છે, શ્રીરઘુનાથજીના શ્રેષ્ઠ દૂત. જાનકીજીની શોધ કરવા તો સેંકડો વાનરોને મોકલવામાં આવ્યા હતા, પરંતુ શ્રીહનુમાનજી જ માતાજી સુધી પહોંચી શક્યા અને માતાજીનો સંદેશો ભગવાનને પહોંચાડ્યો. આમ, ભગવાનના શ્રેષ્ઠ દૂત પણ કહી શકાય. તેઓ ભગવાનના દૂત હતા તેનું પ્રમાણ પણ ‘જલનિધિ રઘુપતિ દૂત બિચારી’ અને ‘રામદૂત મૈં માતુ જાનકી’ વગેરે ચોપાઈઓમાં સ્પષ્ટ જણાય છે. વાતજાતમ્‌ એટલે કે વાયુ દેવના પુત્ર અર્થાત પવનતનય. ‘પવનતનય’ વિશે મેં અગાઉ ઘણું લખ્યુ છે, તે વાંચવા શ્રી સુંદરકાંડ | ભાગ – ૪ | પવન તનય બલ પવન સમાના – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-004/, શ્રી સુંદરકાંડ | ભાગ – ૫ | બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ – શ્રીહનુમાનજી – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-005/ અને રામાયણ – શ્રી હનુમાનજીના જન્મની કથાઓ – http://udaybhayani.in/ramayan-hanumanjayanti2020/  વગેરે લેખો વાંચવા વિનંતી છે. અંતે નમામિ કહિ પોતાના મનોરથની સિદ્ધિની કામના સાથે વંદન કરે છે.

પ્રથમ શ્લોકમાં ભગવાન શ્રીરામની વંદના, બીજા શ્લોકમાં અમૂલ્ય વસ્તુઓની માંગણી અને ત્રીજા શ્લોકમાં શ્રીહનુમાનજીની વંદના કર્યા બાદ શ્રીતુલસીદાસજી સુંદરકાંડની પ્રથમ ચોપાઈ લખે છે. આ ચોપાઈ કિષ્કિંધાકાંડની છેલ્લી ચોપાઈઓ સાથે સંદર્ભ જોડતી છે.

જામવંત કે બચન સુહાએ સુનિ હનુમંત હૃદય અતિ ભાએ

જામવંતજીના સુંદર વચનો સાંભળી શ્રીહનુમાનજીના હૃદયને બહુ જ ગમ્યા.

કિષ્કિંધાકાંડના અંતમા આપણે જોયુ કે જામવંતજીએ શ્રીહનુમાનજીને બે પ્રકારની વાતો કહી હતી. એક શ્રીહનુમાનજીના વખાણ કર્યા હતા. જેમ કે, પવન તનય બલ પવન સમાના બુધિ બિબેક બિગ્યાન નિધાના અનેકવન સો કાજ કઠિન જગ માહીં જો નહિં હોઇ તાત તુમ્હ પાહીં . બીજી, જ્યારે શ્રીહનુમાનજીને તેની અપાર શક્તિઓ યાદ આવી જાય છે, પછી શ્રીજામવંતજીને પુછે છે કે એક વડીલ તરીકે તમે મારું માર્ગદર્શન કરો કે, હું હવે શું કરું? મને ઉચિત શિખામણ આપો. ત્યારે જામવંતજી કહે છે, “એતના કરહુ તાત તુમ્હ જાઈ સીતહિ દેખી કહહુ સુધિ આઈ “ હે તાત! આપ બસ એટલું કરો કે લંકા જાવ, ત્યાં જઈ માતા સીતાજીને જોઈને પાછા આવો અને પછી તેના સમાચાર પ્રભુ શ્રીરામને પહોંચાડો. તમને અને મને બધાને પોતાના વખાણ તો પ્રિય હોય જ. માણસનો સ્વભાવ રહ્યોને એટલે આપણે વળી પોતાની પ્રશંસા કરાવવા પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ. જેમાં આજના સમયમાં પ્રસિધ્ધિ મેળવવાથી લઈ, સમાજમાં છાપ સુધારવા સારુ સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ રોકવાનો સમાવેશ થાય છે. સુનિ હનુમંત હૃદય અતિ ભાએ  એવું વાંચતા જ પ્રથમ દ્રષ્ટિએ આપણને લાગે કે, જામવંતજી પાસેથી પોતાની પ્રશંસાના વચનો સાંભળી શ્રીહનુમાનજીને બહુ પસંદ પડ્યા હશે, પરંતુ તેઓ તો રામભક્ત છે. તેઓને પ્રભુ શ્રીરામની પ્રશંસા બહુ પ્રિય છે અને તેઓ પ્રભુભક્તિમાં જ મગ્ન રહે છે. તેથી કહી શકાય કે જામવંતજીના પ્રભુની પ્રશંસા કરતા છેલ્લા વચનો તબ નિજ ભુજ બલ રાજિવનૈના કૌતુક લાગિ સંગ કપિ સેના ॥ કપિ સેન સંગ સઁઘારિ નિસિચર રામુ સીતહિ આનિહૈં । ત્રૈલોક પાવન સુજસુ સુર મુનિ નારદાદિ બખાનિહૈં ॥ આ શબ્દો સાંભળી અત્યાધિક આનંદ થયો હશે, માટે હૃદય અતિ ભાએ એવું લખ્યુ છે. આ સંસારમાં શ્રીરામચરિતમાનસ સાંભળવાના સૌથી વધુ રસિક કોઈ હોય, તો તે શ્રીલંગડેજી મહારાજ છે, ‘યત્ર યત્ર રઘુનાથ કીર્તનં તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ’ અને ‘પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા’ તેના પ્રમાણ છે.

શ્રીહનુમાનજીને લંગડેજી મહારાજ કેમ કહેવામાં આવે છે? તેની કથા જોઇએ તો, લંકામાં યુદ્ધ દરમ્યાન ઇન્દ્રજીત દ્વારા કરવામાં આવેલા શક્તિ પ્રહારથી શ્રીલક્ષ્મણજી મૂર્છિત થઇ ગયા હતા. તે સમયે શ્રીહનુમાનજી સંજીવની જડીબુટ્ટી લાવવા ગયા હતા. ઘણીબધી જડીબુટ્ટીઓ જોઇ તેને ઓળખવામાં ભુલ થવાથી કાર્ય સફળ નહી થાય, તેવા વિચાર સાથે શ્રીહનુમાનજી સંજીવની જડીબુટ્ટી સહિત અન્ય વિવિધ જડીબુટ્ટીના ભંડાર એવું આખુ શિખર જ ઉઠાવી લે છે. ત્યાંથી પરત ફરતી વખતે તેઓ અયોધ્યા ઉપરથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે અયોધ્યાના સૈનિકો ભરતજીને સમાચાર આપે છે કે કોઇ નિશિચર માયાથી સંજીવની જડીબુટ્ટી વાળું આખુ શિખર લઇને જતું હોય તેવું લાગે છે. ભરતજી ફણા વગરનું બાણ મારે છે, ત્યારે શ્રીહનુમાનજી શ્રીરામ-શ્રીરામ કરતા નીચે પડે છે. બાકીની કથા આપણે જાણીએ છીએ, પરંતુ આ સમયે શ્રીહનુમાનજીના ગોઠણમાં આ બાણ લાગે છે. ભરતજીનું આ બાણ વાગવાથી શ્રીહનુમાનજીને ચાલવામાં તકલીફ થાય છે, તેઓ લંગડાય છે, માટે શ્રીહનુમાનજીને ભક્તો પ્રેમથી-વ્હાલથી લંગડેજી મહારાજ તરીકે પણ સંબોધે છે. આ કારણે જ શ્રીહનુમાનજીના ગોઠણ ઉપર તેલ લગાવવાનું/ચડાવવાનું મહત્વ પણ છે. એ વાત અલગ છે કે લોકો સમજ્યા વગર શ્રીહનુમાનજીના માથા ઉપર તેલ ચડાવ્યે જાય છે.       

જામવંતજીની છેલ્લી વાત એટલે કે ભગવાનની પ્રશંસા, તેઓને વધુ ગમી હશે. તેનું એક કારણ એવું પણ કહી શકાય કે, આપણને જે વાત વધુ ગમે તે વાત આપણે આગળ બીજાને પણ કહેતા હોઈએ છીએ. અત્યારે લોકો જોયા કે વાંચ્યા વગર વોટ્‌સએપ યુનિવર્સિટીનું જ્ઞાન બધાને બેફામ રીતે ફોરવર્ડ કરે છે, તે અલગ વાત છે. પરંતુ જે બાબત તમે ધ્યાનથી વાચી હશે અને દિલથી ગમી ગઈ હશે, તે તમે ચોક્ક્સ બીજાની સાથે શેર કરતા હશો. આવી જ રીતે જામવંતજીની તબ નિજ ભુજ બલ રાજિવનૈના કૌતુક લાગિ સંગ કપિ સેના ॥ વાત શ્રીહનુમાનજીને બહુ પ્રિય લાગી હશે, માટે જ તેઓ માતા જાનકીજીને મળે છે, ત્યારે આ વાત કર્યાનો માનસમાં ઉલ્લેખ છે. “કપિન્હ સહિત ઐહૈં રઘુબીરા અને નિસિચર મારિ તોહિ લૈ જૈહૈં, તિહુઁ પુર નારદાદિ જસ ગૈહૈં

હું પણ આશા રાખુ છુ કે, આ સુંદર પાવન કથા આપ સહુને ખૂબ જ પસંદ આવતી હશે. જો ખરેખર પસંદ આવતી હોય તો વાચીને બંધ ન કરી દેતા, ચોક્કસ આગળ મોકલજો. આ સુંદરકાંડની કથાનો લાભ વધુને વધુ લોકો લઈ શકે, તેથી આપને બધાને આ નમ્ર અપીલ કરુ છું. વધુમાં, આપને સહુને મારા વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવા વિનંતી કરુ છું, જેથી આગળની કથાની લિંક નિયમિતરૂપે સમયસર મળતી રહે. આ લેખના સંદર્ભે જ વધુ વિગતો સહ હવે પછીના લેખમાં આગળ વધીશુ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *