શ્રી કષ્ટભંજન દેવ - કમિયાળાધામ

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૭ | “શ્રી કષ્ટભંજન દેવ – કમિયાળાધામ” | Sundarkand | सुंदरकांड

Posted by

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ (શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૬ | અજીબોગરીબ ‘અઘટિતઘટનાપટીયસી’ માયા – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-026/ ) માં આપણે અજીબોગરીબ અઘટિતઘટનાપટીયસી માયા, સિંહિકા એ ઇર્ષ્યાનું પ્રતિક છે માટે “ઘણીવાર તમારો વાંક-ગુનો ન હોવા છતાંય લોકો તમારા પદ, પ્રતિષ્ઠા કે પ્રતિભાને કારણે તમારા દુશ્મન બને છે”  અને આ સંદર્ભમાં પતંગનું ઉદાહરણ વગેરે જોયુ હતું.

આજની શ્રી સુંદરકાંડની કથા શરૂ કરતા પહેલા એક સુંદર પવિત્ર યાત્રા “શ્રી કષ્ટભંજન દેવ – કમિયાળાધામ”ની વાત કરવી છે. આજે ગાંધીનગરથી આશરે ૧૨૦ કિલોમીટર દૂર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના કમિયાળા ગામમાં આવેલા કષ્ટભંજન દેવના દર્શન કરવાનો લ્હાવો મળ્યો. આ મંદિર એક સુંદર  તળાવના કિનારે આવેલું છે, આ તળાવમાં શ્રીહનુમાનજીની એક મોટી પ્રતિમા મૂકવામાં આવેલી છે. મંદિર પહેલા બહું જ નાનું હતું, અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર થઈ ગયો છે અને આખુ સંકુલ વિકસાવવામાં આવી રહ્યું છે.

આ મંદિરનો ઇતિહાસ જોઇએ તો, ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમના જીવનકાળ દરમિયાન આ કમિયાળા ગામમાં ૩૨ વખત આવ્યા હતા. શ્રીજી મહારાજે આ ગામમાં રામનવમી જેવા તહેવારોની ઉજવણી કરી છે, તેવો ઉલ્લેખ જોવા મળે છે. વિક્રમ સંવત ૧૮૯૧માં શ્રી ગોપાળાનંદ સ્વામી અહીં પધાર્યા હતા. તે સમયે આ ગામમાં ઘણા લોકો મરકી(પ્લેગ)ના રોગથી મૃત્યુ પામતા હતા. ગામના ભક્તોએ સ્વામીજીને કૃપા કરવા વિનંતી કરી. શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે શ્રીજી મહારાજના આશીર્વાદથી હું આ જળ કાંઠે શક્તિશાળી શ્રીહનુમાનજી મહારાજની સ્થાપના કરીશ. ત્યારબાદ યોગી શ્રી ગોપાળાનંદ સ્વામીએ શ્રીહનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી અને તેનું નામ શ્રી કષ્ટભંજન દેવ રાખ્યું. એવું કહેવાય છે કે પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવની સ્થાપનાના લગભગ ૧૪ વર્ષ પહેલા આ પ્રથમ કષ્ટભંજન દેવની સ્થાપના કરવામાં આવેલ છે. જે સમયે શ્રી ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરી તે સમયે શ્રીહનુમાનજી મહારાજ સાક્ષાત પ્રગટ થયા હતા. સ્વામીજીએ શ્રી કષ્ટભંજન દેવને વિનંતી કરી હતી કે જે ભક્તો તમને તેમની સમસ્યાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરે છે, તમે તેઓની સમસ્યાઓ દૂર કરજો અને તેઓના શુભ સંકલ્પોની પૂર્તિ કરજો. આજે પણ કમિયાળા ગામના શ્રી કષ્ટભંજન દેવ હજારો ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. શ્રી ગોપાળાનંદ સ્વામીને શ્રી કષ્ટભંજન દેવની સ્થાપનાનો પ્રથમ વખત વિચાર અહીં આવેલો. ખરેખર ખૂબ જ અલૌકિક અનુભૂતિ થઈ. હાલ શાસ્ત્રી શ્રી હરિપ્રસાદ સ્વામીજી ત્યાં સેવારત છે. તેઓ સાથે સત્સંગ કરીને પણ આનંદ થયો. બપોરની પ્રસાદી પણ ત્યાં જ લીધી હતી. હરિકૃપાથી જ આવો લ્હાવો મળતો હોય છે.

હવે આજની કથામાં આગળ વધીએ. શ્રીહનુમાનજીના પડછાયાને પકડીને સિંહિકા થાપ ખાઈ ગઈ. તેણીએ શ્રીહનુમાનજીનો પડછાયો સમજી જે છાયા પકડી હતી ને, તે શ્રીહનુમાનજીના પડછાયાની કાળાશ ન હતી, પરંતુ મારા રામજી લાલાના શ્યામ વર્ણની છાયા હતી, જે સતત તેઓની સાથે આશીર્વાદના રૂપમાં રહેતી હતી. તેની સામે ઇર્ષ્યારૂપી માયા શું ફાવી શકે? કદાપી નહી જ. ત્યારબાદ શ્રીતુલસીદાસજી લખે છે –

સોઇ છલ હનૂમાન કહઁ કીન્હા તાસુ કપટુ કપિ તુરતહિં ચીન્હા

તેણીએ એ જ છળ શ્રીહનુમાનજી સાથે પણ કર્યું. શ્રીહનુમાનજીએ તરત જ તેનું કપટ ઓળખી લીધું.

સોઇ છલએ જ છળ, જીવ-જંતુને પડછાયાથી પકડીને તેની ગતિ અવરોધવી અને જ્યારે તે દરિયાના પાણીમાં પડે એટલે તેને પકડીને ખાઈ જવાનું છળ, તેણીએ શ્રીહનુમાનજી સાથે પણ કર્યું. સિંહિકાએ જેવો શ્રીહનુમાનજીનો પડછાયો પકડ્યો કે તેઓની ગતિ રુંધાવા લાગી. શ્રીહનુમાનજીએ આસપાસ, આગળ-પાછળ, ઉપર-નીચે નજર નાખી, તો નીચે સમુદ્રમાં આ ભયંકર રાક્ષસી સિંહિકાને જોઇ. શ્રીહનુમાનજીની કુશાગ્ર બુદ્ધિથી તો આપણે બધા પરિચિત જ છીએ, અગાઉ આ બાબતે ઘણી વાતો પણ આપણે કરી છે. તેઓને તરત જ સમજમાં આવી ગયું કે, કપિરાજ્ઞા યથાખ્યાતં સત્વમદ્‌ભુતદર્શનમ્‌ છાયાગ્રાહિ માહાવીર્યં તદિદં નાત્ર સંશય: એટલે કે વાનરરાજ સુગ્રીવે જે મહાપરાક્રમી છાયાગ્રહી અદ્‌ભુત જીવની વાત કરી હતી, તે નિ:સંદેહ આ જ છે. અહીં એક પ્રશ્ન તુરંત જ ઉદ્‌ભવે કે સુગ્રીવને આ છાયાગ્રહી રાક્ષસી વિશે કેવી રીતે ખબર પડી હશે? તેઓએ શ્રીહનુમાનજીને આ રાક્ષસી વિશે ક્યારે અને શું કહ્યું હશે? આ બધા પ્રશ્નોના જવાબ આપણને શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાંથી મળે છે.

શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણના કિષ્કિંધાકાંડમાં ૪૦ થી ૪૩માં સર્ગમાં સુગ્રીવ ચારેય દિશામાં માતા સીતાજીને શોધવા જઈ રહેલા વાનરવીરોને કઈ દિશામાં કેટલા અંતરે શું-શું આવશે? વાનરવીરો ક્યાં સુધી જઇ શકશે? ખાસ જગ્યાઓએ શું-શું કાળજી રાખવી વગેરે જણાવે છે, તેવું વર્ણન કરવામાં આવેલું છે. આમ જોઈએ તો આ ચાર સર્ગમાં આખા ભૂમંડળનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. ત્યારબાદ ૪૬માં સર્ગમાં પ્રભુ શ્રીરામ સુગ્રીવને પુછે છે કે તમે આ બધુ કઇ રીતે જાણો છો? તેના જવાબમાં સુગ્રીવ દુન્દુભિ દાનવ, તેનું વાલી સાથેનું ભયંકર યુદ્ધ અને યુદ્ધ વખતે થયેલ ગેરસમજ તથા પાછા ફરી વાલીએ સુગ્રીવ પાસેથી જે રીતે તેની પત્નિ અને રાજ્ય સહિત બધુ છીનવી લીધુ હતું, તેની વાત કહે છે. વાલી આટલેથી અટકતો નથી અને સુગ્રીવ પાસેથી બધુ છીનવી લીધા બાદ પણ તેને મારી નાખવા તેની પાછળ પડી જાય છે. તે સમયે સુગ્રીવ વાલીથી બચવા ભૂમંડળની ચારેય દિશાઓના અંતિમ બિંદુઓ સુધી જાય છે. આમ, તેને આખા ભૂમંડળનું જ્ઞાન હોય છે. ચારેય દિશાઓ ફરી લીધા પછી પણ વાલીથી છૂટકારો ન મળતા, અંતે બુદ્ધિમાન મંત્રી શ્રીહનુમાનજીની સલાહ અનુસાર ઋષ્યમૂક પર્વત ઉપર આશ્રય લે છે, જે વાતથી આપણે બધા વાકેફ છીએ.

વિજ્ઞાનના આટ-આટલા આવિષ્કારો પછી પણ પૃથ્વીના અમૂક ભાગો સુધી આપણે હજુ પહોંચી શક્યા નથી, પૃથ્વીના અમૂક રહસ્યો આજેય વણઉકેલ્યા છે, ત્યારે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં આખા ભૂમંડળનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે. આ આપણા મુનિઓ અને શાસ્ત્રોની સિદ્ધિ દર્શાવે છે. મોકો મળે તો આ વર્ણન વાંચવા જેવું છે. શ્રીહનુમાનજી સિંહિકાને ઓળખી જાય છે અને ત્યારબાદ કેવી રીતે તેણીને હણે છે? તેની કથા શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણ, અધ્યાત્મ રામાયણ વગેરેમાં અલગ-અલગ રીતે વર્ણવેલી છે. સબ કા માન રખતે હુએ, માનસકારને લિખ દિયા –

તાહિ મારિ મારૂતસુત બીરા બારિધિ પાર ગયઉ મતિધીરા

ધીરબુદ્ધિવાન મહાવીર પવનપુત્ર શ્રીહનુમાનજી તેને મારીને સમુદ્રને પાર કરી ગયા.

અહીં શ્રીહનુમાનજી માટે પવનપુત્ર, મહાવીર અને ધીરબુદ્ધિવાન એવા ત્રણ વિશેષણો પ્રયોજવામાં આવેલા છે. મારુતસુત તો એટલા માટે કે પવનને કોઇ રોકી શકતુ નથી, તેને કોઇ માયા પણ વ્યાપી શકતી નથી. બીરા અને મતિધીરા એટલા માટે કે આટલી પ્રબળ માયાવી સિંહિકાને બળ તથા બુદ્ધિથી જીતી લીધી. તેની માયા સામે સહેજ પણ ખચકાયા વગર ધીરબુદ્ધિથી તેને જીતી લીધી. આ ઉપરાંત આ ચોપાઈમાં માનસકાર સમુદ્રને ઓળંગવાનું પૂર્ણ કરાવે છે એટલે કે શ્રીહનુમાનજીએ સમુદ્રને પાર કરી લીધો તેવું વર્ણવેલુ છે. આ સમુદ્રને પાર કરવાની યાત્રામાં કેટ-કેટલા વિઘ્નો આવ્યા? છતાં પણ જરાયે વિચલિત થયા વગર તેઓ સમુદ્રને પાર કરે છે, જે અનુસંધાને ધીરબુદ્ધિવાન એવું વિશેષણ વાપરવામાં આવેલું હોઈ શકે છે.

સો યોજનનો સમુદ્ર પાર કર્યા બાદના વર્ણનમાં વાલ્મીકીય રામાયણમાં લખ્યું છે, “અનિ:શ્વસન્‌ કપિસ્તત્ર ન ગ્લાનિમધિગચ્છતિ” અર્થાત ન તેઓને કોઇ થાક હતો કે તેઓને લાંબો શ્વાસ પણ નહોતો લેવો પડતો. સમુદ્ર ઓળંગવા છલાંગ મારતી વખતે તેઓ જેટલા સામાન્ય હતા, તેટલા જ સમુદ્ર ઓળંગીને સામે પાર ઉતર્યા બાદ પણ દેખાતા હતા. તેઓના મુખ પર લગીરે થાક વરતાતો ન હતો. અને આપણે? એક દાદરો ચડીએ ત્યાં હાંફી જઈએ છીએ. શારીરિક શ્રમ ઘટતો જાય છે, તેનો આ બધો પ્રતાપ છે. શ્રીહનુમાનજી સમુદ્ર પાર ઉતર્યા પછી માનસકાર લખે છે –

તહાઁ જાઇ દેખી બન સોભા ગુંજત ચંચરીક મધુ લોભા

નાના તરુ ફલ ફૂલ સુહાએ ખગ મૃગ બૃંદ દેખિ મન ભાએ

ત્યાં જઇને શ્રીહનુમાનજીએ વનની શોભા જોઇ. ત્યાં મધુ(પુષ્પરસ)ના લોભે ભ્રમર ગુંજન કરી રહ્યા હતા. વન અનેક પ્રકારના વૃક્ષો ફળ-ફૂલોથી સુશોભિત હતું. પશુ-પક્ષીઓના સમૂહોને જોઇને શ્રીહનુમાનજી મનમાં ઘણાં જ પ્રસન્ન થયા.

‘તહાઁ જાઇ’ અર્થાત ત્યાં જઇને. જેમ સમુદ્રને પેલી પાર વાનરસેના સાથે શ્રીહનુમાનજી હતા, તે સ્થળ સમુદ્રના કિનારાથી એકદમ નજીક ન હતુ અને શ્રીહનુમાનજી પર્વત ઉપર ચડવા ત્યાં ગયા હતા, તેવું વર્ણન હતું. તેવી જ રીતે અહીં પણ સમુદ્રના કિનારે ઉતરતા વેંત વન જ જોવા નથી મળ્યુ કે વનમાં જ નહોતા ઉતર્યા. રન-વે પછી ટર્મિનલ આવે અને ત્યાંથી બહાર નિકળીએ ત્યારે શહેરની શોભા જોવા મળે, તેમ અહીં ગોસ્વામીજી લખે છે, ‘તહાઁ જાઇ’ ત્યાં જઇને, ઉતરીને થોડા આગળ વધ્યા ત્યાં વન હતુ. પછી બાબાજી લખે છે, ‘દેખી બન સોભા’ એટલે કે વનની શોભા નિહાળી. આ વન દૂરથી લીલી ધરો અને વૃક્ષોથી આચ્છાદિત હોય તેવું ભાસતુ હતુ. થોડા વધુ નજીક જવાથી મધુ એટલે કે પુષ્પરસના લોભે ભ્રમરોનો ગુંજારવ સંભળાવા લાગ્યો. થોડા વધુ નજીક પહોંચતા નાના-મોટા તમામ વૃક્ષો ફળ-ફૂલો અને ઘણામાં બન્ને લાગેલા હતા. એકદમ નજીક આવતા શ્રીહનુમાનજીએ જોયુ કે, તેમાં પક્ષીઓ અને પશુઓના ટોળા હતા. આ બધુ જોઇને તેઓના મનને આ ખૂબ જ ગમ્યું અને તેઓ પ્રસન્ન થઇ ગયા.

વનની શોભા શ્રીહનુમાનજીને ગમી, તેના બે કારણો છે. પહેલું, પોતે વાનર સ્વરૂપે વનચર છે. આગળ વર્ણન કર્યા મુજબનું વન હોય તો વનચર જીવને ગમે જ તે સ્વાભાવિક છે. બીજુ, પક્ષીઓ સાથે પશુઓના ટોળાઓને જોઇને તે નિશ્ચિત થઇ ગયુ કે રાવણ ભલે રાક્ષસીવૃત્તિ ધરાવતો હતો, પરંતુ તે વનના પશુઓને હણવા દેતો નહિ હોય, મૃગયા કરવાની મનાઈ હશે. એ સમયે રાક્ષસો ય સમજદાર હતા અને અત્યારે? આ લેખ પબ્લિશ અત્યારે થઇ રહ્યો છે, પરંતુ જ્યારે હું લખી રહ્યો હતો, તે દિવસે એક નિર્દોષ પ્રાણીને મારીને મનાવાતા તહેવારની જાહેર રજા હતી. જ્યારે વન્ય જીવો(આમ તો કોઇ પણ જીવ)ને હાની પહોંચાડવાના સમાચારો સાંભળીએ છીએ કે વાંચીએ છીએ, ત્યારે ખરેખર દુ:ખ થાય છે. પછી તે કેરળમાં હાથીનો કિસ્સો હોય કે સાસણ-ગીરમાં સિંહના કિસ્સા હોય, ખરેખર અતિ દુ:ખદાયક હોય છે.

તમે જોયું? વનમાં આટલા સુંદર ફળ-ફૂલ જોઇને શ્રીહનુમાનજી ખુશ થાય છે, પરંતુ તેને ખાતા નથી. આપણે આટલી લાંબી ૧૨૦૦ કિમીની મુસાફરી કરીએ અને પછી મસ્ત ફાર્મહાઉસમાં ઉતારો મળે અને ત્યાં સુંદર-સુંદર વ્યંજનો ઉપલબ્ધ હોય તો? મજા પડી જાય, હે ને? બીજું, એવું પણ નથી કે વાનરસેના ત્યાં તકલીફમાં હશે અને હું કેમ ખાઉં? કારણ કે તેઓ વાનરસેનાને કહીને આવ્યા હતા કે, “સહિ દુખ કંદ મૂલ ફલ ખાઈ” (શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૫ । ભોજન વગર ભજન ન થાય – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-015/ ). પરંતુ, તેઓને તો જરાય થાક કે ભૂખ ન હતી. તેઓ પ્રભુકાર્ય માટે દ્રઢનિશ્ચયી હતા, માટે જ અગાઉ મૈનાકને પણ કહ્યું હતું કે, “રામકાજુ કીન્હે બિનુ મોહિ કહાઁ બિશ્રામ” (શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૦ | મનની પવિત્રતાનો મહિમા – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-020/ ). આજની કથાને અહીં વિરામ આપીએ.

ગયા અંકનો પ્રશ્ન – લંકા પહોંચીને શ્રીહનુમાનજીએ રાવણને સૌપ્રથમ કઇ સ્થિતિમાં જોયો હતો? – ઊંઘમાં

આ અંકનો પ્રશ્ન – દંડક વનમાં પ્રભુ શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજી ઉપર ક્યા રાક્ષસે આક્રમણ કર્યું હતું?

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *