જેવું અન્ન તેવું મન…

Posted by

We don’t live in Bungalows, Duplexes or Flats. We live in Our Minds. That’s our Permanent Residence. Keep it beautiful and clean….

“જેવું અન્ન તેવું મન” આ કહેવત આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ, પરંતુ ક્યારેય શાંતિથી વિચાર્યું છે? કે આવું કેમ કહેવાય છે? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો એવું કહેવું પડે કે, “જેવું અન્ન તેવું તન અથવા તો શરીર” એટલે કે ખોરાકમાંથી આપણને વિવિધ પ્રકારના વિટામિન, પ્રોટીન તથા અન્ય તત્વો મળે છે. આ તત્વો આપણા શરીરના બંધારણનો ભાગ હોય છે અને શરીરને ટકાવવા માટે અતિ આવશ્યક પણ હોય છે. આપણા શરીરના વિવિધ ભાગો જેવા કે સ્નાયુઓ, માંસપેશીઓ, હાડકાઓ વગેરે આવા તત્વોના જ બનેલા હોય છે. પરંતુ કહેવાય છે શું? કે જેવું અન્ન તેવું મન. આવું એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે આપણા આહારની આપણા વિચારો કે મન ઉપર ખૂબ જ ઊંડી અસર પડતી હોય છે. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં પણ આ બાબતોનો ઉલ્લેખ વિવિધ જગ્યાએ જોવા મળે છે. છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું છે કે “અન્નમયં હિ સૌમ્ય મન:” એટલે કે આપણે જેવું અન્ન ખાઈએ છીએ, તેવું જ આપણું મન બનતું હોય છે.

અન્નની આપણા મન ઉપર આટલી બધી અસર કેમ પડે છે? તેનું કારણ પણ એ જ છે કે આપણું શરીર અન્નથી જ ઉત્પન્ન થયેલું છે. ગીતાજીના ત્રીજા અધ્યાયના ૧૪માં શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને સ્પષ્ટ જ કહ્યું છે કે “અન્નાદ્ભવંતિ ભૂતાની” એટલે કે પૃથ્વી પરના તમામ જીવો અન્નથી જ ઉત્પન્ન થાય છે. માટે સારા વિચારો, સ્વસ્થ મન અને સારા જીવન માટે સાત્વિક આહાર લેવો અતિઆવશ્યક છે. સાત્વિક આહારનું મહત્વ સમજાવતાં પણ શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના સત્તરમા અધ્યાયમાં આઠમાં શ્લોકમાં જણાવ્યું છે કે, સાત્વિક આહાર લેવાથી “આયુ:સત્વબલારોગ્યસુખપ્રીતિવિવર્ધના:” એટલે કે આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, અને સુખ મળે છે તથા પ્રભુ પ્રત્યે પ્રીતિ વધે છે.

જ્યારે સારા આહારની વાત કરીએ છીએ ત્યારે શાકાહારી અને સાત્વિક આહાર જ લેવો જોઈએ અને માંસાહારનો તો સદંતર ત્યાગ જ કરવો જોઈએ. માંસાહારમાં જે જીવોની હત્યા કરવામાં આવે છે, તેની મૃત્યુ પહેલાની પરિસ્થિતિ વિશે વિચારીએ તો પણ રુવાડા ઉભા થઇ જાય. તેમાં ભય, નફરત, હિંસા, જબરદસ્તી અને મૃત્યુની ભાવના રહેલી હોય છે. આ બધી ભાવનાઓ નકારાત્મક ઉર્જાની પરાકાષ્ઠા હોય છે. જો આવું અન્ન ઉપયોગમાં લેવામાં આવે, તો આપણા વિચારો નકારાત્મક થઈ જવાના અને આપણું મન પણ આવી નકારાત્મકતા વાળું જ બની જવાનું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેમાં પ્રોટીન વગેરેની માત્રા વધુ હોઈ શકે, પરંતુ અન્ય તમામ રીતે તે સ્વાસ્થ્યપ્રદ છે કે કેમ? તે પણ એક પ્રશ્ન છે. ચીનના લોકોની વિચિત્ર માંસાહારની આદતો અને તેના પરિણામો આપણા સહુની સમક્ષ જ છે. આ પ્રકારના ખોરાક વિશ્વમાં મહામારી નોતરે તેમાં કંઇ નવાઇ નથી.

પરમ પૂજ્ય સદ્‌ગુરુ શ્રી વિશ્વંભરદાસજીની મહારાજએ તેઓના પ્રવચનમાં, એ સમયે હું પણ ત્યાં હાજર હતો, એક વખત એવું કહેલું કે, “આપણે દરેક કાર્ય કરતી વખતે પ્રભુ સ્મરણ કરવું જોઈએ. કચેરીનું કામ કરતા હોઈએ કે ધંધો કરતા હોઈએ, સ્ત્રીઓ રસોઈ બનાવતી હોય કે કચરા-પોતા કરતી હોય, પ્રભુસ્મરણ નિરંતર રહેવું જોઈએ.” રસોઈ બનાવતી વખતે ભગવાનનું નામ લેવાથી બની રહેલ રસોઈમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તેનાથી આપણું મન હકારાત્મક ઊર્જા સાથેનું પ્રભાવશાળી બને છે. ભગવાનનું નામ લેવાની આદત ન હોય, તો મોબાઈલ કે ટીવીમાં ભગવાનના ગીતો, સ્તોત્ર કે એવું કંઈપણ હકારાત્મક કે આધ્યાત્મિક ચાલુ રાખી શકાય. પરંતુ ભૌતિક અને કર્કશ સંગીતવાળા ગીતો કે સિરિયલો તો હરગીઝ ચાલુ રાખવી ન જોઇએ. ઘરનું જમવાનું બનાવતી વખતે પણ મન પ્રસન્ન હોવું આવશ્યક છે. ઈર્ષ્યા, ગુસ્સો, મજબૂરી કે ઉદાસ મનથી બનેલી રસોઇ જમવાથી મન શુદ્ધ કે હકારાત્મક રહેતું નથી. રસોઈ બનાવતી વખતે કોઈની નિંદા-કૂથલી પણ ન કરવી જોઈએ અને ફોન ઉપર વાતો કરવાનું પણ ટાળવું જોઈએ. ઘરે પ્રભુ સ્મરણ કરતા-કરતા પ્રસન્ન મનથી બનેલી રસોઈ જ પ્રસાદ ગણી શકાય.

મિત્રો, શક્ય હોય ત્યાંસુધી બહારનો ખોરાક પણ ન જ લેવો જોઈએ. જે લોકો ભણવા માટે, કમાવા માટે એકલા રહે છે અને જેઓની પાસે અન્ય કોઇ વિકલ્પ નથી, તેઓએ બહારનું જમવું પડતું હોય છે. પરંતુ આપણે બધાને તો જાણે આદત પડી ગઈ છે કે હાલતાને ચાલતા ઓનલાઈન ઓર્ડર આપી દઈએ છીએ કે જમવા બહાર જતા રહીએ છીએ. જરા વિચારો કે બહાર જે જમવાનું બને છે, તે કેવા વાતાવરણ બની રહ્યું હશે? ત્યાં એકબીજા રાડા-રાડી કરતા હોય છે કે આ આપ અને પહેલું આપ, બનાવનારના મનની પરિસ્થિતિ કેવી હશે? કેટલી ઉતાવળમાં બનતું હશે? બનાવનારે જલ્દી કામ પૂરું કરવાના આશયથી બનાવેલું હોય તેવું પણ બને? બનાવનારનું જે-તે કંપની કે સંસ્થા શોષણ કરતી હોય તો મજબૂરીમાં પણ બનાવી રહેલ હોય તેવું પણ બને અને છેલ્લે સૌથી અગત્યનું કે બધું જ સારું હોય, તો પણ બહારનું ખાવાનું નફો કમાવાના આશયથી તો ચોક્કસ બનેલું હોય છે. જે આપણા વિચારો પણ એવા જ બનાવે છે. આજકાલ પેકિંગ ફૂડ જેવા કે, વેફર, બિસ્કીટ, ફરસાણ વગેરેનો પણ વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આવી વસ્તુના ઉત્પાદન એકમો મોટાભાગે ઓટોમેટીક પ્રોસેસથી ઉત્પાદન કરે છે. જે ખોરાક યંત્રવત બનેલ હોય, તે આપણા મનને પણ એવું જ બનાવે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને તેની અસરો આપણે સમાજમાં જોઈ રહ્યા છીએ, એટલે કે માણસ યંત્રવત બનતો જાય છે.

બહારનુ જમવાનું મંદિર, ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળોએ પણ બનતું હોય છે. ત્યાં નફાનો આશય નથી હોતો. આવા ધાર્મિક સ્થળોએ બનતું ભોજન સેવાની ભાવના સાથે બનાવવામાં આવે છે અને પીરસવામાં આવે છે, માટે તેને પણ પ્રસાદ ગણી શકાય. આ ઉપરાંત બહારનું જમવું ફરજિયાત હોય, તો શક્યત: શુદ્ધ અને સાત્વિક મળે તેવો બનતો પ્રયત્ન કરવો જોઈએ. મને યાદ છે કે હું વલ્લભ વિદ્યાનગર કોલેજમાં ભણતો ત્યારે અશ્વિનભાઈ(જેમને અમે લાલો કહેતા)ને ત્યાં જમતા. બહાર જમવાનું ફરજિયાત હતું; પરંતુ ત્યાં જમવાનું બનાવવાનું, જમાડતી વખતે તેનો ભાવ વગેરે ખૂબ જ હકારાત્મક હતા. આ ઉપરાંત રસોડાની ઉપર જ અગાસીમાં બે-ત્રણ સ્ત્રીઓ બધું જ અનાજ-કઠોળ વગેરે રોજ સાફ કરતી અને માસી (લાલાના મમ્મી) તેનું મોનિટરિંગ કરતા એટલે કે ચોખ્ખાઈનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવતું. આમ, જો બહારનું જમવું ફરજિયાત હોય, તો શક્યત: શુદ્ધ અને સાત્વિક ભોજન મળે તેની ખાતરી કરવી જોઈએ.

જમવા બેસવાની જગ્યા પણ પવિત્ર હોય તે જરૂરી છે. જમવાનું શરૂ કરતા પહેલા ભગવાનને યાદ કરવા જોઈએ અને જમવાનું આપવા બદલ પ્રભુનો આભાર પણ માનવો જોઈએ. ત્યારબાદ જમતી વખતે સંપૂર્ણ મૌન પાળવું જોઈએ. કોઈ પણ પ્રકારની ચર્ચાઓ, વાદ-વિવાદ, નિંદા-કૂથલી, ઈર્ષ્યા વગેરે જમતી વખતે ન કરવી જોઈએ. જમતી વખતે ટી.વી જોવાનું પણ ટાળવું જોઈએ. જમવાની દરેક વસ્તુનો સ્વાદ, રંગ, સુગંધ, સ્પર્શ વગેરે અનુભવવા જોઈએ. આજકાલ સિન્થેટીક ફ્લેવરવાળા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ વધતા અસલી ખોરાક ભૂલાતા જાય છે. કોઈ પણ ફળ ખાઓ ત્યારે તેને આખું હાથમાં લઇ સ્પર્શ કરો, તેનું નિરીક્ષણ કરો, રંગ – આકાર અનુભવો, તેની સુગંધને માણો, પછી તેને સાફ કરીને શક્ય હોય ત્યાં સુધી આખું જ હાથમાં રાખી ખાવાની આદત કેળવો. જો આ ફળનો બજારમાં મળતો સિન્થેટીક ફ્લેવરવાળો જ્યુસ પી લેશો તો કેલરી જ વધશે, બોડી ઘટશે નહીં અને મન પણ ભાવનાત્મક થવાને બદલે સિન્થેટિક જ થતું જશે. જમવાનું પૂર્ણ થાય ત્યારે કંઈ જ એઠું ન રહે તેની પણ પૂરતી કાળજી રાખવી જોઈએ.

અન્નની આપણા મન ઉપર સીધી અસર થતી હોય, તે બનાવવાથી લઈ તેના ઉપયોગ સુધી પૂરતી સાત્વિકતા જળવાઈ રહે તે જરૂરી છે. ગીતાજીના ૧૮માં અધ્યાયમાં પણ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે, “લધ્વાશી બ્રહ્મભૂયાય કલ્પતે” એટલે કે પચવામાં હલકો, સાત્વિક અને ઓછી માત્રામાં નિયમિતપણે ખોરાક લેનારો બ્રહ્મમાં અભિન્નભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે. આ ઉપરાંત છઠ્ઠા અધ્યાયના ૧૭માં શ્લોકમાં પણ જણાવાયું છે કે, “યુક્તાહારવિહારસ્ય યોગો ભવતિ દુ:ખહા” એટલે કે યથાયોગ્ય આહાર-વિહાર કરનારને જ દુઃખોનો નાશ કરનાર યોગ સિદ્ધ થાય છે. આમ, અન્નની શરીર કરતાં પણ વધુ અસર મન અને વિચારો ઉપર પડતી હોય, તેમાં સાત્વિકતા અનિવાર્ય છે. આ ઉપરાંત કોવિદ – ૧૯ની મહામારીના સમયમાં પણ ઘરનો અને તાજો ખોરાક લેવાની સલાહ જ આપવામાં આવે છે. તો હર-હંમેશ સાત્વિક અને સમતોલ આહાર કરો તથા તન, મન અને ધનથી સ્વસ્થ રહો….

7 comments

  1. ખરેખર,જો આ મુજબ નું પાલન કરવામાં આવે તો આપણા શરીરના 99% રોગ અસ્તિત્વમાં જ ન રહે…
    આભાર..👌👌

  2. આહાર એ આપણા મન ઉપર ઘણી મોટી અસર ઊભી કરે છે, એ વાત હવે વૈઞાનિક રીતે પણ પુરવાર થઈ ્ચુકી છે.મન એ કોઇ પણ વ્યકિતના વ્યકિતત્વનુ દપૅણ છે.જો આ મન જ અસ્તવ્યસ્ત હશે તો માનવજાતિ માટે આવનારો સમય સંકટ લઈ આવશે.યોગિક સંસ્કૃતિમાં મનની સ્થિરતા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે.જેણે મનને જાણી લીધું છે, તેણે પરમાત્માને જાણી લીધાં છે. આ દ્શ્ય જગતમાં જે કંઈ ચાલી રહયું છે તે મનનાં ખેલ માત્ છે.એટલે આ મનને જાણવા, જીતવા અન્ન એ એક મહત્વનું સાધન છે.
    ખૂબ સરસ લેખ, અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *