શ્રી ગણેશાય નમ:
શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્ગુરુ દેવાય નમ: |
શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “કાર્પણ્ય શરણાગતિ…”, ભાગ – ૫૨ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-052/) માં શ્રીહનુમાનજીની કાર્પણ્ય શરણાગતિ એટલે કે ‘સંપૂર્ણ સમર્પણની ભાવના’, બ્રહ્મચર્ય એ શારીરિક કરતા વધુ માનસિક કે મુખ્યત્વે માનસિક બાબત છે, શ્રીહનુમાનજી નિત્ય પ્રાત:સ્મરણીય છે અને પ્રભુ શ્રીરામનું નામ કળીયુગમાં કલ્પતરુ સમાન અને સુમંગલ દાયક છે વગેરે વિશેની કથા જોઇ હતી. આગળ શ્રીતુલસીદાસજી લખે છે કે શ્રીહનુમાનજીએ કહ્યુ કે –
:: દોહા – ૭ ::
અસ મૈ અધમ સખા સુનુ મોહૂ પર રઘુબીર ।
કીન્હી કૃપા સુમિરિ ગુન ભરે બિલોચન નીર ॥
હે સખા! સાંભળો, હું આવો અધમ હોવા છતાં પણ શ્રીરામચંદ્રજીએ તો મારા ઉપર કૃપા જ કરી છે. ભગવાનના ગુણોનું સ્મરણ કરીને શ્રીહનુમાનજીના નેત્રો પ્રેમાશ્રુઓથી ભરાઈ ગયા.
પહેલા વિભીષણજીએ પ્રભુપ્રાપ્તિ સંદર્ભમાં પોતાના દુર્ગુણો અને અપાત્રતા કહી, પછી શ્રીહનુમાનજીના દર્શનથી તેઓએ ભરોસો જતાવ્યો કે ભગવાનની પ્રીતિ પ્રાપ્ત થશે જ. શ્રીહનુમાનજીએ પણ પોતાને નીચા દેખાડી વિભીષણજીને વિશ્વાસ અપાવ્યો કે જો મારા ઉપર કૃપા કરી છે, તો આપના ઉપર પણ ચોક્કસ કૃપા કરશે અને પછી પ્રભુ શ્રીરામના અધમોદ્ધારણ કૃપાનો ગુણ યાદ કરીને, તેઓના નેત્રો પ્રેમાશ્રુઓથી ભરાઈ ગયા. રામભક્ત પોતાનામાં અયોગ્યતા અને હિનતા હોવા છતાં તેના ઉપરની પ્રભુની અસીમ કૃપા યાદ કરે, ત્યારે રોમાંચ થવો જોઇએ. આ તેની પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પ્રમાણ જ છે.
જાનતહૂઁ અસ સ્વામિ બિસારી । ફિરહિં તે કાહે ન હોહિં દુખારી ॥
એહિ બિધિ કહત રામ ગુન ગ્રામા । પાવા અનિર્બાચ્ય બિશ્રામા ॥
જાણવા છતાંય આવા સ્વામીને ભૂલીને જે ભટકતાં ફરે છે, તેઓ દુ:ખી કેમ ન થાય? આ પ્રમાણે શ્રીરામજીના ગુણસમૂહોને કહેતાં તેમણે અનિર્વચનીય શાંતિ પ્રાપ્ત કરી.
“જાનતહૂઁ અસ સ્વામિ બિસારી” અર્થાત જાણવા છતાંય આવા સ્વામીને ભૂલીને. શું જાણવા છતાંય? તો સદ્ગુરુઓ પાસેથી સાંભળ્યા મુજબ અને શાસ્ત્રો, પુરાણો વગેરેના વાંચનથી આપણે જાણીએ છીએ કે દીનદયાળું ભગવાન શ્રીરામ અધમોદ્ધારણ કૃપાનો ગુણ ધરાવે છે. તે પાપી, પામર અને કાયર જીવ ઉપર પણ અસીમ દયા કરે છે, તેનો ઉદ્ધાર કરે છે. આવું જાણતા હોવા છતાં, “અસ સ્વામિ” એટલે કે આવા સ્વામી. આ ક્યા સ્વામી? તો શ્રીરાઘવેન્દ્ર સરકાર. શ્રીરાઘવેન્દ્રના અધમોદ્ધારક કૃપાના ગુણને જાણતા હોવા છતાં તેને “બિસારી” ભૂલીને. શ્રીહનુમાનજી વિભીષણજીને કહે છે કે આપ પ્રભુના આ ગુણને જાણો છો, પરંતુ જાણી-જોઇને ભૂલી ગયા છો. બાકી “મન ક્રમ બચન ચરન રતિ હોઈ, સપનેહુઁ સંકટ પરૈ કિ સોઈ” અર્થાત મન, વચન અને કર્મથી જેઓને પ્રભુ ચરણમાં પ્રેમ છે, તેઓને સ્વપ્નમાંયે સંકટ નથી હોતું. આપ દુ:ખી છો એવું આપને લાગે છે કારણ કે આપ પ્રભુના ગુણોને ભુલી ગયા છો, માટે “ફિરહિં તે કાહે ન હોહિં દુખારી” આપ દુ:ખી છો તેવું આપને લાગે છે.
આપ મન અને વચનથી પ્રભુને ભજો છો, પરંતુ કર્મથી પ્રભુભક્તિ ભુલી ગયા છો. મનથી ભગવાનને યાદ કરો છો, પ્રભુના ગુણગાન ગાવ છો, પરંતુ કોઇ પ્રભુકાર્ય કરતા નથી. રાવણ માતાજીને હરિ લાવ્યો, પરંતુ આપે શું કર્યું? અહીં કર્મ ઘટે છે. પરમ પુજ્ય સદ્ગુરુ દેવ શ્રીવિશ્વંભરદાસજી વારંવાર કહે છે કે કોઇ ધર્મનું કાર્ય થઈ રહ્યુ હોય (મંદિર નિર્માણ, ઉત્સવ વગેરે), સામાજિક કાર્ય થઈ રહ્યુ હોય (સમૂહલગ્ન વગેરે) ત્યાં કંઇક દાન કરવું. જો દ્રવ્યદાન ન કરી શકો તો કંઇ નહી, પરંતુ શ્રમદાન ચોક્કસ કરવું. આવા પ્રસંગોમાં શ્રમદાનને સૌથી ઉત્તમદાન કે શ્રેષ્ઠદાન ગણી શકાય. અહીં શ્રીહનુમાનજી પણ વિભીષણજીને કર્મથી પ્રભુને યાદ કરવાનું કહે છે. પ્રભુભક્તિનો પ્રભાવ જાણતા હોવા છતાં માણસ જ્યારે ભોગવિલાસ પાછળ ભટકે છે, ત્યારે જ દુ:ખી થતો હોય છે.
“એહિ બિધિ કહત રામ ગુન ગ્રામા” અર્થાત આ પ્રમાણે પ્રભુ શ્રીરામના ગુણસમૂહોને કહેતા-કહેતા “પાવા અનિર્બાચ્ય બિશ્રામા” એટલે કે અનિર્વચનીય વિશ્રામ પ્રાપ્ત કર્યો. જેનુ વર્ણન ન થઈ શકે, તેવી પરમ શાંતિ પ્રાપ્ત કરી. “કહત ગુન ગ્રામા” ભગવાનના ગુણગાન કે કથા કહિ શકાય, પરંતુ તેનાથી મળતી પરમ શાંતિ અવર્ણનીય જ હોય છે. બાબાજીએ ‘કહત રામ ગુન ગ્રામા, બિશ્રામ પાવા’ લખ્યુ છે. અહીં શ્રીરામના ગુણસમૂહો કહેતા પરમ શાંતિનો અનુભવ કર્યો. પહેલા બન્નેએ પોત પોતાના અવગુણો કહ્યા. જીવ જ્યારે એકબીજાની પોતાની કથા કહે તેનાથી શાંતિ ન મળે. રોજીંદી જીંદગીમાં આપણે જોઇએ જ છીએ કે મોટાભાગે કોઇ પોતાની જીંદગીથી સંતુષ્ટ હોતુ નથી, કાયમી ફરીયાદો જ હોય છે. આવી જીવ પારાયણ એટલે કે વ્યથાથી શાંતિ ન મળે. જ્યારે કોઇ એકબીજાને રામકથા કહે કે એકબીજા સામે પ્રભુ શ્રીરામના ગુણસમૂહોનું વર્ણન કરે, ત્યારે જ પરમ શાંતિનો અનુભવ થાય. જીવનમાં કોઇની સામે બહુ રોદણા ન રોવા, પરંતુ શક્ય હોય તેટલો સત્સંગ કરવો જોઇએ. જ્યારે શ્રીહનુમાનજીએ કહ્યુ કે આપ પ્રભુકાર્ય નથી કરતા, ત્યારે –
પુનિ સબ કથા બિભીષન કહી । જેહિ બિધિ જનકસુતા તહઁ રહી ॥
પછી વિભીષણજીએ શ્રીજાનકીજી જે રીતે ત્યાં રહેતા હતા, તે સઘળી કથા કહી સંભળાવી.
શ્રીહનુમાનજીએ કહ્યુ હે ભાઈ! કંઇક ભગવાનનું કામ પણ કરો, એટલે વિભીષણજી તુરંત જ માતા જાનકીજી ત્યાં જેવી રીતે રહેતા કતા, તેની સઘળી કથા કહી સંભળાવી. સાચા સંત સદ્ગુરુ જ્યારે જીવના અંતરાત્માને ઢંઢોળે એટલે જીવ તરત જ જાગૃત થઈ જાય અને પ્રભુકાર્ય તરફ વળી જાય. વિભીષણજીએ તુરંત જ પ્રભુકાર્યની શરૂઆત કરી દીધી.
“જેહિ બિધિ” અર્થાત જેવી રીતે. માતાજી જેવી રીતે ત્યાં રહેતા હતા, તે વાત કરી. કેવી રીતે રહેતા હતા તેનું અહીં વિગતવાર વર્ણન નથી આપ્યું, પરંતુ માનસકારે એક જ શબ્દમાં બધુ કહી દીધું, “જનકસુતા”. જનકસુતા અર્થાત જેવી રીતે સંસારમાં રહીને પણ જનકજી નિર્લેપ હતા, તેવી રીતે લંકા-માયાવી નગરીમાં રહીને પણ જનકદુલારી તમામ બાબતોથી નિર્લેપ હતા. “તહઁ રહી” એટલે કે ત્યાં રહેતા હતા. રાવણ જાનકીજીને મહેલમાં લાવ્યો જ ન હતો. પહેલેથી જ તેણીને અશોકવાટીકામાં રાખ્યા હતા. સીતાજી પહેલેથી ફક્ત ત્યાં જ રહે છે, એટલે તો શ્રીહનુમાનજીએ આખી લંકામાં શોધ કરી, ત્યારે અન્ય કોઇ જગ્યાએ તેઓ મળ્યા ન હતા. જેવા વિભીષણજીએ માતાજીના સમાચાર સંભળાવ્યા કે –
તબ હનુમંત કહા સુનુ ભ્રાતા । દેખી ચહઉઁ જાનકી માતા ॥
ત્યારે શ્રીહનુમાનજીએ કહ્યુ, હે ભાઈ! સાંભળો, હું માતા જાનકીજીને જોવા માંગુ છું.
જ્યારે વિભીષણજીએ માતા જાનકીજી લંકામાં કેવી રીતે રહે છે? તેનું વર્ણન કર્યું, ત્યારે શ્રીહનુમાનજીને માતા સીતાજીને મળવાની તિવ્ર ઉત્કંઠા થઇ. ઉપર દોહા – ૭માં શ્રીહનુમાનજીએ વિભીષણજીને સખા એટલે કે મિત્ર કહ્યા હતા. અહીં “ભ્રાતા” અર્થાત ભાઇ કહે છે. બન્ને પ્રભુ શ્રીરામના જ ભક્તો છે એટલે કે મિત્રો છે અને અહીં માતાજીને મળવાની વાત આવી તો બન્ને ભાઈઓ પણ છે. “દેખી ચહઉઁ જાનકી માતા” અર્થાત અહીં શ્રીહનુમાનજી માતા જાનકીજીને જોવાની આતુરતા જતાવે છે, “રામ કાજ કરિબે કો આતુર”. વિભીષણજીને કહે છે કે, આપ મને જલ્દીથી જણાવો કે હું કઇ રીતે માતા જાનકીજીના દર્શન ઝડપથી કરી શકું? ભગવાનના ગુણસમૂહોનું વર્ણન કરીને-સાંભળીને અનિર્વચનીય શાંતિ મળી હતી. તેને છોડીને શ્રીહનુમાનજી માતાજીના દર્શન માટે ઉત્સુક છે. શ્રીહનુમાનજીને માતાજીના દર્શન માટે આટલા ઉત્સુક જોઇને વિભીષણજીએ શું કર્યું? “જુગુતિ બિભીષન સકલ સુનાઈ” અર્થાત વિભીષણજીએ માતા જાનકીજીના દર્શનની બધી જ યુક્તિઓ કહી સંભળાવી. અહીંથી આગળની કથા આવતા અંકમાં જોઇશુ.
આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સિયારામ…..
મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥
|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||