વિશ્વ તમાકુ નિષેધ દિવસ – 2020

આદરણીય ત્રણેય જીજાજીશ્રીઓને તમાકુનું વ્યસન મુકવાની નમ્ર અપીલ સહ સમર્પિત…

આજે માનવજાત માટે ઝેર સમાન તમાકુના ઉપયોગને બંધ કરવાના અભિયાન સ્વરૂપે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા31મી મે ને “વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) જાહેર કરવામાં આવેલ છે. આજના લેખમાં આપણે તમાકુનું આ રાક્ષસી સામ્રાજ્ય કેવી રીતે વિસ્તરીયું અને વિશ્વ આરોગ્ય સંસ્થાના આ સંદર્ભના વર્ષ – 2020ના અભિયાન બન્ને વિશે રસપ્રદ અને માહિતી સભર વાતો કરવી છે.

પહેલા વાત કરીએ, તમાકુના સામ્રાજ્યના ફેલાવાની વાત…..  

મૂડીવાદ એટલે સામાન્ય રીતે સરકારી પ્રણાલી સિવાયની ખાનગી કે વ્યક્તિગત માલિકી વાળું અર્થતંત્ર; જેમાં નફો કે સંપતિ વધારવાનો મુખ્ય આશય હોય છે અને ઉત્પાદન, વેચાણ, રોકાણ, બજાર ભાવ વગેરે મુક્ત બજાર પ્રતિસ્પર્ધા દ્વારા નક્કી થાય છે. પશ્ચિમી સંસ્કૃતિની ખાસ કરીને યુરોપની મોટાભાગની અર્થ વ્યવસ્થાઓ મૂડીવાદના સિદ્ધાંતને વરેલી છે. મૂડીવાદના હિમાયતીઓ તેને પ્રગતિના માપદંડ તરીકે મૂલવે છે અને કોર્પોરેટ મૂડીવાદીઓ આ મુક્ત વ્યવસ્થાને “પ્રગતિના પરોપકારી ફેલાવા” તરીકે પણ ગણાવે છે. જ્યારે મૂડીવાદના વિરોધીઓ તેને માનવતાવિહીન, સંસ્કારવિહીન ગણાવે છે. બન્નેની દલીલો પોત-પોતાના સ્થાને વાજબી હોય છે. કોર્પોરેટ સામ્રાજ્યના ઈતિહાસની મોટાભાગની કથાઓ પશ્ચિમમાં શરુ થાય છે અને પૂર્વ તરફ આગળ વધે છે અને અંતે આખી દુનિયાને ભરડામાં લઈ લે છે. વર્ષોથી આપણા ભણતરમાં પણ આવરી લેવામાં આવ્યું છે કે, પશ્ચિમી વિશ્વ ફક્ત ‘આધુનિક વસ્તુઓ અને નવીન ટેકનોલોજીઓ’ જ નથી મોકલતું પરંતુ તે ‘આદિમ પ્રજાને સંસ્કારી પ્રજામાં કે સુધરેલ પ્રજામાં’ તબદીલ પણ કરે છે.

જોસેફ શમ્પીટર નામના ઓસ્ટ્રીયન રાજકારણી અને અર્થશાસ્ત્રીએ ઉદ્યોગસાહસિકતાને સર્જનાત્મક વિનાશનું મુખ્ય કારણ ગણાવ્યું છે. જેનાથી વિશ્વ ‘રહેંટથી વીજળી પ્લાંટ અને ગૃહ ઉદ્યોગથી કારખાનામાં’ તબદીલ થઈ શક્યું. આવો જ એક સર્જનાત્મક વિનાશ થયો, તમાકુ ઉદ્યોગ ક્ષેત્રે. જેને આખા વિશ્વને કસી ને ભરડો લઈ લીધો અને તેના વિનાશક પરિણામો દુનિયાના લગભગ બધા જ દેશો ભોગવી રહ્યાં છે. છતાં કોઈ તેમાંથી  મુક્ત થઈ શકતું નથી. આવું તો આ ઉદ્યોગે શું કર્યું અને શું કરી રહ્યો છે જેથી વધુ ને વધુ લોકો તેમાં હોમાય રહ્યાં છે.

20મી સદીની શરૂઆતમાં અમેરિકાના ઉદ્યોગસાહસિક જેમ્સ બી ડકએ શમ્પીટીરીયન સિદ્ધાંતનો તમાકુ ઉદ્યોગ ક્ષેત્રે બ-ખૂબી ઉપયોગ કર્યો અને અમેરિકાની મોટામાં મોટી તમાકુ ઉત્પાદન કંપનીઓનું અમેરિકન ટોબેકો કંપની (American Tobacco Company)માં એકીકરણ કર્યું. ત્યારબાદ 1904માં તેનું બ્રિટીશ ઇમ્પીરીયલ ટોબેકો કંપની (British Imperial Tobacco Company)માં મર્જર કરવામાં આવ્યું. ડકના આ એકહથ્થુ પુનર્ગઠનથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સૌથી મોટી કહી શકાય તેવી બ્રિટીશ-અમેરિકન ટોબેકો કંપની – બેટ (British American Tobacco Company – BAT) અસ્તિત્વમાં આવી. આ જ સમય ગાળામાં ભારતમાં પણ હરીભાઈ દેસાઈ (દેસાઈ બીડી)એ 1901માં અને મોહનલાલ એન્ડ હરગોવિંદદાસ (અસલી શેર છાપ બીડી)એ 1902માં તેઓની બ્રાંડના ટ્રેડમાર્ક મેળવ્યા.

શમ્પીટીરીયન કોર્પોરેટ મૂડીવાદથી પ્રેરિત લોકોની એવી દલીલો રહી કે કોર્પોરેટ મૂડીવાદને ટૂંકી દ્રષ્ટીથી જોવામાં આવે છે. ખરેખર તો તે લોકોની આર્થિક જીંદગી, જાતિ, લૈંગિકતા વગેરેને પ્રભાવિત કરે છે. તેજસ્વી ઉદ્યોગસાહસિકતાને સમજવા નવો નજરીયો અપનાવવો પડે; જેમાં, સાંસ્કૃતિક મધ્યસ્થી, અગત્યની ભૌગોલિક અને રાજકીય ઘટનાઓ અને ચીજવસ્તુઓનું સામાજિક પરિભ્રમણ વગેરેનો સમાવેશ થવો જોઈએ. તમાકુ ઉદ્યોગના વિકાસે કામદારોને, તમાકુના ખેડૂતો, સેક્સ વર્કર્સ,  ગ્રાહકો એમ વિવિધ વર્ગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એકબીજાથી જોડી દીધો અને એકબીજાને સહકાર પુરો પાડ્યો છે.

19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતના સમય સુધી બ્રિટીશ અને અમેરિકાના લોકો બહુ સિગારેટ પીતાં ન હતા, તેઓ તમાકુ ચાવતા અથવા ચલમ ફૂંકતા. સિગારેટના વેચાણની આ અડચણ ધ્યાને લઈ, વર્જિનિયાના ટોબેકો મેનથી પ્રખ્યાત લુઈસ ગીંટરએ પોતાના આંતરરાષ્ટ્રીય સંબંધોનો લાભ ઉઠાવી બ્રિટીશના ભદ્ર વર્ગમાં માર્કેટીંગ યુક્તિઓ અપનાવી શોફિસ્ટિકેશન (અભિજાત્યપણું) અને પ્રોફેશનલ લોકોના ગર્વની બાબત ગણાવી વેચવાની ચાલુ કરી.

આર જે રેનોલ્ડસ્‌ કંપની દ્વારા 1913-14ના વર્ષમાં એક ચાલાક માર્કેટીંગ વ્યૂહરચનાથી પહેલી આધુનિક સિગારેટ (કેમલ બ્રાંડથી) બજારમાં મૂકી. આ સિગારેટમાં બર્લી પ્રકારની હલકી તમાકુ સાથે ટર્કીશ જાતની મોંઘી તમાકુનું મિશ્રણ રાખવામાં આવ્યું હતું. આ વ્યૂહરચનાથી કેમલ સિગારેટ અમેરિકામાં વપરાતી કુલ સિગારેટ પૈકી 1917માં 35% અને 1923 સુધીમાં 45% ફાળો ધરાવતી થઈ ગઈ હતી.

એક બાજુ રેનોલ્ડસ્‌ કેમલ સિગારેટને લકી સ્ટ્રાઇક્સ્‌, ચેસ્ટર્ફિલ્ડ્સ, ઓલ્ડ ગોલ્ડસ્‌ જેવી કંપનીઓ સાથે મળી અમેરિકામાં સાંસ્કૃતિક ભવ્યતા તરીકે પ્રસ્થાપિત કરવામાં મશગૂલ હતો, ત્યારે બીજી બાજુ બેટ(BAT) ચીનમાં રુબી ક્વિંસના માર્કેટીંગ પાછળ બેફામ ખર્ચ કરી રહી હતી. કેમલ અને રુબી ક્વિંસ બન્ને એ જોડે મળીને અમેરિકા અને ચીનમાં જાઝ રેડિયો શો સ્પોન્સર કરી “જાઝની આભા (Aura of Jazz)” અભિયાન છેડ્યું (જાઝ એક અમેરિકી ક્લાસિક મ્યુઝિક છે). પોતાની જાતને આધુનિક માનતા પુરુષો અને સ્ત્રીઓને શોફિસ્ટિકેશન, ક્લાસ, એટીકેટ્‌સ્‌ વગેરેના ભ્રમ હેઠળ તમાકુના રવાડે ચડાવવા સ્મોકીંગ માટે ઊભું કરેલું જાઝી કલ્ચર પુરતું હતું.

મોટાભાગની સિગારેટનું ઉત્પાદન પશ્ચિમમાં થતું હોય, તેને પશ્ચિમ-થી-પૂર્વની ઘટના તરીકે જોવાવા લાગી પરંતુ એવું ન હતું. મૂડીવાદનું ખંધાપણું અહિં પણ કામ કરી રહ્યું હતું. સસ્તા શ્રમિકોનો લાભ ઉઠાવવા જીમ ક્રો સાઉથની પ્રેરણાથી આ ઉદ્યોગ ચીનમાં પણ વિકાસ પામ્યો. બેટ(BAT)ના એક્‍ઝીક્‍યુટીવ હેન્રી ગ્રેગોરી કંપનીના કૃષિ વિભાગનું ચીનમાં પણ અમેરિકાની જેમ જ સંચાલન કરતા હતા. ચીનમાં સફેદ ચળકતા પાંદડાવાળા તમાકુનો ભાવ અન્ય તમામ કૃષિ પેદાશો કરતા વધુ આકર્ષક મળતો હતો. આ પાક લેવો બિયારણ, ખાતર, ફ્લૂ પાઇપ, કોલસો વગેરેને લીધે ઘણો ખર્ચાળ હતો. પરંતુ, નફાના લાલચુ ખેડૂતો અને અમૂક શ્રીમંતોએ આ પાક લેવાનું શરુ કર્યું. ઘણા ખેડૂતો પાસે પુરતા સંસાધનો ન હોય તો બેટ(BAT) પાસેથી લોન લેતા અને બેટ(BAT) તેના ઉપર વ્યાજ પણ કમાતુ. આમ, લોકલ ખેડૂતો ચીનના ભદ્ર લોકો (પૈસા માટે) અને બેટ-BAT (બિયારણ અને લોન માટે) પર આધારિત થઈ ગયા. અમેરિકાની સરખામણીએ ચીનમાં સિગારેટનું ઉત્પાદન નહિવત્‌ ખર્ચે થતું હોય, બ્રિટીશ અને અમેરિકાની સરકારો એ રાજકીય લાગવગ વધારી તથા શાહી યુદ્ધો અને વાંકા વળવાની રાજદ્વારી નીતિથી 1930માં વિશ્વની સૌથી વધુ ઉત્પાદન કરતી કંપની ચીનમાં સ્થાપી. શાંઘાઈમાં સૌથી વધુ રોજગારી આપતી કંપની તરીકે બેટ(BAT) એ પોતાની આંતરિક શાસન વ્યવસ્થા ઘડી જે મુજબ અમેરિકા અને ચીન બન્ને જગ્યાએ ફેક્ટરીનો વંશવેલો સ્થાનિક અને રાજકીય વંશવેલા જોડે સંકળાયેલો રહ્યો જેથી તેના પાયા મજબૂત રહે.

મૂડીવાદી માનસિકતાએ માનવજાત માટે હાનિકારક એવા તમાકુના ધંધા માટે કેટલી રાજકીય વગ લગાવી, કેટલું ખેડૂતોનું શોષણ કર્યું, ભણેલા-ગણેલા ગણાતા ભદ્ર લોકોના મગજમાં “જાઝની આભા” જેવા અભિયાન અને અન્ય ભૌતિકવાદી ખ્યાલોથી કેવી રીતે તમાકુને આટલી મોટી ઇન્ડસ્ટ્રી બનાવી દીધી તેનું આ એક વરવું સ્વરૂપ છે. ભારતમાં પણ મૂડીવાદની અસર હેઠળ 1910માં ITC – ઇમ્પીરીયલ ટોબેકો કંપની ઓફ ઇન્ડીયા લીમીટેડ (Imperial Tobacco Company of India Limited)ની સ્થાપના થઈ હતી, જેનું 1970માં નામાભિધાન ઇન્ડીયન ટોબેકો કંપની લીમીટેડ (Indian Tobacco Company Limited) કરવામાં આવેલ હતું અને 1974માં આઇટીસી લીમીટેડ (ITC Limited) કરવામાં આવેલ છે. આઇટીસીનો સિગારેટના વેપારમાં ભારતમાં લગભગ 84% હિસ્સો છે.

હવે વાત કરીએ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) નિમિતે વર્ષ – 2020ના અભિયાન બાબતે…

યુવાનોને તમાકુ અને નિકોટીનથી આકર્ષવા તમાકુ કંપનીઓ વર્ષોથી જાણી જોઈને વ્યૂહાત્મક અને આક્રમક નીતિ અખત્યાર કરી રહ્યું છે. એક અંદાજ મુજબ આખી દુનિયામાં 130 કરોડ લોકો એટલે કે આપણા દેશની કૂલ વસ્તી જેટલા લોકો તમાકુના બંધાણી છે. જે પૈકી 80% વસ્તી ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં છે. તમાકુનો ઉપયોગ ગરીબી વધારવાનું કામ પણ કરે છે. ઘરેલું આવકનો નોંધપાત્ર ભાગ રોટી-કપડા-મકાન જેવી મૂળભૂત જરૂરિયાતો માટે વાપરવાને બદલે તમાકુના બંધાણ પાછળ વેળફવામાં આવે છે. એક અંદાજ મુજબ ધુમ્રપાનની આરોગ્યલક્ષી અને ગુણવત્તાના નુકસાનનો ખર્ચ રૂ. 100 લાખ કરોડ એટલે કે વિશ્વની જીડીપીના પોણા બે ટકા જેટલો પ્રતિ વર્ષ થવા જાય છે. આ પૈકી 40% ખર્ચ વિકાસશીલ દેશોમાં થાય છે.

તમાકુના સેવનને કારણે દર વર્ષે દુનિયામાં 80 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. વિશ્વમાં કેન્સરથી થતાં કૂલ મૃત્યુ પૈકી 25% મૃત્યુ માટે તમાકુ જવાબદાર હોય છે. તમાકુથી જુદા-જુદા 20 પ્રકારના કેન્સર થાય છે. તમાકુનું સીધું સેવન ન કરતા એટલે કે નિષ્ક્રીય ધુમ્રપાન (Passive Smoking)થી વર્ષે 12 લાખ જેટલા લોકો મૃત્યુ પામે છે. તેમ છતાં દિન-પ્રતિદિન આ ઉદ્યોગ ફુલ્યો-ફાલ્યો જ રહે છે. આ ઉદ્યોગ પોતાના હાલના ગ્રાહકો પૈકી 80 લાખ ગ્રાહકો દર વર્ષે ગુમાવતા હોવા છતાં ખૂબ જ પ્રગતિ કરે છે. આ મૃત્યુ પામતા ગ્રાહકો પરત મેળવવા અને તેમાં વધારો કરવા તમાકુ કંપનીઓ વર્ષે 68 હજાર કરોડ રૂપિયા જાહેરાતો અને માર્કેટીંગ પાછળ વાપરે છે. વધુમાં, મૂડીવાદી નિષ્ઠુર તમાકુ કંપનીઓ તેઓને લાંબાગાળાના ગ્રાહકો મળી રહે તે માટે હવે બાળકો અને તરુણોને આકર્ષવાના નુસખાઓ અપનાવી રહી છે; જેમાં મનભાવન ફ્લેવર, સોશીયલ મીડિયાનો ઉપયોગ, આકર્ષક પેકિંગ અને દેખાવ, ફ્રીમાં નમૂના, સ્કૂલ પ્રોગ્રામમાં સ્પોન્સરશીપ, શિષ્યવૃતિ વગેરેનો સમાવેશ થાય છે.

તમાકુની નુકસાનકારક અસરોને રોકવા સૌકાઓ પહેલાથી પ્રયત્નો થઈ રહ્યાં છે. ત્રણ સમકાલીન શાસકો, ઇંગ્લેન્ડના કિંગ જેમ્સ પ્રથમ, પર્શિયાના શાહ અબ્બાસ અને ભારતના મુઘલ સમ્રાટ જહાંગીરએ તમાકુ ઉપર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. જહાંગીરએ તમાકુ પીવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ખલીલ પાશા વધુ કડક હતા અને તમાકુના ધૂમ્રપાન વિરુદ્ધ નિષેધકારક હુકમનામું પસાર કર્યું હતું કે જે તમાકુ પીતાં પકડાશે તેના હોઠ કાપી નાંખવામાં આવશે અને આંખો બહાર કાઢી લેવામાં આવશે. હિજરીમાં, રશિયાએ પણ ધૂમ્રપાન વિરુદ્ધ કેટલાક નિયમો પસાર કર્યા હતા.

તમાકુથી થતા રોગો, તમાકુ ઉદ્યોગની આક્રમક માર્કેટીંગ નીતિ અને સૌથી વધુ અગત્યનું તેવું દર વર્ષે મૃત્યુ પામતા ગ્રાહકોની જગ્યાએ નવા ગ્રાહકો બનાવવા અને તેમાં પણ વિકાસ સાધવા જે રીતે બાળકો, તરુણો અને યુવાનોને ટાર્ગેટ બનાવવામાં આવી રહેલ છે, તે ધ્યાને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા અપ્રચાર (Anti-Marketing) અભિયાન શરુ કર્યું છે. 2020ના વિશ્વ તમાકુ નિષેધ દિવસના અભિયાનમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે.

  1. તમાકુ કંપનીઓ દ્વારા વિવિધ યુક્તિઓ અજમાવી ખોટી વાર્તાઓ બનાવી યુવા વર્ગનું બ્રેઈન વોશ કરવામાં આવે છે, તેનો પર્દાફાશ કરવો. સિગારેટનો કસ લેવાથી મહારાજા બની જવાય છે કે તાકાતવાન બની જવાય છે તેવી જાહેરાતો આવે છે તેની સચ્ચાઈ તરુણો અને યુવાઓની સામે લાવવી.
  2. તમાકુ કંપનીઓની વર્તમાન અને ભાવી પેઢીઓને તમાકુ તથા નિકોટીનથી વળગાળી રાખવાની ભયંકર યોજનાઓ વિશે યુવાઓને જ્ઞાન આપવું.
  3. જે લોકો ઘરે, કુટુંબમાં, વર્ગ ખંડમાં, કચેરીમાં, સમાજમાં, સોશીયલ મીડિયામાં પ્રભાવ પાડી તમાકુની ખરાબ આદતથી બચાવી શકે તેમ છે તેઓને અભિયાનમાં સામેલ કરવા અને પ્રોત્સાહિત કરવા.

આ અભિયાનમાં વિવિધ વર્ગના લોકો કેવી રીતે મદદરૂપ થઈ શકે તે જોઈએ તો –  (1) સેલિબ્રિટિઝ અને અન્ય પ્રભાવશાળી લોકો તમાકુ અને નિકોટીનની જાહેરાતો કરવા કે તેના બ્રાંડ એમ્બેસેડર બનવાની તમામ ઓફરો ઠુકરાવે. (2) સોશીયલ મીડિયા કંપનીઓ તમાકુ અને તેના ઉત્પાદનોની જાહેરાતો ઉપર સંપૂર્ણ પણે પ્રતિબંધ મૂકે. (3) ફિલ્મ, ટેલીવિઝન અને નાટકો બનાવતી કંપનીઓ તમાકુ કે ઇ-સિગારેટ ન દર્શાવે. (4) માતા-પિતા અને સગાં-સંબંધીઓ બાળકોને તમાકુ કંપનીઓની ઝાકમઝોળ વાળી જાહેરાતોમાં ફસાઈ ન જવા પુરતી સમજણ આપે. (5) શાળાઓ તમાકુના સેવનથી થતાં નુકશાન માટે વિદ્યાર્થીઓને સમજાવે, શાળાના કોઈપણ ફંકશનમાં આવી કંપનીઓની સ્પોન્સરશીપ ન સ્‍વીકારે કે આવી કોઈપણ પ્રોડકટની જાહેરાત ન કરે. (6) સરકાર તમાકુનો ઉપયોગ રોકવા પુરતો પ્રયત્ન કરે, જો સંપૂર્ણ પ્રતિબંધ ન મૂકી શકે તો, વિવિધ પ્રકારના નિયંત્રણો લાદી તેની બજારમાં ઉપલબ્ધિ ઘટાડી શકે અને ખૂબ જ ખર્ચાળ બનાવી શકે.  

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તારીખ 31 મે ને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે જાહેર કરેલ છે, પરંતુ તેના પ્રયત્નો આખા વર્ષ દરમ્યાન ચાલુ જ રહે છે. તમાકુનો વપરાશ અટકાવવા 2005 થી MPOWER અભિયાન પણ શરુ કરવામાં આવેલ છે. જે ખૂબ જ અસરકારક પણ રહ્યું છે.

અંતમાં….

માનવજાત સાથેનો તમાકુનો સંબંધ ખૂબ જ જુનો છે તેવી રીતે ભારતમાં પણ તમાકુનો અલગ-અલગ રીતે ઉપયોગ ઘણા સૌકાઓથી થાય છે, પરંતુ ભારતમાં આધુનિક રૂપમાં પોર્ટુગીઝો દ્વારા લાવવામાં આવેલ છે. ભારત ધર્મનિરપેક્ષ દેશ છે, પરંતુ હિન્દુઓ બહુમતી ધરાવે છે. હિન્દુ ધર્મ પરંપરાગત રીતે તમામ માદક દ્રવ્યોથી દૂર રહેવાની હિમાયત કરે છે. તે પછી પણ, ભારત વિશ્વનો બીજા નંબરનો તમાકુનો ઉપયોગ કરતો અને વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી વધુ ઉત્પાદક દેશ છે. તમાકુ માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તમાકુથી કેન્સર, ફેફસાના રોગો, લોહીનું દબાણ, હૃદય રોગ, નપુંસકતા, પાચનતંત્રને લગતા રોગો, ચેતાતંત્રને લગતા રોગો જેવા વિવિધ જીવલેણ રોગો થાય છે. 15 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો પૈકી 31.12.2018ની પરિસ્થિતિએ પુરુષોમાં 42.4% અને સ્ત્રીઓમાં 14.2 % મળી સરેરાશ 28% લોકો તમાકુના વ્યસની છે. જ્યારે 13 થી 15 વર્ષની ઉંમરના તરુણો પૈકી 19% છોકરાઓ અને 8.3% છોકરીઓ સાથે 14.6% સરેરાશ તરુણો તમાકુના વ્યસની છે.

ભારતમાં તમાકુની લત લાગવા પાછળ મુખ્યત્વે એકબીજાની દેખાદેખી, સ્ટેટસ સિમ્બોલ બતાવવા, ટીનેજર પોતાની જાતને યુવાવયનો થઈ ગયો છે તે બતાવવા, યુવતીઓ અમે 21મી સદીની બિન્દાસ યુવતીઓ છીએ તેવું બતાવવા, ગામડાના લોકો ઓટલે બેઠા તમાકુ ચાવે, મજૂરી કામ કરતા લોકો શક્તિવર્ધક માનીને ખાય, કેટલાંક લોકો પુરુષત્વની શાનને ગણી તમાકુ ખાવાનું અને સિગારેટની ફૂંકો મારવાનું છોડતા નથી. આ બધાની પાછળ જવાબદાર છે, તમાકુ કંપનીઓની આક્રમક માર્કેટીંગ સ્ટ્રેટેજી અને તેમાં “સિગરેટ કા ધૂંએ કા છલ્લા બનાકે” અને “દમ મારો દમ” જેવા ફિલ્મી ગીતો અને અન્ય દ્રશ્યો તેમાં બળતણ પુરું પાડે છે.

ઇતિહાસમાં જુદા-જુદા સમયે જહાંગીર જેવા રાજાઓ અને ધાર્મિક નેતાઓ દ્વારા તમાકુના વપરાશ ના વિરોધની ભારતની એક વિશિષ્ટ પરંપરા છે. મહાન શીખ ગુરુ ગોવિંદસિંહે શીખ સમુદાયના સભ્યો માટે ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે વાઇન ખરાબ છે, ભાંગ એક પેઢીનો નાશ કરે છે, પરંતુ તમાકુ બધી પેઢીઓને નષ્ટ કરે છે. ત્યારબાદ શીખો દ્વારા તમાકુનો ઉપયોગ ધાર્મિક વર્જિત માનવામાં આવે છે. મિત્રો, આપણી આજુબાજુ, આપણા સગાં-વહાંલાઓ પૈકી ઘણાં લોકો તમાકુનું એક યા બીજી રીતે સેવન કરતા હોય છે. તેઓ પોતાનું સ્વાસ્થ્ય, નાણા વગેરેને બરબાદ કરે છે અને અંતે કોઈપણ જીવલેણ બિમારીને આમંત્રણ આપે છે. આવા લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો શેખીઓ મારે છે કે, ગમે ત્યારે મરવાનું તો છે જ તો શું કામ ચિંતા કરવાની? આવા લોકો સમજી લે કે કેટલું જીવ્યા કરતાં કેવું જીવ્યા તે મહત્વનું છે, બાકી જીવન તો કૂતરા-બિલાડા અને ઢોર-ઢાંખર પણ જીવી નાખે છે, એમાં તમે શું મોટી ધાડ મારી? આજની પેઢી આનંદ માણવામાં, પ્રેમ કરવામાં, બિન્દાસ રહેવામાં માને છે, તેઓએ ક્ષણિક વિચાર કરવાની જરૂર છે કે આ બધુ ફક્ત તમાકુના સેવનમાં જ નથી. હકીકતમાં તમારા ઝમીરને ઢંઢોળો અને પૂછો તો તમને સમજાશે કે તમાકુનું સેવન તમને પણ પસંદ નથી, પરંતુ આ આદત ફક્ત અને ફક્ત તમારા મન પર કાબૂ મેળવવાની નિર્બળતા છે. આ નિર્બળતા બાબતે શ્રી જયભાઈ વસાવડાના એક વાક્યને ચોક્કસ ટાંકીશ – “એક-દોઢ વર્ષનું બાળક પોતાની માનું અમૃત તુલ્ય ધાવણ મૂકી શકે છે અને આવડા ઢાંઢાઓ આવી હલકી એક તમાકુની આદત ના મૂકી શકે?” અને મારી અંગત લાગણી છે કે, “જે કુટુંબ પોતાની દીકરીના વ્યસની વ્યક્તિ જોડે લગ્ન કરે છે, તે તેને જીવતા જીવ નરકમાં મોકલે છે.”  

આપણા સહુની નૈતિક જવાબદારી છે કે આપણા સંપર્કમાં હોય કે જાણીતા હોય તે બધાને તમાકુની વિનાશક અસરોથી અવગત કરાવી વ્યસન છોડવા પ્રેરીએ. આ પણ એક મહાયજ્ઞ જ છે અને તેમાં સામેલ થવા બધાને મારી નમ્ર અરજ છે.

Related Articles

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,101FansLike
293FollowersFollow
1,083SubscribersSubscribe
- Advertisement -

Latest Articles