શ્રી ગણેશાય નમ:
શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્ગુરુ દેવાય નમ: |
શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૩૭ (શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૮ | સત્સંગનું મહત્વ – ૩ । Sundarkand | सुंदरकांड – https://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-037/)માં આપણે સત્સંગનું અવર્ણનીય મહત્વ સમજાવતો નારદજીનો એક સુંદર પ્રસંગ, પ્રભુ સત્સંગ કરનારને કેટલા વશ હોય છે તેનો શ્રીપ્રિયાદાસજીનો પ્રસંગ, સત્સંગનું મહત્વ અને પ્રભુકૃપા વગર સંત સમાગમ શક્ય નથી વગેરે કથા જોઇ હતી. હવે આજની કથાની શરૂઆત કરીએ.
છેલ્લા બે અંકમાં આપણે સત્સંગ વિશે ઘણી સુંદર વાતો જોઇ હતી. આપણે અગાઉ ઘણી વખત જોઇ ગયા તેમ, માનસ ઉપર રીસર્ચ કરનારાઓ વળી પ્રશ્નો બહુ ઉઠાવે. અહીં લંકિનીએ શ્રીહનુમાનજીને ચોર અને મૂર્ખ કહ્યા, શ્રીહનુમાનજીએ તેણીને એક મુક્કો માર્યો, તેણી લોહિની ઉલટી કરતી ચક્કર ખાઇને પડી ગઇ, તેમાં સત્સંગ ક્યાં આવ્યો? કોણે અને કેવો સત્સંગ કર્યો? શું સત્સંગ કર્યો? કે બાબાજીએ દોહામાં એવું લખ્યું કે, સ્વર્ગ અને મોક્ષના સઘળા સુખોને ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે, તો પણ તે સર્વે મળીને બીજા પલ્લામાં રાખવામાં આવેલા ક્ષણમાત્રના સત્સંગથી મળતા સુખોની બરાબર થઇ શકતા નથી. એવું તો લંકિનીને શું સુખ પ્રાપ્ત થઈ ગયું?
સત્સંગની વ્યાખ્યા બહું વિશાળ છે, તેમ સત્સંગના ઘણા પ્રકાર પણ છે. દર્શન સત્સંગ, સ્પર્શ સત્સંગ અને સમાગમ સત્સંગ. અગાઉ નારદજીવાળો પ્રસંગ જોયો હતો, (https://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-037/) તેમાં તેઓના દર્શનથી જીવને મુક્તિ મળી જતી હતી, તેને દર્શન સત્સંગ કહેવાય. અહીં શ્રીહનુમાનજીએ લંકિનીને મુક્કો માર્યો એટલે કે તેણીને શ્રીહનુમાનજીનો સ્પર્શ થયો, જેને સ્પર્શ સત્સંગ કહેવાય. આપણે સારા માણસોના સંગમાં જીવીએ કે સાચા સંતની નિશ્રામાં રહીએ, તેને સમાગમ સત્સંગ કહેવાય. સમાગમ સત્સંગના ઉદાહરણો જોઇએ તો, યાજ્ઞવલ્ક-ભરદ્વાજ સમાગમ, કાકભુશુંડિ-ગરુડ સમાગમ વગેરે વિશે આપણે જાણીએ છીએ.
લંકિનીનો શ્રીહનુમાનજી સાથે સત્સંગ થયો તેનું એક પ્રમાણ એ છે કે તેણીએ તરત જ પોતાની તામસ પ્રકૃતિ ત્યજી દીધી અને સાત્વિક પ્રકૃતિ ધારણ કરી લીધી. ભગવાનનું નામ લેવા લાગી, પ્રભુભક્તનો આદર કરવા લાગી. આનાથી મોટી સાબિતી બીજી શું જોઇએ? માનસમાં, શ્રીમદ્વાલ્મીકીય રામાયણમાં કે અધ્યાત્મ રામાયણમાં તો નથી લખ્યું, પરંતુ કોઇ સંશોધનકાર શોધી લાવ્યા છે કે, શ્રીહનુમાનજીએ લંકિનીના મસ્તક ઉપર મુક્કો માર્યો હતો. તે સાચુ છે કે ખોટું? તેની સાબિતીમાં ન પડીએ તો પણ કદાચ મસ્તક ઉપર જ મુક્કો માર્યો હોઇ શકે, કારણ કે આપણા વિચારો, આપણી લાગણી, આપણી સંવેદના, આપણી અનુભૂતિ વગેરે મગજમાં સમાયેલા હોય છે. આ મગજનું સ્થાન મસ્તિષ્કમાં હોય છે, માટે જેવો માથા ઉપર મુક્કો પડ્યો, મસ્તક ઉપર સંતનો સ્પર્શ થયો કે વિચારો બદલાઈ ગયા, વૃતિ બદલાઈ ગઈ. નમન પણ મસ્તક નમાવીને એટલે જ કરવામાં આવે છે અને માથા ઉપર હાથ મુકીને આશીર્વાદ કે સાંત્વના પણ એટલે જ આપવામાં આવે છે.
મસ્તિષ્કની અંદર મગજ અને ઉપર વાળ રહેલા હોય છે. આ મગજ અને વાળ બન્ને સુઘડ અને સ્વચ્છ હોવા જોઇએ. આજકાલ સીધા વાળ હોય તે વાંકડિયા કરાવવા અને વાંકડિયા વાળ હોય તે સીધા કરાવવાની લાઈનમાં લાગેલા છે. આપણે કોઇને મળીએ એટલે પહેલું ધ્યાન સામે વાળી વ્યક્તિના ચહેરા ઉપર જાય અને જો તેના વાળ સરખી રીતે ઓળેલા ન હોય તો તેના ઉપરથી જ તે થાકેલ છે કે અવ્યવસ્થિત છે તે ખ્યાલ આવી જાય. જો સામે વાળી વ્યક્તિના વાળ સુંદર રીતે ઓળેલા હોય તો તેના વ્યક્તિત્વ ઉપર ચોક્કસ સારી અસર પડે છે. વાળની વ્યક્તિત્વ ઉપર કેટલી અસર પડે છે, તેના ઉદાહરણ જોઇએ તો ડૉ એ પી જે અબ્દુલ કલામ અને એમ એસ ધોની આપણી સમક્ષ જ છે. તેરે નામ ફિલ્મની રાધે સ્ટાઈલ પણ બહુ પ્રચલિત થઈ હતી. ટૂંકમાં, વાળ સીધા હોય કે વાંકડિયા, સ્વચ્છ અને સુઘડ હોવા જોઇએ. શ્રીહનુમાનજીના વાળ વિશે શ્રીહનુમાન ચાલીસામાં ‘કુંચિત કેશા’ અર્થાત વાંકડિયા વાળ હતા, એવું વર્ણન કરવામાં આવેલુ છે અને કાનુડાના વાળ પણ વાંકડિયા જ હતા.
ગોસ્વામી શ્રીતુલસીદાસજીએ સ્વર્ગ અને મોક્ષના તમામ સુખો કરતા સત્સંગના સુખને ચડિયાતુ જણાવેલ છે, પરંતુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, એક વખત વસિષ્ઠજી અને વિશ્વામિત્રજી વચ્ચે તપ અને સત્સંગ પૈકિ કોણ શ્રેષ્ઠ? તે બાબતે વિવાદ થયો. વસિષ્ઠજીએ સત્સંગને શ્રેષ્ઠ ગણાવ્યો, જ્યારે વિશ્વામિત્રજીએ તપને શ્રેષ્ઠ ગણાવ્યું. ઘણી ચર્ચા, વાદ-વિવાદ અને શાસ્ત્રાર્થના અંતે તેઓ કોઇ નિષ્કર્શ ઉપર ન આવી શકતા, બન્ને ઋષિઓ શેષજી પાસે સમાધાન માટે ગયા. શેષજીએ કહ્યું તમારા બન્નેમાંથી કોઇ એક પૃથ્વીને થોડી વાર સંભાળો, તો હું જવાબ આપું. પહેલા વિશ્વામિત્રજીએ પોતાના તપની બધી શક્તિ લગાવી દીધી, તો પણ પૃથ્વીને ધારણ કરી શક્યા નહીં. જ્યારે વસિષ્ઠજીએ ક્ષણમાત્રના સત્સંગના ફળને અર્પણ કરીને પૃથ્વીને બે ઘડી સુધી ધારણ કરી રાખ્યું. આમ, સિદ્ધ થઈ ગયું કે, સત્સંગ જ સર્વશ્રેષ્ઠ છે.
સ્વર્ગ અને મોક્ષના સર્વે સુખોની તુલના ક્ષણમાત્રના સત્સંગથી મળતા સુખ સાથે કરવામાં આવેલ છે. અહીં ક્ષણએ ગુજરાતી ભાષાંતરમાં ઉપયોગમાં લેવામાં આવેલ એક સમયસૂચક શબ્દ છે. ગોસ્વામીજીએ ચોપાઈમાં “લવ” શબ્દ વાપર્યો છે. તો એક લવ એટલે કેટલો સમય? આ બાબતે અલગ-અલગ વિદ્વાનોએ અલગ-અલગ મંતવ્યો આપેલા છે. અહીં આપણે શ્રીમદ્ભાગવતને આધારભૂત ગણીશુ. શ્રીમદ્ભાગવત મુજબ ત્રણ લવનો એક નિમેષ થાય છે. નિમેષ એટલે આપણા બે પાંપણ ભેગા થઈને છુટા પડે તેને એટલે કે આંખનો પલકારો કે આંખના મટકું મારીએ તેને નિમેષ કહેવાય. આ એક નિમેષ ત્રણ લવ બરાબર ગણવામાં આવેલ છે. થોડું વધુ માપ જોઇએ તો, ત્રણ નિમેષની એક ક્ષણ થાય અને પાંચ ક્ષણની એક કાષ્ઠા થાય છે. આ ગણતરીમાં વધુ આગળ વધતા નથી, પરંતુ આંખના એક પલકારાના ત્રીજા ભાગના સમયના સત્સંગના સુખો સ્વર્ગ અને મોક્ષના તમામ સુખોથી ચડિયાતા છે, તેવું અહીં વર્ણવવામાં આવેલું છે. સત્સંગ વિશે જેટલું લખીએ તેટલું ઓછુ જ લાગે. શ્રીસુંદરકાંડની કથામાં આગળ વધીએ તો, બાબાજીએ લખ્યુ છે કે ત્યારબાદ લંકિની શ્રીહનુમાનજીને કહે છે કે –
પ્રબિસિ નગર કીજૈ સબ કાજા । હૃદય રાખિ કોસલપુર રાજા ॥
અયોધ્યાપુરીના રાજા શ્રીરઘુનાથજીને હૃદયમાં રાખીને નગરમાં પ્રવેશ કરો અને ત્યારબાદ પ્રભુના સર્વે કાર્યો કરો.
‘પ્રબિસિ નગર’ અર્થાત નગરમાં પ્રવેશ કરો. લંકામાં પ્રવેશવાની છુટ આપી દીધી, માટે એવું કહી શકાય કે લંકિની લંકાની ઇમીગ્રેશન ઓફીસર હતી. લંકા નગરી પોતે જ લંકિની સ્વરૂપે હતી એટલે તેણીએ જ પાસપોર્ટમાં સિક્કો મારી આપ્યો, વિઝા આપી દીધા કે હવે તમે નગરમાં પ્રવેશ કરી શકો છો. ‘કીજૈ સબ કાજા’ અર્થાત સર્વે કાર્યો કરો. ક્યા સર્વે કાર્યો? તો પહેલા જામવંતજીએ એક જ કામ કરવાનું કહ્યુ હતું કે, “એતના કરહુ તાત તુમ્હ જાઈ, સીતહિ દેખી કહહુ સુધિ આઈ” હે તાત! આપ બસ એટલુ કરો કે લંકા જાવ, ત્યાં જઈ માતા સીતાજીને જોઈને પાછા આવો અને પછી તેના સમાચાર પ્રભુ શ્રીરામને પહોંચાડો (https://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-008/). ત્યારબાદ સુરસાએ કહ્યુ હતુ કે, ‘રામ કાજુ સબુ કરિહહુ તુમ્હ બલ બુદ્ધિ નિધાન । આસિષ દેઇ ગઈ સો હરષિ ચલેઉ હનુમાન ॥’. સુરસાના આ શબ્દો થકી પ્રભુએ શ્રીહનુમાનજીને સંદેશો પાઠવ્યો કે, હે હનુમાન! તમારે જામવંતજીએ કહ્યુ છે એ ઉપરાંત વિશેષ કાર્યો પણ કરવાના છે. સીતાજીને મુદ્રિકા પહોંચાડવાની છે, અંગદના ભયને કાયમ માટે દૂર કરવા અક્ષકુમારનો વધ કરવાનો છે, રાવણના સામ્રાજ્યનો ચિતાર મેળવવાનો છે અને અંતે સૌથી અગત્યનું તેવું પ્રભુ શ્રીરામે શ્રીહનુમાનજીને માતા સીતાજીને શોધવા જતી વખતે કહ્યુ હતુ તે મુજબ “બહુ પ્રકાર સીતહિ સમુઝાએહુ, કહિ બલ બિરહ બેગિ તુમ્હ આએહુ” એટલે કે સીતાને અનેક પ્રકારે સમજાવજો અને મારું બળ તથા વિરહ કહીને તમે શીઘ્ર પાછા આવજો. (https://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-024/). અહીં લંકિની ફરી સર્વે કાર્યો કરવાનું કહે છે. ભગવાન આપણને જીવનમાં જે કંઇ કરવાનું હોય, તેનો સંદેશો કોઇને કોઇ સ્વરૂપે આપી જ દેતા હોય છે. બસ, આપણે સમજી શકવા જોઇએ. આ બાબતને આવતા અંકમાં ગોસ્વામીજીની એક સુંદર ચોપાઈના ઉદાહરણ સાથે સમજીશું. આજની કથાને અહીં વિરામ આપીએ છીએ.
સર્વે વાચકોને મારા જય સિયારામ…..
મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥
|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||