Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૬ | રામનામની બમ્પર ઓફર । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૬ | રામનામની બમ્પર ઓફર । Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૬ | રામનામની બમ્પર ઓફર । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૬ | રામનામની બમ્પર ઓફર । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

તમામ વાચકોને મહાશીવરાત્રી પર્વની “રામનામની બમ્પર ઓફર” સહ હાર્દિક શુભેચ્છાઓ…

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, નવ તુલસિકા બૃંદ – તુલસી મહાત્મય, ભાગ – ૪૫ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-045/)માં આપણે તુલસીજીની ઉત્પતિ અને તેના મહત્વ – ખાસ કરીને ઔષધિય મહત્વ – વિશે અલગ-અલગ કથાઓ, લંકા જેવા રાક્ષસોના રહેવાના સ્થાનમાં કોઇ સજ્જન કેવી રીતે નિવાસ કરતા હશે? તેવો શ્રીહનુમાનજીનો તર્ક અને જ્યારે ભક્તને તર્ક થાયને ત્યારે ભગવાન કંઇક તો રસ્તો બતાવે જ છે અર્થાત કોઇ હિંટ તો આપે જ છે વગેરે કથા જોઇ હતી. ચોથા પ્રહરમાં જાગતાને સાથે વિભીષણજીએ શું કર્યું? ત્યાંથી આજની સુંદર કથાની શરૂઆત કરીએ.

રામ રામ તેહિ સુમિરન કીન્હા ।

હૃદય હરષ કપિ સજ્જન ચીન્હા ॥

વિભીષણજીએ રામનામનું સ્મરણ કર્યું. શ્રીહનુમાનજીએ તેમને સજ્જન જાણ્યા અને હૃદયમાં હર્ષિત થયા.

બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને પ્રભુ સ્મરણ કરવું એ સજ્જનતાનું એક ચિહ્ન છે. અહીં તો મહેલમાં અલગ હરિમંદિર, રામાયુધ અંકિત ઘર, આંગણામાં તુલસીવન, બ્રહ્મમુહૂર્તમાં ઉઠવું અને ઉઠતાવેત જ પ્રભુ સ્મરણ કરવું, આ બધા તો ચોક્કસ એક સજ્જનના જ ચિહ્નો છે. જે વ્યક્તિના મુખમાં સવારે જાગતાની સાથે જ કોઇ ખાસ મહેનત કર્યા વગર સાહજીકતાથી જ રામનામ આવી જાય, તો સમજવું કે તેના હૃદયમાં અને વાણીમાં રામનામ સ્થાપિત થઇ ગયુ છે અને તે હરિભક્તિનું પ્રથમ લક્ષણ છે. આપણે રાત્રે સુતી વખતે જે વિચાર કે કાર્ય કરતા-કરતા સુતા હોઇએ, સામાન્ય રીતે તે જ વસ્તુનો વિચાર સવારમાં ઉઠતાવેત આવે. જો રાત્રે પ્રભુને પ્રાર્થના કરીને, આખા દિવસમાં કરેલા કાર્યો પ્રભુના શરણે અર્પણ કરીને સુવાની આદત હોય, તો સવારમાં ઉઠીને પણ ભગવાન યાદ આવે, ‘કરાગ્રે વસતે લક્ષ્મી…..’ શ્લોક યાદ આવે, ધરતી ઉપર પગ મુકતા પહેલા તેને વંદન કરવાનું અને ‘સમુદ્ર વસને દેવી……’ યાદ આવે. જો મોબાઈલ જોતા-જોતા સુઇ જઇએ, તો ઉઠતાની સાથે જ હાથ મોબાઇલ ઉપર જ જાય અને મોબાઇલમાં પણ જો સોશિયલ મીડિયા જોઇને સુતા હોઇએ તો ઉઠીને સીધુ તે જ જોવાનું મન થાય અને સીરીઝ જોતા-જોતા સુતા હોઇએ, તો સવારથી આપણી જીંદગીમાં પણ એવા જ વિચારોની સીરીઝ ચાલુ  થઇ જાય. ટૂંકમાં, આગલા દિવસનો અંત આજના દિવસની શુભ શરૂઆત હોય છે.

હું નાનો હતો ત્યારે મારા રાજુમામા એવું કહેતા કે, ઉદય! આ કળીયુગમાં ભગવાન દ્વારા રામનામની એક બમ્પર ઓફર શરૂ કરવામાં આવેલી છે. “જો રાત્રે સુતી વખતે સીતારામ-સીતારામ એવું સ્મરણ કરતા-કરતા સુઇ જઇએ અને ઉઠતાની સાથે જ સીતારામ-સીતારામ સ્મરણ કરીએ, તો આખી રાત સીતારામ-સીતારામનું સ્મરણ કર્યાનું ફળ મળે છે. જો આવું પુણ્યનું ભાથું ભેગુ કરવું હોય, તો આ ઓફરનો લાભ લેવાની ટેવ પાડ.” આજે રાજુમામા તો હયાત નથી, પરંતુ શક્ય હોય ત્યારે અને તેટલો ઓફરનો લાભ લેવાનું ચાલુ જ છે. આપને પણ યોગ્ય લાગે તો તમે પોતે પણ આ સ્કીમનો લાભ લઇ શકો છો, આપના બાળકો, અન્ય કુટુંબીજનો, મિત્રો વગેરેને પણ આ બમ્પર ઓફરનો લાભ લેવા પ્રોત્સાહિત કરી શકો છો અને માનસિક સ્વસ્થ સમાજના નિર્માણમાં આપનો ફાળો આપી શકો છો. બીજી એક ખાસ વાત, આપણે અગાઉ ઘણી વખત વાત કરી ગયા છીએ તેમ, રામ ભગવાનને લગતી કોઇ પણ વાત કે આવી સ્કીમ ફક્ત રામનામ પુરતી મર્યાદિત હોતી નથી. આ તો સનાતન ધર્મ છે ભાઇ, બધાને એકસરખી રીતે લાગુ પડે. આપ આપના ઇષ્ટ દેવના નામ સ્મરણ સાથે પણ આ સ્કીમનો ચોક્કસ લાભ લઇ શકો છો. પરમપુજ્ય સદ્‌ગુરુ દેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજ, બાલા હનુમાન આશ્રમ, કુતીયાણા હંમેશા એવું જ કહે છે કે આપના ઇષ્ટદેવનું સ્મરણ કરવું. આજકાલ આપણે સોશિયલ મીડિયા ઉપર વિવિધ ઓફરો કે સ્કીમોના ઘણા સંદેશાઓ એકબીજાને મોકલતા હોઇએ છીએ કે પોસ્ટ કરતા હોઇએ છીએ. આ તો સુપરથી પણ ઉપર સ્કીમ છે, તો આપ વધુમાં વધુ લોકોને આ કથાની લિંક મોકલજો અને વધુમાં વધુ લોકો આ ઓફરનો લાભ મેળવે તેમાં સહયોગ આપજો, તેવી નમ્ર અપીલ છે.

આગળ બાબજીએ લખ્યુ છે, “હૃદય હરષ કપિ” અર્થાત શ્રીહનુમાનજીના હૃદયમાં હરખ થયો. પહેલા સ્થળ કે ભૌતિક વસ્તુઓ જોઇને આનંદ થયો હતો એટલે કે “નવ તુલસિકા બૃંદ તહઁ દેખિ હરષ કપિરાઇ” એવું લખ્યુ હતુ. મહેલમાં ભગવાનનું અલગ મંદિર, રામાયુધ અંકિત ઘર, આંગણામાં તુલસીવન વગેરે ભૌતિક લક્ષણો, બાહ્ય દેખાવથી શ્રીહનુમાનજી ખુશ થયા હતા, પરંતુ બાહ્ય દેખાવથી છેતરનારા ઘણા હોય છે. ટીલા-ટપકા, ચોક્કસ રંગ અને પ્રકારના કપડા, કોઇ ચોક્કસ વસ્તુઓ સાથે રાખી, ચોક્કસ દેખાવથી છેતરનારાઓનો પાર નથી. રામાયણમાં પણ કાલનેમિનો કિસ્સો આપણે જાણીએ જ છીએ. આમ, બાહ્ય ચિહ્નો જોઇ શ્રીહનુમાનજીને હરખ થયો, પરંતુ મનમાં થોડો સંદેહ પણ હશે માટે બાબાજીએ લખ્યું હતુ, “મન મહુઁ તરક કરૈં કપિ લાગા”. જ્યારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને ઉઠતાની સાથે વિભીષણજીના મુખે પ્રભુ સ્મરણ સાંભળીને શ્રીહનુમાનજીએ જાણી લીધુ કે આ ચોક્કસ જ સજ્જન છે, “સજ્જન ચીન્હા”. શ્રીહનુમાનજી કપટી અને સજ્જનને પારખવામાં પારંગત હતા. અગાઉ સિંહિકાની બાબતમાં બાબાજીએ લખ્યું હતુ, “તાસુ કપટ કપિ તુરતહિ ચીન્હા” અને અહીં વિભીષણજીની સજ્જનતા પણ તુરંત જ પારખી લીધી. વિભીષણજીની સજ્જજનતા પારખી લીધા બાદ શ્રીહનુમાનજી વિચારે છે કે –

એહિ સન હઠિ કરિહઉઁ પહિચાની ।

સાધુ તે હોઇ ન કારજ હાની ॥

આમનો (વિભીષણજીનો) હું પોતાના તરફથી જ પરિચય કરીશ. કેમકે સાધુથી કાર્યની હાનિ થતી નથી અથવા તો સજ્જન સાથે ઓળખાણ કરવાથી ફાયદો જ થાય છે.

અહીં શ્રીહનુમાનજી પોતાના તરફથી ઓળખાણ કરવાનું વિચારે છે. સામાન્ય રીતે સંત લોકો કોઇની સાથે સામેથી બહુ ઓળખાણ કરતા હોતા નથી કે કરવા જતા હોતા નથી. શ્રીહનુમાનજી વિચારે છે કે વિભીષણજી સજ્જન છે અને રામભક્ત પણ છે, જ્યારે હું રામદૂત છું; આ નાતે પરિચય કરવો જોઇએ. આપણે ગુજરાતના વતની હોઇએ અને એકલા કોઇ અન્ય રાજ્યમાં કે વિદેશમાં જઇએ અને બધા સ્થાનિક ભાષા બોલતા હોય, દક્ષિણના કોઇ રાજ્યમાં ગયા હોઇએ અને એસટી બસના બોર્ડ ફ્રી હેન્ડ ડિઝાઇન જેવા લાગતા હોય, આપણે પારાવાર મુશ્કેલીઓ સાથે કોઇપણ રીતે કામ પાર પાડી રહ્યા હોઇએ, આવા સમયે કોઇ ગુજરાતી ભાષામાં વાત કરતું નજરે પડે કે કોઇ ગુજરાતી ભાષામાં આપણને બોલાવે, તો કેવો આનંદ થાય? તરસ્યાને રણમાં મીઠી વિરડી મળી હોય તેવો. આ રીતે એક રામભક્તને લંકામાં, જ્યાં બધા રાવણ-રાવણ જ કરતા હોય, ત્યાં “રામ રામ તેહિ સુમિરન કીન્હા” વિભીષણજીને રામનામનું સ્મરણ કરતા સાંભળી શ્રીહનુમાનજીને કેટલો આનંદ થયો હશે? તે આપણે ચોક્કસ સમજી કે અનુભવી શકીએ.

અહીં ગોસ્વામીજીએ “હઠિ” શબ્દ વાપર્યો છે. તેનો એક ભાવાર્થ વિભીષણજી નહી માને તો હું હઠ કરીને પણ તેની સાથે ઓળખાણ કરીશ, તેવો કરી શકાય કારણ કે, “સાધુ તે હોઇ ન કારજ હાની”. સારા લોકોનો સંગ કરવાથી કોઇ નુકશાન થતું નથી. વળી, હઠ કરીને કે સામેથી મિત્રતા કરીશ એવું એટલા માટે પણ લખ્યુ હોઇ શકે કારણ કે શ્રીહનુમાનજી વાનર સ્વરૂપે હતા અને પછી બ્રાહ્મણ(હરિભક્ત)નું રૂપ ધારણ કર્યું હતુ, સ્વાભાવિક જ છે કે વિભીષણજી લંકામાં આવા સ્વરૂપે આવનારને શંકાની નજરે જોવે. વિભીષણજી રાજનીતિમા નિપુણ હતા, “અતિ નયનિપુન ન ભાવ અનીતી”, પ્રખર રાજનીતિજ્ઞ આવી રીતે કોઇપણ સાથે મિત્રતા કે ઓળખાણ ન જ કરે, માટે શ્રીહનુમાનજી હઠ કરીને અથવા તો સામેથી ઓળખણ કરવાનું વિચારે છે.

હવે આગળની કથામાં શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર શ્રીહનુમાનજી અને વિભીષણજીનો મેળાપ વર્ણવેલો છે, જ્યારે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં આ સમયે વિભીષણજી સાથેના મેળાપની વાત નથી. ગોસ્વામીજીએ શ્રીહનુમાનજી-વિભીષણજીના મેળાપની વાત લખી છે, તેના સમર્થનમાં થોડા તર્કથી આગળની કથા આવતા અંકમાં જોઇશુ, આજની કથાને અહીં વિરામ આપીએ છીએ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here