શ્રી ગણેશાય નમ:
શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્ગુરુ દેવાય નમ: |
શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૩૧, લંકહિ ચલેઉ સુમિરિ નરહરીમાં – (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-031/) શ્રીહનુમાનજીએ અત્યંત નાનું રૂપ ધારણ કરી અને રાત્રીના સમયે લંકા નગરીમાં પ્રવેશ કરવાનું કેમ વિચાર્યું હતું? સમાજમાં વિચાર કરવાના અને તે મુજબ કાર્ય કરવાના સંદર્ભમાં ત્રણ પ્રકારના લોકો જોવા મળે છે, ત્યાંસુધીની કથા જોઇ હતી. હવે શ્રીહનુમાનજીએ લંકામાં પ્રવેશ માટે મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું, તો મુદ્રિકાનું શું થયું હશે? તે સમયે શ્રીહનુમાનજીએ મુદ્રિકા ક્યાં રાખી હશે કે તેનું શું કર્યું હશે? આવા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. આજની કથાની શરૂઆત આ પ્રશ્નોના થોડા સુંદર સમાધાનથી કરીએ.
પહેલું, ભગવાનના અસ્ત્ર-શસ્ત્રો, વસ્ત્રો, અલંકારો વગેરે ચીજો દિવ્ય અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હોય છે. તે જે રૂપ ધારણ કરવા માંગે તે ધારણ કરી શકે છે. તે અણુ જેટલા નાના પણ થઈ શકે છે અને હિમાલય જેટલા વિશાળ પણ થઈ શકે છે. પ્રભુ શ્રીરામની મુદ્રિકા પણ સાક્ષાત ચૈતન્ય સ્વરૂપા હતી. ગીતાવલીમાં ઉલ્લેખ છે કે માતા સીતાજીએ મુદ્રિકા જોડે વાતો કરી હતી. જો મુદ્રિકા ચૈતન્ય સ્વરૂપા હોય અને વાતો કરી શકતી હોય, તો તે જરૂરીયાત મુજબ નાની-મોટી પણ થઈ જ શકે. તેમાં કોઇ મોટુ આશ્ચર્ય નથી.
બીજું, શ્રીહનુમાનજી પાસે અષ્ટસિદ્ધિ-નવનિધિ છે. હનુમાન ચાલીસામાં આપણે બોલીએ છીએ, ‘અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અસ વર દીન જાનકી માતા’. આ અષ્ટસિદ્ધિઓ પૈકીની એક છે, અણિમા સિદ્ધિ. અણિમા સિદ્ધિના પ્રયોગથી વ્યક્તિ પોતે જેવડી હોય, તેવડી જ રહે છે, પરંતુ સામે વાળાને અણુ સમાન નાની દેખાય છે. જેમ સૂર્ય પૃથ્વી કરતા મોટો છે, પરંતુ બહુ દૂર હોવાથી નાનો હોવાનો આભાસ થાય છે. તેવી રીતે શ્રીહનુમાનજી જેવડા હતા તેવડા જ હતા, પરંતુ અણિમા સિદ્ધિના પ્રયોગથી રાક્ષસોને મચ્છર જેવડા દેખાવાના હતા. આમ, મુદ્રિકાનું શું થયુ હશે? તે પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
ત્રીજું, લધિમા નામની પણ એક સિદ્ધિ છે. તેના ઉપયોગથી રૂપ નાનુ કે મોટુ કરવામાં આવે, તો આનુસંગિક તમામ વસ્તુઓ જેવી કે કપડા, આભુષણો, આયુધો બધુ જ પ્રમાણસર નાનુ કે મોટુ થઈ જાય છે. ઉદાહરણ તરીકે બલી રાજા પાસેથી માંગેલ ત્રણ પગલાં જમીન માપવા જેમ પ્રભુએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યુ, તો સાથે-સાથે તેના આભુષણ, આયુધ વગેરે પણ મોટા થયા હતા. શ્રીકૃષ્ણ ભગવાને હસ્તિનાપુરમાં યુદ્ધ પહેલા શાંતિ પ્રસ્તાવ લઈને ગયા, ત્યારે દુર્યોધને તેઓને બંદી બનાવવા પ્રયત્ન કર્યો અને ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યુ ત્યારે તથા યુદ્ધના મેદાનમાં અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે પણ આ ઘટના આપણે જોઇ હતી. આવા અનેક ઉદાહરણો આપણી પાસે છે જ. આમ, જો શ્રીહનુમાનજીએ લધિમા સિદ્ધિનો પ્રયોગ કર્યો હશે, તો મુદ્રિકા પણ આ સમયે પ્રમાણસર નાની થઈ ગઈ હશે. માટે મુદ્રિકા બાબતે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
ચોથું, પુરાતનકાળમાં જીવોના શરીરો ઘણા મોટા હતા, તેવું આપણે ઘણી જગ્યાએ વાંચ્યું-સાંભળ્યું છે. જેમ કે ડાયનાસોર વગેરે. અત્યારે પણ યુરોપના ઘણા પ્રદેશોમાં ભારતીય ગોરૈયા પક્ષીઓ જેવડા મોટા મચ્છરો હોય છે. એકાદ વર્ષ પહેલા સપ્ટેમ્બર-૨૦૨૦માં એવા સમાચાર વાંચેલા કે મેક્સિકોમાં ગટર સાફ કરતી વખતે વિશાળકાય ઉંદર મળી આવ્યો હતો. ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો તો તેના ફોટો વગેરે મળી આવશે. મલાયા ટાપુ ઉપર એટલા મોટા પતંગીયાઓ જોવા મળે છે, જે ગરોડીને પણ પકડીને ખાઈ જાય છે. જો પુરાતન કાળમાં મોટા જીવોનો ઉલ્લેખ જોઇએ અને આજના સમયમાં પણ આવા પ્રાણીઓ જોવા મળતા હોય, તો લંકાના વિકરાળ રાક્ષસોનું વર્ણન આપણે અગાઉ જોઇ ગયા છીએ. તેને અનુરૂપ જ લંકામાં તે સમયે પક્ષી જેવડા કે તેનાથી મોટા મચ્છરો હોઇ જ શકે. આ કિસ્સામાં પણ મુદ્રિકા વિશે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
મચ્છર એ પ્રતિકાત્મક શબ્દ પણ ગણી શકાય. કોઇ નાનામાં નાની વસ્તુ કે શક્તિ હિનતા દર્શાવવા આપણે ઘણી વખત આ શબ્દનો પ્રતિકાત્મક ઉપયોગ કરીએ છીએ. મચ્છરની જેમ મસડી નાખીશ, એવું કહીએ છીએ ને! આટલું નાનું સ્વરૂપ હોય તો રાત્રીના અધંકારમાં ન દેખાય, માટે બાબાજીએ આ શબ્દ પ્રયોગ કર્યો હોય કે શ્રીહનુમાનજીએ સુક્ષ્મરૂપ ધારણ કરી રાત્રીના લંકામાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો.
આગે બાબાજી લિખતે હૈ, ‘સુમિરિ નરહરી’ અર્થાત અહીં પ્રભુના નૃસિંહ અવતારનું સ્મરણ કરવાનો ભાવ છે. હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસે પોતાના મૃત્યુના તમામ રસ્તા બંધ થઈ જાય, તેવું વરદાન માગ્યું હતુ. નૃસિંહ અવતારથી તેના મૃત્યુનો રસ્તો પણ નિકળ્યો હતો. અહીં લંકામાં પણ આટલા મોટા અને બળવાન અસંખ્ય રાક્ષસોનો પહેરો અને સઘન સુરક્ષા વચ્ચે માતા જાનકીજીની શોધ કરવાની હતી. કામ ચોક્કસ જ દુર્ગમ હતુ, પરંતુ બાબાજીએ સરસ દ્રષ્ટિકોણ લીધો અને પ્રભુના નૃસિંહ અવતારનું સ્મરણ કરી, દુર્ગમ કાર્યમાં સફળતા સુનિશ્ચિત કરી લીધી.
‘નરહરિ’ના બીજા પણ ઘણા અર્થ કરી શકાય, જેમ કે ૧) નરહરિ એટલે કે નરોમાં સિંહ અર્થાત પુરુષસિંહ, શ્રીરઘુનાથજી. અહીં ભગવાન શ્રીરામનું સ્મરણ કરીને ચાલ્યા હશે, તેવું માની શકાય. ૨) નર એટલે મનુષ્ય સ્વરૂપે પ્રભુ શ્રીરામ અને હરિ એટલે વાનર અર્થાત સુગ્રીવજી. બન્ને તેઓના સ્વામી હતા, માટે બન્નેનું સ્મરણ કરીને શ્રીહનુમાનજી આગળ વધ્યા હોય. ૩) પ્રભુ શ્રીરામનો આ રાજકુમાર અને રાજા તરીકેનો અવતાર માયાળું અવતાર છે. શ્રીહનુમાનજીએ રાક્ષસોને મારવા, અશોકવાટિકા ઉજાડવી, લંકા બાળવી વગેરે જેવા ઉત્પાતવાળા કાર્યો કરવાના છે. પ્રભુના વિવિધ અવતારોમાં સૌથી વિકરાળ સ્વરૂપ નૃસિંહ અવતાર ગણી શકાય, માટે અહીં નરહરિ લખ્યું હોઇ શકે. ૪) કોઇ મહત્વનું કાર્ય કરવા જતા હોઇએ તો સ્વાભાવિક જ આપણા ગુરુદેવ યાદ આવે. ગોસ્વામીજી શ્રીતુલસીદાસજીના ગુરુનું નામ નરહરિદાસજી હતું. તો આ પ્રસંગે કદાચ તેઓને પોતાના ગુરુ યાદ આવી ગયા હોય અને માનસકારે તેઓનું નામ લખ્યું હોય, તેવું પણ બને.
આમ, ખૂબ જ ચતુરાઈપૂર્વક વિચારી, સુક્ષ્મ શરીર ધારણ કરીને, પ્રભુ સ્મરણ સાથે શ્રીહનુમાનજી લંકામાં પ્રવેશ કરવા જાય છે કે –
નામ લંકિની એક નિસિચરી । સો કહ ચલેસિ મોહિ નિંદરી ॥
લંકાના દ્વાર ઉપર લંકિની નામની એક રાક્ષસી સુરક્ષા કરી રહી હતી. તે બોલી – મારો અનાદર કરીને ક્યાં જઈ રહ્યો છે?
‘નામ લંકિની’ અર્થાત લંકિની નામની. ‘એક’ માનસમાં જ્યાં-જ્યાં વ્યક્તિની સાથે એક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યાં-ત્યાં તે વ્યક્તિ વિશેષનું અસાધારણપણું દર્શાવવામાં આવેલું છે, જે આપણે શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૫ | ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા: (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-025/ )માં વિગતે જોયું હતુ. ત્યારબાદ લખ્યુ છે, ‘નિસિચરી’ એટલે કે તેણીએ રાક્ષસનું રૂપ ધારણ કરેલું હતું. શ્રીહનુમાનજીએ ‘નિસિ નગર કરૌં પઇસાર’, અર્થાત રાત્રીના લંકામાં પ્રવેશનો નિર્ણય કર્યો હતો. આમ, નિસિચરી યથાર્થ જ લખ્યું છે.
જેવા શ્રીહનુમાનજી લંકામાં પ્રવેશ કરવા ગયા કે, “નગરી સ્વેન રૂપેણ દદર્શ પવનાત્મજમ્” તેઓને જોઇને નગરીની અધિષ્ઠાત્રી દેવી, લંકા નગરી પોતે, લંકિની સ્વરૂપે, પોતાના સ્વાભાવિક રાક્ષસી રૂપે પ્રગટ થઈ. તેણીએ શ્રીહનુમાનજીને પુછ્યું, હે વાનર! તું કોણ છે? શા પ્રયોજનથી તું અહીંયા આવ્યો છે? જે પણ રહસ્ય હોય, તે કહિ દે કારણ કે “ન શક્યં મામવજ્ઞાય પ્રવેષ્ટું નગરીમિમામ્” અર્થાત મારી ઉપેક્ષા કરીને આ નગરીમાં પ્રવેશ કરવો અસંભવ છે. શ્રીહનુમાનજીએ તેણીને પુછ્યું કે તું કોણ છે? ત્યારે લંકિની કહે છે, “અહં રાક્ષસરાજસ્ય રાવણસ્ય મહાત્મન:, આજ્ઞાપ્રતીક્ષા દુર્ધર્ષા રક્ષામિ નગરીમિમામ્” એટલે કે હું રાક્ષસરાજ રાવણની સેવિકા છું અને તેઓની આજ્ઞાનુસાર નગરીની રક્ષા કરું છું. તેણી આગળ કહે છે કે, “અહં હિ નગરી લંકા સ્વયમેવ પ્લવઙ્ગમ” અર્થાત હે વાનર! હું સ્વયં લંકા નગરી જ છું.
જુઓ લંકિનીની કર્તવ્યપરાયણતા… થોડા દિવસ પહેલા જ એક સમાચાર વાંચ્યા કે, અફઘાન પ્રમુખ અશરફ ગની ચાર ગાડી અને એક હેલિકોપ્ટર ભરી નાણા લઇને દેશ છોડીને રવાના થઈ ગયા. આ છે આજના શાસકો અને લંકિની રાક્ષસી સ્વરૂપે હોવા છતાં અને રાવણની આજ્ઞાનુસાર લંકાની રક્ષા કરતી રક્ષક હોવા છતાં કેટલી ઉચ્ચ કક્ષાની કર્તવ્યનિષ્ઠા છે? ખરેખર આદર થાય…
લંકિની પોતે ખૂદ લંકા નગરી હતી, તેની અધિષ્ઠાતા દેવી હતી. કોઇપણ નગરી પૂજ્ય હોય છે અને તેના રક્ષકને પણ માન આપવું જોઇએ. તેને પૂછ્યા વગર નગરીમાં પ્રવેશ કરીએ તો તેનો તિરસ્કાર કર્યો ગણાય. અહીં લંકિની પોતે નગરી પણ છે અને તેની રક્ષક પણ છે. શ્રીહનુમાનજી તેને પૂછ્યા વગર લંકામાં પ્રવેશ કરવા લાગ્યા એટલે કે તેનો તિરસ્કાર કર્યો, માટે તેણીએ કહ્યું કે મારો અનાદર કરીને ક્યાં જઈ રહ્યો છે?
આજની કથાને અહીં વિરામ આપીએ છીએ, આગળની કથામાં લંકિની શ્રીહનુમાનજીને બીજું શું કહે છે અને તે બન્ને વચ્ચે શું ઘટના ઘટે છે? તે જોઇશું.
સર્વે વાચકોને મારા જય સિયારામ…..
મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥
|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||