Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૪ | સંત સ્પર્શથી વિરક્તિ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૪ | સંત સ્પર્શથી વિરક્તિ । Sundarkand | सुंदरकांड

4
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૪ | સંત સ્પર્શથી વિરક્તિ । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૪ | સંત સ્પર્શથી વિરક્તિ । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ લેખમાળાનો નવો મણકો દર મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ મંગળવારે દેશના વરિષ્ઠ નાગરિકો એવા પેન્શનરશ્રીઓને ઇઝ ઓફ લિવિંગ વધે, ઘરની બહાર નીકળ્યા વગર પોતાની હયાતીની ખરાઇ સરળતાથી કરાવી શકે તથા તેઓની પેન્શનરૂપી આવક સતત ચાલુ રહી શકે તે માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ “ચહેરાની ઓળખ આધારિત હયાતીની ખરાઇ | Digital Life Certificate through Face Recognition” (http://udaybhayani.in/digital_life_certificate_through_face_recognition_by_uday/) વિશે લેખ પ્રસિદ્ધ કર્યો હતો. આ વખતે શ્રી સુંદરકાંડનો નવો મણકો શનિવારના રોજ પ્રસિદ્ધ કરી રહ્યો છું. શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૩૩માં (લંકાની સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રી સશક્તિકરણ –  http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-033/) લંકિની શ્રીહનુમાનજીને લંકામાં પ્રવેશતા રોકે છે, તે સમયના વાર્તાલાપની શરૂઆત અને લંકાની સઘન સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રીઓના મહત્વ વિશે સુંદર વાતો જોઇ હતી. આગળની કથાથી શરુ થયેલી નીચેની ચોપાઈઓથી જ આજની સુંદર કથાની શરૂઆત કરીએ…

મુઠિકા એક મહા કપિ હની રુધિર બમત ધરનીં ઢનમની

મુઠિકા એક મહા કપિ હની અર્થાત મહાકપિ શ્રીહનુમાનજીએ તેણીને એક મુક્કો માર્યો. આટલું વાંચતા તુરંત જ પ્રશ્નો થાય કે, શ્રીહનુમાનજી મચ્છર જેટલું નાનું રૂપ ધારણ કરીને જઈ રહ્યા હતા, તો પછી મહાકપિ સંબોધન કેમ કરવામાં આવ્યું હશે? આટલા નાના સ્વરૂપથી મુક્કો કઈ રીતે માર્યો હશે? વગેરે. મારું માનવું છે કે, જ્યારે લંકિનીએ શ્રીહનુમાનજીને રોક્યા ત્યારે તેઓએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હશે. આવું માનવાને સમર્થન પણ મળે છે. જેમ કે, તેઓએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હશે, કે જેથી ડરીને તેણી લંકામાં પ્રવેશ કરવા દે. બીજું, આગળ લંકિનીનો પ્રસંગ પતે છે પછી એવી ચોપાઈ આવે છે કે, ‘અતિ લઘુ રૂપ ધરેઉ હનુમાના, પૈઠા નગર સુમિરિ ભગવાના’. જો મચ્છર જેટલા નાના જ હોત, તો ફરી ‘અતિ લઘુ રૂપ ધરેઉ’ અર્થાત ફરી નાનું સ્વરૂપ ધારણ કર્યું, તેવું લખવાની આવશ્યકતા જ ન રહેત. આમ, લંકિનીને મળીને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હશે, માટે મહાકપિ એવું સંબોધન કરવામાં આવ્યું છે.

શ્રીહનુમાનજીએ વિરાટ રૂપ ધારણ કરીને તેણીને એક મુક્કો માર્યો અને મુક્કાનો પ્રહાર થતાં જ, ‘રુધિર બમત ધરનીં ઢનમની’ અર્થાત લોહીની ઊલટી કરતી પૃથ્વી ઉપર ઢળી પડી. શ્રીહનુમાનજી સંત છે, પ્રભુભક્ત છે, તેઓ એક સ્ત્રી ઉપર હાથ ઉપાડે? પરંતુ અહીં હાથ ઉપાડવા પાછળ બે તર્ક છે. પહેલો, લંકિની રામકાર્યમાં રૂકાવટ કરી રહી હતી. આપણને આગળ જતા સમજાશે કે અજાણ્યે રૂકાવટ બની હતી. શ્રીહનુમાનજીને તો આ ખબર જ હતી, માટે ફક્ત મુક્કો માર્યો, સિંહિકાની જેમ મારી ન નાખી. બીજો, શ્રીહનુમાનજીએ કહ્યુ કે, જો ચોર જ તારો આહાર હોય, તો સૌથી મોટો ચોર તો તારો સ્વામી રાવણ લંકામાં જ છે. મારી માતા જાનકીજીને હરી લાવનાર મહાચોરને કેમ હજુસુધી તારો આહાર નથી બનાવ્યો? તેને કેમ ભક્ષી ગઈ નથી? એક બાજુ ચોરને પ્રોત્સાહન આપે છે, તેની રક્ષા કરે છે, છાવરે છે અને ભક્તિને પ્રાપ્ત કરવા નિકળેલાને ચોર કહે છે? આમ, શ્રીહનુમાનજીએ ક્રોધ કરીને એક મુક્કો માર્યો હશે.

લંકિની સિવાય શ્રીહનુમાનજીએ જ્યાં-જ્યાં મુક્કો માયો છે, ત્યાં-ત્યાં કાં તો સામેવાળાના સિંહિકાની જેમ રામ રમી ગયા છે, અથવા તો રાવણ-મેઘનાદની જેમ મૂર્છિત થઈ ગયા છે. અહીં લંકિની નથી મરી કે નથી મૂર્છિત થઈ, ફક્ત વ્યાકુળ થઈ ગઈ છે. આ બાબતે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં થોડું વધુ વર્ણન કરવામાં આવેલું છે. શ્રીહનુમાનજીએ પોતાના ડાબા હાથની આંગળીઓની મુઠ્ઠી વાળી અને મુક્કાનો પ્રહાર કર્યો હતો. આપણે ઘણી વાર કહીએ છીએ ને કે, એક ડાબા હાથની પડશે ને… લંકિની સિવાયના અન્ય યોદ્ધાઓ ઉપર શ્રીહનુમાનજી જમણા હાથથી વધુ જોરથી પ્રહાર કરતા હશે, જેથી તેઓ પરમ ધામ પ્રાપ્ત કરતા હશે અથવા તો મૂર્છિત થઈ જતા હશે. આમ, ડાબા હાથે સામાન્ય ગુસ્સાથી મુક્કો માર્યો હોય, તેનો પ્રહાર બહું તીવ્ર ન હતો, માટે તેણી ફક્ત વ્યાકુળ જ થઈ ગઈ. આગળ સુંદરકાંડમાં જ એવું લખ્યું છે કે બ્રહ્માજીએ કહ્યુ હતુ, ‘બિકલ હોસિ તૈં કપિકે મારે’ એટલે કે વાનરના મારવાથી તું જ્યારે વિહવળ થઈ જઈશ, ત્યારે રાક્ષસોનો અંત આવ્યો સમજ જે. આમ, બ્રહ્માજીએ વ્યાકુળ થઈ જઈશ તેવું જ કહ્યુ હોય, બ્રહ્મવાક્યને મિથ્યા થોડું થવા દેવાય? માટે શ્રીહનુમાનજીએ ડાબા હાથે હળવેકથી મુક્કાનો પ્રહાર કર્યો હશે.

જેવો શ્રીહનુમાનજીનો મુક્કો પડ્યો કે, ‘રુધિર બમત’ તેણીના મુખમાંથી રક્ત વહેવા લાગ્યું. આવું કેમ બન્યુ હશે? કોઇ સંતે બહુ સુંદર સમાધાન આપ્યુ છે. તેના મુખમાંથી રક્ત વહી ગયું, એટલે કે તેણી વિરક્ત થઈ ગઈ. સાચા સંતનો સ્પર્શ થતા જ વ્યક્તિ વિકારોથી રહિત વિરક્ત થઈ જાય. વિરક્ત થાય એટલે તરત જ વ્યક્તિને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે. જે કામી હોય, દુષ્ટ હોય, અધમાધમ હોય, તે પણ સંતનો સ્પર્શ થવાથી પ્રભુ ચરણોનો અનુરાગી બની જાય છે. કોઇ જગ્યાએ મેં વાચ્યુ હતુ કે, “પારસ કેરા ગુણ કિસા, પલટા નહીં લોહા કૈ તો નિજ પારસ નહીં, કૈ બિચ રહા બિછોહા સંત પારસમણી જેવા હોય છે, જે લોઢાને પણ સોનું બનાવી દે. પરંતુ મારું માનવું થોડું અલગ છે. સાચા સંત પારસમણીથી પણ વિશેષ હોય છે. “પારસમેં અરુ સંત મેં બહુત અંતરૌ જાન, વહ લોહા કંચન કરૈ, વહ કરૈ આપુ સમાન તેઓ ફક્ત લોઢાને સોનું જ નથી બનાવતા, પરંતુ પારસમણી બનાવી દે છે. સાચા સંતનો સ્પર્શ ભક્તને પણ સંત બનાવે છે. સાચા સંતનો સ્પર્શ થતા જ પારસમણી બની જવાય છે. હે પરમ પૂજ્ય સદ્‌ગુરુ દેવ શ્રીવિશ્વંભરદાસજી મહારાજ! આપની કૃપાથી જ હું પ્રભુશરણનો અનુરાગી બન્યો છું. આપની અસીમ કૃપા વિના મારો ઉદ્ધાર નથી. આપ જ મારું સર્વસ્વ છો. આપ જ મારો એકમાત્ર આધાર છો, ત્વમેવાશ્રય. મને પુરી ખાતરી છે કે, ‘બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા’. જેવી લંકિની વિરક્ત થઈ, તુરંત જ –

પુનિ સંભારિ ઉઠી સો લંકા જોરિ પાનિ કર બિનય સસંકા

લંકિની સંભાળીને પાછી ઉભી થઈ અને ભયને લીધે હાથ જોડીને વિનંતી કરવા લાગી.

પુનિ સંભારિ ઉઠી અર્થાત સંભાળીને પાછી ઉભી થઈ. શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણ અનુસાર પહેલા શ્રીહનુમાનજીને જોઇને “સ્વયમેવોત્થિતા તત્ર વિકૃતાનનદર્શના” એટલે કે તેણી સ્વયં ઉભી થઈ હતી. ત્યારબાદ શ્રીહનુમાનજીનો મુક્કો ખાઇને ધરતી ઉપર ઢળી પડી હતી. હવે ફરીથી તેણી સંભાળીને ઉભી થઈ, એક વખત લલકારવા અને બીજી વખત વિનય કરવા ઉભી થઈ. સંભારિ’ એટલે કે સંભાળીને. શ્રીહનુમાનજીના મુક્કાથી વ્યાકુળ થઈ ગઈ હતી ને! શ્રીહનુમાનજીનો મુક્કો પડે તો સારા-સારાના મગજના કેમીકલ હલબલી જાય, માટે તેણી સંભાળીને ઉઠી. સાચા સંતનો સ્પર્શ થતા તેણી સંભલ(સમજી) ગઈ. બાબાજીએ ત્યારબાદ ‘સો લંકા’ એવું લખ્યું છે. શ્રીતુલસીદાસજીએ પહેલા લંકિની માટે રાક્ષસી તરીકે સંબોધન કર્યું હતું. જ્યારે શ્રીહનુમાનજી સાથેના વાર્તાલાપઅહં હિ નગરી લંકા સ્વયમેવથી સ્પષ્ટ થઈ ગયું કે તેણી સવયં લંકા નગરી છે, ત્યારબાદ ગોસ્વામીજી અહીં લંકા તરીકે સંબોધે છે.

લંકિની સંભાળીને ઉભી થઈ પછી શું કર્યું? જોરિ પાનિ કર બિનય સસંકા’ અર્થાત તેણીએ ભયથી ડરતા-ડરતા બે હાથ જોડીને વિનંતી કરી. અહીં શ્રીતુલસીદાસજીએ ઘણી જ સરસ વાત કરી છે. આ ચોપાઈને થોડા અલગ દ્રષ્ટિકોણથી સમજી શકાય તેમ છે. પહેલા તો લંકિની કેમ ડરતા-ડરતા કે ગભરાઈને વિનંતી કરે છે? તો અગાઉ તેણીએ શ્રીહનુમાનજીને બે કટુવચનો કહ્યા હતા; ચોર અને મૂર્ખ. ચોર માટે શ્રીહનુમાનજીએ એક જ મુક્કો માર્યો કે ચોરને જ ખાતી હોય તો જા, પહેલા રાવણને ખાઈ જા. સૌથી મોટો ચોર તો એ જ છે. આ એક જ મુક્કામાં તેણીની હાલત ખરાબ થઈ ગઈ, લોહિલુહાણ થઇ ગઇ. હજુ શ્રીહનુમાનજી મહાકપિ સ્વરૂપે જ હતા, તો મૂર્ખ કહ્યા માટે અલગથી સજા મળશે તો? બીજો પડશે તો રામ જ રમી જશે. એવી શંકાને લીધે તેણી ગભરાટ સાથે હાથ જોડીને વિનંતી કરે છે.

બીજું, અહીં લંકિનીને મન, વચન અને કર્મ ત્રણેયથી નમ્ર બની ગઈ તેવું દર્શાવવામાં આવ્યું છે. સસંકા એટલે કે મનથી, કર બિનય એટલે કે વચનથી અને જોરિ પાનિ એટલે કે કર્મથી. હાથ જોડીને વિનય કરવો તેને અપરાધની ત્વરિત ક્ષમા અપાવનાર મુદ્રા કહેવામાં આવે છે. કોઇને પણ હાથ જોડીને વંદન કરીએ તો કેટલું સારું લાગે? આપણી કોઇ ભુલ થઇ હોય અને સામેવાળાની હાથ જોડીને માફી માંગીએ તો સામેવાળી વ્યક્તિ તુરંત પીગળી જાય અને ક્ષમા આપે. જીવનમાં દરેક વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે. ક્ષમા વિરસ્ય ભુષણમ્‌ ક્ષમા આપવીએ એ વિર પુરુષનું આભુષણ છે, એવું આપણે કહીએ છીએ ને! પરંતુ  પોતાની ભુલ સ્વીકારીને ક્ષમા માંગવીએ પણ આજકાલ એક મોટી વાત જ છે. આજની કથાને અહીં વિરામ આપીએ…

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

4 COMMENTS

  1. I install “jeevanpramaanfacerecognizetion app”.But noy responded due to technical error.As per I think it is app technical error.I hope you will try to resolve the error through”National Informatics Centre”Gandhinagar.

  2. I also conversation with “NIC”Gandhinagar regarding jeevan pramaan face recognization app”not supporting.Letter dated 11/12/2021,which will be RPAD as on 13/11/2021.
    In your mobile this app suporting or not ,pl.reply

Leave a Reply to Uday Bhayani Cancel reply

Please enter your comment!
Please enter your name here