શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૬ । હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

અગાઉના લેખ (શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૫ । ભોજન વગર ભજન ન થાય http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-015/ )માં શ્રીહનુમાનજીએ વાનર સેનાને સમુદ્ર કિનારે રાહ જોવા ઉપરાંત આગળ શું કહ્યુ હતું? તેના વિશે જોયું. ત્યારબાદ હોઇહિ કાજુ એટલે કે કામ થશે જ, એવું કહ્યું, ત્યારે પ્રશ્ન એ થયો કે શ્રીહનુમાજીને કેમ ખબર પડી કે કામ સફળ થશે જ? તેઓને કેવી રીતે ખબર પડી કે માતા સીતાજીને જોઇને તેઓ પાછા ફરશે જ. તો આ પાકી ખાતરી માટેના મુખ્ય બે કારણોથી આજની આ સુંદર કથાની શરૂઆત કરીએ.  

પહેલું, આપણા જુના શાસ્ત્રોમાં ચોક્કસ સફળતા મળે તે મુજબ કામ શરૂ કરવા માટેના શુકનો અથવા તો ક્યા શુકનમાં કામ શરુ કરવામાં આવેલ હોય તો સફળતા મળે તે વર્ણવેલુ છે. કોઈમાં સુર્યોદય પહેલા પ્રસ્થાન કરવાનું વિધાન છે, તો કોઈમાં સારા શુકન થાય ત્યારે પ્રસ્થાન કરવાનું વિધાન છે. કોઈએ મનમાં ઉત્સાહ હોય ત્યારે કામ શરુ કરવાનું કહ્યુ છે, તો કોઈએ બ્રાહ્મણને પુછીને એટલે કે બ્રાહ્મણ પાસે મુહૂર્ત કઢાવીને પછી યાત્રા-પ્રવાસ કે નવુ કાર્ય પ્રારંભ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે, તેવું નોંધેલુ છે. અહીં જામવંતજીને બ્રહ્માવતાર ગણવામાં આવે છે. તેઓએ કહ્યુ કે તમે લંકા જાવ અને સીતાજીને જોઈને પાછા આવો. આમ, જ્યારે બ્રહ્મવાક્યથી કે બ્રહ્મઆજ્ઞાથી કાર્ય પ્રારંભ થવાનું હોય, ત્યારે કાર્યસિદ્ધિ નિશ્ચિત જ મનાય છે. તેથી જ શ્રીહનુમાનજી ખાતરી પૂર્વક કહે છે કે, હું જનકનંદિનીને જોઈને પાછો આવીશ જ.

બીજુ, “હરષ બિસેષી” એટલે કે હૃદયમાં હર્ષ એ કાર્ય સફળતાની નિશાની છે. જ્યારે આપણે કોઈ કાર્ય કરવાનો મનમાં સંકલ્પ કરીએ અને તેની તૈયારી શરૂ કરતા જો મનમાં આનંદ-આનંદ છવાઈ જાય, હર્ષ અનુભવાય તો તે કાર્ય ચોક્કસ સિદ્ધ થાય છે. જે કામમાં ભાર લાગતો હોય, ધરાર-ધરાર કામ કરવામાં આવતુ હોય કે મજબુરીમાં કામ થતુ હોય, ત્યાં સફળતા નિશ્ચિત હોતી નથી. ત્રણેક વર્ષ પહેલા અમારા ભાયાણી પરીવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. મને યાદ છે, જ્યારથી આ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો, ત્યારથી ભાયાણી પરીવારના દરેક ઘરમાં એક અનેરો આનંદ, ઉત્સાહ અને જોમ અનુભવાતુ હતું. જેની ફળશ્રુતી રૂપે આ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ આખાયે પરીવાર માટે જીંદગીભરનું સુંદર સંભારણુ બની ગઈ. આ જ રીતે મારી ૨૦૧૨ની અયોધ્યાની યાત્રા હોય કે કોરોનાના કપરા કાળની પહેલા ૨૦૨૦ની રામેશ્વરમ્‌ની યાત્રા હોય, દરેક વખતે મનનો ઉમંગ જ તેની સફળતાનું સૂચક રહ્યુ છે. ઘણા પારીવારિક કાર્યો અને ધાર્મિક કે સંસ્થાકિય કાર્યો સ્વયંસેવકો અને દાતાઓની મદદથી ભવ્યાતિભવ્ય રીતે પૂર્ણ થતા આપણે જોઇએ છીએ. બસ મનમાં અનેરો આનંદ હોવો જોઈએ.

શ્રીરામચરિતમાનસમાં જ્યાં-જ્યાં હર્ષ લખ્યુ છે, ત્યાં-ત્યાં કાર્ય સફળ ચોક્કસ થયું છે. એક તો જે ચોપાઈની હાલ આપણે વાત કરીએ છીએ તે, હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી. બીજી જોઈએ તો, મિથિલામાં થઇ રહેલા યજ્ઞમાં હાજરી આપવા જઇ રહેલા વિશ્વામિત્ર મુનિ સાથે પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણજીનું પણ જવાનું નક્કી થાય છે ત્યારે માનસમાં લખ્યુ છે, “ધનુષજજ્ઞ સુનિ રઘુકુલનાથા, હરષિ ચલે મુનિબર કે સાથા” વગેરે. આમ, મનમાં આનંદ-ઉત્સાહ હોવો એ કોઈપણ કાર્યની સફળતા માટેની પૂર્વશરત છે અને તો જ કામ ચોક્કસ સફળતાપૂર્વક પુરુ થાય, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. માટે શ્રીહનુમાનજીએ કહ્યું ‘હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી’.

અસ કહિ નાઈ સબન્હિ કહુઁ માથા ચલેઉ હરષિ હિય ધરિ રઘુનાથા

આમ કહિને તેઓ (શ્રીહનુમાનજી) સર્વેને શીશ નમાવીને, પ્રણામ કરીને તથા હૃદયમાં શ્રીરઘુનાથજીનું સ્મરણ કરીને શ્રીહનુમાનજી હરખાઇને ચાલ્યા.

વાનર સેનાના બધા વાનરોને પોતે વૈદેહીને જોઈને આવે ત્યાંસુધી દુ:ખ વેઠીને, કંદ-મૂળ અને ફળો ખાઇને પણ પોતાની રાહ જોવાનું કહી બધાને મસ્તક નમાવીને એટલે કે પ્રણામ કરીને તેઓ કાર્યની શરૂઆત કરે છે. અહીં બધાને પ્રણામ કરે છે. આપણે કોઈ મહત્વનું કામ કરવા જતા હોઇએ કે કોઇ દ્વારા સોંપવામાં આવે, તો બે વેંત ઊંચા ચાલતા હોઇએ છીએ. તેમાંય વળી આપણને ખબર પડે કે આ ટીમમાં, કચેરીમાં, કુટુંબમાં કે સમાજમાં હું બધાથી હોશિયાર છુ, બધાથી આગળ પડતો છુ, ટીમનો કે કુટુંબનો અન્ય કોઇ સભ્ય આ કામ કરી શકે તેમ નથી, તો સામાન્ય રીતે ઘણા માણસોને અભિમાન આવી જતુ હોય છે, માથુ ઉંચુ કરીને, અક્કડ થઇને ફરવા માંડતા હોય છે અને સરખો જવાબ પણ આપતા હોતા નથી. એટલે કે જ્યારે આપણે કોઈ કામ કરવા સમર્થ હોઈએ, ત્યારે આપણે અન્યને માથું ઝુકાવવાનું કે વિવેક કરવાનું પણ ઘણી વખત ભુલી જતા હોઈએ છીએ. શ્રીહનુમાનજી તો ખરા અર્થમાં વિવેકની ખાણ હતા. તેઓ એક દુર્ગમ કાર્ય કરવા જઈ રહ્યાં હતા, જે અન્ય કોઈ કરી શકે તેમ પણ ન હતું, તો પણ બધાને મસ્તક ઝુકાવી, નમન કરી કાર્યની શરૂઆત કરે છે. આપણે સમાજમાં જોઈએ છીએ કે જે થોડા વિવેકી હોય, તે વડીલોના આશીર્વાદ મેળવીને કાર્યની શરૂઆત કરતા હોય છે; પરંતુ, શ્રીહનુમાનજી તેનાથી પણ એક ડગલું આગળ છે. શ્રીહનુમાનજી ફક્ત વડિલોને જ નહી, સબન્હિ એટલે કે નાના-મોટા, સીનિયર-જુનિયર કોઈ જ ભેદભાવ વગર ત્યાં ઉપસ્થિત વાનર સેનાના તમામ સભ્યોને નમન કરી કાર્યની શરૂઆત કરે છે. નમે તે સહુને ગમે અને તેનાથી પણ વિશેષ નમે તે પ્રભુને તો સવિશેષ ગમે એટલે જ તેઓ રઘુપતિપ્રિયભક્તમ્‌ પણ છે.

વાનર સેનાને પ્રણામ કર્યા પછી વાલ્મીકીય રામાયણમાં લખ્યુ છે કે, સ સૂર્યાય મહેન્દ્રાય પવનાય સ્વયમ્ભુવે, ભૂતેભ્યશ્ચાગ્જલિં કૃત્વા ચકાર ગમને મતિમ્‌ એટલે કે શ્રીહનુમાનજીએ સૂર્ય, ઇન્દ્ર, પવન, બ્રહ્મા અને વિશેષ દેવયોનિના સર્વ ભૂતોને હાથ જોડીને સામે પાર જવાનો નિશ્ચય કર્યો. ત્યારબાદ આગળ લખ્યુ છે, ‘અંજલિં પ્રાઙ‌મુખ: કુર્વન્‌ પવનાયાત્મયોનયે, તતો હિ વવૃધે ગન્તું દક્ષિણાં દિશમ્‌’ અર્થાત શ્રીહનુમાનજીએ ત્યારબાદ પૂર્વાભિમુખ થઈને પોતાના પિતા પવનદેવને પ્રણામ કર્યા. કાર્ય રોજીંદુ કચેરી કે ધંધા ઉપર જવાનુ સામાન્ય હોય કે ખાસ હોય, એકવાર માતા-પિતાને પગે લાગીને ઘરની બહાર નિકળવાની આદત કેળવો, પરિણામો બદલી જશે. સ્વયં સાક્ષી છુ હો… શ્રીહનુમાનજી ખાસ તેઓના પિતાજીને પ્રણામ કરે છે, ત્યારબાદ દક્ષિણ દિશાને પ્રકાશિત કરનારા સૂર્ય સમાન અને કાર્યકુશળ શ્રી અંજનીનંદન દક્ષિણ દિશામાં જવા આગળ વધ્યા. દક્ષિણ દિશામાં કઇ રીતે આગળ વધ્યા? તો શ્રીતુલસીદાસજી લખે છે, ચલેઉ હરષિ હિય ધરિ રઘુનાથા હૃદયમાં હર્ષ સાથે એટલે કે હરખાઇને, આનંદિત થઇને અને પ્રભુને હૃદયમાં ધારણ કરીને આગળ વધ્યા.

કોઇપણ કાર્ય કરવા જતા હોઇએ કે કાર્યની શરૂઆત કરતા હોઇએ ત્યારે મનમાં ઉમંગ હોવો જોઇએ અને તેમાં પણ પ્રભુકાર્યમાં તો ખાસ. જો મનમાં હરખ હોય તો જ કાર્ય સફળ થાય, તે આપણે આગળ પણ જોયુ હતુ. અહીં હરખ થવો તેવો બે વાર ઉલ્લેખ કરવામાં આવેલ છે. એક વખત ‘હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી’ ચોપાઇમાં અને બીજી વખત આ ચોપાઇમાં ‘ચલેઉ હરષિ હિય ધરિ રઘુનાથા’ ચોપાઇમાં. પહેલી વખત કાર્ય ચોક્કસ પરિપૂર્ણ થશે તેના ચિહ્નરૂપે આનંદ હતો અને બીજી વખત હિય ધરિ રઘુનાથા એટલે કે ભગવાનનું સમરણ કરીને કાર્યનો પ્રારંભ કરવાનો હરખ થઇ રહ્યો છે. હિય ધરિ રઘુનાથાનો શાબ્દિક અર્થ શ્રીરઘુનાથજીને હૃદયમાં ધારણ કરીને એવો થાય, પરંતુ શ્રીહનુમાનજીના હૃદયમાં તો ‘જાસુ હૃદય આગાર બસહિ રામ સર ચાપ ધર’ એટલે કે ભગવાન પહેલેથી જ બિરાજમાન છે, તેઓએ ધારણ કરેલા છે. ‘ધરના’નો એક અર્થ ધ્યાન ધરવું કે સ્મરણ કરવું એવો પણ થાય છે, માટે અહીં ભગવાનનું સ્મરણ કરીને ચાલ્યા તેવો અર્થ કર્યો છે.

એક સંતમત ઐસા ભી હૈં કી ‘અસ કહિ નાઈ સબન્હિ કહુઁ માથા, ચલેઉ હરષિ હિય ધરિ રઘુનાથા ચોપાઇમાં શ્રીતુલસીદાસજીએ પ્રભુકાર્ય માટે મન, વચન અને કર્મ ત્રણેયથી તત્પરતા જોઇએ તેવો ભાવ પ્રગટ કર્યો છે. “ચલેઉ હરષિ હિય એટલે કે મન, અસ કહિ એટલે કે વચન અને નાઈ સબન્હિ કહુઁ માથા એટલે કે કર્મ”. આમ, પ્રભુકાર્ય માટે મન, વચન અને કર્મ ત્રણેયથી તત્પરતા જોઇએ. મારું માનવુ તો એવું પણ છે કે, “કોઇપણ કાર્ય પછી ભલે તે સાંસારિક કાર્ય હોય તો પણ મન,વચન અને કર્મથી કરવામાં આવે અને સાથે પ્રભુ સ્મરણ હોય તો તે પ્રભુકાર્ય બની જાય છે, યોગ બની જાય છે, તેની સફળતામાં કોઇ શંકા રહેતી નથી.”

બોલો સિયાવર રામચંદ્ર કી જય. સર્વે વાચકોને મારા જય સિયારામ.

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,101FansLike
293FollowersFollow
1,083SubscribersSubscribe
- Advertisement -

Latest Articles