શ્રી ગણેશાય નમ:
શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્ગુરુ દેવાય નમ: |
અગાઉના લેખ શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૨ | હેતુ રહિત પરહિત રતસીલા (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-022/)માં આપણે જોયું હતુ કે, દેવતાઓએ નાગમાતા સુરસાને શ્રીહનુમાનજીની પરીક્ષા લેવા માટે મોકલ્યા. શ્રીઅંજનીનંદન તેને પ્રભુ શ્રીરામનું કાર્ય પૂર્ણ કરવા જવા દેવા અનેક પ્રકારે સમજાવે છે અને વિનંતી કરે છે, પરંતુ તેણી કોઈ રીતે શ્રીહનુમાનજીને આગળ જવા દેતી નથી. શ્રીહનુમાનજી સુરસાને કેવી-કેવી રીતે સમજાવે છે? ત્યાંથી આજની કથામાં આગળ વધીએ.
શ્રીમારુતીનંદન સુરસાને વિવિધ પ્રકારે સમજાવે છે. પહેલા તો પોતે પ્રભુ શ્રીરામનું કાર્ય કરવા જઇ રહ્યા છે, માટે ન રોકવા વિનંતી કરે છે. પછી સત્યના સોગંધ ખાધા કે ‘સત્ય કહઉઁ’ સાચુ કહું છું કે આપની પાસે પાછો ફરીશ. ત્યારબાદ એવું વિચારી કે સુરસા પણ એક સ્ત્રી હોઇ અન્ય સ્ત્રીનું દુખ સમજી શકશે, માતા જાનકીજીના દુખની વાત કરી. અંતે ‘જાન દે માઈ’ કહીને તેણીને માતા તરીકેનું સન્માન પણ આપ્યું કે જેથી પોતાને પુત્ર માનીને પ્રેમ અને વિશ્વાસથી જવા દે. પરંતુ સુરસા કોઇ રીતે જવા દેતી નથી.
ભક્તિની શોધમાં નિકળીએ પછી તેમાં આવતી બાધાઓ એમ જલ્દીથી પીછો ન છોડે અને એક સાચા ભક્તની ભક્તિની શોધ પણ સામે એટલી જ દ્રઢ હોય છે. શ્રીહનુમાનજીને તો રામકાર્ય કોઇપણ રીતે પૂર્ણ કરવું જ હતું. કોઇપણ કાર્ય પાર પાડવા માટે વિદૂરનીતિ અને ચાણક્યની રાજનીતિમાં મુખ્ય ચાર ઉપાયો વર્ણવવામાં આવેલા છે. સામ (પ્રિય વાણીથી સમજાવવું), દામ (જેને આપણે સામાન્ય રીતે કોઇ રકમ ચૂકવી ખરીદી લેવાના અર્થમાં સમજતા હોઇએ છીએ, પરંતુ તેમાં દાનનો પણ સમાવેશ પણ થાય છે), દંડ (નાણાકીય દંડ, શારીરિક સજા કે વધની સજા) અને ભેદ(પરસ્પર ભેદબુદ્ધિ ઉત્પન્ન કરાવી છુટા પાડવા કે સંપ તોડવો). શ્રીહનુમાનજી ‘સકલગુણ નિધાનમ્’ અર્થાત તમામ ગુણોના સ્વામી છે. તેઓ તમામ નીતિઓ જાણે છે, પરંતુ પહેલા તેઓ એક સંત છે, એક ભક્ત છે માટે તેઓએ પ્રથમ રસ્તો દાનનો અપનાવ્યો, ‘તબ તવ બદન પૈઠહઉઁ આઈ’, કે હું સામેથી આવીને તમારા મુખમાં પ્રવેશી જઇશ. સુરસા ન માની એટલે ‘મોહિ જાન દે માઈ’ માતા કહીને સામ નીતિનો ઉપયોગ કર્યો, તેમ છતાં તેણી ન જ માની. શ્રીહનુમાનજી એક સંત તરીકે સામેવાળી વ્યક્તિને માતાથી સંબોધે છે, ત્યારે તેની સામે દંડ અને ભેદ નીતિના પ્રયોગનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. શ્રીહનુમાનજીના બધા પ્રયત્નો અહીં પુરા થઇ જાય છે અને તેણી કોઇ રીતે આગળ જવા દેતી નથી એટલે માનસકારે લખ્યું છે કે, કવનેહુઁ જતન દેઇ નહિં જાના.
બાબાજી આગે લિખતે હૈ, ત્યારે શ્રીહનુમાનજી કહે છે કે ‘ગ્રસસિ ન મોહિં કહેઉ હનુમાના’ હે સુરસા! તો પછી મારું ભક્ષણ જ કરી જાઓ! બીજું શું? અહીં ‘ગ્રસસિ ન’ આ શબ્દ સમુહના બે પ્રકારે અર્થ થઇ શકે. પહેલો, કે તમે મને કોઇ રીતે આગળ જવા દેતા નથી, તો પછી મને તમારો આહાર કેમ બનાવી લેતા નથી? મને આરોગી જાઓ. બીજો, તમે મને ગ્રસી જવા ઇચ્છો છો, પરંતુ તે શક્ય નથી. તમારી તાકાત નથી કે મને ગ્રસી શકો. અહીં ધ્યાનથી સમજજો, મારા મતે આ બન્ને અર્થ અહીં એકીસાથે જ વણી લેવામાં આવ્યા છે. કોઇપણ કાર્ય કરવા પહેલા યુક્તિનો પ્રયોગ કરવો જોઇએ અને યુક્તિથી કાર્ય ન પતે તો જ બળનો ઉપયોગ કરવો જોઇએ, એ જ યોગ્ય નીતિ છે. શ્રીહનુમાનજીએ પહેલા સુરસાને યુક્તિપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો અને પછી તેણી ન જ સમજતા, અધ્યાત્મ રામાયણ અને વાલ્મીકીય રામાયણ બન્નેમાં ઉલ્લેખ છે તે મુજબ શ્રીહનુમાનજી ક્રોધિત થઇને કહે છે કે તો પછી મને ગ્રસી શકો તો ગ્રસી જાઓ. આમ, બળપૂર્વક પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરીને સુરસાની સામે ઉભા રહી જાય છે.
જોજન ભરિ તેહિં બદનુ પસારા । કપિ તનુ કીન્હ દુગુન બિસ્તારા ॥
સોરહ જોજન મુખ તેહિં ઠયઊ । તુરત પવનસુત બત્તિસ ભયઊ ॥
જસ જસ સુરસા બદનુ બઢા઼વા । તાસુ દૂન કપિ રૂપ દેખાવા ॥
સુરસાએ એક યોજન (ચાર ગાઉ) જેટલું મુખ ફેલાવ્યું, ત્યારે શ્રીહનુમાનજીએ પોતાનું શરીર તેનાથી બમણું મોટું કરી દીધું. તેણીએ સોળ યોજનનું મુખ કર્યું, તો શ્રીહનુમાનજી તરત જ બત્રીસ યોજનના થઇ ગયા. જેમ-જેમ સુરસા પોતાનું મુખ મોટું કરતા ગયા, તેમ-તેમ શ્રીહનુમાનજી તેનાથી બમણું રૂપ બતાવતા હતા.
સુરસાએ શરૂઆતમાં પોતાનું મુખ એક યોજનનું એટલે કે ચાર ગાઉનું કર્યું કે જેથી શ્રીહનુમાનજી તેમાં પ્રવેશી જાય. તેણી શ્રીહનુમાનજીની પરીક્ષા લેવા આવી હતી, તો પછી બુદ્ધિમતાં વરિષ્ઠમ પણ થોડા ઓછા ઉતરે? શ્રીહનુમાનજીએ પોતાનું શરીર તેનાથી બમણું મોટું કરી દીધું એટલે કે શ્રીહનુમાનજી અહીં એવું સુચવે છે કે હું તમને તમારી ભાવના કરતા બમણું ભોજન આપુ છું. અહીં ચોપાઈમાં સુરસાના ‘બદનુ’ મુખનું અને શ્રીહનુમાનજીના ‘તનુ’ શરીરનું વર્ણન છે. જેની જેવી ભાવના હોય, તેવું નિરૂપણ કરવામાં આવ્યું છે. સુરસાની ભાવના આહારની દર્શાવી છે એટલે તેના મુખનું વર્ણન કરવામાં આવ્યું છે, જ્યારે શ્રીહનુમાનજી તેના આખા શરીર સ્વરૂપે તેનું ભોજન બનવાની ભાવના જતાવે છે, માટે તેના શરીરનું વર્ણન કરવામાં આવેલું છે.
માનસકારે ત્યારબાદ લખ્યું છે, ‘સોરહ જોજન મુખ તેહિં ઠયઊ, તુરત પવનસુત બત્તિસ ભયઊ’ સુરસાએ સોળ યોજનનું મુખ કર્યું અને શ્રીહનુમાનજીએ એ જ ક્ષણે તેનાથી બમણું બત્રીસ યોજનનું શરીર ધારણ કર્યું, તેવું વર્ણવેલું છે. પહેલા તો અહીં શ્રીહનુમાનજી વિના વિલંબે અતિ શીઘ્રતાથી બમણું શરીર કરી લેતા હોય, તેની ઝડપ દર્શાવવા ‘પવનસુત’ ઉદ્બોધન કરવામાં આવેલું છે. બીજું, મુખ પહોળું કરવાની બાબતમાં વિવિધ રામાયણમાં સુરસાના મુખની વિશાળતા માટે અલગ-અલગ વર્ણન કરવામાં આવેલું છે. અધ્યાત્મ રામાયણમાં શરૂઆત પાંચ યોજનથી થાય છે. ત્યારબાદ સુરસા વીસ યોજન અને પચાસ યોજનનું મુખ કરે છે અને તેણીનું મુખ પચાસ યોજનનું થતાં જ શ્રીહનુમાનજી અંગૂઠા જેવડું રૂપ ધરીને તેના મુખમાં પ્રવેશી ઝડપથી બહાર આવી જાય છે, તેવું વર્ણવેલું છે. વાલ્મીકિય રામાયણમાં પહેલા સુરસા દસ યોજનનું મુખ કરે છે પછી વીસ યોજન, ચાલીસ યોજન, સાઇઠ યોજન, એંસી યોજન અને અંતે સો યોજનનો મુખનો વિસ્તાર કરે છે અને ત્યારે શ્રીહનુમાનજી અંગૂઠા જેવડા થઇને તેના મુખમાં પ્રવેશ કરીને તરત જ પાછા બહાર નીકળી જાય છે, તેવું વર્ણન કરવામાં આવેલું છે.
શ્રીતુલસીદાસજીએ આવા મતમતાંતરને ધ્યાને લઇ સુરસાના મુખથી શ્રીહનુમાનજીનું શરીર મોટું કરવાનું એક પ્રતિકાત્મક ઉદાહરણ ‘સોરહ જોજન મુખ તેહિં ઠયઊ, તુરત પવનસુત બત્તિસ ભયઊ’ દર્શાવી આગળ જણાવી દીધું કે, ‘જસ જસ સુરસા બદનુ બઢા઼વા, તાસુ દૂન કપિ રૂપ દેખાવા’, જેમ-જેમ સુરસા પોતાનું મુખ મોટું કરતી ગઇ, તેમ-તેમ શ્રીહનુમાનજી પોતાનું શરીર તેનાથી બમણું બતાવતા ગયા, તેવું લખી દીધું. એક ઔર બાત, સુરસા વાસ્તવમાં મુખ પહોળું કરતી જાય છે, જ્યારે શ્રીહનુમાનજી પોતાનું શરીર તેનાથી મોટું છે તેવું બતાવે છે, જે એક માયા સ્વરૂપ છે.
અહીં સુરસા વિશિષ્ઠ બળ અને બુદ્ધિ બન્નેની પરીક્ષા લેવા આવી હતી, તો શ્રીહનુમાનજી યુક્તિપૂર્વક અને બમણું સામર્થ્ય દર્શાવી બન્નેના પ્રમાણ આપે છે. જ્યારે ભક્તિના કે સત્યના માર્ગે ચાલતા હોઇએ અને કોઇ સાથે તકરાર થાય, કોઇ માર્ગમાં અડચણ બનીને આવી જાય; તો તેને સામર્થ્ય અને બુદ્ધિશક્તિનો પરીચય જરૂર આપવો, પરંતુ તેની સાથે વ્યર્થ તકરારમાં સમય વ્યતિત કરવાને બદલે આપણું કદ મોટું કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. હું ક્યારેય ખોટી બાબતો સહન કર્યે રાખવાની હિમાયત નથી કરતો, કારણ કે તે કાયરતાની નિશાની છે. આપણા શાસ્ત્રોમાં એક પણ ભગવાન શસ્ત્ર વગરના નથી અને સાથે તેના ઉપયોગની મર્યાદાથી પણ આપણે સહુ અવગત જ છીએ. સાચો ભક્ત કોઇની સાથે ઝગડવા કે કોઇને નીચા દેખાડવા કરતા પોતાની લીટી મોટી કરવા માટે, પ્રભુની વધુ સમીપ જવા માટે પ્રયત્નશીલ રહે છે. કોઇને મારો નહિ, કોઇને તોડો નહિ, તેના મુખમાં જઈ પાછા ફરી જાઓ. બોર્ડમાં દોરેલી લીટીને અડ્યા કે ભૂંસ્યા વગર પોતે મોટી લીટી દોરી, પોતાનું જ્ઞાન અને સામર્થ્ય વધારી, સામેવાળાની લીટી નાની બનાવો. કિસી સે તકરાર કરને કી આવશ્યકતા નહીં હૈ. શ્રીહનુમાનજી પોતાનું શરીર વિશાળ કેમ કરતા ગયા? તેને સુરસાને નીચા નહોતા બતાવવા, પરંતુ શ્રીરામભક્તના નાતે પોતાનું કદ મોટું દર્શાવવું હતુ, પોતાનું સામર્થ્ય દર્શાવવું હતું. જેનાથી દેવતાઓને ખાત્રી થઈ જાય કે રામકાર્ય અને બીજી રીતે જોઇએ તો દેવતાઓનું પોતાનું જ કાર્ય સફળ થવાનું છે.
આજની કથામાં આપણે શ્રીહનુમાનજી સુરસાને પ્રભુકાર્ય કરવા જવા દેવા કઇ-કઇ રીતે સમજાવે છે અને પોતાના બળ તથા બુદ્ધિનું સામર્થ્ય કઇ રીતે બતાવે છે તે જોયું. આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સિયારામ…..
ગયા અંકનો પ્રશ્ન – લંકા જવા સેતુ બાંધતી વખતે ભગવાન શ્રીરામે સ્થાપેલ શિવલિંગનું નામ શું છે? – રામેશ્વર.
આ અંકનો પ્રશ્ન – રાજા જનક વતી પ્રભુ શ્રીરામના વિવાહનું આમંત્રણ લઈને રાજા દશરથ પાસે કોણ ગયું હતું?
મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥
|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||
Very nice
Excellent