Home Informative શ્રી સુંદરકાંડ । ભાગ-3 । સ્થિતપ્રજ્ઞતા – સાચા રામભક્તનું લક્ષણ | Sundarkand

શ્રી સુંદરકાંડ । ભાગ-3 । સ્થિતપ્રજ્ઞતા – સાચા રામભક્તનું લક્ષણ | Sundarkand

5
શ્રી સુંદરકાંડ । ભાગ-3 । સ્થિતપ્રજ્ઞતા – સાચા રામભક્તનું લક્ષણ | Sundarkand

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

સુંદરકાંડની કથાના આગળના લેખ ( સુંદરકાંડ નામ કેમ પડ્યું? –  http://udaybhayani.in/sundarkandwithuday_002/ ) માં આ કાંડનું નામ સુંદરકાંડ શા માટે પડ્યુ? તેના સુંદર-સુંદર, બુદ્ધિગમ્ય તર્ક કે કારણોની કથા જોઈ હતી. સુંદરકાંડની શરૂઆત કરતા પહેલા ઘણા ભક્તો કિષ્કિંધાકાંડના છેલ્લા દોહાથી લઈ તેના અંતસુધીની ચોપાઈઓનો પાઠ કરતા હોય છે. આપણે પણ અહીંયા સુંદરકાંડની શરૂઆત કરતા પહેલા કિષ્કિંધાકાંડની છેલ્લી થોડી ચોપાઈઓ વિશે જોઈશું અને ત્યારબાદ ખરેખર સુંદરકાંડની કથાની શરૂઆત કરીશું.

કિષ્કિંધાકાંડની છેલ્લી ચોપાઈઓની શરૂઆત કરતા પહેલા આંતરિક પવિત્રતા અને આંતરિક સૌંદર્ય વિશે થોડી વાત કરવી છે. આજના સમયમાં મોટાભાગના લોકો ભૌતિક સુખોની પાછળ દોડી રહ્યાં છે. બાહ્ય સુંદરતાને પ્રાધાન્ય આપી રહ્યાં છે અને બાહ્ય સુંદરતાને જ પસંદ કરી રહ્યા છે. આ બાહ્ય સુંદરતા પણ પ્રભુએ જ આપેલી છે અને તેમાં કઇ ખોટું પણ નથી; પરંતુ ફક્ત બાહ્ય સુંદરતાની અને તેને જ મેળવવાની આંધળી દોટ ખોટી છે. ખરી સુંદરતા તો આંતરિક સુંદરતા છે. જો આપણું વ્યક્તિત્વ સારું હશે, આપણું મન પવિત્ર હશે, તો આપણને બધું સુંદર જ લાગશે અને આપણે પણ બધાને સુંદર જ દેખાશું. કોઈએ કહ્યું છે ને કે, બંદર કભી સુંદર હોતા હૈ? હા. સુંદરકાંડનો આ બંદર તો રામનો બંદર છે, તેના હૃદયમાં રામ વસે છે, તેથી તે ચોક્કસ સુંદર જ છે. પ્રભુ ભક્તિથી બધુ જ સુંદર થઈ શકે. બાહ્ય સુંદરતાની શું વિસાત છે?

મહાત્મા ગાંધીજીના મોઢામાં એકેય દાંત નહોતો, તો પણ તેઓ સુંદર લાગતા હતા અને જે લોકો ગુજરાતી ગાયિકા દિવાળીબેન ભીલને જાણે છે, તેઓને ખબર છે કે દિવાળીબેન ભીલ બાહ્ય રીતે, લોકો જેને સુંદરતાની વ્યાખ્યા આપે છે તેવા, સુંદર નહોતા દેખાતા; પરંતુ, તેઓના કંઠનું સૌંદર્ય, તેનો સ્વર એટલો સુંદર હતો કે જે આજે પણ આપણા હ્રદયમાં વસે છે અને સદાય રહેશે જ. જ્યારે આ સુંદરકાંડની કથા વાંચો કે સાંભળો ત્યારે પણ ખાસ આપના મનને સુંદર અને પવિત્ર રાખવાનો પ્રયત્ન કરજો. પ્રભુ ભક્તિ થકી આંતરિક સુંદરતા વધારવા કે મેળવવા પ્રયત્ન કરવો જોઈએ અને આપણે તેના ભાગરૂપે જ આ અંદરથી સુંદર થવાની કથા, એવી સુંદરકાંડની કથા વિશે ચિંતન કરીએ છીએ. સુંદરકાંડની શરૂઆત કરતા પહેલા કિષ્કિંધાકાંડની આગળની થોડી કથા ટૂંકમાં જોઇએ અને ત્યારબાદ કિષ્કિંધાકાંડની છેલ્લી થોડી ચોપાઈઓ વિશે જોઈશું. ત્યારબાદ શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર સુંદરકાંડની શરૂઆત કરીશું.

પ્રભુ શ્રીરામની કૃપા અને આજ્ઞાથી વાનરરાજ સુગ્રીવજી સીતા માતાની શોધ કરવા માટે વાનર વીરોની અલગ-અલગ ટુકડીઓ બનાવી, તેને અલગ અલગ દિશામાં મોકલે છે. જેમાં દક્ષિણ દિશામાં યુવરાજ અંગદની અધ્યક્ષતામાં  જામવંતજી, હનુમાનજી, નલ-નીલ વગેરેની સાથે અન્ય વાનર વીરોની એક ટુકડીને મોકલે છે. માતા સીતાજીની શોધ કરતા-કરતા, જંગલો, તળાવો, ખીણો વગેરે ખુંદતા-ખુંદતા ટુકડી દક્ષિણ દિશામાં આગળ વધે છે. બધા ખૂબ જ ભૂખ્યા અને તરસ્યા થાય છે, ત્યારે એક ગુફા જોવામાં આવે છે. આ ગુફામાંથી સ્વર્ણપ્રભાજી બધાને સીધા જ દરિયા કિનારે પહોંચાડી દે છે. દરિયાકિનારે પહોંચતાં સુધીમાં રાજા સુગ્રીવે આપેલી એક મહિનાની અવધિ પૂરી થઈ જાય છે. અંગદ સેનાનાયક તરીકે નિરાશ થઈ જાય છે અને ત્યાં જ ઉપવાસ ઉપર બેસી જીવનને પૂરું કરવાનું વિચારે છે. આ સમયે ગીધરાજ સંપાતિ કે જે જટાયુના મોટાભાઈ હતા, તેની સાથે સંપર્ક થાય છે અને તેઓ માતા સીતાજી હાલ લંકામાં છે, તેવા સમાચાર આપે છે. ત્યારબાદ દરેક વાનર તેઓની સામે રહેલા સો યોજન(ચારસો કોસ)ના અફાટ સમુદ્રને જોઈ તેને પાર કરવા પોત-પોતાની શક્તિનું વર્ણન કરે છે. કોઈ કહે છે કે હું દસ યોજન લાંબો કૂદકો મારી શકું છું, તો કોઈ કહે છે કે હું વીસ યોજન લાંબો કૂદકો મારી શકું છું. કોઈ કહે છે કે હું પચાસ યોજન લાંબો કૂદકો મારી શકું છું, તો કોઈ કહે છે કે હું સાઇઠ યોજન લાંબો કૂદકો મારી શકું છું. ત્યારે શ્રીજામવંતજી પણ પોતાની યુવાનીની શક્તિઓનું વર્ણન કરે છે અને હાલ ઉંમરને લીધે આ કાર્ય માટે પોતાની અસમર્થતા દર્શાવતા કહે છે કે –

બલિ બાઁધત પ્રભુ બાઢે઼ઉ સો તનુ બરનિ ન જાઇ

ઉભય ધરિ મહઁ દીન્હીં સાત પ્રદચ્છિન ધાઇ

બલિને બાંધતી વખતે પ્રભુ એટલા મોટા થઇ ગયા હતા કે તેઓના શરીરનું વર્ણન થઇ શકતું નથી. તેમછતાં બે જ ઘડીમાં મેં દોડીને તેઓના વિરાટ સ્વરૂપની સાત પ્રદક્ષિણાઓ કરી લીધી હતી.

અંગદ અને જામવંતજી સિવાયના દરેક વાનર વીરે પોતાની સમુદ્ર લાંધવાની શક્તિનું વર્ણન કર્યું, પરંતુ એક પણ વીર સો યોજનનો સમુદ્ર પાર કરવા સમર્થ ન હતો. આવા સમયે વાનર સેનાના વરિષ્ઠ સભ્ય એવા શ્રીજામવંતજીએ કહ્યું કે, યુવાવસ્થામાં મારી શક્તિ ઘણી જ વધારે હતી. પોતાની યુવાવસ્થાની તાકાતનો પરિચય આપતા, તેઓ ભગવાન વિષ્ણુના વામન અવતાર વખતનો પ્રસંગ જણાવે છે. જ્યારે બલિરાજાથી તમામ દેવતાઓ પરાસ્ત થઇ ગયા હતા, તેવા સમયે તેના યજ્ઞ દરમ્યાન ભગવાન વિષ્ણુ બટુકનું રૂપ ધારણ કરીને ભિક્ષા માંગવા આવે છે. ભિક્ષામાં તેઓ બલિરાજા પાસેથી ત્રણ ડગલાં જેટલી જમીનની માંગણી કરે છે. જ્યારે બલિરાજા આ માંગણી પુરી કરવાનો સંકલ્પ કરે છે, ત્યારે વામન સ્વરૂપ ભગવાન વિષ્ણુ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે અને બે ડગલામાં જ ત્રણેય લોકને માપી લ્યે છે. ભગવાન વિષ્ણુ ત્રીજું ડગલુ ક્યાં મુકવું તેવું પુછતા બલિરાજા પોતાની છાતી ઉપર પગ મુકવા કહે છે. આ પ્રસંગ દરમ્યાન જ્યારે ભગવાન વિષ્ણુ ત્રણેય લોકને બે ડગલામાં માપતું વિરાટ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે જામવંતજીએ બે જ ઘડીમાં તેઓના આ વિરાટ સ્વરૂપની દોડીને સાત પ્રદક્ષિણાઓ કરી લીધી હતી. શ્રીજામવંતજી કહે છે કે હવે હું તે અવસ્થા વટાવી ચુક્યો છું, તેમછતાં આજે પણ હું નેવું યોજન સુધી તો કુદીને જઇ શકુ તેમ છું. આ સમયે શ્રીઅંગદજી કહે છે –  

અંગદ કહઇ જાઉં મૈં પારા જિયં સંસય કછુ ફિરતી બારા

જામવંત કહ તુમ્હ સબ લાયક પઠઇઅ કિમિ સબહી કર નાયક

અંગદજી કહે છે કે હું સો યોજનનો સમુદ્ર તો લાંઘી શકું છું, પરંતુ જીવતો પાછો ફરું કે કેમ તે બાબતે શંકા છે. (શંકાનું કારણ – અંગદજીને રાવણના પુત્ર અક્ષકુમારને મળવાનું થાય, તો તેનું મૃત્યુ થશે તેવો શાપ હતો.) ત્યારે વાનર સેનાના વરિષ્ઠ સભ્ય તરીકે જામવંતજી કહે છે કે, હે અંગદજી! તમે તમામ રીતે સમર્થ જ છુઓ; પરંતુ યુદ્ધનીતિ અનુસાર સેનાનાયકને જ સીધા યુદ્ધ કરવા મોકલી દેવા જોઈએ નહીં, તેમ તમને પણ અત્યારે સીધા લંકામાં મોકલવા ઉચિત નથી. આ સમયે બધા વાનર વીરોમાં નિરાશા ઘેરાઈ વળે છે અને ચારેય તરફથી ભય જ ભય દેખાય છે. એક તરફ સંપાતિ ખાઇ જવાની વાત કરે છે, બીજી બાજુ એક મહિનાની અવધિ પૂર્ણ થઈ ગઈ હોય સુગ્રીવ તરફથી મૃત્યુ દંડનો ભય છે, ત્રીજી બાજુ અફાટ સમુદ્ર છે અને ચોથી બાજુ વાનર સેનાના મુખ્યા અંગદજી ઉપવાસ કરી જીવન ત્યાગવાની વાત કરે છે. તે સમયે શ્રીહનુમાનજી સમુદ્ર કિનારે એકદમ શાંત ચિતે બેઠા છે. તેને નથી કોઈ ચિંતા કે તેના મુખ પર નથી કોઈ વિષાદ. કોઈપણ પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ જ રહેવું, એ એક સાચા રામભક્તનું લક્ષણ છે.

આજની કથાને અહિં વિરામ આપીએ છીએ. આવતા લેખમાં જામવંતજીનું શ્રી હનુમાનજીને પ્રભુ કાર્ય માટે પ્રોત્સાહિત કરવું તથા શ્રી હનુમાનજીના જન્મ અને તેઓના અપાર બળની કથાઓ જોઈશું.

સર્વે વાચકોને મારા જય સીયારામ….

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

5 COMMENTS

  1. સ્થિતપ્રજ્ઞતા ની વાત આવે એટલે શ્રીમદ્ ભાગવત ગીતા જ યાદ આવે પરંતુ ઉદયભાઈ એ સુંદર કાંડ માં આ વાત લાવી સરસ સમજૂતી આપી.
    જય સિયારામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here