શ્રી ગણેશાય નમ:
શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: । શ્રી હનુમતે નમો નમ: । શ્રી સદ્ગુરુ દેવાય નમ: ।
આજની કથાની શરૂઆત આપ સહુ આ લેખમાળા સારી રીતે વાંચો છો, તેના ઉપર આપના પ્રતિભાવો મોકલો છો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે આગળ મોકલો છો, તે બદલ હૃદયપૂર્વક આભાર માની કરવો છે. ઘણા વાચક મિત્રો અને વડીલો ફોન કરીને પણ આ કાર્યને વધાવી રહ્યા છે, તે બદલ હું આપનો ઋણાનુરાગી છું. આપના બધાની આવી જ શુભેચ્છા અને આ લેખમાળા ખૂબ સારી રીતે નિયમિત પ્રસિધ્ધ થતી રહે તેવા આશીષ સદાય રાખજો તેવી પ્રાર્થના છે.
શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ (શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૩ | લંગડેજી મહારાજને શું અતિપ્રિય લાગ્યુ? – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-013/ )માં શ્રીજામવંતજીના ક્યા વચનો અને શા માટે શ્રીહનુમાનજીને અતિ પ્રિય લાગ્યા? તેની વાત કરી હતી. આ જ પરિપેક્ષ્યમાં કથાને આગળ ધપાવીએ તો, “એતના કરહુ તાત તુમ્હ જાઈ, સીતહિ દેખી કહહુ સુધિ આઈ”, આ શબ્દો શ્રીહનુમાનજીને એટલા માટે પણ અતિ પ્રિય લાગ્યા હશે, કારણ કે જે કામ પ્રભુ શ્રીરામના હાથે થવાનું નિશ્ચિત હોય, તે પૈકી આવેશ કે આવેગમાં પોતે કદાચ કંઈક કરી દે, આગળ જોઇ ગયા તેમ રાવણને મારી નાખે કે ત્રિકુટાચલને માતા સીતાજી સહિત ઉપાડીને લઈ આવે, તો સ્વામીનો અપરાધ થાય. આમ, શ્રીજામવંતજીની સલાહથી તેઓ સ્વામી અપરાધથી બચી ગયા, તે વિચારે પણ આ શબ્દો શ્રીહનુમાનજીના હૃદયને બહુ જ પસંદ પડ્યા હશે.
છેલ્લે એક તર્ક એવો પણ કરી શકાય કે, શ્રી હનુમાનજીએ કહ્યું હતુ કે, ‘સિંહનાદ કરિ બારહિં બારા, લીલહિં નાઘઉઁ જલનિધિ ખારા.” અને “સહિત સહાય રાવનહિ મારી, આનઉઁ ઇહાઁ ત્રિકૂટ ઉપારી.” તેઓએ વારંવાર સિંહની જેમ ગર્જના કરી કહ્યું કે, પ્રભુ શ્રીરામની કૃપાથી હું આકાશના તમામ ગ્રહો અને નક્ષત્રોને ઓળંગી શકુ તેમ છું, તો આ ખારા સમુદ્રની શું વિસાત છે? તેને હું પળભરમાં ઓળંગી જઈશ. હું ક્ષણમાત્રમાં ઉડીને સમુદ્રને પાર કરી જઈશ. એટલું જ નહીં, રાવણને તેના કુટુંબ-કબિલા અને સેના-સહાયકો સહિત મારીને, આખા ત્રિકૂટ પર્વતને માતા સીતાજી સહિત ઉખાડીને અહીં લાવી શકું તેમ છું. આવું કહીને મહા પરાક્રમી બજરંગબલી જો નીકળી ગયા હોત અને આપણે જાણીએ જ છીએ કે, “होइहि सोइ जो राम रचि राखा”. ક્યુ કામ કોના હાથે અને ક્યારે થવાનું છે? તે મારા રામે નક્કી કર્યુ હોય તેમ જ થાય છે. આ પરિસ્થિતિમાં ના રાવણનો વધ થઈ શકત કે ના માતાજીને લાવી શકત. આવું થાત તો શ્રીહનુમાનજીના વચનો ખોટા પડત. ભગવાને જ શ્રીજામવંતજીના મુખે સાચી શિખામણ અપાવીને આવું અઘટિત થતા અટકાવી દીધુ. પ્રભુને પણ એવું પસંદ નથી કે પોતાના ભક્ત કે એક સાચા સંતના શબ્દો જુઠા પડે. આમ, આવુ અનુચિત થતા અટકી ગયુ, તે વિચારે શ્રીહનુમાનજીને જામવંતજીના આ વચનો ખૂબ જ પ્રિય લાગ્યા હશે.
જામવંતજી વાનર સેનાના સૌથી વરિષ્ઠ સભ્ય હતા. તેઓની સલાહથી પ્રભુ કાર્ય પણ સારી રીતે થઈ શક્યુ અને કોઈ દોષ કે અપરાધ પણ ના થયો. આવી જ રીતે દરેક કુટુંબ, સંસ્થા, સમાજ કે મહોલ્લામાં બુદ્ધિથી વરિષ્ઠ (ખાલી ઉંમરમાં જ નહિ હો…) અને અનુભવી સભ્ય હોવા અતિ આવશ્યક છે. યુવાવર્ગને ખાસ વિનંતી છે કે આવા વરિષ્ઠ વડીલોની સલાહ અને આશીર્વાદથી અનેક કામો નિર્વિઘ્ને પૂર્ણ થાય છે અને નિર્ધારિત સફળતા ચોક્કસ મેળવી શકાય છે. સામે પક્ષે વડીલોને પણ ખાસ વિનંતી છે કે યુવાવર્ગને આપના અનુભવના નિચોડ સમાન સાચી સલાહ આપો, નવા-નવા સાહસો માટે પ્રોત્સાહિત કરો, નવી પેઢીને આગળ વધવા દો, જુની ઘરેડમાંથી બહાર આવો. નકારાત્મક અને જુના જમાનાની વાતોથી કંઈ જ નહી વળે, એક સમયે અને એક ઉંમરે જગ્યા ખાલી કરી દો. ડ્રાઇવિંગ સીટ પર યુવા વર્ગને બેસવા દો. હું જે વેપારી સમાજમાંથી આવું છું, ત્યાં ૭૦-૭૫-૮૦ વર્ષે પણ વડીલો ખુરશી ખાલી નથી કરતા. જેને લીધે પોતાના પછીની આખી પેઢી ખરેખર અનુભવના અભાવે કે ઓછા અનુભવને લીધે નિરર્થક બની જાય છે અને પેઢી દર પેઢી ચાલ્યા આવતા સફળ ધંધામાં અસફળ પૂરવાર થાય છે. જેના કારણે કેટલાય ધંધાઓ ખોટ ખાઇ બંધ થઈ જતા હોય છે. સમયે-સમયે પરિવર્તન આવશ્યક છે. છાતી ઉપર એક વાળ સફેદ દેખાય અને પુત્રને રાજ્ય સોંપવાનો વિચાર આવે, તેનો પુત્ર જ મર્યાદા પુરુષોત્તમ ધનુર્ધર ચક્રવર્તી રાજા શ્રીરામ બને અને આજે પણ તેના રાજ્યની આદર્શ વ્યવસ્થા જેવા ‘રામરાજ્ય’ની કલ્પના સેવવામાં આવે છે. આજના યુગમાં પણ વિદેશમાં આ જ પ્રથા છે કે ૫૦-૫૫ વર્ષે આંતરરાષ્ટ્રીય કંપનીના ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજતા લોકો બીજા યોગ્ય વ્યક્તિને કમાન સોંપી દે છે. હમણા-હમણાના એમેઝોનના જેફ બેઝોસ જેવા બે-ત્રણતો તાજા ઉદાહરણો પણ આપણી સામે જ છે. આવું જ નોકરીમાં પણ છે. યાદ રાખજો, જે યોગ્ય સમયે પરીવર્તન કરે છે, એ જ કંપનીઓ વિશ્વ ઉપર રાજ પણ કરે છે. આપણે આસપાસ નજર દોડાવીએ તો આવી કેટલીય સંસ્થાઓ જોવા મળશે. યોગ્ય સલાહ આપીને, યોગ્ય ઘડતર કરીને, નવી પેઢીને આગળ વધવા પ્રેરવી એ વડીલોની ફરજ છે, તેવું મારું અંગત મંતવ્ય છે.
શ્રીજામવંતજીના સુંદર વચનોથી ખુશ થઈને શ્રીહનુમાનજી કહે છે –
તબ લગી મોહિ પરિખહુ તુમ્હ ભાઈ । સહિ દુખ કંદ મૂલ ફલ ખાઈ ॥
જબ લગિ આવૌં સીતહિ દેખી । હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી ॥
હે ભાઈઓ! તમે લોકો દુ:ખ વેઠીને, કંદ-મૂળ અને ફળો ખાઈને મારી ત્યાંસુધી રાહ જોજો, જ્યાંસુધી હું માતા સીતાજીને જોઈને પાછો ન ફરું. આ કામ અવશ્ય થશે જ, કારણ કે મને હૃદયમાં વિશેષ આનંદની અનુભૂતિ થઈ રહી છે.
‘તબ લગિ મોહિ પરિખહુ તુમ્હ ભાઈ’માં ‘તબ લગિ’ એટલે કે ત્યાંસુધી. સામાન્ય રીતે કોઇ અવધિ નિશ્ચિત હોય છે, ત્યારે જ્યાંસુધી પહેલા લખાય છે અને ત્યાંસુધી બાદમાં લખાય છે. અહિં ત્યાંસુધી પહેલા લખેલુ છે એટલે કે શ્રીહનુમાનજીએ પરત ફરવાની કોઇ અવધિ નહોતી આપી. જો સમાયાવધિ આપે, તો તે પૂર્ણ થતા વાનરો કિષ્કિંધા પાછા ફરે અને પાછા ફરે તો સુગ્રીવના હાથે, તેઓએ (સુગ્રીવે) આપેલો સમય પૂર્ણ થઈ ગયેલો હોય, મૃત્યુદંડ મળવાનો હતો. આમ વાનરવીરો પાછા વળી ન જાય અને મૃત્યુદંડ ન મળે, તે માટે કહ્યુ છે, ‘મોહિ પરિખહુ’ એટલે કે મારી રાહ જોજો, મારી પ્રતિક્ષા કરજો. કેમ પ્રતિક્ષા કરવાનું કહ્યુ? તો થોડો સમય વિત્યે, નિરાશ થઇને, હનુમાન હવે પાછા નહિ આવે, તેમ માનીને પાછા ન ફરી જતા; કેમ કે ત્યાં સુગ્રીવના હાથે મૃત્યુ છે અને પ્રતિક્ષા કરવાનું કહેવાનું બીજુ કારણ કે આપણે હનુમાનને એકલા મોકલી દીધા કે જવા દીધા, આપણે બધાએ જોડે જવું જોઈએ, તેમ માનીને મારી પાછળ પણ ન આવતા; કેમ કે અગાઉ દરેક વીરે પોત-પોતાની શક્તિઓનું વર્ણન કર્યુ ત્યારે આપણે જોયુ હતુ કે અમૂક લોકો આખો સમુદ્ર ઓળંગી શકે તેમ નથી. તેઓ સમુદ્રમાં પડી જશે અને જીવ ગુમાવશે. આમ, હનુમાન હવે નહિ આવે તેમ માનીને પાછા ફરવાનું કે બધાએ જોડે લંકા જવું જોઈતું હતુ તેમ માનીને પાછળ આવવાનું, આ બેમાંથી કંઈ જ કરવાનુ નથી, કારણ કે બન્નેમાં જીવ હાની જ છે.
એક તર્ક એવો પણ છે કે શ્રીહનુમાનજી સંત છે અને સંતનો સ્વભાવ સ્વાર્થી ન હોય પરમાર્થી હોય. જો વાનર સેના પરત ફરી જાય અને શ્રીહનુમાનજી એકલા પાછળથી માતાજીનો સંદેશો લઈ કિષ્કિંધા જાય, તો શ્રીહનુમાનજીએ માતા સીતાજીની શોધ કરી ગણાય. જ્યારે શ્રીહનુમાનજી આ કાર્યનો શ્રેય તમામને મળે, ભગવાનનો અનુગ્રહ બધાને મળે તેવું ઇચ્છતા હતા, માટે રાહ જોવાનું કહ્યું કે તમે લોકો બસ શાંતિથી મારી રાહ જોજો. સારા લોકોની સાથે જવાનો આ જ ફાયદો છે. પોતે મહેનત કરે અને તેનો શ્રેય બધાને મળે તેવું શુભ વિચારે. ત્યારબાદ કહે છે, ‘તુમ્હ ભાઈ’ એટલ કે હે ભાઈઓ! શ્રીહનુમાનજી વાનરસેના માટે ભાઈ શબ્દથી સંબોધન કરે છે. સામાન્ય રીતે સજાતિઓ માટે ભાઈ શબ્દનો પ્રયોગ થાય છે. આપણે કોઈ માણસને બોલાવવા હોય તો ‘એ ભાઈ’ એવું કહીએ છીએ ને? તેમ અહિં બધા વાનરો એક જ જાતિના હતા, માટે ‘ભાઈ’થી સંબોધન કરવામાં આવેલુ છે.
આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. આવતા લેખમાં રાહ જોવા ઉપરાંત શ્રીહનુમાનજીએ વાનર સેનાને શું કહ્યુ? તેના વિશે જોઈ આ પાવન કથામાં આગળ વધીશુ.
સર્વે વાચકોને મારા જય સિયારામ…..
મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી
|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||
Jay sitaram 🙏
Bhai Bahu saras lakhyu👍🙏