Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૫ | ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા: | Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૫ | ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા: | Sundarkand | सुंदरकांड

1
શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૫ | ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા: | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રીરામચરિતમાનસની દરેક ચોપાઈમાં ગોસ્વામીજીએ આધ્યાત્મિક ભાવની સાથે જીવનદર્શન પણ ખૂબ બારીકાઇથી વણી લીધુ છે. ગયા અઠવાડિયાની કથા શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૪ | વાસનાનું પ્રતિક સુરસા માં આપણે નાગમાતા સુરસા શ્રીહનુમાનજીને ‘રામ કાજુ સબુ કરિહહુ’ તેવા આશિષ આપીને જતા રહે છે, ત્યાં સુધીની કથા જોઇ હતી. સુરસા જતી વખતે શું કહે છે, તે વિશે અધ્યાત્મ રામાયણમાં શું લખ્યુ છે? ત્યાંથી આજની કથાની શરૂઆત કરીએ.

અધ્યાત્મ રામાયણમાં લખ્યુ છે કે સુરસાએ જતી વખતે શ્રીહનુમાનજીને એમ કહ્યુ કે, ‘હે બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ! આપ જાઓ. પ્રભુ શ્રીરામચંદ્રજીનું કાર્ય ઝડપથી પૂર્ણ કરો. હે વાનરરાજ! દેવતાઓ આપની બળ-બુદ્ધિ જાણવા માંગતા હતા. તેથી મને અહીં આપની પાસે મોકલી હતી. મને ખાતરી છે કે તમે સીતાજીને જોઇને પાછા ફરશો અને ઝડપથી પ્રભુ શ્રીરામને મળશો.’

સુંદરકાંડની આ સુંદર કથામાં સુરસાના પ્રસંગ પછી ગોસ્વામીજી શ્રીતુલસીદાસજી દ્વારા વણી લેવામાં આવતા જીવનદર્શન વિશે થોડુ ચિંતન કરીએ. ભક્તિના માર્ગે આગળ વધીએ એટલે અનેક વિઘ્નો આવે. પહેલું વિઘ્ન આવે કંચનનું, ધન-દોલતનું. અગાઉ મૈનાક વિશેની કથામાં આપણે જોયું હતું કે તે સુવર્ણના શિખરોવાળો પર્વત હતો. કોઇએ સાચુ જ કહ્યુ છે, ‘જીવનમાં પૈસાની બહુ જરૂર છે, પરંતુ બહુ પૈસાની જરૂર નથી’. પૈસા-ધન-કંચનનો વિરોધ ન હોય, તેના વગર કોઇને ચાલવાનું નથી. તેનો વિરોધ કરનારા દંભી હોય છે, તેવું માની શકાય, પરંતુ अति सर्वत्र वर्जयेत्. શ્રીહનુમાનજીની જેમ તેને સ્પર્શ કરીને, તેનું માન જાળવીને આગળ વધી ગયા, તેમ જીવનમાં જરૂરી હોય તેટલું અર્થોપાજન કરીને, જીવનના સાચા ધ્યેય પ્રભુભક્તિ માટે આગળ વધી જવું જોઇએ.

બીજું વિઘ્ન આવે કામિની, એટલે કે અહીં તેનો અર્થ છે વાસના. સુરસા એ વાસનાનું પ્રતિક છે અને વાસનાનો સ્વભાવ છે, સતત વધતુ રહેવું. વાસના જેટલી ભોગવો તેટલી તેની તૃષ્ણા વધતી જ જાય, વાસના મોઢુ મોટુ કરતી જ જાય. આ વાસના સંદર્ભમાં ભર્તુહરિએ સ્મશાનની રાખ ઉપર બેસીને નીતિશતકમાં લખ્યુ છે, “ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા:” અર્થાત આપણે ભોગને નથી ભોગવતા, પરંતુ આપણે જ ભોગવાઇ જઇએ છીએ. એક વખત મોરારીબાપુની કથા સાંભળતો હતો, ત્યારે સુરસાના આ પ્રસંગમાં વાસના વિશે સમજાવતા બાપુએ એક સુંદર વાત કહેલી. આ કથાના અગાઉના ભાગ(http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-024/)માં આપણે સુરસા મુખ મોટુ કરે છે ત્યારે તેણીએ મુખ ઊભું ખોલ્યુ હશે, તેવા તર્ક સાથે કથા જોઇ હતી. જ્યારે બાપુએ કહ્યુ કે સુરસાએ ચારસો ગાઉના સમુદ્રમાં તેના જેવડું જ ચારસો ગાઉનું મુખ આડુ પહોળું કર્યુ હતું કે ખોલ્યુ હતું. જેનાથી આખો સમુદ્ર ઢંકાઇ ગયો હતો. તેનો અર્થ એવો સમજાવ્યો હતો કે આપણું આખુ જીવન, આપણો આખો ભવસાગર વાસનાથી વ્યાપ્ત થઇ જાય, તો પછી જીવ ભક્તિના માર્ગે ત્યાંથી આગળ કઇ રીતે વધી શકે? આ વાસના તેને ત્યાંથી આગળ વધવા જ ન દે.

ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તાઃ તપો ન તપ્તં વયમેવ તપ્તાઃ ।
કાલો ન યાતો વયમેવ યાતાઃ તૃષ્ણા ન જીર્ણાઃ વયમેવ જીર્ણાઃ ॥
 
આપણા વડે ભોગો નથી ભોગવાયા, પરંતુ આપણે જ ભોગાવઈ ગયા. આપણા વડે તપ ન તપાયું, પણ આપણે જ તપાઈ ગયા. કાળ નથી ચાલ્યો ગયો, પણ આપણે જ ચાલ્યા ગયા. તૃષ્ણા ઘરડી નથી થઈ, પરંતુ આપણે જ ઘરડા થઈ ગયા.
નિતીશાસ્ત્ર

અહીં બે વાત બહુ અગત્યની અને સમજવા જેવી છે. પહેલી, જો વાસનાનો પ્રતિકાર કરીએ કે અતિરેક કરીએ, તો પ્રભુકાર્ય શક્ય ન બને કે ભક્તિની પ્રાપ્તિ શક્ય ન બને. હા, બહુ સમજીને કહી રહ્યો છું કે તેનો પ્રતિકાર કરીએ, તો પણ ભક્તિની પ્રાપ્તિ શક્ય ન બને. વાસનાના મુખમાં પેસી, આંટો મારી અને પાછો બહાર નિકળી જાય તે વિરલો જ ભક્તિને પ્રાપ્ત કરી શકે. સંસારમા રહીને ઉદાસિનતા કેળવવામાં આવે તો જ ભક્તિ પ્રાપ્ત થાય. વાસના ક્યારેય મરતી નથી, તેને જીતવી પડે અથવા તો સાંસારિક વાસનામાંથી ભગવદીય વાસના તરફ જીવને વાળવો પડે, તો ભક્તિની પ્રાપ્તિ થાય, તો પ્રભુ શરણ પ્રાપ્ત થાય. જીવનને પ્રભુકાર્યાર્થે વાળો તો વાસના ઉપર જીત ચોક્કસ મેળવી શકાય, પરંતુ તે કદી પણ મરતી નથી, તે સનાતન સત્ય છે. બીજું, વાસનાને જીતવી હોય તો ઇન્દ્રીયોને સંકોચતા શીખવું પડે કે આવડવું જોઇએ. ક્યા સમયે ઇન્દ્રીયોને સંકોચી લેવી, તે પણ ખૂબ મહત્વનું છે. કદાચ આ સમયનું વ્યક્તિને સ્મરણ રહે તે માટે જ પ્રાચિન સમયમાં ચાર આશ્રમ(બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ)ની વ્યવસ્થા રાખવામાં આવી હશે. બાકી તો જેમ વાસનાનો વિસ્તાર કરતા જાઓ તેમ તે વધતી જ જાય, વધતી જ જાય. તેનો કોઇ અંત નથી અને તેમાં જ આપણે ભોગવાઇ જઇએ છીએ.

ભક્તિનો મારગ છે શૂરાનો, નથી કાયરનું કામ. ભક્તિના પંથે ચાલો, તો એક પછી એક વિઘ્ન તો આવવાનું જ. ડગલે ને પગલે પરીક્ષા તો આવવાની જ. સુરસાની પરીક્ષામાંથી પસાર થઇ, શ્રીહનુમાનજી હવે સમુદ્રમાં આગળ વધે છે. ત્યાં તો –

નિસિચરિ એક સિંધુ મહુઁ રહઇ કરિ માયા નભુ કે ખગ ગહઇ

સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી અને તે માયા કરીને આકાશમાં ઊડતા પંખીઓને પકડી લેતી હતી.

અહીં ચોપાઇનો પ્રથમ શબ્દ છે, નિસિચરિ. નિશાચરનો શબ્દકોષ મુજબ અર્થ થાય છે, રાત્રે ફરનાર. તેનું સ્ત્રીલિંગ એટલે નિશિચરિ અર્થાત રાત્રિએ ફરનારી સ્ત્રી. રાક્ષસી અને ગણિકા બન્ને માટે આ જ શબ્દ વપરાય છે. અહીંયા બાબાજીએ રાક્ષસીની વાત કરી, પરંતુ તેનું નામ નથી લખ્યું. વાલ્મીકીય રામાયણ અને અધ્યાત્મ રામાયણમાં તેણીના નામનો ઉલ્લેખ જોવા મળે છે. આ રાક્ષસીનું નામ હતું, સિંહિકા. સિંહિકાનો થોડો પરિચય જોઇએ તો તેણી હિરણ્યકશિપુની પુત્રી, વિપ્રચિતિ રાક્ષસની પત્નિ અને રાહુ વગેરે જેવા અતિ ભયાનક ૧૩ રાક્ષસોની માતા હતી. તેણી ઇચ્છાનુસાર રૂપ ધારણ કરી શકનારી અને છાયાગ્રહિણી એટલે કે પડછાયા થકી જીવને પકડીને ખાઇ શકનારી હતી.

શ્રીરામચરિતમાનસમાં અને આમ જોઇએ તો સુંદરકાંડમાં જ ઘણી રાક્ષસીઓનો ઉલ્લેખ જોવા મળે છે. તે પૈકી શ્રીતુલસીદાસજીએ સુરસા, લંકિની, ત્રિજટા વગેરેના નામો લખ્યા, પરંતુ સિંહિકાનું નામ લખ્યું નથી. આ બધી રાક્ષસીઓમાં અને સિંહિકામાં કંઇક મૂળભૂત તફાવત છે. સિંહિકા સિવાયની અન્ય ત્રણેય પ્રભુકાર્યમાં બાધક ન હતી. સુરસા શ્રીહનુમાનજીના વિશિષ્ઠ બળ-બુદ્ધિની પરીક્ષા લેવા આવી હતી અને તે કાર્ય પૂર્ણ કરી, આશીર્વાદ આપીને જતી રહી. લંકિની લંકા નગરીની સુરક્ષા કરી રહી હતી માટે શ્રીહનુમાનજીને લંકા પ્રવેશ કરતા રોકે છે, પરંતુ પ્રભુ શ્રીરામના દૂત જાણી, લંકામાં પ્રવેશ કરવા દે છે. ત્રિજટા સીતાજી ઉપર અશોકવાટિકામાં પહેરો રાખે છે, પરંતુ રાક્ષસના શરીરમાં પણ પ્રભુ શ્રીરામની અનુરાગિણી જ છે. આ ત્રણેય નિષ્કપટ અને છળરહિત હતી, જ્યારે સિંહિકા કપટી અને દુષ્ટ હતી. તેણી શ્રીહનુમાનજીને પ્રભુ કાર્યમાં બાધક બનવા આવી હતી. આમ, સિંહિકાને રામવિમુખી અને પ્રભુદ્રોહી જાણી, ગોસ્વામીજીએ કદાચ તેનું નામ લખવાનું ટાળ્યું હશે.

આગળ શ્રીતુલસીદાસજીએ ‘એક’ શબ્દ લખ્યો છે, નિસિચરિ એક. આવો જ શબ્દપ્રયોગ લંકિની માટે ‘નામ લંકિની એક નિસિચરી’ અને ત્રિજટા માટે પણ ‘ત્રિજટા નામ રાક્ષસી એકા’ એવો કરવામાં આવ્યો છે. આ બધી રાક્ષસીઓ સાથે એક શબ્દના પ્રયોજનનું તાત્પર્ય એવું હોઇ શકે કે, દરેક પોતપોતાના ક્ષેત્રમાં અદ્વિતિય છે, સર્વશ્રેષ્ઠ છે. તેના જેવું અન્ય કોઇ નથી. આકાશમાં ઉડતા જીવનો સમુદ્રના પાણીમાં પડતો પડછાયો પકડીને તેની ગતિ રોકી લેવી અને પછી જેમ દોરીથી પતંગને ઉતારી લેવામાં આવે, તેમ તેને નીચે ઉતારી, પકડી અને ખાઇ જવા, તે શું કોઇ નાની-સુની આવડત છે? તેવી જ રીતે લંકા નગરીએ પોતે જ સ્ત્રીનું એટલે કે રાક્ષસીનું રૂપ ધારણ કરીને પોતાની જ રક્ષા કરવી અને મચ્છર જેવડું નાનકડું રૂપ લઇને નગરીમાં પ્રવેશતા શ્રીહનુમાનજીને પકડી પાડવા, એ પણ ખરેખર એક અજીબ સિદ્ધિ જ ગણાય. ત્રિજટા માટે જોઇએ તો રાક્ષસીનો જન્મ, તામસ દેહ અને છતાં પણ રામભક્ત, છેને અજોડ, અદ્‌ભુત? આવા વિવિધ તર્ક સાથે માનસકારે આ ત્રણેયની સાથે ‘એક’ શબ્દનો ઉપયોગ કર્યો હશે.

આગળ બાબાજી લખે છે, સિંધુ મહુઁ રહઇ અર્થાત સમુદ્રમાં જ રહેતી હતી, સુરસાની જેમ બહારથી આવી ન હતી. સુરસાને મોકલવામાં આવી હતી, આ ત્યાં દરિયામાં જ રહેતી હતી. આગળ જે ત્રણેય રાક્ષસીઓની વાત કરી, તેમાં પણ એક સુંદર સંયોગ ઊભો થયો છે. અહીં રાક્ષસીઓ એટલે કે વિઘ્ન, વિઘ્ન માટે કરવામાં આવેલુ પ્રતિકાત્મક સંબોધન. ભક્તિના પથ પર ચાલીએ તો વિઘ્નો આવે, તેવું આપણે આગળ જોયુ છે. આ વિઘ્નો કોઇપણ બાજુથી આવી શકે, તે અહીં દર્શાવવામાં આવ્યુ છે. તે સુરસાની જેમ આકાશમાંથી પણ આવે, સિંહિકાની જેમ જલમાંથી પણ આવે અને લંકિનીની જેમ જમીન પરથી પણ આવી શકે. આમ, વિઘ્ન કોઇપણ રસ્તેથી આવી શકે, ભક્તએ સતત સાવચેત રહેવું જોઇએ. દેશની રક્ષા કાજે પણ વિઘ્ન કોઇપણ રસ્તે આવી શકે, સુરક્ષા માટે દેશે દરેક ક્ષેત્રે તૈયાર રહેવું જોઇએ, એવો શાસ્ત્રોનો મત છે.

ત્યારબાદ શ્રીતુલસીદાસજીએ લખ્યુ છે, કરિ માયા, માયાથી એટલે કે છળ કરીને. નભુ કે ખગ ગહઇ અર્થાત આકાશમાં ઉડતા જીવોને પકડી લેતી. અહીં ખગ એટલે પક્ષી એટલો જ ટૂંકો અર્થ નથી કરવાનો, પરંતુ ખ = આકાશમાં અને ગ = એટલે ગમન કરનાર. આમ, અહીં આકાશમાં ઉડતા તમામ જીવોની વાત કરવામાં આવી છે. માયાથી ઉડતા જીવોને પકડીને તેણી શું કરતી હતી? તેની વિગતો આવતા અંકમાં જોઇશુ. આજની કથાની અહીં વિરામ આપીએ.

ગયા અંકનો પ્રશ્ન – સંપાતિને જટાયુના મૃત્યુના સમાચાર કોણે આપ્યા હતા? – અંગદ

આ અંકનો પ્રશ્ન – દશરથજીના કયા મંત્રી અર્થશાસ્ત્રના નિષ્ણાંત હતા?  

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here