શ્રી સુંદરકાંડ । ભાગ-૨ । સુંદરકાંડ નામ કેમ પડ્યું? | Sundarkand

Posted by

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

સર્વે સુજ્ઞ વાચકોને અંજનીનંદન પવનપુત્ર શ્રીહનુમાનજી મહારાજના જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ….  

સુંદરકાંડની આ અલૌકિક કથાનો શુભારંભ રામનવમીના પાવનપર્વથી કરવામાં આવેલ છે. પ્રથમ લેખમાં (http://udaybhayani.in/sundarkandwithuday_001/) મંગલાચરણ વિષે હતો. આજના બીજા લેખમાં ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા અધ્યાયનું નામ સુંદરકાંડ કેમ પડ્યુ? તેના બુદ્ધિગમ્ય અને સુંદર કારણો જોઈશું.

પ્રથમ અને સરળ મત એવો છે કે, રામાયણમાં મુખ્યત્વે પ્રભુ શ્રીરામના જીવનચરિત્રનું વર્ણન છે. શ્રીરામચરિતમાનસના આ પાંચમાં સોપાન સુંદરકાંડમાં મુખ્ય પાત્ર ભગવાન શ્રીરામ નથી, પરંતુ શ્રી હનુમાનજી મહારાજ છે. અંજની માતા શ્રીહનુમાનજીને તેઓ નાના હતા ત્યારે વ્હાલથી “સુંદર” એવા હુલામણા નામથી બોલાવતા હતા. આ કારણસર શ્રી વાલ્મિકીજીએ આ કાંડનું નામ સુંદરકાંડ એવું રાખ્યું છે.

બીજા એક મત મુજબ માતા સીતાજી એટલે ભક્તિ સ્વરૂપા, માતા સીતાજી એટલે શક્તિ સ્વરૂપા. જ્યારે હનુમાનજી એક સંત કે એક ભક્ત છે. આ કાંડમાં સીતાજીને શોધવાની એટલે કે ભક્તિને પ્રાપ્ત કરવાની કથા છે. જ્યારે એક સાચો ભક્ત ભક્તિને મેળવવા, ભક્તિની શોધ કરવા નીકળે છે, ત્યારે એને કેવા પ્રયત્નો કરવા પડે અને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે? તેણે કેવા અને કેટલા પ્રયત્નો કરવા જોઈએ? વગેરેનું તાદ્શ નિરૂપણ આ કાંડમાં કરેલું જોવા મળે છે. આરામના પ્રલોભનથી ન આકર્ષાવાથી લઈ, ભૂખ્યા-તરસ્યા જંગલોમાં ભટકવા સુધી અને સમુદ્ર લાંઘવાથી લઈ, જરૂર પડ્યે લંકા બાળવાનું દુર્ગમ કાર્ય કરવું પડે; તો જ ભક્તિ મળે, તો જ શક્તિ મળે. એક ભક્ત માટે ભક્તિ અને શક્તિની શોધ દર્શાવતો કાંડ ચોક્કસ જ સૌથી સુંદર હોય, માટે આ કાંડનું નામ સુંદરકાંડ રાખવામાં આવ્યું છે. આમ પણ જીવનમાં ભક્તિ નથી મળતી ત્યાંસુધી જ બધા વિઘ્નો અને મુશ્કેલીઓ રહેતી હોય છે. ભક્તિ પ્રાપ્ત થયા બાદ બધુ સુગમ જ હોય છે. જ્યાંસુધી શ્રીહનુમાનજી માતા જાનકીજીને મળ્યા ન હતા, ત્યાંસુધી પ્રલોભન રૂપી મૈનાક, સ્પર્ધક રૂપી સુરસા, ઈર્ષ્યા રૂપી સિંહિકા તથા ભેદબુદ્ધિરૂપી લંકિની વગેરે વિઘ્નો આવ્યા હતા, માતા વૈદેહીને મળ્યા બાદ તો બધા કામો સુગમતાથી જ પૂર્ણ થયા.

ત્રીજી કથા એવી છે કે, શ્રી વાલ્મીકિજીએ રામાયણ લખ્યા બાદ જ્યારે લવ-કુશે આ રામાયણ અયોધ્યામાં શ્રીરામજીના દરબારમાં ગાયું, ત્યારે કિષ્કિંધાકાંડ પછી હનુમંત કાંડ એવા શીર્ષકથી કથા ગાવાનું શરૂ કર્યું. હનુમાનજીએ તેઓને રોક્યા અને કહ્યું કે, આખી રામાયણ પ્રભુ શ્રીરામની કથા જ છે અને પ્રભુ શ્રીરામનું નામ જ આવવું જોઈએ. વાલ્મીકિજીએ કહ્યું કે, તમારા વગર પ્રભુ શ્રીરામ માતા સીતાને શોધી ન શક્યા હોત. ત્યારે હનુમાનજી કહે છે કે, પ્રભુ કૃપા વગર માતા સીતાને શોધવાનું મારું સામર્થ્ય જ નથી. ત્યારબાદ શ્રી વાલ્મીકિજી વિચારે છે અને પછી સુંદરકાંડ એવું નામ આપે છે. તે માટેનો તર્ક એવો છે કે, વિષ્ણુસહસ્ત્રનામમાં ભગવાનનું એક નામ સુંદર છે એટલે કે ભગવાન શ્રીરામનું નામ આવી ગયું. વળી, હનુમાનજીના જન્મ પહેલા અંજની માતા તપ કરતા હતા ત્યારે ભગવાન શિવજીએ એવું વરદાન આપેલું કે, તમારે ત્યાં એક સુંદર બાળકનો જન્મ થશે. આ કારણે જ અંજની માતા શ્રીહનુમાનજીનું મારુતી નામ પાડતા પહેલા તેને ‘સુંદર’ કહીને બોલાવતા. આમ, ભગવાન શ્રીરામ અને શ્રીહનુમાનજી બન્નેનું નામ આવી જાય તે રીતે શ્રીવાલ્મીકિજી દ્વારા આ કાંડને સુંદરકાંડ એવું નામ આપવામાં આવેલ છે.

ચોથું કારણ જોઇએ તો, રામાયણમાં (બાલકાંડ અને ઉત્તરકાંડ સિવાય) જે-તે સ્થળને લગતી કે તેને સંલગ્ન કે જે સ્થળ આસપાસની કથા હોય, તે સ્થળ મુજબ કાંડના નામાભિધાન કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે અયોધ્યા સાથે સંલગ્ન કથા માટે અયોધ્યા કાંડ, વનની કથા માટે અરણ્યકાંડ, કિષ્કિંધા આસપાસના ચરિત્ર માટે કિષ્કિંધાકાંડ અને યુદ્ધ વગેરે લંકામાં થયા હતા તે માટે લંકાકાંડ. પરંતુ, આપણે જેને લંકા નામથી ઓળખીએ તે ત્રિકુટાચલના ત્રણ શીખર છે. પહેલું શિખર છે, ‘નીલ’. જેના ઉપર લંકા નગરી વસેલી હતી. આ શીખર ઉપર રાવણ તથા અન્ય મંત્રીઓ વગેરેના મહેલો, બજાર વગેરે આવેલા હતા. બીજું શિખર છે, ‘સુવેલ’. જે એક મેદાન સ્વરૂપે છે. જ્યાં શ્રીરામ ભગવાન વાનર સેના સાથે ઉતર્યા હતા અને રાવણ સાથે યુદ્ધ થયું હતું. ત્રીજું શિખર છે, ‘સુંદર’. આ શિખર ઉપર અશોકવાટિકા આવેલી હતી. સીતા માતાને અશોકવાટિકામાં રાખવામાં આવ્યા હતા. સુંદરકાંડની કથામાં આ શિખર ઉપરના ચરિત્રની કથા મુખ્ય છે, માટે તેનું નામ સુંદરકાંડ એવું રાખવામાં આવ્યું છે.

પાંચમું કારણ, આ કાંડમાં આદિકવિ શ્રીવાલ્મીકિજીએ સૌથી સુંદર કાવ્ય શૈલીઓનું નિરૂપણ કર્યું છે. જેમાં તમામ ભાવોને સુંદર રીતે વર્ણવેલા છે. “સુન્દરે સુન્દરી સીતા, સુન્દરે સુન્દર કપી: સુન્દરે સુન્દરી વાર્તા, અત: સુન્દર ઉચ્યતે એટલે કે આ કાંડમાં માતા સીતાજીનું સુંદર ચરિત્ર વર્ણવેલું છે, આ કાંડમાં કપીશ્વર શ્રીહનુમાનજી મહારાજનું સુંદર ચરિત્ર વર્ણવેલું છે, આ કાંડની આખી વિષયવસ્તુ જ સુંદર છે, માટે આ કાંડનું નામ સુંદરકાંડ રાખવામાં આવેલું છે.

છઠ્ઠું, સંત શ્રી રામદયાલજી એવું કહે છે કે, અધ્યાત્મ રામાયણના છેલ્લા શ્લોકમાં પ્રથમ તબક્કામાં “રામાયણં જનમનોહરાદિકાવ્યમ્‌” એવું લખવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે, રામાયણ લોકોનું મન હરિ લે તેવું અનુપમ આદિકાવ્ય છે. જેમાં “સુન્દરે સુન્દરો રામ:, સુન્દરે સુન્દરી કથા સુન્દરે સુન્દરી સીતા, સુન્દરે કિં ન સુન્દરમ‌ અર્થાત આ કાંડમાં પ્રભુ શ્રીરામ સુંદર છે, તેની અલૌકિક કથા સુંદર છે, માતા સીતાજીના સુંદર ચરિત્રનું વર્ણન છે, ત્યારે આ સુંદરકાંડમાં શું સુંદર નથી? બધું સુંદર જ છે અને તેથી જ તે સુંદરકાંડ છે. સુંદરકાંડમાં બધું જ સુંદર છે, તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો આ બધું એટલે કે સુંદરકાંડમાં કઈ-કઈ બાબતો સુંદર છે? તો અહિં શ્રીહનુમાનજીના વિરાટ સ્વરૂપનું વર્ણન, સમુદ્રને પાર કરવાનું વર્ણન, શ્રીહનુમાનજીના બલ-બુદ્ધિની પરીક્ષાનું વર્ણન, લંકાનગરીની શોભા અને તેની સુરક્ષાનું વર્ણન, શ્રીહનુમાનજીનો માતા સીતાજી સાથેનો સંવાદ, રાક્ષસરાજમાં વિભીષણ અને ત્રિજટાના સ્વભાવનું વર્ણન, રાવણના અભિમાન ભંગનું વર્ણન અને છેલ્લે શ્રીહનુમાનજીએ શ્રીરામ પ્રભુને આપેલા માતા જાનકીજીના સંદેશનું વર્ણન, બધું જ અતિ સુંદર છે.

સાતમું, આ કાંડની શરૂઆત અને અંત બન્ને મનભાવન એટલે કે મનને અતિ પ્રિય લાગે તેવા ભાવ સાથેના છે. જેની શરૂઆત “જામવંત કે બચન સુહાયે સુનિ હનુમંત હૃદય અતિ ભાએ ચોપાઈથી થાય છે અને અંત “નિજ ભવન ગવનેઉ સિંધુ શ્રીરઘુપતિહિ યહ મત ભાયઉ છંદથી થાય છે. આમ, આ કાંડમાં નિરુપાયેલું આખું ચરિત્ર જ મનભાવન છે, માટે સુંદરકાંડ નામ પડ્યું છે.

આઠમું, આ કાંડમાં બધું જ સુંદર છે, તેની પ્રતીતિ સુંદરકાંડની નીચે મુજબની ચોપાઈઓ ખૂબ સારી રીતે કરાવે છે. (૧) સમુદ્ર કિનારે એક સુંદર પર્વત છે, તેના માટે ‘સિંધુ તીર એક ભૂધર સુંદર’ તેવું વર્ણવેલું છે. (૨) ત્યાંથી આગળ વધતા સોનાની લંકાના વર્ણનમાં ‘કનક કોટિ બિચિત્ર મનિકૃત સુંદરાયતના ઘના’ એવું લખ્યું છે. (૩) સુંદરકાંડમાં શ્રીહનુમાનજી પ્રભુ શ્રીરામની મુદ્રિકા માતા જાનકીજીને આપે છે, તે સુંદર છે માટે બાબાજીને લીખા હૈ, ‘તબ દેખી મુદ્રિકા મનોહર, રામ નામ અંકિત અતિ સુંદર’. (૪) અશોકવાટિકાના ફળ-ફુલની સુંદરતા દર્શાવતા ગોસ્વામીજી લખે છે, ‘સુનહું માતું મોહિ અતિસય ભૂખા, લાગિ દેખિ સુંદર ફલ રુખા’ અને (૫) અંતે ભગવાન શીવજી દ્વારા માતા ભવાનીને કહેવામાં આવી રહેલ આખી કથા અને તેમાં પણ સુંદરકાંડની કથા અતિ સુંદર છે માટે, ‘સાવધાન મન કરિ પુનિ સંકર, લાગે કહન કથા અતિ સુંદર’. આમ, આ કાંડનું નામ સુંદરકાંડ દરેક રીતે સુયોગ્ય જ છે. આ કાંડનું નામ સુંદરકાંડ કેમ રાખવામાં આવ્યું હશે? તેના અહીંયા સુધી વર્ણવેલા આઠેય તર્ક કે કારણો કયાંકને ક્યાંક સાંભળેલા કે વાંચેલા છે. પ્રભુ કૃપા અને ગુરુ પ્રેરણાથી આ સંદર્ભમાં મેં પણ એક સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો છે. જે નીચે મુજબ છે.

નવમું અને મારી લેખમાળાનું આખરી કારણ (કારણ કે ‘હરિ અનંત હરિ કથા અનંતા’ આવા તો અસંખ્ય કારણો અને તર્ક કરી શકાય માટે) જોઈએ તો, ‘સુંદર’ શબ્દનો ભગવદ્ગોમંડલમાં એક અર્થ આપેલો છે – સુ = સારી રીતે, ઉન્દ્‌ = પલાળવું અને અર = ઉતાવળુ. આમ, સુંદર એટલે કે સારી રીતે ઝડપથી પલાળનારું. સુંદરકાંડની તમામ કથાઓ જેવી કે, મૈનાકને બુદ્ધિપૂર્વક જવાબ આપવો, સુરસાની પરીક્ષામાંથી સિફતપૂર્વક પસાર થવું, લંકિનીની સ્વામી ભક્તિ, શ્રીહનુમાનજી અને શ્રીવિભીષણજીનું મિલન, ત્રિજટાચરિત્ર, શ્રીહનુમાનજીનું સીતામાતાને સાંત્વન આપવું, રાવણના દરબારમાં તેને શીખ આપવી, શ્રીરામનો સંદેશો માતા જાનકીજીને અને માતાજીનો સંદેશો પ્રભુ શ્રીરામને પહોંચાડવો, પ્રભુ શ્રીરામ દ્વારા વિભીષણનો સ્વીકાર, સમુદ્રને માર્ગ આપવા વિનંતી વગેરે પ્રસંગો આપણા હૃદયને તુરંત જ ભાવુક બનાવી દે તેવા, પલાળી દે તેવા સુંદર છે, અથ: આ કાંડનું નામ સુંદરકાંડ રાખવામાં આવેલું હોઈ શકે છે.

આજના લેખને ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના આ સુંદર પાંચમા સોપાનનું નામ “સુંદરકાંડ” કેમ રાખવામાં આવ્યું છે? તેના કારણોથી સિમિત રાખીએ છીએ. વધુમાં, આપ શ્રીહનુમાનજીના જન્મની વિવિધ શાસ્ત્રોમાં વર્ણવેલી રસપ્રદ કથાઓ જાણવા માંગતા હોવ, તો ગયા વર્ષે શ્રીહનુમાન જયંતી નિમિતે “રામાયણ – શ્રીહનુમાનજીના જન્મની કથાઓ” વિષય પર લખેલો લેખ http://udaybhayani.in/ramayan-hanumanjayanti2020/ લિંક ઉપર ક્લિક કરી વાંચી શકશો.

સર્વે વાચકોને મારા જય સીયારામ….

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

5 comments

  1. Sundar kand na path to dhana karela parantu aa navij drasti khole chhe
    Jai Siyaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *