Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૬ | સત્‌સંગનું મહત્વ – ૧ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૬ | સત્‌સંગનું મહત્વ – ૧ । Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૬ | સત્‌સંગનું મહત્વ – ૧ । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૬ | સત્‌સંગનું મહત્વ – ૧ । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૩૫, પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-035/)માં જ્યારે બ્રહ્માજીએ રાવણને વરદાન આપ્યું હતું, ત્યારે જતી વખતે લંકિનીને પણ રાક્ષસોના વિનાશની નિશાની આપી હતી તેની કથા, પુણ્યનો ઉદય થયા વગર સંતના દર્શન થઇ શકતા નથી અથવા તો સંતદર્શન થવાથી પુણ્યનો ઉદય થઇ જતો હોય છે તેની કથા, સાંસારિક સુખોથી ચડિયાતું સ્વર્ગનું સુખ, સ્વર્ગના સુખથી ચડિયાતું મોક્ષનું સુખ અને આ બન્ને પ્રકારના સુખોથી પણ સત્‌સંગના સુખને સર્વોપરી દર્શાવવામાં આવ્યું છે, તેની કથા જોઇ હતી. છેલ્લે આપણા શાસ્ત્રો અને સાહિત્યના અન્ય ભાષાઓમાં ભાષાંતર વખતે થઈ રહેલી ભુલો બાબતે થોડી વિગતો જોઈ હતી. આ સંદર્ભમાં સ્વર્ગનું અંગ્રેજીમાં ભાષાંતર હેવન (Heaven) કરીએ છીએ. તો શું સ્વર્ગ એટલે હેવન (Heaven) જ? ત્યાંથી આજની કથાની સુંદર શરૂઆત કરીએ.

આપણા શાસ્ત્રો મુજબ જીવના સારા કર્મો માટે તેને સ્વર્ગનું સુખ મળે છે. આ સ્વર્ગમાં જીવનો વાસ તેના પુણ્ય કર્મો પુરતો મર્યાદિત હોય છે. પુણ્ય કર્મો પુરા થયે, ખરાબ કર્મો માટે નર્કમાં જવું પડે છે અથવા તો મૃત્યુલોકમાં અન્ય યોનિઓમાં જન્મ પણ લેવો પડી શકે, તેવું માનવામાં આવે છે. ટૂંકમાં, હિન્દુ શાસ્ત્રો મુજબ સ્વર્ગ સ્થાયી વ્યવસ્થા નથી કે જીવ ત્યાં ગયો એટલે કાયમી ત્યાં જ રહેશે, જ્યારે ખ્રિસ્તી ધર્મ મુજબ જીવને હેવન(Heaven)માં સ્થાન મળે એટલે એ કાયમી ત્યાં જ રહે છે. સ્વર્ગમાં દેવતાઓ રહે છે અને ઇન્દ્ર તેના રાજા છે, જ્યારે હેવન(Heaven)માં ભગવાન(God) સ્વર્ગીય વસ્તુઓ સાથે રહે છે, ત્યાં રાજ કરે છે અને ત્યાંથી જ ન્યાય કરે છે. હેવન(Heaven)માં મૃત્યુ બાદ જ જઈ શકાય છે, જ્યારે સ્વર્ગમાં ત્રિશંકુ, અર્જુન વગેરે સદેહે ગયાના ઉદાહરણો પણ આપણે જાણીએ જ છીએ. સ્વર્ગમાંથી પુનર્જન્મ થાય છે, જ્યારે હેવન(Heaven)માંથી પુનર્જન્મ થતો નથી. સ્વર્ગ અને હેવન(Heaven) બન્નેના પોત-પોતાના સંદર્ભ ગ્રંથો મુજબ તેઓના ખ્યાલમાં ઘણો તફાવત છે. આમ, સ્વર્ગ એટલે હેવન(Heaven) ભાષાંતર કરવું યોગ્ય નથી, પરંતુ અંગ્રેજીમાં પણ સ્વર્ગ(Swarg) શબ્દ જ ઉપયોગમાં લેવામાં આવે તે ઉચિત છે. સ્વર્ગમાં ઘણા સુખો મળે છે, પરંતુ તેમાં પણ શાંતિ નથી, ત્યાં પણ “ઉઁચ નિવાસ નીચ કરતૂતી દેખિ ન સકહિં પરાઇ બિભૂતી એટલે કે ઇર્ષ્યા તો ત્યાં પણ છે જ.

ત્યારબાદ આવે છે, મોક્ષ. જેને પરમધામ ગણવામાં આવે છે. જ્યાં જીવ પ્રભુના ધામ – સાકેત ધામમાં સ્થાન પામે છે અને જીવને ભવોભવના ફેરામાંથી મુક્તિ મળી જાય છે. જીવની આ કક્ષાને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષને સ્વર્ગના સુખોથી ચડિયાતો ગણવામાં આવે છે. આ સ્વર્ગ અને મોક્ષના તમામ સુખોને ગોસ્વામીજીએ ત્રાજવાના એક પલ્લામાં મુક્યા છે. ત્રાજવાના બીજા પલ્લામાં ક્ષણમાત્રના સત્‌સંગથી મળતા સુખોને મુક્યા છે અને પછી તેની તુલના કરવામાં આવી છે. આ ક્યા ત્રાજવા હશે? જે આ બધા સુખોને તોળી શકે? જીવ માટે તો આ સુખોને મુલવવા પોતાની બુદ્ધિ જ હોય છે, એટલે અહીં બુદ્ધિ જ ત્રાજવાઓ છે. હવે આ બીજા ત્રાજવામાં રાખવામાં આવેલા સત્‌સંગ વિશે જોઇએ.

સત્‌સંગ એટલે શું? સત્‌સંગ એટલે સત્‌ સાથેનો સંગ. સામાન્ય રીતે સત્‌સંગ શબ્દનો અર્થ બહું સંકુચિત કરવામાં અને સમજવામાં આવે છે. થોડા લોકો ભેગા મળી સમૂહમાં બેસીને ભજન-કીર્તન કરે, કથા-વાર્તા કરે વગેરેને જ આપણે સત્‌સંગ કહિએ છીએ. આ પણ સત્‌સંગ જ છે, સિવાય કે જે લોકો સત્‌સંગની પવિત્ર જગ્યાએ નિંદા-કુથલી કરે છે. પ્રભુસંકીર્તન એક પ્રકારનો સત્‌સંગ જ છે, પરંતુ સત્‌સંગનો અર્થ આટલો મર્યાદિત જ નથી. કોઇ બે વ્યક્તિઓ સારી, શુદ્ધ, સાત્વિક જ્ઞાનની વાતો કરે, પ્રભુના ગુણગાન ગાય, લોકહિત કે દેશની સુરક્ષાની વાતો કરે, તો તેને પણ સત્‌સંગ કહી શકાય. આધુનિક જમાનામાં ફોન ઉપર કે સોશિયલ મીડિયા મારફતે પણ સત્‌સંગ થઈ શકે. આપ જે લેખ વાંચી રહ્યા છો, તે પણ એક પ્રકારનો સત્‌સંગ જ છે. આ બધાથી થોડુ આગળ વિચારીએ તો, સત્‌ એટલે સત્ય કે સત્‌ ચિત્ત આનંદમાં સત્‌ સ્વરૂપ સ્વયં ભગવાન, જે પોતે જ સત્ય છે, અચળ છે, નિરંતર છે કે શાશ્વત છે. જ્યારે સંગ એટલે સાથ. સત્યનો સાથ એટલે જ સત્‌સંગ. સત્‌સંગ માટે અન્ય કોઇની પણ આવશ્યકતા નથી. જીવ પોતે જ પ્રભુનો અંશ છે અહં બ્રહ્માસ્મિ, માટે પોતાની જાત સાથે, સત્‌ સાથે, સત્ય સાથે સંગ કરીએ, તો તે પણ સત્‌સંગ જ છે. આમ, સત્‌સંગની વ્યાખ્યા બહુ જ વિશાળ છે.

વ્યક્તિ સત્યનો સંગ કરે, પોતાની જાત સાથેનો સંગ કરે, એકથી વધુ લોકો જોડે મળી ભજન-કિર્તન કરે, કથા-વાર્તા કરે, વ્યક્તિ પોતાની નોકરી, ધંધો-રોજગાર સત્યનીતિથી કરે, કામકાજ પુરતી નિષ્ઠા સાથે કરે, કોઇ સાથે અન્યની નિંદા-કુથલી સિવાયની જ્ઞાનની પવિત્ર ભાવથી વાતો કરે, આ બધા સત્‌સંગના જ વિવિધ પ્રકાર છે. વ્યક્તિની અંગત રીતે સત્‌સંગ કરવાની એક મર્યાદા છે. વળી હિંદુ શાસ્ત્રો ગુરુ-શિષ્ય પરંપરા અને મોટાભાગે ક્રમિક માર્ગની હિમાયત કરે છે. તે મુજબ બધા સત્‌સંગોમાં સૌથી ચડિયાતો કહી શકાય તેવો પ્રકાર છે, સાચા સંતનો સમાગમ. સત્યની સદા સમિપ એવા સાચા સંતનો સમાગમ એ સત્‌સંગની સૌથી સારી અને સરળ રીત છે. માનસમાં લખ્યુ છે, “સંત સમાગમ સમ ન લાભ કછુ આન”.

સંત સમાગમ રૂપી સત્‌સંગનું મહત્વ જોઇએ તો, ભગવાન શ્રીરામે શબરીજીને નવધા ભક્તિ કહેતી વખતે પોતાના શ્રીમુખે જણાવ્યું છે કે, પ્રથમ ભગતિ સંતન્હ કર સંગા. શ્રીમદ્‌ભાગવતના અગિયારમા સ્કંધના બારમા અધ્યાયમાં વ્યાસજીએ લખ્યુ છે કે પ્રભુ શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે, હે ઉદ્ધવજી! અષ્ટાંગ યોગ, સાંખ્ય તપ, ત્યાગ, તીર્થ યાત્રા, વ્રત, યજ્ઞ અને દાન વગેરેથી હું તેવો વશ થતો નથી, જેવો સત્‌સંગથી વશ થાઉં છું. આદિપુરાણમાં પણ લખ્યુ છે કે, “નાહં વસામિ વૈકુંઠે યોગિનાં હૃદયે ન ચ મદ્‌ભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ ॥ અર્થાત હે નારદ! ન તો હું વૈકુંઠમાં નિવાસ કરું છુ, ન યોગીઓના હૃદયમાં, પરંતુ જ્યાં મારા ભક્તો મારા નામ વગેરેનું કીર્તન કરે છે અર્થાત જ્યાં સત્‌સંગ થાય છે, હું ત્યાં જ નિવાસ કરું છુ. સત્‌સંગનો મહિમાતો પ્રભુએ વિવિધ અવતારોમાં પોતાના શ્રીમુખે વર્ણવ્યો જ છે, પરંતુ તેને જાણે કોણ? જેમણે ગુલાબજાંબુ આરોગ્યા જ ન હોય, તેને કેમ ખબર પડે કે, કેવા હોય?

વિદ્વાનેવ વિજાનાતિ વિદ્વજ્જન પરિશ્રમમ્‌ ન હિ વન્ધ્યા વિજાનાતિ ગુવીઁ પ્રસવવેદનામ્‌

વિદ્વાન જ વિદ્વાનના પરિશ્રમને સમજી શકે છે, જે વાંઝણી છે તે પ્રસવની પીડાને કેવી રીતે સમજી શકે છે? (આજના સિઝેરિયન ડિલિવરીના જમાનામાં તો જેને બાળક હોય, તેને પણ પ્રસવની પીડાની કદાચ ખબર નહી હોય, તે અલગ વાત છે). જેમણે ક્યારેય સત્‌સંગ કર્યો જ ન હોય, તેઓ કેવી રીતે જાણી શકે કે, સત્‌સંગ એટલે શું? તેનાથી શું લાભ થાય? ઘણા કહેવાતા બુદ્ધિશાળી લોકો તો વળી એવી દલિલ પણ કરે છે કે, અમારે સત્‌સંગમાં જવાની શું આવશ્યકતા? જો આપણે બિમાર હોઇએ, તો હોસ્પીટલ જવું પડે. અમે કોઇ પાપ કરતા જ નથી, તો પછી સત્‌સંગમાં શા માટે જઈએ? આવા લોકોને કોણ સમજાવે કે, આ તનથી સાજા થવાની વાત નથી, મનથી સાજા રહેવાની વાત છે. ભગવાન શીવજીએ ક્યું પાપ કર્યુ હતું, તેઓને ક્યા પાપનું નિવારણ કરવું હતુ કે, તેઓ પોતે નિરંતર સત્‌સંગ માંગે છે? માનસમાં લખ્યુ છે કે,

બાર બાર વર માંગઉઁ હરષિ દેહુ શ્રીરંગ પદ સરોજ અનપાયની ભગતિ સદા સતસંગ

મહાદેવજી પોતે ભગવાન પાસે નિરંતર સત્‌સંગનું વરદાન માંગે છે. ઓક્સિજન તો તડકામાં પણ હોય છે, છતાં આપણે છાંયડો કેમ શોધીએ છીએ? આપણા હૃદયમાં પણ ભગવાન છે, પરંતુ મંદિરે જવું અર્થાત છાંયડો શોધવો આવશ્યક જ છે. સત્‌સંગનું મહત્વ અવર્ણનીય છે. તેને કંઇક વધુ સમજવા એક સુંદર પ્રસંગની ચર્ચા આવતા અંકે કરીશુ, આજની કથાને અહીં વિરામ આપીએ છીએ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here