Sundarkand

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૯ | ઉપકારનો બદલો પ્રત્યુપકારથી વાળવો જોઇએ | Sundarkand | सुंदरकांड

Posted by

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ| શ્રી સદ્‌ગુરુ દેવાય નમ:|

અગાઉના લેખ ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-018/ )માં આપણે સમુદ્રને સાગર કેમ કહેવામાં આવે છે અને શ્રીરામ એટલે કે ઇક્ષ્વાકુકુળને અને સમુદ્રને શું સંબંધ છે? તેની વિગતો જોઇ હતી. ઉપકારનો બદલો પત્યુપકારથી વાળવો એ સનાતન ધર્મ છે. સમુદ્ર ઉપર સગર રાજાના ઉપકારને લીધે સમુદ્ર વિચારે છે કે ઇક્ષ્વાકુકુળનું મારા ઉપર ઋણ છે, મારી આ વિશાળતાનું કારણ પ્રભુ શ્રીરામનો ઇક્ષ્વાકુવંશ છે. જ્યારે શ્રીહનુમાનજી પ્રભુ શ્રીરામના દૂત તરીકે તેઓનું કાર્ય કરવા જઇ રહ્યા છે, તો મારે તેની મદદ કરવી જોઇએ. મારે એવું કંઇક કરવું જોઇએ, જેથી શ્રીહનુમાનજીને સહાયતા થાય. તેઓને વિશ્રામ મળે અને આગળની યાત્રા સુખરૂપ પૂર્ણ કરી શકે. આવા સુંદર વિચારની આખી વાત શ્રીતુલસીદાસજીએ જલનિધિ રઘુપતિ દૂત બિચારીચોપાઇમાં સમાવી લીધી.

સુંદરકાંડની આખી કથામાં એક ખાસિયત છે કે જે-જે વિચાર કરવામાં આવે છે, તેની તરત જ અમલવારી પણ કરવામાં આવે છે. સમુદ્રએ તેના પેટાળમાં પાતાળવાસી અસુરોને નીકળવાના માર્ગને રોકવા સ્થિત સૂવર્ણમય ગિરિશ્રેષ્ઠ મૈનાકને કહ્યુ, હે મૈનાક! મહાપરાક્રમી કેસરીકિશોર શ્રીહનુમાનજી અત્યારે પ્રભુ શ્રીરામનું કાર્ય સિદ્ધ કરવા જઇ રહ્યા છે. તેઓએ આખા સમુદ્રને ઓળંગવા મોટી છલાંગ મારી છે. તેઓને વિશ્રામ મળે તેવી વ્યવસ્થા કરી, તેના સહાયક બનો.

સમુદ્રની આજ્ઞા મળતા જ સુવર્ણના શિખરોવાળો મહાકાય પર્વત સમુદ્રમાંથી બહાર નીકળ્યો. આ પરમ ક્રાંતિમાન અને તેજસ્વી પર્વત સેંકડો સૂર્યો જેવો દીપી રહ્યો હતો. તેણે શ્રીહનુમાનજીને વિનંતી કરી કે હે વાનરશિરોમણી! આપ પ્રભુ શ્રીરામનું દુર્ગમ કાર્ય કરવા જઇ રહ્યા છો. સમુદ્રએ મને આપનો સત્કાર કરી, આપને વિશ્રામ આપવા આજ્ઞા કરી છે. આપ મારા ઉપર રોકાવ, ફળ-ફૂલ વગેરે આરોગો, થોડીવાર વિશ્રામ કરો અને ત્યારબાદ આગળની યાત્રા કરજો. અહીં મૈનાકે પોતાનું આતિથ્ય અને સેવા સ્વીકારવા વિનંતી કરી છે. મૈનાકના શબ્દોમાં શ્રીહનુમાનજી પ્રત્યે કૃતજ્ઞ ભાવ છે અને પ્રત્યુપકારની ભાવના છલોછલ ભરેલી જણાય છે. મૈનાકનો શ્રીહનુમાનજી પ્રત્યે આવો ભાવ કેમ છે? તે સંદર્ભની કથા નીચે મુજબ છે.

સત્યયુગમાં પર્વતોને પાંખો હતી. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડતા રહેતા હતા. ઘણી વખત તેઓ ઉડીને કોઇ સુંદર વસેલા ગામ ઉપર બેસી જતા અને ગામનો નાશ થઈ જતો. તપસ્વીઓ પર્વત ઉપર તપ કરવા બેસતા એક જગ્યાએ અને તપસ્યા પૂર્ણ થતા સુધીમાં કોઇ અન્ય વિસ્તારમાં પહોંચી જતા હતા. પર્વતોને ઉડતા જોઇને બધા પ્રાણીઓમાં ભય વ્યાપી જતો હતો. બધાએ ભેગા મળી દેવરાજ ઇન્દ્રને ફરિયાદ કરી કે પર્વતોના આવા વર્તનથી ભયનો માહોલ ફેલાઇ ગયો છે, પ્રાણીઓના જીવ જઇ રહ્યા અને પારાવાર નુકશાન પણ થઇ રહ્યુ છે. શચિપતિ ઇન્દ્રને આ સાંભળી ખૂબ જ ક્રોધ ચડ્યો. તેઓ પોતાના વજ્રથી તમામ પર્વતોની પાંખો કાપવા લાગ્યા. તેણે સૃષ્ટિ પરના તમામ પર્વતોની પાંખો કાપી નાખી. ફક્ત હિમાચલ પુત્ર મૈનાકની એકની જ પાંખો કાપવાની બાકી હતી. ઇન્દ્ર પોતાનુ વજ્ર લઇને મૈનાક તરફ જઇ રહ્યા હતા કે તે જ સમયે વાયુદેવે પોતાના પ્રચંડ વેગથી મૈનાકને સમુદ્રમાં ધકેલી દીધો. આમ, મૈનાક હવે સમુદ્રનો શરણાગત હોઇ, તેની પાંખો બચી ગઇ, તે અક્ષત જ રહ્યો. આમ, શ્રીહનુમાનજીના પિતાશ્રીની કૃપાથી તેની પાંખો બચી ગઇ હોય, તે તેનો આભારી હતો.

આજે આ ઉપકારનો બદલો પ્રત્યુપકારથી વાળવાનો યોગ્ય સમય હતો. તેથી મૈનાકે શ્રીહનુમાનજીને કહ્યુ કે આપ મારા માટે પરમ આદરણીય છો અને ચિરકાળ પછી મને આપના પિતાશ્રીના ઉપકારનો બદલો વાળવાનો અવસર પ્રાપ્ત થયો છે. આપ મારું આતિથ્ય સ્વીકારીને મારી ઉપર કૃપા કરો. આમ, મૈનાક પોતાના ઉપર વાયુદેવના ઉપકારને લીધે શ્રીહનુમાનજીને પોતાની સેવા સ્વીકારવા વિનંતી કરે છે.

આમ, જલનિધિ રઘુપતિ દૂત બિચારી તઈ મૈનાક હોહિ શ્રમ હારી ચોપાઇ સંદર્ભમાં શ્રીહનુમાનજીને શ્રીરામદૂત તરીકે જોઇ સમુદ્રના મનમાં શું વિચાર આવે છે? કેમ આવે છે? સાગરનો ઇક્ષ્વાકુ રાજા તથા શ્રીરામના પૂર્વજ સગર જોડે શું સંબંધ છે? સાગર મૈનાક પર્વતને જ આ કામ કેમ સોંપે છે? અને મૈનાકે સહર્ષ આ કામ સ્વીકારી શ્રીહનુમાનજીને કૃતજ્ઞ ભાવે સેવા સ્વીકારવા વિનંતી શા માટે કરી છે? આ બધા પ્રશ્નોના જવાબમાં આપણે સમુદ્રના વિસ્તારની તથા મૈનાકની પાંખો બચી ગઇ અને તે અક્ષત રહ્યો, આ બન્નેની કથાઓ જોઇ. આ ચોપાઇમાં આપણા સનાતન ધર્મનો સિદ્ધાંત “ઉપકારનો બદલો પ્રત્યુપકારથી વાળવો જોઇએ” તે પણ ખૂબ સારી રીતે વણી લેવામાં આવેલ છે. આપણે પોતાના ઉપરના ઉપકારનો બદલો તો ચોક્કસ વાળવો જ જોઈએ, પરંતુ અન્ય ઉપર થયેલા ઉપકાર બાબતે જાણ હોય અને તેને બદલો વાળવાનો સંયોગ ઉભો થતો હોય, તો તેને પણ યાદ કરાવવું જોઇએ કે યોગ્ય સમય આવ્યો છે. સમુદ્ર મૈનાક પર્વત અને વાયુદેવના પ્રસંગથી અવગત હતા. સમુદ્રનું પેટાળ તો એટલું વિશાળ છે કે તેની પાસે શ્રીહનુમાનજીની સેવા માટે ઘણાં વિકલ્પો હશે, પરંતુ તેઓ મૈનાક સબંધિ આ ઇતિહાસ જાણતા હોઇ, તેને જ આ કામ સોપ્યું.

શ્રીતુલસીદાસજીએ ઘણી વાતો બહુ જ સંક્ષિપ્તમાં વર્ણવી દીધી છે અને અગાઉ પણ આપણે જોઇ ગયા છીએ કે સંસાર છે ભાઇ, કંઇપણ કહો કે લખો તેના વિશે પ્રશ્નો તો ઉઠવાના જ છે. અહીં એક પ્રશ્ન એવો ઉદ્‌ભવે છે કે, શ્રીરામ પોતે સમુદ્ર કિનારે પહોંચે છે અને સમુદ્ર પાસે સહાયતા માંગે છે, તો સમુદ્ર આસાનીથી માર્ગ નથી આપતો; પરંતુ શ્રીરામના દૂતને ઉપરથી પસાર થતા જોઇને સામેથી વિશ્રામની વ્યવસ્થા કરે છે. આવું કેમ?

આ પ્રશ્નનું ઘણું સુંદર સમાધાન છે. અગાઉની ચોપાઇ અને લેખ અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-018/ )માં આપણે જોયું હતુ કે પ્રભુ શ્રીરામના બાણ અમોઘ છે. આટલું જ નહિ, તેઓ જ્યારે પણ ધનુષ ઉપર બાણનું સંધાન કરતા તો પછી તેને છોડ્યા વગર ભાથામાં પરત મુકતા ન હતા. આ વાતની પણ સમુદ્રને ખબર હતી. સમુદ્રના દક્ષિણ કિનારે રાવણ તથા ઉત્તર કિનારે સાઇઠ હજાર આભીર રહેતા હતા અને સમુદ્રને ત્રાસ આપતા હતા. મનુસ્મૃતિ પ્રમાણે આભીર એ બ્રાહ્મણપુરુષ અને અંબષ્ટ સ્ત્રીમાંથી ઉત્પન્ન થયેલ જાતી છે. પુરાણોમાં પણ આ વંશનો ઉલ્લેખ છે. જેમાં સંસ્કારવિહિન સાત શુદ્ર રાજાઓ થયા હતા. તેઓનો પ્રદેશ સિંધુ નદીના મુખથી લઇ, કુરુક્ષેત્ર સુધીનો વર્ણવવામાં આવેલો છે. દક્ષિણ કિનારાના રાક્ષસ રાવણને મારીને તેના ત્રાસમાંથી સમુદ્રને મુક્તિ અપાવવા પ્રભુ પોતે ત્યાં પધાર્યા હતા. એવી જ રીતે ઉત્તર કિનારાના અસુરોથી પણ મુક્તિ મળે તે માટે સમુદ્રએ ચતુરાઈ પૂર્વક તરત રસ્તો ન આપ્યો. જ્યારે ભગવાને ધનુષ ઉપર બાણનું સંધાન કર્યુ કે તરત જ સમુદ્રએ આવીને વિનંતી કરી કે તેને ઉત્તર કિનારે વસતા અસુરોથી પણ મુક્તિ અપાવે. ભગવાને તેની વિનંતી અનુસાર ઉત્તર દિશામાં બાણ છોડ્યું અને સમુદ્રને ભયમુક્ત તથા ત્રાસમુક્ત કર્યો. સમુદ્રએ પણ રસ્તો આપી દીધો અને પોતે યથાશક્તિ મદદ પણ કરી. આમ, આ કારણોસર શ્રીરામ પોતે સમુદ્ર કિનારે પધાર્યા ત્યારે સમુદ્રએ સરળતાથી રસ્તો આપ્યો ન હતો.

માનસકારની દરેક ચોપાઇઓમાં માનવ જીવનની દરેક સુક્ષ્મ ઘટનાઓનું અદ્‌ભુત નિરૂપણ થયેલું જોવા મળે છે. આ ચોપાઇમાં આવો જ એક વધુ ગુઢ અર્થ પણ સમાયેલો છે. મૈનાક પર્વત સોનાનો બનેલો હતો. જેવો જીવ ભક્તિના માર્ગે પ્રયાણ કરે એટલે પહેલું વિઘ્ન આવે સોનાનું, સંપતિનું, ધનનું, માયાનું. ભક્તિના માર્ગે યાત્રા શરૂ કરશો એટલે પ્રથમ ધનપ્રાપ્તિ ચોક્કસ થશે. જો અહીં ધનમાં રોકાઇ ગયા, સુવર્ણમાં અટકી ગયા તો ખતમ, સમજો લટકી જ ગયા. થોડું વિશેષ ચિંતન કરીએ તો, મૈનાક વળી પર્વત. પર્વતનો સારો ગુણ કહો કે નબળો પણ તે જડ પ્રકૃતિ ધરાવે છે. આવી જડ માયાથી પ્રલોભિત થયા, તો યાત્રા અધુરી જ રહી જશે. પ્રભુ પ્રત્યેનું સમર્પણ અને તેનું અવિરત સ્મરણ ચાલુ રાખી, માયામાં લપેટાયા વગર યાત્રા ચાલુ રાખીએ તો જ ભક્તિ મળે. શ્રીહનુમાનજી તો “રામ કો દુલારો દાસ” પ્રભુ શ્રીરામના લાડલા દાસ છે, તેને કંઇ માયા વ્યાપે? પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, પરંતુ તેઓએ મૈનાકનો અનાદર ન થાય માટે તેના આગ્રહનો ખૂબ જ સુંદર રસ્તો કર્યો. જે આપણે હવે પછીના લેખમાં જોઇશુ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.

ગયા અંકનો પ્રશ્ન હતો – ભગવાન શ્રીરામએ જે વૃક્ષની આડમાં ઉભા રહી વાલીનો વધ કર્યો હતો, તે વૃક્ષનું નામ જણાવો? જવાબ છે – સાલવૃક્ષ.

આજનો પ્રશ્ન છે – રાજા જનકના નાના ભાઈનું નામ શું છે?

સર્વે વાચકોને મારા જય સિયારામ.

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *