શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૭ । બાર બાર રઘુબીર સઁભારી | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

આગળના લેખ(શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૬ । હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-016/ )માં પ્રભુકાર્ય ચોક્કસ થશે જ તેના બે કારણો, શ્રીહનુમાનજી ખરા અર્થમાં વિવેકની ખાણ છે, માતા-પિતાને પગે લાગીને ઘરની બહાર નિકળવાની આદત કેળવવાનું મહત્વ, પ્રભુ સ્મરણ કરી કાર્યની શરૂઆત વગેરેની કથા જોઇ હતી. શ્રીહનુમાનજી સમુદ્ર કિનારે આવેલ પર્વત પાસે જવા હરખાઇને, આનંદિત થઇને અને પ્રભુને હૃદયમાં ધારણ કરીને આગળ વધ્યા હતા, ત્યાંથી આજની કથામાં આગળ વધીએ. ગોસ્વામી શ્રીતુલસીદાસજી લખે છે –

સિંધુ તીર એક ભૂધર સુંદર । કૌતુક કૂદિ ચઢે઼ઉ તા ઉપર

સમુદ્ર કિનારે એક સુંદર પર્વત હતો. શ્રીહનુમાનજી રમતમાત્રમાં જ કૂદિને તેના ઉપર ચડી ગયા.

સમુદ્રના કિનારે ‘એક ભૂધર’ એક પર્વત હતો. શ્રીતુલસીદાસજીએ આ પર્વતનું નામ નથી લખ્યું, ફક્ત એટલું જ લખ્યુ છે કે એક પર્વત હતો. સામાન્ય રીતે પર્વત એકલો હોતો નથી, પર્વતમાળા હોય છે. અહીં એક પર્વત એટલા માટે કહ્યુ છે કે જે કાર્યની વાત થઈ રહી છે, તે કરવા માટે આ એક જ પર્વત યોગ્ય છે. શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં આ પર્વતનું નામ મહેન્દ્રાચલ આપેલુ છે. શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણ લખાયા બાદ આ વિષય ઉપર ઘણા મતમતાંતર થયા. આ કારણોસર શ્રીતુલસીદાસજીએ પર્વતનું નામ ન લખ્યું અને એક પર્વત આટલુ જ લખીને અટકી ગયા.

શ્રીતુલસીદાસજીએ એવું લખ્યું છે કે આ પર્વત સુંદર છે. માનસમાં તેના વિશે વધુ વર્ણન કરવામાં નથી આવ્યુ, પરંતુ વાલ્મીકીય રામાયણમાં આ મહેન્દ્ર પર્વત કેટલો સુંદર છે? તેનું ખૂબ સરસ વર્ણન કરવામાં આવેલુ છે. તેના શિખરો ઉંચા અને સ્થિર છે. તે વિવિધ ધાતુઓનો ભંડાર છે. તે ફળ-ફૂલોથી ભરેલા અનેક વૃક્ષોથી આચ્છાદિત છે. આ પર્વતના વનોમાં સિંહ, વાઘ અને હાથી વગેરે પ્રાણીઓ વિચરે છે તથા વિવિધ પ્રકારના પક્ષીઓ મધુર ગુંજારવ કરે છે. વિવિધ સ્થળોએથી ઝરણાઓ ફુટી, ખળખળ વહી રહ્યા છે. ઋષિ-મુનિઓ તપ કરે છે અને ગંધર્વો પોતાની પત્નિઓ સાથે અહીં વિહાર કરે છે. આમ, આ પર્વત સુંદર છે અને વળી પ્રભુકાર્ય માટે ઉપયોગી હોય ખૂબ જ ‘સુંદર’ છે.

‘કૌતુક કૂદિ ચઢે઼ઉ તા ઉપર’, જ્યા આખી વાનર સેનાનો પડાવ હતો, ત્યાંથી આ પર્વત થોડો દૂર હશે, માટે શ્રીતુલસીદાસજીએ અગાઉ હૃદયમાં હરખ અને મનમાં પ્રભુ સ્મરણ સાથે ચાલ્યા તેવું લખ્યુ હતુ. હવે પર્વત પાસે પહોંચી વિના કોઇ પરીશ્રમ, કુદકો મારીને બજરંગબલી રમતમાત્રમાં અનાયાસે જ પર્વત ઉપર ચડી ગયા. દૂર સુધીનું અંતર કાપવા છલાંગ લગાવવી હોય તો, ઉંચાઇ ઉપરથી લગાવવી પડે. આ વાત ગાણિતિક અને ફિલસૂફી બન્ને મુજબ યથાર્થ જ છે. કંઇક મોટી સફળતા મેળવવી હોય તો જ્ઞાન અને પરિશ્રમના પર્વત ઉપરથી કૂદકો મારવો પડે. જો સતત પ્રભુ સ્મરણ અને હરિકૃપા હોય, તો જ જ્ઞાન અને પરિશ્રમરૂપી પર્વત ઉપર આસાનીથી ચડી શકાય. આગે બાબાજી લિખતે હૈં –

બાર બાર રઘુબીર સઁભારી તરકેઉ પવન તનય બલ ભારી

વારંવાર રઘુવીર શ્રીરામચંદ્રજીનું સ્મરણ કરીને અતિશય બળશાલી પવનપુત્ર શ્રીહનુમાનજી પર્વત ઉપરથી મોટા વેગ સાથે કૂદ્યા.

અગાઉ આપણે જોયું હતુ કે હૃદયમાં ભગવાનને ધારણ કરી લીધા હતા. હવે કાર્યની શરૂઆત કરવા જઇ રહ્યા છે, ત્યારે પ્રભુનુ વારંવાર સ્મરણ કરે છે. જેમ એકવાર જમી લેવાથી કાયમી તૃપ્તિ થઇ જતી નથી, તેમ ભગવાનને એક વાર હૃદયમાં ધારણ કરી લેવાથી કામ પુરુ થઇ જતુ નથી. કાયમી પ્રભુનુ સ્મરણ કરવુ પડે, નિરંતર પ્રભુ ભજન કરવુ પડે. જો સતત સ્મરણ ન રહે તો ભક્ત માયામાં પડી જાય અને તેના હૃદયમાં ધારણ કરેલા ભગવાનની વિસ્મૃતિ થઈ જાય. એક વ્યક્તિએ સંતને એવું પુછ્યું કે, ભગવાન આપણા હૃદયમાં જ રહે છે, તો પછી મંદિરે જવાની શું આવશ્યકતા? સંતે બહુ જ સરસ જવાબ આપ્યો કે, તડકામાં પણ ઓક્સિજન હોય છે, તેમ છતાં આપણે છાંયો કેમ શોધીએ છીએ? જે ભગવાન હૃદયમાં છે, એ જ ભગવાન મંદિરમાં છે. પરંતુ મંદિરે જવાથી એક સુંદર અનૂભુતિ થાય છે. તેજીને ટકોરો પૂરતો છે, મિત્રો, સતત પ્રભુ સ્મરણ રાખજો.

અહીં શ્રીહનુમાનજી ભગવાનનું વારંવાર સ્મરણ કરે છે. જય શ્રીરામ, જય શ્રીરામ……., જય જય સિયારામ, જય રઘુવીર… જેવુ પ્રભુ સ્મરણ કર્યુ કે શ્રીહનુમાનજીના શરીરના એકેક રૂવાડા ઉભા થઇ ગયા. કોઇએ લખ્યુ છે કે શ્રીહનુમાનજીના શરીરના સાડા ત્રણ કરોડ રૂવાડા ઉભા થઇ ગયા. મહાવીર શ્રીહનુમાનજીના શરીરમાં તેજ, બળ અને પરાક્રમનો આવેશ થયો અને તેઓના શરીરમાં વીરરસ ઉત્પન્ન થયો. શ્રીતુલસીદાસજીએ અહીયા પ્રભુ શ્રીરામનું સ્મરણ કર્યું કે શ્રીરઘુનાથજીનું સ્મરણ કર્યું તેવું નથી લખ્યુ, અહીં ‘રઘુબીર’નું સ્મરણ લખ્યુ છે. પ્રભુના વીર સ્વરૂપનું સ્મરણ કરવાથી શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. રઘુવીર એ પ્રભુનું વીરતા સૂચક નામ છે અને રઘુવીર નામનું સ્મરણ કરવાથી વીરતા સુનિશ્ચિત થાય છે. શ્રીહનુમાનજી હવે પછી સમુદ્રને ઓળંગવાનું, લંકામાં પ્રવેશ, લંકાદહન વગેરે વીરતાવાળા જ કાર્યો કરવાના હોય, માનસકારે બાર બાર રઘુબીર સઁભારી તેવુ લખ્યુ છે.

જ્યારે શ્રીહનુમાનજીના શરીરમાં વીરરસ અને તેજ, બળ તથા પરાક્રમ વ્યાપી જાય છે, શરીરનું એકે-એક રૂંવાડું ઉત્તેજીત થઈ જાય છે, ત્યારનું તેઓનું સ્વરૂપ અને પર્વતની પરિસ્થિતિ કંઇક આવી હતી. શ્રીહનુમાનજીએ કનક ભૂધરાકાર શરીરા – વિશાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. મહેન્દ્ર પર્વતની ઉપર સહજતાથી રમતમાત્રમાં કૂદીને ચડી ગયા છે. જેમ ભૂકંપ આવે અને ધરા ખળભળી જાય તેમ શ્રીહનુમાનજી મહેન્દ્ર પર્વત ઉપર ચડતા જ પર્વત ધ્રુજી ઉઠ્યો અને બે ઘડી સુધી ડગમગતો જ રહ્યો. પર્વત ઉપરના વૃક્ષોના બધા ફળ-ફૂલો પર્વત ઉપર ખરી પડ્યા, જેથી જાણે આખો પર્વત ફૂલોનો જ બનેલો હોય તેવો ભાસતો હતો. શ્રીહનુમાનજીના પગથી દબાઇ રહેલો પર્વત વિવિધ સ્થળોએથી ખનિજોથી યુક્ત જલના ઝરણાઓ વહાવવા લાગ્યો. પર્વત ઉપર વસતા જીવ-જંતુઓ, પ્રાણીઓ ગભરાટના માર્યા આમ-તેમ દોડવા લાગ્યા અને તેનો ભયંકર કોલાહલ મચી ગયો. પર્વત ઉપર વસતા તપસ્વીઓ અને વિદ્યાધરો ભયભીત થઇને અંતરિક્ષમાં જતા રહ્યા અને ત્યાં જઇને મહાબળવાન શ્રીહનુમાનજીનું પરાક્રમ જોવા લાગ્યા.

એ વખતે “દુધુવે ચ સ રોમાણિ ચકમ્પે ચાનલોપમ:, નનાદ ચ મહાનદં સુમહાનિવ તોયદ:” અર્થાત શ્રીહનુમાનજી અગ્નિ જેવા સુવર્ણ રંગના દેખાતા હતા. એમણે પોતાના શરીરને હલાવ્યું અને શરીરના તમામ રૂંવાડાંઓને ઝાટક્યાં તથા તેઓ ભારે મેઘની જેમ સિંહનાદ જેવી ગર્જના કરી રહ્યા હતા કે, “પ્રાણપ્રયાણસમયે યસ્ય નામ સકૃત્સ્મરન્‌, નરસ્તીર્ત્વા ભવામ્ભોધિમપારં યાતિ તત્પદમ્, કિં પુનસ્તસ્ય દૂતોઽહં તદઙ્ગાઙ્ગુલિમુદ્રિકઃ” એટલે કે મૃત્યુ સમયે શ્રીરામ નામનું એકવાર સ્મરણ કરવા માત્રથી જીવ સંસાર-સાગર પાર કરીને પ્રભુના પરમધામને પ્રાપ્ત કરે છે, તો હું રામદૂત પ્રભુની મુદ્રિકા સાથે લઇને અને હૃદયમાં તેઓનું જ સ્મરણ કરતા-કરતા આ સમુદ્ર બહુ સરળતાથી અને તુરંત જ ઓળંગી જઇશ, તેમાં કોઇ મોટી વાત નથી.

વાનર સેના શ્રીહનુમાનજીનો જય-જયકાર કરે છે અને શ્રીહનુમાનજી પ્રભુ શ્રીરામનો જય-જયકાર કરતા, મહેન્દ્રાચલ ઉપરથી કૂદવા તૈયાર થઈ રહ્યા છે. અહીં તેનું  એવું વર્ણન કરવામાં આવેલું છે કે, તેઓએ પુંછને હવામાં ફંગોળી અને શરીરના ઉપરના અંગોને સંકોચી કમરની પાસે લઈ ગયા તથા પગથી પર્વતને દબાવીને વેગપૂર્વક જોરથી છલાંગ લગાવી. જય શ્રી રામ… ત્યારે શ્રીતુલસીદાસજી લખે છે, “તરકેઉ પવન તનય બલ ભારી” મહા બળવાન, મહા પરાક્રમી, પવનદેવના પુત્ર અને રામદૂત શ્રીહનુમાનજી પર્વત ઉપરથી મોટા વેગથી કૂદ્યા. શ્રીહનુમાનજી પવનપુત્ર છે માટે તેઓનો વેગ પવનના વેગ જેવો ખૂબ વધારે છે. અહીં શ્રીહનુમાનજી બહુ ભારે બળ તથા અતિશય વેગથી છલાંગ મારે છે.

શ્રીહનુમાન છલાંગ મારતાની સાથે જ તેઓના અતિશય તીવ્ર વેગને લીધે પર્વત ઉપર ઉગેલા વૃક્ષો ઉખડીને એક મુહૂર્ત એટલે કે આશરે ૪૮ મિનિટ સુધી તેઓની સાથે ઉડ્યા. ત્યારબાદ તે સમુદ્રમાં પડી ગયા અને તેનાથી સમુદ્ર જાણે ગાલીચો પાથર્યો હોય તેવો સુશોભિત લાગતો હતો. વાયુપુત્રનો વેગ એટલો બધો હતો કે સમુદ્રમાં વમળો સર્જાવા લાગ્યા, સુનામી મોજાઓ ઉછળવા લાગ્યા અને સમુદ્રમાં ઉંડે રહેલા જળચરો પણ સ્પષ્ટ દેખાવા લાગ્યા. શ્રીહનુમાનજીએ છલાંગ લગાવ્યા બાદ સમુદ્ર કિનારાની પરિસ્થિતિ વર્ણવતા માનસકાર લખે છે,

જેહિં ગિરિ ચરન દેઇ હનુમંતા ચલેઉ સો ગા પાતાલ તુરંતા

જે પર્વત પરથી શ્રીહનુમાનજી પગ મૂકીને ચાલ્યા, તે પર્વત તરત જ પાતાળમાં ચાલ્યો ગયો.

આગળની કથા આવતા અંકે જોઇશુ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. સર્વે વાચકોને મારા જય સિયારામ.

“મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી”

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,101FansLike
293FollowersFollow
1,083SubscribersSubscribe
- Advertisement -

Latest Articles