શ્રી ગણેશાય નમ:
શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: । શ્રી હનુમતે નમો નમ: । શ્રી સદ્ગુરુ દેવાય નમ: ।
શ્રીસુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ (શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૪ । होइहि सोइ जो राम रचि राखा – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-014/ )માં આપણે શ્રીજામવંતજીના ક્યા વચનો શ્રીહનુમાનજીને અતિ પ્રિય લાગ્યા તેની, વડીલોનો નવી પેઢીના ઘડતરમાં શું તથા કેવો ફાળો હોવો જોઈએ તેની અને શ્રીહનુમાનજી વાનર સેનાને સમુદ્ર કિનારે રાહ જોવાનું કહે છે, ત્યાંસુધીની કથા આપણે જોઈ હતી. આજની કથામાં શ્રીહનુમાનજીએ વાનર સેનાને સમુદ્ર કિનારે રાહ જોવા ઉપરાંત આગળ શું કહ્યુ? ત્યાંથી આગળ વધીએ.
આગળ શ્રીહનુમાનજી કહે છે, ‘સહિ દુખ કંદ મૂલ ફલ ખાઈ’. આપણે કોઇ અગત્યના અને કઠિન કામે જતા હોઈએ તો કેટલીયે ભલામણો કરીને જઈએ કે મારા માટે ભગવાનને પ્રાર્થના કરજો કે મારા માટે ઉપવાસ કરજો અથવા કોઈ ખાસ પુજા-અર્ચના કરજો કે કોઈ મંદિરે જજો વગેરે-વગેરે. અહીં શ્રીહનુમાનજી બધાને કહે છે, મારે પાછા આવવામાં સમય જાય અને તે દરમ્યાન કોઇ દુ:ખ પડે તો સાથે મળીને વેઠી લેજો, પણ ભુખ્યા ન રહેતા. કંદ-મૂળ, ફળો વગેરે જે કાંઇ મળે તે ખાઈને સમય પસાર કરજો, મારી પ્રતિક્ષા કરજો અને પ્રભુનું સ્મરણ કરજો. કોઈએ ભુખ્યુ રહેવાનું નથી. શ્રીહનુમાનજીને ખબર હતી કે આ બધા દેવતાઓ અને દેવતાપુત્રો પ્રભુના માનવ અવતારની લીલાનો ભાગ બનવા અને તેનો લ્હાવો લેવા વાંદરાઓ થઈને પૃથ્વિ ઉપર આવી તો ગયા, પરંતુ વાનરનો સ્વભાવ ચંચળ હોય છે. આ બધાથી ભૂખ સહન નહી થાય તો? એક તો વાનરનો સ્વભાવ, તેમાં વળી ભૂખ લાગે અને જો ભુખ્યા પણ કોઈની રાહ જોવાની આવે તો શું થાય? અરે પોતે તો દુ:ખી-દુ:ખી થઈ જશે, સાથે-સાથે આસપાસના વિસ્તારમાં આતંક મચાવી દેશે અને આસપાસના લોકો તથા અન્ય પ્રાણીઓને પણ હેરાન-પરેશાન કરી દેશે. માટે શ્રીહનુમાનજીએ કહ્યુ કે કંઈક ખાઈ લેજો અને આમેય વળી ભોજન વગર ભજન થઈ શકે નહી.
એક મત એવો પણ છે કે, બધાએ અંગદજીની સાથે ઉપવાસ વ્રત કરવાનો નિર્ણય કર્યો હતો અને શ્રીમદ્વાલ્મીકીય રામાયણમાં તો લખ્યુ છે કે જામવંતજીએ કહ્યુ હતું કે, ‘સ્થાસ્યામશ્ચૈકપાદેન યાવદાગમનં તવ’ એટલે કે તમે આવશો ત્યાંસુધી અમે બધા એક પગે ઉભા રહીશું. ત્યારે શ્રીહનુમાનજી બધાને સાંત્વના આપે છે કે આવુ કંઇ કરવાની આવશ્યકતા નથી, બધા ચિંતા ન કરો, હું ચોક્કસ માતાજીને જોઈને પાછો આવીશ. મારી જરાપણ ચિંતા ન કરતા અને મારા માટે દુ:ખી ન થતા, બસ કોઇ દુ:ખ આવી જાય તો વેઠીને, કંદ-મૂળ અને ફળો ખાઈને પણ મારી રાહ જોજો.
વાનર સેનાએ સમુદ્ર કિનારે આવી રાહ ક્યાં સુધી જોવાની? તો શ્રીહનુમાનજીએ કહ્યુ, “જબ લગિ આવૌં સીતહિ દેખી” જ્યાંસુધી માતા સીતાજીને જોઈને પાછો ન ફરુ ત્યાંસુધી. જબ લગિ – જ્યાંસુધી. કોઈ સમયાવધી નથી આપી. અહીં શ્રીહનુમાનજીનું વક્ચાતુર્ય અને દીર્ઘદ્રષ્ટિ સ્પષ્ટ જણાય છે. તેઓએ અગાઉ આવી એક સમયાવધીનો અનર્થ બહુ સારી પેઠે જોઇ લીધો હતો. દુંદુભી નામનો એક રાક્ષસ એક દિવસ વાલીને યુદ્ધ માટે લલકારે છે. વાલી કોઇનીયે લલકાર સહન કરી શકતો ન હતો. વાલીના મારથી ત્રસ્ત થઇ, તે રાક્ષસ દોડીને એક ગુફામાં ચાલ્યો ગયો. વાલી પણ તેની જોડે યુદ્ધ કરવા ગુફામાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતી વખતે તેણે સુગ્રીવને એક સમયાવધી આપી હતી અને કહ્યુ હતુ કે, જો આ સમયાવધીમાં હું પરત ન ફરુ, તો માર્યો ગયો સમજી લેજો. સમયાવધી પૂર્ણ થઈ ગયા પછી પણ સુગ્રીવ ઘણો સમય ત્યાં રોકાયા હતા. એક દિવસ ગુફામાંથી લોહિની ધારા બહાર આવતી જોઇ, સુગ્રીવે વિચાર્યું કે નક્કી વાલી માર્યો ગયો. આમ, વાલીની પાછા ફરવાની કોઈ શક્યતા ન જણાતા, રાક્ષસ ભવિષ્યમાં હુમલો ન કરે તેવા સલામતિના પગલારૂપે ગુફાના દ્વાર આગળ મોટો પથ્થર મૂકીને, સુગ્રીવ કિષ્કિંધા પરત આવી જાય છે. કિષ્કિંધા નગરીને રાજા વિહોણી જાણી, બધા તેનો રાજ્યાભિષેક કરી દે છે અને થોડા સમય પછી વાલી પરત ફરે છે. ગુફાના દ્વાર આડો મોટો પથ્થર અને સુગ્રીવને રાજ સિંહાસન પર બેઠોલો જોઇ, વાલી તેને વિશ્વાસઘાતી સમજે છે. સુગ્રીવ પાસેથી કિષ્કિંધાનું રાજ અને તેની પત્નિ બધુ છીનવીને, તેને મારી નાખવા તેની પાછળ પડી જાય છે. આખી પૃથ્વિ ફર્યા બાદ પણ વાલીથી સુરક્ષિત જગ્યા ન મળતા, શ્રીહનુમાનજીની સલાહ મુજબ ઋષ્યમુખ પર્વત ઉપર આશ્રય લે છે. આ અનર્થથી તેઓ સુપેરે પરીચિત હોઇ, તેઓએ કોઈ સમયાવધી ન આપી.
આવૌં એટલે કે આવું. વ્યવહારમાં આપણે નકારાત્મક વાક્યરચના વધુ વાપરીએ છીએ. જેમ કે, આપણે પહેલુ નહોતુ જોયું? ફરવા ગયા ત્યાંથી આપણે તે (કોઈ વસ્તુ) નહોતુ લીધુ? લગ્નમાં કે કોઈ અન્ય પ્રસંગમાં પેલા નહોતા મળ્યા? વગેરે-વગેરે. આગળના લેખમાં (http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-014/) અને આ લેખના અગાઉના ફકરામાં વાંચો, ‘જ્યાંસુધી હું માતા સીતાજીને જોઈને પાછો ન ફરું.’ અને ‘જ્યાંસુધી માતા સીતાજીને જોઈને પાછો ન ફરુ ત્યાંસુધી.’ એવું જ મેં પણ લખ્યુ છે કારણ કે લોકોના વિચારોમાં નકારાત્મકતા વધતી જાય છે. આપણી રહેણી-કરણીમાં જ નકારાત્મકતા વધતી જાય છે. આપણુ મગજ નકારાત્મક વસ્તુઓ ઝડપથી અને વધુ સ્વીકારતું થઇ ગયું છે. આજકાલ આપણી આસપાસ ડિપ્રેશનના કેસો બહુ જોવા મળે છે, તેનું મુખ્ય કારણ પણ આ જ બાબત છે અને વળી તેમાં કોરોના આવી ગયો. પરંતુ શ્રીતુલસીદાસજી મહારાજે અહીં નકારાત્મક વાક્યરચના નથી વાપરી. અહિ દ્રઢ વિશ્વાસ છે કે કાર્ય સફળ થશે જ. બીજુ, શ્રીહનુમાનજી કાર્યની શરૂઆતમાં જ જો નકારાત્મક વાત કરે તો કાર્ય સફળ કેમ થાય? શ્રીહનુમાનજી સંત છે. સંત ક્યારેય જુઠુ ન બોલે અને જો ભુલથી બોલી પણ જાય તો તે સત્ય બની જાય. માટે શ્રીહનુમાનજીના મુખમાંથી નકારાત્મક શબ્દો નથી નિકળતા. મને લાગે છે કે આ નકારાત્મકતાનો ટ્રેન્ડ લેટેસ્ટ છે, આપણા જમાનાનો છે, શ્રીતુલસીદાસજી મહારાજના સમયમાં તો આવી હકારાત્મક વાક્યરચનાની જ પ્રથા હશે.
આગે માનસમે બાબાજી લિખતે હૈ, ‘સીતહિ દેખી’ હવે માતા સીતાજીને શોધીને આવું કે ભાળ મેળવીને આવું એવુ નથી લખ્યુ, સીતાજીને જોઈને આવું એવુ કહ્યુ છે. જ્યાંસુધી ભાળ નહોતી મળી ત્યાંસુધી ‘સુધિ’ એટલે કે શોધ કે ભાળ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. માતા જાનકીજીની શોધ ચાલુ હતી તે સમયે ‘સીતા સુધિ પૂઁછેહુ સબ કાહૂ’ અને ‘ઈહાઁ ન સુધિ સીતા કૈ પાઈ’ વગેરે ચોપાઇઓ માનસમાં લખેલી છે. જ્યારથી જટાયુના ભાઈ સંપાતી પાસેથી ભાળ મળી ગઈ કે માતાજી સમુદ્રને પાર લંકામા એક વૃક્ષ નીચે બેઠા છે, ત્યારથી માનસકારે ‘દેખિ’ શબ્દનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જેમ કે ‘જબ લગિ આવૌં સીતહિ દેખી’ અને શ્રીહનુમાનજી વિભીષણજીને મળે છે ત્યારે દેખીં ચહઉઁ જાનકી માતા’ વગેરે ચોપાઈઓ છે. આમ, શ્રીહનુમાનજી બધાને કહે છે કે, હું જ્યાંસુધી માતા જાનકીજીને જોઈને પાછો ન ફરુ, ત્યાંસુધી તમે બધા દુ:ખ વેઠીને અને કંદ-મૂળ તથા ફળ ખાઈને મારી અહિં જ સમુદ્ર કિનારે પ્રતિક્ષા કરજો. ઘણાને પ્રશ્ન થશે કે, શ્રીહનુમાનજીએ એકબાજુ સમયાવધિ નથી આપી કે કેટલા સમયમાં પાછા આવશે, બીજીબાજુ સમુદ્ર કિનારે રોકાઈ રહેવાનું અને રાહ જોવાનું કહે છે, પરંતુ ખાતરી શું કે માતાજીને જોઈને પાછા ફરશે જ? પ્રભુએ માણસ નામનું બુદ્ધિશાળી પ્રાણી બનાવ્યુ છે, તો પ્રશ્નો તો ઉદ્ભવશે જ.
તબ બાબાજી માનસ મૈં લિખતે હૈ કી, શ્રીહનુમાનજીએ કહ્યુ છે, ‘હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી’. માતા વૈદેહિને શોધવાનુ આ પ્રભુકાર્ય અવશ્ય પુરુ થશે જ, કારણ કે મને મનમાં હરખ જ એટલો બધો થાય છે. હોઇહિ કાજુ એટલે કે કામ થશે જ. જ્યારે આપણે ગુજરાતી ભાષામાં કોઈ વાત કે વિષય ઉપર ભાર મૂકવા માંગતા હોઇએ ત્યારે “જ” શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તેવી રીતે હિંદી-અવધી ભાષામાં કોઈ વાત કે વિષય ઉપર ભાર મૂકવા “હિ” શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં શ્રીહનુમાનજીએ કહ્યુ, હોઇહિ એટલે કે થશે જ. તેઓ દ્રઢતાપૂર્વક કહે છે, તેઓને પાકી ખાતરી છે કે કામ સફળ થશે જ. શ્રીહનુમાજીને કેમ ખબર પડી કે કામ સફળ થશે જ? તેના મુખ્ય બે કારણો આપણે આવતા લેખમાં જોઈશુ.
સર્વે વાચકોને મારા જય સિયારામ.
મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી
|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||
Very nicebhaiyu
🙏 Jay siyaram 🙏