નાણાકીય સાક્ષરતા સપ્તાહ – ૨૦૧૯ (Financial Literacy Week – 2019)

Posted by

ભારતીય રીઝર્વ બેંક દ્વારા ગ્રાહકોમાં બેંકોની સુવિધા અને નાણાકીય જાગૃતતા તથા સાક્ષરતા માટે દર વર્ષે નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ – ૨૦૧૮માં ગ્રાહક સુરક્ષાના વિષય ઉપર ઉજવણી કરવામાં આવેલ હતી જ્યારે વર્ષ – ૨૦૧૯માં ખેડુતો વિષય સાથે તા. ૩જી જુન, ૨૦૧૯ થી તા. ૭મી જુન, ૨૦૧૯ સુધી નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

વર્ષ – ૨૦૧૭ની સ્થિતિએ વિશ્વના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો સરેરાશ ફાળો ૬.૪% છે, જેની સરખામણીએ ભારતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ૧૫.૪% છે. આમ, વૈશ્વિક ફલક ઉપર જોઇએ તો ભારતના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘણો વધુ છે. ભારતના અર્થતંત્રના સર્વગ્રાહિ વિકાસ માટે કૃષિ ક્ષેત્રનો વિકાસ અનિવાર્ય છે. કોઇપણ ક્ષેત્રના વિકાસ માટે તેને લગતા નાણાકીય આયોજનની ભૂમિકા પાયાની રહે છે.

ભારતીય રીઝર્વ બેંક કૃષિ ધિરાણને લગતી નીતિ ઘડતરમાં સક્રિય ભાગ ભજવી રહેલ છે ત્યારે ખેડૂતોને કૃષિ ધિરાણ માટે બજારમાં યોગ્ય માત્રામાં નાણા ઉપલબ્ધ રહે, ખેડૂતોને કૃષિ ધિરાણ યોગ્ય માત્રામાં અને સરળતાથી મળી રહે, ધિરાણ મેળવવા અને તેની પરત ચૂકવણી માટે ખેડૂતો યોગ્ય આયોજન કરી શકે વગેરે બાબતે જાગૃતતા ફેલાવવા “ખેડૂતો” વિષય પર નાણાકીય સાક્ષરતા સપ્તાહ – ૨૦૧૯ ઉજવવામાં આવશે.

“ખેડૂતો” વિષય આધારિત નાણાકીય સાક્ષરતા સપ્તાહ – ૨૦૧૯ની ઉજવણીમાં વિવિધ બેંકો દ્વારા ખેડૂતોને પુરી પાડવામાં આવતી સેવાઓ જેવી કે લોન, રોકડ વ્યવહારોમાં સરળતા, કિશાન ક્રેડિટ કાર્ડ, વીમો, રોકાણો બાબતે જાણકારી આપવા પોસ્ટર અને પત્રિકાઓ તૈયાર કરવામાં આવેલ છે. ભારતીય રીઝર્વ બેંક દ્વારા તમામ બેંકોને આ પોસ્ટર નાણાકીય સાક્ષરતા કેન્દ્રો તથા એટીએમ ઉપર લગાવવા અને વેબસાઇટ ઉપર પ્રદર્શિત કરવા સુચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત, ભારતીય રીઝર્વ બેંક દ્વારા જુન મહિનામાં દુરદર્શન અને ઓલ ઇન્ડીયા રેડિયો ઉપર ખેડૂતોને નાણાકિય જાગૃતતા માટેના સંદેશાઓ પાઠવતા કાર્યક્રમો રજુ કરવામાં આવશે.

વધુમાં, મારા મંતવ્ય પ્રમાણે ભારતીય રીઝર્વ બેંક ખેડૂતોમાં વધુમાં વધુ જાગૃતતા આવે તે માટે બેંકના પ્રતિનિધિઓને ગ્રામ્ય કક્ષાએ જઈ તેઓ દ્વારા અપાતી સેવાઓ/યોજનાઓની માહિતી ખેડૂતોને આપે તેવી સુચના આપી શકે. આ બાબતે ગ્રામીણ અને સહકારી બેંકો અગત્યની ભૂમિકા ભજવી શકે. ખેડૂતો માટેની સહકારી મંડળીઓને પ્રચાર સાહિત્ય મોકલી વધુમાં વધુ ફેલાવો કરી શકાય. રાજ્ય સરકારનો સહયોગ લઈ ખેતીવાડી વિભાગની કચેરીઓ, સહકાર વિભાગની કચેરીઓ, જિલ્લા/તાલુકા/ગ્રામ પંચાયત કચેરીઓ વગેરે મારફતે પ્રચાર સાહિત્યની મદદથી જાણકારી ફેલાવી શકાય.

વાચક મિત્રો, ખેડૂત લક્ષી યોજનાઓની જાણકારીનો જેટલો વધુ ફેલાવો થશે તેટલો ખેડૂતો વધુ લાભ લઇ શકશે અને આ યોજનાઓનો આશય ખરા અર્થમાં સિધ્ધ થઈ શકશે.  ખેડૂતો સુધી યોગ્ય માહિતી વધુમાં વધુ પહોંચે તે આપણી પણ નૈતિક ફરજ છે. તો આપ સહુને નમ્ર નિવેદન છે કે, ભારતીય રીઝર્વ બેંકની “ખેડૂતો” વિષય આધારિત નાણાકીય સાક્ષરતા સપ્તાહ – ૨૦૧૯ની ઉજવણીની માહિતી આ લેખ વધુમાં વધુ લોકો સુધી શેર કરી પહોંચાડીએ અને ભારતીય રીઝર્વ બેંકના આ જ્ઞાન યજ્ઞમાં શક્ય તેટલું યોગદાન આપીએ.               

આભાર….

*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *