પૂજાને જન્મદિવસની શૂભકામનાઓ સહ સમર્પિત…
ભગવાનના પવિત્ર નામ જેવા કે રામ, શિવ, હરિ, રાધા, કૃષ્ણ વગેરે સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક કાર્ય છે, નામનો મહિમા અપરંપાર છે, કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરહી પારા. જો કોઈ સાધક નિષ્ઠાપૂર્વક નામજાપ કરે છે, તો તેના જીવનના તમામ દોષો દૂર થઈ જાય છે અને તેની બધી જ ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે એટલું જ નહી, ભગવદ્ પ્રાપ્તિ પણ નિશ્ચિતરૂપે થાય છે.
આવા પરમપવિત્ર નામનું ફળ ફક્ત ત્યારે જ ન મળે જ્યારે દસ-વિધ (દસ) નામ-અપરાધ (નામ પ્રત્યેના અપરાધો) થઈ જાય. જો આ દસ અપરાધો કે તે પૈકી કોઇ એક જીવનમાં હોય, તો જપ કરવાથી કોઈ લાભ થતો નથી અને નામની અપાર શક્તિમાં અશ્રદ્ધા થઈ શકે છે. માટે, જેટલો થઈ શકે તેટલો પણ નામજપ “આ દસ નામ અપરાધોને ટાળ્યા પછી” થવો જોઈએ.
પવિત્ર નામ પ્રત્યેના દસ અપરાધો
૧. સંતો, ભક્તો અથવા ગુરુની નિંદા કરવી
દશ-નામ અપરાધોમાં પહેલો અપરાધ છે, સંતો, ભક્તો અથવા ગુરુની નિંદા કરવી. આ અપરાધને સૌથી મોટો અપરાધ ગણવામાં આવે છે. નામ દાતા હંમેશા કોઈ સંત અથવા સદગુરૂ હોય છે. જો નામનો જપ કરતી વખતે કોઈ સંત કે વૈષ્ણવની ટીકા થઈ જાય, તો આ અપરાધ લાગુ પડે, અને નામજાપનું ફળ મળે નહીં. સાધકે પર-દોષ દર્શન, પર-દોષ શ્રવણ, અને પર-દોષ કથન ટાળવું જોઈએ. ભક્તોની નિંદા એટલી વિનાશક છે કે અનેક જન્મોના પુણ્ય એક ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. ટીકા કરવાથી કશું પ્રાપ્ત થતું નથી, પરંતુ વ્યક્તિ પાપની ગાંસડી બાંધીને નરકમાં જાય છે. સાધકે હંમેશા સંત દ્રોહ, વૈષ્ણવ દ્રોહ, અને ગુરુ દ્રોહ ટાળવો જોઈએ.
૨. ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ (હરિ) વચ્ચે ભેદ જોવો
બીજો અપરાધ એ ભગવાન શંકર અને ભગવાન શ્રી હરિ, અથવા તેમના નામો વચ્ચે ભેદ માનવો. કાગભુશુંડીજીના ચરિત્ર ઉપરથી આ બાબત સારી રીતે સમજી શકાય છે. તેઓ બ્રાહ્મણ બાળક હતા અને ભગવાન શંકરના અનન્ય ભક્ત હતા. તેના ગુરુદેવ શ્રી લોમસ મુનિ દ્વારા તેને શીવજીનો મંત્ર આપ્યો હતો, પરંતુ તેઓ શ્રીહરિના વખાણ પણ કર્યા હતા. એક વખત ગુરુજી પધાર્યા ત્યારે તેઓએ ઊભા થઈને અભિવાદન ન કરીને તેમનું અપમાન કર્યું, જેથી ભગવાન શંકર ખૂબ જ નારાજ થઈ ગયા અને અને તેને એક હજાર જન્મ સુધી અજગરનું યોનીમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો. ત્યારબાદ ગુરુદેવના દ્રવિત હૃદયને લીધે તેમાં ફેરફાર અને પ્રભુપ્રાપ્તિની વાત આગળ આવે છે. પરંતુ વાતનો સાર એ છે કે વૈષ્ણવ શૈવની ટીકા કરે કે શૈવ વૈષ્ણવની ટીકા કરે, બંને તેમના અંતિમ આધ્યાત્મિક લક્ષ્ય એટલે કે પરમાર્થ પ્રાપ્તિથી ભ્રષ્ટ થઈ જશે.
૩. નામ આપનાર ગુરુની અવજ્ઞા-અપમાન કરવું કે તેના પ્રત્યે હિન ભાવ કરવો
ત્રીજો અપરાધ એ છે કે નામ આપનાર ગુરુનું ક્યારેય કોઈ પણ રીતે અપમાન કરવું. ગુરુ આપણા તન, મન, ધન, પ્રાણ, અને સર્વસ્વ છે. ગુરુનું અપમાન ન કરો, તેમને નીચા ન દેખાડો, કે તેમના વિશે ખરાબ ન બોલો. જે સાધક પોતાના ગુરુની અવજ્ઞા કરે છે, તો પછી તે ગમે તેટલો જપ કરે, ભગવાનની પ્રાપ્તિ નહીં થાય, કારણ કે મોક્ષ મૂલમ્ ગુરુ કૃપા અર્થાત મોક્ષનું મૂળ ગુરુની કૃપા હોય છે. આ બાબતે દેવર્ષિ નારદજીનું જ ઉદાહરણ લઈએ તો, એકવાર નારદજી ભગવાન પાસે સાકેતધામમાં ગયા. તેઓ ત્યાંથી નિકળી ગયા પછી કંઇક યાદ આવતા તેઓ ફરી ભગવાન પાસે પહોંચ્યા. તેટલી વારમાં જ્યાં નારદજી બેઠા હતા. ત્યાં પોતુ થતું હતુ. નારદજીને અજુગતુ લાગ્યું. તેણે ભગવાનને પુછ્યું કે ભગવાન આમ કેમ? ભગવાને કહ્યું તે મને પ્રાપ્ત કરી લીધો પરંતુ ગુરુ કોઇને પણ નથી બનાવ્યા, એટલે તું નગુણો કહેવાય. નારદજી કહે ભગવાન આજ્ઞા કરો કે કોને ગુરુ બનાવું? ભગવાને કહ્યુ કાલે સવારે ઉઠતાવેત જે પહેલી વ્યક્તિના દર્શન થાય તેને ગુરુ બનાવજો. બીજા દિવસે સવારમાં ભગવાને કહાર (પાણી ભરવાવાળા)ના રૂપે દર્શન આપ્યા. નારદજીને ક્ષોભ થયો અને વિચાર્યુ કે આને ગુરુ બનાવવાના? ત્યારબાદ જ્યારે ભગવાન પાસે ગયા એટલે ભગવાને પુછ્યું કે કોને ગુરુ બનાવ્યા? નારદજીએ બધી વાત કરી, ભગવાને કહ્યુ ગુરુની જાતી અને તેના કર્મ ઉપર ધ્યાન આપ્યું? ભગવાને નારદજીને ૮૪ લાખ યોનિઓમાં વારંવાર જન્મ-મરણનું ચક્ર ભોગવવાનો શ્રાપ આપ્યો, કારણ કે તેમણે ભગવાને પસંદ કરેલા ગુરુ (એક પાણી ભરનાર) નું તેમની જાતિ અને કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને અપમાન કર્યું. ગુરુની કરુણા એટલી મહાન હતી કે તેમણે જમીન પર ૮૪ બિંદુઓનું વર્તુળ બનાવ્યું, અને જ્યારે નારદે તેમાં આળોટન કર્યું, ત્યારે તેઓ તરત જ શ્રાપમાંથી મુક્ત થઈ ગયા — ગુરુની કૃપા એક ક્ષણમાં કામ કરી આપે છે. મુખ્ય સાર એ છે કે ગુરુનો નિર્ણય તેઓના દેખાવ કે જાતિના આધારે ન કરવો જોઇએ, ગુરુ તો “સર્વસ્વ” હોય છે.
૪. શાસ્ત્રોની નિંદા કરવી
શાસ્ત્રની નિંદા એ ચોથો અપરાધ છે. ક્યારેય કોઈ શાસ્ત્રની નિંદા ન કરવી. શાસ્ત્રોમાં ઘણા માર્ગો વર્ણવેલા છે; જો તમે એક માર્ગના અનુયાયી હો, તો તમારે અન્યની ટીકા ન કરવી જોઈએ. જો કોઈ વેદો, પુરાણો, અથવા શાસ્ત્રોની ટીકા કરે છે, તો તે જે પણ મંત્રનો જાપ કરે છે તે ક્યારેય સફળ થશે નહીં.
૫. નામના મહિમાને અતિશયોક્તિ માનવો
પાંચમો અપરાધ એ છે કે નામના મહિમા અંગે અર્થ-વાદની માનસિકતા રાખવી. અહીં અર્થ-વાદ એટલે કે નામના અત્યંત ઊંચા વખાણ — જેમ કે “નામની બરાબર કશું નથી,” “નામ ત્રણેય લોકનું કલ્યાણ કરી શકે છે,” અથવા “નામ કોઈપણ તીર્થ, પુણ્ય, જ્ઞાન, કે ધર્મ કરતાં મોટું છે” — તેને ફક્ત સ્તુતિ-માત્ર માની લેવા નહીં. સ્તુતિમાં આવું બધુ આવે, સાચે આટલો બધો મહિમા થોડો હોય? કે આટલા મહિમાનો અનુભવ તો થયો નથી? તેવું વિચારી અતુતિમાં નામની અતિશયોક્તિ માત્ર વર્ણવવામાં આવેલ છે, તેવું ન માનવું.
નોંધ – પોતાના અનુભવના અભાવે શાસ્ત્રો પર શંકા ન કરવી. “આ તો માત્ર વખાણ છે” એવું માનવું એ પાંચમો અપરાધ છે, માટે નામની શક્તિમાં પૂર્ણ વિશ્વાસ રાખવો.
૬. નામના બળ પર પાપ કરવા
છઠ્ઠો અપરાધ એ છે કે નામના બળ પર પાપ કરવા. સવારથી સાંજ સુધી પાપ કરવા અને પછી વિચારવું, હું સાંજે રામ/કૃષ્ણ/હરિ/રાધા/શીવનો જપ કરીશ, અને મારું પાપ નષ્ટ થઈ જશે. આ માનસિકતાથી કરેલું પાપ નષ્ટ થશે નહીં, અને તે વ્યક્તિ નરકમાં જશે.
૭. નામને અન્ય શુભ વિધિઓ સાથે સરખાવવો
સાતમો અપરાધ એ છે કે નામને અન્ય કોઈ પણ વસ્તુની બરાબર ગણવું – જેમાં યજ્ઞ , તપ (તપસ્યા), દાન, કે વ્રતનો સમાવેશ થાય છે. યજ્ઞ, દાન, અને વ્રત જેવા કાર્યો સ્વર્ગ જેવા અસ્થાયી લાભો તરફ દોરી જાય છે, જ્યારે નામનો જપ કરનાર વ્યક્તિ ભગવાનને પ્રાપ્ત થાય છે. નામને ભગવાન કરતાં પણ મોટું માનવામાં આવે છે, અને તેને અન્ય કોઈ પણ વસ્તુ સાથે સરખાવવું એ સાતમો અપરાધ છે.
૮. શ્રદ્ધા વગરના વ્યક્તિને અથવા લોભથી નામનો ઉપદેશ કરવો
પૈસાના લોભથી કોઈને નામનો ઉપદેશ કરવો એ આઠમો અપરાધ છે. જે વ્યક્તિ સાંભળવા તૈયાર ન હોય તેવા અશ્રદ્ધાળુને ઉપદેશ આપવો અથવા દીક્ષા આપવી પણ અપરાધ છે.
૯. નામનો મહિમા સાંભળ્યા પછી પણ જપ કરવાનો નિયમ ન લેવો
નામનો મહિમા સાંભળ્યા પછી પણ જપ ન કરવો એ નવમો અપરાધ છે. સંતો પાસેથી નામનો મહિમા સાંભળ્યા પછી, વ્યક્તિએ નિયમિત જપ કરવાનો દ્રઢ સંકલ્પ લેવો જોઈએ (દા.ત., ૧૧ માળા જપ કરવી). જો તમે નિયમ ન લો અને જપ ન કરો, તો તમે તમારું પોતાનું પતન કરો છો.
૧૦. અહંકાર અને ભૌતિક આસક્તિઓ જાળવી રાખવી
દસમો અપરાધ એ છે કે, નામનો મહિમા અને સત્સંગ સાંભળ્યા બાદ પણ અહંકાર, “હું અને મારું”ની ખોટી ભાવના, અને વિષય-ભોગો પ્રત્યેની આસક્તિને ન છોડવી. આનાથી વ્યક્તિ ભગવાનના નામનો આશરો લેવાથી વંચિત રહે છે.
નામાપરાધનો ઉપાય
જો નામ-જપ કરનાર આ દસ અપરાધોને ટાળે છે, તો નામ ઝડપથી ફળ આપશે, બધા પાપોનો નાશ કરશે, બધી ઇચ્છાઓને પરિપૂર્ણ કરશે, અને ભગવાનની પ્રાપ્તિ કરાવશે, તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
જો કોઈ ભુલથી પણ અપરાધ કરી બેસે, તો તેનો ઉપાય એ છે કે હાથ જોડીને ભગવાનને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરવી, ભૂલ સ્વીકારવી, અને નામનો અવિરત જપ કરવો, જે નામ અપરાધનો નાશ કરે છે.
ઉક્ત તમામ બાબતો સંતવાણી થકી પ્રાપ્ત થયેલ છે, જે તમારા બધા સમક્ષ રજુ કરેલ છે.
જય સીતારામ
#નામઅપરાધ #પવિત્રનામ #ભક્તિ #આધ્યાત્મિકઅપરાધો #ગુરુકૃપા #હિંદુધર્મ #NamaAparadha #HolyName #Bhakti #SpiritualOffenses #GuruKripa #Hinduism
