શ્રી ગણેશાય નમ:
શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્ગુરુ દેવાય નમ: |
શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૪૨(શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૨ | મનો હિ હેતુ: સર્વેષામિન્દ્રિયાણાં પ્રવર્તને । Sundarkand | सुंदरकांड – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-042/)માં આપણે રાવણના વિચિત્ર મહેલ અને તેની અંદરનું વર્ણન, મનની પવિત્રતાનો મહિમા અને સઘળી ઇન્દ્રિયોને શુભ-અશુભ કાર્યમાં જોડાવાની પ્રેરણા આપવા માટે આપણું મન જ જવાબદાર છે વગેરે કથા જોઇ હતી. આ ઉપરાંત શ્રીતુલસીદાસજીની સાખી “કનક તજ્યો કામીની તજ્યો, તજ્યો ધાતુકો સંગ; તુલસી લઘુ ભોજન કરી, જીવે માન કે રંગ”ના સંદર્ભમાં આપણા મનમાં રહેલી અનેકાનેક ઇચ્છા, તૃષ્ણા, કામનાઓ વિશે અને આપણા મનને નિર્મળ કરવાના સુંદર વિચાર સાથે કથાને વિરામ આપ્યો હતો. ભાગ – ૪૧ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-041/)માં રાવણ સિવાયના અન્ય રાક્ષસોના મહેલોની અંદરનું વર્ણન અને ભાગ – ૪૨ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-042/)માં રાવણના મહેલની અંદરનું વર્ણન વાંચ્યા પછી ઘણા લોકોને ઘણા પ્રશ્નો થયા. આ બાબતે મેસેજ પણ મળ્યા અને સારી ચર્ચાઓ પણ થઈ. આ બધાનો સાર નીચે મુજબના બે પ્રશ્નો હતા.
- શ્રીવાલ્મીકિજીએ રામાયણમાં આવું, કહેવાતું અભદ્ર, વર્ણન આલેખવાની શું જરૂર હતી? અને
- શ્રીહનુમાનજી માતાજીને શોધવા લંકામાં ગયા, રાક્ષસોના મહેલમાં અંદર પણ ગયા, પરંતુ અંદરની દરેક વસ્તુને આટલી બારીકાઇથી અને ખાસ કરીને સ્ત્રીઓનું આટલું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવાની શું આવશ્યકતા હતી?
આજના ભાગમાં પહેલા ઉપરના બન્ને પ્રશ્નોના સમાધાન જોઇએ પછી સુંદરકાંડની આજની કથામાં આગળ વધીશું.
પ્રથમ પ્રશ્નનું સમાધાન જોઇએ તો, મને એવું લાગે છે કે આવા વર્ણન પાછળ એવો આશય હોઇ શકે કે, ભક્તએ હંમેશા સાત્વિક જગ્યાએ જ જવું. જો લંકામાં પ્રવેશ કરશો અર્થાત ખરાબ જગ્યાએ જશો, તો આવુ જોવું પડશે. વળી, જો ભક્તિની શોધ કરતા-કરતા ભક્તએ ક્યારેક આવી જગ્યાએ જવાનું થાય કે આવુ કંઇ જોવુ પડે, તો તે સમયે મનને પ્રભુકાર્યમાં કે પ્રભુસ્મરણમાં સ્થિર રાખવાથી ધર્મનો હ્રાસ થતો નથી. આપણા શાસ્ત્રો ખૂબ જ વિશાળ માનસિકતા સાથે લખાયેલા છે. આ વર્ણનને અયોગ્ય ગણવું એ જ આપણી અંદરની સંકુચિતતા દર્શાવે છે. આમ, શક્ય હોય ત્યાંસુધી સાત્વિકતા જાળવી રાખવી, ખરાબ જગ્યાઓએ ભૌતિક રીતે જ નહી પરંતુ વૈચારિક રીતે પણ જવાનું ટાળવું અને જો પહોંચી ગયા હોઇએ કે જવું ફરજીયાત હોય, તો મનને પ્રભુભક્તિમાં સ્થિર રાખવું જોઇએ.
બીજા પ્રશ્નનું સમાધાન જોઇએ તો, શ્રીહનુમાનજી માતા જાનકીજીને શોધવા ગયા હતા. શ્રીમદ્વાલ્મીકીય રામાયણમાં લખ્યુ છે કે જો સ્ત્રીને શોધવી હોય, તો સ્ત્રીઓમાં જ શોધવી પડે. “યસ્ય સત્ત્વસ્ય યા યોનિસ્તસ્યાં તત્ પરોમાર્ગતે” અર્થાત જે જીવની જે જાતિ હોય, તેવી જાતિની વચ્ચે જ તેને શોધાય. આમ, જાનકીજી માટે “સ્ત્રિયો હિ સ્ત્રીષુ દૃશ્યન્તે સદા સમ્પરિમાર્ગણે” અર્થાત સ્ત્રીને શોધવા માટે સ્ત્રીઓની વચ્ચે જ જવું પડે. વળી, શ્રીહનુમાનજી અગાઉ માતા જાનકીજીને ક્યારેય મળ્યા ન હતા. આ સંજોગોમાં દરેક સ્ત્રીને બારીકાઇથી નિરખી અને તેના લક્ષણો ઉપરથી જ પોતાની કુશાગ્ર બુદ્ધિ દ્વારા નક્કી કરવાનુ હતુ કે આ જાનકીજી છે કે નહી? ભક્તિને શોધવી હોય તો દરેક વસ્તુને, ખાસ કરીને જેના આધારે વ્યક્તિ ભક્તિપથ ઉપર આગળ વધવા માંગતો હોય તેવા સંત કે ગુરુને, બારીકાઇથી નિરખવા અને સમજવા જોઇએ. તેઓમાં કંઇ અયોગ્ય જણાય, તો તે તેનો સ્વભાવ છે, તેમ જાણી, ભક્તિની શોધમાં આગળ વધી જવું જોઇએ. જે લોકો આવા કોઇ કહેવાતા સંતો, મહંતો અને ગુરુઓને મળે, તેની નબળાઇ જાણે પછી તેના દુર્ગુણો ગાવામાં જ જન્મારો પસાર કરી દેતા હોય છે. તેઓના નકારાત્મક પાસાઓમાં ઊંડા ઉતરવા કરતા પોતાના પથ ઉપર આગળ વધી જવું વધુ હિતાવહ છે. વાલ્મીકિજીને ત્યારે પણ ખબર હશે કે કળીયુગમાં “મંદિર-મંદિર”, ઘરે-ઘરે બની બેઠેલા સાધુઓ અને ગુરુઓ હશે. ભક્તિપથ ઉપર આગળ વધવા ભક્ત સાચા સંતની શોધ કરવા જશે, ત્યારે તેઓએ ઘણું ખરાબ પણ જોવું પડી શકે છે. આમ, શ્રીહનુમાનજી રાક્ષસોના મહેલોમાં અંદર પણ ગયા અને અંદરની દરેક વસ્તુને ખાસ કરીને સ્ત્રીઓને આટલી બારીકાઇથી જોઇ અને તેઓનું આટલું ઝીણવટ ભર્યું નિરીક્ષણ પણ કર્યું.
ભવન એક પુનિ દીખ સુહાવા । હરિ મંદિર તહઁ ભિન્ન બનાવા ॥
પછી શ્રીહનુમાનજીને એક સુંદર મહેલ દેખાયો; જ્યાં ભગવાનનું એક અલગ મંદિર પણ બનેલુ હતુ.
“ભવન એક” અર્થાત એક મહેલ. આપણે અગાઉ જોઇ ગયા છીએ કે જ્યાં-જ્યાં “એક” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યાં-ત્યાં તે વ્યક્તિ કે વસ્તુની અદ્વિતિયતા, અનોખાપણા અને સર્વોપરિતા દર્શાવવામાં આવી છે. આ ભવન પણ લંકામાં સૌથી અલગ અને અદ્વિતિય હતું. રાવણનો મહેલ બધાથી કંઇક અલગ હતો, પરંતુ બાબાજીએ તેને વિચિત્ર કહ્યો છે, જ્યારે વિભીષણજીનો મહેલ? “દીખ સુહાવા” એટલે કે વિચિત્ર કે અજુગતો ન હતો, પરંતુ સુંદર દેખાતો હતો. શ્રીસુંદરકાંડમાં એક સુંદર મહેલનું અહીં સુંદર વર્ણન કરવામાં આવેલુ છે. આ ભવન કેમ “એક” અને “સુંદર” છે, તો આ મહેલમાં ભગવાનનું અલગ મંદિર બનેલું છે. રાવણના રાજ્યમાં ભગવાનનું મંદિર? તો પછી અદ્વિતિય તો ગણાય જ ને! અને પ્રભુનું ધામ હોય તે સ્વાભાવિક જ સુંદર હોય.
અહીં રામાયણમાં “હરિમંદિર” એવો શબ્દ જોઇને એકવાત સ્પષ્ટ થાય છે કે ભારતવર્ષમાં અયોધ્યા, મિથિલા વગેરેની જેમ લંકામાં પણ મૂર્તિપુજા થતી હશે. બીજું, આપણે અગાઉ જોઇ ગયા તેમ, એવું માનવામાં આવે છે કે મંદિર હંમેશા ઘરથી અલગ હોવું જોઇએ અર્થાત પહેલાના સમયમાં જ્યારે લોકો પાસે બહું જગ્યા હતી ત્યારે ઘર અને મંદિર અલગ રાખવામાં આવતા હતા. એક બંગલો કે ફ્લેટ પુરતી જગ્યા ઉપલબ્ધ રહી ત્યારે ઘરમાં પુજારૂમ અલગ રાખવાની પ્રથા હતી. જેમ-જેમ ઘર નાના થતા ગયા તેમ પુજારૂમ અલગ રાખવાને બદલે કોઇ એક રૂમમાં એક નિશ્ચિત જગ્યાએ મંદિર રાખવાની પ્રથા અસ્તિત્વમાં આવી, પરંતુ આ પરિસ્થિતિમાં પુજારૂમ શયનખંડમાં ન રાખવાની માન્યતા છે. જે લોકો એક રૂમના ઘરમાં રહેતા હોય તેઓએ રાત્રે સુતી વખતે મંદિરને પડદો કરવાનો રીવાજ છે. આ બધી માન્યતાઓ છે અને વૈચારિક સાત્વિકતા માટેની માનસિક કસરત છે, કસરત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ચોક્કસ હોય છે. બાકી ભાગ – ૧૦ (http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-011/), શાંતરસ અને એકરસનો સુભગ સમન્વય – સુંદરકાંડમાં આપણે જોઇ ગયા તેમ, “જાહિદ શરાબ પીને દે મસ્જીદ મેં બેઠકર, વર્ના ઐસી જગા બતા દે જહાં ખુદા ન હો”, પ્રભુ તો છાસમાં માખણની જેમ સાર્વત્રિક છે. અહીં આ માન્યતાને અનુરૂપ ઘરથી અલગ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. આ માન્યતા રામાયણકાળથી ચાલી આવતી હોય, તેને આધારભૂત પણ ગણી શકાય. લંકાના અન્ય મહેલો વિચિત્ર હતા, જ્યારે આ મહેલ સુંદર હતો.
અહીં “હરિમંદિર” શબ્દ પ્રયોગ સંદર્ભમાં અન્ય થોડી ગુઢ વાતો પણ જોઇએ તો, ૧) રાવણ શીવભક્ત હતો અને આપણે વાંચ્યુ છે કે સાંભળ્યુ છે તે મુજબ લંકામાં વિષ્ણુપુજા વર્જિત હતી. વિષ્ણુ ભગવાનનું નામ માત્ર લેનારને પણ મૃત્યુદંડ સુધીની સજા કરવામાં આવતી હતી. જો રાવણ આટલો ચુસ્ત શીવભક્ત હતો છતાં તેના સામ્રાજ્યમાં જ અને તેના મહેલની એક જ દિવાલે બજુમાં જ રહેતા તેના ભાઇ વિભીષણના મહેલમાં હરિમંદિર હતું. તેમ છતાં રાવણ તેને રહેવા પણ દેતો હતો અને કોઇ વાંધો પણ નહોતો લેતો કે દંડ પણ નહોતો કરતો. આ સંદર્ભમાં બે-ત્રણ કથા કે સંતમત છે.
એક તો જ્યારે રાવણ, કુંભકર્ણ અને વિભીષણ ત્રણેય ભાઇઓએ તપ કર્યું અને બ્રહ્માજીએ પ્રસન્ન થઇને વરદાન માંગવાનું કહ્યું હતુ, ત્યારે વિભીષણે હરિભક્તિ માંગી હતી. રાવણને એ ખબર હતી કે બ્રહ્મવર મિથ્યા નહિ થાય, માટે તે વિભીષણને આ બાબતે રોકતો ન હતો.
બીજી કથા એવી પણ છે કે વરાહ પુરાણ અનુસાર લંકામાં એક વખત કોઇ ખોદકામ વખતે એક મૂર્તિ મળી આવી હતી. જ્યારે રાવણ આ મૂર્તિ વિભીષણને આપવા લાગ્યો ત્યારે વિભીષણે એક શર્ત રાખી હતી કે મને યોગ્ય લાગશે તેવી રીતે હું આ મૂર્તિની પુજા કરીશ અને આપ મને રોકશો નહિ. રાવણે તેને આ સમયે વચન આપેલુ, માટે તે હરિમંદિર અને રામાયુધ અંકિત કરાવવા બાબતે વિભીષણને કંઇ કહેતો ન હતો કે કહી શકતો ન હતો.
ત્રીજો મત એવો છે કે, રાવણને વિભીષણ પ્રત્યે અતિશય વાત્સલ્ય ભાવ હતો. વિભીષણ રાવણના સૌથી પ્રિય સ્વજન હતા, માટે તેને આ બાબતે કંઇ કહેતો ન હતો. રાવણ શબ્દ સાંભળતા જ આપણા મનમાં ક્રુરતાનો જ વિચાર આવે, પરંતુ થોડા ઉદાહરણો જોઇએ તો સમજાશે કે રાવણ વાત્સલ્ય ભાવવાળો અને કૌટુંબિક ભાવનાવાળો પણ હતો જ. વિભીષણનો તેના મહેલમાં રહેલા આ હરિમંદિરનો કિસ્સો જ લઇએ, ત્યારબાદ મંદોદરી વારંવાર તેને જાનકીજી પ્રભુ શ્રીરામને પરત સોંપવા સમજાવતી હતી છતાં ક્યારેય તેને કોઇ સજા કર્યાનો ઉલ્લેખ નથી. કુંભકર્ણ પણ યુદ્ધમાં જતા પહેલા રાવણને ખૂબ જ આકરી ભાષામાં ખીજાતા કહ્યુ હતુ કે તમે માતા જાનકીજીને હરી લાવીને બહુ મોટી ભૂલ કરી છે; ત્યારે પણ તેણે ગુસ્સો નહોતો કર્યો. મેઘનાદ છેલ્લા યુદ્ધમાં જાય છે, ત્યારે રાવણને કહ્યુ હતુ કે પિતાશ્રી તમે સીતાજીને હરી લાવ્યા છો એ આપની સૌથી મોટી ભુલ છે અને તે રાક્ષસકૂળના વિનાશનું કારણ બનશે. રાવણ ખૂબ જ અહંકારી અને સ્વચ્છંદી હતો, પરંતુ આ બધા કિસ્સાઓ તેની કુટુંબના સભ્યો પ્રત્યેની વાત્સલ્ય ભાવના દર્શાવે છે. સુર્પણખાના નાક-કાન કપાવા અને ખર-દુષણની હત્યાનો બદલો લેવા તેણે પ્રભુ શ્રીરામ સાથે વેર કરતા એક મીનીટ પણ ન વિચાર્યું. આ તેની કૌટુંબિક ભાવના પણ દર્શાવે છે. રાવણ આમ સીતાજીને પોતાના થવા કહેતો, પરંતુ અંદરથી માતૃભાવ રાખતો હતો. પ્રભુ શ્રીરામ પ્રત્યે બહારથી વેર બતાવતો, પરંતુ અંદરથી તેને ખબર જ હતી કે મારો ઉદ્ધાર પ્રભુ જ કરશે. આમ, આ બધા પ્રસંગો દર્શાવે છે કે રાવણ બધાની લાગણીઓને માન આપીને વાત્સલ્યભાવ સાથે તથા કૌટુંબિક ભાવનાઓ સાથે ચાલવાવાળો હતો માટે વિભીષણને હરિમંદિર બાબતે કંઇ કહેતો ન હતો. આજની કથાને અહીં વિરામ આપીએ છીએ.
સર્વે વાચકોને મારા જય સિયારામ…..
મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥
|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||
જય સીતારામ
Wah ખરેખર બહુ મસ્ત સમજાવ્યું..