Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૪ | વાસનાનું પ્રતિક સુરસા | Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૪ | વાસનાનું પ્રતિક સુરસા | Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૪ | વાસનાનું પ્રતિક સુરસા | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગલા ભાગમાં (શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૩ | સકલગુણ નિધાનમ્‌ – શ્રીઅંજનીનંદન –  http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-023/ )માં આપણે સમીરસુત સુરસાને પ્રભુકાર્ય કરવા જવા દેવા કઇ-કઇ રીતે સમજાવે છે? અને પોતાના બળ તથા બુદ્ધિનું સામર્થ્ય કઇ રીતે બતાવે છે, તે જોયું હતું. અંતે સુરસા સો યોજન એટલે કે ચારસો ગાઉના સમુદ્રના જેવડું પોતાનું મુખ ફેલાવી દે છે, ત્યારે ગોસ્વામીજી લખે છે –

સત જોજન તેહિ આનન કીન્હા અતિ લઘુ રૂપ પવનસુત લીન્હા

બદન પઇઠિ પુનિ બાહેર આવા માઁગા બિદા તાહિ સિરુ નાવા

જ્યારે સુરસાએ સો યોજન(ચારસો ગાઉ)નું વિશાળ મુખ કર્યું, ત્યારે શ્રીહનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કરી લીધું. આવું નાનું રૂપ ધારણ કરીને તેઓ સુરસાના મુખમાં પેસી ગયા અને પછી તરત જ પાછા બહાર પણ નીકળી આવ્યા અને તેણીને શીશ નમાવીને વિદાય માગી.

સુરસાએ સો યોજનનું વિશાળ મુખ કર્યુ. સુરસાએ મુખ આડું ખોલ્યુ હતુ કે ઊભું ખોલ્યુ હતું? તે એક યક્ષ પ્રશ્ન છે અને બન્ને માટે અલગ-અલગ તર્ક પણ છે. અહીં આપણે મુખ ઊભું ખોલ્યુ હશે, તેવા તર્ક સાથે આગળ વધીએ. શ્રીહનુમાનજીના પણ આખા શરીરનું વર્ણન છે એટલે કે તેઓના મોટા સ્વરૂપનું વર્ણન છે અર્થાત તેઓ ઉંચા થયા હતા, જાડા થયા ન હતા. જેવું સુરસાએ આટલુ મોટું મુખ ખોલ્યુ કે શ્રીહનુમાનજીએ અતિ લઘુ રૂપ પવનસુત લીન્હા તુરંત જ એકદમ નાનું સ્વરૂપ ધારણ કરી લીધુ. ક્યારે અને કોની સામે નાનું બનવું, તે પણ બુદ્ધિચાતુર્યનું પ્રમાણ છે. જે યોગ્ય સમયે નાના નથી થઇ શકતા તે ઘણા હેરાન થતા હોય છે. સમાજમાં ફક્ત નાણાકીય સધ્ધરતાની બાબતમાં નાના ન થઇ શકવાને કારણે દેવામાં ડૂબી જતા ઘણા જોવા મળે છે. યોગ્ય સમયે નાના થઇ જવાથી ઘણી મુશ્કેલીઓમાંથી બચી શકાય છે. શ્રીહનુમાનજી ઝડપથી અતિ નાનું સ્વરૂપ ધારણ કરીને સુરસાના મુખમાં પેસી ગયા. અગાઉ આપણે જોયું હતુ કે, અધ્યાત્મ રામાયણમાં જ્યારે સુરસા શ્રીહનુમાનજીની સામે આવીને કહે છે કે દેવોએ મને આહાર તરીકે તમને આપ્યા છે, ત્યારે એવું પણ કહે છે કે, એહિ મે બદનં શીઘ્રં પ્રવિશસ્વ” અર્થાત આવો, ઝડપથી તમે મારા મુખમાં પ્રવેશ કરો. આમ, અગાઉ સુરસાએ શ્રીહનુમાનજીને મુખમાં પ્રવેશવાનું કહ્યુ હોય, શ્રીહનુમાનજી અતિ નાનું સ્વરૂપ ધારણ કરીને સુરસાના મુખમાં પેસી ગયા. સુરસાએ તો એટલુ મોટું મુખ ફેલાવ્યુ હતુ કે બંધ કરતા વાર તો લાગે જ ને! અને પ્રભુભક્ત? તુરંત જ નાનો થઇ શકે, પરંતુ વાસનાનો ભુખ્યો માણસ વધુને વધુ ભોગ ભોગવવા પોતાની પ્રવૃતિઓનો એટલો વિસ્તાર કરીને બેઠો હોય કે તેને સમેટતા વાર લાગે અર્થાત પોતાની વાસનાઓ કે ઇચ્છાઓને તુરંત છોડી શકતો નથી. સુરસા હજુ તો મુખ બંધ કરે તે પહેલા તો શ્રીહનુમાનજી તેના મુખમાં પ્રવેશી, આંટો મારીને પાછા બહાર પણ આવી ગયા.

શ્રીહનુમાનજીએ મુખમાંથી બહાર આવીને પછી માથું નમાવીને, પ્રણામ કરીને વિદાય માંગી. કોઇએ એવું કહ્યું કે સુરસાને ભોઠા પાડવા માટે શ્રીહનુમાનજીએ મસ્તક નમાવીને વિદાય માંગી. મારું માનવું છે કે શ્રીહનુમાનજી સુરસાને અગાઉ માતા તરીકે સંબોધન કરી ચૂક્યા છે, માટે આદરભાવ સાથે પ્રણામ કરી વિદાય માંગી રહ્યા છે. સુરસાએ કહ્યુ હતુ કે, ‘એહિ મે બદનં શીઘ્રં પ્રવિશસ્વ અને શ્રીહનુમાનજીએ પણ વચન આપ્યુ હતુ કે, તબ તવ બદન પૈઠહઉઁ આઈ’. આમ, સુરસાની ઇચ્છા અને પોતાના વચનને પૂર્ણ કરીને શ્રીહનુમાનજી માતૃભાવના આદર સહ મસ્તક નમાવીને, વંદન કરીને વિદાય માંગી રહ્યા છે. આ સમયે શ્રીહનુમાનજીનું સામર્થ્ય અને બુદ્ધિચાતુર્ય જોઇને સુરસા કહે છે –

મોહિ સુરન્હ જેહિ લાગિ પઠાવા બુધિ બલ મરમુ તોર મૈં પાવા

દેવોએ મને જે કાર્ય માટે મોકલી હતી તે મુજબ મેં તમારા બળ-બુદ્ધિનો ભેદ પામી લીધો, તાગ મેળવી લીધો છે.

હવે સુરસા શ્રીહનુમાનજીને પોતાના આવવાનું સાચું તાત્પર્ય જણાવી દે છે કે હું આપનું ભક્ષણ કરવા માટે નહોતી આવી, પરંતુ મોહિ સુરન્હ જેહિ લાગિ પઠાવા અર્થાત મને દેવોએ મોકલી હતી. બીજું, જેહિ એટલે કે જે કામ માટે. દેવોએ ક્યા કામ માટે મોકલી હતી? તો બુધિ બલ મરમુ તોર શ્રીહનુમાનજીના બળ-બુદ્ધિનો તાગ મેળવવા, તેઓના વિશિષ્ટ બળ-બુદ્ધિની કસોટી કરવા મોકલી હતી. તેણીએ શ્રીહનુમાનજીની કસોટી કરવાની હોઈ, જુઠુ બોલી હતી કે, આજુ સુરન્હ મોહિ દીન્હ અહારા આજે દેવોએ તમને મારા આહાર તરીકે આપ્યા છે. આમ, સુરસા બન્ને સ્પષ્ટતા કરી દે છે કે તેણી દેવોના મોકલવાથી આવી હતી અને દેવોએ પણ પ્રભુકાર્યમાં વિઘ્ન ઊભું કરવા નહોતી મોકલી, પરંતુ શ્રીહનુમાનજીના વિશિષ્ટ બળ-બુદ્ધિની કસોટી કરવા મોકલી હતી.

અહીં એક પ્રશ્ન એવો ઉઠે કે આવી પરીક્ષા જ કેમ લીધી? જે વ્યક્તિ જે કાર્ય કરવા માટે જતા હોય કે જેને જે કાર્ય સોંપવામાં આવ્યુ હોય, તે વ્યક્તિ તેને સોંપવામાં આવેલા કાર્યને કરવા માટે સક્ષમ તો છે ને? તે માટે કાર્યકુશળતાની પરીક્ષા લેવી પડે. શ્રીહનુમાનજીને આગળ જતા સિંહિકાના છળને શોધી તેને મારવાની છે, નાનકડું રૂપ ધરીને લંકામાં પ્રવેશ કરવાનો છે, સાત્વિક ચિહ્નો જોઇ વિભીષણ સારા માણસ છે તેવું અનુમાન લગાવવાનું છે વગેરે જેવા અપાર બળ અને કુશાગ્ર બુદ્ધિવાળા કાર્યો કરવાના હોય, તે મુજબ પરીક્ષા લેવામાં આવી છે. બીકોમની ડીગ્રી આપવાની હોય તો તે મુજબની અને સીએની ડીગ્રી આપવાની હોય તો તે મુજબની પરીક્ષા લેવામાં આવે છે, તેવી રીતે. સુરસા આગળ કહે છે કે –

:: દોહા – ૨ ::

રામ કાજુ સબુ કરિહહુ તુમ્હ બલ બુદ્ધિ નિધાન આસિષ દેઇ ગઈ સો હરષિ ચલેઉ હનુમાન

હે સમીરસુત! આપ બળ-બુદ્ધિના ભંડાર છો, તેથી શ્રીરામચંદ્રજીના સર્વે કાર્યો કરશો. આવા આશીર્વાદ આપીને તેણી ચાલી ગઇ; પછી શ્રીહનુમાનજી હરખભેર આગળ ચાલ્યા.

અગાઉ જામવંતજીએ શ્રીહનુમાનજીને કહ્યુ હતુ કે, “એતના કરહુ તાત તુમ્હ જાઈ, સીતહિ દેખી કહહુ સુધિ આઈ” અર્થાત હે તાત! આપ બસ એટલું કરો કે લંકા જાવ, ત્યાં જઈ માતા સીતાજીને જોઈને પાછા આવો અને પછી તેના સમાચાર પ્રભુ શ્રીરામને પહોંચાડો. જ્યારે ભગવાને આપણને કંઇક સંદેશો આપવો હોય તો તે કોઇપણ રૂપે આવીને આપે. અહીં સુરસાના ‘રામ કાજુ સબુ કરિહહુ’ શબ્દો થકી પ્રભુએ શ્રીહનુમાનજીને સંદેશો પાઠવ્યો કે, હે હનુમાન! તમારે જામવંતજીએ કહ્યુ છે એ ઉપરાંત વિશેષ કાર્યો પણ કરવાના છે. માતા સીતાજીને પ્રભુએ આપેલી મુદ્રિકા પહોંચાડવાની છે, અંગદના ભયને કાયમ માટે દૂર કરવા અક્ષકુમારનો વધ કરવાનો છે, રાવણના સામ્રાજ્યનો ચિતાર મેળવવાનો છે અને અંતે સૌથી અગત્યનું તેવું પ્રભુ શ્રીરામે શ્રીહનુમાનજીને માતા સીતાજીને શોધવા જતી વખતે કહ્યુ હતુ તે “બહુ પ્રકાર સીતહિ સમુઝાએહુ, કહિ બલ બિરહ બેગિ તુમ્હ આએહુ” એટલે કે સીતાને અનેક પ્રકારે સમજાવજો અને મારું બળ તથા વિરહ કહીને તમે શીઘ્ર પાછા આવજો. આ બધા કાર્યો કરવાના હોય, સુરસા કહે છે, ‘રામ કાજુ સબુ કરિહહુ’. સુરસા આગળ કહે છે, ‘તુમ્હ બલ બુદ્ધિ નિધાન’ તમે બળ અને બુદ્ધિના ભંડાર છો, માટે તમે આ તમામ કાર્યો કરી શકશો. સુરસા આવું ખાતરીપૂર્વક કહે છે કારણ કે પરીક્ષક છે ને? પોતે જ કસોટી કરી છે અને શ્રીહનુમાનજી તેમાં ઉતિર્ણ થયા છે, તેથી પુરા વિશ્વાસ સાથે કહે છે કે, ‘તુમ્હ બલ બુદ્ધિ નિધાન’.

“આસિષ દેઇ ગઈ સો હરષિ ચલેઉ હનુમાન”. શ્રીહનુમાનજીને તેઓ પ્રભુ શ્રીરામના ‘સબુ’ તમામ કાર્યો કરી શકશો, તેવા સુંદર આશીર્વાદ આપીને તેણી ત્યાંથી જતી રહે છે. અહીં સુરસા શ્રીહનુમાનજીને આશીર્વાદ આપે છે, તેનું કારણ સ્વાભાવિક રીતે જ તેણીને માતા તરીકે સંબોધન કરવામાં આવ્યું હતુ તે હોઇ શકે અને આ એક વધુ પ્રમાણ પણ છે કે શ્રીહનુમાનજીએ તેણીને આદરપૂર્વક જ માથું નમાવી વિદાય માંગી હતી. જેવા સુરસાના ચાલ્યા ગયા કે શ્રીહનુમાનજી ફરી પ્રભુકાર્યના પંથે આગળ વધ્યા. જ્યારે સમુદ્ર કિનારેથી શ્રીહનુમાનજી પ્રભુકાર્યાર્થે યાત્રાનો પ્રારંભ કરે છે, ત્યારે ચલેઉ હરષિ એટલે કે શ્રીહનુમાનજી હરખાઇને ચાલ્યા હતા અને અહીં માનસકાર ફરી લખે છે કે હરષિ ચલેઉ. એકવખત આપણે હર્ષભેર કોઇ કામ શરૂ કરીએ, ત્યારે જ કોઇ વિઘ્ન આવે અને પ્રભુકૃપાથી તે દૂર થઇ જાય, તો કેવો આનંદ થાય? હાશ! છુટ્યા, હવે ફરી પ્રભુકાર્ય થઇ શકશે. તેવી રીતે શ્રીહનુમાનજીના કાર્યમાં આવેલી બાધા પ્રભુકૃપાથી દૂર થઇ ગઇ હોય, બાબાજીને લિખા હૈ, હરષિ ચલેઉ હનુમાન.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. આવતા અંકે આ સંદર્ભમાં અધ્યાત્મ રામાયણમાં શું કહેવામાં આવ્યુ છે તથા માનસમાં વણી લેવામાં આવેલ જીવનદર્શન મુજબ ભક્તિના માર્ગના પથે ક્યા-ક્યા વિઘ્નો આવે અને તેમાં સુરસાનું શેનું પ્રતિક છે? તેની વિગતો સાથે કથાને આગળ ધપાવીશુ.

ગયા અંકનો પ્રશ્ન – રાજા જનક વતી પ્રભુ શ્રીરામના વિવાહનું આમંત્રણ લઈને રાજા દશરથ પાસે કોણ ગયું હતું? – શતાનંદ

આ અંકનો પ્રશ્ન – સંપાતિને જટાયુના મૃત્યુના સમાચાર કોણે આપ્યા હતા?

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here