Sundarkand Explanation in Gujarati with Uday Bhayani

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૬ | અજીબોગરીબ ‘અઘટિતઘટનાપટીયસી’ માયા | Sundarkand | सुंदरकांड

Posted by

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ (ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા: – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-025/) એટલે કે ૨૫માં ભાગમાં આપણે સુરસા જતી વખતે શું કહે છે, તે વિશે અધ્યાત્મ રામાયણમાં શું લખ્યુ છે? તે વાત જોઇ, ત્યારબાદ સુરસાના પ્રસંગ આધારિત માનસમાં સમાયેલું જીવનદર્શન અને તે મુજબ સુરસા વાસનાનું પ્રતિક છે, તે જોયું. માનસમાં રાક્ષસીઓના ઉલ્લેખ સંબંધમાં શ્રીતુલસીદાસજીએ સિંહિકાનું નામ નથી લખ્યુ અને અમૂક રાક્ષસીઓની સાથે ‘એક’ શબ્દનો ઉલ્લેખ કરેલ છે, આ બધી બાબતો વિશેના સુંદર તર્ક જોયા હતા. હવે ઉડતા જીવોને માયાથી સિંહિકા કેવી રીતે પકડતી હતી? અને પકડીને તેની સાથે શું કરતી હતી? ત્યાંથી આજની કથામાં આગળ વધીએ.

જીવ જંતુ જે ગગન ઉડા઼હીં જલ બિલોકિ તિન્હ કૈ પરિછાહીં

ગહઇ છાહઁ સક સો ન ઉડા઼ઈ એહિ બિધિ સદા ગગનચર ખાઈ

આકાશમાં જે જીવ-જંતુઓ ઉડતા હતા, તેઓનો પડછાયો જોઇને તે એ પડછાયાને પકડી લેતી હતી; તેથી તેઓ ઊડી શકતા ન હતા. આ પ્રમાણે તે કાયમ આકાશમાં ઊડનારા જીવોને ખાધે રાખતી હતી.

સિંહિકાની પહેલી મોટી વિચિત્રતા તો એ છે કે, સમુદ્રમાં અસંખ્ય જીવો હોય છે, છતાં તેણી આકાશમાં ઉડતા જીવોને જ પકડે છે; જલમાંથી કોઇને પકડતી નથી. બીજી, તેણી ખૂબ જ માયાવી છે. સામાન્ય રીતે પડછાયાને પકડી ન શકાય, પરંતુ આ એવી જબરદસ્ત માયાવી છે, કે પડછાયાને પકડી શકે છે; જેને છાયાગ્રહિણી તરીકે ઓળખવામાં આવે છે. સિંહિકા જેવો પડછાયો પકડે એટલે આકાશમાં ઉડતા જીવની ગતિ અવરોધાય અને તે સમુદ્રના પાણીમાં પડે કે તુરંત તેણી તેને પકડી લેતી હતી. જેમ આકાશમાં ઉડતી પતંગને દોરી ખેંચીને નીચે ઉતારી લેવામાં આવે તેમ તેણી ઉડતા જીવને આકાશમાંથી નીચે ઉતારી લેતી અને પકડી લેતી. તેની આ અજીબોગરીબ માયાને અઘટિતઘટનાપટીયસી માયા તરીકે શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલી છે.

જીવ-જંતુ, પહેલી દ્રષ્ટિએ એવું લાગે કે આકાશમાં ઉડતા નાના-નાના પક્ષીઓ વગેરેને પકડી-પકડીને ખાય તેમાં તેણીનું પેટ શું ભરાતું હશે? પરંતુ ધ્યાનથી શબ્દોને સમજીએ તો માનસકારે અહીં જંતુ જેવા સુક્ષ્મથી લઈ મોટા જીવો બધાને પકડી શકતી હતી, તેટલી તેની માયાવી શક્તિ પ્રબળ હતી, તેવું વર્ણવેલું છે. જે ગગન ઉડા઼હી અર્થાત જે આકાશમાં ઉડતા હતા, તેઓને પકડતી હતી. બધા જીવ-જંતુઓ ઉડી શકતા નથી. જે ઉડી શકતા હતા, તેઓને તેણી પકડતી હતી. અહીં પણ ગોસ્વામીજીના શબ્દોમાં ગુઢ જીવનદર્શન છુપાયેલું છે. ભક્તિના પથ ઉપર કંચન અને કામિની પછી ત્રીજું વિઘ્ન આવે છે, ઇર્ષ્યા. સિંહિકા એ ઇર્ષ્યાનું પ્રતિક છે. આપણે હમણાં જ આગળ જોયું કે સિંહિકા જલમાંથી કોઇને પકડતી ન હતી. તેનો અર્થ એવો સમજી શકાય કે, જે પોતાની સાથે કે પોતાનાથી નીચો થઇને રહે છે, તેને ઇર્ષ્યા પકડતી નથી. જે ઉંચો ઉડે તેને પકડવા ઇર્ષ્યા તૈયાર જ બેઠી હોય. ભક્તિનો પથ હોય કે જીવનનું કોઇપણ ક્ષેત્ર હોય, જેવા તમે ઉંચે ચઢો કે આગળ વધો એટલે ઇર્ષ્યા તરત જ તમને પકડીને નીચે પાડી દેવા પ્રયત્નશીલ થઇ જાય.

દરેક વ્યક્તિ જીવનમાં ડગલેને પગલે ઇર્ષ્યાનો ભોગ બનતા જ હોય છે, માટે આ બાબત સમજાવવા કોઇ ઉદાહરણ આપવાની જરૂર નથી. જો તમારું કંઇપણ સારુ દેખાયુ તો ગયા કામથી. કોઇપણ ભોગે, ભલેને ઇર્ષ્યા કરનારને પોતાને લાગું પડતું હોય કે ન હોય, આપના વિકાસ કે સફળતાથી તેને પોતાને કોઇ લાભ-હાનિ હોય કે ન હોય, બસ તમારું કંઇક સારુ દેખાય, તમે કંઇક સારા લાગ્યા, તમે કંઇક સફળતા હાંસલ કરી કે ઊંચાઈ પ્રાપ્ત કરી, તો બસ પત્યુ. આ વૃતિ આજ-કાલ સમાજમાં વધતી જાય છે અને આપણને ખોખલા બનાવતી જાય છે. એકની સફળતા બીજાથી પચતી નથી હોતી.

એક વખત વિદેશથી એક ટીમ ભારતના પ્રવાસે સમુદ્રને લગતા અભ્યાસ માટે આવી. તેની સાથે તેઓના ભારતીય સાથીદારો પણ જોડાયા. અભ્યાસ દરમ્યાન એક દિવસ તેઓ દરિયા કિનારે કરચલાઓનો અભ્યાસ કરતા હતા. વધુ અભ્યાસ અર્થે કરચલાઓને એક પેટીમાં ભરવા લાગ્યા. એક વિદેશી સભ્યએ સુચન કર્યુ કે, કરચલો પકડીને પેટીમાં મુક્યા બાદ ઢાંકણ બંધ કરવાનું રાખો નહિતર પેટીમાં રહેલા કરચલા બહાર નિકળી જશે અને આપણી મહેનત માથે પડશે. ભારતીય સંશોધક સભ્યએ બહુ જ સુંદર જવાબ આપ્યો, “ચિંતા ના કરો, આ ભારતીય કરચલાઓ છે”. તેને પુરો વિશ્વાસ હતો કે એક ઉંચો ચડવા જશે એટલે બીજો ટાંટિયો ખેંચી જ લેશે. જ્યારે હું આ લેખ લખતો હતો, એ જ સમયે મારા એક સિનિયર અધિકારીનો મેસેજ આવ્યો. જેનો ભાવાર્થ કંઇક એવો હતો કે, “ઘણીવાર તમારો વાંક-ગુનો ન હોવા છતાંય લોકો તમારા પદ, પ્રતિષ્ઠા કે પ્રતિભાને કારણે તમારા દુશ્મન બને છે.” બસ આ જ ઇર્ષ્યા. મેં તેઓને કોલ કરીને તરત જ કહ્યું પણ હતુ કે હું આ મેસેજને મારા લેખમાં સમાવવા માંગુ છું.

રાક્ષસીઓ સામાન્ય રીતે જમીન ઉપર વસતો જીવ છે. અહીં માનસકારે સિંહિકા દરિયામાં રહેતી હતી, તેવું દર્શાવીને ખૂબ જ સુંદર દ્રષ્ટાંત આપ્યુ છે કે માણસ ગમે તેટલો દરિયાદિલ હોય તો પણ તેનામાં ક્યાંક તો ઇર્ષ્યા છુપાઈને બેઠી હોઇ શકે છે. જો તમે ઇર્ષાળું જેવડા કે તેનાથી નાના હશો, તેનાથી નબળા દેખાતા હશો, ત્યાંસુધી કોઇ પ્રશ્ન નથી. જેવા તેનાથી આગળ વધો, ઉંચે ચઢો, થોડોક પણ વિકાસ કરો એટલે તમને પછાડવા ઇર્ષ્યા તૈયાર જ બેઠી હશે. વળી ઇર્ષ્યાનો સ્વભાવ છે કે તે પડછાયાને જ પકડશે. ઇર્ષ્યા કરતા હોય તેવા કાયરોની સીધા સામે આવવાની, ચર્ચા કરવાની, બીજાની લીટી અડ્યા વગર પોતાની લીટી મોટી કરવાની, સફળતાને સ્વીકારવાની તો હેસિયત હોય નહીં, એટલે શું કરે? તમારામાં કઇક પડછાયાની જેમ કાળુ શોધવાનો પ્રયત્ન કરે. કોઇ પણ માણસ ગમે તેટલો સફેદ હોય અર્થાત પવિત્ર હોય, તો પણ સામે વાળાની (ઇર્ષ્યાળુની) દ્રષ્ટીએ ભૂલ ગણી શકાય તેવી કોઇ બાબત તો તેને મળી જ જાય, અર્થાત સફેદમાં કાળુ મળી જ જાય. આમ પણ સફેદમાં કાળુ તરત જ દેખાય પણ જાય. જેવું આ કાળું દેખાય કે ઇર્ષ્યા તેને પકડી લેશે. આમ, મિત્રો, આ ઇર્ષ્યાનું વિઘ્ન છે ને તે જીવનમાં સૌથી મોટું વિઘ્ન છે, જે દરેક વ્યક્તિને નડે જ છે. ઇર્ષ્યા કોઇનેય છોડતી નથી.

ઇર્ષ્યાને વધુ સરળતાથી સમજવી હોય તો પતંગનો દાખલો લઈએ. બધી જ પતંગ સ્ટોલમાં હોય છે, ત્યાંસુધી કેવી ડાહી-ડમરી હોય છે? જુદા-જુદા રેકમાં ગોઠવાઇને બેઠી હોય છે. નાની જોડે નાની, મોટી જોડે મોટી, રંગ-વાઇઝ, સાઇઝ-વાઇઝ વગેરે-વગેરે. આ જ પતંગને ઉડવા આસમાન અને કોઇ દોરી મળે એટલે બસ કાપો-કાપો… આવી જ રીતે વ્યક્તિને સમાજરૂપી આસમાનમાં વિહરવા જ્યારે કોઇ દોર મળે એટલે તે ઉડવા માંડે. આ દોર સત્તાનો દોર પણ હોય, સફળતાનો પણ હોય, પ્રવૃતિનો પણ હોય, પદવીનો પણ હોય, પૈસાનો પણ હોય અને પ્રતિષ્ઠાનો પણ હોઇ શકે. આ પતંગો દોરના જોરે ઊંચે ચડે પછી કોણ કોને કાપી નાખે તે નક્કી નહીં. આ કપાયેલા પતંગના હાલ જોયા છે ને? આ પોતાના દોરના જોરે, કુદરતી હવામાં, વિશાળ આકાશમાં વિહરતા પતંગને જ્યારે બીજું કોઇ કાપી નાખે છે, ત્યારબાદ તેની હાલત ખૂબ જ દયનીય થઈ જાય છે. કોઇ રોડ ઉપર પડે છે ને પગ કે વ્હીલ નીચે કચડાય જાય છે, તો કોઇ વીજ વાયરમાં ફસાઇને ફાટી જાય છે. કોઇ ખેતરમાં પડી ખાતર થઇ જાય છે, તો કોઇ ઝાડી-ઝાંખરામાં ભરાઇને ચીરાઇ જાય છે. પતંગના કિસ્સામાં તો કદાચ આ મનોરંજન હશે, પણ વાસ્તવિક જીવનમાં કોઇને કાપીને, આ તારાજી મચાવીને શું મજા આવતી હશે? વળી, આ સિલસિલો ચાલુ જ રહે છે. જેણે પહેલા કોઇનો પતંગ કાપ્યો હોય, તેનો પતંગ બીજો કોઇ થોડીવાર પછી કાપી નાખે, કારણ કે બધા કાપવા જ બેઠા છે. અરે મસ્ત ગગનમાં બધા વિહરતા રહો ને? શું કામ કોઇને કાપી નાખવા છે? કેમ આ આપણી પ્રકૃતિ બની ગઈ છે કે બસ કોઇની તો પતંગ કાપવી જ છે? અરે, કોઇ ઉંચાઇ હાંસલ કરે અને આપણે તેટલી હેસીયત ન ધરાવતા હોઇએ, તો તેનો પતંગ ઉડતો જોઇને, તેની સફળતા જોઇને તેની લીટીને અડ્યા વગર આપણી લીટી મોટી કરો ને!  કેપેસીટી વધારોને!  બધા બધુ ન પણ મેળવી શકે. જો આપણે તે કક્ષા, પદ, પ્રતિષ્ઠા ન જ મેળવી શકતા હોઇએ, તો દુવા કરોને કે તે વધુને વધુ ઉંચાઇએ સ્થિરતાપૂર્વક ચગતો રહે. આ ઇર્ષ્યાને તો મારવી જ પડે. જો ઇર્ષ્યા મરે નહિ ને, તો ભવસાગર પાર કરી ન શકાય.

મનમાંથી ઇર્ષ્યાને મારવાની શુભભાવના સાથે આજની કથાને અહીં વિરામ આપીએ.

ગયા અંકનો પ્રશ્ન – દશરથજીના કયા મંત્રી અર્થશાસ્ત્રના નિષ્ણાંત હતા? – સુમંત્ર

આ અંકનો પ્રશ્ન –  લંકા પહોંચીને શ્રીહનુમાનજીએ રાવણને સૌપ્રથમ કઇ સ્થિતિમાં જોયો હતો?

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *