Home Contemporary કોરોના – સૂર્યસ્નાન થકી સંજીવની (વિટામિન ડી)

કોરોના – સૂર્યસ્નાન થકી સંજીવની (વિટામિન ડી)

5
કોરોના – સૂર્યસ્નાન થકી સંજીવની (વિટામિન ડી)

કોવિડ-૧૯ની દરરોજ અસંખ્ય વિગતો બહાર આવે છે જેવી કે, રસી શોધાયા બાબતે, નવી-નવી દવા અને સારવારની પદ્ધતિ વિશે, વાયરસ પોતાનું સ્વરૂપ બદલે છે તે બાબતે, તેની સામે આખા વિશ્વની વામણી પણ લડત બાબતે, વિવિધ દેશોમાં સાજા થવાના દરથી મૃત્યુના દરની પેટર્ન, સંશોધનકારોની અથાક મહેનત વિશે, ફાર્મા કંપનીઓની નફાના હેતુ સાથેની દોડ, વહીવટી તંત્રોના પ્રયત્નો વગેરે વગેરે… આ બધાની વચ્ચે તકસાધુઓ (કોઈપણ નામે કંઈપણ વેચવા માગે છે તે, દવા રસી, વીમો) અને ગંદુ રાજકારણ (WHO, રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક કક્ષાએ વગેરે સંદર્ભમાં) છમકલા સામે આવ્યે રાખે છે. પરંતુ આજે આપણે વાત કરવી છે, કુદરત તરફથી કોઈ ભેદભાવ વગર કાયમી માટે ફ્રીમાં મળતી સંજીવની વિશે.   

વિટામિન એટલે શું? વિટામિન મેડિકલ ક્ષેત્રનો શબ્દ છે, માટે તેની મેડિકલ પરિભાષામાં વ્યાખ્યા જોવી હોય તો મેડિકલ ડિક્શનરી જોવી જોઈએ. નોન-મેડિકલ વ્યક્તિ તરીકે મારી વ્યાખ્યા એવી છે કે, Vitaminમાં Vit એટલે કે Vital (વાઈટલ) જેનો અર્થ થાય છે, જરૂરી કે મહત્વપૂર્ણ + ફિલિપાઈન્સની ભાષા ફિલિપિનોમાં Amin (આમીન)નો અર્થ થાય છે Ours એટલે કે આપણા માટે. ટૂંકમાં, આપણા જીવવા માટે શરીરમાં સૌથી વધુ જરૂરી એવું તત્વ એટલે વિટામિન. વિટામિનના એ, બી, સી, ડી, ઈ જેવા મેડિકલી કેટલાય પ્રકાર છે અને તેની સાથે વિટામિન એમ (મની), વિટામિન એસ (સેક્સ) વગેરે જેવા જીવવા માટે જરૂરી નોન-મેડિકલ પ્રકાર પણ છે. ટૂંકમાં, મેડિકલ કે નોન-મેડિકલ બધા વિટામિન્સ‌ આપણા માટે જરૂરી છે.

આજે આપણે વાત કરીશું વિટામિન ડીની જેનો સૌથી મહત્વનો સ્ત્રોત છે, સૂર્યપ્રકાશ. સૂર્ય નારાયણ આપણને ૩૬૫ દિવસ ફ્રીમાં વિટામિન ડી આપે છે અને જેને મફતમાં ન ખપે તેના માટે દવા સ્વરૂપે બજારમાં પણ મળે છે. વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિ વધારવા, હાડકા મજબૂત રાખવા, હૃદયની રક્ષા કરવા, લોહિના દબાણનું સમતુલન જાળવવા વગેરે માટે ખૂબ જ આવશ્યક છે. વિટામિન ડીનું સૌથી અગત્યનું એક કામ જોઈએ તો તે છે, શરીરમાં કેલ્શીયમનું પાચન કરવા માટે તેની અગત્યતા. જો વિટામિન ડી ઓછુ હોય તો કેલ્શીયમ પચે નહિ અને તેનાથી હાડકા નબળા પડે અને વરેવારે ભાંગી જવા જેવા ઘણા રોગો અને મુશ્કેલીઓ નોતરે. જેમ વિટામિન ડી ઓછું હોય તે નુકશાનકારક છે, તેમ બહું વધી જાય તો પણ ખતરનાક છે. આવા વિટામિન વધી જવાને હાઈપર્વિટામિનોસિસ ડી એટલે કે વિટામિન ડીનું ઝેર કહી શકાય, જે ક્યારેક જીવલેણ સાબિત થાય.

વિટામિન ડી કેટલું છે? તે માપવા માટેના લોહિના રીપોર્ટનું નામ “૨૫-હાઈડ્રોક્ષી વિટામિન ડી બ્લડ ટેસ્ટ” છે. શરીરમાં આદર્શ રીતે કેટલું વિટામિન ડી હોવું જોઈએ તે બાબતે આરોગ્ય ક્ષેત્રના મોટા ભાગના મુદ્દાઓની જેમ મત-મતાંતર છે. પરંતુ, એક માપદંડ અનુસાર ૨૦ નેનોગ્રામ (ng) પ્રતિ મીલીલિટર (mL)થી લઈને ૩૦ ng/mL વિટામિન ડી સામાન્ય છે. ૬૦ng/mLને વધારો અને ૧૨ કે ૧૨.૫ ng/mLને વિટામિન ડીની ખામી ગણવામાં આવે છે. જો ખામી હોય તો તડકે મુકવા પડે (સૂર્યપ્રકાશથી મળે માટે) અને પૂરક તરીકે દવાના સ્વરૂપે પણ વિટામિન ડી આપવું પડે. સામાન્ય રીતે શ્યામ ચામડીવાળા, મેદસ્વી, ટાઈપ – ૨ ડાયાબિટિસના દર્દીઓ, મોટી ઉંમરના લોકો અને જેને સૂર્યના તડકાનો સ્પર્શ જ થતો નથી, તેવા લોકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળે છે.

વિટામિન ડી ઉપર વર્ષોથી અનેક સંશોધનો થયા છે અને હજુ થઈ રહ્યાં છે. શરીરમાં પુરતું વિટામિન ડી વાયરસના હુમલા સામે રક્ષણ આપે છે તે પણ અગાઉ સાબિત થઈ ચૂક્યું છે. ખાસ કરીને શ્વસન તંત્ર ઉપર થતા હુમલા કે જેમાં સામાન્ય શરદીનો સમાવેશ થાય છે. રોગપ્રતિકારક શક્તિ વાયરસ શરીરમાં આવે તેની સામે લડવાનું શરુ કરી દે છે, જેમાં એકાએક વધારો થતાં તે પણ ખતરનાક નિવડી શકે છે. વિટામિન ડી એન્ટીવાયરલ પ્રોટીનનું ઉત્પાદન વધારે છે અને સાયટોકીન્સને ઘટાડે છે. કોવિડ-૧૯ના દર્દીઓ ઉપર વિટામિન ડી સંદર્ભમાં ફીલીપાઈન્સના મેડીકલ સાયન્ટીસ્ટ ડો માર્ક દ્વારા એપ્રિલમાં એક અભ્યાસ રજુ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ મુજબ કોવિડ-૧૯ના સામાન્ય લક્ષણો ધરાવતા ૪૯ દર્દીઓ પૈકી ફક્ત ૨ (બે) દર્દીઓમાં વિટામિન ડીની ખામી જણાઈ હતી. ૧૦૪ ગંભીર લક્ષણો ધરાવતા કેસો પૈકી ૪ (ચાર) જ એવા દર્દીઓ હતા જેઓનું વિટામિન ડી સામાન્ય હતું, એટલે કે ૧૦૦ કેસોમાં વિટામિન ડીની પૂરતી માત્રા ન હતી. આ અભ્યાસનો સીધો મતલબ એવો થયો કે, વિટામિન ડીની ઓછી માત્રા કોવિડ-૧૯માં વધુ ખરાબ રીતે બિમાર થવા કે જીવલેણ નિવડવા એક સોલિડ કારણ બની શકે છે. બીજો એક બ્રિટનમાં થયેલો અભ્યાસ જોઈએ તો ૧૦૪ વ્યક્તિઓ ઉપર થયેલા એક પરીક્ષણ મુજબ દરેકને રોજ ૨૦૦૦ IU વિટામિન ડી આપવામાં આવ્યું, તે પૈકી ફક્ત એક જ વ્યક્તિને આખા વર્ષ દરમ્યાન એક જ વખત શરદી થઈ હતી. આ અભ્યાસનું એવું પણ તારણ છે કે, વિટામિન ડીની એન્ડોથિલિયલ કોષો ઉપર ગુણકારી અસરો જોવા મળી છે. કોવિડ-૧૯ની જીવલેણ ઘાતકતા આ એન્ડોથિલિયલ કોષોના નુકશાનને જ આભારી છે. આમ, જો આ કોષોને ડેમેજ થતાં અટકાવી શકાય તો કોવિડ-૧૯ને જીવલેણ થતો ચોક્કસ રોકી શકાય. ત્રીજા ઇન્ડોનેશીયામાં થયેલા એક અભ્યાસ મુજબ પણ કોવિડ-૧૯માં વિટામિન ડીની ખામીના કારણે મૃત્યુનું જોખમ ૧૯ ગણું વધી જાય છે.     

દરેક વ્યક્તિએ સામાન્ય રીતે રોજ ઓછામાં ઓછું ૧૦ થી ૨૦ માઈક્રોગ્રામ વિટામિન ડી લેવું જરૂરી છે. વિટામિન ડી સીધા સૂર્યના કિરણોથી પ્રાકૃતિક રીતે મળી શકે છે. રોજ ૧૦ થી ૩૦ મિનિટ વહેલી સવારના કુમળા તાપમાં બેસવાથી મળી શકે છે. રોજ અનુકૂળ ન હોય તો ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત ૧૦ થી ૩૦ મિનિટ સૂર્યસ્નાન કરવું. આ સમયે બહુ આખા કપડા ન પહેરતા, ચામડી ઉપર સૂર્યના કિરણો સ્પર્શવા જરૂરી હોય, તે મુજબ કપડા પહેરવા. ખોરાકમાં વિટામિન ડી યુક્ત પદાર્થો જેવા કે, લીલા શાકભાજી, નારિયેળ, માખણ, ઘી, બીટ, મૂળો વગેરેમાંથી વિટામિન ડી મળે છે. આ ઉપરાંત વિટામિન ડીની ખામીના કિસ્સામાં સપ્લીમેન્ટ તરીકે અલગથી દવાના રૂપમાં પણ લઈ શકાય છે, જે જરૂરીયાત મુજબ દાક્તરી સલાહ અનુસાર અને તેના નિરીક્ષણ હેઠળ જ લેવી જોઈએ.

કોવિડ-૧૯માં ખરેખર શું કામ આવશે? દવા? સારવાર? રસી? બીજું કંઈ જે અત્યારે આપણે નથી જાણતા? આપણને ખબર નથી. હા. અત્યારે ખબર છે તે છે, વારંવાર સાબુથી હાથ ધોવા કે સેનેટાઈઝ કરવા, કોઈને મળીએ તો બે ગજ દૂરી જાળવવી, હાથ મિલાવવાના તો જરાય નથી અને ભેટવાનું તો ભૂલી જ જવાનું, ટોળાઓમાં ભેગા નહીં થવાનું, જાહેર સ્થળોએ માસ્ક જરૂર પહેરવું વગેરે બાબતોથી કોવિડ-૧૯માં ચેપથી બચી શકાય તેવી શક્યતા છે. હા. આયુષ મંત્રાલયની માર્ગદર્શક સુચનાઓ મુજબ રોગપ્રતિકારક શક્તિ વધારવા જરૂર પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ આ બધાની સાથે જરૂરી છે, સૂર્યસ્નાન થકી વિટામિન ડી લેવાનું. તદ્દન મફત અને લેવામાં સરળ છે. ફક્ત રોજ સવારે કુમળા તડકામાં ૧૦ થી ૩૦ મિનિટ શરીર ઉપર તડકો પડે તે મુજબ રહેવાનું છે. ગાંધીનગર વાસીઓએ ટૂંકા કપડા પહેરીને સેન્ટ્રલ વિસ્ટા જવાની કે અમદાવાદ વાસીઓએ રીવરફ્રંટ ઉપર જવાની જરૂર નથી અને હિંમત પણ ન કરવી. સૂર્યનારાયણ આખા ભારત દેશ ઉપર, ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર, એટલા કૃપાળું છે કે તમારા ઘરના ફળીયામાં, બાલ્કનીમાં કે અગાસીમાં જાવ તો વિટામિન ડી સ્વરૂપમાં સંજીવની જરૂર પ્રદાન કરશે. સરકારશ્રીને પણ વિનંતી છે કે, તેના તજજ્ઞોની સલાહ લઈ કોવિડ-૧૯ની સારવાર વખતે વિટામિન ડીને તેનો ભાગ બનાવી શક્ય હોય તો સારા પરિણામો મેળવવા પ્રયત્નો કરે. જે મૃત્યુ દર ઘટાડવામાં જરૂર મદદરૂપ થશે તેવી આશા રાખીએ.

નોંધ – વિટામિન શબ્દની સાથે સાયટોકીન્સ અને એન્ડોથિલિયલના અર્થ પણ મેડિકલ ડિક્શનરીમાં જોવા વિનંતી છે.

5 COMMENTS

  1. Very informative and interesting blog. Recently our Doctors have noted that there is Vitamin D deficiency in our people. So, they are advising for D3 test and reports shows deficiency in most of the cases. But there is no unanimity amount the Doctors about the normal values of Vitamin D3 in Indian people. So, there is always confusion about deficiency. Indian Doctors should examine this issue in connection with Covid 19 matter and advice people; what should be minimal value of Vitamin D3 to protect from Covid 19 pandemic.

Leave a Reply to Uday Bhayani Cancel reply

Please enter your comment!
Please enter your name here