શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૨ | અમૂલ્ય ખજાનાની માંગ | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

આગળના બે લેખો શ્રીસુંદરકાંડ | ભાગ – ૧૦ | શાંતરસ અને એકરસનો સુભગ સમન્વય – શ્રીસુંદરકાંડ ( http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-010/ ) અને શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૧ | કરુણાનિધાનની અપાર કરુણા ( http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-011/ )માં આપણે જોયુ કે, શ્રીતુલસીદાસજીએ ખૂબ જ સુંદર-સુંદર ભાવો સાથે કરુણાનિધાન પ્રભુ શ્રીરામની વંદના કરી શ્રીસુંદરકાંડનો અદ્‌ભુત શુભારંભ કર્યો. આજના લેખમાં આપણે શ્રીતુલસીદાસજી ભગવાન પાસે બીજા શ્લોકમાં અમૂલ્ય ખજાનાની માંગણી કરે છે, તેની વાત કરીશું.

નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયેઽસમદીયે સત્યં વદામિ ચ ભવાનખિલાન્તરાત્મા |

ભક્તિં પ્રયચ્છ રઘુપુંઙ્ગવ નિર્ભરાં મે કામાદિદોષરહિતં કુરુ માનસં ચ ||૨||

હે રઘુનાથજી ! હું સત્ય કહુ છું અને આપ તો સર્વેના અંતરાત્મા એટલે કે આપ બધાના અંતરની વાત જાણો છો અને તેથી આપને ખબર જ છે કે મારા હૃદયમાં અન્ય કોઈ ઇચ્છા નથી. હે રઘુકુળ શ્રેષ્ઠ! મને આપની અવિચળ ભક્તિ પ્રદાન કરો અને મારા મનને કામાદિ – કામ વગેરે – દોષોથી રહિત કરો, મુક્ત કરો. અહીં ગોસ્વામીજી પ્રભુ પાસે બે અમૂલ્ય વસ્તુઓ માંગી છે, અવિચળ ભક્તિ અને કામ આદિ દોષોથી મુક્ત મન. શ્લોકને વધુ વિગતે સમજીએ તો –

નાન્યા સ્પૃહા એટલે કે અન્ય કોઈ ઇચ્છા નથી. અન્ય કોઈ એટલે? આ શ્લોકમાં આગળ જે માંગવા જઈ રહ્યા છે, તે સિવાયની જેવી કે ધન-દોલત, માન-સન્માન-પ્રતિષ્ઠા અને તેથી વધુ કહીએ તો, રિદ્ધિ, સિદ્ધિ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ વગેરેની કોઈ ઇચ્છા નથી, કોઈ કામના નથી, એવું કંઈ જોઈતું નથી. કોઈપણ માણસ કંઈપણ કહે માની લેવાનું? આપણને ખબર જ છે કે આજ-કાલ ઘણા લોકો વિચારે કંઈક, કહે કંઈક અલગ અને કરે તેનાથી પણ કંઈક અલગ. કોઈનું મગજ વાંચવાનું યંત્ર હજુસુધી તો શોધાયુ નથી. પરંતુ, પહેલાના સમયમાં કોઈ કહેને કે, ‘હું સાચું કહું છું’, તો તેના ઉપર વિશ્વાસ કરવામાં આવતો. વ્યક્તિના શબ્દો ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરવામાં આવતો હતો. અત્યારે પણ ઘણી વખત કહેવામાં આવે છે ને કે, સમ ખાવ છું, ભગવાનના સોગંધ, રોજીના સમ વગેરે. અત્યારે ભલે આ શબ્દો કોઇ મહત્વ વગર વપરાતા વધુ જોવા મળતા હોય, પરંતુ ગોસ્વામીજીના સમયમાં તેનું ખૂબ જ મહત્વ હતું. તે મુજબ શ્રીતુલસીદાસજી કહે છે, સત્યમ વદામિ ‘હું સાચું કહું છું’. બીજું કહે છે, અખિલાન્તરાત્મા એટલે કે અન્તર્યામી, જે બધાના મનની વાત જાણે છે. શ્રી હનુમાન બાહુકના પાઠમાં (http://udaybhayani.in/hanumanbahuk/) આપણે સુજાન શબ્દ જોયેલો એટલે કે ભક્તના હૃદયની અંદરની અને બહારની બધી વાતો જાણનારા. આ ટેકનોલોજીના યુગમાં ભલે મનના વિચારો વાંચવાનું કોઈ યંત્ર ન શોધાયુ હોય, પરંતુ આધ્યાત્મિક દુનિયામાં આપણા મનની ઇચ્છા ભગવાન જાણે છે અને તે પુરી પણ કરે છે; એવું દ્રઢ પણે માનવામાં આવે છે તથા અનેક વખત પ્રતિપાદિત પણ થયેલું છે. આમ, હે પ્રભુ! હું સત્ય કહુ છું કે મારા હૃદયમાં અન્ય કોઈ કામના નથી, નાન્યા સ્પૃહા હૃદયેઽસમદીયે, આપ મારા મનની વાત જાણનારા છો, હું તમારી સમક્ષ ખોટું નથી બોલી રહ્યો. અહીં શ્રીતુલસીદાસજી જે વિચારી રહ્યાં છે, તે જ કહી રહ્યા છે. તેઓના મનમાં અન્ય કોઈ કામના કે અન્ય કોઈ ઇચ્છા નથી, તો તેઓ શું માંગી રહ્યા છે? શ્રી તુલસીદાસજીએ અહીં બે અમૂલ્ય માંગણીઓ કરી છે.

પહેલી, નિર્ભરાં ભક્તિં પ્રયચ્છ એટલે કે અવિચળ ભક્તિ, પરિપૂર્ણ ભક્તિ પ્રદાન કરો. કેવી અવિચળ? તો શ્રી સુતીક્ષણજીની હતી તેવી, ‘નિર્ભર’ પ્રેમ મગન મુનિ જ્ઞાનિ, કહિ ન જાઈ સો દશા ભવાની. એવી અવિચળ ભક્તિ, જેવી શ્રી અત્રિમુનિની હતી તેવી, તન પુલક ‘નિર્ભર’ પ્રેમ પૂરન નયન મુખ પંકજ દિયે. હે દયાના સાગર! આવી અવિચળ, પરિપૂર્ણ, ભરપૂર ભક્તિ આપો. નિર્ભરાંનો બીજો અર્થ થાય છે, ભાર રહિત. જેણે પોતાનો તમામ ભાર પ્રભુના શરણે ધરી દીધો છે, જેણે પોતાનું શરીર, જીવન, કુટુંબ અને આત્મા પણ ભગવાના શરણે સમર્પિત કરી દીધો છે તે. આવી રીતે જેણે પોતાની શરીરયાત્રાથી લઈ આત્માયાત્રાનો ભાર પ્રભુના શરણે મૂકી દીધો છે, તે સંપૂર્ણ ચિંતામુક્ત છે. આવી ચિંતામુક્ત ભક્તિ આપો.

બીજી, કામાદિદોષરહિતં કુરુ માનસં એટલે કે કામ વગેરે દોષોથી મારા મનને મુક્ત કરો. કામ, ક્રોધ, લોભ, મદ(અભિમાન), મોહ અને મત્સર(ઇર્ષ્યા) વગેરે છ કામાદિ દોષ કે વિકારો છે. જેવી રીતે સનક વગેરે ઋષિઓના સમુહને સંબોધવા સનકાદિ ઋષિ એવું કહેવામાં આવે છે, તેમ આ છ વિકારોના સમુહને ટૂંકમાં સંબોધવા કામાદિ દોષ કહેવામાં આવે છે. વિકારો છ છે, પરંતુ તેને ‘કામાદિ’ કેમ કહેવામાં આવે છે? તેનું કારણ એવું સમજી શકાય કે, ભક્તિના પથ ઉપર સૌથી બાધક કોઈ વિકાર હોય, તો તે છે, કામ. “તાત તીન અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુ લોભ”. આમ, બધા વિકારોમાં પ્રમુખ કામ હોય, ‘કામાદિ દોષ’ એવું કહેવામાં આવે છે. જ્યાંસુધી આ વિકારો મનમાં હોય, ત્યાંસુધી પ્રભુપ્રાપ્તિ તો ઠીક પ્રભુભક્તિ પણ મળતી નથી. આમ, શ્રીતુલસીદાસજીએ પ્રભુપ્રાપ્તિ માટે કામ વગેરે વિકારોથી રહિત મનની માંગણી કરી છે.

એક સંત મત મુજબ ઉકત બન્ને માંગણીઓ થકી શ્રી તુલસીદાસજીએ યોગ અને ક્ષેમ બન્ને માંગી લીધા છે. નિર્ભરા ભક્તિ એટલે યોગ અને કામ વગેરે વિકારોથી મુક્તિ એટલે ક્ષેમ, શ્રેય, કલ્યાણ. આમ, શ્રીતુલસીદાસજીએ પ્રભુ પાસેથી માવજીવનનો અમૂલ્ય ખજાનો માંગી લીધો છે. ભક્તિ પ્રાપ્ત કરવાની મૂળભૂત લાયકાત કે આવશ્યકતા માંગી લીધી છે. આપણે પણ કરુણાનિધાન પ્રભુ શ્રીરામ પાસે, હૃદયપૂર્વક પ્રાર્થના કરી, આપણા સહુનું મન સતત તેઓના ચરણોમાં સમર્પિત રહે, તેઓની અવિચળ ભક્તિ મળે અને આપણા સૌનું દરેક રીતે કલ્યાણ થાય તથા વિવિધ વિકારોથી મુક્ત રહીએ તેવી માંગણી કરી આ કથાને આગળ ધપાવીએ.

અતુલિતબલધામં હેમશૈલાભદેહં દનુજવનકૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યમ્

સકલગુણનિધાનં વાનરાણામધીશં રઘુપતિપ્રિયભક્તં વાતજાતં નમામિ 3॥

અતુલિત બળના ધામ, સોનાના(હેમના) પર્વત સમાન ક્રાંતિવાન શરીરવાળા, દૈત્યરૂપી વનનો નાશ કરવામાટે દાવાનળ સમાન, જ્ઞાનીઓમાં શિરોમણી, સમસ્ત ગુણોના ભંડાર, વાનરોના સ્વામી, શ્રીરઘુનાથજીના પ્રિય ભક્ત એવા પવનપુત્ર શ્રીહનુમાનજીને હું પ્રણામ કરું છું, વંદન કરું છું.

શ્રીતુલસીદાસજીએ સુંદરકાંડની શરૂઆતના પ્રથમ શ્લોકમાં ભગવાન શ્રીરામની સુંદર વિશેષણો સાથે વંદના કરી છે. બીજા શ્લોકમાં ભગવાન પાસેથી યોગ-ક્ષેમના રૂપમાં અમૂલ્ય ખજાનો માંગ્યો. આ ત્રીજા શ્લોક્માં સુંદરકાંડના મુખ્યપાત્ર શ્રીહનુમાનજીની વંદના કરવામાં આવેલ છે. જેની વાત કરતા હોઈએ, જેની કથા કરતા હોઈએ તેની વંદના ખાસ કરવી જોઈએ, તો જ તેમાં રિદ્ધિ-સિદ્ધિ રહે અને સફળતા મળે. શ્રીતુલસીદાસજીએ આ કાંડના નાયક એવા મારુતિનંદનની વંદના તો કરી, પરંતુ એવી કરી કે જેમાં સંપૂર્ણ સુંદરકાંડનો સાર આવી જતો હોય. પહેલું સંબોધન કર્યું અતુલિતબલધામમ્‌ જેમાં તેઓના સમુદ્ર પાર કરવાના, સુરસાના છળ-કપટને દુર કરવાના વગેરે મહાન પરાક્રમોની કથાનો સમાવેશ થાય છે. હેમશૈલાભદેહમ્‌માં વિરાટ સ્વરૂપ ધારણ કરી માતા વૈદેહીને ભરોસો અપાવવાનો સમાવેશ થાય છે. દનુજવનકૃશાનમ્‌માં લંકા દહનનો અને રાક્ષસોના વિનાશનો ભાવ સમાયેલો છે. જ્ઞાનિનામગ્રગણ્યમ્‌માં રાવણને ઉપદેશ આપ્યો તે ભાવ સમ્મલિત છે. સકલગુણનિધાનમ્‌માં માતા જાનકીજીના ‘અજર અમર ગુનનિધિ સુત હોઉ’ આશીર્વાદની કથા સમાયેલી છે. વાનરાણામધીશમ્‌ પ્રભુકાર્ય કરી બધા વાનરોનો જીવ બચાવ્યો તે દર્શાવે છે. રઘુપતિપ્રિયભક્તમ્‌ એટલે કે સીતાજીની ભાળ મેળવી, પ્રભુ શ્રીરામને તેઓનો સંદેશો પહોંચાડી, ભગવાનના વ્હાલા ભક્ત થઈ ગયા. વાતજાતં નમામિ કહી છેલ્લે મારુતિનંદનને પ્રણામ કરવામાં આવ્યાં છે કે હે મહાવીર! આપની કૃપાથી જ આ આખો કાંડ સારી રીતે લખી શકાયો છે. આમ, આ શ્લોકમાં શ્રીહનુમાનજીને વિવિધ વિશેષણોથી સંબોધી કરવામાં આવેલ પ્રાર્થનામાં આખા સુંદરકાંડની કથાનો સારાંશ આવી જાય છે. મારા મતે આ શ્લોકને “એક શ્લોકી સુંદરકાંડ” સમાન પણ ગણી શકાય. 

આજનો લેખ અહીં પૂર્ણ કરીએ છીએ. આવતા લેખમાં આ શ્લોકમાં સમાવિષ્ટ દરેક સંબોધન વિશે થોડી વિગતે ચર્ચા કરી આગળ વધીશું.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી.

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,101FansLike
293FollowersFollow
1,083SubscribersSubscribe
- Advertisement -

Latest Articles