Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૫ | પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૫ | પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા । Sundarkand | सुंदरकांड

2
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૫ | પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૫ | પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

આજનો લેખ ડોલીબેનને તેના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પરમ પૂજ્ય સદ્‌ગુરુ શ્રી વિશ્વંભરદાસજી મહારાજની તેઓ ઉપર સદાય અસીમ કૃપા રહે તેવા ભાવ સાથે સમર્પિત…

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળનો ભાગ – ૩૪, સંત સ્પર્શથી વિરક્તિ – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-034/ માં શ્રીહનુમાનજી મચ્છર જેટલું નાનું રૂપ ધારણ કરીને જઈ રહ્યા હતા, તો પછી મહાકપિ સંબોધન કેમ કરવામાં આવ્યું હશે? સાચા સંત પારસમણીથી પણ વિશેષ હોય છે અને શ્રીહનુમાનજીએ વિરાટ રૂપ ધારણ કરીને તેણીને એક મુક્કો માર્યો અને મુક્કાનો પ્રહાર થતાં જ લંકિની લોહીની ઊલટી કરતી પૃથ્વી ઉપર ઢળી પડી. ત્યારબાદ તેણી સંભાળીને પાછી ઉભી થઈ અને ભયને લીધે હાથ જોડીને વિનંતી કરવા લાગી, વગેરે કથા જોઈ હતી. હવે નીચેની ચોપાઈઓથી આજની સુંદર કથાની શરૂઆત કરીએ…

જબ રાવનહિ બ્રહ્મ બર દીન્હા ચલત બિરંચિ કહા મોહિ ચીન્હા

લંકિનીએ કહ્યું કે જ્યારે બ્રહ્માજીએ રાવણને વરદાન આપ્યું હતું, ત્યારે જતી વખતે તેઓએ મને રાક્ષસોના વિનાશની નિશાની આપી હતી.

જબ રાવનહિ બ્રહ્મ બર દીન્હા’ અર્થાત જ્યારે બ્રહ્માજીએ રાવણને વરદાન આપ્યું. તો બ્રહ્માજીએ રાવણને શું વરદાન આપ્યું હતું?  અગ્નિપુરાણમાં એવો ઉલ્લેખ છે કે જ્યારે રાવણે ઘોર તપ કર્યું અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા, ત્યારે બ્રહ્માજીએ તેને એવું વરદાન આપ્યું હતુ કે તું દિવ્ય લંકાનગરીમાં પાંચ કરોડ વર્ષ સુધી રાજ કરીશ. આ સમયે લંકાનગરી ત્યાં ઉપસ્થિત હતી. બ્રહ્માજીએ રાવણને આવું વરદાન આપ્યું એટલે લંકાનગરી ચિંતિત થઇ ગઇ. તેને દુ:ખ થયું કે આ દુષ્ટ, દુરાચારી મારા ઉપર રાજ કરશે અને મને ખૂબ જ દુ:ખી કરશે. તેણીએ બ્રહ્માજીને પુછ્યું કે, હે બ્રહ્માજી! મારા ઉપર ધર્મનું રાજ્ય ક્યારે સ્થપાશે? ત્યારે જતાં-જતાં ‘ચલત બિરંચિ કહા મોહિ ચીન્હા’ એટલે કે બ્રહ્માજીએ તેને નિશાની આપી હતી કે ક્યારે ધર્મનું રાજ સ્થપાશે.

બ્રહ્માજીએ શું નિશાની આપી હતી, તે જોતા પહેલા ગોસ્વામીજીની એક-એક શબ્દની પસંદગીની અદ્‌ભુત વાત જોઇએ. પહેલા તેઓએ ‘જબ રાવનહિ બ્રહ્મ બર દીન્હા’માં બ્રહ્મ શબ્દનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ ‘ચલત બિરંચિ કહા મોહિ ચીન્હા’માં બિરંચિ શબ્દનો ઉપયોગ કર્યો છે. અહીં પ્રથમ દ્રષ્ટિએ બ્રહ્માજીને જે ફરીથી સંબોધન કર્યું હોય તેવું લાગે, પરંતુ અહીં બ્રહ્માજીને સંબોધનનું રીપીટેશન નથી. ગોસ્વામીજીએ બહું ચતુરાઈપૂર્વક આ સંબોધનો વાપર્યા છે. બ્રહ્મા એટલે પ્રજાની વૃદ્ધિ કરવાવાળા અને બિરંચિનો એક અર્થ વિરુદ્ધ રચના કરવાવાળા એવો પણ થાય છે. અહીં પહેલા વરદાન આપ્યું, જેનાથી રાવણની શક્તિ, આયુષ્ય, ઐશ્વર્ય વગેરેની વૃદ્ધિ દર્શાવી છે, જ્યારે બિરંચિથી તેનાથી વિરુદ્ધની રચના પણ ત્યાં જ જણાવી દીધી છે. નામ તેનો નાશ નિશ્ચિત જ હોય છે, તે અહીં દર્શાવવામાં આવ્યું છે. હવે જાણીએ કે બ્રહ્માજીએ લંકાનગરીને શું નિશાની આપી હતી?

બિકલ હોસિ તૈં કપિ કે મારે તબ જાનેસુ નિસિચર સંઘારે

તાત મોર અતિ પુન્ય બહૂતા દેખેઉઁ નયન રામ કર દૂતા

જ્યારે તું વાનરના મારવાથી વ્યાકુળ થઇ જઇશ, ત્યારે તું રાક્ષસોનો સંહાર થયો અને લંકાનગરી ઉપર ધર્મનું રાજ્ય સ્થપાશે તેવું જાણી લેજે. લંકિની કહે છે, હે તાત! મારા અત્યંત મોટા પુણ્યનો ઉદય થયો છે કે જેથી હું આપને રામદૂતને મારા નેત્રોથી જોવા પામી.

બ્રહ્માજીએ લંકિનીને નિશાની આપી હતી કે, જ્યારે એક વાનરના મારવાથી તું વ્યાકુળ થઇ જઇશ, ત્યારે રાક્ષસોનો અંત નજીક આવ્યો સમજી લેજે. અગાઉ લંકાકાંડની નર કપિ ભાલુ અહાર હમારા ચોપાઈ વિશે જોઇ ગયા છીએ. જેમાં રાવણના મંત્રીઓ કહે છે કે મનુષ્ય, રીંછ અને વાનરો તો અમારો આહાર છે. જે પોતાનો આહાર હોય, તેના કરતા તેનો ભક્ષક સ્વાભાવિક રીતે જ તેનાથી બળવાન હોય. આવા આહાર સમાન વાનરથી જ્યારે તેણી વ્યાકુળ થશે, તેવું બ્રહ્માજીએ કહ્યુ. આવી કોઇ અજૂગતી ઘટના ઘટે, તો તુરંત જ યાદ આવે કે, આ નિશાની આપવામાં આવેલી હતી. આમ, બ્રહ્માજીએ તેણીને કહ્યુ હતુ કે આવી અજૂગતી ઘટના બાદ રાક્ષસોનો સંહાર થશે, લંકાનગરી ઉપર ફરી ઘર્મનું રાજ્ય સ્થપાશે અને તને થતી મુશ્કેલીઓમાંથી તારો છુટકારો થશે. અધ્યાત્મ રામાયણમાં પણ લખ્યુ છે કે, બ્રહ્માજીએ કહ્યુ હતું કે, અઠ્યાવીસમાં ચતુર્યુગના ત્રેતાયુગમાં ભગવાન પોતે રાજા દશરથના પુત્ર શ્રીરામ તરીકે જન્મ લેશે, ત્યારે રાક્ષસોનો અંત થશે. 

તાત વ્હાલ સાથે આદરનો ભાવ દર્શાવવા તાત શબ્દનો ઉપયોગ થાય છે. શ્રીહનુમાનજીને રામદૂત જાણીને લંકિનીને તેઓ પ્રત્યે લાગણી સહનો આદરભાવ જાગ્યો. માટે તાતથી સંબોધ્યા છે. ગઇકાલે એક આશ્રમ ભક્તનો મેસેજ આવ્યો કે રામધુનમાં આશ્રમે ગયા હતા અને ગુરુદેવના સાનિંધ્યમાં આપને યાદ કર્યા હતા. જ્યારે આવું સાંભળીએ તો ખરેખર અદ્‌ભુત અનુભૂતિ થાય. આંખ મારી ઉઘડે ત્યાં સિતારામ દેખું ભજનમાં એક કડી છે, રામના ભક્તો મારે સગાંને સંબંધી, છુટી ગ્રંથી તુટી મારી માયાની બંધી. પ્રભુભક્તને જોઇને સ્વાભાવિક જ હૃદયમાં આનંદ ઉમટે. ત્યારબાદ ગોસ્વામીજીએ લખ્યું છે, ‘મોર અતિ પુન્ય બહૂતા’ એટલે કે મારા પુણ્યનો ઉદય થયો છે. લંકિનીએ એવું કેમ કહ્યું કે, મારા પુણ્યનો ઉદય થયો છે. તો પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા પુણ્યનો ઉદય થયા વગર સંતના દર્શન થઇ શકતા નથી અને બીજુ સંતદર્શન થાય એટલે પુણ્યનો ઉદય ચોક્કસ થઇ જતો હોય છે.

હે પ્રભુ શ્રીરામ! હે કરુણાના સાગર! હે દિનબંધુ! મારા આ જન્મમાં મને એક સાચા સંત સદ્‌ગુરુ શ્રીવિશ્વંભરદાસજી મહારાજનું શરણ મળ્યું, તે આપની જ અસીમ કૃપા છે. હે ગુરુદેવ! આપ જ મારા એકમાત્ર આશ્રય છો, આપ જ સર્વસ્વ છો, આપના સિવાય હું બીજા કોઇને જાણતો નથી. આ બાળકને આપનો જ આધાર છે. તમે જ માતા છો, તમે જ પિતા છો, તમે જ ગુરુ છો અને તમે જ સ્વામી પણ છો. હું અન્ય કોઇને જાણતો નથી, આપ જ પરબ્રહ્મ પરમાત્મા છો. આ આત્મા આપનો જ અંશ છે, તે હંમેશા ઉર્ધ્વ ગતિ કરે અને આપને જ પામે, તેવી કૃપા કરો. લોકા: સમસ્તા: સુખીનો ભવન્તુ.

દેખેઉઁ નયન રામ કર દૂતા’ શ્રીહનુમાનજી રામદૂત છે, તેવું તેણી તુરંત જ કેમ જાણી ગઈ? શ્રીમદ્‌ વાલ્મીકીય રામાયણ અને માનસમાં આ બાબતે ઉલ્લેખ નથી, પરંતુ અધ્યાત્મ રામાયણમાં લખ્યું છે કે બ્રહ્માજીએ ખૂબ જ ટૂંકમાં લંકિનીને આખી રામાયણ કહી હતી. આ રામાયણની કથાના વર્ણનના પરિણામે તેણી તુરંત જ ઓળખી ગઇ કે આ રામદૂત શ્રીહનુમાનજી જ છે. વળી, તેણી કહે છે કે મારા નેત્રોથી આપને નિહાળવાનું સૌભાગ્ય પ્રપ્ત થયું. મોટા-મોટા મુનિઓને પણ ભગવાનના ધ્યાનમાં જ દર્શન થાય છે, જ્યારે લંકિની ભાગ્યશાળી હતી કે રામદૂત શ્રીહનુમાનજીને પોતાના ચર્મચક્ષુથી નિહાળી રહી હતી.

દોહા-૪

તાત સ્વર્ગ અપબર્ગ સુખ ધરિએ તુલા એક અંગ તૂલ ન તાહિ સકલ મિલિ જો સુખ લવ સતસંગ

હે તાત! સ્વર્ગ અને મોક્ષના સઘળા સુખોને ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે, તો પણ તે સર્વે મળીને બીજા પલ્લામાં રાખવામાં આવેલા ક્ષણમાત્રના સત્‌સંગથી મળતા સુખોની બરાબર થઇ શકતા નથી.

સાંસારિક સુખોથી ચડિયાતું સ્વર્ગનું સુખ ગણવામાં આવે છે અને સ્વર્ગના સુખથી ચડિયાતું મોક્ષનું સુખ ગણવામાં આવે છે. અહીં આ બન્ને પ્રકારના સુખોથી પણ સત્‌સંગના સુખને સર્વોપરી દર્શાવવામાં આવ્યું છે. આપણે સ્વર્ગ, મોક્ષ અને સત્‌સંગની વાત કરીએ તે પહેલા આપણા શાસ્ત્રો, પુરાણો, ધર્મગ્રંથો વગેરેના અન્ય ભાષાઓમાં ભાષાંતર બાબતે થોડી વાત કરવી છે. અંગ્રેજી આખા વિશ્વમાં સૌથી વધુ બોલાતી અને વપરાતી વૈશ્વિક ભાષા છે. તે મુજબ તેનું મહત્વ હોવું જોઇએ, છે અને તેનો વિરોધ જ કદાચ દંભ ગણી શકાય. આપણી સંસ્કૃતિને વિશ્વના તમામ દેશો જાણે અને સમજે તે માટે તેનું વૈશ્વિક ભાષા અંગ્રેજીમાં ભાષાંતર થવું પણ જોઇએ. આપણે એ પણ જાણીએ છીએ કે જે સાહિત્ય કે લખાણ મૂળભુત રીતે જે ભાષામાં લખાયેલ હોય, તે ભાષામાં જ વાંચવામાં આવે તો તેનો સાચો ભાવ અને ભાવાર્થ સમજી શકાય. વિલિયમ શેક્સપિયરને વાંચવા અને સમજવા હોય તો અંગ્રેજીમાં જ સારી રીતે સમજી શકાય અને વેદોને જાણવા હોય તો સંસ્કૃતમાં જ વાંચવા પડે. ભારતના શાસ્ત્રો અને સાહિત્યના અમૂક શબ્દો એવા છે, જેનું ભાષાંતર કરતા, યોગ્ય ભાવ જળવાતો નથી. જેમ કે, માયા એટલે ફક્ત illusion નથી, શક્તિ એટલે ફક્ત energy નથી અને પુજા એટલે ફક્ત ritual નથી. આપણા સંસ્કૃત વગેરેના મૂળભુત શબ્દોને અંગ્રેજીના કોઇ એકાદ શબ્દ જોડે જોડી દેવાની અથવા મૂળ અંગ્રેજી કે અન્ય ભાષા બોલતા લોકો સંસ્કૃત શબ્દોનું યોગ્ય ઉચ્ચારણ ન કરી શકે એટલે તેઓના ઉચ્ચારણ મુજબ આપણા શબ્દોનો અપભ્રંશ કરવાની જાણે ફેશન થઈ ગઈ છે. આપણે સમજીએ છીએ કે Psychologyને પ્સાયકોલોજી ન વંચાય, આપણે સાયકોલોજી જ વાંચીએ છીએ. પરંતુ આપણે યોગનું યોગા (Yoga) કરી દીધુ, રામાયણનું રામાયણા (Ramayana) કરી દીધુ, મહાભારતનું મહાભારતા (Mahabharata) કરી દીધું, અષાઢનું અષાઢા (Ashadha) કરી દીધુ વગેરે. આવા તો અસંખ્ય ઉદાહરણો છે. અહીં મૂળ ઉચ્ચારણો જ અને સંસ્કૃતના મૂળ શબ્દો અન્ય ભાષામાં ભાષાંતર વખતે જેમના તેમ જ ઉપયોગમાં લેવામાં આવે તે હિતાવહ છે.

આપણા આ દોહામાં લખેલ શબ્દ સ્વર્ગની જ વાત કરીએ, તો શું સ્વર્ગ એટલે  આપણે અંગ્રેજીમાં જેને હેવન(Heaven) કહિએ છીએ તે જ? આ બાબતે આવતા અંકમાં વાત કરીશું. આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here